લોકભારત\નાનાભાઈ ભટ્ટ
સંસ્કાર સાહિત્ય મંદિર,પાંજરાપોળ પાસે, પોલિટેકનિક, અમદાવાદ—380 015
12\બાણશય્યા પરથી
યુધિષ્ઠિર મહારાજ ગાદી પર બેઠા ન બેઠા, ત્યાં તો એ ગાદીને એમણે પારખી લીધી; આટલા બધા સૈનિકોના ભોગે મળેલું રાજ્ય તેમને ગંધાવા લાગ્યું; યુદ્ધને લીધે થયેલાં અનેક વિધવાઓ ને અનાથ બાળકો તેમની સામે ખડાં થયાં; આખોય સમાજ કેમ જાણે છિન્નભિન્ન્થતો ન હોય એમ તેમને જણાયું. આથી તેમના ઉદ્વેગનો પાર ન રહ્યો.
યુધિષ્ઠિરની આવી મનોદશા જોઈને શ્રીકૃષ્ણે કહ્યું : ‘મહારાજ! તમારા દાદા બાણશય્યા પર સૂતા છે. તેમના જીવતરના પૂરા ત્રીશ દિવસો જ હવે બાકી છે. ભીષ્મ આ પૃથ્વી પરથી જશે ત્યારે જગતની તમામ સંસ્કૃતિ ને જ્ઞાન તેમની સાથે જશે. માટે ધર્મરાજ ! ચાલો આપણે તેમની પાસે જઈએ, ને તમારા આ શોકનું પણ નિરાકરણ કરીએ.’
આટલું કહીને શ્રીકૃષ્ણ ભીષ્મની પાસે જવા તૈયાર થયા. મહારાજ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ અને સાત્યકિ તેમની સાથે હતા.
પિતામહ તો બાણશય્યા પર પડ્યા હતા.શ્રીકૃષ્ણ વગેરે આવ્યા એટલે ભીષ્મે તેમને ઈશારાથી આવકાર આપ્યો ને બેસાડ્યા. યુધિષ્ઠિરે શય્યા પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને ત્યાં બેઠા.
શ્રીકૃષ્ણે ચલાવ્યું: ‘ભીષ્મ ! તમારા જીવતરના હવે માત્ર ત્રીશ દિવસો જ બાકી રહ્યા છે. તમે જશો ત્યારે પાછળ આર્યાવર્તનાં સંસ્કૃતિ ને જ્ઞાનનો લોપ થશે. આ યુધિષ્ઠિરને ગાદી મળી છતાં તેનો પરિતાપ ઊલટો વધ્યો છે. માટે,તમે એના મનનુંસમાધાનકરો.હસ્તિનાપુરનીગાદી તો એમને મળી પણ આપણી સંસ્કૃતિનો મોંઘામૂલો જે વારસો છે, તે તેમને ન મળે તો એકલી ગાદી શા કામની ? માટે ભીષ્મ ! મારી માગણી સ્વીકારો ને તમારો ભંડાર આ યુધિષ્ઠિરને આપતા જાઓ.’
શ્રીકૃષ્ણનાં આવાં વચનો સાંભળીને ભીષ્મ બોલ્યા:
‘મહારાજ શ્રીકૃષ્ણ ! તમારે મારી પાસે માગણી કરવાની ન હોય; તમારે તો મને આજ્ઞા કરવી ઘટે. બાણશય્યા મને પીડા કરે છે એટલે મારી પ્રતિભાકામ નથી કરતી, પણ છતાં, તમારી આજ્ઞાને હું માથે ચડાવું છું. ખરી રીતે તો તમારી હાજરીમાં ધર્મનો લવારો કરવો એ મને શોભે નહિ. છતાં તમારી આજ્ઞાને હું માથે ચડાવું છું. યુધિષ્ઠિર ! તારે જે પૂછવું હોય તે પૂછ. બેટા ! મને પૂછતાં જરાય સંકોચ ન રાખતો. તારે જે પૂછાવું હોય તે સુખેથી પૂછ.’
——————————————
1
રાજ્ધર્મ
રાજા એટલે શું ?
‘પિતામહ ! રાજા શબ્દનો અર્થ મને વિસ્તારથી સમજાવો.’
‘બેટા! પહેલાં સત્યયુગમાં રાજ્ય પણ ન હતું ને રાજા પણ નહતો. દંડ પણ ન હતો ને દંડ કરવા લાયક માણસ પણ ન હતું. લોકો આપસ-આપસમાં સમજીને ચાલતા, એટલે રાજાની જરૂર ન પડી.પણ આગળ જતાં લોકો ભાન ગુમાવી બેઠા, એટલે લોકોના મનમાં અનેક દૂષણો દાખલ થયાં.
‘આ વખતે એક મુનિએ લોકોને માટે રાજ્યનું શાસ્ત્ર લખ્યું, ને લોકોમાં રાજા ઊભો થયો. આ રાજાઓમાં એક વેન આમનો રાજા થયો. તે પ્રજા પર જુલમ કરવા લાગ્યો, એટલે ઋષિઓએ તેને મારી નખ્યો, તેના દેહમાંથી એક બીજા પુરુષને પેદા કર્યો.આ પુરુષે ઋષિઓને વચન આપ્યું કે ‘હું વેદનું પાલન કરીશ, રાજાના ધર્મ પ્રમાણે હું ચાલીશ ને લોકોનું કલ્યાણ કરીશ !’
‘ ઋષિઓએ આ માણસને રાજા બનાવ્યો. એનું નામ પૃથુ. એના પરથી આ ભૂમિ પૃથ્વી કહેવાય છે. એ વખતે પૃથ્વી ઘણી ખાડા-ટેકરાવાળી હતી તેને પૃથુએ સીધી બનાવી. પૃથુ રાજાએ પૃથ્વી પાસેથી સર્વ લોકોને ધનધાન્ય અપાવ્યાં ને તેમને રાજી કર્યા એટલે તે રાજા કહેવાયો. રાજા પ્રજાના મનનું રંજન કરવા માટે છે.
‘યુધિષ્ઠિર ! પ્રજાના શરીરને, મનને તેમ જ આત્માને પ્રસન્ન રાખવાં એ રાજાનો રાજધર્મ.આનો અર્થ એવો નથી કે પ્રજાની મૂર્ખાઈને પણ વધાવી લેવી. પ્રજાનું સાચું કલ્યાણ પોતે જોવું. ને તે પ્રમાણે પ્રજાને કલ્યાણને માર્ગે દોરવી, એ રાજધર્મ. પ્રજાનું આવું રંજન કરે તે રાજા.’
————————————————-
2
પ્રજાનું મુખ્ય કર્તવ્ય શું?
‘પિતામહ ! આપે મને રાજાનો અર્થ તો સમજાવ્યો. હવે પ્રજાનું જે મુખ્ય કર્તવ્ય હોય તે મને જણાવો.’
પ્રજાનું મુખ્ય કર્તવ્ય તો એ, કે તેણે કોઈ પણ એક લાયક માણસનો રાજા તરીકે અભિષેક કરવો. પ્રજાનો કોઈ આગેવાન ન હોય તો અંધાધૂંધી પેદા થાય છે. આ અંધાધૂંધી બહુ ખરાબ છે. પૂર્વે એક વાર આવી મોટી અંધાધૂંધી થઈ ત્યારે બ્રહ્માએ મનુને રાજા થવા માટે આજ્ઞા કરી. પણ મનુએ બહુ પરવા ન બતાવી એટલે પ્રજાએ મનુને જણાવ્યું: ‘તમે ડર ન રાખો. અમે તમારો હુકમ નમાનીએ, તો તે માટે તમે અમને સજા કરજો. અમે તમને ખજાનામાં દrએ પચાસ પશુએ એક પશુ આપશું.અમારી મૂડીમાંથી પચાસમો ભાગ અમે તમારા માટે કાઢશું. અમે જે ધાન્યો ઉગાડશું તેમાંથી દસમો ભાગ અમે તમને ભરશું. અમારામાં જે શસ્ત્રકુશળ લોકો છે તે યુદ્ધમાં તમારી સાથે આવશે. તમે તમારું કલ્યાણ કરશો એટલે અમારા ધર્મનો ચોથો ભાગ અનાયાસે તમને મળશે.’
પ્રજાના આ શબ્દો સાંભળી મનુએ રાજા થવાનું સ્વીકાર્યું. રાજાપણું જમાવવું હોય તો પ્રજાએ રાજાને યોગ્ય માન આપવું જોઈએ. રાજા એ પ્રજાનો જ પ્રતિનિધિ છે, એટલે રાજાને માન આપવું એ પોતાને જ માન આપ્યા બરાબર છે. જેને પોતાનો મુખી માન્યો તેને માન આપીએ તો જ તેનું મુખીપણું સાર્થક થાય છે. મુખી આવા માનની યોગ્યતા કેળવે તો જ તે એસ્થાનને શોભાવશે.’
——————————————————
3
રાજ્ય કરવું કે ધર્મ સંપાદન કરવો ?
‘પિતામહ ! હું રાજ્યસુખનેશોધનારો નથી. મને તો એક ક્ષણ પણ રાજા થવાની ઇચ્છા નથી. હું તો કેવળ ધર્મને માટે જ રાજ્ય કરવાની ઇચ્છા રાખું છું. પણ આ રાજ્યથી મને જરાય ધર્મપ્રાપ્તિ થાય એમ દેખાતું નથી. માટે હું તો વનમાં ચાલ્યો જઈશ, ને ત્યાં પવિત્ર તપોવનમાં ફૂલફળાદે ખાઈને ધર્મનું અધ્યય્ન કરીશ.’
બેટા યુધિષ્ઠિર ! હું જાણું છું કે તારી બુદ્ધિ ક્રૂરતારહિત છે. એ પ્રકારની અત્યંત કોમળ બુદ્ધિ રાજ્ય કરવામાં નકામી થાય છે. જે રાજા હદ ઉપરાંત કોમળ ને દયાળુ હોય છે તેનાથી રાજ્ય થતું નથી. તું હદ ઉપરાંત સૌમ્ય છે, હદ ઉપરાંત આર્ય છે, હદ ઉપરાંત ધાર્મિક છે. તેથી લોકો તને બહુ માન આપશે નહિ. તું માત્ર વ્યાકુળ ને દયાળુ થઈને બેસીશ તો પ્રજાને પાળી શકીશ નહિ. ધર્મના કોઈ પણ પગલામાં સૂક્ષ્મ અધર્મ તો રહેલો જ છે. પણ આવી બીકથી ધર્મનો ત્યાગ કરનાર માણસ રાજા થઈ ન શકે.’
4
રાજા દેવસ્વરૂપ શા માટે
‘રાજ્ધર્મ બહુ આકરો છે, તેનું મનેવધારે ને વધારે ભાન થતું જાય છે. રાજા થવું એ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે, છતાં રાજાને દેવસ્વરૂપ શા માટે કહેવામાં આવે છે ? ‘રાજા દેવસ્વરૂપ છે’ એવું સાંભળીએ ત્યારે ઘડીભર રાજા થવાનું મન થઈ જાય. પણ ભીષ્મ ! રાજાને તો બાણશય્યા પર સૂવું પડે છે. તો પછી રાજાને દેવસ્વરૂપ શા માટે કહે છે ?’
‘પ્રજાઓના ધર્મનું મૂળ રાજા જ છે, એવું મારું પણ માનવું છે. આ જગતમાં જો રાજા ન હોય તો સમાજ આખો છિન્નભિન્ન થઈ જાય, માટે રાજાને દેવસ્વરૂપ કહ્યો છે. રાજા, પ્રજાનો મનુષ્યો જેવો એક મનુષ્ય જ છે, છતાં પણ પ્રજાએ તેની આસપાસ પ્રતિષ્ઠાનું વાતાવરણ જમાવવું જોઈએ. આવા વાતાવરણ વિના રાજાના વચનમાં જે ભાર રહેવો જોઈએ તે ન રહે. રાજા એ પ્રજાનો આધાર છે, તેની પ્રતિષ્ઠા છે. રાજાએ આવા રાજ્યને લાયક થવા માટે પ્રજાનું પાલન કરવું જોઈએ. એમ કરે ત્યારે જ રાજા દેવસ્વરૂપ છે.’
—————————————————–
5
રાજાથવાનો અધિકાર કોનો?
‘પિતામહ ! જ્યારે ચોરોનું બળ વધી પડ્યું હોય અને પ્રજાનું રક્ષણ કરનાર કોઈ ન હોય તેવે વખતે જે પુરુષ પ્રજાનું રક્ષણ કરે ને ચોરોનો નાશ કરે, તે રાજા થઈ શકે કેમ ?’
‘યુધિષ્ઠિર, પ્રજાએ આવા પુરુષને રાજા તરીકે વધાવી લેવા જોઈએ. ભાર નહિ ઉપાડનાર બળદ નકામો છે, દૂધ નહિ આપનાર ગાય નકામી છે, તેમ જ પ્રજાનું રક્ષણ નહિ કરનારો રાજા નકામો છે. લાકડાનો હાથી દેખાવે હાથી છતાં હાથી નથી; ચામડાનો મૃગ, રૂપે મૃગ હોવા છતાં સાચો મૃગ નથી; ખારવાળું ખેતર, દેખાવે ખેતર છતાં ખેતર નથી; અભણ બ્રાહ્મણ, માત્ર નામધરી બ્રાહ્મણ છ્ર, નહિ વરસતું વાદળું દેખાવ પૂરતું જ વાદળું છે, તેમ જ, રક્ષણ નહિ કરનારો રાજા દેખાવ પૂરતો જ રાજા હોવાથી પ્રજાને માટે તદ્દન નકામો છે. બેટા યુધિષ્ઠિર ! જે પુરુષને લઈને જગતનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે ને નિરંતર વધ્યા કરે છે, તેને માથે મુગટ હો યા ન હો, પણ એ જ પ્રજાનો સાચો રાજા છે. તું પણ આપણી પ્રજાનો આવો રાજા થા, યુધિષ્ઠિર ! તું તપોવનમાં જઈને ધર્માચરણ કરવાની વાતો કરે છે માટે તને કહું છું કે જીવનના તમામ ધર્મો કરતાં આ રાજધર્મ ચડિયતો છે, તું આ ધર્મ છોડીને બીજો ધર્મ શોધવાનો વિચાર કરે છે એ જ તારો ભ્રમ છે. સમજ્યો ? હવે પછી આગળ પૂછ.’
————————————————–
6
રાજ્ધર્મનો મર્મ શો ?
‘પિતામહ ! જ્યારથી આ મુગટ માથા પર ચડ્યો છે ત્યારથી એક જ મહાપ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. આપે મને રાજધર્મ વિષે ઘણું કહ્યું છતાં હજી એનો મર્મ મને પૂરો સમજાયો નથી.’
‘બેટા યુધિષ્ઠિર ! રાજ્ય એ બહુ મોટું તંત્ર છે. કોઈ પણ તંત્રને ચલાવવા માટે એક તંત્રવાહકની જરૂર હોય છે જ. પછી આ તંત્રવાહકને રાજા કહો, મુખી કહો, ધણી કહો, વ્યવસ્થાપક કહો, જે કહેવું હોય તે કહો. સમાજનાં આનાં યંત્રો વધારે સાદાં હોય છે; રાજ્યતંત્ર વધારે મોટું, વધારે ગૂંચવણવાળું, ને તેથી વધારે વિકટ છે. કોઈ પણ તંત્રને ચલાવવામાં ઉગ્રતા ને કોમળતા બંનેની સાથે જરૂર પડે છે. ઉગ્રતા ન હોય તો તંત્રના જુદા જુદા અવયવોને એક જ ધ્યેય સાથે બાંધી શકાતા નથી, એટલે એ અવયવો ફાવે તે દિશામાં આડા ઊતરી જાય છે, ને તંત્રની એકતાને ચૂંથી નાખે છે. કોમળતા ન હોય તો અવયવો તંત્રમાં એવા કચડાઈ જાય છે કે તંત્રમાં કોઈને મમતા ઊભી થતી નથી, માટે જ તંત્રના મૂળમાં કડકાઈ ને કોમળતા બંનેની જરૂર છે. રાજ્યનું તંત્ર બહુ મોટું, એટલે રાજામાં આ બંને ગુણો મોટા પ્રમાણમાં જોઈએ.
‘બેટાયુધિષ્ઠિર ! હવે તને રાજધર્મ નો મર્મ સંભળાવું.
‘રાજાનાવિધિનિષેધો ગર્ભિણી સ્ત્રીના વિધિનિષેધો જેવા સમજ. જેમ ગર્ભિણી સ્ત્રી પોતાને મનગમની વસ્તુઓનો ઉપભોગ કરી શકતી નથી, પણ ગર્ભનું હિત થાય એવી જ વસ્તુઓનો ઉપભોગ કરી શકે છે, તેમ જ રાજાએ પોતાના ભોગવિલાસોનો ત્યાગ કરીને પ્રજાનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિઓ જ કરવી ઘટે છે. પ્રજા રાજાનેદેવ માને, પ્રજા રાજાને વિષ્ણુનો અવતાર માને, પ્રજા રાજાને માન આપે એ બધાં રાજાનાં ભયસ્થાનો છે. જે રાજા આ વસ્તુઓ ઉપર જ નજર રાખે છે તે રાજા વિના મોતે મરેલો જાણ. રાજા પ્રજા માટે છે, પ્રજા રાજા માટે નથી. આ રાજ ધર્મનું રહસ્ય છે.
યુધિષ્ઠિર ! જગતના બ્રાહ્મણો તો કહી ગયા છે કે સમુદ્રમાં ભાંગી ગયેલી હોડીનો જેમ ત્યાગ કરવો એ જ માર્ગ છે, તેમ પ્રેરણા નઆપનારા આચાર્યનો, કડવી જીભવાળી ભાર્યાનો, ને રક્ષણ નહિ આપનાર રાજાતેનો ત્યાગ કરવો એ જ માર્ગ છે.’
7
દંડ અને તેનું સ્વરૂપ શું ?
‘પિતામહ ! આપે મને રાજધર્મનો મર્મ સમજાવ્યો. હવે દંડ એટલેનિયમન. દંડ એ તો એક જાતનો વ્યવહાર છે. દંડ એ જ કોઈ પણ તંત્રના સંચાલકનું દૈવત છે. જગતમાં એક પ્રકારનું નિયમન ન હોય તો મનુષ્યો એકબીજાનો સંહાર કરી નાખે.
‘યુધિષ્ઠિર ! રાજાએ આ દંડનો ધર્મબુદ્ધિથી જ ઉપયોગ કરવો ઘટે છે. જે રાજા આ દંડ્નો ઉપયોગ પોતાના ક્ષુદ્ર સ્વાર્થ માટે કરે છે, તે પોતે જ એનો ભોગ થઈ પડે છે. આખા લોકસમુદાયને પોતપોતાના કર્તવ્ય્માં સ્થિર રાખવા માટે જે જે ઉપાયો લેવા પડે તે બધા ઉપાયોની દંડમાં સમાવેશ થાય છે.’
—————————————————-
8
દંડનીતિથી રાજાને ક્યા લાભો થાય ?
‘પિતામહ ! આપે દંડ વિષે મને કહ્યું તે બરાબર છે, પણ દંડને લીધે તો લોકો રાજથી બીશે, ને આવી બીકથી રાજ્ય કરનારો રાજા પ્રજાને ક્યા લાભ કરી શકશે ?’
‘બેટા યુધિષ્ઠિર ! લોકો જ્યારે પોતાની સમજણથી ધર્મને અનુસરીને ચાલે છે, ત્યારે નથી જરૂર રાજાની. પણ આમ બનવું શક્ય નથી. માટે જ રાજ્યને રાજા અનિવાર્ય છે. અને તેથી, દંડ પણ અનિવાર્ય છે.
‘જ્યારે રાજા દંડનીતિને પૂરેપૂરી રીતે અનુસરે છે ત્યારે જગતમાં સત્યયુગ પ્રવર્તતો હોય છે. આ યુગમાં સૌનું મન ધર્મમાં જ હોય છે. પ્રજાનું યોગક્ષેમ બરાબર ચાલે છે, ઋતુઓ સુખાકારી હોય છે, મનુષ્યોનું મન પ્રસન્ન હોય છે. રોગ ઓછા થાય છે. કોઈ અલ્પાયુષી હોતું નથી, સ્ત્રીઓ ભાગ્યે જ વિધવા થાય છે, પૃથ્વી પૂરતો પાક આપે છે, ને લોકો જીવન ધર્મમય ગાળે છે—આ બધાં સત્યયુગનાં ચિહ્નો છે.
‘રાજા જ્યારે પોણા ભાગની દંડનીતિને અનુસરે છે ત્યારે જગતમાં ત્રેતાયુગ શરૂ થાય છે. આ યુગમાં અધર્મનો એક ભાગ લોકોના મનમાં પ્રવેશ કરી ચૂકે છે, એટલે પૃથ્વી પર ખેડ થાય તો જ પાક મળે છે અને ઔષધિઓ વાવેતર કર્યા વિના નીપજતી નથી.
‘રાજાપોતે જ્યારે દંડનીતિના અર્ધભાગનું અનુસરણ કરે છે, ત્યારે લોકો ધર્મના અર્ધભાગને જ જીવનમાં ઉતારે છે. આ જમાનામાં ખેતરમાં ધાન્ય નીપજે છે ખરું, પણ તે પૂરું નીપજતું નથી.
‘પણ જ્યારે તંત્રનો મુખી રાજા, દંડનીતિનો સંપૂર્ણ ત્યાગ કરે છે ત્યારે જગતમાં કલિયુગનો ઠીક ઠીક આરંભ થાય છે.
‘આ યુગમાં અધર્મ ઘણો વધી પડે છે, શૂદ્રો મહેનતથી આજીવિકા ચલાવવાને બદલે ભીખ માગીને આજીવિકા ચલાવે છે, બ્રાહ્મણો નોકરી કરીને આજીવિકા ચલાવે છે. લોકોના યોગક્ષેમનો વિનાશ થાય છે, પ્રજા વર્ણસંકર બની જાય છે, ઋતુઓ પોતાના ધર્મનો ત્યાગ કરે છે. લોકો મોટે ભાગે રોગી થાય છે, અકાળ મૃત્યુઓ પુષ્કળ થાય છે, સ્ત્રીઓ ઘણી વિધવા થાય છે, પ્રજા ક્રૂર બને છે, વરસાદ બહુ સાધારણ વરસે છે અને પૃથ્વીના તમામ રસકસો નાશ પામે છે. માટે યુધિષ્ઠિર ! તારે દંડ્નીતિનો આશ્રય કરીને જ પ્રજાનું રક્ષણ કરવું; જેથી લોકોમાં અધર્મનો સંચાર ઓછો થાય, ખરી વાતા તો એ છે કે રાજા પોતે જ ધર્મ પ્રત્યેના આગ્રહથી પ્રજામાં ધર્મનો આગ્રહ જગાડી શકે છે. રાજાએ પોતાનો રાજધર્મ છોડ્યો એટલે તો પછી કશું રહેતું નથી.’
9
દેશરક્ષણ કેવી રીતે કરવું ?
‘પિતામહ, પ્રજાના માનસિક રક્ષણનો તથા આધ્યાત્મિક રક્ષણનો પ્રશ્ન તો બાજુએ મૂકું, પણ દેશનું સ્થળ રક્ષણ કેવી રીતે કરવું ને શત્રુઓને કેવી રીતે જીતવા. એ મને સમજાવો.’
‘બેટા યુધિષ્ઠિર ! રાજાએ પ્રથમ તો પોતાના ચિત્તનો જય કરવા નીકળવું. જે પુરુષે અંદર રહેલા શત્રુઓ પર વિજ્ય મેળવ્યો નથી, તે આ બહારના શત્રુઓ પર મેળવે જ શી રીતે ? અને છતાં, ધારો કે વિજય મેળવ્યો તો એવા બાહ્ય વિજયની કિંમત પણ શી છે ? માટે દરેક રાજાએ પોતાના મનમાં રહેલા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર પ્રથમ વિજય મેળવવો. હ્રદયનો દેશ સુરક્ષિત થયો એટલે પોણા ભાગનું દેશરક્ષણ થઈ ચૂક્યું સમજવું; કારણ કે એવો સંયમી રાજા પ્રજાના દિલમાં વિશ્વાસ મેળવે છે, ને રાજા પ્રજા બંને મળીને બહારના દુશ્મનને સહેલાઈથી હાંકી કાઢે છે.
‘યુધિષ્ઠિર ! બુદ્ધિમાન રાજાએ ઉત્સાહી, સજ્જન હોય એવા દુશ્મનની સાથે સંધિથી જ કામ લેવું. રાજા જો પોતે જ પોતાની નિર્બળતા જાણતો હોય તો તેણે બળવાન શત્રુ સાથે જરૂર સંધિ કરવી. ડાહ્યા રાજાએ તો બનતાં સુધી યુદ્ધનો ત્યાગ જ કરવો અને સમ, દામ ને ભેદથી કામ સાધવું.
‘છતાં પણ જ્યારે કોઈ બળવાન શત્રુ ચડી આવે ત્યારે રાજાએ કિલ્લાનો આશ્ચર્ય લેવો; સામ, દામ, ભેદને બરાબર અજમાવવા, ને યુદ્ધ માટે તૈયારી રાખવી.’
10
રાજાએ કેવા અધિકારી રાખવા ?
‘પિતામહ ! રાજાએ જુદા જુદા ખાતાંઓના અધિકારીઓને કેવી રીતે પસંદ કરવા એ આપ મને વિસ્તારથી સમજાવો.’
;જેઓ કુળવાન હોય, જેઓ દેશમાં જ જન્મેલા હોય, જેઓ બુદ્ધિશાળી હોય,ને જેઓ શાસ્ત્રને જાણનારા હોય, જેઓ તેજસ્વી હોય, ને જેઓને રાજા તરફ સદ ભાવ હોય એવાઓને જ અધિકાર પર ગોઠવવા.
હલકા કુળના પુરુષો અધિકાર પર આવે છે તોપણ હલકા સંસ્કારોને લીધે અધિકારને શોભાવી શકતા નથી. દયા વિનાના અધિકારીઓ જ્યારે અધિકાર પર આવે છે ત્યારે અધિકારનું તેજ વધે છે, ને કામમાં વેગ આવે છે. પણ અધિકારમાં જે માનવતાનું કોમળ તત્ત્વ અધિકારને સુંવાળો રાખ્યા કરે છે, તે ન હોવાથી લોકો આવા અધિકારીઓથી કંટાળીજાય છે.
‘પણ સૌથી વધારે ખરાબ તો લાજ વિનાનો અધિકારી છે. આવો બાંડિયો અધિકારી તો બધું ઊંધુંજ મારે છે.’
‘પણ મહારાજ ! એક વાત તારે ધ્યાનમાં રાખવી. મંદ અક્ક્લવાળા અધિકારીઓથી દૂર રહેજે જેનામાં સાદી સમજણ પણ ન હોય ને છતાં જેને અક્કલનો મોટો ફાંકો હોય એવા માણસને અધિકાર પર મૂકીશ નહિ.’
————————————————-
11
રાજ્યના નોકરો કેવા હોવા જોઈએ ?
‘પિતામહ ! રાજાને તો અનેક નોકરોને પણ રાખવા પડે છે. એટલે આ તમામ નોકરો કેવા રાખવા, તે મને સમજાવો.
‘યુધિષ્ઠિર,સેવકો વિના કોઈ પણ તંત્ર ચાલી ન શકે. રાજ્યે લાંચ ન ખનારા, સાચી સલાહઆપનારા, ને કુશળ સેવકો રાખવા જોઈએ.
‘રાજાએ સેવકોને તેમના લાયક સ્થાન પર ગોઠવી જાણવા જોઈએ. એક જ વસ્તુ યોગ્ય સ્થાન પર ગોઠવી હોય તો શોભી નીકળે છે, અને એ જ વસ્તુને અસ્થાને ગોઠવી હોય તો શોભતી નથી; એવું જ માણસોનું સમજવું. કોઈ પણ રાજાએ ઉત્તમ સ્થાન પર નીચ સેવક ગોઠવવો નહિ.
‘પણ યુધિષ્ઠિર, સેવકનું એક સાધારણ લક્ષણ તો તને કહું. જે હુકમ મળતાંની સાથે જ કામ કરવા નીકળી પડે છે તેને સાચો સેવક માનજે.’
12
રાજકારભાર કેમ ગોઠવવો ?
‘પિતામહ ! રાજાએ કારભાર ચલાવવા માટે કેવી ગોઠવણ કરવી, અને લોકોને કેવી રીતે સંતોષ આપવો તે મને વિસ્તારથી કહો.’
‘રાજાએગામો ઉપર દેખરેખ રાખવા નાનામોટા અમલદારો નીમવા, પણ આવા અધિકારીઓ ગામલોકોને ચૂસી ન જાય એ ખાસ જોવું. વળી રાજાએ વેપારીઓને ધીરજ આપવી, ને તેમના વેપારનું રક્ષણ કરવું. વેપારી લોકો દેશની સંપત્તિ વધારે છે, માટે તેમના તરફ સદ ભાવ રાખવો, ને તેમની પાસેથી કરો વસૂલ કરવા.’
13
રાજાએ દ્રવ્ય કેવી રીતે મેળવવું ?
‘પિતામહ! સમર્થ રાજાને પણ રાજ્ય ચલાવવા માટે દ્રવ્યની જરૂર પડે છે. રાજા જો પ્રજા માટે જીવે છે તો પ્રજાએ તેને પ્રસન્ન થઈને દ્રવ્ય પૂરું પાડવું જોઈએ. પરંતુ પ્રજા મોટે ભાગે દ્રવ્ય આપવામાં હંમેશાં આનાકાની કરે છે, અને બને તેટલું ઓછું આપવાનો પ્રયત્ન કરે છે; તો પછી રાજાએ દ્રવ્ય કેવી રીતે મેળવવું?’
‘બેટા, ભમરાઓ ઝાડમાંથી મધ ચૂસે છે પણ તેથી ઝાડને કશું દુ:ખ થતું નથી. તેમ, રાજાએ પ્રજાને દુ:ખ દીધા વિના તેની પાસેથી કર લેવા. માણસ ગાયનું દૂધ દોહી લે છી ખરો પણ તેના આંચળોને કચરીને નીચોવી લેતો નથી. રાજાએ પણ પ્રજાને દોહીને કર લેવા, પણ પ્રજાને નીચોવી નાખવી નહિ.
‘વેપારી લોકો ઉપર કર નાખતાં પહેલાં તેમનો વેપાર કેવી રીતે ચાલે છે, તેઓને શી આવક થાય છે, તેઓ ક્યે માર્ગે વેપાર કરે છે, વેપારમાંથી તેમનું પોષણ થાયા છે કે નહિ, તે વિષે રાજાએ બરાબર તપાસ કરવી.
‘કર નાખતી વખતે રાજાએ લોભને વશ થવું નહિ. રાજા જ્યારે તમામ ઊપજ પ્રજાના હિત માટેજ વાપરે છે પણ પોતાના ભોગવિલાસ પાછળ વેડફી નાખતો નથી, ત્યારે પ્રજા રાજી થઈને કર આપે છે. રાજ્યની ઊપજ એ રાજાની પોતાની ખાનગી મિલક્ત નથી, પણ આખી પ્રજાની મિલક્ત છે. અને રાજાએ તો માત્ર એનો વહીવટ કરનારો છે, એવી બુદ્ધિથી રાજા ભંડારને વધારશે તો પ્રજા તેને રાજી થઈને દ્રવ્ય આપશે.
‘કર લેવામાં પણ ફેર છે. કેટલીક રીતો એવી જ છે, કે કર થોડો આવે તો યે પ્રજામાં હાહાકાર થાય; ને કેટલીક રીતો એવી છે કે કર વધારે આવે તે છતાં આપણે કર આપીએ છીએ એમ લોકોને લાગે પણ નહિ. વળી કર લેવા ન લેવાના પણ વખત હોય છે.કર લેવાની રીત, વખત વગેરે હું તને કહું છું તે કપટ ન સમજતો; આ તો બધી કળા છે. જે રાજા આવી બાબતોમાં કુનેહથી કામ નથી લેતો તે પસ્તાય છે.
‘બેટા ! કર કેમ લેવો, કેટલો લેવો એ બધું તો એક શાસ્ત્ર છે; પણ તેનો મર્મ મારે એક જ વાતથી કહેવો છે, ભગવાન સૂર્યનારાયણ દરરોજ પૃથ્વી પરથી રસને ચૂસે છે અને એ જ રસને વરસાદરૂપે પૃથ્વી પર ઢોળ છે. રાજાએ સૂર્યનારાયણ પાસેથી કર લેવાની વિદ્યા શીખી લેવી જોઈએ.’
14
ધર્મદૃષ્ટિથી યુદ્ધ કેવી રીતે કરવું ?
‘પિતામહ ! રાજાએ યુદ્ધ કર્યા વિના જ વિજય મેળવવો એમ તો તમે ઘણી વાર મને કહ્યું છે. પણ જેને યુદ્ધ કરવું જ પડે તેણે ધર્મદૃષ્ટિથી કેવી રીતે યુદ્ધ કરવું તે મને સમજાવો.’
‘યુધિષ્ઠિર ! રણમાં જે ક્ષત્રિયે ક્વચ ન પહેર્યું હોય તેની સામે ક્વચ પહેરીને યુદ્ધ ન કરવું; જે ધર્મથી યુદ્ધ કરે તેનીસામે ધર્મથી યુદ્ધ કરવું; શત્રુ જ્યારે સંકટ્માં આવી પડ્યો હોય કે જીતાઈ ગયો હોય ત્યારે તેના પર હલ્લો ન કરવો; યુદ્ધમાં ઝેરી બાણો ન વાપરવાં; જેનું શસ્ત્ર ભાંગી ગયું હોય, જેના ધનુષ્યની દોરી તૂટી ગઈ હોય, ને જેના વાહનનો નાશ થયો હોય એવા શત્રુ પર પ્રહાર કરવો એ બરાબર નથી.
‘શત્રુ ઘાયલ થઈને પડ્યો હોય તો તેને એના દેશમાંપહોંચતો કરવો અથવા તો પોતાને ત્યાં રાખી તેને સાજો કરવો.
યુધિષ્ઠિર ! શાસ્ત્રની તો એવી આજ્ઞા છે કે બંને સૈન્યો યુદ્ધ કરતાં હોય, ને તે વખતે જગતની શાંતિનો ઉપાસક એવો કોઈ બ્રાહ્મણ યુદ્ધ અટકાવવા માટે વચ્ચે આવીને ઊભો રહે, તો બંને સૈન્યોએ શસ્ત્રોને મ્યાન કરવાં.’
15
શત્રુને સજા કરીને વશ કરવો કે ક્ષમા આપીને ?
‘પિતામહ ! આપના કહેવામાં તોએવું આવ્યું કે શત્રુને વશ કરવા માટે ભય વગેરે બતાવવાં, ને કપટનો પણ આશરો લેવો પડે તો લેવો. મને પોતાને લાગે છે તે શત્રુ સાથે કપટ ન કરતાં તેને ક્ષમા જ આપવી.આ બાબતમાં આપનો અભિપ્રાય મારે જાણવો છે.’
‘બેટા ! સજ્જનનીસાતેહ ક્ષમાનો ઉપયોગ કરવો એ તો બરાબર છે, પણ દુર્જનને ક્ષમા આપવી એ યોગ્ય નથી. ક્યારે ક્ષમા આપવી, ને ક્યારે ક્ષમા ન આપવી તે બાબતમાં વિવેકની જરૂર છે. આવો એક વર્ગનો મત છે.
‘પણ ઘણા આચાર્યો એમ માને છે કે પિતા જેમ પુત્રને શાંતિથી સમજાવે છે ને વશ કરે છે, તેમ જ શત્રુને પણ શાંતિથી સમજાવીને સજા કર્યા વિના જ વશ કરવો. શત્રુને આ પ્રમાણે વશ કરવાનો માર્ગ ઘણો લાંબો છે, ને જલદી પરિણામ આપતો નથી. તેમ, બધા રાજાઓ એ માર્ગ લેવાનો અધિકારી પણ હોતા નથી. બાકી માર્ગ તો એ જ ઉત્તમ છે તેની કોનાથી ના કહી શકાય ?’
16
રાજાએ વીરસમુદાય કેવી રીતે ઊભો કરવો ?
‘પિતામહ ! હજી એક પ્રશ્ન રહી જાય છે. વીર પુરુષોના સમુદાયે કેવી રીતે વર્તવું ? શું કરવાથી વીર પુરુષોના સમુદાયની વૃદ્ધિ થાય ? કેવા ઉપાયો લેવાથી તેમની અંદર ફાટફૂટ ન થાય ? શું કરવાથી તેઓ મિત્રોને મેળવી શકે ?’
‘બેટા ! રાજા જ્યારે લોભી બને છે ત્યારે તેના વીર પુરુષો કોપી ઊઠે છે, ને પરિણામે બંને નબળા પડે છે. રાજા જ્યારે લોભને વશ થઈને વીર પુરુષોને કશુંય આપતો નથી ત્યારે રાજા પરથી તેમનાં મન ઊતરી જાય છે અને તેઓ બધા સામા પક્ષમાં ભળી જાય છે.
‘વીર સમુદાયમાં જ્યારે અંદર અંદર ફાટફૂટ પડે છે ત્યારે તેમનો નાશ થાય છે; માટે તેમણે હંમેશાં એકમત રહેવું જોઈએ. આ માટે એકસંપની જરૂર છે. આવો એકસંપ એમ ને એમ ઊભો થતો નથી. તેની પાછળ તો આખા સમુદાયે પરસ્પરની સ્વાર્થ વિનાની સેવા કરવી પડે છે. એવી સેવા પર બંધાયેલો સમુદાય નાશ પામતો નથી. એક-બીજાને માટેઘસાવાના ધ્યેય વિનાના ઊભા થયેલા સમુદાયો ગમે તેવા મોટા ને બળવાન દેખાતા હોય તો પણ, તેમને તૂટતાં વાર લાગતી નથી.
‘પણ બેટા ! આવા સમુદાયના નાયકો બહુ ન્યાયી હોવા જોઈએ. આવા નાયકો તો પોતાના નિકટના સગાને પણ અપરાધ માટે શિક્ષા કરતાં અચકાતા નથી.
‘મહારાજ! ક્રોધ, અંદરોઅંદર ચડસાચડસી, ભય, દંડ, ખેંચતાણ ને મારામારી આ સઘળાં આવા સમુદાયને તોડી નાખે છે.
‘સમુદાયના નાયકોએ અંદરઅંદર કલહ ન ઊભો થાય તેવી સાવચેતી રાખવી. અંદરઅંદરની એકતા એ જ આવા સમુદાયને ટકાવી રાખે છે, માટે આવીએક્સંપીને કદી તૂટવા ન દેવી.’
મોક્ષધર્મ
1
વર્ણધર્મ
મહારાજ યુધિષ્ઠિર પૂછવા લાગ્યા : ‘પિતામહ. આપે મને રાજધર્મ તો સમજાવ્યો. પણ પિતામહ , યુધિષ્ઠિર એકલો રાજા જ નથી. એ તો ક્ષત્રિય છે, પાંડુનો પુત્ર છે, પાંચ ભાઈઓનો ભાઈ છે, દ્રૌપદીનો પતિ છે; પણ એથી યે વધારે તો એ માણસ છે. એટલા માટે હું માનવધર્મને ન સમજું ત્યાં સુધી માત્ર રાજધર્મ શા કામનો ?માટે, માનવધર્મ વિષે મારે તમને થોડુંએક પૂછવું છે. ચાર વર્ણો ને ચાર આશ્રમોના જુદાજુદા ધર્મો પણ તમે મને સમજાવો.’
‘બેટા ! આપણા ઋષિઓએ રાજધર્મને માનવધર્મથી છૂટો ગણ્યો જ નથી. વ્યવહારની અનુકૂળતા ખાતર આપણે રાજધર્મ, સેવકધર્મ, પિતા-પુત્રધર્મ એમ ધર્મના ભાગો કલ્પીએછીએ, પણ એ બધાયનો સમાવેશ માનવધર્મમાંછે જ.
‘માનવી એક વ્યક્તિ છે અને સાથે સાથે સમાજનું એક અંગ પણ છે. આપણે માનવધર્મનો વિચાર કરવો હોય ત્યારે સમાજ અને વ્યક્તિ એબન્નેનો વિચાર કરવો જોઈએ.
‘આપણાઋષિઓએ સમાજનાચાર ભાગ કલ્પ્યા છે. આ ચાર ભાગોને વર્ણો કહેવામાં આવે છે. રાજધર્મમાં આપણે જોયું કે કોઈ પણ સમુદાયને ટકવું હોય તો સમુદાયે અંદર અંદર સંપ સાધવો જોઈએ. આપણે એ પણ જોયું કે સંપ સાધવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન પરસ્પરની સેવા છે. સેવાની આ વાત માનવસમુદાયને પૂરેપૂરી લાગુ પડે છે, એટલા જ માટે આ ચાર વર્ણો સેવાના ધોરણ પર જકલ્પ્યા છે. જે વર્ણ, મુખ્યત્વે પોતાનાં બુદ્ધિ અને જ્ઞાનથી સમાજનીસેવા કરે તે બ્રાહ્મણ; જે વર્ણ, પોતાના બળ ને તેજથી સમાજની સેવા કરે તે ક્ષત્રિય; જે વર્ણ, પોતાની વ્યાપારી બુદ્ધિથી પ્રજાની સેવા કરે તે વૈશ્ય; અને જે, પોતાના શરીરની શક્તિથી સમાજની સેવા કરે તે શૂદ્ર.
‘પણ આખરે તો ચારે ય વર્ણો મનુષ્યો છે. ક્રોધ નકરવો, સત્ય બોલવું, અતિથિને માન આપવું, ક્ષમા રાખવી, પોતાની ધર્મપત્ની પર સ્નેહ રાખવો, પવિત્રતા જાળવવી, સરળતા રાખવી અને આશ્રિતોનું પોષણ કરવું-આ ધર્મો તમામ માણસોએ પાળવા જેવા છે.
‘ આ તો બધા માનવધર્મો થયા. આ માનવધર્મો ઉપરાંત બીજા વર્ણધર્મો છે. તે તે વર્ણના લોકો સમાજની સેવા વધારે સારી કરી શકે, એ રીતે આ ધર્મો નક્કી થયા છે. તહું
‘ઇંદ્રિયોનું દમન કરવું તેમ જ નિરંતર પોતાનો સ્વાધ્યાય કરવો, એ બ્રાહ્મણનો સનાતન ધર્મ છે. સ્વાધ્યાયની પાછળ લાગેલો બ્રાહ્મણ પોતાનાં બીજાં ગૌણ કર્મો ન કરે તોપણ ચાલે.
‘પ્રજાનું પાલન કરવું, ચોરનો નાશ કરવો અને રણમાં ઘૂમવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. જે ક્ષત્રિય શરીરે ઘાયલ થયા વિના રણમાંથી નાસી જાય તે ક્ષત્રિય નથી. રાજાએ તમામ વર્ણોને પોતપોતાના ધર્મમાં સ્થાપન કરવા જોઈએ. પ્રજાનું સર્વ પ્રકારે પાલન કરવું એ રાજાનો મુખ્ય ધર્મ છે.
‘યજ્ઞો કરવા, ને નીતિથી ધન એકઠું કરવું એ વૈશ્યનો ધર્મ છે. વૈશ્યે વેપાર કર્યો હોય, તો મળેલા નફામાંથી સાતમો ભાગ પોતાના નિર્વાહ માટે લેવો.
‘આ ત્રણેય વર્ણની સેવા કરવી એ શૂદ્રનો ધર્મ છે.
‘યુધિષ્ઠિર ! ખરી રીતે જુદા જુદા ચાર વર્ણો હતા જ નહિ. પૃથ્વી પર પહેલાંપહેલાંઅર્ણ હતો પણ લોકોએજુદી જુદી પ્રકૃતિને લઈને જુદાં જુદાં કર્મો સ્વીકાર્યાં, એટલે તે તે કર્મોને લીધે વર્ણ્વિભાગ બંધાયો. આ રીતે જુદાં જુદાં કામો કરનારા લોકો જુદા જુદા વર્ણોમાંવહેંચાઈ ગયા છે.’
2
શું કરવાથી બ્રાહ્મણ થવાય ?
‘પિતામહ ! ખરી રીતે તો માણસમાત્રનો એક જ વર્ણ છે, ને એકસરખા અધિકાર છે. પણ પાછળથી કર્મભેદને લઈને વર્ણોથયા છે. શું કરવાથી પુરુષ બ્રાહ્મણ રહી શકે છે, અને શું કરવાથી પુરુષ ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થઈ શકે છે તે મને સમજાવો.’
‘જેનામાં સત્ય, દાન, અહિંસા, અક્રૂરતા, લજ્જા, દયા અને તપ—આ ગુણો સહજ જોવામાં આવતા હોય તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ મનોદશા, ને એ મનોદશાને અનુકૂળ કર્મો, આ બે વસ્તુઓ માણસને બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણદેહ પણ આ બંને માટે વધારે અનુકૂળ છે. એ જ રીતે બીજા વર્ણોનું પણ સમજ.’
3
આશ્રમધર્મ
‘પિતામહ ! તમે ચાર વર્ણોની ઉત્પત્તિ ને ધર્મો મને કહ્યા. એ જ પ્રમાણે ચાર આશ્રમો ને તેના ધર્મો મને કહો.’
‘માનવસમાજને વ્ય્વસ્થિત રાખવા માટે જેમ વર્ણવ્યવસ્થા છે તેમ જ, માનવી મોક્ષના ધ્યેય તરફ વધારે વેગથી જાય એટલા માટે ચાર આશ્રમો છે. જેમ વર્ણવ્યવસ્થા એક યા બીજે રૂપે આખાય જગતમાં ચાલુ છે,તેમ જ આશ્રમવ્યવસ્થા પણ એક યા બીજે રૂપે જગતમાં જોવામાંઆવે છે.
‘ગુરુકુળમાં રહીને અધ્યયન કરવું. એને બ્રહ્મચર્યાશ્રમ કહે છે. બ્રહ્મચારીએ શરીરની તેમ જ મનની પવિત્રતા રાખવી, ગુરુની આજ્ઞામાથે ચડાવવી, વ્રતાદિ કરવાં, ઇન્દ્રિયોને વશ રાખવી અને સ્વાધ્યાયમાં આળસ ન કરવું.
‘બીજો આશ્રમ તે ગૃહસ્થાશ્રમ, ગુરુ પાસે ભણ્યાએટલું જ બસ નથી.માણસને સંસારમાંથી ઘણુંયે ભણવું પડે છે ને આ ભણાવનાર તે સ્ત્રી છે. એવા તો કોઈ વિરલા જ હોય છે જેમને વ્યવહારના આ આચાર્ય પાસેથી ભણવું ન પડે. મોટા ભાગના પુરુષોને આ શાળામાં આવ્યે જ છૂટકો છે.
‘ગૃહસ્થનો પહેલો ધર્મ એ, કે તેણે બીજા આશ્રમોને મદદ કરવી. ગૃહસ્થ પોતાની પત્નીમાં જ પોતાની વાસનાને મર્યાદિત કરે, અને એમ કરતાં કરતાં એમાંથી છૂટી જાય. ગૃહસ્થ ભોગ ભોગવે છે, તે તેમાંથી છૂટવા માટે. નહિ કે તેની અંદર વધારે ઊંડા ઊતરવા માટે. માણસે ગુરુ પાસેથી જે જાણ્યું એને જીવનમાં ઉતારવા માટે આ ગૃહસ્થાશ્રમ છે.
‘ત્રીજો આશ્રમ વાનપ્રસ્થશ્રમ. જીવનમાં વેગની જરૂર છેતેમ આરામની પણ છે. ગૃહસ્થાશ્રમના વેગ પછી વાનપ્રસ્થાશ્રમનો આરામ જરૂરી છે. વાનપ્રસ્થ પોતાની શક્તિ લોકોનાકલ્યાણમાં વાળે.
‘ચોથોઆશ્રમ, સંન્યાસાશ્રમ. સંન્યાસ એટલે સર્વ પ્રકારના ધનનો ત્યાગ, સર્વ પ્રકારના સ્નેહનો ત્યાગ.સંન્યાસીને માટીનું ઢેફું ને સોનાનો કટકો બન્ને સરખાં છે. આ દશા એ જીવનની સમતોલ દશા છે, બેટા ! આ છેલ્લો આશ્રમ.’
4
માનવજીવનનું ધ્યેય
‘પિતામહ, આખોય માનવસમાજ ક્યાં જઈ રહ્યો છે ? માનવજીવનનું ધ્યેય શું ? આપ આ પ્રશ્નોનો ઉકેલ આપો.’
‘બેટા,ગભરા નહિ. પરમાત્માને પામવા એ જ જીવનનું ધ્યેય છે. કોઈક આને મોક્ષ કહે છે, કોઈકઆને બીજાં નામો આપે છે; પણ બધાંનો સાર આ એક જ છે. જગતના તમામ ધર્મોનું છેવટનું લક્ષ્ય આ છે.’
5
ધર્મના પાયા : સત્ય
‘પિતામહ ! હવે આપ મને ધર્મનું –સત્યનું સ્વરૂપ સમજાવો.’
‘યુધિષ્ઠિર ! સત્ય તો તું મને સમજાવે કે હું તને સમજાવું ? તે તો સત્યને તારા જીવનમાં વણી લીધું છે. ખરું પૂછતાં આ જગત સત્યને આધારે જ ટકી રહ્યું છે. તને વધારે કહેવાની જરૂર નથી.’
———————————————-
6
ધર્મનાપાયા :શીલ
‘કેટલક મુનિઓ કહે છે કે શીલ સત્યના કરતાં ય વધારે ઉપયોગી છે. પિતામહ ! આપ મને શીલ વિષે સમજાવો.’
‘બેટા ! ધર્મ, સત્ય, શીલ એ બધાં શબ્દો એકબીજાના પૂરક છે. એક વાર પ્રહ્લાદે ઈંદ્રને પોતાના શીલનું દાન કર્યું એટલે શીલ પ્રહ્લાદના શરીરમાંથી બહાર આવ્યું.
પ્રહલાદે પૂછ્યું : ‘તું કોણ છે ?’
‘હું શીલ છું.તમે મને દાનમાં આપ્યું એટલે હું જાઉં છું..’
‘શીલના ગયા પછી થોડી વારે બીજું એક સત્ત્વ બહાર આવ્યું ને બોલ્યું: ‘ હું ધર્મ છું. જ્યાં શીલ હોય ત્યાં જ મારો વાસ છે, માટે હું પણ જાઉં છું.’
‘પછી થોડી વારે સત્ય બહાર આવ્યું ને બોલ્યું : ‘ હું સત્ય છું . જ્યાં ધર્મનો વાસ હોય ત્યાં જ હું રહું છું. માટે હું પણ જાઉં છું.’
‘ આ પ્રમાણે શીલ, સત્ય, ધર્મ, એ બધાં એક્સાથે જ રહે છે ને એકસાથે જ જાય છે.’
‘શીલ એટલે શું તે સમજ્યો ? મન, વચન ને કર્મથી કોઈનો દ્રોહ ન કરવો, સર્વના પર દયા રાખવી ને પાત્ર હોય તેને દાન આપવું—આનું નામ શીલ.’
————————————————
7
ધર્મના પાયા : દમ
‘પિતામહ ! ધર્મમાં દમનું સ્થાન ક્યાં છે તે જાણવાની મને ઇચ્છા છે.’
‘દમ, એટલે ઈંદ્રિયનિગ્રહ. એક વાર માણસ નક્કી કરે કે ઇંદ્રિયો પર કાબૂ રાખવાની જરૂર નથી, એટલે ધર્મા જેવી વસ્તુ ન રહે, અને ધર્મની સાથે સંબંધ રાખતા તમામ વ્યવહારો બંધ થઈ જાય. માટે જ કહું છું કે ધર્મનો આધાર દમ પર રહેલો છે.’
8
ધર્મના પાયા :જપ
‘પિતામહ ! ધર્મનાં બહારનાં અંગો પણ જરૂરનાં તો ગણાય જ. આજે ઘણં લોકો આવાં બહિરંગોમાં ઘણો કાળ ગાળે છે. આવાં બહિરંગોમાં જપ મને ઉપયોગી લાગે છે. આપ તે વિષે મને સમજણ પાડો.’
‘જપ ગમે તેટલું ઉપયોગી સાધન હોય પણ તે બહારનું સાધન છે, એમ જાણ. આવું બહારનું સાધન મનને સ્થિર કરવામાંઘણું ઉપયોગી છે. જપ કરનારો માણસ જો શ્રદ્ધા વિના જપ કર્યા કરે તો તે જપ નકામો છે. જપ કરનારને જો જપ કર્યા પછી મનની પ્રસન્નતા ન થાય તો જપ વેઠ કર્યા બરાબર છે. જપ કરવો તો ઈશ્વરની કૃપા મેળવવા કરવો, દુન્યવી લાભ માટે ન કરવો.’
9
છ શત્રુઓ
‘પિતામહ ! માણસને પરમાત્મા તરફ જવામાં જે જે અંતરાયો હોય તેનું આપ મને સવિસ્તર જ્ઞાન આપો.’
‘બેટા,એકલો લોભા જ માણસના જીવનને પાયમાલ કરવા માટે બસ છે. લોભ જબધાં પાપનું મૂળ છે. લોભ એટલે દ્રવ્યનો લોભ, પદવીનો લોભ, સત્તાનો લોભ, પ્રતિષ્ઠાનો લોભ—આ બધાય લોભ માણસનો વિનાશ કરે છે. બાકીના પાંચ —કામ, ક્રોધ,મોહ, મદ, મત્સર એ લોભના જ ભાઈઓ છે.’
10
ધર્મનું રહસ્ય
‘પિતામહ ! જુદા જુદા આચાર્યો ધર્મનાં સ્વરૂપો જુદાં જુદાં કહે છે. આપ મને સહેલું એવું ધર્મનું સ્વરૂપ સમજાવશો ?’
‘બેટા,હું તને પંડિતાઈની વાતો નહિ કરું. આજે એ કરવાનો વખત પણ નથી. હું તો તને ધર્મની એક જ કસોટી આપું છું.
‘આચરણર જ ધર્મનું સાચું લક્ષણ છે. બીજાઓના જે આચરણને હું અયોગ્ય માનું, તે આચરણ મારે કરવું ન જોઈએ. આ, ધર્મની ઘણી સાદી છતાં ઉપયોગી વાતને તું ધ્યાનમાં રાખ.’
11
ધર્મશાસ્ત્રોનો સાર
‘પિતામહ ! મને આપ ધર્મમાત્રનો સાર સમજાવો એમ ઈચ્છું છું.’
‘બેટા, દુનિયાની પંડિતાઈ, જ્ઞાન, સમજણ , સંસ્કૃતિ, સર્વનો સાર આ છે –ધર્મબુદ્ધિ એ જ મોટી વસ્તુ છે. આવી ધર્મબુદ્ધિ કેળવવી એ જ જીવનનું પરમ કર્તવ્ય છે, તમામ શાસ્ત્રોનો સાર પણ એજ છે. ‘
————————————————–
ઉપસંહાર
ભીષ્મ યુધિષ્ઠિરને આ પ્રમાણે ઉપ્દેશ આપી રહ્યા હતા એવામાં વ્યાસે કહ્યું : ‘હવે તમે યુધિષ્ઠિરને ઘેર જવાની રજા આપો.’
તરત જ ભીષ્મ બોલ્યા :’રાજન ! હવે તું હસ્તિનાપુર પાછો જા. મારી પાછળ હું નવા સૂર્યને ઊગતો જોઉંછું. બેટા, જા, ભગવાન તારા કામમાં તને સહાય થાઓ.’
ત્યાર પછી ઉત્તરાયણના સૂર્ય થયા, એટલે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, યુધિષ્ઠિર, પાંડવો, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ વગેરે સૌ ભીષ્મની બાણશય્યા પાસે એકઠા થયા.
ભીષ્મ ધૃતરાષ્ટ્ર તરફ ફરીને બોલ્યા: રાજન ! તારે શોક કરવો નહિ; જે થવાનું હતું તે થઈ ગયું છે. કાળનેએ જ ગમતું હતું.’
પછી શ્રી કૃષ્ણ તરફ વળીને બોલ્યા : ‘ભગવન ! આપને નમસ્કાર કરું છું. આપ આજના યુગ્પુરુષ છો, હવે હું મારા દેહને છોડું છું.’
શ્રીકૃષ્ણ બોલ્યા :’ભીષ્મ ! હું તમને અનુજ્ઞા આપુંછું. તમારો અવધિ આવી રહ્યોછે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. તમે સિધાવો.’
ભીષ્મે આસપાસ એકઠા થયેલા તમામ લોકોને નમસ્કાર કરતાં કરતાં જણાવ્યું : ‘ હવે હું પ્રાણોનો ત્યાગ કરું છું.
આટલું બોલી ભીષ્મે દેહને છોડ્યો.
—————————————————-