‘ અખંડ આનંદ ‘પ્રસાદી
ડિસેમ્બર, 2020માંથી
ધૈર્યની ધજા/ અલકા ત્રિવેદી
જિંદગી તો સુંદર અને સીધી સટ હતી,
ઇચ્છાઓની પરિપૂર્તિની તેમાં ખટપટ હતી.
હા, ખરેખર જિંદગી ખૂબ વહેતી સરિતા છે, પરંતુ આપણી અધીરતા એને તણાવભરી બનવી દે છે. તણાવ દેખાતો નથી પરંતુ ‘કોરોના’જેવો છે, તનથી અને મનથી માનવીને પરેશાન કરી નાખે. ગુજરાતીમાંમ્કહેવત છે, ‘ ધીરજનાં ફળ મીઠાં’ પરંતુ શું આપણામાં ધીરજ છે ?
અવિરત અધીર બનેલું મન વર્તમાનને માણવાની મોસમ ચૂકી જાયા છે. કાલ્પનિક ભવિષ્યના ઉજાસમાં વર્તમાન ઢંકાઈ જાય છે.
દરેક વસ્તુનો સમય હોય્છે, બાળકને જન્મ લેતાં નવમહિના થાય છે. ખેતરો ધાન્યથી બાર મહિને છલકાય છે. સંબંધોને પણ મહેકવા માટે સમય જોઈએ.
આજના માનવીને બધું ઝટપટ જોઈએ છે. આ ઝટપટની ખટપટમાંમાનસિક સમતુલન ખોરવાતું જાય છે. ‘ફાસ્ટ ટ્રેક’માં દોડતો માનવી ભૂલી જાય છે કે, ‘ફાસ્ટ્રેક ’માં અક્સ્માત વધુ થાય છે. બોલવામાં પણ આપણે ધીરજ ગુમાવી ચૂક્યા છીએ, બસ, ‘એક ઘા અને બે કટકા !’ મેગી માં મુગ્ધ બનેલા માનવીને માટલા ઊંધિયાના સ્વાદનો ખ્યાલ નથી. માઈક્રોઓવન્માં બે મિનિટમાં થતી ચટપટી વાનગીઓ ઝટપટ સ્વાસ્થ્ય બગાડે છે,તે વાતથી શું આપણે અજાણ છીએ ! સમય આવી ગયો છે, ‘સ્લોડાઉન’નો, ધીરજને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવું જ પડશે.કોઈપણ સમયે, સ્થળે કે ઘટના સમયે આપણે અંદરથી વિચારોને ધીમા પડવા જ પડશે.
કોઈપણ ક્રિયામાં ઝડપ પ્રવેશે એટલે મજા, સજા બનતાં વાર ન લાગે. આપણે એ ભૂલવું ના જોઈએ કે, તમામ ક્રિયાઓ આપણે આંતરિક ખુશી તથા શાંતિ માટે કરીએ છીએ. ધૈર્ય ગુમાવવું આપણને પોષાય તેમ નથી.
ડૉ.આલાપ ત્રિવેદીના શબ્દોમાં, “Patience is inversely propotional to anxiety”
‘ધીરજ વધે તો ચિંતા ઘટે અને ધીરજ ખૂટે તો ચિંતા વધે,’
સંબંધોના તાણાવાણામાં જો ધીરજ હોય તો જ સ્નેહના સરવાળા અને શાંતિના ગુણાકાર થાય. મંદ મંદ વહેતા સમીર અને વાવાઝોડામાં તફાવત ખરો કે નહિ ?
ટૂંકમાં જ્યાં ધીરજની ધજા લહેરાતી હોત ત્યાં જ આંગણામાં સ્નેહ, શાંતિ, સમજણ અને સમર્પણના સાથિયા પૂરાય છે.જીવનના છોડ ઉપર ધીરજનું પરફ્યુમ છાંટીશું તો જ શાંતિની સુગંધ પ્રસરશે. તો, ચાલો,આજથી જ આપણે નિશ્ચય કરીએ કે કોઈપણ પરિસ્થિતિમાં આપણે ધીરજ ગુમાવીશું નહિ, સ્વસ્થ ચિત્તે મનને વિચલિત કર્યા વિના વિજય મેળવીશું.
10, ઓમ શ્રી અંબિકા સોસાયટી, પ્રકાશ નગર,
મણિનગર, અમદાવાદ-380008
મો0 9879600314
———————————————————
પ્રતિસાદ આપો