ગાંધારીપુત્ર/ લોક્ભારત: પુસ્તક -4)–નાનાભાઇ ભટ્ટ

Lokb.nn.4.2

લોક્ભારત: પુસ્તક -4/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર

ગાંધારીપુત્ર

1

જન્મ

પાનું:3

આંધળા ધૃતરાષ્ટ્રે પૂછ્યું:’ભાઇ વિદુર, દેવી ગાંધારીને હવે કેમ છે?’

’હવે તોઠીક થતું આવે છે.’

’એમ એકાએક પેટમાં દુખવા કેમવ્યું?’

વિદુર બોલ્યા : ‘એ તો દેવીએ પેટ કૂટ્યું, એટલે એકાએક પીડા થઇ આવી.’

ધૃતરાષ્ટ સહેજ ઊંચા થયા, ને બોલ્યા:’બિચારી ગાંધારી ! પેટ ન કૂટે તો શું કરે ? વિદુર, હૈયાછૂટી વાત કરું? બે દિવસ  પહેલાં કુંતીને પુત્ર અવતર્યો એવા ખબર આવ્યા ત્યારથી મારીયે ઊંઘ ઊડી ગઇ, ને દેવીની પણ ઊડી ગઇ હશે.’

વિદુરે જણાવ્યું :’એ તો આનંદના સમાચાર હતા !’

તરત જ ધૃતરાષ્ટ્ર બોલ્યા:’તારે મન આનંદના સમાચાર. પાંડુને ઘેર પહેલુ પારણું બંધાયું એટલે મને પણ આનંદ થવો જોઇએ. પણ ગાંધારીને ? એને ગર્ભ રહ્યાં આજે બે વર્ષ  થવા આવ્યાં. નવ-દસ મહિને જ જો છૂટાછેડા થયા હોત તો રાજ્યનો પાટવી કુંવર ગાંધારીને પેટે અવતર્યો હોત. પણ પહેલો પુત્ર કુંતીને આવ્યો એટલે ગાંધારી પેટ ન કૂટે તો શું કરે ?’

વિદુર બોલ્યા:’ એ કોઇના હાથની વાત નથી.’

‘પણ હવે તો શમી ગયું છે ના?’

વિદુરે જવાબ વાળ્યો :’ક્યારનું  શમી ગયું છે. પેટ કૂટ્યું ત્યારે પહેલાં તો પીડા ઊપડી, પણ પાછળથી પેટમાંથી એક લોઢા જેવી કઠણ માંસની પેશી નીકળી.’

’હેં, હેં ! કઠણ લોઢું?’

’લોઢા જેવી કઠણ માંસની પેશી.’ વિદુર બોલ્યા

ધૃતરાષ્ટ્રને સાંભર્યું:’ગાંધારીને તો સો પુત્ર થવાનું શંકરનું વરદાન હતું પણ એને મારાં પ્રારબ્ધ નડ્યાં હશે.’ વિદુરે ચલાવ્યું:’દેવી તો એ પેશીને ફેંકી દેતાં હતાં પણ ત્યાં તેમને સલાહ મળી કે…’

’શી સસલાહ મળી ?’ ધૃતરાષ્ટ્રે પૂછ્યું.

’સલાહ એવી મળી કે એ પેશીના ઉપર ઠંડું પાણી સીંચ્યા કરશો, તો તે એક પેશીના સો કટકા થશે.’

’એમ ?’

‘પછી એ સો કટકાને ઘીનાં કુંડાંમાં બરાબર મૂકી રાખશો તો દરેકમાંથી એક એક પુત્ર જન્મશે.’ વિદુરે પૂરું કર્યું.

ધૃતરાષ્ટ્ર બોલ્યા:’ આ તો ભારે કહેવાય ! પછી તમે એ પ્રમાણે કર્યું ?’

વિદુર બોલ્યા:’ હા, તરત જ. હવે એ પેશીના સો ભાગ થયા છે, ને એ બધાને ઘીનાં કૂંડાંમાં મુકાવીને હું આવ્યો છું.’

બરાબર સો ભાગ થયા છે ?’

વિદુર બોલ્યા:’ હા બરાબર સો. સો કટકા કરતાં જે કરચો વધી તેનો પણ એક વધારાનો ભાગ થયો. એમાંથી એક પુત્રી જન્મશે એમ લાગે છે.’

’એ બધાં ક્યારે જન્મશે?’

‘પૂરાં બે વર્ષ થશે ત્યારે.’

ધૃતરાષ્ટ્ર ચિંતા કરતાં બોલ્યાં:’હજી બીજાં બે વર્ષ ? ત્યાં સુધીમાં તો પાંડુને ઘેર બીજો કુમાર પણ આવ્યો હશે. વિદુર, તું ફરીથી દેવીની ખબર  કાઢી આવ તો.’

’મહારાજ આ ચાલ્યો.’

                           ====================

ધૃતરાષ્ટ્રે પૂછ્યું:’વિદુર, આ અવાજ શાનો આવે છે?

વિદુર બોલ્યા:’મહારાજ, આપણા પહેલા કૂંડાંમાંથી પુત્ર પેદા થયો તેની ખુશાલીનો.’

ધૃતરાષ્ટ્ર આંખોને ઊંચી કરતાં બોલ્યા:’હેં !હેં ? ભાઇ, ફરીથી એક વાર એ શબ્દો બોલ તો ?’

વિદુરે જણાવ્યું :’દેવી આજે એક પુત્રની મા થયાં !’

ધૃતરાષ્ટ્ર બોલ્યા: ‘તમે પિતામહને જઇને ખબર આપો ને જોશીને બોલાવીને કુમારનો જોશ જોવડાવો.’

વિદુર બોલ્યા:’પિતામહને ખબર અપાઇ ગયા છે, જોશીઓને તો દેવીએ ક્યારના ય બોલાવ્યા છે.’

વળી ધૃતરાષ્ટ્ર બોલ્યા:’જોશીને કહો કે કુંડળી બરાબર મૂકે.’

’કુંડળી તો મૂકે જ છે. આ દેવી પોતે પણ આવ્યાં .’

ધૃતરાષ્ટ્ર ગળગળા થઇ ગયા. ‘દેવી, તમે મને ભાગ્યશાળી કર્યો !’

’ભાગ્યશાળી કે દુર્ભાગી ?’ દેવી બોલ્યાં.

ધૃતરાષ્ટ્ર મોં મચરડી બોલ્યા:’એવું ન બોલો, દેવી !’

ગાંધારી બોલ્યાં:’ એ જ સાચું છે. જોશીઓ જ કહે છે કે આ પુત્ર આખા કુળનો નાશ કરશે.’

ધૃતરાષ્ટ્ર બોલ્યા:’ એવા ક્યા કુમુહૂર્તમાં આવ્યો છે?’

વિદુર બોલ્યા: ‘મહારાજ, આ અવતર્યો ત્યારે એનો રડવાનો અવાજ ગધેડાના જેવો હતો !’

’એ તો અવતરે ત્યારે બધાં છોકરાં રુએ.’

વિદુરે વિચાર્યું:’ જોશીઓ કહેતા હતા કે એ વખતે ગામમાં પણ ગધેડાંઓ એકીસાથે ભૂંકવા મંડ્યાં હતાં.’

ધૃતરાષ્ટ્રે હાંક્યું:’ કોઇકે બધાંને એકસાથે માર માર્યો હશે.’

ગાંધારીથી ન રહેવાયું:’તમે ફાવે તેમ કહો. તમારા જોશીઓ મને કહે છે કે આ પુત્ર આખાય કુળનો નાશ કરશે, માટે એનો ત્યાગ કરો.’

ધૃતરાષ્ટ્ર આકળા થઇને બોલ્યા: ‘તમને ગામમાં આવા જ જોશી મળ્યા? ત્યાગ કરો એટલે શું ?દેવી, બોલો, તમે જ ત્યાગ કરવા તૈયાર છો?’

ગાંધારી બોલ્યાં:’હા, હું તૈયાર છું. આખા કુળની ખાતર મારા એક પુત્રનો ત્યાગ  કરવા હું તૈયાર છું. ધૃતરાષ્ટ્રે ડોકું ધુણાવ્યું:’ આ બધાં ફાંફાં છે. કુળનો નાશ થવો હશે તો ગમે તે રીતે થશે. મારે એનો ત્યાગ કરવો નથી. વિદુર, તને કેમ લાગે છે?’

વિદુર બોલ્યા:’મને દેવી કહે છે તે ઠીક લાગે છે. એક જશે તો પાછળ બીજા નવ્વાણું છે.’

’વિદુર’, ધૃતરાષ્ટ્ર બોલ્યા:’ શું એક મારે વધારાનો છે ? ગાંધારી ભલે ને હા પાડે, એનાથી ત્યાગ થવાનો નથી. એ મોટો થાય ત્યારે એને અંકુશમાં રાખું તો પછી કુળનો નાશ કેવી રીતે કરે?’

ગાંધારી થોડી કોપાયમાન થઇને બોલી :’તમે અંકુશમાં રાખી રહ્યા ! તમે તમારી જાતને અંકુશમાં રાખી છે? હું તો હૈયું કઠણ કરીને એનો ત્યાગ કરવો એમ કહું છું.’

ધૃતરાષ્ટ્ર સહેજ તપીને બોલ્યા :’ એમ ન થાય. જોશીઓને કહો કે તમે મંત્રો કરો. દક્ષિણા માગો, દેવોને રાજી કરો. અને કુળને માથે ભાર હોય, તો તે ઓછો કરવા શાસ્ત્રોમાં ક્યાં ઉપાયો થોડા છે ? વિદુર, જા, બ્રાહ્મણોને બોલાવી બધી ગોઠવણ કર. હવે જો કોઇ એનો ત્યાગ કરવાની વાત કરશે એને હું મારો દુશ્મન ગણીશ. દેવી, એ પુત્રને મારી પાસે લાવો. મારે આંખો તો નથી પણ તેના શરીરે હાથ તો ફેરવું !’

                     ******************************

2.

ચંડાળ–ચોકડી પાનું:8

દુર્યોધન મહેલની અગાશીમાં આંટા મારતો હતો. દૂર દૂર યમુનાનાં પાણી ખળખળ વહેતાં હતાં. થોડી વારે શકુનિ, દુ:શાસન ને કર્ણ આવ્યા.

શકુનિ દાખલ થતાં બોલ્યો :’કેમ દુર્યોધન, શા વિચારમાં પડ્યો છે ?

દુર્યોધને સાંભળ્યું નહિ.

શકુનિ ગણગણ્યો :’ ભારે ચિંતામાં લાગે છે !’

દુ:શાસને આવીને મોટાભાઇના ખભા પર હાથ મૂકતાં કહ્યું:’ મોટાભાઇ, મામા અને કર્ણ બન્ને આવ્યા છે.’

’આવો,મામા.’

શકુનિએ પૂછ્યું:’બહુ વિચારમાં ઊતરી ગયો છે? સામે શું જુએ છે ?’

’મારા જીવતરની કથા’

’શું એ પાણી ઉપર તારા જીવતરની કથા લખી છે?’

દુર્યોધન ધીરે ધીરે બોલ્યો :’ હા એ પાણી પર લખી છે, સામેનાં ઝાડો પર પણ લખી છે, આ સામેના આકાશમાં ય લખી છે; વધારે ચોખ્ખી તો મારા અંતરમાં લખી છે.’

કર્ણ બોલ્યો : ‘  મહારાજને નિરાશા આવી ગઇ છે.’

દુર્યોધને કહ્યું: ‘મારા દિલમાંથી આશાના અંકુરો બળી ગયા છે. હવે મને જીવતરમાં રસ જ નથી રહ્યો.’

કર્ણ બોલ્યો : ‘મહારાજ, કાલ સવારે બધી લીલાલહેર થશે. આપણે પ્રયત્નો ક્યાં છોડ્યા છે?’

’અને છતાં આપણા દાવ અવળા પડે છી. આપણે ભીમને ઝેર ખવરાવીને નદીમાં ડુબાડ્યો, પણ એ તો પાતાળામાંથી પાછો ફૂટ્યો ! એટલે તો નદીનાં નીર મને હસે છે! તમારા કહેવાથી મેં લાખનો મહેલ કરાવ્યો ને પાંડવોને બાળી દેવા માટે ખાસ પુરોચનને મોકલ્યો. છતાં પાંડવો બળ્યા નહિ ને ઊલટા દ્રૌપદીને પરણીને આવ્યા. આ બધું સંભારું છું ત્યારે  મારું અંતર સળગી જાય છે. મામા, તમે રાજસૂય યજ્ઞમાં ન હતા. જ્યારે શિશુપાલે શ્રીકૃષ્ણની પૂજા કરવા સામે તકરાર ઉઠાવી ત્યારે ઘડીભર તો મને થયું કે હાશ, આ ઘડીએ યજ્ઞ વીંખાશે. પણ ત્યાં તો શિશુપાલનું માથું ધડ  પરથી હેઠું ઊતર્યું, ને યજ્ઞ આખો પૂરો થયો !’

શકુનિ બોલ્યો: ‘ પણ આજે તો બધા જંગલમાં ગયા છે ના? હવે તારે શી ચિંતા છે?’

ચિંતા તો એ જીવતા હશે ત્યાં સુધી રહેવાની જ છે.

જુઓને, જંગલમાં પાંડવોને શાપ આપવા માટે આપણે દુર્વાસાને હજાર શિષ્યો સાથે મોકલ્યા પણ ત્યાં તો દુર્વાસા ને શિષ્યો નદીમાંથી જ પરબાર્યા ચાલ્યા ગયા ! આપણે જયદ્રથને દ્રૌપદીનું હરણ કરવા માટે મોકલ્યો, ત્યાં જયદ્રથ જ પકડાઇ ગયો ! મામા, આ બધું જ્યારે હું સંભારું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઇ જાય છે, શરીરે પરસેવો આવે છે ને લોહીનું પાણી થઇ જાય છે.’

શકુનિ બોલ્યો :’ થયું તે થયું. હવે આવતી કાલથી શું કરવું છે તેનો વિચાર કરીએ.’

દુર્યોધને કહ્યું: ‘જેવી ગઇકાલ, એવી આવતી કાલ.પાંચ પાંડવોને અને દ્રૌપદીને હું આવતી કાલે હસ્તિનાપુરના દરવાજામાં પેસતાં દેખું છું.’

વચ્ચે કર્ણ ભભૂક્યો:’હસ્તિનાપુરના દરવાજા એમ ખાલી લાકડાના બનાવ્યા હશે, એમ કે ?’

દુર્યોધને ક્રોધથી કહ્યું: ‘ એ તો ઘાસના બનાવ્યા હોય એમ લાગે છે.’

’પણ હવે કરવું છે શું? ‘શકુનિ બોલ્યો. ‘તારી મરજી હોય તો અમે સૌ ઘેર જઇએ.’

દુર્યોધન બોલી ઊઠ્યો: ‘ ઘેર ક્યાં જાય ? હવે તો હું ય પડું અને સાથે તમને ય પાડું.’

‘તો તો મજા આવે.’ શકુનિ બોલ્યો.

’તો હવે શું કરીશું?’ દુ:શાસને પૂછ્યુ.

’મામા કહે તે.’ દુર્યોધને જણાવ્યું.

શકુનિ કરડાકીમાં બોલ્યો :’ હવે પાંડવોને એમનું રાજ્ય સોંપી દો અને તમે સૌ તમારી રાણીઓને લઇને દ્વૈતવનમાં ચાલો. હું તમને ત્યાં મૂકીને સીધો ગાંધાર ચાલ્યો જઇશ.’

દુર્યોધન ગાજ્યો :’એમ પાંડવોને રાજ્ય સોંપી દઉં? મામા, હું તમારો ભાણેજ.’

’તો જો.’ શકુનિ શાંતિથી બોલવા લાગ્યો :’પાંડવો પોતાનો ભાગ માગશે.’

’હું નહિ આપું’

‘ એ લોકો તારા બાપને પગે પડશે.’

’હું આપવા નહિ દઉં.’

’પેલા ભીષ્મ-દ્રોણ  તને ધર્મની વાતો કરશે.’

’ભીષ્મ-દ્રોણને તો મેં ક્યારનાય વેચાતા લઇ લીધા છે. એ ખાલી બબડાટ કરે, એટલું જ.’

’અને છેવટ શ્રીકૃષ્ણ પણ તને સમજાવવા આવે તો ના નહિ.’ શકુનિ બોલ્યો.

’ભલેને ગમે તે આવે. શ્રીકૃષ્ણને પણ કેમ ઘોળીને પી જવા એ તમે મને શીખવો ને !’

શકુનિએ જવાબ આપ્યો :’એમાં શીખવાનું કશું નથી. તારે તો એક જ વાત લઇને બેસૌં.પાંડવોને એક તસુ જેટલી પણ જમીન આપવાની ના પાડજે. તારો બાપ બહુ કહે તો તારે સંભળાવી દેવું કે”તો હું આપઘાત કરીશ,” એટલે એ બાપડો રાંક થઇ જશે. ‘

’આ હું જરૂર કરું’

‘તો બેડો પાર.’

’પછી લડાઇ થશે તો ?’ ‘લડાઇની વાતો ખોટી છે. પાંડવોને લડવું નથી, પણ લડાઇની વાતો કરી કરીને તમને બિવરાવવા છે.’

‘મામા, હવે એ લોકો લ્ડ્યા વિના નહિ રહે.’

’દુર્યોધન, તને ખબર નથી. તારા ભીષ્મ-દ્રોણને તારી પડખે રાખીશ એટલે પત્યું.’

’એ તો ક્યારના મારા ખિસ્સામાં જ પડ્યા છે.’

’જો, ફરીથી સાંભળ. તારે મક્કમ રહેવું. તારા બાપને મક્કમ રાખવો. પાંડવો હવે શું કરે છે તે આપણે જોઇએ ને પછી આપણે કેમ કરવું

તેનો વિચાર કરીએ.’

વાતોમાં ને વાતોમાં રાત ઘણી વધી ગઇ. આસપાસના મેદાનમાં પંખીઓ શાંત હતાં. ક્યાંક ક્યાંક ઘૂવડો શાંતિનો ભંગ કરતાં હતાં.

ચંડાળ-ચોકડી ખાલી આકાશ સામે જોતી જોતી છૂટી પડી.

       ————————————————————————–

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “ગાંધારીપુત્ર/ લોક્ભારત: પુસ્તક -4)–નાનાભાઇ ભટ્ટ
  1. jjkishor કહે છે:

    એક જમાનો હતો, આ વાર્તાઓ ઘેરઘેર વંચાતી. શાળાના વિદ્યાર્થીઓને મહાભારત–રામાયણના પાઠો દ્વારા નાનાભાઈએ ખૂબ સંસ્કારસીંચન કર્યું છે.

    આ શ્રેણી બદલ ધન્યવાદ.

  2. Gopal Parekh કહે છે:

    આપ જેવાના ધન્યવાદ અમારે માટે ‘બોર્નવીટા’ /હોર્લિક્સ’ છે,
    આભાર,

    ગોપાલ

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો