અડગ મનોબળ: એક દવા//‘પંચામૃત’/ભૂપત વડોદરિયા

Panchamrut

‘પંચામૃત’/ભૂપત વડોદરિયા/નવભારત– માંથી ખોબો આચમન

પાના: 156 અને 157

અડગ મનોબળ: એક દવા

મોટા ચમરબંધીની શેહમાં પણ નહીં આવતો એક અડીખમ માણસ બિછાનામાં અસહાય બનીને પડ્યો છે.જીભનું કેન્સર છે. પાકેલા ટામેટા જેવી જીભ પ્રવાહી કે બીજું કશું પેટમાં જવા દેતી નથી. કેન્સરના નિષ્ણાત તબીબો મસલતો કરે છે, શસ્ત્રક્રિયાનો તખ્તો તૈયાર કરે છે. આપ્તજનો આંસુ સારે છે. એ માણસની આંખમાં પણ આંસુ જ હોવાં જોઇતાં હતાં, પણ એ આંસુ આઘાતની લાગણીથી થીજી ગયાં છે. માણસ ધનિક છે, પણ અત્યારે તગડા બેન્ક બેલેન્સના જોરે તે કોઇને આંકડો ભર્યા વગરનો કોરો ચેક આપે તોય બદલામાં કોઇ તેની પીડા લઇ શકે તેમ નથી, કોઇ તેનો રોગ લઇ શકે તેમ નથી. આવરદાના ઝંખવાઇ રહેલા કોડિયામાં કોઇ નવી વાટ કે નવું દીવેલ મૂકી શકે તેમ નથી.

અચાનક રોગ મોતનો દૂત બનીને આવે છે. ક્યારેક માત્ર ચેતવણી કે ધમકી આપીને ચાલ્યો જાય છે. ક્યારેક તે તમારા બારણે હઠીલા લેણદારની જેમ બેસી રહે છે અને તમારો પ્રાણ લઇને જ જાય છે. રોગ કે માંદગીનો ભોગ બનેલા માણસને પહેલી જ વાર ‘ પહેલું સુખ તે જાતે નર્યા’નો મર્મ સમજાય છે. પણ રોગથી બચી જવું તે માણસના હાથની વાત નથી. મોતની જેમ રોગપણ એક ગૂઢ હસ્તી છે. દાકતરો તેનો પાર પામવા જરૂર મથે છે, રોગોની સામે ટક્કર પણ લે છે. પણ સદ્ ભાગી કે દુર્ભાગી મનુષ્યના પલ્લામાં આ કે તે રોગ શા માટે આવે છે તેનો ભેદ કોઇ સમજાવી શકતું નથી. કોઇ કહે છે કે આ તો પૂર્વજન્મનાં પાપ, કોઇ કહેશે કે માણસ અહીં જે કરે છે તેનાં ફળ અહીં જ ભોગવે છે. ઉપર કોઇ અલગ સ્વર્ગ નથી. સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે અને આ જિંદગીમાં જ તે જોવાનાં છે. પૂર્વજન્મની વાત આપણે જાણતા નથી અને આ જન્મની વાત કરીએ, તેથી હિસાબ પણ ખોટો લાગે છે.. પાપી મનુષ્યો તગડું આરોગ્ય ભોગવે છે. પાપના પડછાયાથી દૂર ભાગતા, ધર્મભીરુ અને સાત્ત્વિક જીવન માટે સતત મથતા માનવીની ઉપર રોગ ત્રાટકે છે.

વાત પૂર્વજન્મની હોય કે આ જન્મની હોય, શ્રીમદ્ રાજચંદ્ર જેવાને કેન્સરનો રોગ આવે તે માની શકાતું નથી.જેના આ અવતારમાં ધાર્મિકતા તેની પૂર્‍ણ કળાએ વિકસી હોય, આટલી જુવાન વયમાં જેણે આટલી સિદ્ધિ મેળવી હોય તેનો આગલો જન્મ શું સાવ ધર્મવંચિત હોઇ શકે? માની શકાતું નથી અને છતાં સાચું છે કે રોગ ધર્માત્માઓને પણ છોડતો નથી. ગરીબ કે તવંગર, પાપી કે પુણ્યશાળી, બાળક કે જુવાન કોઇને તે છોડતો નથી.

કોઇ કહે છે કે દાકતરો વધ્યા તેમ રોગ પણ વધ્યા. જૂના જમાનામાં આટલા બધા રોગ ક્યાં હતાં? આજે તો જાતજાતના રોગ ફાટી નીકળ્યા છે.સંભવ છે કે જૂના જમાનામાં પણ આજના જેવા જ રોગો હશે, પણ તેનું નિદાન થતું નહીં હોય.

સવાલ થાય કે રોગ સામે માનવી આટલો લાચાર હોયતો શું એણે સતત ફફડાટ થી જીવવું? શંકાશીલ બનીને જીવવું? મોં પર ચાંદાં પડે એટલે કેન્સરનો ભય પામીને દાકતર પાસે દોડવું? એક ગૂમડું ન મટે એટલે ડાયાબિટિસ છે તેવો વહેમ કરીને કોઇ નિષ્ણાતની ફી ખરચવી? વાંસામાં દુખાવો ઉપડે કે તરત હ્રદયરોગના આવી રહેલા હુમલાનો ભય માનીને કાર્ડિયોગ્રામ લેવડાવવા દોડવું? ભૂખ મરી જાય અને થાક લાગે ત્યારે ક્ષય આવી રહ્યો છે તેમ માનીને  જીંથરી હૉસ્પિટલનો ધક્કો ખાવો?

માણસે વાજબી સંભાળ અને તકેદારી રાખવી જોઇએ તથા વખતસરના ઉપચારો કરવા જોઇએ. પણ રોગની ભડક સેવવાથી માણસનું જીવન અકારણ પીડાકારક બની જાય છે. માણસ માત્ર  દાક્તર કે દવાની મદદથી રોગનો મુકાબલો કરી શકતો નથી.જરૂર પડે ત્યાં દાક્તરનો સાથ માગો કે દવા લો, પણ રોગની સામે તમારી જીવનશક્તિને પણ બરાબર કામે લગાડો. માણસની ઇચ્છાશક્તિ, અડગ મનોબળ પોતે જ એક દવા છે. આ હકીકત છે. દક્તરોએ ‘હોપલેસ’કહીને છોડી દીધેલા કેસોમાં માણસો અદમ્ય મનોબળથી બેઠા થયાના કિસ્સા જોયા છે. દાક્તરો દિંગ થઇ જાય અને દરદી તબીબી માન્યતાઓ અને ધારણાઓની ઉપરવટ જઇને રોગને મારી હટાવે તેવું સગી આંખે જોયું છે. ગંભીર રોગ હોય, પીડાનો વીંછી ઘડીવાર જંપતો ન હોય ત્યારે ઇશ્વરને અને મનોબળને કામે લગાડો. તેની તાકાત કેટલી મોટી છે તેનું ભાન થયા વગર નહીં રહે. તાવીજ કે મંત્રેલું પાણી શોધવાની જરૂર નથી. કોઇના ઇલમની પણ જરૂર નથી, કોઇ પવિત્ર ભસ્મની પણ જરૂર નથી. દરેક માણસમાં કુદરતે જીવનશક્તિની-મનોબળની અનામત ટાંકી મૂકેલી છે તેને કામે લગાડો.

મોત એક જ વાર આવે છે, અને તે કદી કોઇની સગવડ સાચવતું નથી. ગમે તેવો જાલિમ રોગ વધુમાં વધુ સજા મોતની કરવાનો છે, અને જો મોતને આવવું જ હશે તો તે કોઇ ભારખટારાના પૈંડાં પર ચડીને પણ આવશે. એનાથી ગભરાઇ જવાની જરૂર નથી. રોગ વધુમાં વધુ મોતની સજા કરી શકે છે.

આપણે જે આનંદી ચહેરાઓમાં સૂરજમુખી જોઇએ છીએ તેની પાછળ વેદનાની ઊંડી વાવનાં પાણી હોય છે. અમેરિકાના પ્રમુખસ્વ.જોન કેનેડીને માથાનો અને કમરનો દુખાવો એવો હતો કે એ માણસ હસી શકે તે માન્યામાં ન આવે ! એ મજાકમાં કહેતા કે મારા લોહીમાં એટલું ઝેર છે કે મચ્છર-માંકડ મને કરડવાની હિંમત કરતાં નથી. મને ચટકો ભરવા જતાં એ જ મરી જાય !

કેટલાક રોગ એવા હોય છે કે માણસને પથારીવશ થવું પડે. શરીરને ભલે પથારીમાં રાખો, પણ મનને પથારીમાં રાખવું નહીં. તે રોગથી હારીને સૂઇ ન જાય તે ખાસ જોવાનુ6 છે. જેઓ મનથી રોગના શરણે જાય છે તેમની હાર નિશ્ચિત છે. જેઓ મનને અડગ રાખે છે, રોગની શરણાગતિ સ્વીકારતા નથી અને રોગને મારી હટાવવાની પ્રતિજ્ઞા અકબંધ તે વહેલામોપ્ડા જીતી જાય છે. કોઇ કિસ્સામાં છેવટે જીત ન પણ થાય, તોય શું? રોગને તાબે થઇને લાચારીથી મોતને આધીન થવું અને બહાદુરીથી લડતાં લડતાં મોતને ભેટવું એમાં મોટો ફરક છે.

છઠ્ઠી જૂન, 1998   

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 778,017 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો