વો મેરી નિંદ, મેરા ચૈન મુઝે લૌટા દો/નિધિ ભટ્ટ

વો મેરી નિંદ, મેરા ચૈન મુઝે લૌટા દો/નિધિ ભટ્ટ

(મુંબઈ સમાચાર, રવિવાર 4/11/2018/ઉત્સવપૂર્તિ/પ્રાસંગિક /પાનું:8)

    મુંબઈની લાઇફસ્ટાઇલમાં આપણે બધું જ કામ ઉતાવળમાં કરતા હોઈએ છીએ, આપણા માટે પૈસા પછી જો બીજી કોઈ મહત્ત્વની વસ્તુ હોય તો તે છે સમય. સમય અને પૈસાની રેસમાં આપણે સંબંધોનો તો સાવ છેદ જ ઉડાડી નાખ્યો છે. દરેક કામ સમયસર થવું જરૂરી છે અને મુંબઈની લાઇફ એટલી વ્યસ્તછે કે બે ઘડી નિરાંતનો શ્વાસ લેવાની ફુરસદ નથી. બાળકો હોય કે કૉલેજ હોય કે નોકરિયાત વર્ગ બધા સવારે ઉઠીને તૈયાર થઈને પોતાના કામકાજમાં લાગી જાય છે.

    આખો દિવસ પછી જ્યારે બાળકો સ્કૂલ,ક્લાસ અને રમીને ઘેર પાછા આવે છે ત્યારે ફોન પકડીને બેસી જાય છે. યુવાનો અને નોકરિયાત વર્ગ પણ રાતના આવીને સીધા સોફા પર પગ લંબાવીને મોબાઇલમાં ઘુસી જાય છે. સાંજના ઘરે પાછા આવ્યા ત્યારથી રાતના સૂતા વખત સુધીના ચાર-પાંચ કલાકમાં, લોકો ફોનમાં ઓછામાં ઓછા બે કલાક તો ટાઇમ પાસ કરે જ છે. હું એમ નહીં કહું કે બધા જ લોકો ફોન પર ટાઈમપાસ કરતા હોય છે. પણ હા મોટાભાગના લોકો ફોન પર રહેતા હોય છે.

    ટૅક્નોલોજીનો ફાયદો તો ખૂબ જ છે પણ તેની અતિ આપણા મહામૂલા અંગત સમયનો બગાડ કરી રહી છે. કહેવાય છે કે ‘અતિની નથી કોઈ ગતિ ’. મુંબઈની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં પરિવારના દરેકે દરેક જણ આખો દિવસ કામકાજમાં લાગેલા હોય છે, પૈસા પાછળ દોડતા માણસો પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે અને એમાંય હવે સેલફોનનો વધારો થયો છે, તો બાપા હવે લોકો પરિવારને ઓછો અને મોબાઈલને વધુ સમય આપે છે.

    હવે થોડો વિચાર કરીએ કે લોકો કેમ રાતના પોતાની મીઠી નિંદરનો ત્યાગ કરીને ફોનને સમય આપે છે, આની પાછળ ફક્ત  બે પરિબળ છે એક તો એકલતા બીજું મનોરંજનની લત.

    એકલવાયો માણસ એટલે કે એકલો રહેતો હોય તે નહીં પણ મનથી પરિવાર કે મિત્રોથી દૂર થયેલા લોકો. જે પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી. અમિતાભ બચ્ચનનો ડાયલોગ તો યાદ હશેને કે ‘મે ઔર મેરી તન્હાઈ અકસર ઐસે બાતે કીયા કરતે હૈ..’ તેવા લોકો મોટા ભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે, એમ એક સર્વે દ્વારા જણાયું હતું.

    સોશિયલ મીડિયાની કાલ્પનિક દુનિયા એટલી માયાવી છે કે લોકો તેની જાળમાં ફસાયા પછી ભાગ્યે જ બહાર નીકળી શકે છે. રાતના ઉજાગરા કરીને આજની યુવા પેઢી પબજી, ફ્લેશ રોયલ, ફ્લેશ ઑફ ક્લેન્સ અને કાઉન્ટ સ્ટ્રાઈક જેવી ગેમો રમતી જોવા મળે છે. જ્યારે ઘણાં લોકો નેટફ્લિક્સ કે એમોઝોન પ્રાઈમ પર વૅબ સીરિઝ જોઈને રાત ગુજારતા હોય છે.

    આજની યુવા પેઢીતેમની અભ્યાસને લગતી કે કારકિર્દીને લગતી કે બીજી કોઈપણ પ્રકારની મુશ્કેલીમાંથી પોતાનું તાત્પૂરતા માટે ધ્યાન ભટકાવા માટે ગેમ, ફિલ્મ, વૅબસિરીઝ અને એનિમે તરફ ધ્યાન દોરે છે. ક્યારેક ક્યારેક આ વળગણ તેમના કામના આડે આવે છે છતાં આદતથી મજબૂર તેઓ વળગણને છોડી શકતા નથી.

    મુંબઈના નોકરિયાત વર્ગ અને ટીનેજરની વાત કરીએ તો તેમાંથી અડધોઅડધ લોકો ઘરે જઈ જમી પરવારીને મોબાઈલને ચોંટી જતા હોય છે. મોબાઈલની અતિશયોક્તિને લીધે લોકો સાતથી આઠ કલાકની નીંદર લેતા નથી અને શરીરને યોગ્ય આરામ ન મળવાથી આખો દિવસ સુસ્તી રહે છે અને સ્વાસ્થ્ય પર આડઅસર થાય છે.

    એક સર્વે અનુસાર, સોશિયલ મીડિયાના વપરાશથી લોકો ડિપ્રેશનમાં આવે છે. મિત્રો કે સગાં-સંબંધીઓની જાહોજલાલીની પૉસ્ટ  જોઈને ઘણી વાર મનમાં થાય કે આપણી પાસે એવી સુખ-સુવિધા કેમ નથી તો એટલે મનમાં થોડો વિષાદ આવે છે અને ધીમે ધીમે એ વાત મનને કોરી ખાય છે. પોતાની લાઈફ વધારે સારી કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે વધુ પૈસા કમાવી શકાય, કેવી રીતે પોતાના અને પોતાના પરિવાર માટે બધી સુખ-સાહ્યબીવાળું જીવન વીતાવી શકે. આ બધી ચિંતાઓ ધીમે ધીમે મન દુ:ખથી ભરી દે છે. એક સર્વે અનુસાર, સોશિયલ મીડિયાના વપરાશને લીધે લોકોમાં અદેખાઈ અને અસંતુષ્ટતા થાય છે.

    જુવાનિયા કહો કે આઘેડ વયના માણસો , ઘરે આવીને રાતભર પોતાના સ્કૂલના કે કૉલેજના જૂના મિત્રો સાથે ઠઠ્ઠા-મશ્કરી કરીને, શાયરી મોકલીને ટાઈમપાસ કરતા હોય છે. આ ટાઈમપાસ સારો છે, પણ એટલો નહીં કે વ્યર્થની વાતો માટે શરીરને જરૂરી ઊંઘનો ભોગ આપીને કરાય. ઘણાંને નવી નવી ફિલ્મો જોવાનો શોખ હોય તો કોઈ અભિનેતા કે અભિનેત્રીના એટલા જબરા ચાહક હોય કે એક ફિલ્મ 10 વાર જોઈ લે તોયે તેમનો જીવ ના ભરાય. છેલ્લાં દસકાથી વિશ્વભરથી એનિમે(જાપાનીઝ કાર્ટૂન ) તરફ લોકો વધારે વળી રહ્યા છે. લોકો ટીવી છોડીને એનિમેની દુનિયા કહો કે વૅબસિરિઝ તરફ ઝૂકતા નજરે ચડે છે. ગેમ્સના ચાહકો રાત-રાતભર ઊજાગરાં કરીને નિરર્થક ગેમ રમીને, આંખોને કષ્ટ આપીને અને સમયનો બગાડ કરતા હોય છે.

    કામેથી થાકી પરવારીને આવ્યા બાદ માતા-પિતા સાથે, બાળકો સાથે કે પાર્ટનર સાથે બે મીઠાં બોલ બોલીને તો જુઓ સાહેબ, ક્યારેક તમે હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફોન કે સોશિયલ મીડિયાના મિત્રો તમારા વહારે નહીં આવે, તમારો પરિવાર જેમને તમે ફોન અને ટાઈમપાસના ચક્કરમાં સમય નથી આપતા એ જ તમને કામ આવશે.

    રાતના ફોનમાં સોશિયલ મીડિયાના જગતમાં ઘૂસતા પહેલા એટલું જાણી લેજો કે તમારી આ આદતની બીમારી, ડિપ્રેશન અને અમૂલ્ય સંબંધોના ભંગાણ તરફ લઈ જઈ રહ્યું છે. સોશિયલ મીડિયાનું હેન્ગઑવર બંધ કરીને નીંદરરાણીને માણો. અંતે હું એક જ વાત કહીશ ‘લાઈફ ઈઝ નોટ ઈનસાઈડ ધી ફોન, ઈટ્સ આઉટ સાઈડ ધી ફોન.’

**************************************

Advertisements
Posted in miscellenous

કૃષ્ણ અને માનવસંબંધો—હરીન્દ્રદવે/પ્રકરણ :22

કૃષ્ણ અને માનવસંબંધો—હરીન્દ્રદવે/પ્રકરણ :22

પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ

પ્રકરણ:22(પાના:174 થી 181)

    હિન્દુ ધર્મનો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ ગીતા યુદ્ધની ભૂમિ પર કહેવાયો છે. આપણે ત્યાં ‘પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ ’ એ કહેવત છે. ગીતામાં તો ખરેખર એવું જ છે. પેંગડામાં પગ ભરાવ્યો હોય પછી અશ્વ પલાણવામાં આંખનું મટકું મારીએ એટલી વાર પણ ન લાગે. એટલી વારમાં બ્રહ્મ ઉપદેશ આપી શકાય ? કૃષ્ણે એ ચમત્કાર કર્યો છે. ગીતા આરંભાય છે, એ પહેલાં પણ યુદ્ધારંભના સૂચક સિંહનાદો સંભળાય છે, અને કૃષ્ણ તથા અર્જુનને કોઈ ગાઢ સંવાદમાં ખોવાયેલા જોઈ કંઈક વિસ્મિત અને કદાચ  યોગમાયાથી કંઈક મૂર્છિત થઈ ગયેલા મહારથીઓ ધનંજયને ફરી બાણગાંડીવ ધારણ કરતાં જોઈ ફરી વાર મહાનાદ કરી રહે છે.

    પાંડવોને પક્ષે ધર્મ અને કૃષ્ણ બંને છે. ધર્મ એટલે ધર્મરાજ યુધિષ્ઠિર પણ ખરા અને કૃષ્ણ જે અર્થમાં શાશ્વત ધર્મગોપ્તા કહેવાતા, એ અર્થમાંનો ધર્મ પણ. કુરુક્ષેત્રના અત્યંત સંહારક યુદ્ધના આરંભમાં વ્યાસે પ્રથમ નાટ્યાત્મક ઘટના મૂકી ગીતા રૂપે. એ પછીની નાટ્યાત્મક ઘટના આવે છે, યુધિષ્ઠિર કવચ ઉતારી નિ:શસ્ત્ર બની શત્રુસેના તરફ ગતિ કરે છે ત્યારે. ક્ષણેક તો સૌને લાગે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર ડરી ગયા કે શું? તેઓ હવે અર્જુનની માફક ફરી વિષાદયોગ અનુભવી રહ્યા છે કે કેમ એવો સવાલ પણ થાય. બધાને જાતજાતના તર્કવિતર્ક થાય છે. ત્રિકાળજ્ઞાની સહદેવ પાસે મહાભારતકારે બહુ ઓછા તર્કવિતર્ક કરાવ્યા છે, પણ આ તબક્કે તો એ પણ પૂછી ઊઠે છે :

    અસ્મિન્ રણસમૂહે વૈ વર્તમાને મહાભયે,

    યોદ્ધવ્યે ક્વ નુ ગન્તાસિ શત્રૂનભિમુખો નૃપ.

                             (ભીષ્મ.41;14)

 હે રાજવી, આ મહાભયાનક વર્તમાનમાં, આ રણસમૂહમાં તમે અમને છોડી શત્રુની દિશામાં ક્યાં ચાલ્યા ?

    સહદેવ પણ તર્કવિતર્કમાં સરી પડે છે. બીજા સૌને થાય છે કે યુધિષ્ઠિર કંઈક ભ્રમમાં પડ્યા. પણ આ તબક્કે એકમાત્ર કૃષ્ણ યુધિષ્ઠિરની આ શત્રુસૈન્યની દિશામાંની ગતિનું રહસ્ય પામી શકે છે. એ કહે છે : નક્કી એ ભીષ્મ, દ્રોણ, કૃપ,શલ્ય વગેરે ગુરુજનોની પરવાનગી લેવા જઈ રહ્યા છે. કારણકે :

    શ્રૂયતે હિ પુરાકલ્પે ગુરૂજન નુમાન્ય ય: ,

    યુદ્ધયતે સ ભવેદ્ વ્યક્તમાપધ્યાતો મહત્તરૈ:

    અનુમાન્ય યથાશાસ્ત્રં યસ્તુ યુદ્ધયેન્મહત્તરૈ: ;

    ધ્રુવસ્તસ્ય જ્યો યુદ્ધે ભવેદિતિ મતિર્મમ.

                      (ભીષ્મ.41:18-19)

    કૃષ્ણે ગીતામાં પણ શાસ્ત્રના વિધાનનો મહિમા સ્થાપ્યો છે. શ્રુતિનો તેઓ હંમેશાં આદર કરતા આવ્યા છે. એટલે જ એ કહે છે કે હું પુરાકલ્પથી સાંભળતો આવ્યો છું કે ગુરુજનોની અનુમતિ વિના જે યુદ્ધ કરે છે એ હારે છે, પણ જે શાસ્ત્રમાં માન્ય છે એ રીતે ગુરુજનોની અનુમતિ લઈને પછી યુદ્ધ કરે છે એનો જય નિશ્ચિત છે. આટલું કહ્યા પછી કૃષ્ણ આ જ સત્ય છે એવું નથી કહેતા : ‘ આ મારી મતિમાંઆવે છે’ એમ કહે છે.

    યુધિષ્ઠિરના મનની વાત કૃષ્ણ બરાબર સમજી ગયા હતા. યુધિષ્ઠિર આ યુદ્ધને પૂર્ણપણે ધર્મયુદ્ધ બનાવવા ચાહે છે. એટલા માટે તો તેઓ જેમની સાથે લડવા ઈચ્છે છે એ ગુરુજનો પાસેથી લડવાની આજ્ઞા માગે છે. હવે યુધિષ્ઠિરનો ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને શલ્ય સાથેનો સંવાદ આવે છે. આ સંવાદ એકસરખો છે. એકસરખા સવાલ યુધિષ્ઠિર કરે છે, એકસરખો ઉત્તર આ સૌ આપે છે. એમાં પણ બે શ્લોકો તો આ ચારે પાત્રોના મુખમાં મૂક્યા છે. આ શ્લોકો અને પહેલાંનો પ્રશ્નોત્તર લગભગ એકસરખો જ છે. યુધિષ્ઠિર જઈ તેઓને કહે છે કે યુદ્ધનો આરંભ કરતા પહેલાં હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું જેથી હું વિજયી નીવડું. એ ચારે ઉત્તર આપે છે કે અમારી આજ્ઞા વિના તેં યુદ્ધ શરૂ કર્યું હોત તો અંતે તું પરાજિત થા એવો અભિશાપ આપત. પરંતુ હવે હું પ્રસન્ન છું એટલે તું યુદ્ધ કર અને વિજયી થા. આ સમાન આવતી ઉક્તિઓમાં સૌથી વધુ મહત્ત્વની આ છે . ભીષ્મ સૌ પ્રથમ યુધિષ્ઠિરને કહે છે :

    અર્થસ્ય પુરુષો દાસો દાસસ્તવર્થો ન કસ્યચિત્ ,

    ઈતિ સત્યં મહારાજ બદ્ધોડસ્મ્યર્થેન કૌરવે :

                          (ભીષ્મ. 41:36)

    અર્થનો પુરુષ દાસ છે; અર્થ કોઈનોય દાસ નથી. આ સત્ય છે મહારાજ, અને હું કૌરવો દ્વારા અર્થથી બંધાયો છું.

    આ જ શ્લોક દ્રોણ પણ યુધિષ્ઠિરને કહે છે : કૃપાચાર્ય પણ આ જ શબ્દો કહે છે; શલ્ય પણ પોતાના ભાણેજને આ જ શબ્દો કહે છે.

    અહીં ‘અર્થ’ નો અર્થ શું કરીશું ?

    કોઈ સામાન્ય શબ્દકોશ લઈએ તોપણ ‘અર્થ’ શબ્દના અર્થમાં ખાસ્સી જગ્યા અપાયેલી મળે. અર્થનો પ્રથમ અર્થ છે ‘વિનંતી’ (આપ્ટેના શબ્દકોશ મુજબ) .એ પ્રમાણે જોઈએ તો વિનંતીનો—પ્રાર્થનાનો માણસ દાસ હોઈ શકે છે, પ્રાર્થના કોઈની દાસ નથી. દ્રોણ, ભીષ્મ આદિ આવી પ્રાર્થના  કે વિનંતીનો અનાદર ન કરી શક્યા હોય એ અર્થમાં દુર્યોધનની વિનંતી કે પ્રાર્થનાથી આ લોકો બંધાયેલા છે. ‘ઈચ્છા ’ એ બીજો અર્થ, એટલે કે ઈચ્છાથી જ આ મહારથીઓ બદ્ધ છે. ‘શોધવું ’ એ ત્રીજો અર્થ છે.’સમર્થન’ એ ચોથો અર્થ છે.  ‘ઉદ્દેશ ’ એ પાંચમો અર્થ છે. ઉદ્દેશથી બંધાયેલા છીએ. એવો અર્થ પણ સમજવા જેવો છે. ‘હેતુ’, ‘કારણ’ એ છઠ્ઠો અર્થ છે. ‘અર્થ ’ એ પણ એક અર્થ છે, ‘અર્થો હિ કન્યા પરકીય એવ’ એમાં ‘અર્થ’ જુદો જ અર્થ ધારણ કરે છે. વ્યવસાય એ એક વધુ અર્થ છે. આ રીતે અર્થના જુદા જુદા દશ અર્થ ગણાવ્યા પછી સંસ્કૃત શબ્દકોશ અગિયારમા અર્થ તરીકે ‘સંપત્તિ’ એવો અર્થ આપે છે. હવે જે ધર્મ અર્થ કામ તથા મોક્ષ એ ચાર તત્ત્વોની વાત છે. એમાં જે અર્થ આવે છે, તેનો અર્થ દુન્યવી સંપત્તિ જ ? જો એ હોય તો એને માનવપ્રાપ્તિનાં ચાર સાધનોમાં સ્થાન કઈ રીતે મળ્યું હોઈ શકે ?

    ‘અર્થ’ શબ્દના અર્થ હજી આગળ ચાલે છે. આપણે અહીં શબ્દકોશને ઉતારવો નથી. પણ ભીષ્મ, દ્રોણ, કૃપ તથા શલ્ય જે અર્થના દાસ છે કે જે અર્થ વડે કૌરવ સાથે બદ્ધ છે એ અર્થ ક્યો?

    એ ધનના અર્થમાં તો નથી જ; આ ચારમાંથી કોઈ વ્યક્તિ ધનની દાસ થઈને રહે કે દુર્યોધન તેઓને ધન વડે ખરીદી શકે એ શક્ય નથી. અલબત્ત. આશ્લોક અવારનવાર ધનના સૌ કોઈ દાસ છે એ અર્થમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ ચાર વ્યક્તિઓના પ્રતાપને જોતાં એનો સૂચિતાર્થ બીજી કોઈક અસહાયતામાં હોઈ શકે. આ કઈ અસહાયતા છે તેનો અર્થ સૌ પોતપોતાની  ઈચ્છા પ્રમાણે કરી શકે. કોઈ પણ એક અર્થ આપી વાચકની અર્થવિસ્તારની ગુંજાયશને સીમિત ન કરવી જોઈએ. એ સાથે જ કોઈ એક અર્થમાં વાચક બંધાઈ જાય કે અટવાઈ જાય એ ન બનવું જોઈએ. એટલે અહીં ‘અર્થ’ એટલે ‘સંપત્તિ’ એવા અર્થમાં અટવાઈ ગયા વિના આ શ્લોકનો ભીષ્મ, દ્રોણ, કૃપ અને શલ્ય જેવા ચાર પોતપોતાની રીતે મહાન પુરુષો ઉચ્ચાર કરે છે એ સંદર્ભને યાદમાં રાખી અર્થ કરવા બેસીશું તો પારાવાર અર્થ જડ્યા વિના રહેશે નહિ. આમાંના દરેક અર્થનું કોઈક મૂલ્ય છે.

    આ દાસત્વની અસહાયતાનો એક કરુણ રણકો પછીના શ્લોક જે પણ ચારે વ્યક્તિ પાસેથી કોઈ ને કોઈ ફરક સાથે સાંભળવા મળે છે તેમાં સંભળાય છે. ભીષ્મ આગલા શ્લોકના અનુસંધાનમાં જ આગળ કહે છે :

    અતસ્ત્વાં કલીબવદ્ વાક્યં બ્રવીમિ કુરુનન્દન,

    હ્રતોડસ્મ્યર્થેન કૌરવ્ય યુદ્ધાદન્યત્ કિમિચ્છસિ.

                               (ભીષ્મ 41;37)

    કલૈબ્ય શબ્દ આપણને ગીતામાં પણ પરિચિત છે. કૃષ્ણ અર્જુનને ‘કલૈબ્યં મા સ્મ ગમ: પાર્થ’ જેવા શબ્દો કહે છે. અહીં પોતા માટે આ ચારે પુરુષો  આ જ શબ્દોનો ઉપયોગ કરે છે. કલૈબ્યં  એટલે નપુંસકતા જ નહિ, કાયરતા જ નહિ, અસહાયતા પણ ખરી. અને અહીં અસહાયતાના અર્થમાં જ એ શબ્દ આવે છે. ‘આથી જ આ અસહાયતાભર્યું વાક્ય હું ઉચ્ચારું છું હે કુરુનન્દન, કે ‘હ્રતોડસ્મિ’ એતલે કે મારું હરણ કરાયું છે—કૌરવોએ અર્થ દ્વારા મારું હરણ કર્યું છે.’ હરણ કરાયેલ વ્યક્તિમાં અસહાયતાનો ભાવ જ સર્વોપરી હોય છે. ભીષ્મ કહે છે : ‘ હું અર્થ દ્વાએઆ કૌરવોને આધીન છું : એટલે યુદ્ધ સિવાય બીજું કાંઈ પણ માગી લે’ એવા આ ભીષ્મના અને એ જ શ્વાસમાં ઉચ્ચારાયેલા દ્રોણ, કૃપાચાર્ય અને શલ્યના શબ્દો પણ અર્થની ચર્ચા કરવા જઈએ તો એક પુસ્તકમાં ન સમાય એટલા બહુલ છે.

    યુદ્ધ માટે ભીષ્મ વચનબદ્ધ છે : એટલે યુદ્ધ સિવાય જે માગવું હોય તે માગી લે, એવા શબ્દો  ભીષ્મ કહે છે.

    યુધિષ્ઠિર એ ધર્મરાજ છે. જ્યારે માગવા જ બેઠા છે, ત્યારે આડંબર કે દંભ તેમને ખપતા નથી. તેઓ સ્પષ્ટપણે પૂછે છે કે ‘હું તમને યુદ્ધમાં કઈ રીતે જીતી શકું?’ આટલેથી તે અટકતા નથી. એ તો કહે છે કે યુદ્ધમાં જો ઈન્દ્ર પણ તમને જીતી કે મારી ન શકે તો પછી મને કહો–

    જ્યોપાયં બ્રવીહિ ત્વમાત્મન: સમરે પરૈ:.

                          (ભીષ્મ. 41:42)

    ‘યુદ્ધભૂમિમાં તમારા પર જય કઈ રીતે મેળવાય તે ઉપાય કહો.’

    ભીષ્મ યુધિષ્ઠિરના દાદાના ભાઈ છે. પોતાના જ આ વડીલ સ્વજન પાસે તેમને નિમિત્ત પૂછવું એ કાં તો ઘૃષ્ટતાની પરાકાષ્ઠા હોય કાં નિર્દંભની પરાકાષ્ઠા. સમરભૂમિમાં આ પ્રશ્ન પુછાયો છે. આ રણભૂમિમાં ભીષ્મ આદિને હણવા એ કર્તવ્ય બની જાય છે. એટલે જ આ પ્રશ્ન નિર્દંભની પરાકાષ્ઠારૂપે આવે છે. ભીષ્મ કહે છે :

    ન શત્રું તાત પશ્યામિસ મરે યો જયેત મામ્ .

    ન તાવન્મૃત્યુકાલો મે પુનરાગમનં કુરુ.

                          (ભીષ્મ.41:43)

    હે તાત, એવા કોઈ શત્રુને હું જોતો નથી જે યુદ્ધમાં મને જીતી શકે. અને હજી મારો મૃત્યુકાળ પણ આવ્યો નથી; એટલે ફરી પાછો મળજે.

    ભીષ્મ આ ઉત્તર આપી શકે છે, કારણ કે એમને ઈચ્છામૃત્યુનું વરદાન છે. મૃત્યુ એ ઈચ્છે ત્યારે આવી શકે એવું વરદાન હતું , એટલે એ હજી પોતાની મૃત્યુની ક્ષણ વિશે કોઈ નિર્ણય કરી શક્યા નથી.

    આ જ ક્રમમાં દ્રોણ સાથે સંવાદ થાય છે. પણ દ્રોણના ઉત્તરમાં થોડો ફરક આવે છે : એ કહે છે કે હું યુદ્ધ કૌરવોની તરફથી કરીશ, પણ જય તારો ઈચ્છીશ :

    યોત્સ્યામિ કૌરવસ્યાર્થે તવાશાસ્યો જયો મયા.

                               (ભીષ્મ.41:52)

    એટલું જ નહિ, એ આગળ કહે છે:

    ધ્રુવસ્તે વિજયો રાજન્ યસ્ય મંત્રી હરિસ્તવ…

    યતો ધર્મસ્તત: કૃષ્ણો યત: કેષ્ણસ્તતો જય: .

                          (ભીષ્મ. 41:54-55)

    હે રાજન, સાક્ષાત હરિ (કૃષ્ણ) તારા મંત્રી છે, એટલે તારો વિજય તો નિશ્ચિત છે. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે; જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે.

    હવેવ યુધિષ્ઠિર દ્રોણને તેમના મૃત્યુનું નિમિત્ત પૂછે છે : અને દ્રોણ તરત જ કહે છે : ‘હું ન્યસ્તશસ્ત્ર અને અચેતન (શસ્ત્રરહિત અને જડ જેવો ) થઈ જાઉં ત્યારે મને મારજો.’ હવે દ્રોણ જેવો વીર આ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત કરે ? સત્યવક્તા તરીકે પ્રકીર્તિત યુધિષ્ઠિરને સ્વયં દ્રોણ પોતાના મૃત્યુનો ઉપાય સૂચવે છે. યુધિષ્ઠિરનો રથ નીચે ઊતર્યો તેનું રહસ્ય અહીં છે :

    શસ્ત્રં ચાહં જહ્યાં શ્રુત્વા સુમહદપ્રિયમ્ .

    શ્રદ્ધેયવાક્યાત્ પુરુષાદેતત્ સત્યં બ્રવીમે તે.

                          (ભીષ્મ. 41:61)

    જેના વાક્યમાં મને શ્રદ્ધા હોય એવો પુરુષ મને કોઈ અપ્રિય વાત સંભળાવે તો રણમાં શસ્ત્રનો ત્યાગ કરીશ.

    દ્રોણ ‘ન્યસ્તશસ્ત્ર’ થાય તો જ તેમને હણી શકાય. અને ‘ન્યસ્તશસ્ત્ર’ તો જ થાય જો અપ્રિય ખબર જેના વાક્યમાં શ્રદ્ધા મૂકી શકાય એવો પુરુષ કહે. પાંડવોના પક્ષે આવા બે જ પુરુષો છે :એક કૃષ્ણ છે, પણ એ કદી ‘નરો વા કુંજરો વા’ જેવી વાણી બોલે નહિ. બીજા યુધિષ્ઠિર ધર્મરાજ. એટલે હવે ધર્મરાજની શ્રદ્ધેય વાક્ય ઉચ્ચારવાની જવાબદારી વધી ગઈ છે. દ્રોણે યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા પર શ્રદ્ધા મૂકી સમરભૂમિમાંના પોતાના મૃત્યુનું રહસ્ય પ્રગટ કરી દીધું છે.

    કૃપાચાર્ય આગળ વાત જરા જુદા વળાંકે વળે છે. કૃપાચાર્ય અવધ્ય છે. એનો યુદ્ધમાં કોઈને હાથે વધ નથી, એ સત્ય યુધિષ્ઠિરને જ્ઞાત છે. એટલે કે કૃપાચાર્યને પૂછવા જાય છે મૃત્યુનું રહસ્ય પણ ‘હે આચાર્ય, હું તમને પૂછવા માગું છું કે….એટલું કહેતાં જ–

    ઇત્યુક્ ત્વા વ્યથિતો રાજા નોવાચ ગતચેતન: .

                               (ભીષ્મ.41:69)

    આટલું બોલતાં જ યુધિષ્ઠિર વ્યથાપૂર્ણ થઈ ગયા. એ ન બોલી શક્યા; ન એમનામાં બોલવા જેવું ચેતન રહ્યું.

    કૃપ સમજી ગયા કે યુધિષ્ઠિરને શું પૂછવું છે. એટલે જ કહી બેઠા કે ‘હું અવધ્ય છું: યુદ્ધમાં મને કોઈ મારી નહિ શકે. પણ રોજ સવારે ઊઠીને હું તારા જય માટે પ્રાર્થના કરીશ.’ કૃપાચાર્ય જેવા ગુરુજન પાસેથી આવું વરદાન મેળવવું એ પાંડવોનું સૌભાગ્ય જ ગણાય. છેલ્લે શલ્ય પાસે યુધિષ્થિર એટલું જ માગે છે : ‘રણસંગ્રામમાં તમે કર્ણનો તેજોવધ કરતા રહેજો.’ એ પણ આ વરદાન આપે છે.

    યુધિષ્ઠિરની આ નિર્દંભ માગણીઓ, એ યુદ્ધનો પ્રથમ તબક્કો છે, અને ઘણો મહત્ત્વનો તબક્કો છે.

    યુદ્ધારંભ પહેલાં ગીતા એ પ્રથમ મહત્ત્વની ઘટના છે. યુધિષ્ઠિરની ગુરુવંદના એ બીજો મહત્ત્વનો બનાવ છે. ત્રીજી ઘટનામાં કૃષ્ણ સંકળાયેલા છે. કૃષ્ણ અને કર્ણ  વચ્ચે એક વિશેષ સંબંધ સ્થપાયેલો આપણે આગળ જોયો છે : કૃષ્ણે કર્ણને ‘વેદવાદાન્ સનાતનાન્’ જેવા વિશેષણથી સંબોધ્યો છે(ઉદ્યોગ. 138;7) અને કર્ણ કોઈ પણ પ્રલોભન આવે તોયે સત્યથી પોતે વિચલિત નહિ થાય એમ કહે છે. કૃષ્ણ છેલ્લી ઘડી સુધી કસોટી કરે છે. કૃષ્ણ આ કસોટી બે કારણે કરે છે. જો કસોટીમાંથી પાર ન ઊતરે તો એના દંભનો પડદો ચિરાઈ જાય. અને જો પાર ઊતરે તો શુદ્ધ સુવર્ણ જેવું એનું અસ્તિત્વ પુરવાર થઈ શકે. એટલે એ કર્ણ પાસે જઈને કહે છે : ભીષ્મના દ્વેષને કારણે તું રણભૂમિ પર ભીષ્મ હશે ત્યાં સુધી અમારા પક્ષેથી લડ અને ભીષ્મ પડે પછી સામા પક્ષે ફરી ચાલ્યો જજે. કર્ણ આનો ઉત્તર આપે છે :

     ન વિપ્રિયં કરિષ્યામિ ધાર્તરાષ્ટ્રસ્ય કેશવ,

    ત્યક્તપ્રાણં હિ માં વિદ્ધિ દુર્યોધનહિતૈષિણમ્ .

                          (ભીષ્મ.41;87)

    હે કેશવ, હું દુર્યોધનનું અપ્રિય ક્યારેય ન કરી શકું. દુર્યોધનના હિત માટે પ્રાણ પણ આપી દેવામાં મને સંકોચ ન થાય.

    કર્ણ કૃષ્ણની કસોટીમાં શુદ્ધ સુવર્ણ પુરવાર થાય છે.

        હવે એક માત્ર છેલ્લો વિધિ રહે છે : યુધિષ્ઠિર રણક્ષેત્રની મધ્યમાં જઈ જે કોઈને પોતાની સહાયતાએ આવવું હોય તેને સાદ કરે છે : અને આ વખતે છેલ્લી ક્ષણે ધૃતરાષ્ટ્ર્ર્નો પુત્ર યુયુત્સુ પાંડવોને પક્ષે જોડાઈ જાય છે.

    યુદ્ધ તો છે જ. પણ જેમ યુદ્ધ પહેલાં વિષ્ટિ માટે એ નિષ્ફળ જવાની છે એ છતાં કૃષ્ણ બધા જ પ્રયત્નો કરી ચૂક્યા હતા, તેમ હવે યુદ્ધવેળા પણ યુદ્ધધર્મ પાંડવો ચૂકે નહીં એવું બન્યું છે. યુદ્ધ પહેલાં ધર્મસંગત આચાર માત્ર પાંડવોનો જ છે. કૌરવોના પક્ષેથી ક્યાંય મનમાં વેદનાનું સ્પંદન પણ જાગતું નથી. કુરુઓ માટે  યુદ્ધ એ ધર્મ નથી, યુદ્ધ એ સ્વાર્થપ્રેરિત ઝનૂન છે. નહિતર, પાંડવોના પક્ષે આટઆટલો પ્રક્ષોભ જાગ્યો અને છતાં કૌરવોના પેટનું પાણી પણ ન હલે ? વળી ગ્રંથકર્તા વ્યાસ કૌરવોના પણ કુળપિતા છે અને યુદ્ધવર્ણન તો કુરુઓના મંત્રી સંજયના સ્વમુખે થઈ રહ્યું છે એટલે  કૌરવોના પક્ષે જો કોઈક ગતિ આ દિશામાં હોત તો એને નોંધ્યા વિના તેઓ રહેત નહિ.

*************************************

Posted in miscellenous

પ્રેમાનંદ-કૃત કુંવરબાઈનું મામેરું

KUNVARBAI

પ્રેમાનંદ-કૃત કુંવરબાઈનું મામેરું

ખીસાપોથી

 સાભાર:લોકમિલાપ-પો.બો.23(સરદાર નગર), ભાવનગર 364001 ફોન(0278)2566402

ઈ-મૈલ.:lokmilap@gmail.com

આખ્યાન-કથા:રમેશ જાની

સંપાદન: મહેન્દ્ર મેઘાણી

કુંવરબાઈનું મામેરું

    “ બાઈજી !” કુંવરબાઈએ પોતાની સાસુને પગે લાગીને વિનંતી કરતાં કહ્યું, “ખિજાઓ નહિ તો એક વાત કહું ?”

    “બોલો ! શું કહેવું છે ?” સાસુએ જરા કડક અવાજે પૂછ્યું.

    “આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોતરી લઈ જૂનાગઢ ન મોકલો ? ” કુંવરબાઈએ બીતાં બીતાં પ્રશ્ન કર્યો.

    પોતાને સીમંત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોતરી સરખીયે ન લખી તેથી દુ:ખી થઈને, કુંવરબાઈએ સામે ચાલીને સાસુને ઉપર પ્રમાણે કહ્યું, પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું નહોતું. ભાઈ મોટો થઈ, પરણીને મૃત્યુ પામ્યો હતો. અને એની પાછળ મા પણ સ્વર્ગે સિધાવી હતી. બાકી રહ્યા હતા એક પિતા. એમને મન હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું ન હતું. નહિ ખેતી કે નહિ કોઈ ઉદ્યમ-વેપાર. આવા નરસિંહ મહેતાની દરિદ્રતાનો પાર નહિ. ઘરમાં ખાવાનું છે કે નહિ, એની પણ એમને ચિંતા નહિ. અને છતાં એમનું ઘર સાધુસંતોથી ઊભરાતું જ હોય !

    આવા ગરીબ પિતાની પુત્રીનાં સાસરિયાંમાં માન પણ શાં હોય ? અને સાસરિયાં પણ કેવાં ! એમની શ્રીમંતાઈ અને પ્રતિષ્ઠાનો પાર નહિ. શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર.

                 (કેદારો)

નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.

                 (ધનાશ્રી)

રાધાકૃષ્ણ શું રંગ લાગ્યો, ગણે તરણાવત્ સંસાર.

                 (વેરાડી)

મહેતે માંડ્યો ગૃહાસ્થાશ્રમ, પતિવ્રતા ઘેર નારી પરમ;

નહીં ખેતી ઉદ્યમ વેપાર, એક ભક્તિ તણો આધાર.

બે સંતાનઆપ્યાં ગોપાળ—એક પુત્રી ને બીજો બાળ;

શામળદાસ કુંવરનું નામ, તે પરણાવ્યો રૂડે ઠામ.

કુંવરબાઈ નામે દીકરી, પરણાવ્યાં રૂડો વિવાહ કરી.

પામ્યાં મરણ પત્ની ને પુત્ર, મહેતાનું ભાંગ્યું ઘરસૂત્ર.

સ્ત્રી-સુત મરતાં રોયાં લોક, મહેતાને તલમાત્ર ન શોક :

ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.

કુંવરબાઈ પછે મોટી થઈ, આણું આવ્યું ને સાસરે ગઈ ;

 સસરો શ્રીરંગ મહેતો નામ, મોટું ઘર કહાવે ભાગ્યવાન.

છે સાસરિયાંને ધન-અભિમાન, ન દે કુંવરવહુને બહુ માન.

    એટલે જ કુંવરબાઈના સીમંત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખોયે ન આવ્યો. એમને તો એમ કે, આવા ભૂખડી-બારસ ભગત પાસેથી તે વળી મોસાળાની શી આશા રાખવી ? ઊલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે !

    પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે ? એણે ઓશિયાળે મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી, ત્યારે સાસુએ પહેલાં તો એવો જ જવાબ આપ્યો કે, “અરે વહુ, તમે તે કાંઈ ગાંડાં થયાં કે શું ? તમારાં મા મરી ગયાં ત્યારથીજ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો !”

    “પણ બાઈજી, મારા પિતા તો છે ને ?” કુંવરબાઈએ રડમસ અવાજે કહ્યું.

    “કોણ? ” સાસુ તિરસ્કારથી બોલ્યાં, “તમારા પિતા…. જે આખો દિવસ મંજીરાં વગાડીને ગાયા કરે, નાચી-કૂદીને પેટ ભરે, તે શું મામેરું કરશે ? એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જ જાય ને ? એવા વેવાઈ ન આવે તે જ સારું !”

    પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી, અત્યાર સુધી રોકી રાખેલાં, આંસુ વહેવા લાગ્યાં. પછી રડતે સાદે એ બોલી :”આવું ગમે તેમ શું બોલતાં હશો, બાઈજી ? ગરીબ થયા એટલે સગા મટી ગયા ? ” પછી અત્યંત કરુણ સ્વરે એણે કહ્યું, “ એ અહીં આવશે તો અમને બાપ-દીકરીને મળવાનું યે થશે. ”

 કુંવરબાઈનાં આવાં વચનો સાંભળીને સાસુને આખરે દયા આવી. એણે પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોતરી લખાવવાનું નક્કી કર્યું.

કુંવરબાઈને આવ્યું સીમંત, સાસરિયાં સૌ હરખે ઘણું,

કહે, “ મહેતો હરિનો છે દાસ, મોસાળાની શી કરવી આશ !

ન કહાવ્યું પિયર, ન કોને કહ્યું, પંચમાસી તો એળે ગયું,

રહ્યા સીમંતના થોડા દંન, થઈ કુંવરબાઈને ચિંતા મન.

ઓશિયાળી દીસે દામણી વહુવર આવી સાસુ ભણી,

બોલી અબળા નામી શીશ : “ બાઈજી, રખે કરતાં રીસ.

આપણો ગોર પંડ્યો ખોખલો જૂનાગઢ સુધી મોકલો,

મોકલો લખાવી કંકોતરી.” તવ સાસુ બોલી ગર્વે ભરી :

“વહુવર, શું તને ઘેલું લાગ્યું ? મા મૂઈ ત્યારે મહિયર ભાંગ્યું.

જે તાળ વજાડી ગાતો ફરે, નાચી ખૂંદીને ઉદર ભરે,

દરિદ્ર ઘરમાં ફેરા ફરે, તે મોસાળું ક્યાંથી કરે ?

તમને ડોસો મળવાનું હેત, અમે નાતમાં થઈએ ફજેત.”

કુંવરબાઈ તવ આંસુ ભરી સાસુ પ્રત્યે બોલી ફરી :

”બાઈજી, બોલતાં શું ફગો ? દુર્બળ પણ પોતાનો સગો.

અહીં આવી પાછા જાશે ફરી, એ મશે મળીશું બાપ-દીકરી.”

સાસુને મન કરુણા થઈ, નિજ સ્વામીને જઈ વાર્તા કહી :

”રહ્યા સીમંતના થોડા દિન, કુંવરવહુ મન થાયે ખિન્ન,

લખી મોકલો વેવાઈને પત્ર, જેમ તેમ કરતાં આવજો અત્ર.”

    શ્રીરંગ મહેતા તો દયાળુ હતા. એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો; અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં જૂનાગઢ જવાનું કહ્યું.

    આ સમાચાર સાંભળીને કુંવરબાઈના આનંદની કોઈ સીમા ન રહી. એણે ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું, “ગોર મહારાજ, મારા પિતાને ત્યાં તમતમારે બે દહાડા પરોણા થઈને રહેજો. અને એમને સમજાવીને કહેજો કે, સારું એવું મોસાળું લાવજો; સાથે પૈસા ટકાયે લાવજો, જેથી આપણી અહીં આબરૂ રહે અને… અને મારે સાસરિયાંનાં મહેણાં-ટોણાં ખાવાનાં ટળે ! “

    “ વારુ, બહેન,” ખોખલા પંડ્યાએ કહ્યું.

    “અને એમને કહેજો કે…” કુંવરબાઈએ આગળ કહેવા માંડ્યું,  “… જો આ અવસર ખાલી જશે, તો મારે માથે આખા જન્મારાનું મહેણું ચોંટશે.” પછી એ છેવટનો સંદેશો કહેવડાવતાં બોલી : “નાગરી નાતમાં આપણી હાંસી ન થાય એવું કરજો… તમારે માથે તો ભગવાન બેઠા છે !”

 શ્રીરંગ મહેતો પરમ દયાળ, કાગળ એક લખ્યો તત્કાળ :

“સ્વસ્તિ શી જૂનાગઢ ગામ, જે હરિજન વૈષ્ણવ વિશ્રામ,

નાગરી નાત તણા શણગાર,સાધુ શિરોમણિ, પરમ ઉદાર.

સર્વોપમા જોગ , કરુણાધામ, મહેતા શ્રીપંચ નરસિંહ નામ.

અહીં સહુને છે કુશળક્ષેમ, લખજો પત્ર તમો આણી પ્રેમ.

એક વધામણીનો સમાચાર, અમારા ભાગ્ય તણો નહિ પાર :

કુંવરવહુને આવ્યું સીમંત, અમ ઉપર ત્રૂઠ્યા ભગવંત.

માઘ સુદિ સપ્તમી રવિવાર, મુહૂર્ત અમો લીધું નિર્ધાર;

તે દહાડે નિશ્ચય આવજો, સગાંમિત્ર સાથે લાવજો.

ન આણશો મનમાં આશંક, તમ આવ્યે પામ્યા લખ ટંક;

ઊજળો સગો આવે બારણે, સોનાનો મેરુ કીજે વારણે,

જો મહેતાજી નહિ આવો તમો, ખરેખરા દુભાઈશું અમો.”

 આપ્યું પત્ર ગુરુના કરમાંય, પંડ્યો ખોખલો ચાલ્યો ત્યાંય. કુંવરબાઈએ તેડ્યા ઋષિરાય એકાંતે બેસાડી લાગી પાય :

”ત્યાં બે દહાડા પરોણા રહેજો, મહેતાને સમજાવી કહેજો,

કાંઈ મોસાળું સારું લાવજો, સંપત હોય તો હ્યાં આવજો;

જો આ અવસર સૂનો જશે, ભવનું મહેણું મુજને થશે;

બોલબાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે.”

    પોતાને બારણે ખોખલા પંડ્યાને આવેલા જોઈને નરસિંહ મહેતાએ એનો ભાવપૂર્વક સત્કાર કર્યો. પંડ્યાએ સહુના કુશળક્ષેમ કહ્યા અને શ્રીરંગ મહેતાનો પત્ર આપ્યો, કુંવરબાઈનો સંદેશો પણ કહ્યો.

  નરસિંહ મહેતાથી મનમાં બોલી જવાયું: “અરે ભગવાન ! ઘરમાં તો ફૂટી બદામ પણ નથી, અને પુત્રીનું મામેરું શી રીતે કરીશ? ” પછી જાણે પોતાની સામે જ પ્રભુ ઊભા હોય તેમ મનમાં બોલ્યા : “ હે કૃષ્ણ, હવે તમે તમારી સગવડમાં રહેજો !”

    પછી એમણે ખોખલા પંડ્યાને ભોજન કરાવી, દક્ષિણા આપીને વિદાય કરતાં કહ્યું, “ત્યાં જઈને કહેજો કે નરસિંહ મહેતો મોસાળું લઈને વેળાસર આવી પહોંચશે. ”

    પંડ્યા ગયા એટલે નરસિંહ મહેતાએ તરત જ પોતાનાં સગાં સમાં વૈષ્ણવ સંતોને બોલાવ્યા. એમને બીજાં સગાંસંબંધી કોણ હોય ?

  “કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો છે. આપણે સૌએ મોસાળું કરવા જવાનુ છે. ”

   પછી તો મહેતાજીનો સંઘ મોસાળું કરવા ચાલ્યો. એમને ક્યાં કંઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે ?

    કોઈની પાસેથી એક જૂની, નકામી પડેલી વહેલ(નાનું ગાડું) લઈ આવ્યા. એ વહેલ પણ કેવી? એની ધૂંસરી વાંકી થઈ ગઈ હતી. એનાં સાલેસાલ ખખડી ગયાં હતા.

    સાથે હતા દશવીશ વેરાગીઓ અને ત્રણેક વેરાગણો. સૌએ કંઠમાં હાર પહેર્યા હતા, હાથમાં તાંબાની દાબડીમાં

બા ળમુકુંદની મૂર્તિ હતી.

   આ સંઘે સામાનમાં એક મોટો કોથળો વહેલની પાછળ બાંધ્યો હતો. એમાં ભજન કરવાનાં વાજિંત્રો ભરેલાં હતાં. ગોપીચંદનની ગાંઠડી અને પવિત્ર તુલસીકાષ્ઠ પણ ઠાંસી ઠાંસીને એમાં સમાવ્યાં હતાં. મોસાળાની આ સામગ્રીમાં તે ઉપરાંત છાપાંતિલક તથા મંજીરાં હતાં !

   નરસિંહ મહેતાને જાણે કોઈ ચિંતા જ હતી નહિ ! એમને તો પૂરી શ્રદ્ધા હતી કે ભગવાન માથે બેઠો છે, એ બધું જ કરશે. ભક્તની લાજ એ નહિ રાખે તો કોણ રાખશે ?

    સૌ વહેલમાં બેઠાં… પેલા બળદો ચાલે ત્યારે આગળ જવાય ને? માગી આણેલા ને મરવા જેવા થઈ ગયેલા એ બળદોમાં જોર જ ક્યાં હતું ? નરસિંહ મહેતા અને સાધુ-સંતો ઠેલા મારી મારીને થાકે ત્યારે માંડ એમની વહેલ થોડીક આગળ ચાલે. માર્ગમાં કોઈ વાર ઢાળ ચડવાનો આવે ત્યારે “જય જય વૈકુંઠનાથ !” કહીને હોંકારા પાડીને સૌ વહેલને ઉપર ચડાવે. કોઈ વાર તો બેમાંથી એક બળદ નીચે બેસી જાય. બીજો આગળ તાણવા જાય ત્યારે વૈષ્ણવો પેલા ગળિયા બળદને પૂંછડું પકડીને જેમતેમ ઊભો કરે.

અને પેલી પુરાણી વહેલ ચાલે ત્યારે પૈડાં એવો અવાજ કરે કે જાણે વહેલ તૂટી કે તૂટશે !

   આમ વહેલ ધીમે ધીમે આગળ વધવા લાગી. નરસિંહ મહેતા અને એમનાં વેરાગી-વેરાગણોનો સાથ, રામકૃષ્ણનુંનામ લેતાં, ઘડીમાં વહેલમાંથી ઊતરે ને ઘડીમાં બેસે- વળી ઊતરે ને વળી પાછાં બેસે !

જૂની વહેલ ને ધૂંસરી વાંકી, સાંગી થડામાં ભાંગી જી;

કોના તળાવા ને કોની પીંજણીઓ, બળદ આણ્યા બે માગી જી.

મહેતાજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રીજગદીશ જી;

ત્રણ સખીઓ સંઘાતે ચાલી, વેરાગી દશવીશ જી.

વહેલની પૂંઠે કોથળો બાંધ્યો, માંહીં ભર્યાં વાજિંત્ર જી;

ગાંઠડી ગોપીચંદનની છે, તુલસીકાષ્ઠ પવિત્ર જી;

મોસાળાની સામગ્રીમાં છાપાં, તિલક ને તાળ જી;

નરસૈંયાનું નિર્ભય મન છે જે ભોગવશે ગોપાળ જી

સોર પાડે ને ઢાળ ચડાવે, “ જય જય વૈકુંઠનાથ જી !”

એક બળદ ગળિયો થઈ બેસે, એક એકલો તાણી જાય જી;

પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કોટિ થાય જી,

સાલેસાલ જૂજવાં દીસે , વહેલ થાય છે વક્ર જી;

સાંગીનો બહુ શબ્દ જ ઊઠે, સૂચવે છે બહુ ચક્ર જી.

ચડે બેસે ને વળી ઊતરે, લે રામકૃષ્ણનું નામ જી.

    આખરે નરસિંહ મહેતા કુંવરબાઈને ગામ પહોંચ્યા. ગામ આખું આ વિચિત્ર સંઘને જોવા ટોળે વળ્યું. સૌ અંદરોઅંદર મશ્કરી કરતા બોલ્યા, “બાપને બોલાવવાના કુંવરબાઈના કોડ પહોંચ્યા ખરા ! ”

    “હા, મહેતાજી મામેરું ભારે લાવ્યા લાગે છે !”

    “ત્યારે નહિ ? “ વહેલની પાછળ બાંધેલો મોટો કોથળો બતાવીને કોઈ કહેતું, “આમાંથી મહેતા પહેરામણીમાં દરેકને એકેકી માળા પહેરવા આપશે, સમજ્યા ?”

   નરસિંહ મહેતાના આવ્યાના ખબર સાંભળતાં જ શ્રીરંગ મહેતા ઉતાવળા ઉતાવળા એમને મળવા સામે ગયા. બંને વેવાઈઓ પ્રેમથી ભેટ્યા.

   કુંવરબાઈએ પિતાના આગમનના સમાચાર જાણ્યા એટલે વહેલી વહેલી એમને મળવા જવા માંડી. ત્યાં તો નણદી હસીને બોલી : “ ઓહોહો !….આ તે શું હેત વરસી પડ્યું છે બાપ-દીકરીને ! અરે, તમારો બાપ અમારી ફજેતી કરવા તો આવ્યો છે ! સાત પેઢીનું નામ બોળવા બેઠો છે.” પછી એણે તિરસ્કારથી કહ્યું, “એવા બાપ કરતાં તો નબાપાં હોઈએ તે સારું !”

નણદીનાં આવાં વચનો સાંભળીને કુંવરબાઈ બોલી : “આવડો ગર્વ શાને કરો છો, બાઈ ? જેનો બાપ સુખી હોય, મોટો લખેશ્રી હોય, તો તેની દીકરીને લાભ ! એમાં મારે શું? મારો બાપ ભલે ગરીબ રહ્યો. આજે એ મારે ઘેર આવીને મને એક કાપડુંયે આપે તો મારે મન સોનાનો ડુંગર છે, સમજ્યાં ? તમતમારે ભલે ગમે તેમ બોલો—મારે તો મારો પિતા જીવતો રહે એ જ ઘણું છે !” આટલું કહીને કુંવરબાઈ ઝપાટાબંધ પોતાના પિતાને મળવા જતી રહી

મધ્યાહ્ને મહેતાજી પહોંચ્યા, જોવા મળ્યું સૌ ગામ જી.

                 (મારુ)

સુણી શ્રીરંગ મહેતો આવ્યા ધાઈ, ભાવે ભેટ્યા બંને વેવાઈ.

વેવાઈ ગયા ઉતારો કરી; બોલે હસણી નાત નાગરી;

”જુઓ સાથ કેવો ફૂટડો ! બાઈ, પરમેશ્વર એને ઢૂંકડો.

વગાડશે મંડપમાં ચંગ, નાગરી નાતમાં રહેશે રંગ !

છાબમાં તુલસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે,

વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે !”

એમ નાગરી કૌતુક કરે, ઠંઠોળી કરી પાછી ફરે.

કુંવરબાઈએ જાણી વાત :મોસાળું લઈ આવ્યા તાત;

ઉતાવળી મળવાને ધસી, નણદી બોલી મર્મે હસી :

“ આ શું પિતા-પુત્રીને હેત ! સગાંને કરવા આવ્યો ફજેત.

લજાવ્યું સાત પેઢીનું નામ, સાથે વેરાગીનું શું કામ ?

શું મળવા ચાલ્યાં એકલાં ? એ બાપથી નબાપાં ભલાં !”

કઠણ બોલ એવો સાંભળી, કુંવરબાઈ બોલી પાછી વળી:

”નણદી, મચ્છર શો આવડો ? પૂંઠળથી બાઈ, શું બડબડો ?

સુખી પિતા હશે જે તણો, તે પુત્રીને લાભ જ ઘણો;

કોનો પિતા લખેશ્રી કહાવે, તે તો મારે શે ખપ આવે ?

રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.

તમે મન માને તે કહો, એવો પિતા મારે જીવતો રહો !”

મર્મ-વચન નણદીને કહી, પિતા પાસે પુત્રી ગઈ.

    પિતા-પુત્રીપ્રેમથી મળ્યાં. કુશળ સમાચાર પૂછ્યા. નરસિંહ મહેતાએ કુંવરબાઈને માથે હાથ ફેરવીને કહ્યું, “મોસાળાની જરાય ફિકર ન કરશો, બેટા ! શ્રી હરિ આપણી સહાય કરશે. અરે, એ જ મોસાળું કરશે.”

    પણ કુંવરબાઈએ ચારે પાસ નજર નાખી તો મોસાળાની એકે સામગ્રી પિતા લાવ્યા ન હતા. એને સાસુ અને નણંદનાં મહેણાં યાદ આવ્યાં. હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતાએ તે અકળાઈ ગઈ. એને ખૂબ ઓછું આવ્યું. માતા જો અત્યારે જીવતી હોત તો એણે આવું ન થવા દીધું હોત. મા વિનાની દીકરીની કાળજી બીજું કોણ રાખે ?

    કુંવરબાઈની આંખમાં આંસુ આવ્યાં. પિતા મોસાળું કરવા આવ્યા—પણ સાથે કાંઈ જ લાવ્યા નહિ ! એનાથીબોલી પડાયું :”અરેરે, હવે આપણી લાજ કેમ કરીને રહેવાની ? પિતાજી તમે વિચાર તો કરો ! તમે નથી મોડ લાવ્યા, નથી કુમકુમની પડી લાવ્યા, નથી માટલી લાવ્યા, નથી ચોળીનો એક કકડોય લાવ્યા !… એમ ને એમ સીધેસીધા અહીં આવ્યા, તે તમને જરાય વિચાર ન આવ્યો ? મારી મા હોત તો આવું થાત ?”પછી એ દુ:ખી સ્વરે બોલી : “આવો ઉપહાસ કરાવવા શીદ આવ્યા.પિતાજી ? સાથે પાંચ-પચીસ વેરાગીઓને લાવવાનું કંઈ કારણ હતું ?…અને આ શંખ, કરતાળ, મંજીરાં ને માળા અને ઢોલક !—એ તે કંઈ મોસાળું કરવાના ઢંગ છે, પિતાજી ? એના કરતાં તો….તો …તમે પણ જતા રહો !” એટલું બોલતાં બોલતાં તો કુંવરબાઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

દૂર થકી દીઠી દીકરી, મહેતાએ સમર્યા શ્રીહરિ.

અન્યોઅન્ય નયણાં ભરી ભેટ્યાં બંન્યો આદર કરી.

મહેતે મસ્તક મૂકી હાથ, પાસે બેસાડી પૂછી વાત :

“કહો કુંવરબાઈ, કુશળક્ષેમ ? સાસરિયાં રાખે છે પ્રેમ ?

રૂડો દિવસ આવ્યો દીકરી, તો મોસાળું કરશે શ્રીહરિ.”

કુંવરબાઈ બોલી વિનતિ, “સામગ્રી કાંઈ પાસે નથી;

નાગરી નાતે રહેશે કેમ લાજ ? ધન વિના આવ્યા શેં કાજ ?

નથી લાવ્યા તમો નાડાછડી, નથી મોડ કે કુંકુમપડી !

નથી માટલી, ચોળી, ઘાટ ! એમ શું આવ્યા બારેવાટ ?

કેમ કરી લજ્જા રહેશે, તાત ? હું શેં ન મૂઈ મરતે માત !

માત વિના સૂનો સંસાર, નમાયાંનો  શો અવતાર !

સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિણ જેવું તલફે મચ્છ,

ટોળે વછોઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી.

ઘડો ફૂટે રઝળે ઠીંકરી, મા વિના એવી દીકરી.

ઘી વિના લૂખી ખીચડી, મા વિના ભૂખી દીકરી.

મા વિના અણાંપિયાણાં તે કૂણ જ કરે,

મા પહેલાં છોરું શેં ન મરે ? ”

    નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતાં કહ્યું, “બેટા, કુંવરબાઈ ! શું કરવા દુ:ખી થાય છે ? હું કહું છું ને કે શ્રીહરિ મોસાળું કરશે !” પછી એમણે પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું: “જાઓ, ઘેર જઈને સાસરિયાંને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલીની યાદી કરીને મને મોકલાવે. કોઈપણ માણસને પહેરામણીમાં ભૂલશો નહિ. જાઓ, બેટા !”

    પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યો ત્યારે તો એણે મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો : “નાહકની શા માટે એવી માથાફોડ કરવી ? મહેતાજીથી શું અપાવાનુંછે ? એના ઢંગ જ જુઓને આપે એવા ! ”

    પણ પાસે કુંવરબાઈનાં વડસાસુ—સાસુનાં સાસુ-બેઠાં હતાં. એણે કટાક્ષથી પોતાની વહુને –કુંવરબાઈની સાસુને—કહ્યું, “અરે, વડી વહુ !… તમે તો કંઈ જાણતાં જ નથી ! મહેતા તો વૈષ્ણવજન છે. અરે બાઈ ! જેને શામળિયા સાથે સ્નેહ હોય તેને તે શી ખોટ હોય ? તમતમારે મનગમતી પહેરામણી માગો; બધુંયે મળશે.” પછી એ બોલ્યાં, “વડી વહુવર ! જોયા શું કરો છો ?… કુંવરબાઈને આપો કાગળ અને લખાવો હું જે કહું તે ! નરસિંહ મહેતા જેવો વેવાઈ આપણે આંગણે આવ્યો છે—અનેઆપણા કોડ નહિ પુરાય, એમ ?… લખો હું લખાવું તે, કુંવરવહુ !”

મહેતે મસ્તક મૂક્યો હાથ, “મોસાળું કરશે શ્રીનાથ.

પહેરામણી કરવી જેટલી, આસામી લખી લાવો તેટલી.

લખજો સાસરિયાં સમસ્ત, વિસારશો મા એકે વસ્ત. “

વચન મહેતાજીનાં સુણી કુંવરબાઈ ગઈ સાસુ ભણી–

મારા પિતાએ મોકલી હુંય, લખો કાગળમાં જોઈએ શુંય.”

મુખએ મરડીને બોલી સાસુ, “શો કાગળ ચીતરવો ફાંસુ ?

છાબમાં તુલસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે !”

                 (સામેરી)

વડસાસુ ઘણું ભારે માણસ, બોલ્યાં પરમ વચન:

“વડી વહુવર, તમે કાંઈ ન જાણો, મહેતો વૈષ્ણવજન;

જેને સ્નેહ શામળિયા સાથે, તેને શાની ખોટ?

પહેરામણી મનગમતી માગો, કરો નાગરી ગોઠ.

કુંવરવહુને કાગળ આપો, લખો લખાવું જેમ;

રૂડો વેવાઈ આંગણે આવે, કોડ ન પહોંચે કેમ ?

“લખો પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફળ લખો સેં સાત;

વીસ મણ વાંકડિયાં ફોફળ, મળશે મોટી નાત.

લખો પછેડી પંદર કોડી, પટોળાં પચાસ;

ધોતિયાં બ્રાહ્મણને જોઈએ, લખો કોડી ત્રીસ.

બે કોડી જરકસની સાડી, રેશમની કોડી બાર;

 સાદી સાડી લખો ત્રણસેં, છાયલ લખો સેં ચાર.

હજાર બારસેં લખો કાપડાં, લોક કરે બહુ આશ.

સોળસેં લખો શેલાં સાળુ, તેલ પાનનો શો આંક ?

આશરા પડતું અમે લખાવ્યું, બાપ તમારો રાંક;

સહસ્ત્ર મહોર સોનાની રોકડી, કહેતાં પામું ક્ષોભ.

અમો ઘરડાંએ ધર્મ લખાવ્યું, ન ઘટે ઝાઝો લોભ:

એ લખ્યાંથી અદકું કરો, તો તમારા ઘરની લાજ.”

તવ મુખ મરડી નણદી બોલી, “સિદ્ધ થયાં સહુ કાજ.

ભારે મોટા બે પહાણ લખોને જે મહેતાથી અપાય !”

    અને આમ હૈયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી. પછી એ બોલ્યાં, “આપણે તો ઘરડાં કહેવાઈએ. જે સાચું છે તે લખાવ્યું. વળી તમારો બાપ તો, કુંવરવહુ, ગરીબ માણસ !… એને આનાથી વધારે શું લખાવાય ? આટલાથી વધારે પહેરામણી જો કરશો, તો તમારી લાજ વધશે.”

    એટલે નણદી મોઢું મરડીને તિરસ્કારથી બોલી, “હા, દાદીમા ! હવે આપણાંબધાંયે કાજ,બધાયે કોડ પૂરાં થવાનાં ! ” પછી રોશથી બોલી, “એનાં કરતાં તો બે મોટા પથરાયે સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી અપાય ! ”

    “છાની રહે, છોકરી ! ” ડોસીએ કટાક્ષથી કહ્યું, “બૂમાબૂમ શાની કરે છે ?મહેતાએ કહ્યું તેથી આટલું પણ લખાવ્યું. એમાં લખવામાં આપણું શું જાય છે ? ”

    પહેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ તો ધ્રૂજતી ધ્રૂજતી પિતા પાસે ગઈ. “હાય હાય ! ડોસીએ તો ડાટ વાળ્યો. વડસાસુ મારી ખરેખરી વેરણ થઈ !” એમ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઈને એણે કહ્યું, “પિતાજી ! હવે શું થશે ?… લખેશ્રીથીએ પૂરું ન પડે, એવું વડસાસુએ લખાવ્યું છે. અરેરે, હવે મારું શું થશે ?… તમારા જેવા સાધુજનને દુ:ખ દેવા જ જાણે મને સીમંત આવ્યું છે, પિતાજી !” કહી કુંવરબાઈ રડી પડી. “ડોસીએ તો હજાર સોનામહોરો માગી છે. અને…અને કપડાંલત્તાંનો તો કોઈ પાર જ નથી ! પિતાજી, તમે પાછા જતા રહો. અહીં રહેશો તો રહીસહી ઇજ્જત પણ જતી રહેશે.”

    “ના, દીકરી, ના !” મહેતાજીએ કુંવરબાઈને આશ્વાસન આપતાં કહ્યું. “તું એમાં ગભરાય છે શા માટે ? સારું થયું ડોસીએ આટલું બધું લખાવ્યું તે ! રડ નહિ, બેટા ! મારો શામળિયો બધું પૂરું પાડશે.એને ત્યાં શી ખોટ છે ?” પછી એ ખૂબ શ્રદ્ધાથી બોલ્યા, “ઘેર જા, બેટા ! ભગવાન પર વિશ્વાસ રાખજે. અને જો શ્રીહરિ આપણને સહાય નહિ કરે, તો એનો ઉપહાસ થશે—એમાં આપણું શું જશે ? દ્રૌપદીનાં નવસો ને નવ્વાણું પટકૂળ એણે જ અણીને વખતે પૂરાં પાડ્યાં હતાં ને ? એવો મારો નાથ આપણી વહારે નહિ આવે ?…. અને બેટા, તું તો વૈષ્ણવ ભક્તની દીકરી છે. હૈયામાં ધરપત રાખો. ત્રિભુવનને પાળનારો આપણનેયે તારશે.”

    પિતાની વાણી સાંભળીને કુંવરબાઈને પણ વિશ્વાસ આવ્યો કે ભગવાન જરૂર ભક્તની લાજ રાખશે.અને ત્યાંથી વહેલી વહેલી એ શ્રદ્ધાભર્યા હૈયે પોતાને ઘેર ગઈ.

                 *******

    મંડપમાં સમસ્ત નાગર ન્યાતનાં નરનારીઓ એકઠાં થયાં છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે.

    ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકડીને હરિગુણ ગાતા ગાતા આવ્યા. સાથે એમનાં વેરાગીઓ ને વેરાગણો પણ છાપાં, તિલક અને તુલસીમાળા ધારણ કરીને ભગવાનનાં ગુણગાન ગાઈ રહ્યાં છે. મહેતાજીએ ગદ્ ગદ કંઠે ગાવા માંડ્યું :

    “હે નંદકુમાર ! તું મારી સહાય કરજે. હે પ્રભુ ! કુંવરબાઈ તો તારી પુત્રી છે. એ તારે આશરે છે. મારા જેવા દીનહીન અને દુર્બળથી શો અર્થ સરે તેમ છે, કૃપાનાથ ? બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી. હવે વેળા વીતી જાય તે પહેલાં આવો, નાથ !… અને હવે નહિ આવો, હે સુંદરશ્યામ, એમાં મારી નહિ, તમારી લાજ જવાની છે !”

                     (સામેરી)

વીતી રજની કીર્તન કરતાં થયો પ્રાત:કાળ રે;

કુંવરબાઈ આવ્યાં પિતા પાસે, “હવે મોસાળાની કરો ચાલ રે.”

મહેતાજી કહે, “પુત્રી મારી, જઈ નાતને તેડાં કરો;

વિશ્વાસ આણી મંડપ માંહી છાબ ઠાલી જઈ ધરો.

સમસ્ત નાત નાગર તણી તેડો સહકુટુંબ રે:

છે વાર નાત મળે એટલી, નથી મોસાળાનો વિલંબ રે.”

કુંવરબાઈ કહે, “તાતજી, મને કેમ આવે વિશ્વાસ રે ?

ઠાલી છાબ હું કેમ ધરું ? થાય લોકમાં ઉપહાસ રે.”

મહેતાજી કહે, “પુત્રી મારી, છો વૈષ્ણવની દીકરી;

તારે મારે ચિંતા શાની ? મોસાળું કરશે શ્રીહરિ.”

મર્મ-વચન સુણી તાતનું, સાસુ પાસે ગઈ વહુ

”મારો પિતા મોસાળું કરે છે, સગાં મિત્ર તેડો સહુ.”

ખોખલે પંડ્યે તેડાં કીધાં, મળ્યું આખું ગામ રે.

મંડપમાં મહેતાજી આવ્યા, હાથ રહી છે તાળ રે.

                 (મારુ)

મહેતે વજાડ્યો શંખ, સમર્યા વનમાળી;

લાગી હસવા ચારે વર્ણ, માંહોમાંહે દે તાળી:

”જુઓ મોસાળાના ઢંગ વેવાઈએ માંડ્યા !

“જુઓ છાપાં, તિલક ને તાળ, જુઓ તુલસીમાળા :

નરસૈંયો કરશે નૃત્ય, ગાશે ટોપીવાળા !”

જોવા મળી નાગરી નાત, બહુ ટોળેટોળાં;

કરે મુખ મરડીને વાત, “આપશે ઘરચોળાં !”

બહુ નાની મોટી નાર મંડપમાં મળી,

કરે વાંકી છાની વાત સાકરપેં ગળી.

સજ્યા સોળ શણગાર, ચરણાં ને ચોળી;

જોબનમદ-ભરી નાર કરે બહુ ઠંઠોળી.

માળા મોતીહાર ઉર પર લળકે છે;

જડાવ ચૂડલો હાથ, કંકણ ખળકે છે.

કોને શીશફૂલ રાખડી ચાક, ભમરી ભાલે છે;

કો મસ્તક ઓરાડે ચીર, શણગટ વાળે છે.

કોઈ છૂટે અંબોડે નાર, વેણી લાંબી છે;

કોને ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી છે.

 ‘કોએ રમાડવા સરખાં બાળ કેડે લીધાં છે.

કોઈ વહુવારુ લજ્જાળ નણદી પૂંઠે છે.

કો શીખવી બોલાવે બાળ, વારી રાખે છે;

કો વાંકાબોલી નાર વાંકું ભાખે છે:

“બાઈ, કુંવરવહુ નો બાપ કરશે મામેરું;

હું તો લઈશ પટોળી શ્રીકાર—સાડી નહીં પહેરું.”

વાંકાબોલા વિપ્ર બોલે ઉપહાસે,

“મૂકો છબમાં પહાણ, વાયે ઉડી જાશે.”

મૂક્યો દીકરીએ નિશ્વાસ, આવી પિતા પાસે.

મહેતે કીધી સાન :  “રહેજે વિશ્વાસે.”

    અને ભકતની ભીડ જાણીને ભગવાન એની વહારે ધાયા. એમણે કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું. લક્ષ્મીજી શેઠાણી થયાં. સાથે નંદ, સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઊંચકી લીધી.

    પછી સોનેરૂપે ઘડાવેલી અને હીરામોતીએ જડાવેલી વહેલમાં બેસીને દેવોનાયે દેવ ભગવાન શ્રીકૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા. ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઊભો રહ્યો. બધાં અંદરથી ઊતર્યા. આખી નાગરી ન્યાત આંખો ફાડીને એમને જોઈ રહી.

    પછી તો પ્રભુ ધીરગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા. ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા. એમણે માથે સુંદર પાઘડી બાંધી છે. વસ્ત્રો ઉપર કેસરનાં છાંટણાં કરેલાં છે. કાને હીરાજડિત કુંડળો લટકી રહ્યાં છે.  …. અરે, કાને એક લેખણ પણ છટાથી ખોસેલી છે ! અને નામ ?…. પ્રભુએ પોતાનું નામ દામોદર દોશી રાખ્યું છે. બંને હાથે, માલિમુક્તાથી ઝળકારા મારતી વીંટીઓવાળી આંગળીઓ વડે, એમણે ખેસના છેડા પકડ્યા છે. અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા.

    –પાછળ રૂપરૂપનાં અંબાર સમાં લક્ષ્મીજી –‘કમળા શેઠાણી’ જ તો ! –ચાલતાં હતાં. આખી સભા એમને જોઈને અવાક્ થઈ ગઈ. આવું રૂપ !… આવું તેજ !… આવા શણગાર !… આવી ચાલ !…જન્મારામાં કોઈએ જોયાં નહોતાં.

    દાસદાસીઓથી વીંટળાઈને બંને જણને પોતાની સામે આવતાં જોઈને મહેતાજી તો સમજી ગયા. ભગવાનને ઓળખતાં ભક્તને શી વાર લાગે ? અને ઊભા થઈને એ ભેટી પડ્યા. ભેટતાં ભેટતાં ભગવાને નરસિંહ મહેતાને કહ્યું, “જોજો, હં ! મારું નામ ન કહી દેશો !…. હવે તમારે જે આપવું હોય તે માંડો આપવા…. અને કરો કુંવરબાઈના કોડ પૂરા !”

    પછી હરિએ કમળાને કહ્યું, “જાઓ, શેઠાણી ! કુંવરબાઈને મળો અને એનાં બધાં જ દુ:ખ કાપો.”

    ‘શેઠાણી’ કુંવરબાઈ પાસે ગયાં અને પ્રેમથી હૈયે ચાંપીને બોલ્યાં, “આમ આંસુ ભરીએ નહિ, મારી મીઠી !… ક્યાં છે તારાં સાસુ ?”

    કુંવરબાઈ એમને પોતાની સાસુ પાસે લઈ ગઈ. કમળા શેઠાણીનું અપરંપાર દૈવી સૌંદર્ય નીરખીને આસપાસ ઊભેલી અનેક રૂપગર્વિતા નાગર સુંદરીઓનો અહંકાર ગળી ગયો.

    સાસુએ નમ્રસાદે એમને પૂછ્યું, “મહેતાજી સાથે તમારે શું સગપણ, શેઠાણીજી ?”

    જવાબમાં કોયલ જેવા મધુર સ્વરે શેઠાણી બોલ્યાં, “વેવાણ ! તમે અમને ન ઓળખ્યાં શું ?તમે બ્રાહ્મણ અને અમે વાણિયા !… અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે. એમનું ધન લઈને વેપાર ચલાવીએ છીએ.” પછી જરા હસીને એમણે કહ્યું, “મહેતાજીએ જેટલાં વસ્ત્રો લખાવ્યાં હતાં એ બધાં જ લાવ્યાં છીએ. અમે તો અહીં મોસાળું કરવા આવ્યાં છીએ, વેવાણ !”

                 (મારુ)

ભક્ત નરસૈંયાનું દુ:ખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી રે;

થયા શેઠ તે સારંગપાણિ રે, સાથે લક્ષ્મી થયાં શેઠાણી રે.

ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઊમિયાવર આરાધે રે;

ન જડે ધ્યાને, દાને, બહુ જાગે રે, તે હીંડે છે અણવાણે પાગે રે;

ચૌદ લોક તણો મહારાજ રે, મહેતા માટે થયા બજાજ રે.

વાગો શોભે કેસર છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે;

કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ શ્રવણે અડિયાં રે;

એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે;

ઝીણા જામા ને પટકા ભારે રે,-હરિ હળવે હળવે પધારે રે.

પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે;

ઊતર્યાં નાગરીનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે.

વેવણ કમળાને એમ પૂછે રે, “મહેતા સાથે સગપણ શું છે રે ?”

કોકિલા-સ્વરે અમૃતવાણી રે, તવ હસીને બોલ્યાં શેઠાણી રે;

”વેવાણ, તમોએ શું નવ જાણિયાંરે, તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે ?

વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમારે ઓથ નરસૈંયાની મોટી રે:

અમો ધન મહેતાજીનું લીજે રે, વેપાર કાપડનો કીજે રે.

અમો આવ્યાં મોસાળું કરવા રે—ઠાલી છાબ સોનૈયે ભરવા રે.

મહેતે જે જે વસ્ત્ર મંગાવ્યાં રે, અમો લખ્યા પ્રમાણે લાવ્યાં રે.”

    આ બાજુ દયાનિધાન પ્રભુ પોતે શ્રીરંગ મહેતાને ભાવપૂર્વક ભેટ્યા. પછી એમણે નરસિંહ ભક્ત તરફ ફરીને મુખ મલકાવી કહ્યું, “મહેતાજી ! હવે પહેરામણી શરૂ કરો. કોઈ રહી ન જાય એ જોજો !… અને મારા સરખા તમારા વાણોતરને યોગ્ય બીજું જે કંઈ કામ હોય તે કહો !”

    એ સાંભળીને નરસિંહ મહેતાએ કુંવરબાઈને તેડાવી : “જુઓ , બેટા ! શામળિયાએ છાબ સનૈયાથી ભરી દીધી છે. હવે આખીયે નાગરી નાતને પહેરામણી કરવી છે. ફરીથી આવો અવસર આવવાનો નથી. જાઓ, દીકરી ! તમારાં સાસુજીને કહો કે બધાં તૈયાર થાય !”

    કુંવરબાઈ તો હર્ષથી નાચતા હૈયે સાસુજી પાસે ગઈ. આજે તેના આનંદનો પાર નહોતો. આજે તેના ગર્વનો પાર નહોતો. એના નિર્ધન ભક્ત પિતા, કોઈએ ક્યારેય ન કરી હોય એવી પહેરામણી કરવા બેઠા હતા.

    “ સાસુજી !” એ બોલી, “જુઓ, પેલી છાબ ! જેટલી જોઈએ તેટલી પહેરામણી માગી લેજો !…

અરે, લખ્યાથી પણ વધારે જોઈએ તો તેય માગજો….!”

    અને પછી તો કુટુંબનાં ગોર-ગોરાણી, કુંવરબાઈનાં સાસુ-સસરા, વર, જેઠ-જેઠાણી , દિયર-દેરાણી, નણદી વગેરેને સંતોષ થાય  એટલું સુવર્ણ તથા વસ્ત્રાલંકારો આપવામાં આવ્યાં.

    છાબની પાસે બેઠા બેઠા ભગવાન મોટી મોટી ગાંસડીઓમાંથી જાતજાતનાં ને ભાતભાતનાં વસ્ત્રો સૌને વહેંચવા માંડ્યા. કોઈને મુગટા, કોઈને પીતાંબર, કોઈને જરકસી જામા, કોઈને પછેડી….! જ્યાં કરુણાસિંધુ ભગવાન સ્વયં કૃપાનો વરસાદ વરસાવે, ત્યાં શી મણા રહે ? અને ઘરેણાંય પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં.

બાજુબંધ બેરખા, વેઢ, વીંટીઓ; માળા, માદળિયાં. કંદોરા ને કંઠી, પહોંચી ને સાંકળી, કનકનાં કડાં, કુંડળ….! ભગવાને સૌને ખોબે ખોબે આપ્યું.

    પછી આવ્યો સ્ત્રીઓનો વારો…. ગજિયાણી સાડી, સાળુ, ચાયલ, છીંત, પટોળાં, ઘાટડીઓ, ઘરચોળાં, મશરૂના કમખા, પાટ, પીતાંબર, અતલસ, અંબર, જરકસી સાડી, ઓઢણીઓ ….! નાગર નારીએ ક્યારેય ન જોયાં હોય એવાં વસ્ત્રોની ત્યાં લૂંટ મચી રહી. વીંટી, ગળૂબંધ, ભમરી, શીશફૂલ, માળા…. આભૂષણો પન પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં.

   દરેક સ્ત્રી અને પુરુષને પોતપોતાની મનગમતી વસ્તુઓ મળી.દરેક જણ મહેતાજીનાં વખાણ કરવા લાગ્યું. આખી નાગરી ન્યાત જ નહિ, પડોશીઓ અને પરન્યાતીલાઓને – અરે, દરેક ઘરના નોકર ચાકરને પણ –જે જે જોઈતું હતું તે બધું મહેતાજીની પહેરામણીમાંથી મળ્યું… અને કુંવરવહુના કોડ પૂરા થયા. એનું ભવનું મહેણું ભાંગ્યું.

    પ્રભુએ આમ પોતાના ભક્તની લાજ રાખી. એની શાખ વધારી.

 કોને મુગટા, કોને પીતાંબર, કોને શેલાં શણિયાં જી:

વસ્ત્ર તણો વરસાદ વરશ્યો, જ્યાં દોશી કરુણાસિંધુ જી !

બાજુબંધ બેરખા અતિસુંદર, વેઢ, વીંટીઓ, છાપ જી;

કોને કંદરા ને કંઠી, પહોંચી , કોને સાંકળી માળ જી;

કનક-કડાં ને કાને કુંડળ જડાવ ઝાકમઝાળ જી:

પહેરામણી પુરુષોને કીધી, તેડ્યો અબળા-સાથ જી.

ગંગાવહુને ગજિયાણી સાડી, સુંદરવહુને સાળુ જી;

ગોરે અંગે સુંદર શોભે માંહે કાપડું કાળું જી;

છબીલીવહુને છાયલ ભારે, ભાત તે રાતી ધોળી જી;

શ્યામકુંવરને સોનેરી સાળુ, ગુણકુંવરને ઘરચોળું જી;

લક્ષ્મીવહુને, લાછાવહુને, લાલવહુને પટોળું જી.

છાબની પાસે છબીલો બેઠા, જે જોઈએ તે કાઢે જી;

અતલસ પાંચપટા નવરંગી, આભૂષણ અપાર જી:

જડાવ—વીંટી સુંદર શોભે, તેજ તણો નહીં પાર જી.

કોને અકોટી, કોને ત્રોટી, ગળુબંધ બહુમૂલ જી;

કોને ભમરે, કોને સેંથો, ત્રસેંથિયાં શીશફૂલ જી.

    પણ હજુયે પેલી યાદીમાંથી કાંઈક બાકી રહેતું હતું…. પહેરામણીની આખી યાદી ઉતરાવ્યા પછી નણદીના વચન પ્રમાણે એમાં બે પથરાઓ મૂકવાનું પણ લખ્યું હતું….

    અને જતાં પહેલાં, અંતરધાન થતાં પહેલાં, ભગવાન એ પા’ણા મૂકવાનું પણ ભૂલ્યા નહોતા.પણ…પણ એ બે પા’ણા નક્કર સુવર્ણના હતા !

    સૌ વિસ્મય પામીને જ્યાં પેલાં ‘શેઠ-શેઠાણી’  હતાં ત્યાં જોઈ રહ્યાં. પણ પોતાનું કાર્ય પૂરું કરીને એ તો જોતજોતામાં અદૃશ્ય થઈ ગયાં હતાં.

    અંતે મહેતાજીએ હાથ જોડીને સૌની ભાવપૂર્વક વિદાય માગી. અને પોતે આણેલી પેલી વહેલમાં કુંવરબાઈને  બેસાડી, વેરાગી-વેરાગણોના સંઘ સાથે એ જૂનાગઢ જવા વિદાય થયા.

************************************

Posted in miscellenous

ગુલમહોર

ગુલમહોર

GULMAHOR13

ગુલમહોર

જન્મભૂમિ: 13/11/2018

(તેજસ્વિનીપૂર્તિ)

    દિવાળી હજી હમણાં જ ગઇ છે. વૉટ્સ અપ પર મળેલો સુંદર દીપાવલિ સંદેશ શરૂ થયેલા નવા વર્ષને માટે પણ એટલો જ સાચો છે તેથી શૅર કરું છું :

 કોઈને જુઓ અને તમારી અંદર રંગોળી પુરાઈ જાય

ત્યારે સમજવું કે આજે દિવાળી છે

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા  તમારા સમયને કોઇની નજરનું લીલું તોરણ બંધાય.

ત્યારે સમજવું કે આજે દિવાળી છે

સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઇને ફરતા હો

અને અચાનક કોઇના ઉષ્ણ શ્વાસની હૂંફથી તમે આખેઆખા ફૂટી જાવ

ત્યારે સમજવું કે આજે દિવાળી છે

સાવ કડવી વખ જેવી ઉદાસી વાગોળતાં વાગોળતાં

 તમે જૂના ડબ્બા ખોલતા હો

અને અચાનક કોઇની મીઠી યાદ જેવી

મીઠાઈ મળી આવે

ત્યારે સમજવું કે આજે દિવાળી છે

જમણો હાથ ડાબા હાથને ન કળી શકે

એવા ગાઢ અંધારામાં તમે બેઠા હો

અને તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ દીવો પ્રગટાવી જાય

ત્યારે સમજવું કે આજે દિવાળી છે

નવા વર્ષનો પ્રત્યેક દિવસ આવો દિવાળી જેવો બને તેવી શુભેચ્છા

*************************

Posted in miscellenous

મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

KASHIBEN

: ખીસાંપોથી

મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

સાભાર:લોકમિલાપ-પો.બો.23(સરદાર નગર), ભાવનગર 364001 ફોન(0278)2566402

ઈ-મૈલ.:lokmilap@gmail.com

    મારા જીવનમાં જે કાંઈ ખડતલપણું , સાદાઈ, સેવાપરિશ્રમ, ગરીબો પ્રત્યે પ્રેમ છે, તે બધું મને મારાં માતાપિતાએ વારસામાં આપ્યું છે. બાનું નામ સમરતબા અને બપુજીનું નામ છોટુભાઈ.

    મારી જન્મતારીખ ભાઈજીએ લખી રાખેલ છે:1919ની 18મી જાન્યુઆરી. એ વખતે મારા બાપુજી ધોરાજીમાં ભાઈજીની દવાની દુકાનમાં કામ કરે. બાપુજીને નાનપણમાં ભણવાનો કંટાળો, એટલે બહુ ન ભણ્યા. જેતપુરમાં જેઠાભાઈ ડૉક્ટરના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરીએ રહી ગયા. દવાખાનામાં પોસ્ટ—મોર્ટમ કરવાનાં મડદાં આવે. બાપુજીને આવું આવું જાણવાની હોંશ, એટલે પોસ્ટમોર્ટમ કરતાં શીખી ગયા. એમ કરતાં કાપકૂપ , ટાંકા લેવા, પાટાપિંડી  વગેરે કામનો અનુભવ એમને થઈ ગયો. દરદીઓની સેવા-સારવારમાં બાપુજીને બહુ આનંદ આવતો. પણ કુટુંબે કહ્યું. “આમ સેવા કરવાથી દળદર નહિ ફીટે”. એટલે જેતપુર છોડી ધોરાજી મેડિકલ સ્ટોરમાં ભાઈ ભેગા આવ્યા. પણ બે ભાઈઓનું પોષણ થાય એટલો વેપાર ન હતો, એટલે બાપુજી ખામગાંવ (મહારાષ્ટ્ર) ગયા. એક શેઠને ત્યાં ખાવું-પીવું ને સાત રૂપિયાના પગારે નોકરી મળી ગઈ; રહેવાનું શેઠને ઘેર.

    બાપુજીનાં કામકાજ ને પ્રામાણિકતાની બજારમાં સુંદર છાપ પડેલી. એ જોઈ રવજીભાઈ એન્ડ કંપનીએ એમની સાથે ભાગીદારીની વાત મૂકી. શેઠની રજા લઈને બાપુજી ભાગીદાર બન્યા અને કપાસિયાનો વેપાર શરૂ કર્યો. જરા સ્થિર થયા એટલે અમને બોલાવી લીધાં. કપાસિયાના નમૂના ઘણા આવે તેનો જથ્થો ઘરમાં ઠીક ઠાક એકઠો થતો, એટલે બે ભેંસ લીધી. બા ઢોરને જીવની જેમ સાચવતાં.

    અમારા કુટુંબમાં ત્રણ પેઢીથી ધર્મના સંસ્કાર ચાલ્યા આવતા. ઘરનાં સ્ત્રી –પુરુષો વ્યાખ્યાનમાં જાય અને સાધુસંતોનો સત્સંગ કરે. સુધારાવાદી રાષ્ટ્રીય સાધુ એવા મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે બાપુજીને ખૂબ ભાવ. સાને ગુરુજી પણ અમારે ત્યાં આવતા. એમના સત્સંગથી બાપુજીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો. ગાંધીજીનું સાહિત્ય હાથમાં આવ્યું અને બાપુજીમાં મોટો પલટો આવ્યો. એકદમ તેઓ રાગીમાંથી વૈરાગી બની ગયા. સ્વતંત્રતાની લડત શરૂ થઈ, બાપુજી જેલમાં ગયા. જેલમાંથી છૂટી, ધંધો બંધ કરી સેવા કરવાનો સંકલ્પ કર્યો. અમે સૌ શ્રીમદ્ રાજચંદ્રના ચાહક બુધાભાઈને ત્યાં અમદાવાદ આવી ગયા. બુધાભાઈ ત્યારે આશ્રમમાં રહેતા. આશ્રમમાં ગાંધીબાપુ માંદાંની બહુ સેવા કરતા. મારા બાપુજીને પણ એવો જ શોખ. એમની પાસેથી પ્રથમથી જ મને એવા સંસ્કાર મળ્યા કે કોઈ માંદું પડે તો એની સેવા કરવી ખૂબ ગમે.

    1938માં હરિપુરામાં મહાસભાનું અધિવેશન ભરાવાનું હતું. મૃદુલાબહેને એમાં સેવા કરવા તૈયાર હોય એવી સેવિકાઓને માટે શિબિર ચલાવી. એમાં હું દાખલ થઈ. મૃદુલાબહેને મને સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી સ્વયંસેવિકાઓની ભરતી કરવાનું કામ સોંપ્યું. હું ગામડામાં ફરી અને સો જેટલી બહેનોને તૈયાર કરી.

         **************

    એ જમાના પ્રમાણે અમારાં સગાં મારું સગપણ કરવા માટે બાપુજી પર પત્રો લખતાં. બાપુજી મને પૂછે ત્યારે હું કહેતી કે, “મારે મીરાં થવું છે, પરણવું નથી.”

    1937થી સંતબાલજી મહારાજના સત્સંગનો લાભ અમને મળવા લાગ્યો હતો. એમની સાથે વાતચીત કરવાનો પ્રસંગ આવતાં મેં કહ્યું, “મને લગ્ન કરવાની મુદ્દલ ઈચ્છા જ થતી નથી.”મારી દૃઢતા જોઈ સંતબાલજી મહારાજે ત્યારથી મારા સંકલ્પમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. માતાની માફક મારી ખબર રાખવા લાગ્યા અને બ્રહ્મચર્યવ્રતના પાલન માટે માર્ગદર્શન આપતા રહ્યા.

    એ જમાનામાં કોઈ કુમારિકા અવિવાહિત રહેવા દૃઢ હોય તો તેને દીક્ષાને માર્ગે વાળી દેવામાં આવતી. મારાં સગાં મને દીક્ષા લેવા સતત આગ્રહ કરવા લાગ્યાં, સાધુ-સાધ્વીઓ પણ ખેંચવા લાગ્યાં. પણ મેં કહી દીધું, “મને દીક્ષા લેવાનું મન જ નથી થતું, તો માથું મૂંડાવીને શું કરું ?” બહુ વિચારને અંતે સામાજિક સેવાની દૃષ્ટિએ મને નર્સીંગનો અભ્યાસ કરવાનો  વિચાર સૂઝ્યો. 1938માં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ(અમદાવાદ)માં નર્સીંગનો પોણા ચાર વરસના અભ્યાસક્રમમાં મને પ્રવેશ મળ્યો. ત્યારે જૈન કે હિંદુ બહેનો આ તાલીમ લેવા આવતાં ન હતાં. હું એકલી અને બાકીનાં બધાં ખ્રિસ્તી બહેનો હતાં.

    કોલસાની કોટડીમાંથી વગર ડાઘે પસાર થઈ જવામાં ખૂબ સાવધાની રાખવી પડે છે, તેવું આ વ્યવસાયમાં પણ છે. ડગલે ને પગલે  પ્રલોભનો આવે. દરદીનાં સુખી સગાં ભેટો આપી લલચાવે. ડૉકટરોય લાલચ અને ભય બતાવી ડગાવવા પ્રયત્ન કરે. એ બધાંથી મુક્ત રહેવામાં માતા-પિતાના સંસ્કાર ને આત્મબળ અસરકારક નીવડેલાં. મને બધાં ‘વાઘણ’ કહેતાં, કેમ કે હું કોઈથી ડરતી નહિ અને કોઈ જરા એલફેલ કરે તો વાઘણની જેમ ઘૂરકતી. સમય જતાં શીલની સુવાસ પ્રસર્યા પછી ડૉક્ટરો પણ અદબ જાળવતા. સ્કૉલરશિપના જે પૈસા આવતા તે ગરીબ દરદીઓને દવા કે ફળફળાદિ લાવી આપવામાં હું વાપરી નાખતી.

    મારા અભ્યાસકાળ દરમિયાન અમદાવાદમાં હુલ્લડ થયું ત્યારે ઘાયલ થયેલા અસંખ્ય લોકો દવાખાનામાં આવતાં. ખાટલા પૂરા હોય નહિ, એટલે નીચે પથારી આપીએ. ડૉક્ટરો થાકે એટલે મારા જેવાને ટાંકા લેતાં ને પાટા બાંધતાં શીખવે. મને દરદી પ્રત્યે ખૂબ સહાનુભૂતિ, એટલે રાત—દિવસ જોયા વિના કામ કરતી.

                      **********

    ભાલમાં જેવુંપાણીનું દુ:ખ, એવું નળકાંઠામાં ઔષધનું દુ:ખ. ચોમાસામાં ક્યારીનાં પાણી ભરાયેલાં રહે અને ભાદરવામાં મેલેરિયાના ખાટલા ઘેરઘેર હોય. ગડગૂમડ, ખસ, મરડો તથા આંખનાં દર્દનો પાર નહિ, પણ પચાસ પચાસ ગામ વચ્ચેય એકેય દવાખાનું જોવા ન મળે. એમાંય બહેનોની પ્રસૂતિ વખતે કોઈ આરોવારો નહિ. 1944માં સંતબાલજી મહારાજ સાણંદમાં ચાતુર્માસ કરવા રહેલા ત્યારે બાપુજીના મંત્રીપણા નીચે વિશ્વવત્સલ ઔષધાલય સમિતિ રચવામાં આવી. મેં સાણંદમાં સેવા આપવાનું નક્કી કર્યું.

    ગામડાંની પ્રજા પ્રત્યે મને ખૂબ સહાનુભૂતિ હતી. એમાં પણ પ્રસૂતા બહેનોની પીડ ભાંગવા હું ખડે પગે રહેતી. એમનો સાદ સાંભળતાં હું ક્ષણવાર પણ થોભ્યા વિના દોડી જતી. ધીમે ધીમે મારા બાપુજી જ્યાં કામ કરતા હતા તે શિયાળ જેવા ઊંડાણના ગામડામાં એમને મદદરૂપ થવા હું હોંશે હોંશે ઊપડી ગઈ.

    શિયાળ એટલે ભાલ અને નળકાંઠાને સાંધતો બેટ. ચોમાસાના ચાર માસ એના ફરતું પાણી જ રહે, અને ઉનાળા-શિયાળામાં પગકેડીએ  બગોદરા પહોંચાય. બગોદરાથી સાત માઈલ ચાલીને અરણેજ કે ભૂરખીના સ્ટેશને પહોંચાય. તે સિવાય એ દિવસોમાં ન હતી સડક, નહોતી બસ કે નહોતાં વાહનવ્યવહારનાં બીજાં કોઈ સાધન.

    શરૂઆતમાં સંસ્થા પાસે પૈસા નહિ. અમે શ્રમ તથા સાદાઈથી રહેવાનું નક્કી કરેલું, બધાં કામ હાથે કરતાં. અત્યાર સુધી શહેરી જીવન જીવેલાં એટલે કૂવે પાણી ક્યાંથી ભર્યું હોય ? પાણી ભરવા જાઉં ત્યારે ઘડો જલદી ડુબાડતાં ન આવડે. ગામની નાની દીકરીઓ પણ હસે અને કહે “ઢગા જેવડી છે, પણ ઘડો ડુબાડતાં નથી આવડતું !” જાતે બેડું માથે ચડાવતાંય મને ન આવડે. પનિહારીઓ માથે એક દેગડું મૂકી આપે, છતાં ડોકી ડગમગે, એટલે ગામનાં બહેનો મશ્કરી કરે. મારે તણાવું પડે, તેથી બાપુજી પણ પાણી ભરવા સાથે આવે. બંને જણ માથે દેગડા મૂકી પાણી લાવીએ અને ગામ આખું કૌતુકથી જુએ. વગડામાં અમે છાણાં-લાકડાં વીણવા જતાં. ભાલમાં ઝાડનું નામ ન મળે, એટલે કરગઠિયાં પણ મહામહેનતે મળતાં.

    પાણીનું તો એવું દુ:ખ કે સાવ ડહોળુંય મહામહેનતે મેળવવું પડે. એમાં ફટકડી નાખતાંય એ ન આછરે. એક આખો દિવસ એને આછરવા દઈએ ત્યારે બીજા દિવસે એ નીતરીને માંડ પીવા જેવું થાય. પછી તો પીવાના પાણીનો ટાંકો ગામમાં આવવા લાગ્યો, પણ તે લેવા બહુ દૂર જવું પડે. વીરડા ગાળીને લોકો ટીપે ટીપે પાણી ભેગું કરતાં. વીરડાને કાંઠે રાત આખી પાણી મેળવવા ચોકી કરતા બેસે તો મળે, નહિતર રાતમાં જ એ ઊપડી જાય. અમારાથી એ બને તેમ ન હતું, એટલે ટાંકાનું જે પાણી મેળવી શકતાં તે અમે ઘીની જેમ વાપરતાં.

    કપડાં ને વાસણ ધોવાનું પાણી ભાંભરું ને ડહોળું તળાવનું. એમાં ઢોર પડે, માણસ નહાય, કપડાં ધુએ ને કાંઠે ગંદકી પણ કરે. એ રોગનું ઘર હોવાથી વાપરવાનું મન ન માને.બપોરે લૂ ઝરે અને ધૂળની ડમરીઓ ચડે, એટલે ઘરની બહાર નીકળવાનું તોબાહ ! આ બધું વેઠતાં અમે ગામ લોકો સાથે એવાં ભળી ગયાં કે એમની જેમ જ ધીમે ધીમે  એ મુશ્કેલીઓથી ટેવાઈ ગયાં. બાપુજી રોજ કહેતા : “ગુરુદેવની આજ્ઞા છે કે સમાજને વધારેમાં વધારે દેવું અને આપણે ઓછામાં ઓછું લેવું.” એથી સાદું, કરકસરિયું ને કામઢું જીવન અમારી દિનચર્યામાં વણાઈ ગયું. પછી તો એ એવું સદી ગયું કે બિલકુલ સ્વાભાવિક લાગવા માંડ્યું.

                      *********

   બાપુજી હાથમાં દવાની પેટી અને સાવરણો લઈને ગામડે ગામડે ફરે, સફાઈ કરે,ગામને દવા આપે અને સાંજે શિયાળ આવે. હું આવી અને અમે શિયાળમાં ઔષધાલયનો આરંભ કર્યો. ગામે મહાદેવના મંદિરનો આગળનો ભાગ અમને દવાખાના તરીકે વાપરવા આપ્યો.

    ગામના પાદરમાં જ કસ્ટમ ખાતાએ એના અધિકારી ને ચોકીદારો માટે બેઠા ઘાટનું મકાન ને ઓરડીઓ કરાવ્યાં હતાં. વીરમગામની લાઈનદોરી નાબૂદ થયા પછી એ મકાન અવાવરુ પડ્યું રહેતું હતું. પ્રાયોગિક સંઘે ગામના સહકારથી એ વેચાણ લીધું.મકાન હતું ભંગાર હાલતમાં. પાછળની ઓરડી ને ઓસરી અધિકારીના ઘોડા બાંધવાનો તબેલો હતો.

    ત્યાં અમે રહેવા ગયાં ખરાં, પણ રોજ સાપ ને વીંછી નીકળે. અમે લાકડાનો સાણસો બનાવરાવ્યો. સાપ-સાપોલિયાં નીકળે તે પકડીને દૂર મૂકી આવીએ. છાપરામાંથી વીંછી પડે. સૂતી વખતે ખાટલા નીચે તપેલું મૂકી રાખીએ. તપેલા પર ચારણી ને તેના પર ઈંટ રાખતા. ચીપિયો પડખામાં રાખીને સૂવાનું. વીંછી દેખાય એટલે ચીપિયેથી પકડી તપેલામાં નાખી, માથે ચારણી ઢાંકી, ઉપર ઈંટ મૂકી દઈએ અને તેને સવારમાં દૂર નાખી આવીએ.

    મકાનમાં એક મોટો નાગ રહેતો હતો, કરડે તો પાવળું પાણી ન માગીએ. જાણે ઘરનો માલિક હોય તેમ આખા મકાનમાં ફરતો. દિવસે કોઠી પાછળ પડ્યો રહે, રાત્રે ખાટલા નીચે કે સંડાસને પગથિયે પણ જોવા મળે. પણ કદી કોઈને ડંખ દીધો નહોતો. અમે એવાં ટેવાઈ ગયાં હતાં કે એની બીક પણ ન લાગતી. મેં સૂચના આપેલી કે આ ઝેરી નાગને કોઈએ છંછેડવો નહિ, એ કોઈને રંજાડતો નથી. ઘણાં વરસો બાદ જ્યારે હું બહારગામ ગઈ હતી ત્યારે બધાંએ ભેગાં થઈ એને પ્રભુના ધામમાં પહોંચાડી દીધો. બહારગામથી આવ્યા પછી ચાર દિવસ સુધી નાગને જોયો નહિ, એટલે મેં પૂછ્યું. બધાંનાં મોં પડી ગયાં. હું સમજી ગઈ ને બોલી, “તમે નાગને પ્રભુના ધામમાં મોકલ્યો લાગે છે. તેના પ્રાયશ્ચિત્ત તરીકે હું ત્રણ ઉપવાસ કરું છું. હવેથી તમે સાપ કે બીજાં જીવજંતુની હિંસા ન કરશો.”

    જોકે એ બધાનો ભય નિરર્થક ન હતો. અવારનવાર ગામમાં સાપ કરડવાના બનાવો બન્યાકરતા. એક વાર પર્યુષણ આવ્યાં. પર્યુષણમાં હું અઠ્ઠાઈ કરું. અઠ્ઠાઈ જેવી પૂરી થઈ અને પારણાં કરવા બેઠી ત્યાં એક ઘોડેસવાર આવ્યો; કહે: “કાશીબેન, મારા જુવાનજોધ દીકરાને સાપ કરડ્યો છે; જલદી ચાલો.” હું પારણાં કરવા ન રહી ને દવા લઈને ઘોડાપર બેસી ગઈ, દવા કરી. સાપ ઝેરી ન હતો, એટલે પ્રભુકૃપાએ દરદી બચી ગયો. સાંજે પાછી આવી ને પારણાં કર્યાં.

    પછી અમે મકાન રિપેર કરાવ્યાં. નળિયાં, ખપેડો વગેરે કાઢી નાખીને પતરાં નાખ્યાં. જેતપુરમાં મારાં મોટાં ભાભુ દેવલોક થયાં; એમની બધી ઘરવખરી મને આપવામાં આવી. પણ મેં તો બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો તે વખતથી જ પરિગ્રહ પણ છોડ્યો હતો, મિલકત રાખી નહોતી. એટલે મેં એ ઘરવખરી સંસ્થાને આપી દીધી. મારી પાસે મારો બિસ્તરો હતો. જમવા સંસ્થા આપતી હતી. કપડાંલત્તાં મારા ભાઈઓ પૂરાં પાડતા હતા. પછી મારે બીજી જરૂરિયાત જ ક્યાં રહી ?

    ઔષધાલય પ્રગતિ કરતું રહ્યું. ફરતા વીસ માઈલના વિસ્તારમાંથી લોકો આવવા લાગ્યા. પ્રસૂતિગૃહની વ્યવસ્થા થઈ અને દર વરસે 30-35 બહેનોને પ્રસૂતિગૃહમાં સારવાર આપવામાં આવતી. બાકી વિઝિટે જવું પડતું અને બાર માસે મને 300થી 1,000 વિઝિટો આવતી. શિયાળ રહેવા ગઈ પછી થોડા જ મહિનામાં મારે પાસેના ગામડે પ્રસૂતિના કેસ માટે જવાનું થયું. પ્રસૂતિ કરાવતાં બંગડી તો કાઢી નાખવી પડે. બંગડીનો મને બહુ શોખ. જે ઘરમાં પ્રસૂતિ કરાવવા ગઈ તેમાં એક મોટી દીકરી હતી, તેને મેં મારી બંગડી સાચવવા આપી. પ્રસૂતિ પછી મને બંગડી પાછી આપતાં પેલી બહેને પૂછ્યું,”બહેન, આવી બંગડી કેટલામાં મળે ?”

    મેં કહ્યું, “ બે રૂપિયામાં.”

    એણે બાજુમાં ઊભેલા એના બાપુ પાસે આવી બંગડી લાવવા બે રૂપિયા માગ્યા. બાપુએ ક્રોધાયમાન થઈ કહ્યું, “બહેનને જમાડવા માટે દસ રૂપિયા વેપારીને ત્યાંથી માંડ વ્યાજે લઈ આવ્યો છું, અને તારે બંગડી જોઈએ છે?” એમ કહીને એક ધોલ ચોડી દીધી.

    આ દૃશ્યે મને વિહ્ વળ કરી મૂકી: હું ગામડામાં સેવા કરવા આવી છું કે બીજાને દુ:ખી કરવા ? મેં મારી બંગડી પેલી બહેનને આપી દીધી અને મન સાથે નિશ્ચય કર્યો કે હવેથી બંગડી પહેરવી નહિ.

    જીવનમાં કેટલીક ઘટનાઓ આપણને ઊંચે લઈ જવામાં મદદરૂપ થતી હોય છે. હું કોઈ ત્યાગ કરવાના આશયથી ગઈ નહોતી, પણ પરિસ્થિતિએ જ મને સંકલ્પ આપ્યો અને મારાથી સંકલ્પ સહેજે લેવાયો.

                 *********

    ઔષધાલયના કામનો વિસ્તાર વધવા લાગ્યો. નળ સરોવરની સામે પારનાં લીંબડીનાં ગામો સુધી હોડીમાં બેસીને જવું પડતું. ઘોર અંધારામાંય  ઘોડે ચડી એકલાં-અટૂલાં જવામાં મને ડર નથી લાગ્યો. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ દરદીની વહારે પહોંચી જવાય એ માટે હું સદા મારી જાતને કેળવતી રહી છું.

    જેમ જેમ હું ગામડામાં કામ કરતી ગઈ તેમ તેમ એનાં અજ્ઞાન, વહેમ, ગરીબી ને ગંદકીનો ખ્યાલ આવતો ગયો . હાડમારીભર્યા જીવને લોકોને મૂઢ બનાવી દીધા હતા. શિયાળની પઢારવાસમાં ઓરી, અછબડા ને માતાનો વાવર વ્યાપ્યો, એની જાણ થતાં અમે વાસમાં જઈ લોકોને સમજાવીએ પણ તેમની એક જ વાત હોય-માતાજીની આડી છે એટલે દવા તો ન જ અપાય. અમારી વાત જ ન સાંભળે અને અમે પહોંચીએ તે પહેલાં કૂબાનાં બારણાં બંધ કરી ચાલ્યાં જાય.

    એક પઢારના છોકરાને ભારે શીતળા નીકળ્યા. અમે એને સમજાવ્યું કે “માતાજી પોતાના બાળકનું બૂરું ન ઈચ્છે; એ તો એનું બાળક સાજું થાય એમાં જ રાજી થાય. માટે ચાલો, હું દવા કરું.” એણે હા કહી ત્યારથી રોજ હું એ બાળકની આંખો ધોવા, કાન સાફ કરવા પઢારવાસમાં જવા લાગી. પરિણામ સારું આવ્યું. શીતળા શમી ગયા ને બાળક કાંઈ પણ ખોડખાંપણ વિના હેમખેમ પાર ઊતરી ગયું. એથી પઢારોને વિશ્વાસ બેઠો. કોઈને કાંઈ થાય તો એ મને જોવા બોલાવી જવા લાગ્યા જેમ જેમ તેમની સાથે સંપર્ક વધતો ગયો તેમ તેમ હું એમને લખતાં, વાંચતાં ને ગણતાં શીખવતી ગઈ; આમ એ અભણોને આંખ આવી. ધીરેધીરે એમના વહેમ ઓછા થયા.

    ભરચોમાસું હતું. સાંજનો સમય હતો . એ વખતે કેસરડીથી એક ઘોડેસવાર આવ્યો ને કહેવા લાગ્યો : “ કાશીબા હાલો, ખાટલો થાતો નથી.” પેટી તૈયાર કરીને હું ઘોડા પર બેસી રવાના થઈ. જોરદાર વરસાદ વરસતો હતો. રસ્તામાં બે કાંઠે વહેતી નદી આવી. મને તરતાં આવડતું ન હતું. સામે કાંઠે બે માણસ બેઠેલા હતા. અમને આવેલાં જોઈ તે કાંઠે આવ્યા. મને લાકડીઓથી બે બાજુથી બેય જણાએ ખભેથી પકડીને નદી પાર કરાવી. પછી નીતરતાં કપડે ઘોડા પર બેઠી. ઘોડો પણ ઘડીમાં આમ પગ મૂકે ને ઘડીમાં તેમ મૂકે, એટલે મારું શરીર ડોલમડોલ થયા કરે. સમતુલા માંડ જળવાતી. ત્રણ કલાકે કેસરડી પહોંચ્યાં. જઈને જોયું તો બે વાઘરણો દાણા જોવા બેસી ગયેલી. બીજી બહેનો પેલી બાઈના પેટ પર ધક્કા મારતી હતી. દરદી બૂમાબૂમ પાડતી : “મરીગઈ રે…મરી ગઈ.” મેં જઈને પહેલાં તો એ બધાંને વિવેકથી ઘડીક ઓરડાની બહાર જવાનું કહ્યું, પણ મારું સાંભળે જ નહિ. ઊલટાની મને ઘાંટા પાડી કહેવા લાગી : “ ચાલી જા, નહિ તો મેલડીમા ઝાડા-ઊલટી કરાવી તને મારી નખશે.” મેં કહ્યું, “ભલે મારી નાખે, પણ અત્યારે તો તમે અહીંથી જાવ.” એ બધી ગાળો દેતી દેતી બહાર નીકળી.

    પછી દરદીને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો, એટલે એનામાં શક્તિ આવી. ત્યાં બાળકના હાથનું દર્શન થયું. બાળક આડું હતું. હાથ કાપીને બાળકને ફેરવી તો જ જન્મી શકે તેમ હતું. સાથે હથિયાર હતું નહિ. ગામમાંથી ધારિયું મગાવી, તેને ઉકાળી ને તેનાથી હાથ કાપી નાખ્યો. બાળકને ફેરવી, પ્રસવ કરાવી દીધો. ત્રણ ટાંકા આવ્યા, પણ બાઈ બચી ગઈ. આખું ગામ ભેગું થઈ ગયું હતું. બહેનો તો મને વહાલ કરવા લાગી. ઘર સાવ ગરીબ હતું. એટલે હથિયાર ઉકાળવા તપેલું પણ પડોશીને ત્યાંથી લાવેલા, સામેથી વીસ રૂપિયા એને રાબ, દૂધ વગેરે માટે મેં આપ્યા.લીમડાનાં પાનની પથારી એ જ એનું અન્ટિસેપ્ટિક. સાતમે દિવસે ટાંકા કાઢવા ગઈ, ત્યારે જોયું તો જરાય સેપ્ટિક થયેલું નહિ. પંદર દિવસ પછી એ બહેન ઘાસની ગાંસડી લાવતી થઈ ગઈ.

    મૂળીબાવળીથી તેડું આવ્યું. આવનાર ભાઈ કહે, “મારી દીકરીને ખાટલો નથી થતો; કાશીબા, ચાલોને.” હું ઘોડે બેસી રવાના થઈ. રસ્તે કીચડ, ઘોડું ઊભું રહી ગયું. છેવટે બે કિલોમીટર લાકડીના ટેકે ચાલતી ગઈ. પછી બે જણ માંડ બેસી શકે એવી હોડી, જેને ત્યાં તડિયો કહે છે તેમાં બેઠાં. એ તડિયો પણ કાણાવાળો: તેડવા આવનાર સતત છાલિયાથી પાણી ઉલેચ્યા કરે.હોડીને વાંસડાથી હલેસાં મારે ત્યારે પાણીની છાલકોથી કપડાં ભીંજાય. એવી સ્થિતિમાં રાતે દસ વાગ્યે રાણગઢ પહોંચ્યાં. મોડું થઈ ગયું હતું, એટલે સામે ઘોડો લઈને તેડવા આવેલા તે રાહ જોઈ જોઈને ચાલ્યા ગયેલા.

    કાદવ ખૂંદતાં ખૂંદતાં અમે મૂળબાવળીએ પહોંચ્યાં. પેટ્રોમેક્સ સળગાવીને આખું ગામ રાહ જોતું બેઠું હતું. જોયું તો પ્રસૂતિને વાર હતી. મેં દરદીને ઘેનનું ઇન્જેક્શન આપીને સુવાડી દીધી. હું ગરમ પાણીએ નહાઈ. ઘરનાંનાં ઘેરદાર કપડાં પહેરી દરદી પાસે જ સૂતી. સવારે અગિયાર વાગ્યે બાળકનો જન્મ સરળતાથી થયો. ગામમાં ઘેર ઘેર મેલેરિયાના ખાટલા છે તે જાણ્યું, એટલે પચાસ દરદીઓને દવા ને ઇન્જેકશનો આપીને બીજે દિવસે રાતે આઠ વાગ્યે શિયાળ પાછી આવી.

                 ********

    એક વાર ચોમાસામાં બગોદરા વિઝિટે જતાં ઘોડો ભડક્યો અને આડો પડી ગયો. હું નીચે પાણી અને ચીકણી માટીમાં પડીને ફસાઈ ગઈ. હાથ ઊંચા કરીને જેમ નીકળવા મથું તેમ તેમ ઊંડા ઊતરતું જવાય.બૂમો સાંભળી એ ભાઈ દોડી આવ્યા, મને કાદવમાંથી કાઢી ઘોડે બેસાડી બગોદરે લઈ ગયા. દરદીને સમયસર સારવાર આપી શકાઈ.

    એક વાર, જનશાળીથી માણસ તેડવા આવ્યો. મેં ઘોડા પર સાધનોની પેટી ખોળામાં લીધી. પેટીમાંનાં હથિયાર ખખડ્યાં ને ઘોડો બે પગે ઝાડ થયો. લગામ સખત ઝીલી રાખી, સખત પકડથી હથેળી છોલાઈ ગઈ, હું પડી નીચે. થાપાના હાડકામાં તિરાડ પડી. પાછળ આવતો માણસ રડવા લાગ્યો. મેં કહ્યું. “હવે જલદી મીઠાપુર પહોંચ અને ગાડાનું કહે, એટલે વહેલા જનશાળી પહોંચી જઈએ.”

    ગાડું આવ્યું. ચાર-પાંચ ગોદડાં પણ સાથે લાવેલા. ફરતાં ગોદડાં વીંટાળી મને ગાડામાં ગોઠવી. જનશાળી આવ્યું એટલે બહેનો ઊંચકીને મને દરદી પાસે લઈ ગયા . બાળક મરી ગયેલું જણાયું અને દરદીના પેટમાં પુષ્કળ પાણી ભરાયું હતું. દરદીને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો ને ઇંજેક્શન આપ્યું. મરેલા બાળકનો પ્રસવ થયો, બાઈ બચી ગઈ. પછી તરત ગાડું જોડાવી સૂતી સૂતી શિયાળ પહોંચી. ત્યાં પાદરે બસ ઊભેલી ને ઊપડવાની તૈયારીમાં હતી. બાપુજીને સંદેશો મોકલ્યો, એ આવી પહોંચ્યા. અમે અમદાવાદ ગયાં સીધાં દવાખાને. ફ્રેક્ચર હતું એનો ઉપાય કરાવી બીજે દિવસે શિયાળ ગઈ. પથારી પાસે જ દવાખાનું ગોઠવી દીધું. સૂતાં સૂતાં દરદીને તપાસતી અને દવા કે ઇન્જેકશન આપતી. પડી ગયાની ખબત વડોદરે પહોંચતાં જ ભાઈ ને ભાભી દોડતાં આવ્યાં. કહે, “ઘરે ચાલો, ત્યાં સારી સારવાર થશે.” મેં કહ્યું, આસપાસ ચાલીસ માઈલના ઘેરાવામાં ડૉક્ટર કે દવાખાનું નથી. દરદીને છોડીને મારાથી કેમ અવાય ? પહેલી દરદીની માવજત, પછી મારી. મને તો દરદીની આશિષથી જલદી સારું થઈ જવાનું છે.” બન્યું પણ એમ જ. દોઢ માસમાં તદ્દન સારું થઈ ગયું.

    એક સાંજના વરસતા વરસાદમાં ઝાંપથી તેડું આવ્યું. ઊંટ પર એકદમ ઊપડી. બૅટરીના પાવર ખલાસ થઈ ગયા હતા એટલે ફાનસ લીધું, પણ તે હોલવાઈ ગયું. છતાં ભગવાન ભરોસે ઊંટ મારી મૂક્યો. ચાર કલાકે પહોંચ્યાં. વરસાદ સતત ચાલુ જ હતો. ઘનઘોર રાતમાં ઝાંપ પહોંચી તો ખરી, પણ પગે એવી ખાલી ચડી ગઈ હતી કે ઊતરાય જ નહિ. મને તેડીને દરદી પાસે મૂકી.

    નાનકડો ગોળ કૂબો. તેમાં એક પથારી પણ માંડ રહી શકે. પહેરેલી સાડીને એટલાં થીગડાં લગાડેલાં કે મૂળ સાડીનું કપડું ક્યું તે જ  ખ્યાલ ન આવે.ઘરમાં એક પણ પિત્તળની તપેલી જોવા ન મળે. વેપારીને ત્યાંથી તપેલું મગાવીને સાધનો ઉકાળવાં પડ્યાં. દરદીને પ્રસૂતિ પહેલી જ હતી. ‘ફોરસેપ’ (ચીપિયા)ની જરૂર પડે તેમ લાગ્યું. પ્રભુનું નામ લઈ ‘ફોરસેપ’ કર્યું. બાઈ ને બાળક બેઉ બચ્યાં. આપવા જેવું એ ભાઈ પાસે કશું નહોતું. ઊલટાનું મેં પડોશીને વીસ રૂપિયા આપીને કહ્યુ. “બાઈને રાબ વગેરે પાજો. “ ટાંકા આવ્યા હતા. એ કાઢવા ગઈ ત્યારે ફરી ઊંટ પર બેસીને જવાનું થયું. ટાંકા સારા રહેલા ને બાળક તંદુરસ્ત હતું.

    ચોમાસા પછી બાઈ શાક લઈને આવી. “કાશીબા ! તમે મને બચાવેલી, શાક દેવા આવી છું.” મેં કહ્યું, “પૈસા લે તો લઉં.” એ શરમાતી બોલી: “છોકરાને ટોપલામાં નાખીને લાવી છું.” મેં તેને રમાડ્યો ને પાંચ રૂપિયા આપ્યા. માનું હેત તેમ જ ગરીબી વચ્ચેય ઝળકી ઊઠતી દિલની અમીરી જોઈને મારું હ્રદય આનંદથી ભરાઈ ગયું.

                 ********

   રાતે આઠ વાગ્યે અમે પ્રાર્થના કરતાં હતાં એ વખતે ભામસરાથી તેડું આવ્યું. વરસતા વરસાદમાં ચીકણો ગારો ખૂંદતાં ત્રણ કલાકે ત્યાં પહોંચ્યાં. જોયું તો બાળક પેટમાં મરી ગયું હતું, અને તેના ઝેરની અસરથી દરદીને લીલી ઊલટી થતી હતી. જો પ્રસૂતિ કરાવું તો લોહીની જરૂર પડે.એટલે ગામના આગેવાનોને અમદાવાદ લઈ જવા કહ્યું. એ બધા કહે : “સાવ ગરીબ છે, પૈસોય નથી; અને ચાર બાળકો છે. મજૂરી કરીને માંડ ખાવા ભેગાં થાય છે, ત્યાં અમદાવાદ લઈ જવાનું કેવી રીતે કરે? “મેં કહ્યું, “અમારે વિઝિટ કે દવાના પૈસા નથી લેવા. ઉપરાંત દરદી, તેના પતિ અને મારા પ્રવાસનું ખરચ હું ઉપાડીશ.” પછી ઘરમાંથી ત્રણ ખાલી માટલાં લાવીને મૂક્યાં અને કહ્યું:”આટલું અમે કર્યું, હવે ગામની પણ કાંઈ ફરજ ખરીને ? જેને આપવાની ઈચ્છા હોય તે અનાજ આ માટલામાં નાખી જાય. “શરૂઆત મુખીએ કરી. એમાં પંદર દિવસ ચાલે એટલાં દાળ, ચોખા ને લોટ થઈ ગયાં. પડોશી બહેન કહે, “છોકરાં હું સાચવીશ.” આમ ગોઠવાયું.

    સડક ગામથી બે કિલોમીટર દૂર હતી. દરદીને ખાટલામાં સુવાડી સડકે લાવ્યા. પાલડી ઊતરી સીધા વાડીલાલ હૉસ્પિટલમાં કેસ દાખલ કરાવ્યો. ડૉક્ટર કહે, “લોહી આપવું પડશે.”દોડતી બ્લડબૅંકમાં ગઈ. મારું લોહી લેવાનું કહ્યું.લોહીની બૉટલ લઈ પ્રસૂતિ ગૃહમાં પહોંચી. બાળક જન્મ્યું ને બાઈ બચી ગઈ. બાઈને એનાં

સગાંને ભળાવી બગોદરા પહોંછી. ત્યાંથી પેટી માથે ઉપાડી પાંચ માઈલ ચાલતી શિયાળ પહોંચી ગઈ.

        વીરમગામ તાલુકાના કાયલા ગામમાંથી બે બુકાની બાંધેલા માણસો મધરાતે આવ્યા ને કહે : “વાઘાભાઈ મુખીને ઝાડોપેશાબ બંધ થઈ ગયા છે. ઝટ આવો.” બહારગામથી શાંતાબહેન  આરામ લેવા મારે ત્યાં આવેલાં એ તો રાતવેળાએ આ બે બુકાનીધારી માણસો અને તેમનો મુસ્લિમ પહેરવેશ જોઈને જ ડરી ગયાં; ધીમેથી બોલ્યાં: “બારણું ઉઘાડતાં જ નહિ.” મેં કહ્યું, “આવી મેઘલી રાતે ભરવરસાદમાં મુશ્કેલી વગર કોઈ ન આવે. આપણે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ.” હું તો તૈયાર થઈ ઘોડા પર ચડી. પણ શાંતાબહેને મનથી બાધા લીધી: બહેનનું મોઢું જોયા પછી પાણી પીશ.

    ત્રણ કલાકે કાયલા પહોંચ્યાં. આખું ગામ પેટ્રોમેક્સ સળગાવી રાહ જોતું બેઠું હતું. દરદીને ભીને કપડે જ તપાસ્યા. પેટમાં ગેસ ઘણો હતો. ઝાડો-પેશાબ બંધ, એટલે દુખાવાથી દરદી બરાડા પાડતા આળોટે. એક વૃદ્ધ ભાઈને સાથે રાખી એનીમા આપી. થોડી જ વારમાં ઝાડો-પેશાબ થઈ ગયાં. વ્યાકુળતા મટી ગઈ ને વાઘાભાઈને શાંતિ થઈ. પણ એનીમાની નળી કઢી ત્યારે એટલા જોરથી ઝાડો છૂટી ગયેલો કે મારાં કપડાં એનાથી બગડી ગયેલાં. મેં સ્નાન કર્યું, એમની બીબીનો પહેરવેશ પહેરી લીધો. મુસ્લિમ પરિવારનાં બહેનો તો મને ભેટી-ભેટીને ચૂમી-ચૂમીને વહાલ કરવા લાગ્યાં.

    જો સાધકની દૃષ્ટિ સાફ હોય તો નર્સિંગનું કામ એવું છે કે દરદીનું શરીર જ સેવાનું સાધન બની જાય છે. નિત્ય શરીર સાથે કામ લેવાનું હોવાથી શરીરની જડતા ને અનિત્યતાનું ભાન થાય છે, ને તેમાં રહેલા પરમાત્માનાં દરદીરૂપે દર્શન થાય છે. ઉપરાંત લિંગભેદના ભાવ વિસરાય છે. આ કામમાં નાતજાત કે સ્ત્રી-પુરુષના ભેદ રહેતા જ નથી.

        1947માં સંતબાલજી મહારાજે સાણંદમાં કાર્યકર્તાઓનો ચાર માસનો વર્ગ રાખ્યો. ગામડાના પ્રશ્નોની ચર્ચા થતી. આરોગ્યના પ્રશ્નમાં મૂળનો રોગ કાઢવાના ઉપાયોની સમજણ આપવામાં આવતી. અમે બાપ-દીકરી પણ અવારનવાર વર્ગનો લાભ લેતાં.

    એમાં એક વખત મહારાજશ્રીએ કહ્યું: “તન, મન અને આત્માનો રોગ શું છે? કેમ થાય છે, અને કેમ મટે ? એનું જ્ઞાન અપાય. અજ્ઞાન જાય એવી સમજ તો આપવી જ પડે. સમજ આવી હોય તો પણ જ્યાં પોતાની મહેનતના પ્રમાણમાં ભાવ ઓછા મળે, ગરીબી જ ભરખી લે અને અપોષણથી રોગ થાય, ત્યાં દવા શું કામ કરે ?સાજો થાય ત્યાં ફરી માંદો પડે ! એટલે, ગામડાંના લોકોને એમના કામના બદલામાં પોષણ જેટલા દામ મળે, તો જ સાજા રહેવા જેટલો આહાર મળી શકે. માટે ખેડૂતમંડળ ઊભાં કરી એને પૂરા ભાવ મળે અને યુક્તાહાર મળે તેવા ઉપાય પણ અજમાવવા જોઈએ. તેમનું શોષણ ન થાય માટે સહકારી મંડળી દ્વારા ધિરાણ ને જરૂરિયાતની વસ્તુઓ મળે તેવા હાટની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. તેમને વહેમમાંથી છોડાવવા જોઈએ. સાફ-સુઘડ રહેવાની ટેવ પાડવી જોઈએ. આમ આપણું કામ કેવળ દવા દેવાનું કે સારવાર કરવાનું નહિ, ગામડાંને સર્વાંગી વિકાસની દૃષ્ટિએ ઘડવાનું છે. આપણે જ્ઞાનપૂર્વક સેવા-દયાનાં કામ કરવાનાં છે. સેવા એ સાધન છે અને સાધ્ય તે સમાજનું સર્વાંગી શ્રેય છે. ભારે કરવેરા, વ્યાજખોરી, નફાખોરી વગેરેના સકંજામાંથી ગામડું છૂટે નહિ ત્યાં સુધી રાહત, સુધારણા અને સેવાનાં કામ થીગડાં જેવાં બની રહેશે.”

    ગુરુદેવનો સમાજ-રચનાનો પ્રયોગ લક્ષમાં રાખીને અમે ખેડૂત મંડળની પ્રવૃત્તિને પણ અમારા કાર્યનો પાયો ગણ્યો. શિયાળમાં સહકારી મંડળી ને ભંડાર શરૂ થયાં. વ્યાજ-વટાવ ને ધીરાણનું કામ કરનારા, માલ અગાઉથી ખંડી લેનારા, પોતાની ધાક કે વગથી ગામ પર પકડ રાખનારાં માથાભારે તત્ત્વોમાં સળવળાટ થયો અને કેટલાકે આવીને મને કહ્યું પણ ખરું કે, “કાશીબા, તમે દવાદારૂ ભલે કરો, પણ અમારા રોટલા પર હાથ ન નાખો. તમે મંડળી ઊભી કરો છો, તો અમારા વ્યાજની આવક બંધ થશે. ભંડારે સસ્તો માલ આપો, તો અમારા હાટે કોણ આવે ? માટે ઈ મંડળીવાળું રહેવા દો. અમારી આજીવિકા બંધ થશે તો તમને ગામમાં રહેવું ભારે થઈ પડશે.” અને પછી તો જાસાચિઠ્ઠીઓ પણ આવવા લાગી. મેં તો એક જ વાત કરી કે, “અમે તો સંતબાલજી કહે તેમ કરીએ. કોઈનાં ડરાવ્યાં કે મોતથી લગીરે ન ડરીએ. મોત તો એક જ વાર આવે છે. “ આથી સૌ સમજી ગયા કે કાશીબહેનને મોતની બીક બતાવવી ફોગટ છે. પછી જ્યારે ગણોતિયાની પડખે રહી પઢારો વગેરેને જમીન અપાવવા નવલભાઈ, અંબુભાઈ ને અમે સાથે ગયાં ત્યારે દરબારો બંદૂકો લઈ ડરાવવા આવ્યા. પણ ડગે એ બીજાં ! આવાં થોડાં સ્થાપિત હિતોને બાદ કરતાં ગામે મને દીકરી પેઠે રાખી છે. ગામ બહારના બંગલામાં એકલી રહું, પણ ક્યારેય કડવો અનુભવ નથી થયો.

    પઢારોમાં જેમ જેમ કામ થતું ગયું, તેમ તેમ ધીમો ગણગણાટ શરૂ થયો : આ લોકોને જમીન મળશે તો આપણું કામ કોણ કરશે? પઢાર અત્યંત ગરીબ કોમ. મોસમના દિવસમાં મજૂરી કરે અને દરિયાકાંઠે થેગ-મોથ, મચ્છી વગેરે પર જીવનનિર્વાહ કરે. તેમને પડતર જમીન અપાવી. જાતમહેનતથી પાણી લાવી ખારી જમીન મીઠી કરાવી. પાંચસો રૂપિયા ઉછીના લાવી શેર-ભંડોળની સગવડ અપાવી અને મંડળી શરૂ થઈ. ધીરધાર કરનારાઓ ધમકાવે કે, હવે કોઈને પાશેર ઘઉં પણ ઉધાર નહીં દઈએ. એટલે અમે રેશનિંગની દુકાન કરી. મંડળી પાંચ વર્ષમાં તો ચાલીસ હજારનું ધિરાણ કરી શકે એવી સદ્ધર બની ગઈ.સાત વરસમાં મંડળીએ બિયારણ-બૅંક કરી, તૂટેલા બંધો જાતમહેનતે બાંધ્યા, માટીકામના કૉન્ટ્રાક્ટ લેતી થઈ, ભંગી, હરિજન, વાઘરી ને પઢારો સાથે મળીને કામ કરવા લાગ્યા.

    આમ નૈતિક, પ્રાગતિક બળો અને સ્વાર્થી સ્થાપિત હિતો વચ્ચે એક ગજગ્રાહ શરૂ થઈ ચૂક્યો હતો, જેમાં પ્રગતિ શુભ બળોની થતી હતી. એવામાં એક પ્રસંગ બન્યો કે જેણે કપરી કસોટી કરી. ગામડામાં કામ કરનારને કાવાદાવાનો કેટલી હદ સુધી સામનો કરવો પડે છે તે સમજવા માટે આ પ્રસંગ ઉદાહરણ છે.

    હું અને બાપુજી શિયાળમાં જ્યાં રહેતાં હતાં તે મકાનની બાજુમાં કેટલીક ઓરડીઓ હતી. એમાં ડૉકટર, કમ્પાઉન્ડર અને એક ખાદી કાર્યકરનાં કુટુંબો રહેતાં હતાં.કમ્પાઉન્ડર ભાઈને તેમનાં પત્ની સાથે મનમેળ નહોતો, એટલે એ સાથે રહેતાં નહિ પરંતુ મારી પ્રેમપૂર્વકની સમજાવટથી એ પોતાના પતિ સાથે રહેવા આવ્યાં. એને છએક માસ થયા. બંનેનો સંસાર રાગે પડી ગયો હતો.

    1957માં મુનિશ્રી સંતબાલજીના ચાતુર્માસ બાવળા પાસે આદરોડા ગામમાં ચાલતા હતા. અવારનવાર હું તેમની પાસે જઈ આવતી. એક વાર અમદાવાદથી પાછાં ફરતાં અળવીનાં પાન લેતી આવેલી. સવારે ઔષધાલય જવા નીકળી ત્યારેતારાબહેનને અળવીનાં પાન આપ્યાં અને કહ્યું કે, પતરવેલિયાં બનાવજો, આપણે બપોરે ખાઈશું. હું દવાખાને ગઈ. તારાબહેનને અળવીનાં પાન બાફવા પ્રાઈમસની જરૂર છે, એવી ખબર આવતાં કમ્પાઉંડર ભાઈ દવાખાનેથી પ્રાઈમસ લઈ જઈ ઘેર આપી આવ્યા. તારાબહેને પાન પ્રાઈમસ પર બાફવા મૂક્યાં હતાં. દરમિયાન પ્રાઈમસની ઝાળ એમના સાડલાને લાગી અને એ સળગી ઊઠ્યાં. એમની બૂમો સાંભળીને બાજુની ઓરડીમાંથી ડૉકટરનાં પત્ની દોડી આવ્યાં. તારાબહેનને આગમાં સપડાયેલાં જોઈ, એ દોડીને દવાખાને આવ્યા ને ખબર આપી. હું, ડૉક્ટર ને તારાબહેનના પતિ બંગલે ગયાં. પણ અગ્નિદેવે પોતાનું કાર્ય પૂરું કરી નાખ્યું હતું. તારાબહેનનું આખું શરીર ભડથું થઈ ગયું હતું. બહેન છેલ્લા શ્વાસ લઈ રહી હતી. માંડ માંડ એ બિચારી બોલી શકી કે, “કાશીબહેન, મારો અંગૂઠો લઈ લ્યો, જેથી મારા મૃત્યુ પછી નકામા એમને કોઈ હેરાન ન કરે.”

    મેં કહ્યું, “તું જરાય ચિંતા ન કર. હેરાન કરવાવાળું કોણ છે ? અમે બેઠાં છીએ ને !”

    મેં તરત ભાઈલાલભાઈને કહ્યું, “તાકીદે પ્રાઇમસ લઈને દવાખાને પહોંચો અને ઇન્જેક્શનનાં સાધનો ગરમ કરી જલદી લઈ આવો. “

    એ દોડતા ગયા અને સાધનો લઈ પાછા આવ્યા. ત્યાં સુધીમાં તો ખેલ ખલાસ થઈ ગયો. ગામમાં ખબર પડી. આખું ગામ ભેગું થઈ ગયું. સૌએ મળીને એના અંતિમ સંસ્કાર કર્યા.

    આ ઘટના આંખો સામે જોવાથી ડઘાઈ ગયેલા ડૉક્ટરને ગામના મુખી પોતાને ઘેર તેડી ગયા. કમ્પાઉન્ડરભાઈ પોતાની માતા પાસે સાણંદ ગયા. એટલે ખાદી કાર્યકર પણ ગામને ઝાંપે સર્વોદય યોજનાના મકાનમાં રહેવ્વા ગયા. આ દિવસોમાં બાપુજી બહારગામ હતા, એટલે બંગલામાં હું એકલી રહી ગઈ.

    મુખીએ આ તક બરાબર ઝડપી. એમણે એવી તો આબાદ વાત ગોઠવીને મૂકી કે જેની કોઈ કલ્પના પણ ભાગ્યે જ કરી શકે. બીજા જ દિવસથી ગામમાં એ ચણભણ ચાલવા લાગી:

    “તારાબહેન પ્રાઇમસની ઝાળથી બળી ગઈ, એ વાત જ કાશીબહેને ઉપજાવી કાઢેલી છે. પ્રાઇમસ તો ત્યાં હતો જ નહિ; બંગલાનો પ્રાઇમસ તો બંગલામાં જ પડ્યો હતો. એને બંગલામાં પડેલો કેટલાય માણસોએ જોયો છે. એટલે પ્રાઇમસ કમ્પાઉન્ડરના ઘરમાં હતો જ નહિ. આ તો કાશીબહેન અને કમ્પાઉન્ડર વચ્ચે આડો વહેવાર હતો ને તારાબહેન રહેવા આવ્યાં એટલે આડખીલી થઈ પડ્યાં, માટે  કાશીબહેને તારાબહેનને સળગાવી મૂકી !”

    આવી વાતને વા લઈ જાય છે. કોઠ ગામના પોલીસથાણે નનામી અરજી પણ ગઈ. પોલીસે ગામમાંથી લોકોનાં નિવેદન લેવા માંડ્યાં. બંગલામાં પડેલ પ્રાઇમસને જોનારાંનાં નિવેદન પણ લેવાયાં. બળીને મરણ થવા છતાં મુખીને કેમ જાણ ન કરી ? પોલીસથાણે કેમ ખબર આપી નથી ? પોસ્ટ-મોર્ટમ કેમ કરવામાં ન આવ્યું? શબને તરત અગ્નિસંસ્કાર કેમ કરી નાખ્યો? આથી કેસ પાકો થાય છે.

    હું શાંત રહી. સહેજ પણ ગભરાઈ નહિ. પૂરા આત્મવિશ્વાસથી મારું કામ કરતી રહી. મને થયું કે લાવને મહારાજશ્રીને આ વાત તો કરું ! એટલે હું આદરોડા ગઈ. મહારાજશ્રીને માંડીને વાત કરી.

    મહારાજશ્રી ઊંડા વિચારમાં પડી ગયા. એ વિશે એમનું સારી પેઠે ચિંતન ચાલ્યું. મોડેથી હું શિયાળ જવા નીકળી ત્યારે મહારાજશ્રીએ મરક મરક હસતાં પણ ગંભીરતાથી મને કહ્યું, “ એમ કરીએ તો ? કોચરિયાથી વીરાભાઈને શિયાળ મોકલીએ; એ આખા કિસ્સાની તપાસ કરે.”(વીરાભાઈ ખેડૂત મંડળના એક આગેવાન હતા.)

    આ સાંભળીને મારે માથે હિમાલય તૂટી પડ્યો હોય એવું અનુભવવા લાગી. અશ્ચર્ય, દુ:ખ અને શરમથી દિગ્મૂઢ બની ગઈ. ધરતી મારગ આપે તો સમાઈ જાઉં, એમ થઈ આવ્યું. શું જવાબ આપવો એ સૂઝયું નહિ.

    મહારાજશ્રીએ ફરી પૂછ્યું : “ કેમ, બરાબર ને ?”

    એક તરફથી મહારાજશ્રી તરફની અનન્ય શ્રદ્ધા ને ભક્તિ, બીજી તરફ મારા પર આવેલી આંધીમાં આશ્વાસન આપવાને બદલે તપાસ પંચ નીમવા જેવી અકલ્પય વાત મહારાજ્શ્રી પોતે કરે, તો તેની અસર કેવી થાય !

    જ્કવાબ ‘હા’ ક્ર ‘ના’માં આપવો જોઈએ એટલે હું માંડ માંડ કહી શકી કે, “ભલે, મોકલો.”

    વીરાભાઈ શિયાળ આવ્યા. બાપુજીએ આશ્વાસન આપ્યું કે , “મહારાજશ્રી જે કાંઈ કહે તેમાં સૌના કલ્યાણની જ વાત હોય.”

    એક દિવસ હું નજીકના મીઠાપુર ગામે ગઈ હતી. કોઠ થાણાના ફોજદાર ત્યાં આવેલા હતા. એ કહે : “તમારું નિવેદન લેવાનું છે, તમારા મકાનની જડતી લેવાની છે.”

    મકાનની ચાવી હતી તે ફોજદાર તરફ લંબાવીને મેં કહ્યું: “લ્યો આ ચાવી. જાવ શિયાળ, તમારે જે કાંઈ જડતી લેવી હોય કે તપાસ કરવી હોય તે ખુશીથી કરો, ઘરમાં બધું ખુલ્લું છે. જવાબ તમને અહીં વિઝિટે આવેલી નહિ આપું. શિયાળ આવીને આપીશ.”

    ફોજદાર બિચારા સાવ ચૂપ થઈ ગયા. ચાવી લેવા જેટલી હિંમત પણ ન કરી શક્યા.

    કોઠ-પોલીસની તપાસમાં કાંઈ ફાવ્યા નહિ, એટલે મુખીએ સી.આઈ.ડી. મારફત તપાસ કરાવવાની તજવીજ કરી. એ ખાતાના ફોજદાર એક દિવસ ગુંદી આશ્રમમાં આવ્યા અને અંબુભાઈને કહેવા લાગ્યા : “મેં તપાસ કરી છે. વાતમાં કાંઈ માલ નથી. આ બધી મુખીની રમત છે.” અને પોલીસ તપાસનું પ્રકરણ પૂરું થયું. વીરાભાઈએ તપાસ કરીને જે કાંઈ અહેવાલ મહારાજશ્રીને આપ્યો હોય એ તે જાણે. પણ એક દિવસ નાનચંદભાઈ (હાલના સ્વામી જ્ઞાનચંદ્રજી) ગુંદી આવ્યા ને અંબુભાઈને કહેવા લાગ્યા : “કાશીબહેન જેવાં પવિત્ર બહેન પર મુખીએ જે તદ્દન ખોટાં આળ ચડાવ્યાં અને લોકોમાં જે ઝેરી વાતાવરણ પેદા કર્યું, તેની પોલીસ-તપાસમાં ભલે કંઈ જ ન વળ્યું, એમનું ધાર્યું ભલે ન થયું, પણ મુખીના આ કાવાદાવા તો ખુલ્લા પાડવા જ જોઈએ. કાશીબહેન જેવાં નીડર, પવિત્ર બહેને આ બધું સહન કર્યું, પણ બીજાં કોઈ બહેન હોત તો તે આપઘાત જ કરત. એટલે મુખીને બોધપાઠ આપવો જોઈએ.”

    અંબુભાઈએ શિયાળ જઈ શું કરવું એ વિશે વિચાર કરી લીધો. આ તરફ શિયાળના મુખીનાં પત્ની બીમાર પડ્યાં હતાં. એ બાઈએ મને બોલાવી. હું જેવી ડેલીમાં દાખલ થઈ કે મુખીએ પત્ની પર ક્રોધે ભરાઈને કહેવા માંડ્યું : “ આ રાંડને શા માટે બોલાવી ! એના હાથે તે સારું થતું હશે ?”

મુખીનાં પત્ની જાજરમાન હતાં. મારે માટે ખૂબ આદરમાન રાખતાં. એમણે પતિને ગરવાઈથી જવાબ આપ્યો : “ લાજ-શરમ રાખો જરા. આ સતીસાધ્વી જેવાં કાશીબહેનને માથે સાવ ખોટું આળ ઓઢાડ્યું છે તેથી રૌ રૌ નરકમાં પડશો નરકમાં ! દવા તો હું એમની જ લેવાની છું . મોત આવશે તોય એમને હાથે જ મરવું કલ્યાણ માનીશ.”

    પત્નીનો અ જવાબ મુખી નીચા મોંએ સાંભળી રહ્યા. મેં મુખીને હસતાં હસતાં કહ્યું ક્ર, “તમે ના પાડશો તોય તમારે ત્યાં જરૂર પડશે ત્યારે હું તમારી બધાંની દવા કરવા આવવાની.”

    દરમિયાન, નક્કી કરેલા દિવસે નાનચંદભાઈ અને અંબુભાઈ શિયાળ આવ્યા. એમણે બેએક દિવસ ગામમાં ફરી લોકસંપર્ક સાધી લીધો. પછી મુખીને પત્રથી સૂચના આપી ત્રણ દિવસની મહેતલ આપી જણાવ્યું કે, “ કાશીબહેનને માથે ખોટું આળ ચડાવી જે એમને હેરાન કરવામાં આવ્યાં, તે તમારી ભૂલ હતી એ વાતનો સ્વીકાર કરી, ગામની જાહેર સભામાં લેખિત કબૂલાત કરી માફી માગો, નહિતર તમારા આ અપરાધ સામે લોકમત જાગ્રત કરી શુદ્ધિ પ્રયોગ કરવામાં આવશે.”

    ત્રણ દિવસ પૂરા થયા. સાંજ પડી. મુખી કાગળમાં લખીને લાવ્યા. અમે કહ્યું, “રાત્રે જાહેર સભામાં આવીને એ વાંચો અને માફી માગો. ” કબૂલ થયા. રાતે ગામની મોટી સભા થઈ એમાં મુખીએ માફી માગી.

    નાનચંદભાઈ અને અંબુભાઈએ આ આખા કિસ્સાની વિગતો લોકો સમક્ષ મૂકી અને મુનિશ્રી સંતબાલજીની દૃષ્ટિ જે સમજ્યા હતા એ પ્રમાણે સમજાવીને કહ્યું:

 “સતી સીતાની પવિત્રતા માટે રામચંદ્રજીના મનમાં સહેજ પણ શંકા નહોતી. છતાં ભવિષ્યમાં લોકાપવાદને બિલકુલ ગુંજાશ ન રહે એ દૃષ્ટિએ અગ્નિપરીક્ષાનો વિધિ કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં કાશીબહેન વિશે પણ મહારાજશ્રીના મનમાં કશી શંકા નહોતી. છતાં  ખેડૂત મંડળી જેવી તટસ્થ સંસ્થાના પીઢ પ્રમુખ વીરાભાઈને તપાસ માટે મોકલીને લોકાપવાદને માટે સ્થાન રહેવા દીધું નથી. રામરાજ્યમાં તે દેશ-કાળની પરિસ્થિતિમાં ધોબીની ખોટી ટીકાનો સમાજમાંથી કોઈએ પ્રતિકાર કર્યો નહિ. તેથી પતિ રામે રાજા તરીકે પોતાના કર્તવ્યપાલનમાં દૃઢ રહીને સીતાનો ત્યાગ કર્યો, ને એ રીતે એક આદર્શ દાખલો બેસાડ્યો કે રામરાજ્યમાં રાજા પણ એક ધોબીની ટીકાને માન આપીને સર્વાનુમતિના આદર્શ પ્રત્યે આદર વ્યક્ત કરે છે. રામરાજ્યની આ સ્થિતિમાં પૂર્તિ કરવા માટે મહારાજશ્રી સમાજ જાગ્રતિનું તત્ત્વ ઉમેરી શુદ્ધિ પ્રયોગ સૂચવે છે. મુખી એ ખોટું આળ કાશીબહેન પર ચડાવ્યું તો ખુદ લોકો જ એ અપરાધનો જવાબ મુખી પાસે માગે, પરિણામે સમાજ કાશીબહેનનો બચાવ કરે છે એ જાણી હ્રદયને સમાધાન મળે.”

    આમ આ અગ્નિકસોટીમાંથી હું અણીશુદ્ધ પસાર થઈ. હવે મનેસૌ કાશીબહેનને બદલે ‘કાશીબા’ કહેવા લાગ્યાં. અને આજે પણ હું કોઈનો પણ દોષ જોયા વિના સૌને સમાનભાવે મારું માતૃવાત્સલ્ય પીરસ્યે જાઉં છું.

 *********************

Posted in miscellenous

ગોળની ગાંગડી-આશા વીરેન્દ્ર

ગોળની ગાંગડી-આશા વીરેન્દ્ર

(જન્માભૂમિ-પ્રવાસી રવિવાર, 11મી નવેમ્બર,2018

મધુવન પૂર્તિ/પાનું:2)

    ત્રણ-ત્રણ માગણું લેવા વાળી છોડીઓ પછી રૂક્મણીએ કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો હતો. સાત ખોટના આશિષના આવ્યા પછી ઘરમાં, બહાર અને ખાસ કરીને તો બૈરીને ભાજી-મૂળા જેવી સમજતા એના ધણી રામકિશન આગળ પોતાનાં માન-પાન વધી ગયાં હતાં એટલે એ ખુશ હતી. રામકિશન વારંવાર મૂછે તાવ દેતાં કહેતો, ‘છેવટે મને છોરો આયપો ખરો ! આ ફેરી જો ચોથી વેજા(પ્રજા) ને લાવી હોત ને,તો લાત મારીને તગેડી મૂકત મારા ઘરની બા’ર હા…’

    ઘર કહેવાય એવું તો શું હતું? છાણ-માટીથી લીંપેલું નાનકડું ઝૂંપડું, જેમાં એક સીડી મૂકીને ઉપર માળિયા જેવું બનાવ્યું હતું. જેનો પતિ-પત્ની ‘બેડરૂમ’ તરીકે ઉપયોગ કરતાં. સૌથી મોટી સંધ્યાને ત્રણ ચોપડી સુધી ભણાવીને પછી ઘરકામ ને નાનાં ભાઈ—બહેનોની દેખભાળ માટે ઉઠાડી લીધેલી. હમણાં બે—એક મહિના પહેલાં રામકિશન મજૂરીએથી આવ્યો ત્યારે રંગમાં આવીને તેણે વાત કરી,

    ‘રૂકલી, હાંભર છ? પનર દા’ડા પછે ગામમાં સમૂલગન થવાના છ !’ ‘સમૂલગન ? એટલે હું?’

    ‘ એટલે આપડા જેવા ગરીબ લોકનાં છોરા-છોરીઓને સરકાર માઈ-બાપ ને મોટા મોટા શેઠ લોકો હોય ને ઈ પૈણાવી આપે.’

    ‘તે એમાં તું આટલો રાજી કાં થાય ?’

    અવાજ ધીમો કરતાં રામકિશને કહ્યું, ‘કેમ ?આ હાપના ભારાને ઘરમાં જ રાખવો છે ? સંધ્યાડીને પૈણાવવી નથી?’

    ‘આય હાય સંધ્યાડીને ? હજી તો વરહથી લુગડાં ધોતી થઈ છે, ને કંઈક સરકારનો તો કાયદો છે કે છોડી અઢાર વરહની થાય પછી જ પૈણાવાય ?’

    ‘ તું મૂંગી મરી રે’જે. હું બધો ઘાટ પાડીશ. સરપંચને સો—બસો આપીને કાગળિયામાં એને અઢારની લખાવી લૈશ.’

    આટલી મદદરૂપ થતી છોકરીને વળાવી દેવાનો વિચાર રૂકમણીને બહુ ગમ્યો તો નહીં પણ એને ખબર હતી કે, એણે તો મૂંગા જ મરવાનું હતું. જોકે, લગન ટાણે છોડીને બેડાં ને કબાટ, પલંગ ને કૂકર, રસોઈનાં વાસણ ને પગનાં પાયલ—આ બધો અધધધ સામાન મળ્યો એ જોઈને એ તો ખુશ થઈ ગયેલી ને એણે ત્યારે જ નક્કી કરી નાખેલું કે, હવે બીજી બે છોડીઓને ય ના’તી ધોતી થાય એટલે આમ જ પૈણાવવી. પછી તો બસ એ, એનો ધણી ને એના કલેજાનો ટુકડો—એનો આશિષ, પણ રામકિશન એને ટપારતો,

    ‘હજી તો પાયલ દહ વરહની થૈ તાં એને પૈણાવવાના વચાર કરવા માંડી ? હમણાં તો એને ને દીપુડીને નિહાર જવા દે ને ભણવા દે.’ શી ખબર કેમ પણ ભણવાનાં નામથી રૂકમણીને બહુ ગુસ્સો આવતો. જેવી પાયલ ભણવા બેસે કે એને દુનિયાભરનાં કામ યાદ આવતાં.

    ‘આ ઠોબરાં કોણ અજવાળવાનું, તારો માસ્તર ? ને જો ગોબર લૈ આવીને હવારમાં ઘર લીંપે નૈ તાં હુંધી નિહારે નથી જાવાનું, હમજી ?’

    ‘મા, મોડી જાઉં તો માસ્તર ફૂટપટ્ટીથી મારે છે. ઘરનું કામ બાકી રૈ જાય તો હું આવીને પૂરું કરીશ, બસ ?’

    આમ તો મા પણ સમજતી હતી કે નિશાળમાં બપોરે ખાવાનું મળે છે એટલે બેય છોડીઓનું રાંધવું નથી પડતું ને વળી સરકાર વરસે બે હજાર રૂપિયા આપે એનોય કેટલો ટેકો રહે છે ! પણ તોય આખો દિવસ એનું ચિત્ત ઘરકામ કરતાં એના વ્હાલસોયા દીકરામાં વધારે રહેતું. એટલે જ સવારના પહોરમાં તાડૂકતી, ‘આ રોજ ના’વાનું, રોજ બત્રીસી ઘસવાની ને જાજરૂ જઈને હાથ ધોવાના—આ નવા નવા ચાળા ક્યાંથી શીખી આવે છે !મંછીપાલટીના  નળેથી બે દેગડા પાણી નૈ લાવે તાં લગણ ભણવા નૈ જાવા દઉં.’

    પાયલને નિશાળ ખૂબ ગમતી. ઘરે હોય ત્યારેય નિશાળના અને ભણવાના જ વિચાર આવતા. પોતે ભણતી તો ખરી જ, સાથે નાની દીપુડીનેય પાટી—પેન લઈને બેસાડતી. એનો ભણવાનો છંદ જોઈ રૂક્મણી વધારે ખિજાતી, ‘આખો દિ’ચોપડા લૈ લૈને બેહી જાય છે તે જાણે મોટી –પેલું કે’વાય કે’ વાય –ક્લેકટર બનવાની હોઈશ કાં ?

    ‘હા મા, જોજેને, એક દિવસ તને કલેક્ટરબનીને બતાવીશ.’ પરીક્ષા નજીક આવી ત્યારે પાયલ ઊંધું ઘાલીને મહેનત કરવા લાગી. સાવારે વહેલી ઊઠીને માનાં સોંપેલાં બધાં કામ જલદી જલદી પતાવી વાંચવા બેસી જતી. રાત પડ્યેય લાલ ટેનના અજવાળે દાખલા ગણ્યા કરતી. ક્યારેક રૂક્મણી બબડતી, ‘આ ઘાસતેલ મફત આવતું હશે કાં ? બૌ  મોટા ભણેસરી બનવાની કૈં જરૂર  નથી. કર લાલટેન બંધ ને છાનીમાની ઊંઘી જા.’

    ‘હા મા, તું સૂઈ જા, હું થોડી વારમાં સૂઈ જઈશ.’

’આ બધા ચેનચાળા પારકે ઘેર જૈને અવળા નીકળી જવાના છે. ભાગ ફૂટેલા હશે ને તો ધણી એવો મળશે કે જૂતા મારશે, જૂતા.’

    પાયલે અચાનક ચોપડી બાજુએ મૂકી દીધી. રાતના અંધારામાં નાનકડી દીકરીએ હાથ પકડીને માને બાજુમાં બેસાડી. ‘મા તારે ભણવું’તું ને ભણવા ન મળ્યું એની ખીજ મારી પર શીદને ઉતારે છે ?ને મા, તું આખો વખત ધણી ધણી કેમ બોલે છે ? અમારા સાહેબ કહેતા’તા કે, જાનવરના ટોળાના માલિકને એનો ધણી કહેવાય. આપણે બધાં જાનવર છીએ કે આપણા વરને ધણી કહીએ ?’

    રૂકમણી દીકરીની તેજસ્વી આંખો સામે જોઈ રહી.

    પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે માસ્તરે ખાસ ઘરે આવીને કહ્યું, ‘તમારી પાયલ એના કલાસમાં પહેલાં નંબરે પાસ થઈ. બહુ હોશિયાર છોકરી છે એને આગળ ભણાવવાની જવાબદારી મારી.’

    રૂક્મણીના હાથમાં એ વખત દીકરાને ખવડાવવા માટે ગોળની ગાંગડી હતી. એણે ઘર લીંપી રહેલી, ગોબરથી ગંદા થયેલા હાથવાળી પાયલને ઊભી કરી, એને માથે હાથ ફેરવી, એના મોઢામાં પેલી ગોળની ગાંગડી મૂકી ત્યારે એની આંખોમાંથી હરખનાં આંસુ વહી રહ્યાં હતાં.

(ઈન્દિરા દાંગીની હિન્દી વાર્તા પરથી)

Posted in miscellenous

દીકરો—વિનોદિની નીલકંઠ

KPOTHI

દીકરો—વિનોદિની નીલકંઠ

(લોકમિલાપની ખીસાંપોથી ‘ભાઈ, દીકરો અને પાડોશી’માંથી)

સાભાર :લોકમિલાપ-પો.બો.23(સરદાર નગર), ભાવનગર 364001 ફોન(0278)2566402

ઈ-મૈલ.:lokmilap@gmail.com

    પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

    પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવીને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતાં પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.”

    “બીજી બા,” કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું: “બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.”

    અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ—તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં.

    સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ?પેતાંબરના લગ્ન પછી બારે મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ—માબાપ—વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.

    પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હ્રદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું  રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે “મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?”

    પછી તો વર્ષો વહી ગયાં. અંબાને પોતાને પણ બાળકો થયાં. પરંતુ કાંતિનું સ્થાન તેના હ્રદયમાં ધ્રુવવત્ અવિચળ જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલો તે બાળક અંબાના હ્રદયના પ્રેમસિંહાસન ઉપર આરૂઢ થયો હતો. અંબાનાં બાળકો કાંતિને ‘કાકા’ નહિ પણ ‘મોટાભાઈ ’કહી બોલાવતાં અને અંબાને પણ ‘બીજી બા’ને નામે જ સંબોધતાં.

    કાંતિને ભણાવ્યો—ગણાવ્યો અને જોતજોતામાં એકવીસ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે: “બે વર્ષ ખમી જઈએ. લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઈશે. ઉપરાંત કપડાં-ચપડાં વગેરેનું ખર્ચ થશે તે જૂદું.”

    અંબા બોલી ઊઠી : “મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું.”

    પીતાંબર આશ્ચર્યચકિત થઈ બોલ્યો: “વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઈશ?—નથી આ કાંઈ દીકરાની વહુ આવવાની; આ તો મારુંતારું  કરતી દેરાણી ઘરમાં આવશે, જાણતી નથી ?”

    છેવટે અંબાની જીત થઈ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું. એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઈ નાખી. પીતાંબર ચિઢાઈને કહેતો :”તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઈ અપ્સરા ઊતરી આવશે, તો જ તારું મન માનશે.”

    ઠંડી રીતે અંબા બોલી :“ તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી ?”

    છેવટે કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર થરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઈ મણા જ ન હતી. તેના આંખ, નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર અનુપમ હતાં. એ સાત ચોપડી ભણેલી પણ હતી અને  ઉંમરમાં સોળ વર્ષની હતી. “દરેક રીતે મારા કાંતિને લાયક છે,” અંબા સૌ કોઈને હરખાઈ હરખાઈને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને કરુણાને ઘરમાં આણી.

    પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હક્કની માગણી કરશે ત્યારે અંબા રૂઠ્યા વગર નહિ રહે, અને આટલાં વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુનો બની જશે તે અંબાથી કદી સહન નહિ થાય.  શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકામાં આગનું છમકલું જોવાની અને તે જોઈ મનને એક છૂપે ખૂણે રાચવાની અવળી ઈચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઈક કારણસર હૈયાને એકાદ ઓતાડે ખૂણે પણ દુ:ખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુ:ખી જોવા ઈંતેજાર બને છે; એવું જ પીતાંબરને થયું. પરંતુ વીસ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહિ, તેથી તેની ગણતરી ઊંધી વળી.

    રૂપરાશિ સરખી સોળ  વરસની સુંદરીને પોતાના પ્રાણપ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતીફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઈ જતું. અંબાના હ્રદયમાં પ્રેમનું પાત્ર એવું તો છલકાઈ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઈને તે પાત્રમાંથી જેટલો જોઈએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને ‘બીજી બા’કહી બોલાવવા માંડી, ત્યારે અંબાને ખૂબ આનંદ થયો.

    અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યેજ કોઈનું ટકી શકે છે; અંબાનું પણ ન ટક્યું.

    બજારમાંથી ઘર ભણી આવતાં કાંતિને એક રખડતું કૂતરું કરડ્યું. ત્યારે કોઈને કલ્પના ન થઈ શકે કે તે કૂતરું હડકાયેલું હશે અને આઠ દહાડે કૂતરાના દાંત પડવાથી પડેલો ઘા રુઝાઈ ગયો. તે સાથે સૌ કોઈના મનમાંથી પણ તે વાત ભૂંસાઈ ગઈ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું. કૂતરું કરડ્યા પછી મહિને દિવસે કાંતિને હડકવા હાલ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઈ ગયો. બાળક-અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.

       દુ:ખના દિવસો ધીમે જાય છે, તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતું અને રાત્રીનું સાંત નીરવ વાતાવરણ તેના નિદ્રાવિહીન મનને અસહ્ય લાગતું. ત્યારે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઊગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂર્ખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબાને જાણ્યેઅજાણ્યે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી, તે પણ ખોટી પડી. કાંતિ ઉપરનું તમામ હેત અંબાએ કરુણા ઉપર કેન્દ્રિત કર્યું. ઘણી વાર સમીસાંજે કામથી પરવારી દેરાણી—જેઠાણી એકલાં પડે ત્યારેઅંબા કહેતી : “ મારાં સાસુએ પહેલે દિવસેજ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો, પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાફૂટીને કેમ ન આવ્યો ? મેં સાચવ્યો નહિ તેથી જ મારો રતન જેવો દીકરો કાળે કૂતરાનું રૂપ લઈ ભરખી ખાધો ! અને વહુ ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો વારો આવ્યો. ભગવાનને ઘેર મારાં સાસુજીનો મેળાપ થશે, ત્યારે હું શું મોઢું દેખાડીશ ?” આક્રંદ કરતાં અંબા બોલ્યે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળ્યે જતી.

    કોઈ ભૂંડી પડોશણ કદાચ ઈશારો કરે કે “વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો,”તો અંબા કહેતી : “ અરેરે, વહુ તો માઈએ કંકુ-પગલાંની, પણ મારાં જ નસીબ ફૂટી ગયાં તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝપટમારી તે ઢોળી નાખ્યો; તેથી આ કાચી કેળ જેવી છોકરીનું અસહ્ય દુ:ખ મારે દેખવાનું રહ્યું.”

    અંબાના પોતાનાં છોકરાં મોટાં થવાં લાગ્યાં હતાં અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનું મન જ ઊઠી ગયું હતું.કાંતિના મૃત્યુ પછી કપડાંલત્તાં વિષે અંબા સાવ બેપરવા બની ગઈ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે—માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે,ત્યારે એક અરધી ક્ષણ આરસીમાં કપાળનો ભાગ તે જોઈ લેતી, અને ચાંદલો તો કરવો જ પડે એટલે તે કરતી. બાકી કરુણાનું રૂપાળું, ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસિયા જેવું અને પોતાના કપાળમાં લાલચોળ ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું.

    પીતાંબરને કાંતિના અકાળ મૃત્યુનો આઘાત નહોતો લાગ્યો એમ તો ન જ કહેવાય; પણ તે ઝટ રુઝાઈ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પછી છ મહિને તેનું મન વિષયસુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું : “ આપણે બહુ વર્ષ સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પેસતાં પહેલાં જ, ઊંબરા ઉપર પગ મૂકતાં જ કાંતિ બિચારો-”રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઈ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે ન હતો, પરંતુ તેથી કાંઈ તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે તે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીના પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લગી.

    અને વળી બે વર્ષ એમ જ વહી ગયાં. પીતાંબરનો દીકરો દશરથ હવે પરણે એવડો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાનાં હતાં, ઘર, રસોડું તથા બાળકોની જવાબદારી  કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિત જીવે દશરથને લઈ કન્યાને જોવા સુરત ગઈ.

    આઠ દહાડે તે પાછી ફરી ત્યારે પીતાંબરને સ્ટેશન ઉપર તેડવા આવેલો દેખી પહેલાં તો અંબાના પેટમાં ફાળ પડી, કે જરૂર કાંઈ માઠું બની ગયું હશે—બીજું તો શું, પણ જરૂર કોઈ માંદું-સાજું થઈ ગયું હશે. પણ જ્યારે પીતાંબરે હસતે મોઢે સૌના ખુશીખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો; પણ તેને નવાઈ ખૂબ લાગી. મનમાં ને મનમાં એ પૂછવા લાગી :”આ  સ્ટેશન ઉપર આવ્યા જ કેમ? ” ઘેર બધાં બાળકો કુશળ હતાં, પણ આઠ દહાડામાં કરુણાનો તો જાણે અવતાર જ ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી ને દૂબળી પડી ગયેલી જણાઈ. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું :”કેમ, બીજી બા વગર તારી કોઈએ ભાળ ન રાખી કે શું? આમ કેમ ઢીલી પડી ગઈ ?”અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા રોઈ પડી. ખૂબ ખૂબ રોઈ, પણ મોઢેથી એક શબ્દ પણ ન બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હશે એ વિષે તેને વહેમ પડ્યો, પણ તે તેણે  પોતાના મનમાં વસવા ન દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહિ ને હવે અંબાની જાણે ખુશામત કરતો ન હોય એમ વર્તવા લાગ્યો; અને પીતાંબરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી દેખી બે—દુ—ચારનો હિસાબ ગણતાં અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને એકાંતે બોલાવી વાત પૂછી લીધી, અને અંબાની ગેરહાજરીમં પીતાંબરે પોતાના ઉપર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષરે અક્ષર કહી દીધી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાતરી થઈ, ત્યારે પણ અંબા શાંત જ રહી. અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબાએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ઘૃણા ન ઊપજી, અને પુત્રીવત દેરાણી ઉપર તો સહાનુભૂતિ ને અનુકંપાથી તેનું હ્રદય ભરાઈ ગયું. દરેક દુ:ખદ પરિસ્થિતિ માટે ત પોતાને જ જવાબદાર ગણતી, તેમ આ વખતે પણ તે પોતાના મનને કહેવા લાગી : “વાંક તારો જ ગ્કણાય. તેં સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ્ય શી રીતે પાળે ?વળી ભલભલા ઋષિમુનિઓનું પણ મન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે. તે જોઈ એમનું પરાણે રોકી  રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ ?”

    અંબાએ તો દશરથનું લગ્ન ઝટપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઈમાં પોતાના ધંધામાં ભેગો લઈ લીધો, એટલે પરણીને એ ગયો મુંબઈ. તે જ અરસામાં અંબાની મોટી છોકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી, અને પીતાંબરને ઘેર મૂકી જમાઈ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઈ. તેણે અનેક રાતના ઊજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી; કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુક્તિ સૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી.

    અંબા પોતે સગર્ભા છે, એવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમજ સગાંસંબંધીમાં ફેલાવી દીધી. “ બળ્યું, બહેન ! માયા છોડવા ઘણુંયે મથીએ, પણ આ દેહની વાસના કેડો છોડતી જ નથી. જુવાનજોધ દેરાણી  રંડાપાનું ઢગ દુ:ખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાંની મા થઈ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરાં થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી ! તેમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય ?” પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઈ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઈ જવાની વાત છેડી : “ દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણાય કેટલાં વર્ષથી ઘરની ચાર ભીંતો વચ્ચે ગૂંગળાઈ રહી છે. અને હું બાળકના જન્મ પછી બંધાઈ જઈશ, તો હમણાં જરા સ્થળફેર કરી આવીએ.” પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઈને પણ વર્તાય તે પહેલાં અંબા કરુણાને લઈ મુંબઈ ગઈ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછીતે દેરાણી-જેઠાણી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં.

    દીકરો પરદેશ ગયો છે ને આ તે દીકરાની વહુ છે—એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવ્યે રખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ પણ તેણે પૂરેપૂરો પહેરાવી દીધો હતો. પૂરા દિવસ થતાંતે ગામની ઈસ્પિતાલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો ! “નર્યો મારો કાંતિ જ !” અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો, દેરાણીનો બાળક જેઠાણીએ લઈ લીધો. થોડા જ દિવસમાં બાળકને લઈ બન્ને ઘેર આવ્યાં.

    પડોશણથી ઘર ભરાઈ જવા લાગ્યું : “ધાર્યા કરતાં છોકરો જરા વહેલો અવતર્યો,” અંબાએ સૌને જણાવ્યું. પડોશણો બોલી, “દીકરો નર્યો પીતાંબરદાસનો નમૂને નમૂનો છે.” “એમ ?” અંબા જરીક દુ:ખી થઈને બોલી :”હશે, બાપ જેવો બેટો થાય તેમાં શી નવાઈ ?બાકી મને તો એ તદ્દન મારા કાંતિ જેવો જ લાગે છે.”

    પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલવી. તેના હાથમાં બાળક સોંપતાં તે બોલી :”આમ જ એક વાર મારાં સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું—આઘેડ વયે મારાથી તેની વેઠ થાય નહિ, અને તારુંય ચિત્ત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.”

    આંખોમાં વહેતાં—આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં મૂક્યો.

***********************************

Posted in miscellenous
વાચકગણ
  • 323,487 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 287 other followers

તારીખીયું
નવેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો