GH-9
એક ઘડી, આધી ઘડી… /સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન
સત્સંગ
એક નાનકડો છોકરો દવાની દુકાનમાં ગયો, ત્યાંથી તેણે એક ખાલી ખોખું લીધું અને તેના પર ચડી ફોન જોડ્યો. દુકાનનો માલિક તેની વાત સાંભળવા લાગ્યો. છોકરાએ પૂછ્યું: ‘ મેડમ, શું તમે મને તમારા વાડામાં ઘાસ કાપવાનું સોંપશો? ’સામેથી સ્ત્રી બોલી: ‘ મારે ત્યાં એક જણ આવે જ છે ’છોકરો કહે: ‘હું એનાથી અડધા ભાવમાં કાપી આપીશ. ’પેલી સ્ત્રી કહે ‘પણ મને જે આવે છે તેના કામથી સંતોષ છે.’ છોકરામાં ખૂબ ધીરજ હતી. કહે: ‘મેડમ, ઘાસ કાપવાની સાથે હું કચરા—પોતા પણ કરી આપીશ. ’ પણ પેલી સ્ત્રી કહે: ‘ના, મારે હમણાં જરૂર નથી.’ છોકરાએ સ્મિત સાથે ફોન મૂકી દીધો. દુકાનદારે આ બધી વાત સાંભળેલી. તે નાનકડા છોકરાને કહે: ‘બેટા, અહીં મારી પાસે રહી જા, મારે તારા જેવા ઉત્સાહી છોકરાની જરૂર છે.’છોકરો કહે: ‘ના સાહેબ, આપનો આભાર. આ તો હું મારા કામ વિશે મારી માલકણ શું વિચારે છે તે જાણવા પ્રયત્ન કરતો હતો ! ’
*******
સુરતા
એક આવ્યું એવું અજવાળું જી,
એને કેમ કરી સંભાળું જી ?
તરતું સરતું ઝરતું નીકળ્યું, ભવમાં એ ભટકાણું જી,
ક્યાંથી સરકવું, જ્યોતિ મલકવું, ઘરમાં ક્યાંય ભરાણું જી ?
એક આવ્યું એવું અજવાળું જી,
એને કેમ કરી સંભાળું જી ?
–ચંદ્રવદન મહેતા
****
સુવર્ણપ્રાશ
કરજવંત તે ગરજવંત !
*****
ઉધારે ઉકરડો થાય, ઉઘરાણીમાં ઊંઘ જાય !
*****
કોઈપણ જાતના નડતર વગરનો રસ્તો તમે શોધી
શકો તો કદાચ એ ક્યાંય નહીં જાતો હોય.
*****
સંભાર
ક્ષણે ક્ષણે નવી ગતિ, કદી ન થાકવું હજો,
જિવાય એમ જેમ કોઈ તીર તાકવું હજો.
વને વને સુગંધ વેરતો પવન વહ્યા કરે,
તમે જીવો તો આસપાસ એમ લાગવું હજો.
–બંકિમ રાવલ
*****
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત,
તો જાણત અંધારું શી ચીજ છે?
–અનિલ જોષી
*****
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લીપગ, મરણની એ જ તો તકલીફ છે !
******
યૂં હી કામ દુનિયા કા ચલતા રહા હૈ,
દિયે સે દિયા યૂંહી જલતા રહા હૈ
******
સન્મતિ
——————————————————
પુરાણા વિદ્વાન સિબેલિયસે બહુ સરસ વાત કરી છે. કોઈ ટીકાકાર તમારી ટીકા કરે તેના ઉપર બહુ ધ્યાન ન આપો,કારણ કે આ જગતમાં કી ટીકાકારના માનમાં બાવલું ઊભું કરાયું નથી ! સાહિત્યકાર સ્વિફટ કહે છે કે તમે લોકપ્રિય બનો, સારા થાઓ તો ટેક્સરૂપે ટીકા સહન કરવી જ પડે.આર્થર ગિટારમેને કહેલું કે કોઈ તમારા ઉપર ટીકાનાં પથ્થરો ફેંકે તો એ પથ્થરો વડે તમે ઈમારત ચણજો. તમારા ચારિત્રયની ઈમારતને વધુ મજબૂત કરજો. કેટલાકને ઊંચો હોદ્દોકે મોટી જવાબદારી મળે છે ત્યારે સ્વીકારતા નથી, તેમને નિષ્ફળ જવાનો ડર લાગે છે, ટીકાનો ડર લાગે છે. સલામતીના કવચમાં જીવતા રહીને કોઈ જ તમારી વાતો ન કરે તેના કરતાં તમે કંઈક સારું સાહસ કરો અને ભલે પછી તેમાં નિષ્ફળ જાઓ અને લોકો વાતો કરે તે સ્થિતિ વધુ સારી છે. પ્રશંસા પામનારે ટીકાને પણ સહન કરવી જોઈએ.
–પ્રિયકાન્ત
*****
સમુલ્લાસ
———————————————————-
એક પત્રકાર સ્વર્ગમાં ગયો. દ્વારપાળે કહ્યું: ‘ ક્ષમા કરજો, અમારો ક્વોટા પૂરો થઈ ગયો છે. બાર પત્રકારથી વધારે અમે અંદર લેતા નથી. કારણ અહીં પત્રકારોની ખાસ જરૂર નથી. ખાસ કોઈ એવી ઘટના જ બનતી નથી જે સમાચાર ગણાય ! સામે નરકનો દરવાજો છે, ત્યાં જતા રહો. ત્યાં ઘણાં અખબાર નીકળે છે, ત્યાં સમાચાર જ સમાચાર છે. બધા રાજનેતાઓ પણ ત્યાં છે.’ દ્વારપાળે બહુ સમજાવ્યો પણ પત્રકાર ન માન્યો. કહે: ‘મને ચોવીસ કલાક અંદર જવા દો, જો હું એક પત્રકારને નરકમાં જવા તૈયાર કરી શકું તો મને એ જગ્યાએ રાખજો.’ દ્વારપાળે જવા દીધો. થોડા કલાકોમાં જ એવી અફવા ઊડી કે નરકમાં એક નવું અખબાર નીકળી રહ્યું છે. મોટો પગાર છે અને મુખ્ય સંપાદક, ઉપસંપાદક, પત્રકારોની જરૂર છે. પગાર અને અન્ય લાભો ઊંચા મળશે.’ચોવીસ કલાક પછી જ્યારે એ બહાર નીકળવા પાછો આવ્યો ત્યારે દ્વારપાળે તેને રોક્યો અને કહે: ‘અંદર જ રહેજો. કારણ કે બાકીના બારેય ભાગી ગયા છે અને અમારે એકાદ તો રાખવો જ પડે. ’
*****
સમયને છેતરવાનો એક જ માર્ગ છે—આજે નવા વિચારો અપનાવો.
એને લીધે જ તમારો ચહેરો ચમકશે. સમયના ઘડિયાળને કાંટા કે આંકડા નથી. માત્ર એક જ શબ્દ છે: આજ. તમે વિચારી જોશો તો જણાશે કે તમારી સૌથી વધુ સુખદ ક્ષણો અને સફળતાઓ તત્ક્ષણ નિર્ણય અને કાર્ય દ્વારા પ્રાપ્ત થાય છે.
*****
સચરાચર
શાને ધરો મંજીરાં
મનજી, શાને ધરો મંજીરાં ?
નથી થવાનાં રાધાજી, તમે નથી થવાનાં મીરાં,
મનજી, શાને ધરો મંજીરાં ?
દુ:ખને જોઈ રુદન કરો છો અલ્પ તમારી શક્તિ
સો સો જોજન દૂર રહો છો , ગમતી નથી વિરક્તિ.
કંચન—કામિની ગ્રસવા તત્પર સદા રહો અધીરા,
મનજી, શાને ધરો મંજીરાં ?
રણ છોડીને નાસો છો તમે ભાગો છોડી જંગ
રંગબેરંગી ઈચ્છાઓથી તડપે અંગેઅંગ;
ભેગું કરવામાં પેહલા ને ત્યાજ્તાં થાઓ ધીરા,
મનજી, શાને ધરો મંજીરાં ?
સદા તમે અધિકાર માંગતા કર્તવ્યો દો છોડી,
ફોકટનું અણહકનું ખૂંચવી ભરી છે જીવન હોડી;
પરસેવા ના પાડો જીવતાં થઈને બડા નબીરા,
મનજી, શાને ધરો મંજીરાં ?
અશ્રુધારા બનશે જ્યારે જ્યારે પશ્ચાતાપની ધારા,
તમે અન્યના અપરાધોને જ્યારે ગણશો પ્યારા,
તમે તમારી જતના જ્યારે કરશો લીરા લીરા
ત્યારે ધરજો કર મંજીરાં.
મનજી, શાને ધરો મંજીરાં ?
–અભિલાષ શાહ
*****
જ્ઞાનનો ફેલાવો થઈ શકે છે, ડહાપણનો નહીં !
——————————————————
’
બહુજ સરસ જ્ઞાન.👌🌹🙏