ઘડતર અને ચણતર: એક કર્મયોગીની ઊર્ધ્વયાત્રા

ઘડતર અને ચણતર:

એક કર્મયોગીની ઊર્ધ્વયાત્રા

(જન્મભૂમિ, સોમવાર 29/10/2018 /પાનું: 4)

  મહાત્મા ગાંધીજીના કેળવણી દર્શનને સાકાર કરનારા જાણીતા કેળવણીકાર –સાહિત્યકાર નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’માં તેમની કેળવણી સાધના, સિદ્ધાંતોઅને જીવન પરત્વેની સમદૃષ્ટિનો સમાવેશ છે. આ આત્મકથા તેમણે પોતેજ 68 થી 76 વર્ષની વય દરમિયાન લખી હતી અને તેમની સંસ્થાના મુખપત્ર ‘કોડિયું’ માં શ્રેણીબદ્ધ પ્રગટ થઈ હતી.

    નથુ ભટ્ટમાં બુદ્ધિપ્રતિભા હતી. સાથે જ વાંચનશોખ, સંત-સાધુ સત્સંગમાં રસ અને કથાશ્રવણનો શોખ થકી બહુશ્રુતતા આવેલી. ભણવામાં સારા અને માસ્ટર ડિગ્રી સુધીની યશસ્વી કારકિર્દી, તેમને ગુજરાતી, સંસ્કૃત,અંગ્રેજી , ધર્મ-તત્ત્વજ્ઞાન, ઈતિહાસ વગેરે વિષયોમાં તથા તે અંગેનાં ગ્રંથોમાં ઊંડો રસ હતો તથા તે વિષયો અંગેનું તેમનું વાંચન વિશાળ હતું. મુંબઈ ખાતે એમ.એ. કરતી વેળા તેમણે ગ્રીક –રોમન સંસ્કૃતિના આશરે 300 ગ્રંથો વાંચેલા. તેમણે ભારતના લગભગ સર્વ પ્રાચીન સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરેલો.બંને ભારતીય મહાકાવ્યો પરના તેમના સીમાચિહ્નરૂપ ગ્રંથો—‘રામાયણના પાત્રો’ અને ‘મહાભારતનાં પાત્રો’ –દર્શન, રજૂઆત અને વાચકપ્રિયતામાં વિક્રમી ગણાવેલાં. આ ગ્રંથોને આધારે સ્વામી આનંદે તેમને ‘વ્યાસ—વાલ્મીકિના વારસ’ કહ્યા છે.

    નાનાભાઈની વિશેષતા એ હતી કે તેમને ધર્મ—તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં જેટલો રસ હતો તેટલો જ રસ તેમને લલિતસાહિત્યમાં હતો, તે બંને ક્ષેત્રો અંગેનું તેમનું વાંચન અને પરિશીલન પણ એટલું જ ઊંડું અને વિશાળ હતું. મુંબઈમાં ગ્રેજ્યુએશનનું કરતા હતા ત્યારે શેક્સપિયરનાં ત્રણ નાટકો જોવા રૂ. 30/-ખર્ચેલા અને તે ખાડો પૂરવા બે માસ એક જ ટંક જમેલા.

    નાનાભાઈ ગાંધી પ્રેરિત સત્યાગ્રહની લડતમાં સક્રિય હતા, સુરેન્દ્રનગરના ગાંધીવાદી આગેવાન વકીલ મણિભાઈ કોઠારીનો નાનાભાઈ પર સંદેશો આવ્યો—‘ફલાણે દિવસે ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ સંસ્થામાં ધ્વજવંદન રાખવાનું છે. તમે જરૂરી તૈયારી કરાવશો.’

સંદેશો મોકનાર અને લાવનાર બંનેને હતું કે નાનાભાઈ રાજી થઈ આ ગોઠવણ કરશે.

    આ બાજુ નાનાભાઈએ લખ્યું કે દક્ષિણામૂર્તિ સંસ્થામાં ધ્વજવંદન ગોઠવવું કે નહીં તેનો નિર્ણય કાં તો વ્યવસ્થાપક મંડળ  લઈ શકે યા નિયામક લઈ શકે. મણિભાઈ કોઠારી આમાંનાં કોઈ પદ પર નથી એટલે તેઓ આવો નિર્ણય ન લઈ શકે. હું નિયામક છું એટલે જણાવું છું કે દક્ષિણામૂર્તિમાં ધ્વજવંદન ગોઠવી શકાશે નહીં !’

   આવું વલણ શા માટે?

  નાનાભાઈ ગાંધીજીની લડતમાં પૂરા સંમત અને સક્રિય હતા. પરંતુ તેઓ એમ પણ માનતા હતા કે દક્ષિણામૂર્તિ સંસ્થા એક દેશી રજવાડામાં છે. રાજવીના સાથ અને સદ્ ભાવથી ચાલતી તે એક કેળવણીની સંસ્થા છે.આવા સંજોગોમાં સંસ્થાએ એવી કોઈ પ્રવૃત્તિ ન કરાય જે થકી અંગ્રેજોની કટુ નજર રજવાડાં પર પડે.

   1920-‘21માં નાનાભાઈ વગેરેની ઇચ્છા, માગણીથી ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠે દક્ષિણામૂર્તિ સંસ્થાને પોતાની માન્યતા અને જોડાણ આપ્યાં. ગાંધીજીની સ્થાપેલી કે તેની સંલગ્ન સર્વ સંસ્થાઓમાં કેવળ કાર્યકરે જ નહીં, તેના પૂરા પરિવારે પણ ખાદી જ પહેરવાની ! ગુજરાત વિદ્યાપીઠના એક કાર્યકર ભાવનગર દક્ષિણામૂર્તિ ખાતે આવ્યા. તેમણે જોયું કે સંસ્થાના નિયામક નાનાભાઈના પત્નીએ મિલની સાડી પહેરી છે. અમદાવાદ ગયા પછી તેમણે બાપુને આ વાત કરી,ગાંધીજીએ તરત નાનાભાઈને લખ્યું, ‘શું તારાં પત્ની મિલ પહેરે છે? જો તેમ હોય તો આપણે જોડાણ રદ કરવું પડશે.’

   નાનાભાઈએ જવાબ લખ્યો, ‘હા, મારી પત્ની મિલ પહેરે છે. તે ખાદી પહેરે તેવો આગ્રહ મારે રાખવો તેમાં મને સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીસન્માન અને અહિંસા વ્રતનો ભંગ લાગે છે. તમે કહો ત્યારે આપણે જોડાણ રદ કરીએ.

   બાપુનો જવાબ આવ્યો, ‘નાનાભાઈ, ખાદી પહેરાવવા વિશેના તારા વિચારો મને બરાબર લાગ્યા છે. આપણું જોડાણ ચાલુ રહે છે.’

    નાનાભાઈ આ રીતે બે પરસ્પર વિરોધી લાગતાં દ્વંદ્વના ચમત્કારી સમન્વયકર્તા હતા. આદર્શ અને વ્યવહાર, જાહેરજીવન અને અંગતજીવન, ધર્મ અને વિજ્ઞાન, શ્રેય અને પ્રેય, બુદ્ધિ અને લાગણી, સંસારભાવ અને સંન્યસ્થભાવ, રસિકતા અને આધ્યાત્મિકતા, પ્રતિભા અને ચારિત્ર, પરંપરા અને પરિવર્તન, કલા અને વિજ્ઞાન, સ્વાતંત્ર્ય અને શિસ્ત વગેરે તત્ત્વો વચ્ચેના દ્વંદ્વને મિટાવી તેઓ તેનું એવું સંયોજન પ્રગટ કરતા જે દ્વારા તેમાંની વિષમતા નાની વયથી જ ધાર્મિક અને ધર્મજિજ્ઞાસુ હતા, તોફાનો કરતા, શોખો માણતા તેઓ ધાર્મિક કથાવાર્તા સાંભળવા પણ પહોંચી જતા. સમજ વિકસતાં તેમને ધર્મનાં બે રૂપો પણ નજરે પડ્યાં. એક તે જડ, કેવળ કર્મકાંડરૂપ ધર્મ અને બીજો તે જીવંત, ધર્મને જીવનના વ્યવહારમાં ઉતારવાનો પુરુષાર્થ યુવાન વયે જ શરૂ કરેલો.

   તેઓ અંતરથી ધાર્મિક પરંતુ તેની સાથે ભૌતિક લાભ, અંધશ્રદ્ધા, જડતા, ચમત્કાર વગેરે માટે જગ્યા નહીં. ધાર્મિકતા સાથે લાગણીનો અને વિજ્ઞાનનો સમન્વય.

   સાધુચરિત પિતા માટે તેમને અપાર આદર હતો. જનેતાના અવસાન પછી આવેલાં સાવકાં માતાને, પોતે સમજણા થયા પછી, કદી સાવકાં ગણ્યાં નહીં. 1904માં પિતા કાલિદાસે  આંખ મીંચતાં  પૂર્વે નથુ ભટ્ટને કહેલું , ‘નથુ ભટ્ટ તારી નવી માની જવાબદારી તારે માથે ગણજે.’ પોતે બે સગા ભાઈઓ અને સૌથી નાનો ભાઈ માનશંકર સાવકો. નવાં બા કાશીબાને ન મોટા પુત્ર દેવશંકર સાથે ફાવ્યું અને ન સગા પુત્ર સાથે ગોઠવાઈ શક્યાં. આથી નાનાભાઈએ પોતે તેમને સાચવેલાં.

     1905 આસપાસ નાનાભાઈએ એમ.એ. કરવા માટે કપાત પગારે રજા લીધી. પરંતુ આ બાજુ પિતાની ઉત્તરક્રિયાઓ, વારસા વહેંચણીના ઝગડા અને મોટાભાઈ દેવશંકરની બીમારી બધું સંભાળ્યું. મોટાભાઈએને સાજા કર્યા અને પછીના એક જ વર્ષમાં એમ.એ.ના બંને પાર્ટ પાસ કર્યા.

  નાનાભાઈ  ગુજરાતના ગુરુ કહેવાયા તેના પાયામાં તેમનું નમ્ર શિષ્યત્વ પડ્યું હતું. કુમાર-કિશોરવયે મળેલા ફુઆ, ભાનુશંકર શાસ્ત્રી, અચ્યુત સ્વામી, ઇશ્વરભાઈ ભટ્ટ વગેરે શિક્ષકોને તેઓએ આદર તથા ઋણભાવ સાથે સંભાર્યા છે.

    નાનાભાઈએ નોંધ્યું છે કે ‘ભાવનગર રાજ્યના અમલદારો સાથે મેં કદી ખુશામતનો આશરો લીધો નથી. અમે કાયમ સત્યને વળગી રહ્યા છીએ. નુકસાન સહન કર્યું છે, લાભો જતા કર્યા છે જે પાછા સામેથી અમારા ખોળામાં આવીને પડ્યાં છે.’

   માનસશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર વગેરેના પ્રયોગો/અમલ મારફત , દ.મૂ. એ વિષમ શિક્ષણનો મહિમા પણ ઉપસાવ્યો છે. નાનાભાઈએ પરિચય પદ્ધતિથી સંસ્કૃત, ગિજુભાઈએ ‘ડાયરેક્ટ મેથડ’થી અંગ્રેજી અને હરભાઈએ સ્વાધ્યાય પદ્ધતિથી બધા વિષયો ભણાવવાના સફળ પ્રયોગો કર્યા. શિક્ષણમાં ભારતીયતા સાચવીને પાશ્ચાત્ય પ્રવાહો, તે અંગેનું અભિનવ ચિંતન વગેરેને અપનાવી સંસ્થાએ પ્રાચીનતા અને આધુનિકતા વચ્ચ સેતુ બનવાનો પ્રયત્ન કર્યો, જે બદલ તે ધન્યવાદને પાત્ર છે. સંસ્થાની આર્થિક સ્થિતિ અંગે અહીં ચિતાર મળે છે.વિભાગો વિકસ્યા, કાર્યકરો વધ્યા પરંતુ આવક તો મર્યાદિત જ રહી. નાનાભાઈએ આરંભેલી ફંડપ્રવૃત્તિ જ સૌથી મોટો આધાર . આ ફંડપ્રવૃત્તિએ નાનાભાઈનું ઘણું ઘડતર કર્યું અને આસ્તે આસ્તે તેમને માંજ્યો.

   કલકત્તા ખાતે એક શેઠે નાનાભાઈને ત્રણ ધક્કા ખવરાવ્યા પછી અડધો રૂપિયો દાન કર્યું  તેમ છતાં નાનાભાઈના ચહેરાની એક રેખા પણ કટુ ન થઈ ! ભારતના કેળવણીના ઈતિહાસમાં નાનાભાઈની આ ફંડપ્રવૃત્તિ અને તેનું સાફલ્ય એ કદાચ વિરલ કિસ્સ્સો હશે.

   તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે, ‘હું માટીનો માનવી છું. રાગદ્વેષથી પર હોવાનો દાવો શી રીતે કરું ? આમાં અનેકને મેં અન્યાય કર્યો છે તેમ લાગ્યું હોય તો આ સૌને પગે પડીને હું જણાવવા માગું છું કે દક્ષિણામૂર્તિનું ચિત્ર મને જેવું દેખાયું તેવું મેં ચીતર્યું છે. તે તે ભાઈ—બહેનોને દ.મૂ. નું ચિત્ર અન્યથા લાગ્યું હોય તો તેઓ પન પોતાનાં ચિત્રો સમાજ પાસે રજૂ કરી શકે છે.અને મારા ચિત્રની ખામી કે અકાંગિતા ટાળી શકે છે. ’

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 674,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: