ગુરુને પાનો ચડે છે

ગુરુને પાનો ચડે છે

ભાણદેવ

 | 7 Minute Read

માનવ સમાજ પાસેથી ઘણું પામે છે. સમાજ વિના એકલો માનવી જીવી ન શકે. માનવનું સમગ્ર જીવન સમષ્ટિ આધારિત છે. માનવ સમાજ પાસેથી પામે છે, તેમ સમાજને કાંઈક આપે પણ છે. સમાજ પાસેથી કાંઈક પામીને પછી સમાજને કાંઈક આપવાની પ્રક્રિયાને આપણે સેવા એવું મોટું નામ આપીએ છીએ. વસ્તુતઃ સેવા તો ઋણ ચુકવવાની ઘટના છે. આપણે લીધા જ કરીએ અને આપીએ નહિ તો તે કઢંગો વિનિમય છે. લઈએ તેટલું અને બની શકે તો થોડું વધારીને આપીએ. આ વ્યક્તિ-સમષ્ટિ વચ્ચેના વિનિમયની યથાર્થ ઘટના છે. લેવાની ઘટના ઋણ લેવાની અને આપવાની ઘટના ઋણ ચૂક્વવાની ઘટના છે. આ ઋણ ચૂકવવાની ઘટનાને આપણે સેવા એવું મસમોટું નામ આપી દીધું છે.

સમાજ સેવાનું સર્વ શ્રેષ્ઠ સ્વરૂપ ક્યું? અધ્યાત્મ ! બાપરે ! બહુ મોટી વાત થઈ ! થોડું સરલ, સર્વજનસુલભ સ્વરૂપ કયું ? શિક્ષણ !

સમાજ સેવાનું, સમાજ ઘડતરનું એક ખુબ મૂલ્યવાન અને ખૂબ ઉચ્ય કોટિનું માધ્યમછે – શિક્ષણ.

નવજાત શિશુની માતાના સ્તનમાં દુધ ભરાય છે, ઊભરાય છે. તે વખતે માતા પોતાના સંતાનને સ્તનપાન કરાવવા માટે તીવ્રતાપુર્વક આતુર બની જાય છે. આ ઘટનાને પાનો ચડવો કહેવામાં આવે છે. ગાયને પાનો ચડે છે અને ગાય પણ પોતાના નવજાત શિશુને સ્તનપાન કરાવવા આતુર બની જાય છે.

આવી જ પાનો ચડવાની ઘટના શિક્ષકના જીવનમાં પણ ઘટે છે. આ ઘટના બહિરંગ નથી, અતરંગ છે. આ ઘટના દુધ પાવાની ઘટના નથી, જ્ઞાન પાવાની ઘટના છે. શિક્ષકને પાનો ચડે ત્યારે શિક્ષક વિધાર્થીઓને જ્ઞાનનું પાન કરાવવા માટે આતુર બની જાય છે. હા, તે શિક્ષક સાચો શિક્ષક હોય તો જ તેના જીવનમાં આ પાનો ચડવાની ઘટના ઘટે છે.

બાળકનું પેટ ભરાઈ જાય એટલે માતાનો પાનો ઊતરી જાય છે. વાછરડાનું પેટ ભરાઈ જાય કે માનવી ગાયનું દુધ દોહી લે એટલે ગાયનો પાનો પણ ઉતરી જાય છે પરંતુ શિક્ષકનો પાનો તેમ ઉતરી જતો નથી. તે તો રહે જ છે અને જીવનભર રહે છે. સાચો શિક્ષક કદી શિક્ષક મટી શકે નહિ, તેનો પાનો ઊતરી શકે નહિં. ઔપચારિક સ્વરૂપે શિક્ષણનું કાર્ય વિરમી જાય તો પણ શિક્ષક તો શિક્ષક જ રહે છે. અને કોઈને કોઈ રીતે જ્ઞાન વિતરણનું તેનું કાર્ય ચાલુ જ રહે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનમાં પણ આવી ઘટના જોવા મળે છે. સિદ્ધિ પ્રાતિ પછી જગદંબાએ ઠાકુરને કહ્યું અધ્યાત્મને વિશ્વભરમાં ફેલાવી દે તેવા ઉચ્ચ કોટિના આત્માઓ તારી પાસે આવશે.

વિવેકાનંદ, બ્રહ્માનંદ, ભુતેશાનંદ આદિ સમર્થ શિષ્યો આવ્યા તે પહેલાંની આ વાત છે.

બાલવત નિર્દોષ અને સહજસરલ ઠાકુર પોતાના આ શિષ્યોના આગમન માટે ખુબ ખુબ આતુર બની ગયા. તેઓ મકાનની અગાશીમાં જઈને બૂમો પાડતા.

“અરે તમે કયારે આવશો ? અરે ! તમે જુઓ તો ખરા. તમારા માટે મારું હદય કેવું નિચોવાઈ જાય છે, અરે તમે ક્યારે આવશો ? તમે કયારે આવશો ?”

પોતાના ભાવિ શિષ્યોનાં આગમન માટે ઠાકુરની આ વ્યાકુળતા શું છે? ગુરૂની ચેતનામાં પોતાના શિષ્યને જ્ઞાન આપવા માટે આતુરતા પ્રગટ થાય છે. આ ગુરૂને પાનો ચડવાની ઘટના છે. આ ગુરૂને જ્ઞાનરૂપી દુધ આપવાની આતુરતા રૂપી પાનો ચડવાની ઘટના છે. જુઓ આ સદગુરૂનો પાનો છે.

વેદમાં એવા મંત્રો જોવા મળે છે જેમાં ઋષિ બ્રહ્ચારીઓને અર્થાત વિદ્યાર્થીઓને બોલાવતા હોય છે, પોતાની પાસે આવીને વિધા ગ્રહણ કરવા માટે બોલાવતા હોય છે. આ શું છે? ઋષિ વિધાર્થીઓને શા માટે બોલાવે છે? ઋષિ વિધાર્થીઓને બોલાવતા હોય છે કારણ કે ઋષિઓ ને પાનો ચડ્યો હોય છે. આ શાનો પાનો છે? આ જ્ઞાનનો પાનો છે. ગાયને દુધનો પાનો ચડે છે. માતાને પણ દુધનો પાનો ચડે છે, તેમ તે ગુરૂને, શિક્ષકને જ્ઞાનનો પાનો ચડે છે.

શિક્ષક પોતાની વિદ્યાર્થી અવરથામાં કોઈની પાસે જ્ઞાન ગ્રહણ કરે છે. આ જ્ઞાન કોઈને આપે નહિ, અને પોતાની પાસે રાખીને જ પોતાની જીવનલીલા સંકેલી લે તો ઋષિ ઋણ બાકી રહી જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનનું વિતરણ કરવું આ જ પરંપરા છે. અને આ પરંપરાથી વિધાનું રક્ષણ થાય છે. આ તંતુ તુટવો ન જોઈએ. આ તંતુ ચાલુ રાખવાનો ઋષિ આદેશ છે. આ તંતુ ન ચલાવી શકે તે ઋષિ ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. સંતાન પરંપરા ચાલુ રાખવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. શિષ્યપરંપરા ચાલું રાખવાથી ઋષિઋણ માંથી મુક્ત થવાય છે. અને આધ્યાત્મ પરંપરા ચાલુ રાખવાથી દેવ ઋણમાંથી મુક્ત થવાય છે. જ્ઞાની પુરુષના હદયમાં સ્વાભાવિક રીતે જ એવો ભાવ થાય છે કે પોતે જ્ઞાન યોગ્ય વ્યક્તિઓને આપે, જ્ઞાનનું વિતરણ કરે, પોતાની પાસે જે છે, તે અન્ય અધિકારી વિધાર્થીઓને આપે. આવો ભાવ ગુરૂ કે શિક્ષકના મનમાં થાય છે. તદનુસાર તે વિધાર્થીઓના આગમન માટે અને જ્ઞાન વિતરણ માટે આતુર થઈ ઉઠે છે. આ આતુરતાને અર્થ છે – ગુરૂને પાનો ચડે છે. આ પાનો ચડવાની ઘટના ઋષિના જીવનમાં જ ઘટે છે, તેમ નથી, કોઈપણ સંનિષ્ઠ શિક્ષકના જીવનમાં આ ઘટના ઘટી શકે છે. આજથી પચાસ વર્ષ પહેલાં નાનુભાઈ નામના એક સંનિષ્ઠ શિક્ષકને આવો શિક્ષકનો પાનો ચડયો અને આજપર્યત આ પાનો અસ્ખલિત સ્વરૂપે ચાલુ રહ્યો છે. તેમનો આ પાનો ઊતરતો જ નથી. નાનુભાઈના સાથી મિત્રોને પણ આ પાનો ચડવાનો ચેપ લાગ્યો છે. તદનુસાર આ પાના-મંડળી પોતાના પ્રિય કાર્ય શિક્ષણકાર્યમાં લાગી ગઈ છે.

કોઈ પણ એક જ સ્થાને પચાસ વર્ષ સુધી રહેવું અને કોઈ એક કાર્યમાં પચાસ વર્ષ સુધી લાગેલા જ રહેવું આ એક વિરલ ઘટના છે. આ અવ્યભિચારિણી શિક્ષણ ભક્તિ છે. નાનુભાઈ અને તેમના સાથી મિત્રોને આ અવ્યભિચારિણી ભક્તિ લાધી છે. નાનુભાઈ અને તેમના સાથી મિત્રોની આ અવ્યભિચારિણી ભક્તિ ઉત્તરોતર વૃદ્ધિગંત થતી રહે. તેમના દ્વારા અગણિત વિદ્યાર્થીઓ લાભાન્વિત થતા રહે. અને તેમને પણ આ અવ્યભિચારિણી શિક્ષણભક્તિ પ્રાસ થાઓ.

સહસ્ત્ર શુભ કામનાઓ.

[લોક વિધાલય વાળુકડની સુવર્ણ જયંતિ, તેના સ્થાપક/સર્જક શ્રી નાનુભાઈ ચિરોયાના અમૃતપર્વ નિમિત્તે પ્રકાશિત “લોકતીર્થ” અંકમાંથી સાભાર . લેખક: ભાણદેવ]

4Shares
 Share
 Share
 Tweet
 Email
 Share
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 778,017 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો