ગોપીગીત-શ્લોક:19(છેલ્લો શ્લોક)

ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:19
યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ
તેનાટવી મટસિ તદ્ વ્યથય્તે ન કિં સ્વિત્ કૂર્પદિભિભ્રમતિ ધીર્ભવદાયુષામ્ નઃ

હે પ્રિય ! તમારાં ચરણ સુકોમળ અને અમારા સ્તન કઠોર. અમે તમને કહીએ છીએ કે તમે અત્યંત ધીરેથી તમારાં ચરણ મૂકો જેથી તમને ક્યાંય કશું વાગે નહીં, અમે તો એ ચરણને આજ લગી અમારાં વક્ષઃસ્થળ પર સ્થાપીને રાખ્યાં છે. આ એ ચરણ છે કે જેને વનમાં કંકર અને કંટક વાગ્યા હશે. પીડા થઇ હશે. તમે જ અમારું આયુષ્ય છો. અને અમને તમારી ચિંતા થાય છે.અમારા કઠોર સ્તન પર એ ચરણને રાખતાં સંકોચ થાયછે. કારણકે અમારું હૃદય કઠોર છે અને તમારાં ચરણ સુકોમળ.
“ દ્વૈતમાંથી અદ્વૈત તરફ”
ગોપીગીતનો આ અંતિમ શ્લોક છે, ભાવ બદલાય છી પ્રમાણે છંદ પણ બદલાઇ ગયો. ગોપીનો ભાવ મંદાક્રાંતામાં સરી પડ્યો, ગોપીગીતનો આરંભ વિરહના આવેશથી થાયછે. એમાં વૃજનો મહિમા છે, પ્રેમનો મહિમા છે.ઇશ્વરની તલાશ છે.ગોપીઓની આંખમાં સાંવરિયાનો જાપ છે.આ ગોપીઓ વિના મૂલ્યની દાસી છે. કૃષ્ણને ન કહેવાનું પણ કહેછે એટલે કઠોર હૃદયા છે. જે કૃષ્ણ રાત્રિને સમયે ગોપીઓને શસ્ત્ર વિના વિરહથી વધ કરે એ કૃષ્ણની વીરતા પર ક્રૂરતાભર્યો કટાક્ષ છે.ગોપીઓ રક્ષણ આપનાર કૃષ્ણથી નિરાધાર થઇ ગઇ છે અને વિરહથી ભયભીત છે. ગોપીઓ સામાન્ય સ્ત્રી છે. કૃષ્ણ અવતારી પુરુષ છે,પૂર્ણ પુરુષોત્તમ છે.દર્શન આપવાની સતત વિનંતી છે. માથા પર હાથ મૂકો, એની ઝંખના પણ ગોપીએ પ્રગટ કરી છે. સ્તન પર ચરણ સ્થાપો અને અમને ઉથાપો નહીં(તરછોડો નહીં)—એ તાર પણ છેડાયો છે.આ સ્તન શરીરશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો અક્ષત યૌવનના અને કૌમાર્યના સંકેત જેવાં છે. ગોપી લૌકિક દૃષ્ટિએ પરણેલી હોય તો પણ એ નિતાંત કુંવારી છે.,એટલું જ નહીં અમને અધરરસ આપો ,તમારા કથામૃતથી શ્રવણમંગલ નો મહિમા તો છે જ પણ એકાંતમાં કરેલી ક્રીડાઓનું પણ પુણ્ય સ્મરણ છે, આ સ્મૃત્તિ એવી છે કે ગીતની પંક્તિમાં કહેવું હોય તો કહી શકીએ કેઃ
”ચકરાવો લેતા કોઇ પંખીની જેમ
મન વીંટે છે યાદ એક તારી
તારી આ કેવી મને લગની
કે મારી અહીં એકે પળ હોય નહીં કુંવારી”
તારી સાથે જે મળ્યો એ સમયનું સ્મરણ કરી કરીને વિયોગનું પણ યોગમાં રૂપાંતર કર્યું છે. તમે અમને સંતાપ આપ્યો એ સંતાપને શાતા આપવાની જવાબદારી તમારી.તમે તો સૂરતવર્ધનકરનારા અને અમે તો તારા અધરરસના પિપાસી.તારા દર્શનની અમને એવી ખેવના કે પલપલ પલકતી પાંપણો માટે પણ અમે વિધાતાને નિર્દય કહીછે.તારે માટે અમે સૌને છોડીને આવ્યા છીએ,તે અમને અધરાતે મધરાતે છોડી દીધાં, તો પણ તારા પ્રત્યે જે મન મોહ્યું છે તે મોહ્યું જ છે,અહીં રતિક્રીડાની વાત છે. કામ પ્રબળ છે, સૃષ્ટિની રચના પણ કામનું સ્વરૂપ જ છે.
આગલા શ્લોકમાં ગોપીએ કહ્યું કે અમે હવે ગોપીઓ નથી,અમે તું જ છીએ.ઉત્કટતા એટલી બધી કે એક એક ગોપી સ્વયં કૃષ્ણ થઇ ગઇ. સૂફી કવિ રૂમિની પંક્તિઓ જોવા જેવી છે: ”દિવસ આખો મેં તારી સાથે ગાયું,રાતે આપણે એક જ શૈયામાં સૂતાં, દિવસ અને રાતનું પણ મને ભાન ન રહ્યું, મને તો એમ હતું કે હું કોણ છું એની મને ખબર છે પણ પછી પ્રતીતિ થઇ કે હું એ તું જ છું” દ્વૈતમાંથી આ અદ્વૈતભાવ મોહમાંથી છૂટીને જાણેકે નિર્મોહી થઇને ગોપી હવે કામનાની સૃષ્ટિને સમેટીને પૂર્ણ પુરુષોત્તમના શાશ્વત પ્રેમની સૃષ્ટિનો અનુભવ કરેછે. ગોપી અહીં ભાવસૃષ્ટિનો વળાંક અનુભવે છે.આજ લગી જે કૃષ્ણની નિંદા કરતી હતી એજ ગોપી કૃષ્ણમય થઇને –સ્વયં કૃષ્ણ થઇને કૃષ્ણની દૃષ્ટિએ પોતાનો વિચાર કહે છે. ગોપીએ કૃષ્ણને ન કહેવાનું કહ્યું છે.,એટલે એ કઠોર હૃદયી છે, પણ કૃષ્ણએ ગોપીને છોડીને વિરહ અનુભવ્યો છે, એ વાતની પણ એમને પ્રતીતિ થઇ. જે ગોપીઓ કૃષ્ણના ચરણને સ્તન પર ધરવાનો આગ્રહ કરતી હતી એ ગોપી હવે સંકોચ અનુભવે છે . કૃષ્ણ પણ કદાચ અદૃશ્ય થયા તો એમણે પણગોપીદર્શનનુ6 સુખ ગુમાવ્યું છે.એમણે પણ વિરહ વેઠ્યો છે.વિરહના માર્યા વનમાં ઉઘાડે પગે ગાયની પાછળ ભમ્યાછે. આપણે જાણીએ છીએ કે રામે સીતાજીને વનવસ આપ્યો પણ રામે પણ પોતાના મહેલને વનવાસ જેવો કરી મૂક્યો હતો. ગોપી તો વિરહમાં અનેક ગોપીઓ સાથે સંકળાયેલી છે. અરસપરસ વિરહની વાત પણ કરી શકે એટલી સદભાગી છે. કૃષ્ણ તો સાવ એકલવાયા છે,એકલા અટૂલા છે,એમની પાસે ધેનુઓ સિવાય કોઇ નથી.દિવસને અંતે થાકેલા હશે ત્યારે પણ ગંગાસ્નાન જેવી ગોરજથી એ ફરી પાછા થોડી સ્ફૂર્તિ પામતા હશે. આ શ્લોકની વિશિષ્ટતા એ છે કે ગોપી પહેલીવાર કૃષ્ણની દૃષ્ટિએ પ્રેમનો વિચાર કરેછે. જ્યારે આપણે બીજાની દૃષ્ટિએ વિચારીએ છીએ ત્યારે આપણે બીજાને અને પોતાને પણ સમજી શકીએ છીએ આપણી દૃષ્ટિએ જે બીજા વિશે અનુભવીએ છીએ એ કેવળ એકાંગી હોયછે.સ્વલક્ષી હોયછે.સ્વલક્ષી અને પરલક્ષીનો મેળ મળેછે ત્યારે એ દર્શન એ સમજણ,સુખ અને શાંતિ આઓએ છે, અત્યારસુધી ગોપીએ પોતાની જ ભૂમિકા પર રહીને પોતાના દુઃખને ગાયું” સ્વયં કૃષ્ણ થયાપછી ગોપીકૃષ્ણની દૃષ્ટિએ પોતાની ભાવાવસ્થા જુએ છે. આપણા સુખનો નહીં પણ બીજાના સુખનો વિચાર કરીએ તો આપણું દુઃખ આપમેળે શમી જાય. ગોપી હવે સમજે છે કે કૃષ્ણનું અદૃશ્ય થવું એ પણ એક એની લીલાનો જ પ્રકાર છે.કામને જગાડનાર એ અને કામને શમાવનાર એ. ગોપી કૃષ્ણવિના રસનો અભાવ અનુભવતી હતી. કૃષ્ણ સ્વયં રસનું ઉદ્ બોધન છે.હવે ગોપીની ગતિ અને મતિ રાસ તરફ –મહારાસ તરફ છે. કૃષ્ણ અંતર્યામી તો હતા જ. પણ એ પરમ પ્રેમી છે,અને કોઇપણ પ્રેમીને મારા વિનાએ શું અનુભવે છે એ જાણવાની ઉત્કંઠા હોય એ સ્વાભાવિક છે. કાન્તની એક પંક્તિને
‘તને હું જોઉંછું ચંદા ,કહે તે એ જુએ છે કે?’
અહીં ગોપી અને કૃષ્ણ દ્વારા લૌકિક અને અલૌકિક પ્રેમની વાતને સમ-ભોગ અને સમન્વય છે.ગોપીઓ તો વિવિધ પ્રકારે સ્તુતિ કરતી રહી અને કૃષ્ણ દર્શન માટે પ્રલાપ કરતી રહી.આમ ગોપીગીતમાં સ્નેહનો સનેપાત,લાગણીનો લવારો, વિરહનો આલાપ અને વિલાપ,(વિરહનો ધખારો—આગ),ગીત અને સંગીત છે.અહીં રમ્ય અને દિવ્ય નો પણ સમન્વય છે, આસક્તિ અને ભક્તિ અને એમાંથી પ્રગટેલી સમજણ ભરી કરુણા છે. પેશનથી માંડીને કમ્પેશન સુધીની યાત્રા છે.વાસનામાંથી ઉપાસના તરફની ગતિ છે.અહીં પ્રેમની રહસ્યમયી ભાષા છે અને પ્રેમના અનેક રંગો અને ઝાંય છે. અહીં શૃંગાર છે અને વિરહનો સૂનકાર છે. આત્મામા મિલનની અત્યંત આત્મીય અને ગુપ્ત વાતો છે.પ્રેમ અને સૌંદર્ય છે,સચ્ચાઇ અને સદ્ ગુણ છે. મૈત્રીભાવે અને મૈત્રીદાવે અપાયેલા ઉપાલંભો છે.ભ્રમણાઓ અને વાસ્તવિકતા છે. પ્રેમ અને એકલતાછે. પ્રેમના સંકેતો છે. દ્વિધા અને ઇર્ષા છે.પ્રતિભાવ અને પ્રત્યાઘાત છે. પ્રેમનું પાગલપન છે.અમરપ્રેમનો અણસારો છે. પ્રેમનું રૂદન,કીર્તન અને નર્તન છે. ગોપીગીત એ વિરહનું સનાતન ગીત છે. હવે તો સર્વત્ર કૃષ્ણ છે:
હું તો લીલું ઝાડ,
ને એની એક જ મોસમ શ્યામ !
તમારું પાંદડે પાંદડે નામ
હું તો ઊંચો પ્હાડ
ને એને એક મનોરથ શ્યામ !
તમારું ઝરણે ઝરણે નામ.
હું તો (એક) નાની કેડી
એની ઝીણી ઝંખા શ્યામ !
તમારું પગલે પગલે નામ !
હું તો અમથું નામ
ને એની એક જ લગની શ્યામ !
કે મારું ભૂંસી નાખું નામ !

એની ગતિ મંદ છે. એ આક્રંદથી સભર છે.અહીં આંસુઓના સરોવરમાં ખીલેલું કૃષ્ણ કમળ છે. અઢાર શ્લોક સુધી એક જ ભાવ અત્યંત મંદરીતે ક્રમશઃ ગતિ કરે છે.ઓગણીસમા શ્લોકમાં વળાંક લે છે. એમાં સમજણ છે અને કરૂણા છે. કૃષ્ણ થયા પછીની કૃપા છે. કૃષ્ણને પામ્યા પછીની પરિતૃપ્તિ છે. હવે કોઇ રાવ –ફરિયાદ નથી,કોઇ માગણીઓ નથી. કેવળ સંતૃપ્ત લાગણી છે. ક્યારેક એમ લાગે કે અઢાર શ્લોક એટ્લે કે ગોપીના આંતરયુધ્ધ્ની અઢાર કાળી રાત છે. અને ઓગણીસમા શ્લોકની રાતે જાણે કે મધરાતે પ્રગટેલો સૂર્યનો ઉજાસ છે. આ સૂર્યનો ઉજાસ એટલે કૃષ્ણની આંખે પોતાને અને સમગ્ર જગતને જોવામાટે મળેલી દૃષ્ટિ. જે કોઇ જીવ અત્યંત ઉત્ક્ટતાથી અને નર્યા પ્રેમથી કૃષ્ણની પ્રતીક્ષા કરે એ ગોપી અને આ વિરહમાંથી પ્રગટેલું ગીત એ ગોપીગીત.
શ્રીકૃષ્ણઃ શરણં મમ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

Leave a comment

વાચકગણ
  • 776,290 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો