EKPUSHYANUGAMRUT YOGસત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી )

સત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી )

એક ગુરુપુષ્યામૃત યોગ
આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેછે. ચંદ્ર દર માસે એક વખત તેના પરથી પસાર થાયછે. ચંદ્ર એ નક્ષત્ર પરથી ગમે તે વારે નીકળી શકે,પણ એ ગુરુવારે જ નીકળે તેવું તો ભાગ્યે જ બનેછે. એવું થાય તેને ગુરુપુષ્યામૃતયોગ ગણાવાયો છે. તેમાંય ગુરુવારના પ્રારંભથી ચન્દ્ર નક્ષત્ર પર હોય ને તે દિવસે પૂર્ણિમાનો હોય તેવો યોગ બહુ વિરલ છે. આવી પોષી પૂનમ જોવા હું ભાગ્યશાળી થયો છું.
પ્રભાશંકર પટ્ટણી (1862-1938)ના અવસાન પછી ત્રણ વરસે તેના અંગત સેક્રેટરીએ કરેલી આ વાત મારા શબ્દોમાં રજૂ કરું છું. એ સ્ટેશનેથી સામાન્યરીતે ઘણા ઓછા ઉતારુઓ ચડતા

1934ની શરૂના શિયાળામાં એક દિવસ કોઠી કામ હોવાથી પ્રભાશંકર રાજકોટ ગયેલા. ભાવનગર તરફની ગાડી ઊપડવાને પોણા કલાકની વાર હતી. તે વખતે પ્રભાશંકર તેમના બે સેક્રેટરી સાથે રાજકોટ સિટી સ્ટેશને આવી ગયા એ સ્ટેશનેથી સામાન્યરીતે ઘણા ઓછા ઉતારુઓ ચડતા. એક સેક્રેટરી પૉર્ટફોલિયા સાથે બાંકડે બેઠા ને પ્રભાશંકર પ્લૅટફૉર્મના આ છેડેથી તે છેડે ફરવા નીકળ્યા.પ્લૅટફૉર્મના છેડેથી જરા આગળ તેમણે સાંધાવાળાનું ક્વાર્ટર જોયું.

બાજુમાં કાચી છાપરી નીચે એક ભેંસ ને ગાય બાંધેલાં જોઇ તે ત્યાં ગયા.એક આઘેડ બાઇ સામે આવી,આવકાર આપતાં બોલી કે “પધારો મહાતમાજી.” આમ કહી ખાટલો ઢાળી તે પર ગોદડું નાખી કહ્યું કે “હ્યાં બેસો” પ્રભાશંકરે બેસતાં કહ્યું કે, “દુઝાણું જોયું એટલે તમારે આંગણે બેસવા આવ્યો.ઘરમાંથી ક્યાં,ફરજ પર ગયા છે?” સામે નીચે બેસતાં બાઇએ હા કહી ને પૂછ્યું, “મહાતમા બાપુ, તમે કોણ,કાં રો’છો ?” પ્રભાશંકરે કહ્યું,” હું મહાતમા નથી,બ્રાહ્મણ છું,પણ પચાસ વરસથી એક રાજની નોકરી કરુંછું.ભાવનગર રહુંછું.ઢોર બહુ ગમે ને એ જેને ત્યાં હોય ત્યાં જાવું-બેસવું ગમે.” બાઇએ કહ્યું, “ દેવ, મારે હ્યાં તો ભગવાને દીધાં બેજ ઢોર છે, ઝાઝાં નથી,તમારાં પગલાં થ્યાં, હવે ઝાઝાં થાય ઇમ માંગુ. પણ બાપુ, તમે ભલે કો’કે રાજનો નોકર છું પણ હું માનું નૈં.તમે તો મે’ને ઘોણે દયા કરવા આવ્યા છો, નહીંતર આંઇ વગડામાં આટલે છેટે છાપરીએ કોણ આફૂડું ડોકાય? કોણ સાધુમા’તમા આવે? આવ્યા છો તો હમણે જ ગા દોઇ છે,દૂધ લેસો? તાંસળી ભરી દઉં, સેડકઢું છે.” પ્રભાશંકરે કહ્યું કે, “બે’ન, દૂધ તો નથી પીવું, છાશ દ્યો તો પીઉં.” “શીદ નો દૌં, પીયો,” કે’તી બાઇ ઊઠી ને એક હાથમાં ભરી તાંસળી ને બીજા હાથમાં છાશની દોણી લઇ આવી.કીધું કે, “રોજ સવારે કરીએ છૈં.” પ્રભાશંકરે તાંસળી ભરી માખણ ઉતાર્યા વગરની છાશ પીધી.તેનાં વખાણ કર્યા.બાઇએ કહ્યું, “છાશમાં શું વખાણ? સંધેય સરખી.” પ્રભાશંકરે કહ્યું, “માડી, મને ફેર લાગે.”
બાઇએ કાહ્યું, “બાપુ,કાંક ઉપદેશ દો.” પ્રભાશંકરે કહ્યું, “એ દેનારો હું નથી.મળેલા ઉપદેશ મુજબ જીવવા મે’નત કરું છું.તમે હ્યાં એકાંતમાં ઢોર રાખી સેવા કરો છો ને મને એવે ઠેકાણે બેસવું બહુ ગમે, બાળપણ તાજું થાય, એટલે તમારે ત્યાં રાજી થઇને આવ્યો.” બાઇએ કહ્યું, “અમે વસવાયાં કે’વાઇં. અમને અમારા જેવા હારે ગમે એટલે બે બાંધ્યાં છે.” પ્રભાશંકરે પૂછ્યું,”માડી,આપણાં જેવાં છીએ તમને કેમ કરતાં લાગ્યું?”
બાઇએ કહ્યું ,”ઇ કાંઇ નો સમજું, પણ એવું થ્યું કે આંઇ એની નોકરી થૈ ને જાતે દા’ડે ચાસવારે ભારખાનાના ડબામાં પૂરેલી ગામાતા ને ભેંસું જોઇ મેં એક દાણ એને પૂચ્યું કે, આ ઢોરાં ભારખાનામાં કૈ દેમણાં જાય છે? તો કે, મુંબઇ.મેં પૂછ્યું ,હ્યાં શું કામ? તો કે, હ્યાં મોટું કતલખાનું છે. દેસમાંથી કૈંક ઢોરાં હ્યાં જાય છે,સાંભળીને મને અરેરાટી થૈ: હાય જીવ,આ કળજગ ! ઘરેઘરે ગાય બંધાય ને સેવા થતી, છોરાં સેડકઢું દૂધ પીતાં, ઇ માતાના આ હાલ? આમ થોડા દી નો થ્યા ને મને કાંઇ ગોઠતું નૈં એટલે એને કીધું તમે હા કો’ તો ગા મારે પીરથી લાવું ને તમે એક ગા કે ભેંસ લાવી ધ્યો. સેવા કરીએ.જે ગાડીમાં આ સારું ઢોર ચડે ઇ ગાડીવાળાનું કામ કરી એનો દીધો રોટલો ક્યા ભવ સારુ ખાવો? તો મને ક્યેં કે, નીણપુર તો તું કર,પણ ઇ લાવવા ક્યાંથી? મેં કીધું, તમ તમારે દી આખો તમારું કામ કરો.મારે બે છોડી,રાંધી ખવરાવું પછી સાવ નવરી,છાણ-લાકડાં વીણવા જૌછું ઇને બદલે છાણ ઘેર થાશે એટલે દી આખો ચારીશ, ચોમાસા કેડે ખડ વાઢ્યાવીસ. તમ તમારે એક ગા કે ભેંસ લાવી દો. ઇયે હું સરખ છે, ઇ ભેંસ લાવ્યા, બે ઢોર ઘેરબાંધ્યાં.છોડીયુંને લૈ સીમમાં ચારવા જાઉં, ઝાડને છાંયે બેસી છોડીયુંને ચણિયા-કમખા ને કડિયાં ભરતાં ને મૈં આભલાં ભરતાં શીખવું.કરગઠિયાંય વીણીએ.છોડીયું જરા મોટી થૈ એટલે ઇયે ખડ વઢાવે.હવે તો ઇ સાસરે ગ્યું.આ ઢોર છે તો મારે સંગાથ છે. ઇ હતાં ઇ મરી ગ્યાં, ઇ ગાને પાંચ વાછડી. ભેંસને પાંચ પાડી થૈ. આ બે છે ઇ એનાં. વાછડી વોડકી થાય ને પાડી ખડાઇ થાય એટલે ભામણને કે એવા કોકને, જ્યાં છોરાં હોય હ્યાં દૈ આવું.આમ ને આમ દી પૂરા થાયતો હાંઉ.”પ્રભાશંકરે કહ્યું,”આટલુંયે હું કરી શકતો હોઉં !” બાઇએ કહ્યું, “ઇમ કેમ કો’છ? તમને જોયાને લાગે છે કે તમે કૈંકના દખ ટાળતા હસો.” પ્રભાશંકરે કહ્યું,” તમે ઢોરની સેવાની વાત કરો છો એટલે કહું છું,” બાઇએ કહ્યું,”તમેય તમારી ઝૂંપડીયે ઢોર બાંધ્યાં જ હશે.” પ્રભાશંકરે કહ્યું,” છે, પણ નીરણપૂળો કોક વાર થાય.મારાં માવતર ને મોટેરાં તો ગાયુંની વચમાં સૂઇ રે’તાં. બાળપણમાં હુંયે સૂતો છું.પણ છેલ્લાં બત્રીસ વરસથી બંગલામાં રહું છું. હું દોતોય ખરો, વહુ-દીકરાને આવડે, પણ હવે કોક વાર, છું ભામણ તોય હવે તમારા જેવી સેવા અમારી નહીં. હું તો તમારાથી થયેલો રાજીપો બોલી બતાવું છું.છાશ પાઇને તમે ટાઢક કરી. માડી બેસવાનું તો ગમે, પણ ગાડીનો વખત થયો છે એટલે રજા લઉં. મારા જેવું કામ હોય તો કહો.રાજી થઇને કરીશ.” ”આવું શીદ બોલો છો? મારે સું કામ હોય! હોય તે કોક દણ, પણ ઇ કાંઇ તમને ચીંધાય?મારે તો કાંઇ કામ નથી.સખે રોટલા ખાઇને રૈ છૈ. તમે પગલાં કર્યાં પણ મેંથી કાંઇ થ્યું નૈં. દુવા દ્યો કે આ ઢોરને સાજાંનરવાં જાળવી શકું ને મનમાની સેવા કરું” બેઠા થતાં પ્રભાશંકરે કહ્યું, “માડી,જે ધણીએ આટલાં વરસ તમારી રખેવાળી કરી ને સહુ જીવજંતુનીય કરતો રહ્યો છે, એ બહુ દયાળુ છે. તમારા જેવાંનું એ રક્ષણ કરશે જ. મને એ ભરોસો છે. ખોળો પાથરી પગે ન પડો,” એમ કહેતાં પ્રભાશંકરે સામે નમી પ્રણામ કર્યા ને ઢોર તરફ હાથ જોડી માથું નમાવી પાછા ફર્યા.પાછા ફરતાં ગાય-ભેંસને પંપાળતા આવ્યા.
પાટા ઓળંગી પ્લૅટફૉર્મ પર આવતાં પ્રભાશંકરના કહેવાથી સેક્રેટરી પાછા ફરી એ બાઇને દશ રૂપિયા દેવા માંડયા તો બાઇએ કહ્યું કે, “ઇ નો લેવાય ભૈલા, પાપમાં પડીએ, અમે સખનો રોટલો ખાઇં છૈં.” સેક્રેટરીએ કહ્યું કે બાપુ તો ભાવનગરના દીવાન હતા.બાઇએ કહ્યું,”ઇ ભલે રહ્યા,ભગવાન એને કરોડ વરસના કરે. હું નૈં લઉં.” સેક્રેટરીએ કહ્યું ,”ઉપરથી ભગવાન મેઘ વરસાવે એ આપણે સૌ ઝીલીએ છીએ. એમ આયે ભગવાનનો જ પ્રસાદ છે. બાપુએ કે’વાનું કીધું છે કે બીજાને દેવા માટે જ ભગવાન મને નાણું આપે છે.” આમ કહી ખાટલે રૂપિયા મૂકી સેક્રેટરી પાછા આવ્યા. ગાડી ઊપડ્યા પછી સેક્રેટરીએ બાઇની આનાકાનીની વાત કરી, ત્યારે પ્રભાશંકરે કહ્યું કે, “ છેલ્લાં સિત્તેર વરસથી આ દેશનાં ભોળાંભલાં માણસોની મતિ ફેરવવા ઘણા પ્રયત્નો થતા રહ્યા છે.પણ ઋષિમુનિઓએ હજારો વરસ પહેલાં સીંચેલા સંસ્કાર એટલા મૂળ સ્વભાવમાં ઊતરી આવ્યા છે કે સૈકાઓથી આ પ્રજા પીડાતી આવી છે છતાં હજી આવાં સાચાં માણસો રહ્યા છે.પ્રભુએ આવાં માણસ જાળવીને બાવળની કાંટમાં ક્યાંક ક્યાંક ચંદનનાં ઝાડ ઉગાડ્યાં છે.”

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “EKPUSHYANUGAMRUT YOGસત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી )
  1. Niraj કહે છે:

    ખૂબ સરસ વાર્તા.. તળપદી ભાષાની લહેક ને મીઠાશ ગમી ગઈ..

  2. દક્ષેશ કહે છે:

    છેલ્લાં સિત્તેર વરસથી આ દેશનાં ભોળાંભલાં માણસોની મતિ ફેરવવા ઘણા પ્રયત્નો થતા રહ્યા છે.પણ ઋષિમુનિઓએ હજારો વરસ પહેલાં સીંચેલા સંસ્કાર એટલા મૂળ સ્વભાવમાં ઊતરી આવ્યા છે કે સૈકાઓથી આ પ્રજા પીડાતી આવી છે છતાં હજી આવાં સાચાં માણસો રહ્યા છે.પ્રભુએ આવાં માણસ જાળવીને બાવળની કાંટમાં ક્યાંક ક્યાંક ચંદનનાં ઝાડ ઉગાડ્યાં છે.”
    ——- એકદમ સચોટ વાત. એવા લોકોના પ્રતાપે જ હજી સુધી આપણો દેશ અને આપણી સંસ્કૃતિ ટકી રહી હોય એમ લાગે છે. બાકી ટીવી અને સેટેલાઈટના જમાનામાં એ ખૂબ મુશ્કેલ છે ને હજી મુશ્કેલ થતું જાય છે. ખુબ સુંદર વાત તમે રજૂ કરી. ધન્યવાદ. આવું બીજું મૂકતા રહેજો.

Leave a comment

વાચકગણ
  • 773,846 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો