નિદ્રા/હરીન્દ્ર દવે

 

નિદ્રા

કોઈનો સ્નેહ

ક્યારેય ઓછો નથી હોતો:

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

 

શિયાળાની આ ઠંડી રાતે

ક્ષિતિજ પર થીજી ગયેલો શ્વાનનો અવાજ

રહી રહીને ઓગળતો હોય, એમ

થોડા થોડા સમયના અંતરે સંભળાયા કરે છે.

અત્યારે

કેવળ મારા એકાન્તની બાજીમાં

જોડીદાર બનવા કોઈ કેવી રીતે આવી શકે?

 

સૌ પોતપોતાના એકાન્તની શતરંજ પર

પ્યાદાં ગોઠવી જોડીદારની પ્રતીક્ષા કરે છે :

નેવું અંશને કાટખૂણે ગતિ કરતો અશ્વ

આગળ વધતો જ નથી.

પાયદળની બધી જ હિલચાલ અકારણ કોલાહલ કરે છે:

હમણાં ‘રૉંગ નંબર’નો ધ્વનિ

સાંભળવા  ‘રિસીવર’ ઊંચક્યું

એ પહેલાં ટેલિફોનની  ઘંટડીએ કર્યો હતો

એવો જ કોલાહલ.

હું અત્યારે શા માટે જાગું છું?

મને લાગે છે કે મારે સૂઈ જવું જોઈએ.

આ ટયુબલાઈટમાં પુરાયેલો પ્રકાશ.

તમરાની માફક ગુંજી રહ્યો છે:

એ જંપી જાય તો કદાચ સૂઈ શકું.

ટયુબમાં પુરાઈ તરફડિયાં મારતું તેજ અસહ્ય લાગે છે

આ બટન દાબતાં જ એ બધું તેજ

આ અવાહક પડ હેઠળ રહેલા ત્રાંબાના તારમાં

સમાઈ જશે :

ગીતાના વિશ્વરૂપદર્શનમાંથી અર્જુનની

પ્રાર્થના યાદ આવતી નથી,

અને એથી જ મનમાંથી ખસતી નથી.

રહી રહીને સણકો ઊપડે છે,

આખયે અસ્તિત્વની દીવાલને ધ્રુજાવી દે એવો.

મારા એકાન્તની શતરંજમાં હું એક ચાલ ચાલું છું,

–કલ્પિત સાથીદાર વતી.

કોઈના વતી ચાલ ચાલવાનું બંધ કરી શકું,

તો કદાચ સૂઈ શકું.

હું સાથીદાર વતી ચાલ ચાલું છું

ત્યારે એ કેવળ હસે છે:

એના પટ પર એ પોતાની ચાલ ચાલી ચૂક્યો છે.

લાગે છે કે

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે,

કોઈનો સ્નેહ ક્યારેય–

આ અપેક્ષાઓને ઓગાળી શકું તો કદાચ

‘ક ’ પછી ક્યો અક્ષર આવે એ ભૂલી ગયો છું,

‘ક ’ પછી  ‘દ’ ક્યારેય ન આવે.

અક્ષરોની ભુલાયેલી ઓળખ મેળવી શકું તો–

અજ્ઞાનની મોરલી પર જ્ઞાનના ફણીધરને

નચાવવાનો આ પ્રયત્ન ન પણ કરું.

એકાન્તની આ ક્ષણો માટે શબ્દોનું

પિંજર તકલાદી લાગે છે.

અર્થ વિનાના સ્વરો અને વ્યંજનો માફક

શબ્દો ખખડ્યા કરે છે

વચ્ચે જેને પૂરવા ઝંખું છું એ એકાન્ત

ક્યાં અલોપ થઈ જાય છે?

એકાન્ત એ શૂન્યતા નથી

એ જાણી શકું તો-

શૂન્યતાને એકાન્ત માનીને થોડીવાર પહેલાં

અઢી ડગલાં ચાલેલો અશ્વ અત્યારે ક્યાં છે,

એ ફંફોસવાનો પ્રયત્ન પણ મૂકી દઉં.

 

જો હું જાગતો રહી શકું તો કદાચ સૂઈ શકું.

બે પાંપણો વચ્ચે અભાનનો પારદર્શક પડદો રચાય છે,

ત્યારે એની પાર કશું જ દેખાતું નથી.

આ રાત્રિ,

આ અંધકાર,

આ ટેલિફોનની ઘંટડી,

અપેક્ષાના તાર પર ઝણકતો કોઈનો અવાજ–

બધું જ નિરર્થક બની જાય છે.

જેમાંથી અર્ધરાત્રિ ગયા છતાં

એકેય બિંદુ લીધું નથી એમ લાગે છે.

આ વિષની પ્યાલીનું કયું બિંદુ

મને મીઠી નિદ્રા આપી શકશે એ જાણી શકું,

તો બીજાં બધાં બિંદુઓ  રહેવા દઈ

એ જ પી લઉં.

એ નથી જાણી શકતો

અને આખી પ્યાલી ગટગટાવી જાઉં છું.

મૃત્યુ એ નિદ્રા છે

એ સમજું

તો કદાચ સૂઈ શકું.

——————————

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો