KAHEVATO
કહેવતોની સ્મરણિકા
(સંપાદક: મહેન્દ્ર મેઘાણી/ગોપાલ મેઘાણી/લોકમિલાપ-ભાવનગર)
સંપાદકોનું નિવેદન
લાંબા કાળના પોતાના અનુભવના નિચોડ સમાં ચોટદાર ટૂંકાં ટૂંકાં વાક્યોને જગતભરની પ્રજાઓ કહીવતો રૂપે પોતાની અનુગામી પેઢીઓને વારસામાં આપતી આવેલી છે. ગુજરાતી ભાષામાં પણ એવી હજારો કહેવતોનો વારસો ઊતરી આવેલો છે. તેમાંથી થોડીક વીણીને અહીં કક્કાવાર મૂકી છે.
વીસમી સદીના છેક આરંભે જમશેદજી નસરવાનજી પિતીતે 500-500 પાનાંના બે ભાગમાં મળીને 12,000થી વધુ કહેવતોનો સંગ્રહ ‘કહેવતમાળા’ નામે પ્રગટ કરેલો, તે ગુજરાતીમાં આ વિષયનો સર્વોત્તમ ગ્રંથ ગણાય છે. તેમાં ગુજરાતીની સમાનાર્થી દેશવિદેશની અનેક ભાષાઓની કહેવતોનો પણ સમાવેશ થયેલો છે. અને કહેવતો વિશે 100 પાનાંનો વિસ્તૃત નિબંધ આપેલો છે. તે પછી આશારામ દલીચંદ શાહે 1911માં ‘ગુજરાતી કહેવતસંગ્રહ’માં હજારો કહેવતો વિષયવાર વર્ગીકરણ કરીને આપી. મુખ્યત્વે એ બે પુસ્તકોમાંથી આજના યુગમાં પણ આપણી નવી પેઢીના હોઠ પર રમતી રાખવા જેવી લાગી તેવી થોડી કહેવતો અહીં મૂકેલી છે.
4
*અતિશે તાણ્યે તૂટી જાય.
*અધૂરો ઘડો છલકાય.
*અન્ન તેવો ઓડકાર.
*અન્ન પારકું, પણ પેટ કાંઈ પારકું?
*અંધા આગળ આરસી ને બહેરા અગળ શંખ.
*અંધારે ખાય, પણ કોળિયો નાકમાં ન જાય.
*અંબાડીએ ચડીને છાણાં ન વિણાય.
*આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય.
*આથમ્યા પછી અસૂરું શું?
*આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.
*આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા.
*આપ સમાન બળ નહીં.
5
*આભને બાથ ન ભરાય.
*આભ ફાટ્યું ત્યાં થીગડું ક્યાં દેવું?
*આંખનું આંજણ કાંઈ ગાલે ઘસાય ?
*આંગળાં ચાટ્યે પેટ ન ભરાય.
*ઉકરડાને વધતાં વાર નહીં.
*ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
*ઉતાવળે આંબા પાકે નહીં.
*ઉલેચ્યે અંધારું ન જાય.
*ઊગતાને સૌ પૂજે.
*ઊજળું એટલું દૂધ નહીં.
*ઊંઘ ન જુએ સાથરો ને ભૂખ ન જુએ ભાખરો.
*ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો.
6
*એકડા વગરના મીંડાં.
*એક મ્યાનમાં બે તલવાર ન સમાય.
*એક હાથે તાળી ન પડે.
*એરણની ચોરી ને સોયનું દાન.
*એવું તે શું રળીએ કે દીવો બાળીને દળીએ ?
*કડવું ઓસડ મા પાય.
*કમળો હોય તેને પીળું જ દેખાય.
*કરમીની જીભ ને અકરમીના ટાંટિયા.
*કરવો દાવો ને થવું બાવો.
*કર્યું તે કામ.
*કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.
*કાગનું બેસવું ને તાડનું પડવું.
7
*કાજી દૂબલે ક્યું? –સારે ગાંવકી ફિકર.
*કામ કર્યાં તેણે કામણ કર્યાં.
*કાંકરે કાંકરે પાળ બંધાય.
*કિસીકા બેલ, કિસીકી વેલ્ય, બંદેકા ડચકારા.
*કુમળી ડાળ વાળીએ તેમ વળે.
*કૂવામાં હોય તો હવાડામાં આવે.
*કોઠી ધોયે કાદવ નીકળે.
*કોલસાની દલાલીમાં હાથ કાળા.
*ખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું?
*ખાટલે મોટી ખોડ કે પાયો જ નહીં.
*ખાણિયામાં માથું ને ધમકારાથી બીવું શું?
*ખારા જળનું માછલું તે મીઠા જળમાં મરે.
8
*ખાળે દાટા ને દરવાજા મોકળા.
*ખેપ હાર્યા—કાંઈ ભવ નથી હાર્યા.
*ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.
*ગધેડાની સાથે ઘોડું બાંધ્યું , ભૂંક્યું નહીં પણ આળોટતાં શીખ્યું.
*ગધેડાં ચાલે બાર ગાઉ તો કુંભાર ચાલે ચૌદ ગાઉ.
*ગરજ સરી એટલે વૈદ વેરી.
*ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.
*ગાજ્યા મેઘ વરસે નહીં.
*ગાડા તળે કૂતરું તે જાણે, બધો ભાર હું તાણું છું.
*ગાડું દેખી ગૂડા ભાંગે.
*ગામને મોઢે ગરણું ન બંધાય.
*ગામ હોય ત્યાં ઉકરડો હોય.
9
*ગાય દોહીને કૂતરીને પવાય નહીં.
*ગાંડાનાં તે કાંઈ ગામ વસતાં હશે?
*ગોર પરણાવી દે, કાંઈ ઘર ન માંડી દે.
*ગોળ ખાય તે ચોકડાં ખમે.
*ગોળ નાખીએ એટલું ગળ્યું થાય.
*ઘડીની નવરાશ નહીં ને પાઈની પેદાશ નહીં.
*ઘરડી ઘોડીને લાલ લગામ.
*ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.
*ઘરનાં દાઝ્યાં વનમાં ગયાં, તો વનમાં લાગી લાય.
* ઘરે જ ગંગા ને ફળીમાં જ જાત્રા.
*ઘંટીને ઘઉં ને બંટી બેઉ સરખાં.
*ઘાણીનો બળદ ઠેરનો ઠેર.
10
*ઘાંચીને લૂગડે ડાઘ નહીં.
*ઘી ઢોળાયું, તો ખીચડીમાં ને !
*ઘેર ઘેર માટાના ચૂલા.
*ચકલી નાની ને ફરકડો મોટો.
*ચતૂરકી ચાર ઘડી, મૂરખકા જન્મારા.
*ચાક પર પિંડો—ગોળો ઊતરે કે ગાગર.
*ચાલતા બળદને આર શીદ ઘોંચવી ?
*ચાળણીમાં પાણી ન ભરાય.
*ચીભડાંના ચોરને ફાંસીની સજા !
*ચોર કોટવાળને દંડે !
*ચોરનો ભાઈ ગંઠીચોર.
*છગન-મગન બે સોનાના ને ગામના છોકરા ગારાના !
11
*છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય.
*છાશ લેવા જવું ને દોણી શીદ સંતાડવી ?
*છીંડે ચડ્યો તે ચોર.
*જબાન હાર્યો તે જનમ હાર્યો.
*જર, જમીન ને જોરુ; એ ત્રણ કજિયાનાં છોરુ.
*જવું જગન્નાથ ને થાક્યા પાદરમાંથી.
*જાગ્યા ત્યાંથી સવાર.
*જુવાનીનું રળ્યું ને રાતનું દળ્યું.
*જૂતિયાં ખાઈ-પર મખમલકી થી !
*જે કોદરે કાળ ઊતર્યા, તે કોદરે હવે મીણા ચડ્યા !
*જે ગમ જવું નહીં, તેનો મારગ શીદને પૂછવો ?
*જે છાજે તે છાજે, કાંઈ ગધેડા ઉપર નોબત બાજે ?
12
*જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ !
*જેને ગાડે બેસે તેનાં ગીત ગાય.
*જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં.
*જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
*જે મોઢે પાન ચાવ્યાં તે મોઢે કોયલા ચવાય નહીં.
*ઝાઝા હાથ રળિયામણા.
*ઝાઝી કીડીઓ સાપને તાણે.
*ઝાઝી વાતનાં ગાડાં ભરાય.
*ઝાઝી સુયાણીએ વેતર વંઠે.
*ઝીણો પણ રાઈનો દાણો.
*ટકાની તોલડી તેર વાનાં માગે.
*ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં.
13
*ટપટપનું કામ છે કે મંમંનું ?
*ટીપે ટીપે સરોવર ભરાય.
*ડાહી સાસરે જાય નહીં ને ઘેલીને શિખામણ દે.
*ડાહ્યો ભૂલે ત્યારે ભીંત ભૂલે.
*ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે.
*ડુંગરા દૂરથી રળિયામણા.
*ડૂબતો નર તરણું ઝાલે.
*તમાસાને તેડું નહીં.
*તરત દાન ને મહાપુણ્ય.
*તીરથે સૌ મુંડાય.
*તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં.
14
*તેરે માગણ બહોત, તો મેરે ભૂપ અનેક.
*ત્રેવડ ત્રીજો ભાઈ.
*થઈને રહીએ તો પોતાનાં કરી લઈએ.
*થૂંક્યું ગળાય નહીં.
*થોરે કેળાં પાકે નહીં.
*દલાલે દેવાળું નહીં ને મસીદે ખાતર નહીં.
*દાઝ્યા ઉપરડામ ને પડ્યા ઉપર પાટુ.
*દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી.
*દિગંબરનું ગામ, ત્યાં ધોબીનું શું કામ?
*દીવા તળે અંધારું.
*દુકાળમાં અધિક માસ.
*દુખનું ઓસડ દહાડા.
15
*દુખે પેટને કૂટે માથુ.
*દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ.
*દૂઝણી ગાયની પાટુ પણ ખાવી પડે.
*દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ.
*દૂબળા ઢોરને બગાઈ ઝાઝી.
*દેખવું નહીં ને દાઝવું નહીં.
*દેવું ત્યારે વાયદો શો ?
*દેશ તેવો વેશ.
*દોઢ વાંક વગર કજિયો થાય નહીં.
*ધણીની એક નજર, ચોરની ચાર.
*ધણીને કહેશે ધા ને ચોરને કહેશે નાસ.
*ધરતીનો છેડો ઘર.
16
*ધરમ કરતાં ધાડ થઈ.
*ધરમના કામમાં ઢીલ નહીં.
*ધરમની ગાયના દાંત શા જોવા ?
*ધીરજનાં ફળ મીઠાં.
*ધોકે મારીને ધરમ કરાવાય નહીં.
*ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો.
*નકલમાં અકલ નહીં.
*નગારખાનામાં પિપૂડીનો અવાજ ક્યાં સંભળાય ?
*ન બોલ્યામાં નવ ગુણ.
*નમે તે સૌને ગમે.
*નવરો બેઠો નખ્ખોદ વાળે.
*નવ્વાણું ઓસડ, સોમું ઓસડ નહીં.
17
*નહીં મામા કરતાં કહેણો (કાણો) મામો સારો.
*નાક વાઢીને અપશુકન કરાવ્યું.
*નાગાને લૂંટાયાનો ભો શો?
*નાહ્યા તેટલું પુણ્ય.
*નેવનાં પાણી મોભે ન ચડે.
*નેળનાં ગાડાં નેળમાં ન રહે.
*પગ તળે તે જુએ નહીં, ને લંકા ઓલવવા જાય !
*પટોળે પડી ભાત, ફાટે પણ ફીટે નહીં.
*પરણ્યા નહીં હોઈએ, પણ જાનમાં તો ગયા હશુંને !
*પરાણે પ્રીત થાય નહીં.
*પહેલું સુખ તે જાતે નર્યા.
*પહેલો સગો પાડોશી.
18
*પંચ બોલે તે પરમેશ્વર.
*પાઈની પેદાશ નહીં, ને ઘડીની નવરાશ નહીં.
*પાકે ઘડે કાંઠા ન ચડે.
*પાઘડીનો વળ છેડે.
*પાડાને વાંકે પખાલીને ડામ.
*પાડે પાડા લડે ને ઝાડનો ખો.
*પાણી પહેલાં પાળ બાંધવી.
*પાણીમાં રહેવું ને મગરથી વેર ?
*પાણી વલોવ્યે માખણ ન નીકળે.
*પારકાં છોકરાંને જતિ કરવાં !
*પારકી આશ સદા નિરાશ.
*પારકી મા કાન વીંધે.
19
*પારકે ભાણે લાડવો મોટો.
*પાંચેય આંગળી સરખી ન હોય.
*પીળું એટલું સોનું નહીં.
*પુત્રના લક્ષણ પારણામાંથી.
*પૂછતાં પૂછતાં લંકા જવાય.
*પેટનો બળ્યો ગામ બાળે.
*પોદળો પડ્યો તે ધૂળ લઈને ઊખડે.
*ફરે તે ચરે.
*બકરાંના વાડા હોય, સિંહના નહીં.
*બકરું કાઢતાં ઊંટ પેઠું.
*બધે સરખા બપોર.
20
*બહુ દુખિયાને દુખ નહીં, બહુ રુણિયાને રુણ નહીં.
*બહુ બોલે તે બોળે.
*બહુ ભૂખ્યા બે હાથે ખવાય નહીં.
*બહેરો બે વાર હસે.
*બળિયાના બે ભાગ.
*બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
*બાર ગાઉએ બોલી બદલાય.
*બાંધી મૂઠી લાખની.
*બાંધે તેની તરવાર ને ગા વાળે ઈ અરજણ.
*બુંદકી બિગડી હોજસે સુધરે નહીં.
*બે ઘરનો પરોણો ભૂખે મરે.
*બેઠાની ડાળ કાપવી નહીં.
21
*બોલે તેનાં બોર વેચાય.
*બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે થાય.
*ભજે તેના ભગવાન, પાળે તેનો ધરમ.
*ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય.
*ભણે તેની વિદ્યા.
*ભણ્યો ભૂલે ને તારો ડૂબે.
*ભાવતું હતું ને વૈદે કીધું.
*ભીખનાં હાંડલાં શીંકે ચડે નહીં.
*ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.
*ભેંસ આગળ ભાગવત.
*ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ.
*ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડી દેડકાં બિચારાં ઓવાળે ચડે.
22
*મખમલની મોજડી માથે ન પહેરાય.
*મણનું માથું જજો, પણ નવટાંકનું નાક ન જશો.
*મન ચંગા તો કથરોટમાં ગંગા
*મન હોય તો માળવે જવાય.
*મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા.
*મનોરથ માંધાતાના, કરમ કઠિયારાનાં.
*મરનારને ઊંચકનારની શ્વે ફિકર ?
*મરવું એમાં મુહરત શું?
*મસાણ ગયાં મડદાં પાછાં ન આવે.
*મહાદેવના ગુણ ઉમિયા જાણે.
*માગ્યા ઘીનાંચૂરમાં ન થાય.
*માગ્યા વિના માયે ન પીરએ.
23
*માથુ6 કાપીને પાઘડી બંધાવવી.
*માથું મુંડાવ્યે જતિ નહીં ને ઘૂમટો તાણ્યે સતી નહીં.
*માથું વાઢીને ઓશીકે મૂકીએ, તોય કહેશે કે ખૂંચે છે.
*માથું સોંપ્યા પછી નાક-કાનની અધીર શી?
*માની ગાળ ને ઘીની નાળ.
*માલ લૂંટી ગયા, પણ ભરતિયું મારી પાસે છે !
*મિયાં પડ્યા, પણ ટંગડી ઊંચી.
*મીઠા ઝાડનાં મૂળ ન ખોદાય.
*મુખમેં રામ, બગલમેં છૂરી.
*મુલતવી રાખવાનાં માઠાં ફળ.
*મૂઆ પહેલી મોકાણ શી ?
*મૂઈ ભેંસના મોટા ડોળા.
24
*મૂઠી વાવે ને ગાડું લાવે.
*મૂરખને માથે શિંગડાં ન હોય.
*મેશથી કાળું કલંક.
*મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે.
*મોર પીંછે રળિયામણો.
*મોસાળમાં વિવાહ ને મા પીરસણે.
*યથા રાજા તથા પ્રજા.
*રંગનાં કૂંડાં ન હોય, ચટકાં હોય.
*રાજાને ગમી તે રાની, છાણાં વીણતી આણી.
*રાત થોડી ને વેશ ઝાઝા.
*રામનામે પથરા તરે.
*રુણ નહીં તે રાજા.
25
*રોગ આવે ઘોડાવેગે ને જાય કીડીવેગે.
*રોજ મરે તેને કોન રુવે ?
*રોતો જાય તે મૂવાની ખબર લાવે.
*લક્કડકે લાડુ: ખાયગા વો પસ્તાયેગા, નહીં ખાયગા વો ભી પસ્તાયેગા.
*લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.
*લખાણું તે વંચાણું.
*લપસ્યા તોયે ગંગામાં.
*લાખની પાણ.
*લાગ્યું તો તીર, નહીંતર તુક્કો.
*લાપસી જીભે પીરસવી ત્યારે મોળી શી પીરસવી ?
*લૂંટાયા પછી ભો શો?
*લોભિયા વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે.
26
*વખાણી ખીચડી દાંતે વળગી.
*વગર બોલાવ્યું બોલે તે તણખલાની તોલે.
*વટેમારગુની દયા જાણે તો વરસાદને વરસવાની વેળા ન જ આવે.
*વર મરો, કન્યા મરો; ગોરનું તરભાણું ભરો.
*વળે તે ભાંગે નહીં.
*વા જોઈને વહાણ હંકારવું.
*વાડ ચીભડાંને ગળે.
*વાડ વિના વેલો ન ચડે.
*વાધરી સારુ ભેંસ મરાતી હશે ?
*વાર્યા ન વળે ને હાર્તા વળે.
*વાવે તેવું લણે.
*વાસીદામાં સાંબેલું ગયુ6 !
*વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
27
*વિશ્વાસે વહાણ ચાલે.
*વેળુ પીલ્યે તેલ ન નીકળે.
*વૈદ—ગાંધીનું સહિયારું.
*વ્યાજમાં ડૂબે રાજ.
*શિયાળ તાણે સીમ ભણી, કૂતરું તાણે ગામ ભણી.
*શિર સલામત તો પઘડિયાં બહોત.
*શૂરા આચારે, તો વેરી ઘા વખાણે.
*શૂળીનું દુખ શૂળથી ટળ્યું.
*શેઠની શિખામણ ઝાંપા સુધી.
*શેરડી વાંસે એરડી.
*શેરને માથે સવાશેર.
*સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
28
*સબસે બડી ચૂપ.
*સંગ તેવો રંગ.
*સંઘર્યો સાપ પણ કામ આવે.
*સંપ ત્યાં જંપ.
*સાચને નહીં આંચ.
*સાજાં ખાય અન્ન ને માંદા કાય ધન.
*સાત સાંધે ત્યાં તેર તૂટે.
*સાપ ગયા ને લિસોટા રહ્યા.
*સામો થાય આગ, ત્યારે આપણે થઈએ પાણી.
*સાંભળ્યાનો સંતાપ ને દીઠાનું ઝેર.
*સિંહ ભૂખે મરે પણ ખડ ન ખાય.
*સીંદરી બળે પણ વળ ન મૂકે.
29
*સુતારનું મન બાવળિયે.
*સૂકા ભેગું લીલું બળે.
*સૂતો સાપ જગાડવો નહીં.
*સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે ?
*સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો પોતાની આંખમાં પડે.
*સૂંઠને ગાંગડે ગાંધી થવાય નહીં.
*સો જજો, પણસોનો પાલનહાર ન જજો.
*સો દહાડા સાસુના, તો એક દહાડો વહુનો.
*સોના કરતાં ઘડામણ મોંઘું.
*સો સો ચૂહા મારકે બિલ્લી ચલી હજકો.
*સોનાની કટારી કેડમાં બંધાય, કાંઈ પેટમાં ખોસાય ?
*સોનાની થાળીમાં લોઢાની મેખ.
*સોનામાં સુગંધ ભળી.
30
*સૌનો હાથ મોં ભણી વળે.
*હાથ-કંકણને આરસી શું?
*હાથનાં કર્યાં હૈયે વાગે.
*હાથીના દાંત ચાવવાના જુદા ને દેખાડવાના જુદા.
*હાર્યો જુગારી બમણું રમે.
*હિસાબ કોડીનો, બક્ષિસ લાખની.
*હિંમતે મરદા તો મદદે ખુદા.
*હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો.
*હું રાણી, તું રાણી, ત્યાં કોણ ભરે બેડે પાણી ?
*હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા.
*હૈયે તેવું હોઠે.
*હોઠ સાજાતો ઉત્તર ઝાઝા.
*હોય તો ઈદ, ન હોય તો રોજા.
***********************************
એક કહેવત મને યાદ આવી
માથા ગૂંથ્યા માથે પડ્યા
[…] Bk bela પર કહેવતોની સ્મરણિકા […]
ખુબ સરસ વિવરણ….મારી પાસે પણ ૭૨ જેટલા પુસ્તકો કહેવત પર છે….જેને જોઈતા હોય તે સંપર્ક કરે. ૮૩૬૯૧૨૩૯૩૫
harshad30@hotmail.com