રામનારાયણપાઠક ‘શેષ’

પરથમ પરણામ મારમ માતાજીને કહેજો રે

માન્યું જેણેમાટીને રતંન જી;

ભૂખ્યાં રહી જમાડ્યા અમને,જાગીઊંઘાડ્યા, એવાં

કાયાનાં કીધલાં જતંનજી.

બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે

ઘરથી બતાવી જેણે શેરી જી;

બોલી બોલાવ્યા અમને , દોરી હલાવ્યા ચૌટે,

ડુંગરે દેખાડી  ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે

જડ્યા કે ન જડિયા, તોયે સાચા  જી;

એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે

અગમનિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે

જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;

ખાલીમાં રંગ પૂર્યા,જંગમાં સાથ પૂર્યા;

હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પરણામ મારા, વેરીડાને  કહેજો રે

પાટુએ ઉઘાડ્યાં અંતરદ્વાર જી;

અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે

ઊંડાઊંડા આતમના અંધાર જી.

છઠા પરણામ મારા,જીવનસાથીને કહેજો રે

સંસાર તાપે દીધી છાંય જી;

પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે

આતમની કહેજો એક સાંઈ જી.

સાતમા પરણામ ઓલ્યા મહાત્માને કહેજો રે

ઢોરના કીધાં જેણે મનેખ જી;

હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા

હારોહાર મારીઊંડી  મેખજી.

છેલ્લા પરણામ અમારા,જગતને કહેજો  જેણે

લીધા વિનાઆલ્યું સરવસ જી;

આલ્યું ને આલસે, ને પાળ્યાં ને પાળશે,જ્યારે

ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

    રામનારાયણભાઈ ગાંધીયુગના ઘણા કવિઓના ગુરુ  હતા તે તેમની કાવ્ય્મીમાંસાના ગ્રંથો-લેખો વાંચનાર સુપેર જાણે છે.

      પણ પ્રથમત: પોતે ગાંધીયુગના  અપ્રતિમ કવિ છે,ભલે જથ્થામાં થોડી પણ મૂલ્યમાં અપ્રતિમ એવી એની કાવ્ય-સમૃદ્ધિ છે.આ ગાંધીયુગથી રંગાયેલી કાવ્યપ્રતિભા કહીએ ત્યારે  આપણીચેતનામાં શું ઉપર ઊપસી આવે છે? . વિશ્વસ્ત, સારમાણસાઈ અને આત્મખોજ.દરેક તુચ્છમાં તુચ્છ માણસમાં રહેલ સારમાણસાઈ.

      મને એક વાર સદગત ઠાકોરભાઈ  દેસાઈએ ભારે માર્મિક રીતે કહેલું કે ગાંધીવિચાર  સારમાણસાઈવાળા માણસોનું કરે  તે ખરું નથી—તેણે તો હરેક્માં રહેલ સારમાણસાઈનું સંગઠન –માણસ માત્રમાં રહેલ સારમાણસાઈનું સંગઠન. ‘વૈશાખ નો  બપોર’માં આવી સાર્વજનીન સારમાણસાઈનું દર્શન પેલા સરાણિયામાં કેવુંઅદભુત રીતે થયું છે !

   ‘રાણકદેવી’માં આ જ  અવાજ ભારે સક્રિય રીતે પ્રગટથાય છે. અને કેવું છે એમનું હાસ્યઆલેખન? ‘નટ્વરલાલજીનો ગરબોમાં દંશહીન અને છેવટે   સહાનુભૂતિવાળી સમજ જન્માવે છે,પણ તેમના’પરથમ પરણામ’માં આસ્થા સહુથી પ્રબળ રીતે ઝગમગી ઊઠે છે.ગુજરાતમાં એ કોટીનાં જૂજ કાવ્યો જ છે.

    કવિતામાં જાણે કોઈ માણસ મરવા પડ્યો છે—છેલ્લામાતા, શ્વાસ ચાલે છે.પોતાનાં બધાં સ્વજન પ્રિયજનો તોદૂર જ છે-મેળાપ તો થવાનો નથી.અને તેથી તો બધાંની છબી  અને તેમાંથી પ્રગટતી અનુભૂતિ તીવ્ર સચ્ચાઈભરી  છે.

પરથમ પરણામ મારા,માતાજીને કહેજો તે,

માન્યું જેણે માટીને રતંન જી,

ભૂખ્યાં  રહી જમાડ્યાં અમબે-જાગી ઊંઘાડ્યા,એવાં

કાયાનાં કીધલાંજતંન જી,

  એક પ્રલંબ સુરે—છેલ્લી વિદાયનો સૂર તો પ્રલંબ જ હોય ને !

   જૂજ અસલી શબ્દોમાં માતાનો આવો ઋણસ્વીકાર અને મહિમા કોણે ગાયો છે?

  ટાઢ-તાપ-શરદીમાં શેર માંસનો લોચો એક ક્ષણ ભરમાં નિર્જીવ બની જાય—એની કેવી સંભાળ લે છે—‘માન્યું જેણે માટીનેરતંન જી’

   આ માટીના લોચાને રત્નની જેમ જાળવ્યો,એ છે માતૃમહિમા સ્તોત્ર અને ઉપનિષદની આજ્ઞા મુજબબાપ તો પછી જ આવે ને?

   પણ બાપ જ એને જગતના ચોકમાં, જગતની આંટીઘૂંટીઓ સમજાવે છે:

બોલી બોલાવ્યા અમને,

દોરી હલાવ્યા ચૌટે

   બાપ કરી બતાવીને, શિક્ષણ આપે છે—અને છેવટે ‘ડુંગરે દેખાતી ઊંચે દેરી જી’  દીકરા  જો પેલું ઊંચુંચઢાણ  અને એનીય પર ઊંચેરી દેરી—ત્યાં આપણે જવાનુંછે.’ વાહ, ધન્ય છે બાપ—જે માત્ર બજારમાં જ પોતાના દીકરાની કૃતકૃત્ય જોતો નથી.

   અને પછી ભાઈબંધો  જેની જોડે રંગ અને જંગ બંને માણ્યા.પાઠક સાહેબની જાણે આ કાવ્યમાં પ્રતિજ્ઞા છે કે હું અસલી-લોકમાં ચલણી જ નહિ, પ્રતિષ્ઠા પામેલા શબ્દો અને પ્રતીકો  વાપરીશ—અહીં નકલીને પ્રવેશ જ નથી.

   છતાં વિચારમાં વાસ્તવિક જગત પણ છે જ –એમછે દુશ્મનો –વિરોધીઓ  જેના વિના ખરાપણાની ઝાંખી થતી નથી. આ આત્મખોજ  તેમને દુશ્મનોની ખાનદાની જોતાં-ગાતાં મળે છે.

     મિત્રો તો આપણાં સારાં લક્ષણો બતાવે  અને સાથે દ્રઢાવે છે. પણ આપણાં દોષ આપણો મેલ-કચરો તેનું શું? એ ન જાય ત્યાં સુધી સારમાણસાઈ  કેમ દેખાય?

    દુશ્મનોનો ભલે હેતુ જુદો હોય પણ,

    પાટુએ ઉઘાડ્યાં અંતરદ્વાર જી,

    અજાણ્યા દેખાડ્યા  અમને

     ઘેરા ઉલેચાવ્યા જેણે

ઊંડા ઊંડા આતમના અંધાર  જી.

ઑડિટર આવવાના છે એ જાણે છે તે હિસાબનીશ ચોપડો સરખો કરી નાખે. આ દુશ્મનો આપણા ઑડિટર છે— તેના વિના અંધાર ન ઉલેચાત.

    પ્રણામને પાત્ર પછી આવે છે પત્ની.સંસારના તાપમાં જેણે શીતળ છાંય આપી ધીરજ  બંધાવી,આ સંસારના યુદ્દમાં. એને કેવી રીતે પ્રણામ કરશે— તેમ આપણને થાય છે.માતાને પ્રણામ કરવામાં બધી શક્તિ ઠાલવી દીધી છે શું કહેશે હવે પત્નીને પ્રણામ કહેવામાં? પણ  કવિ તો કલ્પનાભંડારી,વાગ અર્થના ખજાનચી છે!  કહે છે કે—

પરણામ વધારે પડે,પરણામ ઓછાયે પડે,

આતમની કહેજો એક સાંઈ જી.

    આપણે વાહવાહ કહી કવિને પ્રણામ કરવા મંડીએ.પછી કવિ આ કાળના સૌથી મોટા કર્મકવિ ગાંધીને પરણામ કહેવરાવે છે. એના વિના તો આ યુગ બધો ગ્રહણ ગણિત.

   સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને,કહેજો રે,

       ઢોરનાં કીધાં જેણે મનેખ જી.

   બીજાએ ગાયું—માટીમાંથી મરદાઈ પ્રગટાવી. મુર્દામાં પ્રાણ ફૂંક્યા.મુલક મુલકની વિસ્મયે આંખ ફાટી.

   પણ આ અગ્રણી કવિને મન ગાંધીજીની સિદ્ધિ:

      હરવાફરવાના જેણે

     મારગ ઉઘાડ્યા રૂડા.

    જીવનમાં બધાં ક્ષેત્રોનાં નિરર્થક આવરણો-બુરખા-નકાબપોશ તેમણે દૂર કર્યા. બધાને મુક્તિની હવા ચખાડી.પણ સાથે જ કહ્યું ‘હારોહાર મારી ઊંડી મેખ જી.

ગાંધીજી એટલે સંયમમૂર્તિ.સ્વચ્છંદ-સ્વૈરાચાર  એમના અમલમાંન હોય. એટલે કહી દીધું.આ મર્યાદામાં ફરજો—કોઈ રોક-ટોક નહિ—પણ મર્યાદા ન છાંડતા.

   અને છેલ્લે મંદિરના કળશની જેમ આખા સંસારની સારમાણસાઈને લળીલળીને જુહાર કરે છે.

       આ સંસાર કુટિલ નથી.તે સારપથી ભર્યો છે—ભાઈ ! જોવાની નજર હોવી જોઈએ.નાની –અબુધ-દુર્બળ હતો ત્યારે—‘લીધા  વિના આલિયું સરવસ જી’ માણસના જીવાતુભૂત તત્ત્વમાં ઈશ્વર  જેવી આસ્થા છે-આપ્યું હતું અને હજુય આપણને હજુય  આપશે.માત્રઆ જન્મે નહિ,  આવતા જન્મે પણ.

આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે,

જ્યારે ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

આવી સારમાણસાઈથી ભરી પૃથ્વીમાં ફરી અવતરવાનું કેમ મન ન થાય?

મનુભાઈ પંચોળી’દર્શક’

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 605,448 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
જૂન 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: