રોતા જાય એ મૂઆની ખબર લાવે /તુષાર શુકલ

રોતા જાય એ મૂઆની ખબર લાવે

બ્લેક કોફી/તુષાર શુકલ

(જન્મભૂમિ-પ્રવાસી તા.17મી સપ્ટેમ્બર,2017/મધુવન પૂર્તિ /પાનું:7)

નાનપણમાં વડીલો કૈં કામ ચીંધે તો કરવું ગમતું નહિ. કૈં ને કૈં બહાનું બનાવી ટાળવાની ટેવ. આમ છતાં ક્યારેક કોઈ વળી કડક થઈને આજ્ઞા કરે તો મોં ચડીય જાય ને પડીય જાય. આંસુડાંય આવી જાય. ત્યારે નાનીમા કહે કે એને રહેવા દ્યો, રોતા જાય એ મૂઆની ખબર લાવે !

ત્યારે એ નહોતું સમજાતું. આજે સમજાય છે. કેટલાક હોય જ એવા સોગિયા. સામા મળે ને દિવસ બગડે. જે કૈં વાત કરે એ રોતલ મોઢે કરે. એમની વાતમાં જગત આખા સામે ફરિયાદ જ હોય. વાતે વાતે વાંધા ! અરે, આનંદના સમાચાર આપવા આવે તોય રતીભર હરખ ન મળે. નિરાશાનો સૂર છાનો ન રહે. આવા લોકો પોતાને મળેલ લાભ, પોતાને ભાગે આવેલ સુખના અનુભવને  એટલે માણતા નથી કે એમને એમ લાગે છે કે આ સુખના એ હકદાર નથી. આવું સુખ એમના ભાગે? હોય જ નહિ. નક્કી એની (ઉપરવાળાની) કૈં ભૂલ થઈ હશે હિસાબમાં ! બાકી, સુખ અને તેય મરે સરનામે ?કદાચ, જીવનમાં હતાશાના એટલા અનુભવો થયા હોય કે આવા આનંદને કેમ ઊજવવો એય ભૂલી ગયા હોય. એમનું મન એ માનવા જ તૈયાર ન હોય કે આવો કોઈ લાભ એમને થાય. લૉટરી એમને ય લાગે !

રોતલ અને સોગિયા મોં વાળા પાસે જો આવા નિરાશાના અનુભવોની ભરમાર હોય તો એમના ચહેરાને માફ કરવો પડે. પણ કેટલાક ના મનમાં એવી ગ્રંથિ જ ઘર કરી ગઈ હોય કે પોતાને કૈં સારું મળે જ નહિ, પરિણામે મળે ત્યારે એ એની જાહેરાત ટાળે. એને વિષે વાત ન કરે. કદાચ, એને કોઈની નજર ન લાગી જાય ! મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ન જાય !એટલે કોળિયોમોંમાં આવી જાય તે પછી પણ ઝટ ઝટ ચાવવાની ઉતાવળમાં એના સ્વાદને માણવાનું રહી જાય છે. પ્રમોશનના સમાચાર પરિવારજનોને એમની ઑફિસના કર્મચારી પાસેથી જાણવા મળે ત્યારે પરિવારજનો અકળાય.પણ ભાઈ તો સામા વડચકું ભરે કે એમાં કહેવાનું શું? એમાંઢંઢેરો શું પીટવાનો?

આવા લોકોના મનમાં ઘર કરી ગયેલા પેલા અજ્ઞાત ભયની ગ્રંથિ એમને પોતાના જીવનમાં આવતા આનંદની પળોનેય માણવા નથી દેતી. એ સુખના પ્રસંગે પોતાની એ માટેની પાત્રતા વિષે વિચારવા માંડે છે. આ ગ્રંથિ  એ રોગ છે. એમાં નમ્રતા કે સ્થિતપ્રજ્ઞતાનો ભાવ જવાબદાર નથી. મારા ભાગ્યમાં સુખ ન જ હોય. એ વાત એમને સતત ઉદાસ રાખે છે. આવા લોકો એમના ચહેરા પર હાસ્યની ઝલક પણ આવવા નથી દેતા.

બાળપણમાં તો કામ ન કરવાની બદમાશી હતી. એટલે મોં બગાડતા ને વડીલ પણ માનતા કે કામ ઉત્સાહથી, ઉમંગથી, ઉલ્લાસથી ન થાય એમાં ભલીવાર આવે જ નહિ. એવાંને કામ સોંપવું જ નહિ. કામ બગડે. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. ને એને કારણે એકાદ ઉત્સાહી બાળક દોટ મૂકે ને આપણે માથેથી કામ જાય.

પણ, જાત પર વિશ્વાસ ન હોય, નિરાશાના અનુભવોનો અતિરેક હોય એવા લોકો પણ પ્રસન્નતાના વાહક નથી બની શકતા. કેટલાકને તો એટલી લઘુતા ઘર કરી ગઈ હોય કે આવા કોઈ સારા સમાચારની વાટ જોવાતી હોય ત્યાંથી પોતાને આઘા જ રાખે. એક જમાનામાં શાળાનું પરિણામ ટપાલમાં –કવરમાં—ઘેર આવતું, ત્યારે કવર ખોલવા ‘લકી’ હાથની રાહ જોવાતી.

પણ કેટલાકે તો કેટલાક પૂર્વગ્રહો એવા તો દૃઢ કરી લીધાં હોય છે કે એ કોઈનું કશું સારું જોઈ જ નથી શકતા. હરી ફરીને એમનું મંતવ્ય પેલા નકારાત્મક વિચારોની જ અભિવ્યક્તિ કરે છે. એ મોકળા મને, નવા પ્રસંગને નવી શક્યતા સાથે વિચારવા તૈયાર જ નથી હોતા. એમણે એમના હોઠને જ નહિ, હૈયાનેય હસવાની કડક મનાઈ ફરમાવી દીધી હોય છે. આવા લોકો પોતાનાં મંતવ્યનાં ચશ્માં ઉતારવા જ તૈયાર નથી હોતા. કોઈ રાજકીય પક્ષ, કોઈ નેતા, અભિનેતા, કોઈ સાંપ્રત ઘટના કૈં પણ હોય, એ પોતાના પૂર્વગ્રહ પ્રેરિત મંતવ્ય સાથે મૂડ બગાડવા તૈયાર જ હોય છે. જગતમાં કદી કોઈનુંય કૈં સારું થાય જ નહિ એવી એમની માન્યતા હોય છે. બધા જ બદમાશ છે. બધા જ લુચ્ચા છે. બધા જ ભ્રષ્ટછે. આવા લોકોને મળો એટલે તમારી જીવનની સુંદરતા પર શ્રદ્ધા ડ્ગમગી જાય. ચાંદનીને ગૂમડાંમાંથી નીકળતા પરુ સાથે સરખાવતી કવિતાઓ આજે હવે ફેંકાઈ ગઈ છે તે સારું જ થયું છે.

 

જગત સુંદર—અસુંદરનું મિશ્રણ છે. પણ જો આપણે આ જગતમાં આવ્યાં જ છીએ તો, ને જો અહીં આનંદથી જીવવું છે તો અસુંદરને હળવેકથી હડસેલી સુંદરના દર્શનની ટેવ કેળવવી જરૂરી છે.જીવતા જીવતા થાકી જવાય એવા અનુભવોની વચ્ચેથી રાહત આપતા, મોં મલકાવતા પ્રસંગોને માણતા અને મમળાવતા શીખવું જરૂરી છે. સતત અભાવ, સતત વિરોધ , સતત રોદણાં તમને અજંપ રાખશે ને અપ્રિય પણ બનાવશે. કારણકે વેદનાની વાસ્તવિકતા વચ્ચેય મનુષ્યને પ્રસન્નતાના મૃગજળ પાછળ દોડવું ગમે છે. એ જ એમને જીવતાં રાખે છે.

ખે છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 783,339 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો