PANCHAMRUT
પંચામૃત(પાંચ રાધા કાવ્યો)
આ રાધા કાવ્યો સૌને પ્રસન્નતાથી છલકાવી દેશે એ વિશ્વાસ સાથે પીરસું છું.
ગોપાલ
1.રાધા/ દેવજી મોઢા
વરસી વહાલ અગાધા
મુજમાં કાંઇ ન હોતું તેને ય તેં
દીધ બનાવી રાધા !
હું સાધારણ ગોપ-બાલિકા,
તું મથુરાનો રાજા !
મિલકતમાં મટુકી મુજને,
તુજ વૈભવને નવ માઝા !
અણ-સરખાં બે અંતર,
તેને સમતા-દોરે સાંધ્યા !
મુજમાં
હેલ લઇ જમુના-ઘાટે
ક્યાં જલ ભરવા મુજ જાવું !
માર્ગ મહીં ક્યાં ચાર ચખોનું
મધુર મિલન સરજાવું !
કોઇ રંકને જનમજનમનાં
ફળ ઓચિંતા લાધ્યાં !
મુજમાં
આજ હવે જગ સારું છોને
રહે ઉડાવી હાંસી,
છો સહિયરનો સાથ નીરખે
આંખ કરીને ત્રાંસી !
લોક નિંદતું ત્યમ ત્યમ
તારી મમતા વધતી, માધા !
મુજમાં.
**************************************************************
***************************************************************
તોકે’રાધિકા !/દેવજી મોઢા
બીજ બની ઊગે અંકાશે તે કોણ ?
તોકે’રાધિકા !
નેઅંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ ?
તોકે’ રાધિકા !
વેલ પરે કળી બની ડોલે તો કોણ ?
તોકે’ રાધિકા !
ને હૈતાં સુગંધ ભર્યાં ખોલે કોણ ?
તોકે’ રાધિકા !
યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ ?
તોકે’ રાધિકા !
ને કાંઠાની મર્મરમાં ગાયે તે કોણ ?
તોકે’ રાધિકા !
બંસીમાં મીઠું મીઠું વાજે તે કોણ ?
તોકે’ રાધિકા !
ને આભના ગોરંભ મહીં ગાજે તે કોણ ?
તોકે’ રાધિકા !
ધરતીને ચીરી અંકુરે તે કોણ ?
તોકે’ રાધિકા !
ને કળિઓને ચિત્ત સંસ્ફુરે તે કોણ ?
તોકે’ રાધિકા !
********************************************
*******************************************
‘એલી રાધાડી !’/દેવજી મોઢા
વેળ તણાં વ્હેણને થંભાવી રાખી
મારે આવડી ને આવડી ર્ હેવું !
મારે તો આયખાના અંત લગી
મારા આ કાનજીની રાધાડી રહેવું !
માથું ગૂંથીને મારે લેવા છે મીંડલા,
ને ચોડવી છે ટીલડી ભાલે ;
આંખ મહીં આંજવાં છે કાજળ,
ને કરવી છે મેશની ટીપકી ગાલે !
વન મહીં વાય જેમ વાયુની લ્હેર,
એના મન મહીં મારે વાઇ ર્ હેવું !
મારે તો.
કાનજીના મુખેથી ‘એલી રાધાડી !’
એવો સાંભળું છું જ્યારે હું સાદ,
લાગે છે ત્યારે ને એની મીઠાશ કને
મોળો અમરત કેરો સ્વાદ !
અમરતનો છોડીને સ્વાદ મારે પીણામાં
કાનજીનું વેણ પી ર્ હેવું !
મારે તો.
મારે થાવું ન હવે રંગભીની રાધિકા,
થવું નથી મથુરાની રાણી,
મારે તો ગોકુલની ગ્વાલન રહેવું છે,
અને જાવાં છે જમનાનાં પાણી !
તીર પરે ઘૂમી રહ્યા ગિરધરને
મારે શિર ઘડૂલિયો ચડાવવાનું ક્ હેવું !
મારે તો.
****************************************
*****************************************
4.
રાધા !/’રશ્મિભિક્ષુ’
ગોકુળની ગલીઓમાં રમવાને ભમવાના
આવા શા ઓરતા ઓ રાધા !
જોબનનાં પૂર ભલે ધસમસતાં જાય,
લેજે ઉંબરો ઓળંગવાની બાધા !
સૈયરના સાથ મહીં મેળા નો મ્હાલવા
ને ઝરમરતા મેહમાં નો ના’વું;
ન્હાયા છો હોઇએ જી અત્તરિયા કુંડ મહીં,
આયના અગાડી નહીં જાવું !
ફાગણિયામાં ફૂલ ન્હોય અંબોડલે ઘાલવાં
ના ગુલમ્હોરી રંગમાં ભીંજાવું
કોયલનો કંઠ હોય હૈયામાં ગૂજતો છો,
વરણાગી રાગમાં નો ગાવું !
વાંસના અંકુર સમા દખણા’દા વાયરાના,
છોડી દે સરકંતા સાંધા !
આવા શા ઓરતા રાધા !
********************************
**************************
5.
ગોકુળમાં કોણ હતી રાધા ?/ઇસુભાઇ ગઢવી
દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન !
ગોકુળમાં કોણ હતી રાધા ?
તો શું જવાબ દૈશ, માધા ?….
તારું તે નામ તને યાદે નો’તું
તેદિ’રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,
તોય રાધા રમતી’તી સાત કોઠે,
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે
આવા તે સોગન શીદ ખાધા ?
તો શું જવાબ દૈશ, માધા ?….
રાધાના પગલામાં વાયું વનરાવન,
તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?
રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો,
ઇ રાધાને વાંહળી આઘાં પડી ગયાં,
આવા તે શું પદ્યા વાંધા ?
તો શું જવાબ દૈશ, માધા ?….
ઘડેકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન,
ઘડીકમા6 મથુરાના મ્હેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું,
ઘડીકમાં કુબજાના ખેલ !
હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ, કાન !
સ્નેહમાં તે હોય આવા સાંધા ?
તો શું જવાબ દૈશ, માધા ?…
ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા,
ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ,
નહીંતર રાખું એને આઘા.
સઘળો સંસાર મારો સોળે શણગાર,
મારા અંતરનો આતમ છે રાધા….
કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા…
કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા….
બહુ જ સરસ સંકલન. પૂરૂં આખ્યાન લિરિક્સ ઈ મેઈલ દ્વારા મોકલાવશો તો તમારો મોટો પા’ડ.
હારમાળા, શામળશાનો વિવાહ, પિતાનુ શ્રાધ્ધ વગરે આખ્યાન થી , અમ નાગરો નવી પેઢી અપરિચિત છે. ક્રૃપા કરી ને pdf ફાઇલ ઈ મેઈલ દ્વારા અમોને આપશો.🙏🙏જય અંબે