વાન પ્રસ્થાશ્રમ
સંકલન:પ્રવીણચંદ્ર ઠકકર
કોણે કહ્યું, હું વૃદ્ધ છું?
મારું મકાન જર્જરિત થયું છે, સાચું;
મારાં વસ્ત્રો જીર્ણ થયાં છે, સાચું;
જે દોરડામાંથી વીજ વહે છે તેય હવે કરમાઈ ગયાં છે,સાચું;
પણ મારી વીજ કંઈ વૃદ્ધ થઈ નથી,
મારાંખમીરને ખુમારી ખંડેરમાંયે અકબંધ રહે એવાં છે!
કરચલીઓ પડતી જાય છે ગાલ પર,
ને ચાદર પર દેખાવા માંડ્યા છે સળ
પણ તે કંઈ મારાં તો નહીં જ !
થાંભલા ભલે ડગમગ થતા હોય,
ઉંબરા થતા હોય ડુંગરા,
ને પાદર થતાં હોય પરદેશ;
પણ મનના પાયા છે સદ્ધર ને સાબૂત,
એની પાંખો છે મક્કમ ને મજબૂત.
મેઘદૂત થઈ આકાશે ઊડવાનું
આસાન છે મનને;
દૂર નથી અલકા એને, કોઠો નથી કૈલાસ એને
મારા હાથમાં કંપવા જરૂર છે,
પકડ પણએની ઢીલી છે;
પરંતુ એ હાથમાંની કલમ વાટે
મારાં સ્વપનો સહેલાઈથી કાગળ પર ઊતરીને
મોજથી ટહેલી-સહેલી શકેછે આમ તેમ !
જુવાન થયેલા યયાતિની કથા
રંગેચંગે એમાં ઉઘાડ પામી શકે છે !
ગરબામાં ઢમકતા ઢોલ સાથે
ભલે મારા પગ ન લઈ શકતા હોય ઠેક,
પણ એમના ઘમઘમતા ઘૂઘરાના તાલ
મારા ચિદાકાશમાં નચાવતા રહે છે
વીજળીઓ !
મારી ગુહામાંથી
એક સાવિત્રી દીવો લઈને નીકળી પડી છે….
વાર્ઘક્યને ઉન્મૂલિત કરી નાખનારી
સત્યકામની અમૃતમયતાની એને તલાશ છે…
એ સાવિત્રીના જ અગ્નિકુંડમાંના યજ્ઞ પુરુષને—
સત્પુરુષને—
મારામાં આળસ છાંડીને ઊઠતો અનુભવું છું ત્યારે
ક્યાંથી હોઉં હું વૃદ્ધ?
વૃદ્ધ મારો પડછાયો હોય તો ભલે
હું તો નથી જ નથી !
–ચંદ્રકાંત શેઠ
તરુણ-વ્રુદ્ધ સંવાદ\વિનોબા
એક છે તરુણ-શક્તિ અને બીજી છે, વૃદ્ધ-શક્તિ. એ બંનેની વચ્ચે ટક્કર ઊભી થાય છે. તરુણોને થાય છે કે વૃદ્ધો જોરને શોરથી આગળ નથી વધતા અને અમને પણ આગળ વધવા નથી દેતા. વૃદ્ધો ક્રાંતિની કલ્પના છોડીને પોતાની ઘર-ગૃહસ્થીમાં અને પોતાની સંસ્થાઓમાં બંધાઈ ગયા છે. વૃદ્ધો માટે સામાન્ય રીતે તરુણોની આવી ફરિયાદ રહેતી હોય છે.
તરુણોને વૃદ્ધો વચ્ચે આવી જે ટકકર ઊભી થાય છે, તેનું મને આશ્ચર્ય નથી અને દુ:ખ પણ નથી, બલ્કે દુ:ખ નથી એમ કહેવું પુરતું નથી. કહેવું તો એમ જોઈએ કે આવી ટકકરથી મને ખુશી થાય છે.
મેં ઘણીવાર કહ્યુંછેકે નવી પેઢી જે હોય છે, તે આપણા ખભા પર બેઠી હોય છે. બાળકો પિતાના ખભા પર બેઠાં હોય છે, તેથી પિતા જેટલું દૂર જોઈ શકે છે.જો કે મારી આ વાત સાંભળીને મારા મિત્ર ગોપાલરાવ એક વાર બોલ્યા. ‘વિનોબા,તમારી વાત તો સાચી છે, ઘણી વાર ઉપમા તમે દીધી. પરંતું
એ જે તરુણ પિતાના ખભા ઉપર બેઠો છે, તે જો આંધળો હોય તો શું જોવાનો? માટે એવધુ દૂરનું જોશે એ વાત સાચી, શરત એટલી જ કે, તે આંધળો નહીં,આંખવાળો હોય,” આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે, તરુણ જો આંખવાળો હશે, તો જવધુ દૂરનું જોઈશકશે.
ગીતામાં ઉત્તમ કાર્યકર્તા,જેને તેણે સાત્ત્વિક કર્તાકહ્યો છે, તેનાં બે વિશેષણ છે. ધ્રુતિ અને ઉત્સાહ. ઉત્તમ કાર્યકર્તામાં ધ્રુતિ જોઈએ અને ઉત્સાહ જોઈએ. મેં ઘણી જગ્યાએ જોયુંકે ‘તરુણઉત્સાહી મંડળ’બનાવે છે. તો મેં કહ્યું કે આ કહેવાની શીજરૂર છે? તરુણો તો ઉત્સાહી હોય જ છે. એટલા વાસ્તે’તરુણ ધૃતિમંડળ’ બનાવો, ને’વૃદ્ધઉત્સાહી મંડળ ‘ બનાવવું જોઈએ. વૃદ્ધોમાં સામાન્ય રીતે ઉત્સાહ ઓછો હોય છે,એટલે એમનાં વૃદ્ધ ઉત્સાહી મંડળ બનવાં જોઈએ.
આપણને બંને જોઈએ છે, હોશ અને જોશ, તરુણોમાં હોય છે જોશ,પણ હું તો કહીશકે બંનેમાં હોશ ને જોશ બેઉ જોઈએ ત્યારે કામ થાય છે.
તરુણોને હું કહું છુંકે તમારામાંજે ઉત્સાહ છે, તે મને બહુ ગમે છે, મને બહુ પ્રિય છે; પરંતુ થોડોક સંયમ રાખો અનેવૃદ્ધો પાસેથી તમારે જે લેવાનું છે,તે લઈને આગળ વધો. ભૂમિતિના સિદ્ધાંતની ખોજ કરવા નીકળ્યા છો, તે સારી વાત છે; પરંતુ અત્યાર સુધીમાં યુકિલડ વગેરે જે ખોજ કરી ચૂક્યા છે, તે બરાબર સમજી લો અને પછી તેનાથી આગળ વધો, યુકિલડ વગેરે જે ખોજ કરે ચૂક્યા છે, તે બરાબર સમજી લો અને પછી તેનાથી આગળ વધો, યુકિલડ વગેરેની ખોજને સમજી લીધા વિના તમે ભૂમિતિની ખોજ કરવામાં જશો,તો તે ઠીક નહીં થાય, એટલે વૃદ્ધો પાસેથી જે લેવાનું છે, તે પહેલાં લો અને પછી તેનેઆગળ વધારો.
મહાભારતમાં આ યક્ષપ્રસ્ન છે.યુધિષ્ઠિરને યક્ષે સવાલ પૂછયો,”જ્ઞાન કેમ થાય” તો યુધિષ્ઠર ઉત્તર આપે છે. “વૃદ્ધની સેવા કરવાથી જ્ઞાન મળે છે” એટલે વૃદ્ધોની સેવા કરીને એમની પાસે જેટલુંયે જ્ઞાન હોય તે પ્રાપ્ત કરી લેવુંઅને પછી આગળ વધવું.
તરુણોએ હંમેશાંઆગળ જ વધતા રહેવાનું છે.તેમાં જો વૃદ્ધ લોકો વચ્ચે આવતા હોય, તો એમની સામે સાફ-સાફ વાત કરવી-જેવી લક્ષ્મણે પરશુરામને કરી હતી. તુલસીદાસજીએ આ લક્ષ્મણ-પરશુરામ સંવાદનું બહુ વિસ્તરણથી વર્ણનકર્યું છે. લક્ષ્મણ –પરશુરામને ખૂબ ખૂબ સંભળાવે છે. રામજી એ તટસ્થ ભાવે સાંભળી રહ્યા છે. આમ તો ચૂપચાપ બેઠા રહ્યા,અને પછી વચ્ચે પડીને એમને લક્ષ્મણને જરા વાર્યો અને ત્યારે કામ પાર પડ્યું.
પરશુરામ અને લક્ષ્મણના સંવાદનું આટલા વિસ્તારથી વર્ણન કર્યુ. તેમાં ઘણો આવેશ પણ છે અને પરશુરામની અવહેલના પણ છે. આ બધું તુલસીદાસજીએ શું કામ કર્યું? કેમ કે બે પેઢીઓ વચ્ચે જે અંતર છે,તે ધ્યાનમાં આવે.જૂની પેઢી છે પરશુરામ, નવી પેઢી છે લક્ષ્મણ અને નવી પેઢીએ હંમેશાં આગળ જ જવાનું છે.
પરંતુ એકવાર શું થયું? મહાભારતના યુદ્ધની વાત છે. દ્રોણાચાર્ય પાંડવોની સેનાનો ખૂબ સંહાર કરી રહ્યાં છે. એટલે રાતે પાંડવો બધા ભેળા થયા છે.કૃષ્ણ છે, યુધિષ્ઠિર છે, અર્જુન છે. ચર્ચા કરી રહ્યાં છે કે હવે શું કરવું, ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, “ અર્જુન! તારા ગાંડીવની શી કિંમત રહી? પાંડવોનો આટલો બધો સંહાર થઈ રહ્યો છે અને તારું ગાંડીવ કાંઈ નથી કરી શકતું? ક્યાં ગઈ તારા ગાંડીવની સાખ?”
આ સાંભળીને અર્જુન મોટા ભાઈને મારવા ઊભો થઈ ગયો ! કેમ કે એની પ્રતિજ્ઞા હતી કે જે કોઈ એના ગાંડીવની નિંદા કરશે,તેને તે મારીનાખશે. યુધિષ્ઠિરે નિંદા કરી, તેને તે મારવા ઊભો થઈ ગયો, ત્યારે કૃષ્ણે તેનો હાથ પકડીને તેને , રોક્યો,કૃષ્ણેતેને કહ્યું કે આ તો તારી બેવકૂફી છે! આમાં તારા જ્ઞાનની નાદારી જણાય છે,અને તે સ્વાભાવિક છે.તેં વૃદ્ધોની સેવા નથી કરી,એટલે તું આવો બેવકૂફ રહ્યો છે ! ‘ન વૃદ્ધા:સેવિતા –ત્વયા’! અને પછી કહ્યું કે આમાં એમણે તારા ગાંડીવની વાત કરી, જરા ઘસાતું બોલ્યા, તે તારો ઉત્સાહ જગાવવા માટે કર્યું,તારી કે તારા ગાંડીવની માનહાની કરવા માટે નહીં.એટલા વાસ્તે ગાંડીવ-નિંદા વાળી તારી પ્રતિજ્ઞા છે,તે અહીં લાગુ નથી પડતી.
આવો વિવેક પણ તરુણોમાં હોવો જોઈએ.બીજી બાજુ,વૃદ્ધોએ પણ પોતાના તરફથી તરુણોના ઉત્સાહનો ક્યારેય ભંગ ન થાય, તે જોવું જોઈએ.
તરુણોને વૃદ્ધો વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ,તેની બીજી એક વાત કહું.મહાભારતનું યુદ્ધ શરૂ થઈ રહ્યું હતું. પહેલો દિવસ.પ્રાત;કાળમાં યુધિષ્ઠિર ઊઠ્યા અને પદયાત્રા કરતાં શત્રુના કેમ્પમાં ગયા.ભીષ્મ પિતામહ પાસે.સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યા,”આશીર્વાદ માગવા આવ્યો છું” ભીષ્મ બોલ્યા , “ધન્ય છે,કેવા આશીર્વાદ જોઈએ?” યુધિષ્ઠિરે કહ્યું, “ તમારીપાસેથી કાંઈક જાણવા માગું છું” “શું” તો યુધિષ્ઠિરે કહ્યું,’ તમારું મૃત્યુ કઈ રીતે થશે,તે જાણવા માગું છું.”
અદ ભુત જછેને! દુનિયાભરમાં કોઈ એવું મહાકાવ્ય મળશે, જેમાં આ પ્રકારનો કિસ્સો હોય?હોય?મહાભારત એટલે મહાભારત જ !અને આશ્ચર્યની વાત કે ભીષ્મે પણ પ્રસન્ન થઈનેકહ્યુંકે મારું મૃત્યુ આવી જ યુક્તિથી થઈ શકે છે એમ કહીને યુક્તિ બતાવી.અને આગળ જ્ણાયું કે એજ યુક્તિથી એમને મારી શકાયા, બાકી,અર્જુન બીજી કોઈ રીતે એમને મારી ન શક્યો.
કવિએ વર્ણન કર્યું છે કે બંને સામસામે લડી રહ્યા છે. એક તરફ પરમ વૃદ્ધ ભીષ્મ પિતામહ અને બીજી તરફ સામે તરુણ-યુવા અર્જુન. બંને તરફથી બાણ-વૃષ્ટિ ચાલી રહી છે. ભીષ્મ સામે અર્જુન ફિક્કો પડી રહ્યો છેઅને પછી ભીષ્મે પોતાને મારવા માટેની જે યુક્તિ બતાવેલી,તેનો અમલ કરવામાં આવ્યો અને ભીષ્મને મારવામાં આવ્યા. તરુણોને વૃદ્ધો સામસામે હોય,તોયે એમનો સંબંધ આવો મીઠો હોવો જોઈએ. બંનેનો સંયોગ થવો જોઈએ.
છેલ્લે એક વાત.મને ચોક્કસ ખબર નથી, મેં સાંભળ્યું છે કે આપણી રાજસભામાં કદાચ આ વાક્ય લખી રાખવામાં આવ્યું છે: ‘ન સા સભ, યત્ર ન સન્તિ વૃદ્ધા:’ જ્યાં વૃદ્ધો નથી,ત્યાં સભા જ નથી. એટલા વાસ્તે સભામાં વૃદ્ધો હોય તે જરૂરી છે.તરુણોની સભા હોય ,તરુણોની સભા હોય,તરુણોની ચર્ચા ચાલતી હોય , પરંતુ તે ચર્ચા ઉચિત ઢબે ચાલે, તેમાં કાંઈક નિયમનનો અંકુશ રહે, તો વૃદ્ધોના હાથમાં એટલો અંકુશ રાખવામાંઆવ્યો છે.
———————————————-
પ્રતિસાદ આપો