કોઈ આધુનિક યુવતી બાળમજૂર અને અગરિયાઓના ઉત્કર્ષમાટે સમર્પિત થાય? મળો નિરૂપાબહેન શાહને.

 

કોઈ આધુનિક યુવતી બાળમજૂર અને અગરિયાઓના ઉત્કર્ષ માટે સમર્પિત થાય ? મળો નિરૂપાબહેન શાહને

( સમાજની સુગંધ /પોઝિટિવ સ્ટોરીઝ્/સંપાદક: રમેશ તન્ના/ગૂર્જર)

અમદાવાદ શહેરની ચમક-દમકવાળી જિંદગીને બદલે મીઠું પકવતા અગરિયાની વચ્ચે જઈને કોઈ યુવતી બેસે તો નવાઈ જ લાગે. આજકાલની આધુનિક યુવતીઓને શહેર છોડવું સહેજે ના ગમે. આવી  સ્થિતિમાં એક યુવતી અગરિયાઓના ઉત્કર્ષ માટે જબરદસ્ત કામ કરી રહી છે. તેની વ્યાસાયિક સજ્જતા ઉચ્ચ છે તો સાથોસાથ વિચારો પણ ઉચ્ચ છે. તેને અગરિયાનાં બાળકો, યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સફળતા મેળવી છે.

નિરૂપાબહેન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વેરાવદર ગામનાં. માતા ચારુબહેન હેલ્થમાં નોકરી કરતાં હતાં અને પિતા નવનીતભાઈ ખેતીવાડી અને કોટનના ધંધા સાથે સંકળાયેલા હતા. નિરૂપાબહેને ભાવનગર યુનિવર્સિટીમાં ગઢડામાંથી ‘માસ્ટર ઈન સોશિયલ વેલ્ફેર’ કર્યું છે. એ પછી તેમણે એલ.એલ. બી પણ કર્યું છે.

તેઓ કચડાયેલા અને છેવાડા લોકોના ઉત્કર્ષ માટે સતત કામ કરી રહ્યાં છે. તેઓ બાળ અધિકારની ગુજરાતની ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. સ્ત્રીજાગૃતિકરણ અને એચઆઈવી કાઉન્સિલિંગ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે.

તેઓ ગુજરાતની જાણીતી સંસ્થા ‘ગણતર’નાં ડાયરેકટર છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં, રણની કાંધે આવેલી ગિજુભાઈ બધેકા અકાદમીના પરિસરમાં બેસીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. અગરિયાઓના ઉત્કર્ષ માટે ‘ગણતર’ સંસ્થા વર્ષોથી સક્રિય અને પ્રતિબદ્ધ છે. ‘ગણતર’ સંસ્થાના સ્થાપક છે કર્મશીલ સુખદેવભાઈ પટેલ. ગુજરાતની સેવાકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તે મોખરાનું નામ છે. તેઓ અદના સમાજસેવક હોવાની સાથે કેળવણીકાર, સમાજશાસ્ત્રી અને દૃષ્ટિવંત સમાજ-આગેવાન પણ છે.

‘ગણતર’ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ વગેરે ક્ષેત્રમાંસાતત્ય સાથે ઘણા સફળ પ્રયાસો કર્યા છે. સુરેન્દ્રનગરના ખારાઘોડા ઉપરાંત કચ્છમાં પાનન્ધ્રો, જામનગરમાં સિક્કા અને વાપીમાં અગરિયાઓ માટે ઉત્કર્ષ  કેન્દ્રો શરૂ કર્યાં છે. અગરિયાનાં બાળકોને ભણવાનું મળે તે માટે આ સંસ્થાએ વર્ષો પહેલાં રણમાં શાળાઓ શરૂ કરી હતી. હમણાં તેમણે કિચન-ગાર્ડનનો સફળ પ્રયોગ કર્યો છે.

નિરુપાબહેને અગરિયાઓના ઉત્કર્ષ માટે અનેક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.અહીં તારુણ્ય શાળાનો પ્રયોગ થયો છે. ગામડામાં રહેતા ગરીબ લોકો સુધી હવે પડીકાં સંસ્કૃતિ પહોંચી ગઈ છે. બાળકો વેફર, કુરકુરે વગેરેનાં પડીકાં ખરીદીને ખાય છે. નિરૂપાબહેન દસ ગામોમાં બહેનોને તાલીમ આપી. બહેનો જાતે વેફર બનાવે છે, સેવ-મમરા તૈયાર કરે છે. તાજા નાસ્તા કિફાયતી ભાવે વધારે જથ્થામાં વેચવામાં આવે છે.

નિરૂપાબહેનનું બીજું મહત્ત્વનું કાર્ય એટલે બાળમજૂરી નિર્મૂલન. અત્યાર સુધી તેઓ હજારો બાળમજૂરોને મજૂરીમાંથી પાછા લાવ્યાં છે. અનેક ખોવાયેલાં બાળકોને તેમનાં માતા-પિતા સુધી પહોંચાડ્યાં છે.ચાર વર્ષ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ચાઈલ્ડ મોડેલ ઑફિસમાં સિટીકો—ઓર્ડિનેટર તરીકે કામ કરતાં હતાં. બિહાર, રાજસ્થાન અને બંગાળમાંથી કૉંટ્રાકટરો ખોટું બોલીને અનેક બાળકોને અહીં ગુજરાતમાં બાળમજૂરી કરાવવા માટે લઈ આવે છે. આવા બાળમજૂરોને છોડાવવાનું કામ નિરૂપાબહેન હિંમત, નિસબતથી અને જોખમો લઈને કર્યું છે. ‘ગાંધીમિત્ર’ સહિત  અનેક પુરસ્કારોથી સન્માનિત થનારાં નિરૂપાબહેન પાસેથી ગુજરાતને હજી ઘણી અપેક્ષાઓ છે.

**************

નિરૂપા શાહ

સાને ગુરુજી કેમ્પસ, સાણંદ—નળ સરોવર રોડ, અણિયારી ગામ પાસે,

પોસ્ટ:વેકરિયા, તાલુકો :વિરમગામ, જિલ્લો :અમદાવાદ પીન કોડ :382150

સંપર્ક નંબર :94285 21201

e-mail: gantar.org@gmail.com

——————————————————————-

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,096 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો