ગોવિંદ નામ લેકર,ફિર પ્રાણ તનસેનિકલે. ટેક
તેરા નામ નિકલે મુખસે,મેરા પ્રાણ નિકસે સુખસે;
બચ જાઉં ઘોર દુ:ખસે,જબ પ્રાણ0 ઈતના01
શિર મોર કા મુગટ હો,મુખડે પે કાલી લટ હો:
યેહિ ધ્યાન મેરે ઘટ હો, જબ પ્રાણ0 ઈતના02
શ્રી ગંગાજી કા તટ હો, યા યમુના કા બટ હો,
મેરે સાંવરા નિકટ હો,જબ પ્રાણ0 ઈતના 03
શ્રીવૃન્દાવન કા સ્થલ હો,મેરે મુખમેં તુલસીદલ હો,
વિષ્ણુ-ચરણ કા જલ હો, જબ પ્રાણ0 ઈતના04
જબ કંઠ પ્રાણ આવે, કોઈ રોગ ન સતાવે;
યમદર્શ ના દિખાવે,જબ પ્રાણ0 ઈતના 05
ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાન;
બંસી કી ધૂન સુનાના,જબ પ્રાણ0 ઈતના06
વિદ્યાનંદ કી યે અરજી, ખુદગર્જ કી હે અરજી;
આગે તુમ્હારી મરજી, જબ પ્રાણ0 ઈતના07
નાનો હતો ત્યારથી મંદિરમાં આ ભજનને કે પ્રાર્થનાને સાંભળતો આવ્યો છું.એ વખતે અર્થની સમજ ન હોય .પણ ભક્તિભાવથી ગવાતું હોય ત્યારેલયનું વાતાવરણ સ્પર્શ્યા કરે. દયારામનું એક પદ છે’ મારે અંત સમય અલબેલા મુજને મૂકશો મા.’ મારા મદન્મોહનજી છેલ્લા અવસર ચૂકશોમા.’ ‘ઈતના તૂ કરના સ્વામી…’ આ ભજન કોનું છે એની ચોક્કસ ખબર નથી. અને માની લો કે ખબર પડે તોપણ બહુ ફેર પડતો નથી.અંતિમ સમયે બધું જ ઓગળતું હોય ત્યારે નામ પણ ભલે ઓગળી-પીગળી જતું.
આ કાવ્યમાં ડેથ-વિશ છે. દરેકને સદાયે જેમ પોતાનાજીવનની કલ્પના હોય છે તેમ પોતાનું મરણ કેવું હોય એના વિશેની એક ઝંખના હોય છે. આ ઈચ્છા-મૃત્યુની વાત છે. કોઈકની ઝંખના ફળે છે.કોઈકની નથી ફળતી.કવિ ઑડનની ફળી હતી.ઑડને એવું મૃત્યુ કલ્પ્યું હતું કે સાંજને સમયે મદ્યપાન કર્યું હોય, કવિતા વાંચી હોય કે એના વિશે વાત કરી હોય અને પછી કોઈ હોટલમાં રાતના સૂઈ જાઉં ને સવારે જાગું જ નહીં એવું બને તો—એવું મૃત્યુ મને ગમે. કદાચ ઑડન માટે કવિતા એનો પરમેશ્વર હોય.
આ કાવ્યમાં આટલી જ વાત છે કે શરીરમાંથી જ્યારે પ્રાણ વિદાય થાય ત્યારે હોઠ પર ગોવિંદનું નામ હોય જીવનની છેલ્લી ક્ષણે ઈશ્વરનો સાથસંગાથ જોઈએ. ગમે તે સ્થળમાં મરવું નથી . કવિએ સ્થળ અને પળ બંને મનોમન નક્કી કર્યાં છે.ગંગા કે યમુનાનો તટ હોય – એ તો હોય જ પણ સૌથી મોટી વાત એ છે કે મારો સાંવરિયો નિકટ હોય. એનું સાન્નિધ્ય હોય તો મરણની કોઈ પરવા નથી. મરણ સ્વયં એક ઘટના બને—મનગમતી ઘટના બને. વૃંદાવનની વચ્ચે મરવું છે. વૃંદાવનનું વાતાવરણ હોય .હોઠ પર ગોવિંદના નામની સાથે મોંમાં તુલસી હોય. આ તુલસીદલ પણ વિષ્ણુચરણના જલથી ભીનાં હોય,તો પ્રાણને નીકળવું પણ ગમે. આપણી છેલ્લી બારાત જતી હોય ત્યારે એના સાજનમાજનમાં પરમેશ્વર સિવાય કોઈ ન હોય. કૃષ્ણને કવિએ આબાદ લયબદ્ધ કર્યા છે. આંખ સામે પગની આંટી ભરાવીને ઊભેલા કૃષ્ણનું અનુપમ ચિત્ર છે.આપણે કૃષ્ણ કહીએ છીએ, બાકી કવિ તો એને સાંવરા કહીને સંબોધે છે, ઘટઘટમાં માત્ર એ જ વ્યાપેલો હોય. કોઈ રોગથી મરવું નથી.પણ ઈશ્વરના યોગથી મરીને જીવી જવું છે. અંતિમ સમયે યમનું દર્શન નહીં,પણ પ્રિયતમનું દર્શન. જતી વખતે કોઈ જંજાળ નહીં જોઈએ. કેવળ હોઠ પર તારું નામ. માત્ર તારું નામ. નામ ને નામ. ઈશ્વરને કહે છે કે તું ગમે એટલો વ્યસ્ત હોય, તારી ગમે તે જવાબદારી હોય,પણ બધું છોડીને—ઉસ વક્ત જલ્દી આના.જોજે,આવવાનું ભૂલતો નહીં.માત્ર તું આવે એટલું બસ નથી. કાન જ્યારે કરમાતા હોય ત્યારે જતાંજતાં પણ હું તારી બંસીની ધૂન સાંભળતોસાંભળતો જાઉં.
તારી પાસે માગીમાગીને શું માંગ્યું? અંતિમ સમયે આવવાનું વચન માંગ્યું. અને એક નેક માણસ આટલી અરજ કરે તો એ અરજને તારે સાંભળવી જોઈએ, સ્વીકારવી જોઈએ. એમાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. આખી જિંદગી તારી ભક્તિ કરી તો તારી પણ કોઈ ફરજ ખરી કે નહીં? દયારામની આગળ ઉલ્લેખેલા કાવ્યની અંતિમ પંક્તિઓ સાથે વિરમીએ.
શ્રીપતિ! સર્વાત્મા! સર્વોત્તમ! મુજને મૂકશો મા!
મારા પ્રાણજીવન !પુરુષોત્તમ ! અવસર ચૂકશો મા !
સમર્થ કરુણાસિંધુ શ્રીજી !દયાને મૂકશો મા !
મારે ઓથ નથી કોઈ બીજી! અવસર ચૂકશો મા!
પ્રતિસાદ આપો