ગીતાધ્વનિ: અધ્યાય:13
ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર
શ્રીભગવાન બોલ્યા—
ક્ષેત્ર એ નામે જ્ઞાની ઓળખે આ શરીરને;
ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે…1
વળી મ’ને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ ક્ષેત્રમાં;
ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું…2
*
જે તે ક્ષેત્ર, તથા જેવું, જ્યાંથી, તેમાં વિકાર જે,
ક્ષેત્રજ્ઞ જે અને જેવો, સંક્ષેપે સુણ તે કહું…3
વિવિધ મંત્રથી ગાયું ઋષિઓએ અનેક્ધા,
ઠરાવ્યું બ્રહ્મસૂત્રોમાં સુનિશ્ચિત પ્રમાણથી…4
*
મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ—આઠ એ;
ઈંદ્રિયો દશ ને એક, વિષયો પાંચ તેમના;…5
ઇચ્છા, દ્વેષ, સુખો, દુ:ખો, ધૃતિ, સંઘાત, ચેતના;
વિકારો સાત આ ક્ષેત્ર તને સંક્ષેપમાં કહ્યું…6
*
નિર્માનત, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા,
ગુરુભક્તિ તથા શૌચ, સ્થિર્તા, આત્મનિગ્રહ;…7
વિષયો પ્રતિ વૈરાગ્ય, નિરહંકારતા, તથા
જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષોનું દર્શન;…8
નિર્મોહિતા, અનાસક્તિ પુત્ર-પત્ની-ગૃહાદિમાં,
સારામાઠા પ્રસંગોમાં ચિત્તની સમતા સદા;….9
અનન્ય યોગથી મારી ભક્તિ અવ્યભિચારિણી,
એકાન્ત્વાસમાં પ્રેમ, ના ગમે દાયરા વિશે;…10
અધ્યાત્મ્જ્ઞાનમાં નિષ્ઠા, તત્ત્વજ્ઞાન-વિચારણા;
આ લક્ષણે કહે જ્ઞાન, તેથી અજ્ઞાન ઊલટું…11
*
હવે હું વર્ણવું જ્ઞેય, જે જાણ્યે મુક્તિ ભોગવે;
અનાદિ તે પરંબ્રહ્મ, છે ન કહેવાય, ના નથી;…12
સર્વત્ર હાથ ને પાય, સર્વત્ર શિર ને મુખ;
સર્વત્ર આંખ ને કાન, સર્વને આવરી રહ્યું;…13
નિરિંદ્રય છતાં ભાસે સર્વે ઈંદ્રિય્ના ગુણો;
નિર્ગુણ, ગુણભોક્તાયે, ભર્તા તોયે અસક્ત તે;…14
બહાર-માંહ્ય ભૂતોની, ચાલતું ને અચંચળ,
સૂક્ષ્મ તેથી જણાયેના, સમીપે, દૂરમાં વળી;…15
અખંડ તોય ભૂતોમાં જાણે ખંડપણે રાહ્યું;
ભૂતોને જન્મ દે, પોષે, ગળેયે તેમ જ્ઞેય તે;…16
જ્યોતિઓનુંય તે જ્યોતિ, પર તે અંધકારથી;
જ્ઞાન, જ્ઞેય, જ્ઞાનગમ્ય, સર્વનાં હ્રદયે વસ્યું…17
*
ક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેય, આમ સંક્ષેપમાં કહ્યાં;
મારો જે ભક્ત આ જાણે, તે પામે મુજ ભાવને…18
*
બંને અનાદિ છે જાણ, પ્રકૃતિ તેમ પુરુષ;
પ્રકૃતિથી થતા જાણ વિકારો ને ગુણો બધા;…19
કાર્ય, કારણ, કર્તૃત્વ, તે સૌ પ્રકૃતિ કારણે;
સુખદુ:ખ તણા ભોગ તે તો પુરુષકારણે…20
પ્રકૃતિમાં રહ્યો સેવે પ્રકૃતિગુણ પુરુષ;
આસક્તિ ગુણમાં તેથી સદ સદ યોનિમાં પડે…21
સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા,મહેશ્વર,
કહ્યો તે પરમાત્માયે, દેહે પુરુષ જે પરં…22
જાણે પુરુષ જે આમ, પ્રકૃતિયે ગુણો સહ,
સર્વ કર્મો કરે તોયે તે ફરી જન્મતો નથી…23
*
ધ્યાનથી આપને કોઈ આપથી આપમાં જુએ;
સાંખ્યયોગ વડે કોઈ, કોઈ તો કર્મયોગથી…24
ને કો ન જાણતાં આમ અન્યથી સુણીને ભજે,
શ્રવણે રાખતા શ્રદ્ધા તેઓએ મૃત્યુને તરે…25
*
જે કાંઈ ઊપજે લોકે સત્ત્વ સ્થાવર-જંગમ,
ક્ષેત્રક્ષેત્રજ્ઞના યોગે, જાણ, તે ઊપજે બધું…26
*
સમાન સર્વ ભૂતોમાં રહેલા પરમેશ્વર,
અવિનાશીમાં, તે દેખે તે જ દેખતો…27
સમસર્વત્ર વ્યાપેલા ઈશને દેખનાર તે
ન હણે આપથી આપ, તેથી પામે પરંગતિ…28
પ્રકૃતિથી જ સૌ કર્મો સદા સર્વત્ર થાય છે;
આત્મા તો ન કરે કાંઈ; આ દેખે તે જ દેખતો…29
ભૂતોના વેગળા ભાવ એકમાં જ રહ્યા જુએ;
તેથી જ સર્વ વિસ્તાર; ત્યારે બ્રહ્મદશા મળે…30
*
અવ્યયી પરમાત્માને નથી આદિ, નથી ગુણો;
તેથી દેહે રહે તોયે, તે અકર્તા અલિપ્ત રહે…31
*
સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વ વ્યાપી અલિપ્ત રહે;
આત્માયેતેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત રહે….32
*
પ્રકાશે એકલો સૂર્ય, જેમ આ જગને બધા;
ક્ષેત્રજ્ઞેય પ્રકાશે છે, તેમ આ ક્ષેત્રને બધા…33
ક્ષેત્રક્ષેત્રજ્ઞનો ભેદ જે જાણે જ્ઞાનચક્ષુથી,
ભૂત-પ્રકૃતિ-મોક્ષેય, તે પામે પરંગતિ…34
—————————————–
પ્રતિસાદ આપો