મહાન ત્યાગ/આશા વીરેન્દ્ર

 

મહાન ત્યાગ

[તર્પણ –40ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર

પ્રકાશક; યજ્ઞ પ્રકાશન]

(પાના: 60-61)

 

આ વર્ષનો શિયાળો બહુ આકરો છે. કહે છે કે, છેલ્લાં પચાસ વર્ષમાં જેટલી ઠંડી નથી પડી એટલી ઓણ સાલ પડી છે. રાત પડે ને બારી-બારણાં સજ્જડ બંધ કરી દેવાં પડે છે. એક રાત્રે જમી પરવારીને આખું કુટુંબ ગપ્પાં મારતું બેઠું હતું ત્યારે મેં ચાલીસેક વર્ષ પહેલાંની વાત માંડી.

‘ત્યારે કંઈ આજની જેમ બધા પાસે ગાડીઓ નહોતી . બસ ને ટ્રેનની સગવડ પણ બહુ ઓછી. હું જે નાનકડા ગામની વાત કરું છું ત્યાં જવા માટેના સ્ટેશન પર તો આખા દિવસમાં માત્ર એક જ ટ્રેન આવતી ને જતી. અને સ્ટેશનથી સીતાપુર બસમાં જવું પડે. ’

‘હાય’લા, એક જ ટ્રેન? એવું તે કેવું સ્ટેશન!’મારા પૌત્ર હાર્દિકને ખૂબ નવાઈ લાગી.

‘ડિસેમ્બર મહિનાના વેકેશનમાં હું મારા મિત્રને ગામ ગયો હતો, સીતાપુર. ત્યાં દસેક દિવસ ખૂબ જલસા કર્યાં. સુભાષ મને ગાડામાં બેસાડી ખેતરે લઈ જતો. મેં તો કોઈ દિવસ આટલું નાનું ગામ જોયું નહોતું એટલે મને તો એટલી મજા પડી ગઈ કે, વાત ન પૂછો.’

‘દાદા, અમને પણ એવું ગામ જોવા લઈ જજો, સુભાષ અંકલને ત્યાં.’

નટખટ માનસીને મારી વાતમાં રસ પડવા લાગ્યો હતો.

‘બેટા, હવે તો સુભાષ અંકલ પન નથી અને એના દીકરાઓ પણ ઘરબાર વેચીને અમેરિકા જતા રહ્યા—કાયમ માટે.’અજાણતાં જ મારા અવાજમાં પીડાનો રણકો આવી ગયો.

‘હા પણ દાદા, તમે શું વાત કરતા હતા?’

‘સીતાપુર ગામથી સ્ટેશન જવું હોય તો છેલ્લી બસ રાત્રે નવ વાગે મળતી. પાછા વળતા હું સ્ટેશને પહોંચ્યો ત્યારે સાડાદસ વાગેલા અને મારી ટ્રેન હતી રાત્રે દોઢ વાગ્યાની, વળી એ પન સમયસર આવે તો.’

‘બાપ રે, આટલા બધા કલાક?’ હાર્દિકે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા, અને સ્ટેશન પણ એકદમ સૂમસામ. ફક્ત એક ખૂણામાં ટૂંટિયું વળીને સૂતેલી આકૃતિ દેખાઈ. એને જોઈને મેં માની લીધું કે, કદાચ ઘંટ વગાડીને ટ્રેન આવવાની સૂચના આપવાની ડ્યુટી એની જ હશે.’

હવે દીકરો-વહુ બધાં વાતમાં જોડાયાં. વહુએ પૂછ્યું ‘ડિસેમ્બર મહિનો એટલે ઠંડી તો હશે જ, કેમ પપ્પા? ’એવી ઠંડીમાં આટલા બધા કલાક તમે શું કર્યું? અને એ પણ સાવ એકલા!’

‘સુભાષે મને સ્ટેશન મૂકવા આવવા બહુ જીદ કરેલી પણ તે દિવસે એને સાધારણ તાવ હતો અને ઉપરથી ધ્રુજાવી દેતી ઠંડી. એટલે મેં એને ના પાડી. પન હવે પસ્તાવો થતો હતો. આટલો બધો ટાઈમ એકલો શી રીતે પસાર કરીશ? વાંચવાનો શોખ ઘણો, એટલે પુસ્તકો તો સાથે હતાં જ પણ કહેવત છે ને કે, ‘અકકરમીનો પડિયો કાણો’ એમ વેઈટીંગ રૂમમાં માત્ર એક જ ઝાંખો બલ્બ અને એ પણ ધૂળ ભરેલો.વાંચી શકાય એવું હતું જ નહીં. હાડકાં થીજાવી નાખે એવી ઠંડીમાં પ્લેટફોર્મના બાકડા પર બેસવાની હિંમત નહોતી પન રૂમની બહાર નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો ય નહોતો.’

ગરમાગરમ કૉફીનો કપ મોઢે માંડતાં દીકરાએ પૂછ્યું, ‘ચાનો સ્ટૉલ કે કંઈ હતું કે નહીં?’

મેં કહ્યું, ‘રામ રામ ભજો. એવા ટાઈમે મને ચા પીવડાવવા કોન નવરું હોય? સ્ટેશન આખું ધુમ્મસમાં લપેટાયેલું હતું. બેગમાંથી શાલ કાઢીને મેં શરીરે વીંટાળી અને ન છૂટકે વેઈટીંગ રૂમમાંથી બહાર નીકળ્યો. મેં વિચાર્યું કે, પ્લેટફોર્મપર આમથી તેમ થોડા આંટા મારું તો ટાઈમ પણ પાસ થશે અને જરા સ્ફૂર્તિ પણ લાગશે. હું આમથી તેમ આંટા મારવા લાગ્યો. ત્યાં કોઈએ ધીમેથી મારી શાલ ખેંચી.’

‘પપ્પા, તમે તો જાણે કોઈ રહસ્ય કથા કહેતા હો એવું લાગે છે,’પુત્રવધૂએ કહ્યું.

‘અરે, સાચું કહું તો મને પણ બહુ બીક લાગેલી કે, આ ભેંકાર સ્થળે મારી શાલ ખેંચવાવાળું કોણ હશે ! પણ જ્યાં પાછળ ફરીને જોયું ત્યાં આ શું? એક દશેક વર્ષની છોકરી અને એની સાથે એનાં બે નાનાં ભાઈ-બહેન . લગભગ છ ને ચાર વર્ષનાં હશે. ત્રણેનાં ફાટેલ-તૂટેલ કપડાં ને એની પર વીંટેલો એક ખોલી નાખેલો,શણનો કોથળો. આગળથી શરીર અડધાં-પડધાં ઢંકાયેલાં ને પાછળથી ખુલ્લાં. મેં જોયું કે છોકરો તો માત્ર ચડ્ડીભેર જ હતો.’

‘મોટી છોકરીએ શાલ ખેંચી હતી એટલે મેં એની તરફ જોયું. દૂરથી આવતા ઝાંખા પ્રકાશમાં જોયેલી એ બે આંખો હું જિંદગીભર નહીં ભૂલી શકું. આજીજી, વ્યથા, નાનાં ભાંડરડાઓની ચિંતા—કેટકેટલું ભર્યું હતું એ આંખોમાં ! હું હચમચી ગયો. મેં પૂછ્યું, ‘શું છે? કેમ મને બોલાવે છે? કંઈ જોઈએ છે?’

એણે મારા એક્કે સવાલનો જવાબ ન આપ્યો. પણ એકીટશે મારી

શાલ તરફ જોઈ રહી. એકાએક મને શાલનો બોજો લાગવા માંડ્યો. આમ પણ મેં શાલની નીચે સ્વેટ, એની નીચે જાડું શર્ટ અને એની નીચે ગંજી તો પહેર્યાં જ હતાં.

ધીમેથી ખભા પરથી શાલ ઉતારીને મેં એના હાથમાં મૂકી દીધી. એટલા ગાઢ અંધકારમાં પણ ચહેરા પરની ચમક હું જોઈ શક્યો. મનોમન મેં મારી પોતાની પીઠ થાબડી. આ ગરીબ બાળકો માટે મેં કેટલો મહાન ત્યાગ કર્યો હતો !

ટ્રેન સમય પ્રમાણે આવી ગઈ,. વેઈટીંગ રૂમમાંથી સામાન લઈને હું ઝડપથી ટ્રેનમાં ગોઠવાયો. આંચકા સાથે ટ્રેન ચાલુ થઈ ને એકાએક મારી નજર બારીની બહાર ગઈ. પ્લેટફોર્મ પર પેલાં ત્રણે ભાઈ-બહેન નિરાંતે ઊંઘતાં હતાં. હું ખુશ થયો. મારી આપેલી શાલને કારણે જ આ બિચારાં ગરીબ બાળકો શાંતિથી સૂઈ શકે છે. ત્યાં મારું ધ્યાન ગયું કે, પેલી મોટી બહેને તો ફાટેલું કંતાન જ ઓઢ્યું હતું અને પોતાનાં નાનાં ભાઈ—બહેનોનાં શરીર એણે શાલથી ઢાંક્યાં હતાં.

હું શરમથી છોભીલો પડી ગયો. આ નાનકડી બાળાના ત્યાગની સામે મારા ત્યાગની શી વિસાત ! મારું માથું અનાયાસે જ એની તરફ માનથી ઝૂક્યું અને ટ્રેન આગળ વધી.

અત્યાર સુધી મારી વાતમાં વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ સવાલો પૂછી રહેતાં ચારે જણ સ્તબ્ધ થઈને મારી સામે જોઈ રહ્યાં.

(નંદિતા ચૌધરીની અંગ્રેજી વાર્તાને આધારે).

*******

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
1 comments on “મહાન ત્યાગ/આશા વીરેન્દ્ર
  1. vimala કહે છે:

    “પેલી મોટી બહેને તો ફાટેલું કંતાન જ ઓઢ્યું હતું અને પોતાનાં નાનાં ભાઈ—બહેનોનાં શરીર એણે શાલથી ઢાંક્યાં હતાં”.
    મહાન ત્યાગ…

Leave a reply to vimala જવાબ રદ કરો

વાચકગણ
  • 773,186 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો