નાની પાલખીવાલા-આદમકદ આદમી//સુરેશ દલાલ

નાની પાલખીવાલા-આદમકદ આદમી//સુરેશ દલાલ//જન્મભૂમિ-પ્રવાસી રવિવાર, તા.07/09/2008


નાની પાલખીવાલા આધુનિક ભારતનું એક ઉજ્જવળ નામ છે. એ હંમેશાં ભારતના બંધારણની પડખે રહ્યા છે. અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના જાણકાર. બજેટના નિષ્ણાત, અદભુત વક્તા. કરવેરાના માળખાને પૂરેપુરું ઓળખનારા અને પૃથક્કરણ કરનારા. અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે રહી ચૂકેલા. ગયે વર્ષે જીવનકથાના આલેખનમાં નિષ્ણાત એવા આપણા મહત્વના પત્રકાર એમ.વી. કામથે નાની પાલખીવાલાની દળદાર જીવનકથા લખી છે. પારસીઓ ભલે સંખ્યામાં ઓછા હોય , પણ આગળ પડતા અને દિલદાર માણસો છે. હું આટલાં વર્ષોથી મુંબઇમાં રહું છું અને છતાં મેં એક અપવાદ સિવાય ક્યારેય પારસી ભિખારી જોયો નથી. એનું કારણ એ છે કે ઓછી સંખ્યામાં હોવા છતાં પારસીઓએ મોટી સખાવત કરી છે. એ લોકો આપવામાં માનેછે.લઇ લેવામાં કે લૂંટવામાં માનતા નથી. સમજણો થયો ત્યારથી પારસીઓનાં મોરચા કે હુલ્લડો જોયાં નથી. શાંતિપ્રિય અને ખુશદિલ પ્રજા છે. આ પ્રજા પર જે.આર.ડીતાતાના આશીર્વાદ છે. સૂર્યના અને પંચમહાભૂતના ભક્તો છે. આ પ્રજા એવી છે કે એમણે અંગ્રેજોનાં વાણી ને વહેવારને આત્મસાત કર્યાં છે, પણ એનું અનુકરણનથી કર્યું.આપણી ભાષામાં ચાલતું ‘મુંબઇ સમાચાર’ એ જૂનામાં જૂનું અખબાર છે.નાની પાલખીવાલા પારસી છે, પણ પહેલાં ભારતીય છે અને પછી પારસી છે.ભારત માટે એમને પારાવાર પ્રેમ હતો.
એક અંગત ઉલ્લેખ ક્ષ્મા સાથે કરું છું.1978માં હુ6 પહેલી વાર અમેરિકા ગયો.પન્ના નાયકના ઘેર ફિલાડેલ્ફિયા ગયો. ત્યાંથી થોડા દિવસ માટે કેનેડા ગયો. ત્યારે કેનેડામાં મને પન્નાનો ફોન આવ્યો કે અમારે ત્યાં આપણા એમ્બેસેડર નાની પાલખીવાલાનો ફોન હતો અને એમણે જુલાઇની અમુક તારીખે વૉશિંગ્ટનની લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસમાં આર્કાઇવ્ઝ માટે તારી કવિતાનું મુક સમયે રેકર્ડિંગ ગોઠવ્યું છે.7.35 એ.એમ. હું પાલખીવાલાને ઓળખતો હતો,પણ પાલખીવાલા મને ન ઓળખે એ સ્વાભાવિક છે, તો કઇ રીતે એ જાણી શક્યા હશે કે હું અમેરિકામાં છું અને સાહિત્ય સાથે સંકળાયેલો છું?એ વિસ્મય હજી પણએવું અકબંધ છે. એકાદ વાર એમની સાથે સ્ટેજ પર બેઠો હતો ત્યારે પણ એમને આ પૂછવાનું ઊચિત ન લાગ્યું. આવા માણસો રાજકારણમાં હોય તો ભારતનો ચહેરો બદલાઇ જાય, કારણકે આ બધા એવા માણસો છે, જેમને રૂપિયાનું મહત્ત્વ સમજાય છે, પણ એમને રૂપિયાના મમત્વનો કાટ નથી લાગતો. નાની પાલખીવાલાનો જન્મ 16/01/1920ના દિવસે અને મરણ 11/12/2000. એ બોલતા ત્યારે મેદનીને પૂરમાં તાણી જતા. એમની વાણીની કોઇ અજબગજબની મોહિની હતી. બહુમુખી પ્રતિભા હતી અને એને કારણે એમને અનેક વિદ્યાપીઠો પદવીદાન સમારંભમાં કોંવૉકેશન એડ્રેસ આપવા આમંત્રણ આપતી. નાની પાલખીવાલા મરણ પામ્યા એ પહેલાં એમણે રૉબર્ટ યેન ટેસ્ટનું જે લખાણ વાંચેલું એ પ્રમાણે પોતાની ઇચ્છાને માન આપવા માટે આટલું કરવાની વેનંતી કરી હતી. લખાણનો સૂર આ પ્રમાણે છે . મને યાદ રાખવો હોયતો….
જે માણસે કદીય સૂર્યોદય જોયો નથી કે બાળકનો ચહેરો કે પ્રેમમાં પડેલી સ્ત્રીની આંખો જોઇ નથી એને મારી દૃષ્ટિ આપજો.
જે માણસના હૃદયમાં પોતાના હૃદયને કારણે કશું જ નહીં, પણ પારાવાર વેદના હોય એને મારું હૃદય આપજો.
જે માણસ અક્સ્માતમાં ઘવાયો હોય અને હજી જુવાનીમાં પગ મૂકતો હોય એવા કિશોરને મારું રક્ત આપજો જેથી એ એના પૌત્રને રમતા જોઇ શકે.
જે માણસને કિડનીની સલામતી માટે દર અઠવાડિયે મશીનનો સહારો લેવો પડતો હોય એને મારી કિડની આપજો.
જરૂર પડ્યે તો મારાં હાડકાં, તમામ સ્નાયુઓ, મારા શરીરમાં જે કાંઇ શેષ ઉપયોગનું હોય તે બધાનો કોઇ અપંગ બાળક ચાલી શકે એ માટે ઉપયોગ કરજો.
મારા મગજના ખૂણેખૂણા તપાસજો, એમાંથી જરૂર પડે જે કંઇ લેવું હોય તે લઇ લેજો જેથી કોઇ અવાક બાળક બોલી શકે અને બહેરી કન્યા એની બારી પર પડતાં વરસાદનાં ટીપાંનો ઝરમર ધ્વનિ સાંભળી શકે.
મારું જે કંઇ બચ્યું હોય એ બાળી નાખજો અને એ રાખને પવનમાં વેરી દેજો જેથી ફૂલો ઊગી શકે.
જો કશુંક દાટવું હોય તો મારા દોષ, મારી નબળાઇઓ અને મારા સાથીદારો પ્રત્યેના પૂર્વગ્રહોને દાટજો.
મારાં પાપ શયતાનને સોંપજો.
મારો આત્મા પરમાત્માને.
જો તમે મને યાદ રાખવા માગતા હો તો કોઇ પ્રત્યે દયા-માયાથી વળગજો અને જેને હૂંફાળા શબ્દોની જરૂર હોય તે એને આપજો.
મેં જે ઇચ્છ્યું છે એવું તમે કરશો તો કદાચ હું હંમેશાં જીવી જઇશ.
નાની પાલખીવાલા જ્યારે બીમાર હતા અને પથારીવશ હતા ત્યારેઅદ્યાત્મવિદ્યાનાં એક જાણકાર બહેને કહ્યું હતું કે ભલે એ આજે પોતાની ઘરની પથારીમાં છે, પણ નાનીનો જીવ તો એના અભ્યાસખંડમાં છે. એના ખંડમાં શ્રીઅરવિંદ અને શ્રી માતાજીની છબિ છે. નાની પાલખીવાલા બહુ મોટા ગજાના વાચક હતા. ફૂલો અને પુસ્તકોના શોખીન હતા. પ્રત્યેક ફૂલને એ નામથી ઓળખતા.નાનપણમાં કબીરના દોહા એમને ગમતા.અંગ્રેજી સાહિત્યના મુખ્ય કવિઓનાં નામ એમની જીભને ટેરવે રમતાં. જિંદગીના એ આદમકદ આદમી હતા.
.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
1 comments on “નાની પાલખીવાલા-આદમકદ આદમી//સુરેશ દલાલ
  1. વડીલ નાની પાલખીવાલા અંગે અદભુત માહિતી વહેંચવા બદલ આભાર .

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો