જંગમ વિદ્યાપીઠસમા ઓલિયા વિદ્યાપુરુષ: અરવિંદભાઈ પટેલ
કેશુભાઈ પટેલ
અખંડ આનંદ,એપ્રિલ, 2021\પાનું67
ગઢવાડા નામે ઓળખાતા તત્કાલિન ખેરાલુ તાલુકાના અંધારિયા ખંડમાં કેળવણીનું કોડિયું પ્રજવલિત કરી એ પંથકના જનમાનસમાં હંમેશને માટે અમર બની ગયેલા અરવિંદભાઈ પટેલ જીવતેજીવ દંતકથા બની રહ્યા હતા. સતલાસણા ત્યારે સાવ છેવાડું, ધૂળિયું ગામડું હતું, જે બાકીની શિષ્ટ દુનિયાથી અલગથલગ પડી ગયેલું તથા સામંતશાહી સકંજામાં દબાયેલું હતું. માંડ આંગળીના વેઢે ગણાય એટલા માણસોએ અમદાવાદ જોયું હશે.ત્યારે તાલુકા મથક ખેરાલુ પણ કોઈ મધ્ય યુગિન કસબાની શિકલ ધરાવતું હતું. વેપારીઓ વીસનગર અને કવચિત અમદાવાદ, મહેસાણા કે પાલનપુર જતા ત્યારે કોઈ જુદી જ દુનિયામાં જઈચડ્યા હોય એવા અહેસાસ સાથે એમના કોચલામાં પુરાઈ જતા. કોઈ વધારે માંદું થાય તો એને તાબડ્તોબ જીપમાં નાખી વીસનગર ભેગું કરી પરિવારજનો કૃત્કૃત્યતા અનુભવતા.
એવા વિકટ સમયે પાટીદારોની વસતી અને વણિકોના પ્રભાવ હેઠળના આ ગામનો રસ્તો પૂછતો એક ઓલિયો આવી ચડ્યો અને એકાએક પંથકની કુંડળીમાંબધા ગ્રહો સાનુકૂળ બની ગયા !
અરવિંદભાઈ વડનગર કે વીસનગર નજીકની જ કોઈ શાળામાં શિક્ષક તરીકે જોડાઈ આચાર્ય તરીકે આરામથી નિવૃત થઈ શક્યા હોત,શિક્ષક તરીકે પિલવાઈ અને વડનગરમાં તેઓએ સેવાઓ આપીજ હતી પરંતુ એમના કપાળમાં પણ વિધાત્રી ચૂપચાપ ગઢવાડાનું
નામ લખી ગઈ હોય ત્યાં એ પણ શું કરે?
અરવિંદભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું અને સાવ છેવાડે પડેલા સતલાસણાને વખત પૂરતું છેક અમદાવાદ,મેઘરજ અને ઊંઝા તથા પાટણ સુધી ગાજતું અને ગૂંજતું વિદ્યાધામ બનાવી દીધું. એમની આ તપસ્યા એક મૂક શિક્ષકની સંનિષ્ઠ કારકિર્દી બની રહી એથી એમને શિક્ષણ ક્ષેત્રે મળવાં જોઈતાં માનઅકરામ ભલે ન મળ્યાં,પરંતુ આખા પંથકમાં એક ઉમદા વિદ્યાપુરુષ તરીકે એમનું નામ અમર થઈ ગયું છે.એમને ગામલોકોએ સહકાર આપ્યો અને શરૂઆતમાં જે શાળાના આચાર્ય તરીકે કોઈ ટકતું નહોતું ત્યાં કહીપુર જેવા ખોબા જેવડા ગામડામાંઅભાવો વેઠીને ઊછરેલો આ ઓલિયો છેક નિવૃત્તિવય સુધી પલાંઠી વાળીને બેઠો અને ફૂલે પુજાયો.
એમની સ્મૃતિવંદના સ્વરૂપે શ્રી આર.કે.પટેલ, બાબુભાઈ પટેલ તથા શિક્ષણજગતના અન્ય સ્વજનોએ એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરી દિવંગત આચાર્યનું તર્પણ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.એમને આ રીતે પણ વારંવાર યાદ કરીને સન્માનિત કરવાથી વર્તમાન પેઢીને એના વસમા અતીતનો અંદાજ આવશે.
આ સંપાદનમાં અરવિંદભાઈની કેફિયત વાંચીને એની પણ ક્ષતિપૂર્તિ થઈરહી છે.અરવિંદભાઈનું જીવન ત્યાગ, તિતિક્ષા અને સમર્પણના ઊર્મિકાવ્ય જેવું છે.સતલાસણામાં એમને પૂરતું સન્માન સાંપડ્યું હતું—એમની સેવાઓની કદર સ્વરૂપે પ્રાથમિક શાળાનું નામકરણ પણ થયું છે અને એમનાં જીવનસંગિના નામે વારિગૃહનું નામકરણ કરાયું છે.સતલાસણા સાવ જ સુષુપ્ત દશામાં હતું ત્યારે ઈશ્વરે જ જાણે એક ઓલિયા આદમીને કેળવણીનો દીવો લઈને ત્યાં મોકલી આપ્યો.એ શાળામાં અભ્યાસ કરીને તોફાની વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ નાગરિકો બન્યા. ડોકટરો-ઈજનેરો અને કલાસવન ઑફિસરો તરીકે કાર્યરત મહાનુભાવો તરીકે પંકાયા.એ બધા જ એમના વિદ્યાગુરુને અત્યંત ઋણભાવે સ્મરે છે ત્યારે શિક્ષક પણ ખરેખર કોઈ સાધારણ ચીજ નથી જ-એ ચાણક્યસૂત્ર સાર્થક થતું વરતાય છે.
ગાંધીવિચાર માત્ર બુનિયાદી શિક્ષણસંસ્થાઓ કે આશ્રમશાળાઓ જ જીવંત રાખી શકે એવી માન્યતામાં અર્ધસત્ય છે.અરવિંદભાઈએ ક્યારેય ગાંધીવિચારનો અમલ કરતા હોવાનો દાવો નહોતો કર્યો પરંતુ વડનગર જેવું શહેર અને તે પણ વતનથી વેંત છેટું—છોડીને અંતરિયાળ ગઢવાડાની હ્રદયસ્થલીમાં વશી જઈ અરવિંદભાઈ પટેલે જે પ્રદાન કર્યું છે તે ગાંધીવિચાર પ્રેરિત કોઈ પણ ગ્રામ વિદ્યાપીઠથી ઓછું આંકી શકાય એવું નથી.
માણસની ગેરહાજરીમાં જ એની સાચી કિંમત સમજાતી હોય છે, અરવિંદભાઈ પટેલની હાજરી દરમિયાન સતલાસણા હાઈસ્કૂલની જે પ્રતિષ્ઠા ઊભી થઈ હતી તે અનુગામીઓએ ટકાવી રાખવા પૂરતો પરિશ્રમ કર્યો જ હશે એની ના નહીં; પણ અરવિંદભાઈ વખતની સતલાસણા હાઈસ્કૂલની રોનક તો કંઈ ઓર જ હતી.અરવિંદભાઈ પટેલ એક હરતીફરતી વિદ્યાપીઠ જ હતા.
ખાટલે મોટી ખોટ કે આપણે ત્યાંબોલે એનાં જ બોર વેચાય છે. મારી દૃષ્ટિએ આવા શિક્ષણમહર્ષિને વીસરી જઈ રાજકારણીઓ મારફત ફાઈલો રજૂ કરતા માગણ શિક્ષકોને કે રાષ્ટ્રીય ક્ક્ષાના એવૉર્ડ ધરબી દેવા એ વિદ્યાદ્રોહ છે.
અરવિંદભાઈ એ તો અલગારી ઓલિયા આદમી હત.સતલાસણાના ચાના વેપારી અને માહ્રદય્વગામિત્ર જે.ટી.શાહ(જયંત શાહ-‘બિંદુ’ ) નો આ સંપાદનમાં સમાવાયેલા લેખ વાંચી એમના અલગારીપણાનો અંદાજ આવશે.તારંગા રેલવે સ્ટેશને ઊતરી સતલાસણા જવાનો રસ્તો પૂછતો એ મુસાફર ટપાલી સાથે પાંચ ગાઉ ચાલીને સતલાસણા પહોંચે છે. તમામ પ્રતિકૂળતાઓ નરી આંખે સામે જોવા છતાં એ સતલાસાણાની એ વખતની સાવ વીંખાઈ-પીંખાઈ ગયેલી શાળાનું નામ ગુજરાતમાં ગૂંજતું કરવાની ખાતરી આપે છે. જે રીતે એશાળાનો કાયાકલ્પ કરે છે તે આપણા શિક્ષણજગતની એક સીમાચિહ્ન રૂપ ઘટના છે. અરવિંદભાઈ કેટલા નિ;સ્પૃહ હતા એની પ્રતીતિ જે સહજતાપૂર્વક એ સંસ્થામાં પ્રવેશ કર્યો હતો એ જ સહજતાપૂર્વક એને’અલવિદા’કહી પોતાનું નિવૃત જીવન પોતાના ગામમાં જ વિતાવવાના સંકલ્પમાંદૃષ્ટિગોચર થાય છે. જીવલેણ વ્યાધિનો પણ એમણે હસતા મોઢે સ્વીકાર કર્યો. તંબૂશાળામાં ફાનસ લઈ ફરતા આચાર્ય ગામડાના વિદ્યાર્થીને બીડી ફૂંકતો જોઈ દુર્વાસા બની જાય અને એ વિદ્યાર્થી એમની આજ્ઞા માની લઈ આજીવન વ્યસનમુક્ત બની નિરામય જીવન વિતાવે,પરંતુ કુદરત કેટલી ક્રૂરતાપૂર્વકનિર્વ્યસની ઋષિને જ કેન્સરની ભેટ આપે !
અરવિંદભાઈના જીવન પર આખી એક ફિલ્મ બનવી જોઈએ.મને ખાતરી છે કે કોઈ નીવડેલ્સ્સ કસબી દ્વારાસતલાસણાના આ તપસ્વીને કચકડે કંડારશે તોએ ફિલ્મ જરૂર ઓસ્કાર એવોર્ડ જીતી લાવશે.!
13,ઐશ્વર્ય-1,પ્લોટ 132,સેક્ટર-19,ગાંધીનગર.
———————————————–
પ્રતિસાદ આપો