BALIDAN ANE……

 બલિદાન અને સમર્પણ

અમાસના તારા/કિશનસિંહ ચાવડા/ગૂર્જર/પાના નં:10 થી15 આવૃત્તિ પાંચમી/પુનર્મુદ્રણ:2010

 અમારી કુળદેવી સિંધવાઇ માતાના મંદિરમાં વરસે બે વાર હવન થતા. એક અનંતચૌદશે અને બીજો દશેરાએ. વિજયાદશમીનો હવન સાદો થતો, પન અનંતચૌદશના હવનમાં બકરાનો બલિ અપાતો. શ્રાવણની અમાસની આસપાસ અ બકરાની ખરીદી થતી. પછી અનંતચૌદશ સુધી ખવડાવી પિવડાવી, સુખચેનમાં રાખી એને મસ્ત બનાવાતો. બકરો મામાને ત્યાં બંધાતો. મામાનું ઘર અમારી પાડોશમાં એટલે મામાનાં છોકરાંઓ સાથે બકરાને મસ્ત બનાવવામાં હું પણ નિરાંતે ભાગ લેતો. અનંતચૌદશની વહેલી સવારે અમે છોકરાઓ આનંદપૂર્વક એને દોરીને માતાને મંદિરે લઇ જતા. મોટેરાંઓ તો બધાં પાછળથી હવનને વખતે આવતાં. ત્યાં સુધી અમારી ખુશીનો સાથી આ બકરો બનતો. આઠ—સાડાઆઠે છગન મહારાજ આવીને હવનની તૈયારી કરતા. નવ—સાડાનવે હવન શરૂ થતો. હવનમાંહવનમાં યજમાન તરીકે ઘણુંખરું મામા બેસતા.

જે વરસની આ વાત છે તે વરસે ચોમાસું બહુ સારું હતું. સૌનાં મન પ્રફુલ્લ હતાં. એ દિવસે નાસ્તાની પણ સારી સારી વસ્તુઓ આવી હતી. અમારી ખુશીનો પાર નહોતો. અમે બાળકો જાતજાતની રમતો રમતા હતા. એમાં મારી અને મામાના દીકરાની વચ્ચે તકરાર થઇ ગઇ. એણે છુટ્ટો પથ્થર એટલા જોરથી મને માર્યો કે માથું ફૂટી ગયું. કોઇક દોડ્યું બાપુજી પાસે. બાપુજીની સાથે ફુઆ પણ દોડતા આવ્યા. મંદિરની પૂજારણ પણ બહાર દોડી આવી. મારા માથામાંથી લોહી વહેતું હતું. પૂજારણ ઘરમાંથી ઘાબાજરિયું અને થોડું રૂ લઇ આવી. ફુઆએ પોતાનો દુપટ્ટો ફાડીને પાટો તૈયાર કર્યો અને ઊંડા પડેલા ઘામાં ઘાબાજરિયું પૂરીને બાપુજીએ પાટો બાંધી દીધો. બાપુજીનો દુપટ્ટો લૂછીલૂછીને આખો લોહીવાળો થઇ ગયેલો. આ બનાવે અમારી રમત બંધ કરાવી દીધી. છોકરાઓ શાંત અને ડાહ્યા થઇને મંદિરને ઓટલે બેસી ગયા. હું બાપુજીની સોડમાં લપાઇ ગયો.

 હવન આગળ વધતો જતો હતો. નાતના લગભગ બધા માણસો આવી ગયા હતા. છેલ્લાં ત્રણચાર વરસથી ચર્ચાતો બલિનો સવાલ પાછો ચર્ચાવા માંડ્યો. ધર્મશાસ્ત્રની વાતો કરીને આ બલિ અપાવો બંધ થવો જોઇએ એવો બાપુજીનો આગ્રહ હતો. મામા, ફુઆ અને બીજા ઘણા માણસો બલિની તરફેણમાં હતા. એમના મનમાં એવો ભય હતો કે બલિ બંધ કરવાથી માતા નારાજ થશે અને કદાચ જો ક્રોધે ભરાશે તો આખી નાતમાં રોગ ફાટી નીકળશે ! એટલે બલિ તો અપાવો જ જોઇએ. બાપુજીએ સમાધાનનો એક નવો જ રાહ સૂચવ્યો. એમણે કહ્યું કે જો બલિ આપવો જ હોય તો બકરાનો કાન કાપીને માતાને નામે છ્ટો મૂકી દેવો, એને વધેરવાની જરૂર નથી. જીવણસિંહકાકાએ આનો પણ સખત વિરોધ કર્યો. એ તો માતાજીના ભક્ત હતા. માતાજીના પ્રસાદમાં શ્રધ્ધાપૂર્વક માનતા . માતાજીના બલિનો પ્રસાદ એમને મન મોટો આશીર્વાદ હતો અને પરંપરાથી ચાલતી આવેલી આ રૂઢિને બદલવાની એ સખત વિરુધ્ધ હતા.

 આ પ્રસાદનો મહિમા અમારી આખી નાતમાં વિસ્તર્યો હતો. અમારા ઘરમાં પણ એની હસ્તી હતી. બાપુજી માંસાહારી નહોતા, શુધ્ધ શાકાહારી હતા. એટલે અમારા ઘરમાં બરેમાસ શાકાહાર થતો પરંતુ અનંતચૌદશે બે રસોડાં થતાં. એ રાતે જુદે ચૂલે માતાજીનો બલિ પ્રસાદ રંધાતો.બાપુજી વિન ઘરમાં અમે સૌ આનંદથી એ લેતાં. મામાને ત્યાં એ રાતે ઉત્સવ થતો. એમને ત્યાં સૌ માંસાહારી હતાં, એટલે એમને ત્યાં ઊલટી અમારે ત્યાં પ્રસાદની થાળી આવતી. બીજા બાપુજીના મિત્ર અને ભાઇ ઠાકોરસિંહકાકા હતા. એમને ત્યાં એમની કુટુંબની દેવી આગળ પણ બકરાનો બલિ અપાતો, એટલે એમને ત્યાંથી પણ પ્રસાદની થાળી આવતી.    બાપુજીને આ બિલકુલ ગમતું નહીં. એમની ગમગીનીનો પાર રહેતો નહીં. આ ગમગીની ઢાંકવા એઓ દર અનંતચૌદશે અમારે ત્યાં ભજન કરવતા. નાતમાં બીજા ચારપાંચ માણસો એવા હતા જેમને બાપુજીની વાત ગળે ઊતરતી. બાપુજીને એ ટેકો પણ આપતા, પરંતુ જીવણસિંહકાકાનો વિરોધ ઉઘાડે છોગે કરવાની એ લોકોની હિંમત ચાલતી નહીં.

 બાપુજી જેમ ભક્ત અને સાચા માણસ તરીકે ઓળખાતા તેમ જીવનસિંહકાકાનું નામ એ ગમે તે કરી શકે એવા બળવાન માણસ તરીકે જાણીતું હતું. નાતમાં તો એવી પણ વાતો ચાલતી કે એ ચોરીનો માલ પણ સંઘરતા. કોર્ટમાં ખોટા સાક્ષીઓ ઊભા કરતા અને શત્રુઓને ગમે તે ભોગે અને ગમે તે રીતે હરાવવામાં પાછી પાની કરતા નહીં. એટલે એ દિવસની ચર્ચામાં બાપુજીનો સમાધાનનો મુદ્દો પણ ઊડી ગયો.

હવન લગભગ પૂરો થવાની તૈયારીમાં હતો. બલિ વધેરવાની વેળાય થવા આવી હતી. મામાની તલવાર પાસે જ પડી હતી. બલિને વિશે એક પરંપરાગત એવી પણ કહાણી હતી કે બલિ એક જ ઘાથી વધેરી શકાય તો જ માતાજીને પહોંચે અને માતાજીએ એનો સ્વીકર કર્યો છે એમ મનાય.એટલે એક જ ઝાટકે બલિ વધેરાઇ જવો જોઇએ એની ખૂબ કાળજી રખાતી. મામા અગાઉથી તલવાર સજાવી રાખતા. એમની તાકાત પણ ઘણી હતી. હિંમતમાં તો એમની જોડી નહોતી. મધરાતે ત્રણ ચોરોનો એમણે એકલાએ તલવારથી સામનો કરેલો અને ચોરોને નસાદેલા. એમની આ શક્તિ અને બહાદુરી જોઇને જ નાતના પંચે હવનના યજમાન તરીકે એમની વરણી કરેલી. બલિ અપાતી વખતે છગન મહારાજ મંદિરના ગર્ભદ્વારમાં માતાજી પાસે ચાલ્યા જતા. એમનાથી આ દૃશ્ય જોવાતું નહીં. એમણે બલિ વધેરવાની ક્ષણની ઘોષણા કરી અને હવન છોડ્યો. પૂજારણે ગર્ભદ્વારમાં આરતી શરૂ કરી. છોકરાઓએ ઘંટ અને નગારાં વગાડવાં શરૂ કર્યાં. મોટેરાઓ હાથ જોડીને ઊભા થઇ ગયા. બલિને હવન પાસે લાવવામાં આવ્યો. મસ્ત બલિના ગળામાં ફૂલનો હાર હતો. કમ્મરે લાલ નાડાછડીનો દોરો બાંધ્યો હતો. કપાળે કંકુનું તિલક હતું. દોરીથી બાંધેલા એ બલિને હવનની આગળ માતાજી બની મુખ રાખીને ઊભો ક્કરવામાં આવ્યો

“સિંધવૈ માતાની જય “નો પોકાર હવામાં ઊછળતાંની સાથે મામાની તલવારે બલિ ઉપર જનોઇઘા કર્યો. દર વખતે તો એક જ ઘાએ બલિનું માથું ઊડીને હવનમાં આપોઆપ જઇ પડતું, પણ આ ઘાથી મામાની તલવાર બલિના શરીરને સોંસરું વીંધવાને બદલે અંદર જ ફસડાઇ પડી. બકરાની કરુણ ચીસ નીકળી ગઇ. મામાએ જોર કરીને તલવાર પાછી કાઢી અને બીજા ઘાએ બલિનું માથુ6 ધડથી જુદું કરી નાંખ્યું. માથું હવનમાં ન પડ્યું. મામાએ ઊંચકીને હોમ્યું.રિવાજ પ્રમાણે સૌએ બલિના લોહીનો ચાંદલો કર્યો. બે કસાઇઓ બલિના ધડને વાંસદે બાંધીને એના પછીની ક્રિયા કરવા માતે ચાલ્યા ગયા.

 અમે ઘેર આવ્યા. બાપુજી તે દિવસે જમી શક્યા નહીં. સાંજે ભજન થયાં, પણ બાપુજીની વ્યથા અને ગમગીની કેમે કરી ઘટે નહીં. ભજન પછી બાએ બાપુજીને જમવાનો આગ્રહ કર્યો ત્યારે આંખમાં આંસુ સાથે એમણે નિર્ણય જાહેર કર્યો કે નાત જ્યાં સુધી અનંતચૌદશનો બલિ બંધ કરવાનો ઠરાવ નહીં કરે ત્યાં સુધી પોતે મરણાંત ઉપવાસ કરશે. બા તો દિગ્મૂઢ બની ગઇ. બાપુજીને બહુ સમજાવ્યા પણ નિશ્ચય તોડે તો એ બાપુજી નહીં. વાત પવનવેગે ફેલાઇ ગઇ. અમારાં સગાંવહાલાં તો રાતે જ એકઠાં થઇ ગયાં. વાટાઘાટ થઇ. ચર્ચાઓ ઊપડી, પણ નિર્ણય કંઇ ના થયો. બીજે દિવસ સાંજે નાત મળી. બાપુજીના ઉપવાસના નિર્ણયને ત્રાગું કહીને જીવનસિંહકાકાએ સખત વિરોધ કર્યો. તે સાંજે કશો જ નિર્ણય કર્યા વિના નાત વીખેરાઇ ગઇ. મામાને ચેન પડ્યું નહીં. એમને હાથે બલિનો વધ અધૂરો થયો હતો. માતાજીના ક્રોધની એમને શંકા ગઇ.શંકાએ નિર્બળતાનો સંચાર કર્યો. નબળાઇએ શ્રધ્ધાએ ધક્કો માર્યો. ડગમગતી શ્રધ્ધા વડે મામાએ જીવણસિંહકાકાને સમજાવ્યા, ફુઆને પોતાના મતના કર્યા અને પાંચમે દિવસે નાત પાછી એકઠી થઇ. બાપુજીના ઉપવાસ ચાલુ હતા. રોજ રાતે ભજન થતાં. ત્રીજે દિવસે ગુરુમહારાજને ખબર પડી. તે રાતે ભજનમાં એઓ પણ પધાર્યા. પિતાજીને આશ્વાસન આપી એમણે આશીર્વાદ આપ્યા. બાપુજીના બીજા મિત્રો પણ આવવા માંડ્યા.

નાતના ઘણા માણસો ભીંજાયા પણ જીવણસિંહકાકા મક્કમ હતા. એમનાં રુઆબ અને સત્તા પણ મજબૂત. એટલે તે દિવસે પણ નાત નિર્ણય કર્યા વિના વીખરાઇ ગઇ. ક્ષત્રિયો એમ કંઇ ઓછા માને ! પાછી વાટાઘાટો શરૂ થઇ . નવમે દિવસે બાપુજીની તબિયત વધારે બગડી. વૈદ્યકાકાને બોલાવવા પડ્યા. આ વાતથી મામા, ફુઆ અને બીજાં સગાંઓ ગભરાઇ ગયાં. વાત જીવનસિંહકાકાને કાને પહોંચી.દસમે દિવસે નાત પાછી એકઠી થઇ. સૌના આશ્ચર્ય વચ્ચે સર્વપ્રથમ જીવણસિંહકાકાએ જ વાત મૂકી કે અનંતચૌદશે બકરાના બલિનો રિવાજ બંધ કરવો જોઇએ, અને મોટાભાઇ કહે છે તેમ બલિનો કાન કાપીને એને છૂટો મૂકી દેવો. સૌ ઘણા રાજી થયા. નિર્ણય કરીને આખી નાત આવી અમારે ઘેર. જીવણસિંહકાકાએ પોતાને હાથે બાપુજીને જવનું પાણી આપ્યું. પારણાં થયાં. રાતે ભજન થયાં. ગુરુમહારાજ પોતે પધાર્યા. પછી આશ્ચર્યની વાત એ બની કે કદી જ ન આવેલા જીવણસિંહકાકા ભજનમાં પણ આવ્યા. બાપુજીનો ખાટલો બહાર કાઢવામાં આવ્યો હતો. ભજન પૂરાં થઇ રહ્યાં. ગુરુઆરતી થઇ રહી. પ્રસાદ વહેંચાયો. સૌ વીખરાયા. પન જીવણસિંહકાકા સૌથી પાછળ રહ્યા. મને બરાબર યાદ છે. અમે ચાર જ જણ હતાં. બાપુજી, બા, હું અને કાકા. બાપુજીએ હાથ લંબાવીને જીવણસિંહકાકાનો હાથ પકડી લીધો: “ભાઇ, તમે બહુ સારું કર્યું. માતાજી હવે આ બલિથી રજી થશે. બલિ આપવો એટલે હિંસા જ કરવી એવું ઓછુ6 છે? બલિ તો સમર્પણ છે. સમર્પનમાં લેશમાત્ર હિંસા ના જોઇએ. નહીં તો માતાજી પ્રસન્ન થવાને બદલે નારાજ થાય.” બાપુજીએ સ્મિત સાથે પોતાનો બીજો હાથ કાકાને ખભે મૂક્યો. અમે તો જોતાં જ રહ્યાં. કાકાની આંખોમાંથી આંસુ પડ્યાં. બાપુજીના બન્ને હાથ પોતાને ગલે વીંટાળીને કાકા રદતા રડતા બોલ્યા: “મોટાભાઇ, આજે મારે દિલની એક ગુપ્ત વાત કહેવી છે.” બાપુજી ગ ગદ થઇ ગયા, માત્ર એતલું જ બોલ્યા: “જીવણભાઇ !”અને જીવણકાકા ડૂસકે ભરાઇ ગયા. બાપુજીએ એકહાથ એમની આંખોએ દીધો. જરાક ડૂસકા6 શમ્યાં એતલે કાકાએ કહ્યું :”મોટાભાઇ, પાંચ વરસ પહેલાં તમારે ત્યાં ચોરી થયેલી. એ ચોરી મેં જ કરાવેલી. હું ગુનેગાર છું. મને માફ કરો !” કહીને કાકાએ એક નાની પોટલી બાપુજીને આપી. “એમાં દાગીના છે,રૂપિયા છે અને ભાભીનાં પગનાં સાંકલાં છે. આ સાંકળાં ભાભીને મેં જ કરાવી આપેલાં.” અને સાંકળાં લઇને કાકા ઊઠ્યા. બાના પગ આગળ સાંકલાં મૂકીને એમણે ચરણરજ લીધી. બાપુજી પાસે આવીને કહ્યું:”મોટાભાઇ, આજથી હવે આ ધંધો હરામ. તમારા ઉપવસે તમારું તો જ્ર ભલું કર્યું હોય તે ખરું, નાતનું મોઢું ઊજળું કર્યું છે અને મારો પુનર્જન્મ કર્યો છે.” કાકાના હાથ બાપુજીના પગની આસપાસ વીંટળાઇ વળ્યા. બાપુજીને આટલા સુખી અને બાને આટલાં પ્રસન્ન મેં ક્યારેય જોયાં નહોતાં. મારી નાની આંખોએ પણ અચરજ જોયું, ક્રૂર અને બિહામણું લાગતું જીવણકાકાનું મોઢું પહેલા વરસાદથી નાહીધોઇને નીતરેલી પ્રકૃતિ જેવું સ્વચ્છ અને સ્નેહાળ બની ગયું હતું. ત્યારથી મારા અંતરમાં બલિદાન અને સમર્પણ એ શબ્દો મટીને સદ્ ભાવના બની રહ્યા.

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો
2 comments on “
  1. Jayendra Thakar કહે છે:

    I enjoy reading this column. What I appreciate the most is the simple way of narrating the story. I am sure now many years have passed after the above story took place. I do not think in current time there may be animal sacrifice and it may even be illegal. It may be nice to relate this happening with time. Can you please indicate when this took place? AAbhar.
    Jayendra Thakar
    Washington, DC.

    • Gopal Parekh કહે છે:

      JAYENDRA THAKAR
      પ્રિય ભાઇ શ્રીજયેંન્દ્રભાઇ,
      “બલિદાન અને સમર્પણ” ના પ્રસંગ અંગે તમારો પ્રતિભાવ જાણી ખૂબ જ સંતોષ ને આનંદની લાગણી અનુભવી.” અમાસના તારા”ના સાત આઠ પ્રકરણો બ્લોગ પર મૂક્યા, આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ પ્રતિભાવો આવ્યા નથી,એમાં તમારા જેવા રસિક વાચકો છે એ જાણી દિલ બાગબાગ થઇ ગયું. રસિકોના પ્રતિભાવો બ્લોગરો માટે ટૉનિકનું કામ કરે છે.વોશીંગ્ટનમાં બેઠા બેઠા મા-ગુર્જરીની આટલી ખેવના રાખો છો એ કંઇ નાનીસૂની વાત નથી.
      હવે તમારા સવાલ પર આવીએ, શ્રીકિશનસિંહ ચાવડાનો જીવન કાળ(17 નવેમ્બર1904 થી 1 ડિસેમ્બર 1979) તેમના બચપણના સમયનો આ પ્રસંગ છે એટલે 1904 થી 1924 વચ્ચેના સમયગાળા દરમ્યાન નો હોવો જોઇએ.

Leave a comment

વાચકગણ
  • 780,035 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો