જન્મભૂમિ દૈનિક,28/8/2017

 

 

જન્મભૂમિ દૈનિક,28/8/2017

પાનું:10:મેઘધનુષ વિભાગ /વિસામો

(1)પ્રસાદ/ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

માસીબા, મને ન ઓળખ્યો?’

“ઊંડી ઊતરી ગયેલી આંખોએ પચાસેક વર્ષના પ્રૌઢને ઓળખવાનો રૂડીમા એ નિષ્ફળ પ્રયત્ન કર્યો.”

“હું ઘનશ્યામ, તમારો ઘનયો !”આંગણે ઊભેલાએ પોતાની ઓળખ આપી.

“અરે મારો ઘનયો ! આ તારા વાળ પણ ધોળાં થયાં અને હું પણ હવે ઓછું ભાળું-દીકરા, કેટલા વર્ષે આવ્યો ?”

“પાંત્રીસ-છત્રીસ તો ખરા.”ઘનશ્યામે જવાબ આપ્યો.

“તું નવમા ધોરણમાં હતો અને તારા બાપુજીની અહીંથી બદલી થઈ હતી. છેક બીજા રાજ્યમાં. રોટલો રળવા માણસે વતન છોડવું પડે. પણ, પછી તમે કોઈ દેખાયા જ નહીં. ક્યારેક તમારા કુટુંબનાં વાવડ મળતાં. પછી વાવડ મળતાં પણ બંધ થયાં. નોકરિયાત લોકોની આજ તકલીફ, માયા મૂકીને ચાલ્યા જાય ! રૂડીમાએ લાગણીની વ્યથા ઠાલવતાં કહ્યું”.

આજે પચાસની ઉંમરે પહોંચેલ ઘનશ્યામ કરોડોનો આસામી  હતો. થોડા વર્ષ પરદેશમાં રહી પૈસા કમાઈને ભારત આવ્યો હતો. માતા-પિતાની છત્રછાયા રહી નહોતી. પત્ની અને બાળકો સાથે મુંબઈમાં રહેતો હતો.રાત્રે રૂડીમાના ઘરે રોકાઈ સવારે મુંબઈ જવા એ નીકળી જવાનો હતો.

પછી તો ઘનશ્યામ અને રૂડીમા વચ્ચે ઘણી વાતો થઈ, વચ્ચેના વર્ષો ઓગળતા વાર લાગી નહીં !ઘનયાનો જન્મ થયો ત્યારથી પંદર વર્ષનો થયો ત્યાં સુધીના રૂડીમા સાક્ષી હતા. ઘનયાને શું ભાવે, શું ન ભાવે ?શું ગમે, શું ન ગમે? જેટલું ઘનયાની મા જાણે તેટલું રૂડીમા પણ જાણે.

સાંજે વાળું કરવા રૂડીમાનો નાનો દીકરો અને ઘનશ્યામ રસોડામાં જ પલાંઠીવાળીને બેઠાં. બાળપણમાં પણ આ રીતે પલાઠીવાળીને ઘણી વખત અહીં જમ્યો હતો.

“વહુબેટા, ભાણામાં ગોળ મૂકવાનું ભૂલત નહીં.” અંદરના ઓરડામાંથી રૂડીમા બોલ્યાં.

“બા, મોહનથાળ પીરસ્યો છે.” વહુએ જવાબ આપ્યો.

રૂડીમા ધીમે પગલે રસોડામાં ગયાં. ગોળનો ડબ્બો શોધ્યો. જાતે જ ગોળનો ગાંગડો થાળીમાં મૂક્યો. અને એ પણ પલાંઠીવાળીને ઘનયાની સામે બેઠા. “મારા ઘનયાને ગોળ બહુ ભાવે હો….આખા મલકની મીઠાઈ એક તરફ અને તેને ભાવતો ગોળ એક તરફ.”

ભાણામાં પડેલ ગોળના ગાંગડા તરફ ઘનશ્યામે જોયું. ઘણાં વર્ષો થયાં ગોળની તેણે ટેક લીધી હતી.”ભાવતી વસ્તુની ટેક રાખીએ તો ટેક ફળે.” કોઈએ તેને કહ્યું હતું.

દીવાના આછા પ્રકાશમાં તેણે રૂડીમાના મોં તરફ જોયું. ટેકની એક-બે અને ત્રણ. ગોળની ગાંગડી તેણે મોઢામાં મૂકી.

————————————————————–  (2) સ્વીચ યાત્રા/જોગેશ્વરી છાયા

મોમ ડેડ માટે ઘરડાઘર નહીં, હું તો એમના માટે આલિશાન મહેલ બનાવીશ. સીક્લે માનવને કહી જ દીધું. એમને જરા પણ તકલિફ ન પડે એવો આલિશાન મહેલ હશે. અત્યંત આધુનિકીકરણથી સજ્જ, સ્વિચ દબાવો અને જે માગો તે હાજર. મહેલ જોઇને સીકલ તો મનોમન ખુશ થવા લાગ્યો.

નાનકડાં ઝૂંપડાં આકારનું સાધન, જેમાં માત્ર સ્વિચની  સંખ્યા ત્રણસોની હતી. પલંગ પર એવી રીતે મુકાયું હતું કે, સૂતાં સૂતાં સ્વિચ ઓન કરો ને સામેથી જવાબ મળે, ‘હું આપની શી સેવા કરી શકું ?’ સ્વિચ દબાવો એટલે પાણી, દૂધ, ચા-કોફી, તમામ પ્રકારનાં પીણાં-નાસ્તા, જમવાની વિવિધ વાનગી-ટેબલ ગોળ ગોળ ફરતી જાય અને જે ઈચ્છા થાય તે લેતા જવાનું.કોઈપણ ચીજ માટે સોરી એવું ન સાંભળવું પડે. થોડા દિવસ તો સ્વિચ સાથે કામ પાર પાડતાં પસાર થઈ ગયા. બંને જણા પરદેશ ફરેલા હતા તેથી ઝડપથી એડજસ્ટ થઈ ગયા.

મોબાઈલ, ટીવી, કેમેરા કોઈ વસ્તુની કમી ન હતી. સીકલ તો ગર્વથી ફુલાઈને કહેતો, કરોડો રૂપિયા ખર્ચીને કોઈએ પોતાના મા-બાપ માટે આવું આયોજન કર્યું હશે? શક્ય જ નથી. ઘેરબેઠાં તમારા રોગનું નિદાન થઈ જાય, તમામ જાણકારી મળી જાય. બંને જણ છો નસીબદાર. ખાસા જીવન માણો ને !

ખૂબ વધારે હતું. થોડું જ ખૂટતું હતું. માણસની વસ્તી, હૂંફાળા શબ્દો, પ્રેમ, સ્પર્શ, દિલના ઉમળકાથી કિલ્લોલતું  જણ, બધું જ હતું પણ નિર્જન…વેરાન… સંવેદના વિનાનું, માત્ર આભાસી, સ્વર્ગમાં પણ જાણે નરકને સાથે લઈને જીવતા હોઈએ એવું લાગે, પણ અહીં સુખ એ વાતનું હતું કે સાચા સુખનો સ્વાદ મળે તે પહેલાં તો આખું સ્વર્ગ મળી ગયું હતું એટલે દુ:ખ ઓછું થાય.

હિલ સ્ટેશન, યાત્રાધામ, દરિયાની લહેરો, ઝરણાનો કિલકિલાટ, કથા, સત્સંગ, જૂની-નવી ફિલ્મ, બધાને ન્યાય આપવા સમય જ ઓછો પડે. બધી જ સ્વિચનો વારો આવી ગયો હતો. એક જ સ્વિચ કાળા રંગની બધાથી અલગ જ હતી. તેનો ઉપયોગ કર્યો જ ન હતો. ડેડને થયું  ચાલ જોઉં આમાંથી શું મળશે અને હાથ સ્વિચ પર લાગી ગયો.

ચીસાચીસ શરૂ થઈ ગઈ. સીકલ સહિત આજુબાજુમાંથી બધા દોડી આવ્યા. મોમ-ડેડના ડેડ બોડી જોઈને સીકલ માથે હાથ દબાવી બોલ્યો, ઓ ગોડ…ડેડ તમને કઈ સ્વિચ ઓછી પડી… આ સ્વિચ તો અમારે દબાવવાની હતી.

પાંચ મિનિટ બાદ બધાએ રડવાનું બંધ કર્યું અને બે મિનિટનું મૌન !

સ્વિચથી સ્વિચ સુધીની યાત્રાનો આધુનિક અંત, ત્રણ દિવસ પછી બોર્ડ લાગી ગયું–

‘વિશ્વનું શ્રેષ્ઠ અજાયબ ઘર.’

વિશ્વ પ્રવાસીઓ સતત આવવા લાગ્યા.

00000000000

(3) વૃદ્ધત્વ-અભિશાપ કે આશીર્વાદ/ડૉ.નરેશ શાહ

વૈદિક સમયમાં મનુષ્ય જીવનને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલ. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ.

બ્રહ્મચર્ય અવસ્થામાં ભણતર પૂરું કરી વ્યક્તિ જે વ્યવસાયમાં સ્થાયી થવું હોય તેને માટે સતત પરિશ્રમ કરી સ્થાયી થઈ અને જીવનના ધ્યેય તરફ આગળ વધે છે. ગૃહસ્થ અવસ્થામાં વ્યક્તિ લગ્ન કરી કુટુંબને વિસ્તારે છે. પતિ, બાળકો, માતા-પિતા અને ભાઈ –બહેન પ્રત્યેની જવાબદારી અદા કરે છે. આર્થિક ઉપાર્જન અને વ્યવસાયમાં ટોચ પર પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. આમ  આ બંને અવસ્થામાં પોતાની ભવિષ્યની જિંદગી માટે વિચારવાનો સમય તેની પાસે હોતો નથી.

વ્યક્તિ જ્યારે વાનપ્રસ્થાવસ્થામાં પહોંચે છે ત્યારે પોતાની કેરિયરની ટોચ પર પહોંચી હોય છેઅને પોતાની કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓ પૂર્ણ કરવાને આરે હોય છે. આ પરિસ્થિતિમાં જીવનની છેલ્લી વૃદ્ધાવસ્થાને આવકારવાની તૈયારી કરવી જોઈએ. 50 થી 60 વર્ષની  ઉંમરનો સમયગાળો અનેકવિધ અનુભવથી ભરેલો હોય છે. આમ છતાં 60 વર્ષ પછી જીવન કેવી રીતે વિતાવવું તેને માટેની ટિપ્સ જીવનમાં ઉતારવી એટલી જ જરૂરી છે.

(1) 60 વર્ષ પછી શારીરિક તંદુરસ્તી માટે સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. નિયમિત મેડિકલ ચેકઅપ અને દાકતરની સલાહ મુજબ નિયમિત દવાઓ લેવી. આહાર પણ શરીરને અનુકૂળ હોય તેવો જ લેવાની ટેવ પાડવી.

(2) ભવિષ્યમાં વ્યવસાય કે નોકરીમાં મૂડીનું રોકાણ કરવું કે જેથી વ્યાજની આવકમાંથી આપણી ભવિષ્યની આર્થિક જ્રૂરિયાત પૂરી થાય અને કોઈની પાસે હાથ લંબાવવાનો વખત ના આવે.

(3) અત્યાર સુધી કુટુંબમાં, વ્યવસાયમાંઅને મિત્રમંડળમાં પોતાનું ધાર્યું કરવાની આદત હોય તો સૌની સાથે સલાહ-સુમેળથી કામ કરવાની ટેવ પડશે અને નમતું જોખવાની આદત પાડવી પડશે.

(4) પુત્ર, પુત્રી, પત્ની અને અન્ય કુટુંબીજનોને કામ સોંપવાની તૈયારી રાખવી પડશે અને તેમને નિર્ણય લેવાની જવાબદારી સોંપવી. કદાચ બધું આપણી ઈચ્છા પ્રમાણે ના થાય તો જે પ્રમાણે થયું છે તે ચલાવી લેવાનો અભિગમ કેળવવો પડશે.

(5) વ્યવસાયને કારણે મિત્રો સાથેના સંપર્ક ઓછા થયા હોય તો વધારવા અને જરૂર પડે નવું મિત્રમંડળ ઊભું કરવું.તેમને માટે પ્રયત્નપૂર્વક સમય કાઢીને મળવું.

(6)સામાજિક પ્રવૃત્તિ માટે સમય કાઢવો. જ્યારે નિવૃત્ત થશો ત્યારે સમય કેવીરીતે વ્યતિત કરવો તે સમસ્યા નહીં રહે.

ઉંમર વધતી જાય છે અને ઘડપણ આવે ત્યારે વ્યક્તિનું મન ઝડપથી આળું થતું જાય છે. નાની નાની વાતમાં ખોટું લાગે છે. હવે મનમાં ઘર કરી ગયેલ આગ્રહ-દુરાગ્રહ અને હઠાગ્રહછોડવાનો સમય આવી ગયો છે.કુટુંબમાં જળકમળવત્ રહેવાની ટેવ પાડવી જોઈએ.

સામેથી સલાહ આપવાને બદલે જ્યારે સલાહ માગે ત્યારે જ આપવી અને ત્યાર બાદ  આપણીસલાહ પ્રમાણે જ વર્તે તેવો આગ્રહ રાખવો નહીં. નવી અને જૂની પેઢી વચ્ચે સંઘર્ષ ન થાય માટે ‘હમારે જમાને મેં ઐસા હોતા થા’ બોલવાનું બંધ કરી નવા જમાનાને સુસંગત થવાનો અભિગમ કેળવવો ખૂબ જ જરૂરી છે.

આશા રાખીએ કે સૌને વૃદ્ધાવસ્થા અભિશાપને બદલે આશીર્વાદ બની રહે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 777,978 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો