ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
ઑક્ટોબર—23
જો તમારી સામે એવી પરિસ્થિતિ આવે જેને સ્વીકારવા કે ગમાડવાનું મુશ્કેલ હોય, તોપણ તમે તેને માટે કંઈક કરી તો શકો –કારણ કે તમે જ્યારે તમારા મૌનમાં ઊંડા ઊતરો અને મારી શોધ કરો ત્યારે હું સત્યનો પ્રકાશ એ પરિસ્થિતિ પર નાખું છું. હું તમારી સામે એ રહસ્ય ખોલું છું કે તમે ક્યાંછો, શા માટે છો અને જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો ? તમે ખાતરી રાખજો કે તેમાં એક યોગ્ય કારણ છુપાયેલું હશે અને તેમાંથી કોઈ અગત્યનો પાઠ તમારે શીખવાનો હશે.
જ્યાં સુધી તમે તમારું દૃષ્ટિબિંદુ નહીં બદલો અને પરિસ્થિતિને ચાહી નહીં શકો, તમે જ્યાં છો, તમે જેની સામે છો, તમે જે કરી રહ્યા છો તેને ચાહી નહીં શકો, ત્યાં સુધી તમે તે પરિસ્થિતિમાં ફસાયેલા જ રહેવાના છો. જ્યારે તમારે શીખવાનું બધું શિખાઈ જાય, તમે જે કરી રહ્યા હો તેને ચાહવા માંડો અને મારે ખાતર તેને પૂરા હ્રદયથી તે કાર્ય કરો ત્યાર પછી તમારું ભવિષ્ય અનોખું થાય છે, જુઓ કે કેવી રીતે તમારા માટે સઘળાં દ્વાર ખૂલી જાય છે.
ઑક્ટોબર—24
ગઈ કાલે બધું બરાબર હતું, સારું હતું તેથી આજે પણ બધું સારું જ થાય તેવું તો નથી. એટલા માટે જ રોજનું રોજ જીવવાની ટેવ પાડો. આ વર્તમાન ક્ષણના તેજમાં ભરપૂર જીવી લો, કારણ કે જો તમે કોઈ પૂર્વધારણાઓ કે રૂઢ વિચારમાં અટક્યા વિના સ્વસ્થપણે જીવી શકો તો જ તમે પરિવર્તનને કોઈ વિરોધ વિના સ્વીકારી શકો અને જીવનનો પ્રવાહ સરળતા અને સાતત્યથી ચાલે.
આવું કહેવું સહેલું છે અને કરવું મુશ્કેલ, કારણ કે જ્યારે બધું સરળતાપૂર્વક ચાલી રહ્યું હોય ત્યારે એ સ્થિતિમાં સ્થિર થવું, સુરક્ષિત રહેવું મનને ગમે, પણ તમારી સુરક્ષા તમે મને સોંપો, આ કે તે પરિસ્થિતિને નહીં. કોઈ આયોજન, કોઈ વ્યક્તિ, કોઈ ચીજને કદી નહીં. કારણ કે આ બધું આજે છે, કાલે ન પણ હોય. બસ હું જ છું જે હંમેશાં અહીં હોઈશ. તેથી મને જ શોધો, મને જ પામો અને નિર્ભય બનો. પરિવર્તનોને આવવા દો અને જાણો કે દરેક પરિવર્તનની પાછળ એક શ્રેષ્ઠ તક ઊભી છે, દરેક પરિવર્તન, જીવનની પૂર્ણતા માટે –વિકાસ માટે જરૂરી છે.
ઑક્ટોબર—25
તમારાં ધ્યેય અને લક્ષ્ય જેટલાં ઊંચાં રાખી શકો તે સારું. પોતાની જાતને કોઈ બંધન, કોઈ મર્યાદામાં બાંધો નહીં. બસ જાણો કે તમે જે કરવા ધાર્યું હશે તે તમે કરી શકશો. કારણ કે તમને ખાતરી છે કે મારા તરફથી અખૂટ બળ અને સહાય મળતાં રહેશે અને મારી બાબતમાં હાર કે નિષ્ફળતા જેવું કશું હોતું નથી. જેના પર મારી મહોર લાગેલી હોય તેને સફળતા મળે જ છે. એટલું જ નહીં તે અજોડ સફળતા, અદભુત પરિણામો મેળવવા સમર્થ બને છે તેથી તમારી ચેતનાને હંમેશાં ઉન્નત રાખો. જીવનના લય સાથે તમારા સૂર મળેલા રાખો અને હંમેશાં સફળતાને વરો.
તમારી અંદર રહેલી પરમ ચૈતન્ય શક્તિની સાથે જો તમારો સૂર સધાયો ન હોય તો તમને આવું પરિણામ મળે નહીં. જો તમે જીવનના પ્રવાહ સાથે તમારીઝડપનો મેળ પાડી ન શકો અને તમને જકડી રાખતી તમામ બાબતોમાંથી ખચકાયા વિના પસાર ન થાઓ, તો તમે આવી સફળતા મેળવી શકો નહીં. તમને તમારા ધ્યેય સુધી પહોંચતાં અટકાવે તેવાં હજારો વિઘ્નો જીવનના માર્ગમાં તૈયાર જ હોય છે. એ બધાં વિઘ્નોને હડસેલી મૂકો અને એક ક્ષણ માટે પણ નિષ્ફળતાને મનમાં ન પ્રવેશવા દો. જાણો કે તમે સફળ થઈ શકો છો, તમે સફળ થશો. આ એક જ કામમાં નહીં, દરેક બાબત્માં,દરેક રીતે સફળ થશો.
લ
પ્રતિસાદ આપો