રામ-રાજ્યનો આદર્શ

KMB EKTREESS

શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત

 

પાના :98 થી 104 

રામ-રાજ્યનો આદર્શ 

ધ્રુવના જે રાજ્યને રામ-રાજ્ય તરીકે વર્ણવાય છે, તેવા રામ-રાજ્યના આદર્શને રજૂ કરતો એક કથાપ્રસંગ આ મુજબ છે:

અયોધ્યાના રાજમાર્ગો પર હર્ષોન્મત્ત હજારો પ્રજાજનોની વંદના ઝીલતાં રામ,લક્ષ્મણ અને જાનકી, ચૌદ વરસનો વનવાસ પૂરો કરીને, કિષ્કિન્ધાના અને લંકાના અતિથિઓ સાથે, રાજમહેલ પાસે આવી પહોંચે છે. રાજા અને પ્રજા વચ્ચેનો હૃદયસંબંધ જોઇને સુગ્રીવ અને વિભીષણ તો વિસ્મિત જ થઇ જાય છે. વિભીષણ સુગ્રીવને કહે છે:’અમારો રાવણ તો ભાગ્યે જ કદી નગરજનોની વચ્ચે ફરવા નીકળતો; અને કોઇ વખતે ના છૂટકે નીકળવું પડે તો….શસ્ત્રધારી અંગરક્ષકોની એક મોટી સેના સાથે જ રાખતો. અને પ્રજાજનો તો,રાવણ આવે છે એટલા સમાચારથી ભયભીય થઇને, પોતપોતાનાં ઘરમાં ઘૂસી જતા…. અને કોઇ રડ્યો-ખડ્યો જીવ બહાર રહી જતો તો તેને રાવણના સૈનિકો દંડૂકા મારી મારીને ત્યાં ને ત્યાં જ પૂરો કરી નાખતા !’

સુગ્રીવે જવાબ આપતા કહ્યું, ‘કિષ્કિન્ધામાં પણ  એ જ સ્થિતિ હતી, મહારાજ વિભિષણ ! પણ….રામરાજ્ય અને રાવણ રાજ વચ્ચે ફરક પણ આ જ છે ને—પહેલો અને પાયાનો. રામ-રાજ્ય એ પ્રજાનું રાજ્ય છે, જ્યારે રાવણરાજ કે વાલીરાજ, શસ્ત્રો અને સૈનિકોનું રાજ છે.’

વિભીષણ કહે છે :’હવે મને એક બીજી વાત પણ સમજાય છે, મહારાજ સુગ્રીવ !’

’કઇ ?’

‘પ્રભુ  આપણને અહીં લઇ આવ્યા તેની પાછળનો ભેદ.’

સુગ્રીવે માથું હલાવતાં કહ્યું,’રાજા અને પ્રજા વચ્ચે કેવો સ્નેહ-સંબંધ હોવો જોઇએ, તે પ્રભુ  આપણને પ્રત્યક્ષ બતાવવા માગતા હતા, ખરું ને ?મારું પણ એ જ માનવું છે. સુરાજ્યનો પાયો ગદા કે તલવાર નથી, તેમ કુબેરનો ભંડાર પણ નથી. જનતાની સ્વયંસ્ફુરિત પ્રીતિ  અને સંમતિ છે—એ સત્ય આપણને પ્રત્યક્ષ કરાવવા માગતા હતા.

વિભીષણ કહે :’મને તો લાગે છે, મહારાજ સુગ્રીવ, કેવળ સુરાજ્યનો જ નહિ, પણ સમગ્ર જીવનનો પાયો, માનવ-માનવ વચ્ચેના પારસ્પારિક પ્રેમ અને સહજ અને સ્વયંસ્ફુરિત સહકારમાં છે.’

સુગ્રીવ અને વિભીષણ આમ વાતો કરે છે એટલામાં રામની દૃષ્ટિ એમના પર પડતાં તે ત્યાં આવે છે અને બોલે છે :’લંકા-પતિ અને કિષ્કિન્ધાપતિ, છાની છાની શી ગુફતેગો કરી રહ્યા છે? અયોધ્યા વિરુદ્ધનું કોઇ કાવતરું તો નથી રચાઇ રહ્યું ને ?’

વિભીષણ ઉત્તાર વાળે છે, ‘કાવતરું જરૂર રચાઇ રહ્યું છે, પ્રભુ ! પણ તે લંકા અને કિષ્કિન્ધામાં સૈકાઓથી પ્રવર્તતી શાસનપ્રથાની હિંસામૂલક આપખુદી સામે !’

રામ કહે છે, ‘એ આપખુદી તો હવે ગઇ કાલની વાત થઇ ગઇ, મહાનુભાવો ! આપ બંની અભિષેકને સમયે પ્રતિજ્ઞા લીધી છે:

ન ત્વહં કામયે રાજ્યં ન સ્વર્ગં ન પુનર્ભવમ્

કામયે દુ:ખ્તપ્તાનાં પ્રાણિનામ્ આર્તિનાશનમ્

અહીંથી ગયા પછી એ પ્રતિજ્ઞા ભૂલી તો નથી જવાના ને ?

સુગ્રીવ: ‘પણ અહીંથી જવું જ છે કોને ?’

વિભીષણ :’મારી પણ એ જ ભાવના છે, ભગવન્. અમને અહીંજ આપની સેવામાં રહેવા દો અને અમારાં રાજ્યોનું સંચાલન અવધપુરીથી આપની છત્રછાયા નીચે થાય એવી વ્યવસ્થા કરી આપો.’

રામ:’ભારે પાકા છો, બેય. જવાબદારીમાંથી છટકી જવા માગો છો કેમ?’

સુગ્રીવ : ‘જવાબદારીમાંથી છટકવાનો આશય નથી, પ્રભુ ! આપના ચરણકમળ પાસેથી ખસવાનું મન નથી થતું.’ 

રામ: ‘એક વાત સમજી લો, મહારાજ સુગ્રીવ અને મહારાજ વિભીષણ ! માનવસેવા એ જ મારી ચરણોની સાચી સેવા છે. ભરતે ચૌદ વરસની મારી અનુપસ્થિતિ દરમ્યાન મારી પાદુકાઓના સાન્નિધ્યમાં તપ કરતાં કરતાં પ્રજાપાલન કર્યું, એનો આ જ મર્મ છે. માણસ જ્યાં બેસે છે, ત્યાં જ પ્રભુનાં ચરણો છે. જો એ સમજે તો એનું પ્રત્યેક આચરણ પ્રભુના ચરણની સેવા છે— જો એ આચરણની પાછળ નિષ્કામ પ્રેમ, વિશુદ્ધ ત્યાગ અને વિશ્વ-કલ્યાણની ભાવના હોય તો.’

————————————————————————————

32.પ્રકૃતિથી ક્રૂર એવા એ પાપાત્માનો નાશ  કરો

સાધારણ રીતે એમ મનાય છે કે આપણા પૂર્વજો, રાજઓને દેવાંશી ગણતા અને તેમના આદેશોને ઇશ્વરના આદેશો સમજતા. રાજા રામ, મર્યાદા પુરુષોત્તમ ગણાય છે અને એમનું રાજ્ય એક આદર્શ –રાજ્ય ગણાય છે.

આમ છતાં પણ  ભાગવતની અને એનાં પણ હજારો વર્ષ પૂર્વેની  મા વ:સ્તેન ઇશત—‘ તમારા ઘર કોઇ ચોરો-સ્તેન-નું શાસન ન ચાલે તેની તકેદારી રાખજો’ એવી વેદ-આજ્ઞા કોઇ જુદી જ વાત કહે છે. અહીં શાસકોને કોઇ દેવદત્ત અધિકારો નથી; એટલું જ નહિ, પણ સાક્ષાત દેવ, પ્રજાને આજ્ઞા આપે છે કે કોઇને પણ શાસક તરીકે સ્વીકારતા પહેલાં એની પ્રામાણિકતાની પૂરેપૂરી ચકાસણી કરજો.

ધ્રુવે ભગવાન શ્રીવિષ્ણુનાં દર્શન પામી, હજારો વર્ષ સુધી ધર્મ-રાજ્ય કર્યું પછી એના જ વંશ માટે ભાગવતને લખવું પડ્યું:

હન્યતાં હન્યાતામેષ: પાપ: પ્રકૃતિ દારૂણ:

જીવજ્જગદસાવાશુ કુરૂતે ભસ્માત્ ધ્રુવમ્

‘પ્ર્કૃતિથી ક્રૂર એવા એ પાપાત્માનો નાશ કરો, નાશ કરો; એ જીવતો રહેશે તો થોડી જ વારમાં આખા જગતને બાળીને ભસ્મ કરી નાખશે.’

———————————————————————-

વેન રાજા એટલે પાપનું પૂતળુ

રાજા પ્રજા માટે નથી; પણ  પ્રજા રાજા માટે છે, એમ તે માનતો. રાજા એટલે ધરતી ઉપરનો જીવતો જાગતો દેહધારી દેવાધિદેવ.એની પૂજા,એની ઉપાસના એ જ પ્રજાનું પરમ કર્તવ્ય, પરમ ધર્મ ! ધર્મને વશ વર્તે  તે રાજા નહિ; પરંતુ રાજા ઇચ્છે તે ધર્મ, એવી વેનની સમજ હતી.

આવા અત્યાચારી રાજાની પ્રજા થોડા જ વખતમાં  તોબાહ પોકારી જાય એમાં નવાઇ શી ?

પ્રજાના આગેવાનો અને ઋષિઓ રાજા વેનને સમજાવવા ગયા.

‘તારા હાથે ધર્મનો લોપ થઇ રહ્યો છે તાત, એ યોગ્ય નથી. તારા અધર્માચરણથી પ્રજાનું શોષણ થઇ રહ્યું છે; પણ જતે દહાડે એને પરિણામે સહન કરવાનું તો તારે જ આવશે. પ્રજા એ જ તારું મોટામાં મોટો આશ્રય છે. એનો નાશ કરીને તું ક્યાં સુધી જીવી શકીશ?

પણ વેન જેનું નામ ! ઋષિઓને જ સામેથી શિખામણ આપવા માંડી :’તમે બાલિશ છો ! અધર્મમાં માનનારા છો; સાચા પતિની ઉપાસના છોડી જાર પાછળ ઘેલા થનારા છો. અરે, તમારા જ શાસ્ત્રોમાં કહ્યું નથી કે સર્વદેવમયો નૃપ:

 જાઓ, બેવકૂફ ! પ્રજાને આ પરમ સત્ય સમજાવો. એમને કહો કે ધર્મ અને ઇશ્વરનાં ધતિંગ છોડીને, સૌ મનવચન કર્મથી વેનને શરણે જાઓ ! વેનને ભજો, વેન સૌની ભક્તિનો આરાધ્ય ભગવાન છે; વેન જ સૌના યજ્ઞબલિનો અધિકારી છે અને વેન  જ સૌની તપશ્ચર્યાનું અંતિમ લક્ષ્ય છે !’

ઋષિઓ-પ્રજાના આગેવાનો વિષાદપૂર્ણ બની પ્રજા પાસે પાછા ફર્યા અને વેનનું  જનગણમંગલવિનાશક  શાસનચક્ર સહસ્ત્ર ગણા વેગથી વીંઝાવા માંડ્યું.

પ્રજા જ્યાં લગી ધર્મ-અધર્મનાં ચૂંથણાં કરતી હોય, ત્યાં લગી આપખુદીનું આયુષ્ય કેટલું ? પ્રજાના હાથપગની સાથે, પ્રભુની જીભને પણ કાપી નાખવી જોઇએ…. જો વેન રાજાઓએ જીવવું હોય અને મોજ માણવી હોય તો.

અત્યારના સરમુખત્યારો આ વેન આદિના વંશજો છે. ‘જગતની સંપત્તિ માત્ર મારા માટે છે, ‘ એવા સર્વભક્ષી અસુર-અભિલાષનો એ પુરાતન પ્રતિનિધિ. વેનનું રાજ્ય, એટલે વટહુકમોનું, દમનનું, દંડનું, પશુબળનું રાજ્ય.

હિંસાનું વાવેતાર કરનારને આખરે તો વાવ્યા કરતાં સો ગણી હિંસા જ લણવી પડે છે ! દમનની એક ખાસિયત છે: લોકોની સહિષ્ણુતા ઉપર  કમાન છટકી જાય ત્યાં સુધી એ ભાર લાદ્યે જાય.

આખરે વેનની પ્રજાની ધીરજનો અંત આવ્યો. વેનની પ્રષુપ્ત માનવતા કોઇ કાળે જાગી ઊઠશે, એવી પ્રજાહ્રદયની ઉદાર આશાનો ઝાંખો દીપક પણ આખરે હોલવાઇ ગયો. એને નિભાવી લેવામાં સૌને આત્માની સંસ્કૃતિ દ્રોહ લાગ્યો.

અને આત્માર્થે સર્વ ત્યજેત્ .

 એ સનાતન નિયમને અનુસરી પ્રજાએ વિપ્લવનો નાદ ગાજતો કર્યો. ‘પ્રકૃતિથી ક્રૂર એવા એ પાપાત્માનો નાશ કરો.’ એ સૂત્ર બંડખોર પ્રજાની જીભ ઉપર રમતું થઇ ગયું.

કથા કહે છે કે, ‘અચ્યુતની-ભગવાનની—ધર્મની નિંદાના કારણે  જ જે મરેલો હતો, એવા ઋષિઓએ હુંકાર માત્રથી મારી નાખ્યો.’

અને મૃત વેનના અસ્થિપિંજર માંથી પૃથુ નામના એક રાજર્ષિનું સર્જન કર્યું… જે પૃથુએ, પ્રજાકલ્યાણને નજરે રાખીને, ધરતીને બહુ જ રસાળ અને ફળવતી બનાવી…

સંભવ છે કે પોતાની સામેના રોષથી સંગઠિત બનેલી પ્રજાના વિપ્લવનાદથી ગભરાઇને જ વેને ગાદીત્યાગ કર્યો હોય અને એના ખાલી પડેલા સિંહાસન ઉપર પ્રજાએ એના વંશમાંથી કોઇ બીજાને પસંદ કરીને ગાદીએ બેસાડ્યો હોય….

પણ રાજદ્રોહને એક મહાપાતક તરીકે ગણાવનાર હિંદુ ધર્મશાસ્ત્રોમાં ‘રાજદ્રોહ અને રાજહત્યા’ સુદ્ધાંની આ પ્રતિષ્ઠા નોંધવા જેવી છે.

શા માટે ? આવા રાજાઓ અધશંશી એટલે કે પાપની પ્રસંશા કરનારા હોય છે. પાયાનાં સત્યોને ઠોકરે મારીને  તેઓ, પ્રચારને  જોરે, અસત્યોની પ્રતિષ્ઠા કરે છે. વાસ્તવદર્શી વ્યવહારુ ડહાપણને નામે સંયમ અને બ્રહ્મચર્યને હસી કાઢીને તેઓ મુક્ત ભોગ અને અબ્રહ્મચર્યની પર્તિષ્ઠા કરે છે; રાષ્ટ્રીય સંરક્ષણને નામે હિંસા અને ભયની પ્રતિષ્ઠા કરે છે; રાજનીતિને નામે કુટિલતા અને જૂઠની પ્રતિષ્ઠા કરે છે. ટૂંકામાં, કુરાજ્ય એ કેવલ ભૌતિક આપત્તિ નથી, નૈત્તિક આપત્તિ પણ છે; અને માટે જ કુરાજ્યની સામે અખંડ ઝુંબેશ ચલાવવાની વ્યક્તિની નૈતિક અધ:પતનમાં જ પરિણમે.

અને એક બીજી વાત, ધર્મની સ્થાપના અર્થે શ્રી વિષ્ણુએ જે જે અવતારો લીધા છે, તે બધા જ કોઇને કોઇ સ્તેનશાસનને ઉખેડી નાખવા માટે જ નહોતા શું ? ઇતિહાસનું દર્શન આ દૃષ્ટિએ કરવા જેવું છે.

નોંધ: શ્રીમદ્ ભાગવત  નો પહેલો ભાગ અહીં પૂરો થાય છે.

  

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in શીમદ્ ભાગવત

Leave a comment

વાચકગણ
  • 783,841 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો