ભગવાન અસુરોનો વિરોધ કેમ કરે છે? / અભિમાન

ASURO

શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:149 થી 152

 ભગવાન અસુરોનો વિરોધ કેમ કરે છે?

 

સાતમા સ્કંધના પહેલા નવ અધ્યાયોમાં પહેલા નવ અધ્યાયોમાં પ્રહલાદ—ચરિત છે.શ્રીવિષ્ણુના નૃસિંહાવતારની કથા રોચક વિસ્તારથી કરાઇ છે. સ્કંધની શરૂઆત પરીક્ષિતના એક તાત્ત્વિકપ્રશ્નથી થાય છે.’સૌ પ્રત્યે એક સરખી પ્રીતિ અને એક સરખા કરુણાભાવથી જોનાર ભગવાન, દેવોનો પક્ષ લઇને અસુરોનો વિરોધ કેમ કરે છે?’પ્રત્યુત્તરમાં શુકદેવજી તેને નિર્ગુણ અને સગુણ વચ્ચેનો ભેદ સમજાવે છે. ત્રિગુણાત્મક સૃષ્ટિ સરજાઇ એની સાથે જ એના નિયમો આપોઆપ સર્જાયા !ત્રિગુણાત્મક સૃષ્ટિ છે ત્યાં સુધી એ નિયમોનું અધિનત્વ સ્વીકારવું રહ્યું—નિયમાતીત નિર્ગુણે પણ ! આ જ રીતે માયાનો સર્જનાર માયાપતિ જાતે માયાના નિયમોને અનુસરે છે. નાટકનો સૂત્રધાર નાટકના નિય્મોને આધીન છે. તે ફાવે તેમ વર્તે, નિયમોને નેવે મૂકીને, તો નાટક પણ ન ચાલે. આ જ લીલા !સમદૃષ્ટિ ન્યાયાધીશ, ન્યાયે સરજેલ ન્યાયતંત્રની સ્વાધીનતા સચ્ચાઇપૂર્વક સ્વીકારે અને ન્યાયની વિરુદ્ધ વર્તનારને દંડ આપે એના જેવું આ છે. પછી આ વાતને વિશદ કરવા માટે શિશુપાલના મૃત્યુની કથા માંડે છે :

 ‘ભગવાનને ગાળો ભાંડતા શિશુપાલની જીભના કટકા કેમ ન થઇ ગયા? આવી કોઇ સજાને બદલે, મૃત્યુ પછી તેનો આત્મા શ્રીકૃષ્ણના આત્મા સાથે ભળી જતો જોવામાં આવ્યો, એ કેવી રીતે?’ એવા યુધિષ્ઠિરના પ્રશ્નના જવાબમાં નારદ કહે છે:’શિશુપાલ વૈરભાવે પણ કૃષ્ણમય હતો. શરીર હતું ત્યાં સુધી તેની એ કૃષ્ણમયતા ઉપર તેના વૈરભાવનું આચ્છાદન હતું. શરીર પડતાં એ આચ્છાદાન દૂર થઇ ગયું અને કૃષ્ણમયતા મુક્ત બની. શિહુપાલની એ મુક્ત બનેલ કૃષ્ણમયતા, પછી કૃષ્ણ સાથે એકરૂપ થઇ ગઇ. કોઇ કોઇ વાર વૈરભાવમાં જે તન્મયતા હોય છે, વિરોધી વ્યક્તિ સાથે, તે ભકતિભાવમાં પણ નથી હોતી—ભગવાનને માટે !ભક્તિભાવ દાંભિક—દેખાડવા પૂરતો પણ હોઇ શકે; એવો દેખાડો સમાજની દૃષ્ટિએ લાભદાયક નીવડે છે! જ્યારે વૈરભાવ તો નિખાલસ—સચા હૃદયનો જ હોઇ શકે! એમાં દેખાડો કરવાનું કોઇ જ કારણ નથી.

મુદ્દો એક જ છે, ગમે તેમ કરીને ભગવાન સાથે તન્મયતા કેળવવી !ગોપીઓ કામ વાટે, શિશુપાલ આદિ દ્વેષ વાટે, વૃષ્ણીઓ સબંધ વાટે, પાંડવો સ્નેહ વાટે, અને શુકદેવ ભક્તિ વાટે ભગવાન સાથે તન્મય થયા છે.

 શ્રીકૃષ્ણની માસીનો દીકરો શિશુપાલ અને તેનો કૃષ્ણ વિરોધી મિત્ર દંતવક્ત્ર—મૂળ તો ભગવાનના પાર્ષદો જ ને !—(જીવ માત્ર, મૂળતો પરમાત્મા જ ને ?) પછી ભગવાન સાન્નિધ્યમાં જવા ઇચ્છતા સનતકુમારોની એ પાર્ષદોને હાથે રોકણી, સનતકુમારોનો શાપ, ‘વૈરભાવે ભજતાં ત્રણ જન્મે મુક્ત થઇને પુન: આ દિવ્ય સ્થાન પામશો’—એવો શાપ પરિહાર, પહેલાં જન્મતાં દિતિની કૂખે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનું પ્રાગટ્ય, હિરણ્યાક્ષનું વરાહને હાથે મૃત્યુ, ભ્રાતૃઘાતક શ્રીવિષ્ણુ પર વેર લેવા માટે હિરણ્યાકશ્યપની કઠોર તપશ્ચર્યા, બ્રહ્માનું વરદાન, દેવ-દ્વિજ આદિની સતામણી, પ્રહલાદની નિષ્કામ ભક્તિ, પ્રહલાદ ઉપર ત્રાસની પરંપરા…ને અંતે નૃસિંહને હાથે હિરણ્યકશ્યપુનું અકલ્પ્ય સંયોગોમાં મૃત્યુ….

પણ કથાના આ અંગને,શ્રીવિષ્ણુ અવતારની લીલા રૂપે જોઇએ….

 =================================================================

 ABHIMAAN

 અભિમાન

વિશ્વનો સ્વામી એક વિશ્વનાથ છે, ઇશ્વર છે એવી વાતો તો તે દરરોજ સાંભળતો હતો. પોતાનો જ પુત્ર પ્રહલાદ, વિષ્ણુની શક્તિ અને ભક્તિનો મહિમા ચોવીસે કલાક ગાતો.પણ આવી વાતો પર એ હસતો. જગત ઉપર એક જ દૃષ્ટિ કરતાં તેને થતું કે માનવજાતિ ઉપર સાચી હકૂમત હરિની નથી, હિંસાની છે. ઇશ્વર નહિ પણ સંહાર કરવાની શક્તિ એ જ જગતનો સૌથી મોટો દેવ છે !

એટલે એને પણ આવી શક્તિ ખિલવવાની મહત્ત્વકાંક્ષા જાગી અને તે પણ પોતાના નાના ભાઇ હિરણ્યાક્ષને, નસિયતે પહોંચાડનાર વિષ્ણુને પોતાને બતાવી આપવા તેને માટે જરૂરી તૈયારીઓ તેણે કરવા માંડી. એટલે કે તેણે ‘તપ’ કરવા માંડ્યું.

‘તપ’એટલે શક્તિનો સંચય—કોઇ મહાકાર્ય માટેની તૈયારી.

કથા કહે છે કે હિરણ્યકશ્યપુએ એવું તો ઉગ્ર તપ કર્યું કે તેના એ તપના પ્રભાવથી જ્યાં તે તપ કરતો હતો તે ખુદ મંદરાચલ પર્વત પણ તપી ગયો ! અને એનાં શિખરોમાંથી ધુમાડા નીકળવા માંડ્યા !

આવા ભીષણ તપ માટે કંઇ ને કંઇ પારિતોષિક આપ્યા સિવાય બ્રહ્મને છૂટકો જ નહોતો. એ આવ્યા મંદરાચલ ઉપર.

‘શું જોઇએ છે તારે ?’

 ‘અમરતા!’

બ્રહ્મા હસી પડ્યા. રસ્તો ભૂલેલ લાગતો હતો, આ ગૃહસ્થ ! અમરતા જોઇતી હોય તે આમ વર્તે ?એની આરાધના માટે તો કોઇ જુદો જ માર્ગ લેવો ઘટે. મહત્ત્વકાંક્ષાનું તો નામ જ એ માર્ગે હોય નહિ !

 ‘હું દિલગીર છું !’ બ્રહ્માએ કહ્યું.’હું જાતે જ જ્યાં અમર નથી, ત્યા6 તમને અમર શી રીતે બનાવી શકું !’

 ‘તો પછી?’

 ‘કૈંક બીજું માગો !’

અને એ વિચારમાં પડી ગયો. બુદ્ધિ તો એનામાં સારી પેઠે હતી. તક અને યુક્તિ-પ્રયુક્તિનો પણ પાર નહોતો. ઝટઝટ તેણે વિચાર કરી લીધો. ‘પિતામહ !’દાંભિક નમ્રતાથી તેણે ફરી માગ્યું. ‘જો ખરેખર પ્રસન્ન થયા હો તો મને એટલું વરદાન આપો કે આપના સર્જેલ કોઇપણ પ્રાણીથી, ભલે તે મનુષ્ય હોય કે પશુ, દેવતા હોય કે દૈત્ય, કોઇથી પણ મારું મૃત્યુ ન થાય. અંદર કે બહાર, પૃથ્વીમાં કે આકાશમાં, દિવસે કે રાતે, અસ્ત્ર કે શસ્ત્રથી, કશાથી મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં કોઇ મારો સમોવડિયો ન હોય. હું જસમસ્ત બ્રહ્માંડમાં અજેય ચક્રવર્તી સમ્રાટ થાઉં !’

 ‘તથાસ્તુ !’ કહીને બ્રહ્મા અંતર્ધાન થઇ ગયા

. ….અને હિરણ્યકશ્યપુને કોઠે કરાર વળી ગયો કે હાશ !.….. હું અમર થઇ ગયો.

 …..અને ભાગવતે લખ્યું કે એવા એ હિરણ્યકશ્યપુના પ્રતાપે થોડા જ વખતમાં વિશ્વ આખું એક વિરાટ સ્મશાનમાં પલટાઇ ગયું. જ્યાં જુઓ ત્યાં આર્તતા અને આક્રંદ! બ્રહ્મર્ષિઓનાં ગુરુકુલો અને વિદ્યાલયો, રાજર્ષો અને ધર્માસનો વ્યાપારીઓની વખારો અને વણઝારો, કલાધરો અને કારીગરોની સર્જન—પ્રવૃત્તિઓ અને સૌંદર્ય—આરાધનાઓ…. બધાંને તાળાં દેવાઇ ગયાં !

હવે શું કરવું !

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in શીમદ્ ભાગવત

Leave a comment

વાચકગણ
  • 775,731 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો