જોયેલું ને જાણેલું
અખંડ આનંદ/ જૂન-જુલાઈ,2020-12-23
મિત્રતા નિભાવી જાણી
કનુભાઈ એસ.વ્યાસ
ડૉ.જયંત ખત્રી એ સમયમાં માંડવી (કચ્છ)માં સેવાભાવી ડૉક્ટર તરીકે જાણીતા હતા. મુંબઈની ધીકતી કમાણી છોડી પોતાના વતનમાં માંડવી પ્રેકટિસ શરૂ કરી.હું 1973માં મુંદ્રામાં બી.એડ. કરતો હતો. તે વખતે માંડવીના આંખના સર્જન ડૉ. મિસ્ત્રી ના પુત્ર ધીરજ મિસ્ત્રી મારા સહાધ્યાયી હતા. ડૉ.જયંત ખત્રી અને ડૉ.જેઠાભાઈ મિસ્ત્રી સમવયસ્ક અને ગાઢ મિત્ર હતા. ધીરજ મિસ્ત્રીએ કરેલી વાત તેમના શબ્દોમાં જ રજૂ કરું છું
ડૉ.ખત્રીને હું જયંતકાકા કહેતો હતો. ત્યારે હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો. ખત્રીસાહેબ ખૂબ જ પ્રવ્રત્તિશીલ માણસ હતા. તેઓ નિષ્ઠાવાન રાજકારણી, સારા ચિત્રકાર તેમ ત્મ જ ઊંચી કક્ષાના લેખક હતા.સારા વક્તા અને માનવતાવાદી ડૉક્ટર તરીકે જાણીતા હતા.
ડૉ.ખત્રીસાહેબનેચા,કોફી અને સિગારેટનો ખૂબ જ શોખ હતો. વર્ષોના સતત સેવનના પરિણામે 1967માં તેમને કેન્સરની બીમારી લાગુ પડી. ડૉકટર નો વ્યવસાય તેમણે પૈસા કમાવામાં ન કરતાં, ગરીબ લોકોની મફત સારવાર કરી.કોઈ દર્દી પૂછે, ‘સાહેબ,કેટલા આપવાના છે ? ‘ તો જ તેઓ કહેતા નહીંતર આપે તેની જય અને ન આપે તેની જય ! આના કારણે આર્થિક સ્થિતિ સધ્ધર ન કરીશક્યા., મિલનસાર સ્વભાવ એટલે અનેક મિત્રો હોવાથી ઘર મહેમાનો અને સગાંવહાલાંથી ભરેલું રહેતું.
કેન્સર્ની બીમારીને કારણે તેમને પ્રેક્ટિસ બંધ કરવી પડી. ખર્ચાઓ એના એજ રહ્યા. હજુ ત્રણે દીકરાઓ અભ્યાસ કરી રહ્યા હતા. પરિણામે આર્થિક તંગીનો સામનો કરવાનો સમય આવ્યો.
ડૉ.જયંત્ભાઈએ મારા પિતાજી પાસેથીદસહજાર રૂપિયા ઉછીના લીધા. ડૉ.ખત્રી કેન્સર સામે આખરે હારી ગયા. 6 જૂન, 1968 ના રોજ માત્ર ઓગણસાઠ વર્ષની ઉંમરે તેઓ આ ફાની દુનિયા છોડી ગયા.
ત્યાર પછીના પાંચ-સાત વર્ષમાં ત્રણે દીકરાઓ નોકરી-વ્યવસાયમાં લાગી ગયા. આર્થિક સ્થિતિ પણ સારી થઈ, ત્યારે મોટા દીકરાકીર્તિભાઈ ખત્રીને થયું કે, હવે જેઠાકાકાના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. ત્રણે ભાઈઓ મારા ઘેર આવ્યા અને કહ્યું,’જેઠાકાકા, તમે મારા પિતાજીને અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે દસ હજાર રૂપિયા આપે આપેલા. હવે અમે આપનું ઋણ ચૂકવી દેવા આવ્યા છીએ..’
મારા પિતાજી ભૂતકાળમાં ખોવાઈ ગયા, જેવી, અમારી ગાઢ મિત્રતા હતી, સગા ભાઈ કરતાં પણ વિશેષ.મૌન વાતાવરણમાં કીર્તિ ખત્રીએ કહ્યું’ કાકા , શું વિચારમાં પડી ગયા? કીર્તિભાઈએ દસ હજાર રૂપિયાની નોટ્નું બંડલ સોફા પર બેઠેલા મારા પિતાજી પાસે મૂક્યું. પિતાજીએ લાગણીવશ થઈ કહ્યું, ‘દીકરાઓ,અમારી મિત્રતાનું મૂલ્ય તમે પૈસાથી મૂલવો છો. અમારી મિત્રતાનું મૂલ્ય અમૂલ્ય છે, તે નોટોથી મૂલવી શકાય એમ નથી.’ પિતાજી લાગણીવશ થઈ ગયા. અને કહ્યું , ‘આ પૈસાનો હિસાબ જયંતભાઈ પાસે ઉપર જઈશ ત્યારે સમજી લઈશ. !’ હવે ત્રણે ભાઈઓને કાંઈ બોલવા જેવું રહ્યું નહીં.
ધીરજ મિસ્ત્રીની વાત સાંભળી મને થયું,ખરેખર, સાચી મિત્રતા નિભાવી.
કૃષ્ણ નગર સોસાયટી, પાળિયાદ રોડ, બોટાદ-364710
મો. 99242216822
—————————————————————–
પ્રતિસાદ આપો