ajwaalaamaa…

 

 

AJWALAAMAA ANE ANDHAARAAMAA

અજવાળામાં  અને અંધારામાં

અમાસના તારા/કિશનસિંહ ચાવડા/ગૂર્જર/પાના નં:304થી 309

       અજવાળામાં

નવી દિલ્હીને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. એના ઉપર પંજાબી સંસ્કારિતાની અસર છે. ઉત્તર પ્રદેશની સભ્યતાનું સૌંદર્ય પણ એમાં છે. દિલ્હીની પોતાની મૌલિક ખૂબી અને ખુશ્બુથી પણ એ ક્યારેક મહેકે છે, પણ આ સર્વની ઉપર સદોદિત છવાઇ રહેલું ચક્રવર્તી રાજ્ય તો સાહેબશાહી સંસ્કૃતિનું ચાલે છે. આ છે જત રહેલા અંગ્રેજોની સભ્યતાનું ખંડેર,સાહેબલોકોના જીવનનો એંઠો અવશેષ.સ્વાભાવિકતા અહીં સ્વાર્થની કીર્તિની નીચે કચડાય છે,એટલે કૃત્રિમતાનું અહીં મોટું ચલણ છે. સત્તા આ શહેરની સામ્રાજ્ઞી છે. સૌજન્ય અહીં હરિજન છે. ભલાઇની ભવ્યતા માત્ર ભાષણો માટે છે. બલિદાન કાવ્યનો વિષય છે. સત્યનું તો અહીં સપનું છે.

   આવું આ બહુરૂપી શહેર પહેલા દર્શને બહુ આકર્ષક લાગે છે. પહેલી મુલાકાત બહુ ગમી જાય છે. પણ જેમ જેમ લાંબું રહો,એને પચાવતા જાઓ,સ્વાર્થના સંઘર્ષમાં અથડાતા જાઓ, એની આ સાહેબશાહી સભ્યતાના ભોગ  અથવા ભાગ બની રહો, ત્યારે જ અદ્ ભુત લાગતી આ નગરી અળખામણી બનતી જાય છે.

       આજે એક ચા પીવા જવાનું  નિમંત્રણ  હતું. જેમને ત્યાં જવાનું હતું એ મોટા અફસર હતા. વિશાળ બંગલો હતો. એનો બાગ ઊડીને આંખે વળગે એવો નમણો હતો. કુસુમોની છટા રંગદર્શી હતી. ગુલાબની મીઠી સુગંધથી વાતાવરણ ભર્યુંભર્યું હતું. હતું તો નમતું બપ્પોર, પણ ગુલાબી ઠંડીને કારણે સવાર જેવું જીવનદાયી લાગતુ6 હતું. બાગમાં બેઠકો હતી. બીજા પણ મિજબાનો હતા. યજમાને ચા મંગાવી. ચા પીવાતી હતી. વાતોના વિષયનો પટ નેહરુથી માંડીને યજમાનની પુત્રી નયના સુધી લંબાયો હતો.

  “દિલ્હી રાજ્યની ધારાસભ્યની છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસને ભારે શિકસ્ત મળી.” એક કૉંગ્રેસવિરોધી જનસંઘીએ કહ્યું.

    “પણ કૉંગ્રેસની સત્તા ઓછી નબળી પડી છે? જુઓને સી.સી.દેસાઇ સીલોન હાઇકમિશનર તરીકે  ગયા કે તરત એમનો બંગલો વિજ્યાલક્ષ્મી પંડિતને મળી ગયો. આટલો મોટો બંગલો એ એકલી બાઇને શું કરવો છે?” દિલ્હીમાં ઘર માટે વલખાં મારતા એક પત્રકાર બોલી ઊઠ્યા.

   “અરે એ તો ઠીક. આ વખતે રેડિયો સ્ટેશન ડિરેકટરની જગ્યા માટે અરજી કરી હતી. પણ એમાં પબ્લિક સર્વિસ કમિશને એક મિનિસ્ટરની ભાણેજ  તરફ પોતાની મહેરબાની ઢોળી દીધી.” કૉલેજના એક પ્રોફેસરે હાયવરાળ કાઢી.

   “પરંતુ અમારા આ સાહેબ સારા છે. જ્યારે કહીએ ત્યારે કામ કરી આપે છે. બાબુજી, આ સંદેશ લ્યો. અમારી પાડોશની દુકાનેથી હું ખાસ તૈયાર કરાવીને લાવ્યો છું. આજની સામગ્રી બધી મારે ત્યાં જ લગભગ બની છે.” એક શેઠિયા જેવા લાગતા દિલ્હીના લાલાજીએ હસીને વાત કરી દીધી.

 

હું બીજી તરફ અમારા યજમાન સાથે વાત કરતો હતો. પણ એ બેચેન હતા. કોઇની રાહ જોતા હતા. એટલામાં એક નેતા જેવા દેખાતા ખાદીધારી ગૃહસ્થ આવી પહોંચ્યા. લગભગ અડધા ઉપરાંત માણસો ઊભા થઇ ગયા. હું પણ સૌની સાથે ઊભો થઇ ગયો. એ તો પાર્લમેંટના સભ્ય હતા અને તરત જ પાછળ એક ત્રિરંગી ઝંડો ફરકાવતી મોટી મોટર આવી પહોંચી. યજમાને દોડીને બારણું ઉઘાડ્યું.દેવ પધાર્યા હોય તેમ ભક્તો ઊભા થઇને હાથ જોડી રહ્યા. સૌને ઓળખાણ કરાવી કે આ આપણા ડેપ્યુટી મિનિસ્ટર છે.

   મિનિસ્ટર તરત જ પાર્લમેંટના સભ્ય સાથે વાતે વળગ્યા:”કેમ, તમારા પ્રશ્નનો તમારે કઢાવવો હતો એવો જ જવાબ આપ્યોને!”

   “તમે બહુ મહેનત કરો છો આજકાલ. મોડી સાંજ સુધી ઑફિસમાં બેસો છો.” પેલા સભ્યે વખાણનું વલણ દેખાડ્યું. એક પછી એક રસગુલ્લાં એમના મુખમાં જતાં હતાં.

   “અરે અમારી તો કંઇ જિંદગી છે. મહેનત કરીને મરી જઇએ.કીર્તિ માટે મિનિસ્ટર અને પગાર અમને એમના કરતાં અડધોય નહીં.”પેલા ડેપ્યુટીએ વાત કરીને ચિરૂટનો જોરથી દમ લગાવ્યો.

 

    એટલામાં એક નાની મોટર આવી. અંદરથી એક જુવાન બાઇ ઊતર્યાં. પોષાક હિંદી હતો. પણ ઠાઠ બધો જ યુરોપીય. અરે, આ તો યજમાનના પત્ની હતાં. સૌએ ઊભા થઇને જયજયથી વધાવી લીધાં. મોડા આવવા માટે માફી માગી. પોતાની મીટિંગ મોડે સુધી ચાલી તેની ફરિયાદ કરી. એ બાઇએ ચા પીધી ન પીધી ત્યા6 એમના પતિએ કાનમાં કંઇક કહ્યું. એમણે તરત આયાને બૂમ પાડીને પોતાની પુત્રી નયનાને બોલાવી. ઢીંગલી જેવી છોકરી મનોરમ હતી.એની પાસે નૃત્ય કરાવ્યું. મહેમાનોએ એ બાળામાં ભવિષ્યની મહાન નર્તિકા ભાળી.

    ચા પૂરી થવા આવી. મહેમાનો ધીરે ધીરે વીખરાવાં માંડ્યાં. નિકટનાં બેચાર સ્વજનો રહ્યાં. સાંજ નમી પડી હતી. યજમાનપત્ની સૌને પોતાની બેઠકમાં અંદર લઇ ગયાં. પીણાની પૂછપરછ થઇ અને શરાબના, શરબતના પ્યાલાઓની બહારે વાતાવરણને ભરચક કરી દીધું.

   થોડી વારે એક ફોન આવ્યો. યજમાનપત્નીને બીજી મીટીંગમાં જવાનું હતું. થોડી વારે મોટરમાં  આવીને એક ગૃહસ્થ એમને લઇ ગયા. જતાં જતાં આયાને બોલાવીને બાળકોને ખવડાવવા—પિવડાવવાની સૂચનાઓ આપતાં ગયાં. હવે રહ્યાં અમે ત્રણ જણાં. યજમાન, એમનાં એક સ્ત્રીમિત્ર અને  હું. ધીરે રહીને અમારા યજમાને મને કહ્યું કે તમે અમારા મિનિસ્ટરને ઓળખો છો. તમે એક વાત એમના અંતરમાં વસે એ રીતે કહો તો હું આભારી થઇશ. જિંદગીભરનો. હમણાં અમારા ખાતામાં ઉપરની એક જગા ખાલી પડવાની છે. એ મને જ મળે એટલું તમારે કરવાનું.એમ કહીને  મારો હાથ દાબ્યોને આખો ગ્લાસ ગટગટાવી  ગયા.

        બન્ને મિત્રો એક પછી એક ગ્લાસ પૂરો કરતા હતા. મેં આખરે રજા માગી. યજમાને કહ્યું કે હું તમને ઘેર ઉતારી જઇશ. મેં કહ્યું કે આજે બિલકુલ ચાલ્યો નથી માટે ચાલીશ જરા. મેં ચાલવા માંડ્યું. આખે રસ્તે જાણે સ્વાસ રૂંધાતો હોય એવી મૂંઝવણ થયા કરી. પેલા શરાબની દુર્ગંધ જાણે સાથે આવતી હતી.

 

                     અંધારામાં

આથમી ગઇ હતી સાંજ. રાત પડતી હતી. અંધારિયું હતું. નવી દિલ્હીની અપંગ રોશનીનો અંધારાને હિસાબે હિસાબ નહોતો. શિયાળો હતો. ઠંડી કહે કે મારું રાજ્ય; કૉંગ્રેસનું નહીં. નવ વાગી ગયા હતા. શાહજહાં રોડ ઉપર મારા વિના બીજું કોઇ માણસ દેખાતું નહોતું. કોઇપણ જાતના વાહનનો પત્તો લાગતો નહોતો. બસ માટે થોડી વાર થોભ્યો, પણ એનું ય નામનિશાન નહીં. મેં આકાશ ભણી જોઇને ચાલવા માંડ્યું.એકબે ઝબકતા તારાનો સાથ લીધો. સપ્લાય ઑફિસ કે જ્યાં દિવસે વસ્તીનો પાર નહીં ત્યાં ચકલુંય ફરકતું નહોતું. મારે આખો શાહજહાં રોડ પાર કરીને છેક  કર્ઝન રોડ સુધી પહોંચવું, ઇંડિયા ગેટ પર પહોંચું તો કંઇક વસ્તી મળે. કર્ઝન રોડ સુધી પહોંચવું. ઇન્ડિયા ગેટ પર પહોંચું તો કંઇક વસ્તી મળે. ચાલને જરા તેજ કરી. ત્યાં ધોળપુર હાઉસથી  જરા આગળ એક ઝાડની નીચે અંધારે બે માણસો દેખાયાં. પાસે જૈને જોયું તો એક સ્ત્રી અને પુરુષ.ત્રીજી હતી સાઇકલ. બાઇએ બગલમાં બાળક દબાવ્યું હતું. પુરુષ જુવાન હતો. સાઇકલ સાથે માથાઝીક કરતો હતો. મેં પાસે જઇને કહ્યું કે કંઇક  મદદ કરું? જુવાન જેવો જુવાન બિચારો લાચાર થઇને બોલ્યો:“બાબુજી, સાઇકલને પંકચર થયું છે. અમે બન્ને પતિપત્ની કામે ગયાં હતાં. ત્યાં જ આને થોડાક કલાક પહેલાં  બાળક અવતર્યું. હું એને સાઇકલ પર પાછળબેસાડીને લઇ જતો હતો ત્યાં સાલું આ પંકચર પડ્યું. નસીબ બે ડગલાં આગળ ને આગળ.”

  એટલામાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. મેં કહ્યું:”કોઇ ટાંગો આવતો હોય તો હું તારી પત્નીને ઘેર પહોંચાડું. તું સાઇકલને લઇ ચાલતો આવી પહોંચ.”

”બાબુજી, અમે ગરીબ માણસ ટાંગાના પૈસા ક્યાંથી લાવીએ? આ જૂનીપુરાણી સાઇકલનું 13 રૂપિયાનું દેવું પણ હજી નથી અપાયું” પેલા બિચારાએ દીન વાણીમાં કહ્યું.

મેં કહ્યું:”તું ગભરા નહીં. પૈસા હું આપીશ.”

એટલામા6 ટાંગો આવ્યો. ખાલી જ હતો. ટાંગાવાળો ગઝલ લલકારતો વાતાવરણની શૂન્યતા પડકારતો હતો. મેં ઠરાવીને પેલી બાઇને પાછળ બેસાડી. ટાંગાવાળા સાથે હું બેઠો. ટાંગો ચાલ્યો. આઠદસ વળાંક પછી એક બંગલાના પાછલા ભાગમાં જ્યાં નોકરોની ઓરડીઓ હોય છે ત્યાં પેલી બાઇ એ ઊભો રખાવ્યો.

   મેં પેલી બાઇને ઊતરીને કહ્યું:”હવે તને હરકત ન હોય તો હું જાઉં. ટાંગાવાળાને હું ચૂકવી દઇશ. લે આ.”કહીને મેં પાંચ રૂપિયાની નોટ પેલી બાઇના હાથમાં મૂકી.

   “હું નહીં લઉં; અને તમે પણ બાબુજી, રોકાઓ, મારો ઘરવાળો આવે પછી જ જાઓ.” એણે ટાંગાવાળાને કહ્યું:”ભાઇ, જરા સામે રોકા.”

 

     બાળકને ઓટલે મૂકીને એણે અંધારામાં જ ઓરડીનું તાળું ઉઘાડ્યું. અંદર જઇને દીવાસળી શોધી કાઢી. ગ્યાસલેટનો ખડિયો ચેતાવવા મહેનત કરી પણ ખડિયામાં ગ્યાસતેલ જ ના મળે. એક ડબ્બો ઉઘાડીને અડધી મીણબત્તી કાઢી એણે ચેતાવી. હું ઊભો જ હતો. બાઇએ અંદર દોરીનો તૂટેલો ખાટલો હતો તેના ઉપર એક મેલું લૂગડું બિછાવી મને બેસવાનું કહ્યું. પણ મેં કહ્યું :”હું જરા બહાર ફરું છું, પણ આ બંગલો કોનો? અને પાછળ ક્યો રસ્તો?

   “આ બંગલો સંગતબાબુનો અને પાછલો રસ્તો બારાખંભા રોડ.” બાઇ જવબ મને આપતી હતી પણ મીણબત્તીના અજવાળામાં બાળકનું મુખ જોતી હતી.

 

   અરે! આ તો મારા તે દિવસના યજમાન અફસરનો બંગલો. હું સાંભળું તે જ રીતે મારું મન બોલ્યું:”આગલે બારણે અજવાળામાં દંભની દીવાનગીરી ચાલે, પાછળ દરિદ્રનારાયણની  ગરીબનવાજી જીવે. કુદરત પણ કમાલ છે.”

 

   એટલામાં પેલો પુરુષ આવી પહોંચ્યો. મને જોઇને ગદ્ ગદ થઇ ગયો.એણે અવાજ કર્યો કે બાબુજીને બેસાડ્યા પણ નહીં મેં જ ઉત્તર આપ્યો કે મારે જરા બહાર આંટા મારવા હતા.

   “અરે જુઓ તો આનું મોઢું તો તમારા જેવું લાગે છે !” સ્ત્રીનો મધુર આશાભર્યો અવાજ આવ્યો.

   “બાબુજી, આ અમારો પહેલો દીકરો છે.”ને દોડ્યો મુખડું જોવા.જોઇને બોલ્યો: ‘અરે, જા,જા, મોઢું તો બરાબર તારા જેવું છે.”

   “સાંભળ્યું, બાબુજીને જરા ગોળ આપો. મોઢું મીઠું કર. એમના આશીર્વાદથી આ આપણો રાજા મોટો થઇ જાય.” સ્ત્રીના અવાજમાં માતાનું વાત્સલ્ય અને મધુરતા નીતરતાં હતાં.ચહેરા પર ત્રિભુવનના રાજ્યની ખુમારી હતી.

પેલી પાંચ રૂપિયાની નોટ પેલા પુરુષના હાથમાં ધરી.

   એણે આશ્ચર્ય પામીને કહ્યું: “ આ શું?” મેં કહ્યું:”હું પણ બાળકનો કાકો થાઉં. મારે કંઇ આપવું જ જોઇએ ને ! એનું મોઢું જોઇને ખાલી હાથે કંઇ જવાય !”

    હું ઓટલાનાં પગથિયાં ઊતર્યો ત્યારે પેલાં બે, પતિપત્ની સાથે ઊભાં હતાં:અંધારામાં એકતાના અવતાર જેવાં ટાંગામાં બેસીને પેલી ગોળની કાંકરી મોઢામાં મૂકી. આજે વાણી બોલતી નહોતી, પણ અંતર પ્રફુલ્લ હતું. શ્વાસમાં જિંદગીની  ખુશ્બુ હતી. પૃથ્વી પર અમીરીને આહ્વાનરૂપ આવી ગરીબી છે,ત્યાં સુધી પુણ્ય પરવાર્યું નથી.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો