અઢારમો અધ્યાય: ગીતા એટ્લે….

અઢારમો અધ્યાય

ભગવદ્ ગીતા એટલે… //શ્રી સુરેશ દલાલ

જીવ અને શિવનો સંવાદ

       કોઇક વિરાટ શિખર પર આપણે ચડતા હોઇએ અને એક પછી એક પગથિયાં પાર કરીને ટોચ તરફ પહોંચતા હોઇએ તે લાગણી અઢારમા અધ્યાય તરફ જતાં થાય છેગીતાનો એક એક શ્લોક એક એક પગથિયું છે. અઢારમા અધ્યાયને મોક્ષસન્યાસયોગ એવું નામ મળ્યું છે. સંન્યાસ અને ત્યાગ વચ્ચે પણ સૂક્ષ્મ ભેદ છે. ફળની ઇચ્છાથી કર્મ થયું હોય એ કર્મને જે ત્યાગે તે સંન્યાસ. પણ કર્મમાત્રના ફળનો જે ત્યાગ કરે તે જ ખરો ત્યાગ. આ ત્યાગ એવો હોવો જોઇએ કે ત્યાગનું પણ મમત્વ ન રહે. માણસો પાસે અનેક પ્રકારનાં કર્મો હોય છે.કેટલાંક પ્રવાહપ્રાપ્ત. કેટલાંક કર્મો કરવાં જ પડે એ રીતે આપમેળે આવી પડે છે. . સાચા કર્મયોગીને આ ગમતું, આ અણગમતું કર્મ એવા ભેદ નથી હોતા. જે કર્મ એને કરવાનું હોય છે એ કર્મ કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના, પૂર્વગ્ર્હ કે પક્ષપાતથી લેપાયા વિના એ કરતો જ રહે છી જે કંઇ કરે છે એમાં એ જીવ પરોવે છે. કર્મમાં જીવ પરોવવો એને કર્મના ફળમાંથી જીવ કાઢી લેવો, આ બન્ને ક્રિયા એકીસાથે થતી હોય છે. આ એકાદ વાર કરીએ એટલું પૂરતું નથી. એનું સાતત્ય હોવું જોઇએ. આ સાતત્ય એ જ સત્ય. આ કર્મ કરતાં તો થાકી જવાશે અથવા તો આ માથાકૂટિયું છે કે કૂથાનું કામ છેઆમ કરીને કરવાં પડતાં કર્મોને ટાળવાં ન જોઇએ. માણસે સમજવું જોઇએ કે અમુક પ્રકારનાં કર્મો કરવા માટે એ નિર્માયેલો છે. આ નિર્માયેલાં કર્મ સાથે શુધ્ધ કર્તવ્યબુધ્ધિ હોય તો એ કર્મ આપોઆપ દીપ્તિમાન થવાનું. કર્મોમાં આ તો દુઃખદાયક  છે એટલે નહિ કરુંકે હું તો સુખદાયક કર્મો માટે જ નિર્માયેલો છું એ વૃત્તિ બરાબર નથી. કર્મમાં પ્રેમનું તત્ત્વ ભળેલું હોય તો એ ભાર કે બોજો નથી પણ એમાં મોરપીંછ્ની સુંવાળપ અને હળવાશ છે. કર્મ માટે દેહ જોઇએ , મન જોઇએ . આ ન્યાયી કે અન્યાયી કર્મ છે એની વિવેકબુધ્ધિ  જોઇએ. કુંઠિત બુધ્ધિવાળા માણસો જ્યારે કર્મ કરે છે ત્યારે પોતાને જ સારસર્વસ્વ  માને છે. આ બધાંનો હું જ કર્તા છું અને મારે જ કારણે આ થઇ રહ્યું છે એમાં એ પોતાના અહમ્ નો દેખાડો કરે છે. એનું પ્રદર્શન ભરે છે. જેની બુધ્ધિ વિકસિત છે અને જે પ્રજ્ઞાવાન છે એ માણસને હું કરું હું કરું નો ભાવ પીડતો નથી.એ કશાથી લિપ્ત નથી થતો. કર્મમાંથી કર્તાભાવ કાઢી નાખીએ અને એનાં ફળની આશાને જતી કરીએ તો માત્ર કર્મ રહેશે, કર્મનું બંધન નહિ રહે.પ્રસન્નતા રહેશે પણ થાક,કંટાળો કે વિષાદ નહિ રહે. આ સિવાયની વિપરીત ભાવનાથી જે માણસ કર્મ કરે છે એ વૈતરું હોય છે,કર્મનું વૈકુંઠ નથી હોતું. કર્મ કરનારો માણસ સફળતા અને નિષ્ફળતાના, લાભ અને હાનિ ના ગણિતથી ઊફરો ચાલે છે.એને માટે કર્મ અને ધર્મના ભેદ નથી હોતા. એ પરાણે કશું નથી કરતો. ધૈર્ય અને ઉત્સાહથી, પ્રાણ પરોવીને એ કરે છે. આળસનો અજગર એને ભરડો નથી લેતો. એનું ચિત્ત ચંચળ કે વિહ્ વળ  નહિ, સ્થિર હોય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને આકાર્ય, બંધન અને મુક્તિઆ બધાંને પોતાની સાત્ત્વિક્તાને કારણે ઓળખી શકે છે. ધર્મ અને અધર્મ પ્રત્યે એની પાસે ઔચિત્યબુધ્ધિ છે, નિષ્ઠા અને સમત્વ છે. એની પાસે ભય અને શોકની લાગણી નથી હોતી.એની પાસે સુખનાં સાંસારિક ગણિત નથી હોતાં. આરંભમાં ગમે એટલું મુશ્કેલ હોય છતાં પણ કર્મને અંતે એની પાસે હોય છે કર્મ કર્યાની પ્રસન્નતા. અને પ્રસન્નતામાંથી જ એ આત્મજ્ઞાન તરફ જતો હોય છે. એનું સુખ રજોગુણીઓની જેમ ઇન્દ્રિયોના સંયોગમાંથી નથી ઉદ્ ભવતું કે તમોગુણીની જેમ નિદ્રા,પ્રમાદ કે આળસમાં પણ એ અટવાતો નથી. આ પ્રકૃતિમાં ત્રણે ગુણોથી મુક્ત એવા તો કોઇ નહિ હોય. પણ ક્રમશઃ એ ગુણોની પાર પણ જઇ શકાય.

            આમ દેખીતી રીતે વિરોધ કે વિરોધાભાસ લાગે છ્તાં પણ માણસે પોતાના સ્વધર્મદત્ત કર્મોમાં ગૂંથાઇને કર્મમાંથી એટલે કે કર્મના બંધનમાંથી મોક્ષ મેળવવાનો છે. કર્મ કરીએ એટલે દોષ તો લાગે પણ એ દોષને કઇ રીતે ટાળવો? આ પ્રશ્નનો એક જ જવાબ છેઅનાસક્તિથી. અગ્નિને જેમ ધુમાડો વળગેલો છે એમ કર્મને એના દોષ વળગેલા છે. આસક્તિનું ઝેર નીકળી જાય પછી કર્મ કર્યા છતાં પણ કર્મશૂન્યત્વની સિધ્ધિ મળે.કર્મ કરવાનું, પણ માત્ર નિમિત્ત થઇને. ઘણા માણસો બધા જોડે હળતાભળતા હોય અને છ્તાં અંદરથી સાવ અલિપ્ત અને એકાંતજીવી હોય. એવી રીતે કર્મમાં મમત્વને કાઢીને, સમત્વને સાચવીને હ્રદયથી. વૈરાગ્યભાવ ધારણકરવો જોઇએ. જે વૈરાગ્યભાવે કર્મ કરે છે એ બ્રહ્મ સુધી પહોંચે છે. પોતાના રાગદ્વેષનું ક્યાંય નામોનિશાન ન હોવું જોઇએ. કર્મ ભક્તિથી ભીનું હોય. કશું શુષ્ક ન હોય. બધાં જ કર્મો મનથી ઇશ્વરને સોંપીને કરવાં જોઇએ. ઇશ્વરને સોંપવાથી કર્તાભાવ નીકળી જશે. શ્રધ્ધાભાવ સુદૃઢ થશે. અહમ્ ફૂંફાડો નહિ મારી શકે.જે માણસ સર્વભાવથી ઇશ્વરને શરણે જાય છે એના પર જ કૃપા અવતરે છે. કૃષ્ણ  ફરીફરીને કહે છે કે બધી જ દ્વિધા, બધી જ શંકા, બધા જ કહેવાતા ઉપરછલ્લા ધર્મોઆ સૌને છોડીને મારે શરણે સ્સ્વ્સ. તું પ્રિય છે એટલે તો તને આટલી વાત કહી. ઇશ્વરને શરણએ જઇએ પછી કર્મદોષ નહિ પણ પાપ વિનાનું કર્મ જ રહે. ગીતા એટલે ઇશ્વરની વાણી. ઇશ્વરની વાણી વેડફાય નહિ. ગમે તેને કહેવાય નહિ. જે લોકોને ન સાંભળવી હોય એમને કદી ન કહેવાય. તપસ્વી અને ભક્તોને કહી શકાય. મારા ભકતથી વિશેષ મને કોઇ પ્રિય નથી. આટલું કહ્યા પછે પણ કૃષ્ણ  અર્જુનને એક સવાલ પૂછે છે : તેં આ બધું એકાગ્ર ચિત્તે સાંભળ્યું કે નહિ? તારી મૂંઝવણ શમી કે નહિ? અર્જુન કહે છે : મારો સંશય છેદાઇ ગયો છે. મારામાં કર્તવ્યની સ્મૃતિ જાગ્રત થઇ છે.મોહ નષ્ટ થયો છે. હું તમે કહેશો એ પ્રમાણે કરીશ.

 

        કૃષ્ણને ભક્ત જોઇએ છે, ગુલામ નથી જોઇતા. મિત્ર જોઇએ છે , અનુયાયી નથી જોઇતા. અને એટલે જ કૃષ્ણ  અર્જુનને માત્ર કહ્યું કરવાનું  નથી કહેતા. પણ તને જે યોગ્ય લાગે તે તું કર આવી પણ વાત એમણે કરી જ છે.

            છેલ્લે સંજયની ઉક્તિથી અઢારમો અધ્યાય સમાપ્ત થાય છે અને કહે છે કે જ્યાં જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય, ધનુર્ધર પાર્થ હોય ત્યાં ત્યાં લક્ષ્મી, ઐશ્વર્ય, નીતિ અને જય હોય જ છે. ગીતાનાં અનેક અર્થઘટનો થયાં છે. અર્જુન અને કૃષ્ણનો સંવાદ એટલે જીવ અને શિવનો, નર અને નરાયણનો સંવાદ છે.

અહીં દેખીતી રીતે ગીતાનો અંત આવે છે. પણ આ અંત આપણને કોઇ આરંભ તરફ પણ લઇ જાય છે.આ અંતની ક્ષણે મને ગીતાના પ્રારંભનું દૃશ્ય દેખાય છે. અર્જુનનો રથ, સારથિ કૃષ્ણ, આજુબાજુ સેના…. શત્રુઓને હણતા પહેલાં માનસિક રીતે હણાઇ  ગયેલા અર્જુનના શંકાયુક્ત પ્રશ્નો, લડવું નથી માટેની અર્જુનની જાતને છેતરતી દલીલો. અંતરયામી કૃષ્ણ બધું જ પામી ગયા છે. અર્જુનની દલીલો માત્ર તર્કબાજી છે. પૂરતી ધીરજથી અર્જુનના પ્રત્યેક પ્રશ્નનું નિરાકરણ કૃષ્ણ કરે છે. સ્થૂળ દૃશ્ય ધીમે ધીમે સૂક્ષ્મ થતું જાય છે અને આ યુધ્ધ માત્ર બાહ્ય નહિ પણ આંતરયુધ્ધનો સંકેત આપે છે. કામ, ક્રોધ, મદ,લોભ,મોહની અસંખ્ય સેના આપણી આસપાસ ઊભી જ હોય છે. છેવટે આપણે  આપણી જ કૌરવી વૃત્તિનો મુકાબલો કરવાનો છે. આ મુકાબલો આપણે એકલે હાથે કરીએ એ શક્ય નથી. આપણી પડખે કૃષ્ણ હોવો જોઇએ. આપણા પ્રત્યેકમાં અર્જુન છે પણ પ્રત્યેક પાસે કૃષ્ણ જેવો મિત્ર નથી. સર્વસમર્પણની દીક્ષા આપે એવો ગુરુ નથી. જે સર્વ પ્રકારના મોહથી છૂટો પડે છે એનો જ પૂર્ણ પુરુષોત્તમ સાથે યોગ થાય છે. પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિને

ઓળખ્યા પછી કે ઓળખતાંની સાથે જ જે પ્રકૃતિને  ઓળંગી જાય છે તેવા સ્થિતપ્રજ્ઞ જલકમલવત્ જનનું જ પૂર્ણ  પુરુષ સાથે મિલન થાય છે.

 

            આપણે આપણાથી જ છૂટા પડી ગયા છીએ. આપણને આપણો જ વિયોગ થયો છે. ગીતા આપણને આપણી  સાથે જોડી આપે છે એટલે તો પ્રત્યેક અધ્યાયના શીર્ષકમાં યોગ શબ્દ આવે જ છે. આપણા પોતાના રથમાં શ્રીકૃષ્ણ છે જ. અશ્વની લગામ આપણેનથી પકડી રાખવાની પણશ્રીકૃષ્ણને સર્વસમર્પિત થઇને સોંપી દેવાની છે. જે અહંકારશૂન્ય થઇ જાય એનામાં સર્વસમર્પણ નો ભાવ જન્મે.

         ગાંધીજી,રવિશંકર મહારાજ, શ્રી અરવિંદઆવી અનેક વિભૂતિઓનાં ચરિત્રો એટલું પુરવાર કરે છે કે એમના હલનચલનમાં ગીતાના શ્લોક્નો શ્વાસ છે. વિષાદનું વિષચક્ર અમૃતના અનંતચક્ર્માં કઇ રીતે રૂપાંતરિત થાય છે એ આપણને શીખવે છે ગીતા.

તુલસીદાસે ક્યાંક એવું કહ્યું છે કે પ્રકાશની વાતો કરવાથી અંધકાર કદીયે નષ્ટ થતો નથી. દીવો પ્રગટાવવાથી અંધકાર નાશ પમે છે. ગીતાની વાતો જ કરીશું તો કેવળ શબ્દો હશે. એ શબ્દો પાછળ ધબકતું સનાતન સત્ય પામવું હોય તો કર્તાભાવ વિનાનો કર્મદીપ પ્રગટાવવો જોઇએ.

જયશ્રી કૃષ્ણ    

 

વિશે

I am young man of 77+ years

Posted in GEETA ETLE
One comment on “અઢારમો અધ્યાય: ગીતા એટ્લે….
  1. Dear Gopalbhai,

    Very good and humble effort to put the whole write up about geeta online, I strongly feel that in today’s time, we need these teachings more then anything, and in such situations, your efforts are really welcome.

    Regards,

    Jignesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: