સત્યનું સ્વાગત

MAKARAND

સત્યનું સ્વાગત

ચિરંતના/મકરંદ દવે/દ્વિતીય આવૃત્તિ:1998/નવભારત

 

       મહાભારતમાં ઘણા પ્રસંગો પોતાની સુંદરતા અને દીપ્તિથી આપણને આકર્ષે છે ત્યારે કેટલાક પ્રસંગો બહારથી એવા વરવા લાગે છે કે એને છીપલાંની જેમ ફગાવી આગળ વધવાનું મન થાય. પણ એનેહાથમાં લઇ  બરાબર તપાસીએ  ને એનાં પડ ભેદી  જોવા પ્રયત્ન કરીએ તો સત્યનું સુંદર મોતી એમાં ઝગારા મારતું હોય છે. આવો એક પ્રસંગ, જેમાં મહાભારતનાં બીજ પડ્યાં છે એ, વ્યાસના નિયોગનો છે. મૂળ કથા ટૂંકમાં નીચે પ્રમાણે છે :

       વિચિત્રવીર્ય યુવાનીમાં જ નિ:સંતાન મૃત્યુ પામ્યો. કુરુકુલની ગાદી ખાલી પડી. ભીષ્મ તો ગાદી સ્વીકારવા માટે કે ગાદીવારસ ઉત્પન્ન કરવા માટે તૈયાર નહોતા. માતા સત્યવતીએ પોતાને પરાશરથી થયેલા પુત્ર કૃષ્ણદ્વૈપાયનને બોલાવ્યા અને નિયોગપ્રથા દ્વારા વિચિત્રવીર્યની પત્નીઓ સાથે સમાગમ કરી પ્રજાતંતુ ચાલુ રાખવાની વિનંતિ કરી. વ્યાસે  માતાની આજ્ઞા માથે ચડાવતાં કહ્યું :

       ‘તારી પુત્રવધૂઓ મારાં વેશ, વિરૂપતા અને ગંધને સહન કરી શકે એમ હોય તો એમને હું તેજસ્વી પુત્રો આપીશ.મારાથી જાતને વરણાગી બનાવીને રંગભવનમાં આવી શકાશે નહિ.’

       માતાએ કબૂલ કર્યું. મહાપ્રયત્ને અંબા અને અંબાલિકાને તેણે તૈયાર કરી. કૃષ્ણ વર્ણ, પિંગલ જટા, અંગારા જેવી આંખો, પીળાં દાઢી—મૂછ અને મત્સ્યની દુર્ગંધ મારતા શરીરવાળા વ્યાસ અંબિકા પાસે આવ્યા ત્યારે તેમને જોઇને જ તેણે આંખો મીંચી દીધી. પરિણામે તેનો પુત્ર ધઋતરાષ્ટ્ર અંધ થયો. અંબાલિકા મુનિને જોઇને પીળી અને ફિક્કી પડી ગઇ. તેનો પુત્ર પીળો-ફિક્કો, પાંડુરોગથી પીડાતો પાંડુ થયો.સત્યવતીએ બીજી વાર અંબિકાને ઋષિ માટે નિયોજી તો તેણે એક દાસીને પોતાને બદલે મોકલી આપી. તેણે ઋષિની વંદના કરી, સત્કારપૂર્વક તેમની સેવા કરી;તેને વિદુર નામનો મહાપ્રાજ્ઞ પુત્ર થયો.

       આપણી સુરુચિને આઘાત કરે એવું આ કથામાં ઘણું છે. પોતાની અને પ્રસંગની વિરૂપતા બતાવીને વ્યાસ એટલું તો કહેવા માગતા નહિ હોય ને કે ભાઇ, સત્યનું સ્વાગત કરવું સહેલું નથી ?સત્યવતીના આ પુત્રને એક નિર્ભેળ, નિર્વસન મૂર્તિમંત સત્ય તરીકે જ સામે આવતા જોઇએ તો ?આપણે પોતે આપણા જીવનમાં તેમનું કેવી રીતે સ્વાગત કરીશું ?સત્યને આપણે કેવું, કેટલું અને કેવી રીતે વધાવીએ છીએ એના ઉપર જ આપણા જીવનની વ્યર્થતા અને સાફલ્યનો આધાર છે.

       વ્યાસ ભગવાન આ કથા દ્વારા જાણે કહે છે : સત્યને ઝીલવું સહેલું નથી. તેનું નિરાવરણ સ્વરૂપ ઉગ્ર અને આઘાતજનક છે. વૈભવ કે વિલાસ સાથે સમાધાન કરી રૂડુંરૂપાળું થવા સત્ય તૈયાર નથી. એ પોતાના સત્ત્વ પર પ્રતિષ્ટિત છે, એને કશી સજાવટની જરૂર નથી. એ જેવું છે તેવા અનાવિલ સ્વરૂપે  આપણા જીવનમાં પ્રવેશવા માગે છે. પણ આ સત્યને ઉઘાડી આંખે જોવા અને તેથી એમનાં કર્મની ગતિ અંધ ધૃતરાષ્ટ્ર જેવી થશે એવું વ્યાસ નિશ્ચિતપણે કહે છે.

       આ જગતની એ કમનસીબી છે કે તેનો કારોબાર હજી સુધી આવા અંધ ધૃતરાષ્ટ્રોના હાથમાં જ રહ્યો છે. ધૃતરાષ્ટ્રનું પહેલું જ વાક્ય ‘મામકા:’ અને ‘પાંડવા:’ ના પક્ષભેદનું છે. મારા અને તારાના અલગ વાડા સિવાય એ બીજું કાંઇ જોઇ શકતા નથી. એની દૃષ્ટિને મમતા ને મોહનો એવો અંધાપો લાગ્યો હોય છે કે તે પક્ષાતીત સત્યને જોતા નથી, ન્યાયને પારખતા નથી. નીતિને સમજતા નથી. અને આવી અંધવૃત્તિના નેજા નીચે પોતાને અજેય માનતો સત્તાનો દુર્યોધન દુ:શાસનની સહાયથી અનાચાર ફેલાવે છે. આવી મહાશક્તિશાળી પણ અંધ મનોવૃત્તિના હાથમાં જ શાસનનો દોર રહ્યો છે પરંતુ સત્યના પ્રાણને, ન્યાયની માગણીને, નીતિના જન્મસિધ્ધ અધિકારને કોઇ કાયમ દબાવી શકતું નથી. ધર્મરાજને હાથે એક દિવસ ધૃતરાષ્ટ્રનું મૂલોચ્છેદન થઇ જાય છે. અને અંધ કર્મની ગતિને તેનો આખરી જવાબ મળી જાય છે.

       સત્યને જોવાની, પારખવાની, સ્વીકારવાની સાફ ના જ પાડી દે એવો એક અંધ વર્ગ છે, તો બીજો એક વર્ગ એવો છે જે સત્ય સામે મીટ તો માંડે છે પણ એને જોઇને પીળો-ફિક્કો પડી જાય છે. એ સત્યને આછું-પાંખું જુએ તો છે પણ સત્ય માટે  જે ભોગ આપવો પડે એ આપવા તૈયાર નથી. આ વર્ગમાં આપણા સંસ્કારી કહેવાતા ને સફળ મનાતા સજ્જનો આવી જાય છે. અંધ ધૃતરાષ્ટ્રની જેમ એ બેશરમ બની સત્તા ઝૂંટવી શકતા નથી કે અન્યાયની સામે થઇ શકતા નથી, પણ પોતાનું અસ્તિત્વ માંડ માંડ નિભાવી લેતા હોય છે.એટલે તેમના જીવનમાં સત્યનું પ્રચંડ તેજ પથરાતું નથી. સ્વાર્પણની જ્વાલા પ્રગટતી નથી પણ માંદલી, અસમર્થ, સુખની ગોદમાં માથું રાખી જેવી જવા માગતી અને પરિણામે મૃત્યુ નોતરતી જિંદગીનું નિષ્પ્રાણ ચિત્ર ખડું થાય છે.

       પરંતુ આ બંનેથી જુદો જ એક વર્ગ છે. રાજરાણીઓના કૃત્રિમ રૂપાભાસ તેની પાસે નથી. સચ્ચાઇની તળ ધરતીમાંથી એ પ્રગટ થાય છે અને સચ્ચાઇને સંકોચ વિના નિર્ભય નેત્રે વધાવે છે. બન્ને બાહુ ફેલાવીને તે સત્યને પોતાના જીવનમાં સ્થાન આપે છે. દાસીપુત્ર હોવા છતાં પણ એનાં કર્મો નીતિજ્ઞોમાં અગ્રણી વિદુર જેવાં પ્રકાશી ઊઠે છે. આવા પુરુષોની વાણી સત્યની નિર્ભયતાથી શોભી ઊઠે છે. કૌરવોની સભામાં સત્યને રજૂ કરતા અને સત્યની રક્ષા કરતા વિદુરની તેજસ્વી મૂર્તિ ત્યારે આપણી સામે તરવરી રહે છે. વિદુર ન હોત તો પાંડવોની લાક્ષાગૃહમાંથી રક્ષા ન થઇ હોત. અને વિષ્ટિનો વૃથા પ્રયત્ન કરી આવ્યા પછી શ્રીકૃષ્ણ પાંડવોને કહે છે કે ભીષ્મ અને દ્રોણ જેવા પણ સાચું કહેવાની હિંમત નથી કરતા ત્યારે એકમાત્ર વિદુર જ સ્પષ્ટ અને સચી વાત કરે છે. આવી સત્યનિષ્ઠા હોય ત્યાં જ શ્રીહરિનો ઉતારો હોય ને !

       વ્યાસ ભગવાને આ કથામાં સત્ય સાથેના આપણા આંતર-નિયોગનું જ આ સનાતન ચિત્ર દોરી આપ્યું છે. સમાજમાં આવા અંધ, પાંડુ અને કર્મવીર દૃષ્ટા જેવા ત્રણ વર્ગો રહેવાના. સંસ્કૃતમાં જોડકા શબ્દો છે તેમાં વિદુર-ભિદુર પણ છે. વિદુર સત્યનું અનુસંધાન કરે છે. ભિદુર વિચ્છેદ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે જ્યાં રાજની અને ધનની શક્તિ છે ત્યાં આવું વિચ્છેદક અંધત્વ છે. જ્યાં સંસ્કારથી દૃષ્ટિ  અરધીપરધી ખૂલે છે ત્યાં કર્યની અસમર્થતા છે પણ જ્યાં સત્યની દૃષ્ટિ અને કાર્યશક્તિનું જોડાણ થાય છે ત્યાં મહાન ક્રાંતિ સર્જાય છે.

       વેદવ્યાસના ત્રણ પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર દ્વારા ત્રિગુણાત્મક પ્રકૃતિની લીલા પણ જોવામાં આવે છે. વ્યાસના આ અનૌરસ પુત્રો છે. અપરા પ્રકૃતિના સંતાનો છે. પણ વ્યાસના ઔરસ પુત્રની વાત જાણીએ છીએ ત્યારે કથાના અખંડ  રસમાં વહેતું તત્ત્વ વધુ સ્પષ્ટ થાય છે. વ્યાસના ઔરસ પુત્ર છે શુકદેવ. એ ગુણાતીત, આત્મારામ, મુક્ત પુરુષ છે. પરા પ્રકૃતિના પ્રતિનિધિ છે. આ પ્રસંગોમાં સત્ય, એના અપર અને પર બંને સ્વરૂપે સંપૂર્ણ રીતે પ્રકાશે છે.      

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “સત્યનું સ્વાગત
  1. rajeshpadaya કહે છે:

    અતિ ઉત્તમ……….અતિ ઉત્તમ…………અતિ ઉત્તમ…………….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 658,610 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: