a ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
એપ્રિલ—12
તમને જે બધું મળ્યું છે ને મળશે તે માટે કૃતજ્ઞ રહો. ખરું જોતાં કૃતજ્ઞતા—આભાર અનુભવતાં કદી ન અટકો કેમ કે એ જીવન પ્રત્યેનો એક હકારાત્મક અભિગમ છે. આભારી હોવાની એ લાગણી પોતે જ અગત્યની છે કે જેમાં તમારી અંદરની શ્રેષ્ઠતા પ્રગટ થાય છે. તેનાથી તમારાં હ્રદય અને મન ખુલ્લાં રહે છે. તેનાથી તમારી ચેતના વિસ્તરે છે. જેને માટે આભાર માની શકો તેવું કંઈક હંમેશાં તમને મળી જ આવે છે. જ્યારે તમે એ કરો, તમને મળેલાં વરદાનોને ધ્યાનમાં લો ત્યારે તે વધતાં જ જશે. તમને સમજાશે કે તમારા પર કેવી કૃપા થયેલી છે. મારું જે કંઈ છે તે તમારું જ છે.
મારો ભંડાર ભરપૂર છે, છલોછલ છે અને તે તમને કદી કશી ખોટ પડવા નહીં દે. તમારી દરેક જરૂરિયાતની પૂર્તિ થશે અને ચૈતન્યની એ ક્ષણે તમે કિંમતની પરવા કર્યા વિના વધુ ને વધુ આપવા સમર્થ બનશો. કારણ કે જેમ તમે આપો છો, તેમ તમે પામો છો. તમે આપોછો તેના લીધે તમને જે મળે છે તેને માટેની જગ્યા તમારામાં બનતી જાય છે.
એપ્રિલ—13
હું છું તમારી પ્રાપ્તિઓનો સ્રોત અને મારું જે છે તે બધું તમારું છે. મારો અસીમ ભંડાર તમારા માટે ખુલ્લો જ છે. બસ, તમારો આત્મા ભરપૂર થાય, કદી કોઈ અભાવનો અનુભવ ન થાય.તમારી ચેતનાને વિસ્તારો, હજી વધુ વિસ્તારો. કોઈ મર્યાદાનો ખ્યાલ કર્યા વિના વિસ્તારતા રહો, કારણ કે મર્યાદાઓને કારણે પ્રવાહ અવરોધાય છે. મર્યાદાઓની સાથેભય આવે છે અને ભયને કારણે સ્થગિતતા. જ્યારે સ્થગિતતા આવે ત્યારે વર્તુળ પૂરું થવાને બદલે ટુકડો થઈ અટકી જાય છે, મરી જાય છે. પ્રવાહ વહેતો રાખો.
દરેક સ્તરે સતત આદાનપ્રદાન ચાલુ રાખો અને અનંત ભરપૂરતા શું છે તે જાણો.જાણો કે તમે મારી સાથે એક છો. તમે વિશ્વની તમામ સમૃદ્ધિ સાથે એક છો. તમે કશું ખોયું નથી. તમારું કશું છિનવાયું નથી. બધું સમજપૂર્વક વપરાયું છે. મારી સુંદર સંપૂર્ણ ભેટોને સ્વીકારતાં શીખો. હું જે અઢળક આપું છું તેનો સાચો પ્રયોગ કરવા મારું માર્ગદર્શન લો, મારી બતાવેલી દિશા પકડો.
Leave a comment