સુદામા ચરિત્ર– પ્રેમાનંદ

SUDAMA CHARITRA

સુદામા ચરિત્ર અને હૂંડી

આખ્યાન-કથા : રમેશ જાની

સંપાદન : મહેંદ્ર મેઘાણી

પ્રકાશક : લોક્મિલાપ

——ઋણ સ્વીકાર :શ્રી મહેંદ્ર મેઘાણી તથા શ્રી ગોપાલ મેઘાણી –લોકમિલાપ –ભાવનગર.

સુદામા અને કૃષ્ણ બાળપણના ભેરુઓ. ઋષિ સાંદીપનિના આશ્રમમાં બંને અભ્યાસ કરતા. એક ગુરુના આ બંને વિદ્યાર્થીઓ સાથે રહેતા,સાથે જમતા, સાથે ગુરુની સેવા કરતા. ગુરુ માટે અન્નભિક્ષા માગી લાવતા. રાત્રે એક સાથરે સૂતાં સૂતાં સુખ-દુ:ખની વાતો કરતા. વહેલી પરોઢે ઊઠીને વેદમંત્રોની ધૂન લગાવતા.

અભ્યાસકાળ પૂરો થયો.બાળસ્નેહીઓ છૂટા પડ્યા. સમય વહેતો ગયો. શ્રીકૃષ્ણે દ્વારિકા નગરી સ્થાપી. જ્યારે સુદામા સાક્ષાત દારિદ્રયની મૂર્તિ ! એમણે સંસાર માંડ્યો હતો, છતાં એ તો સદાય હરિભક્તિમાં જ લીન રહેતા. પોતે અજાચક વ્રત લીધું હતું—કોઈની પાસે હાથ લાંબો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સુદામાની પત્ની લોકોનાંવાસીદાં વાળીને જેમતેમ ઘર ચલાવ્યે રાખતી.  પણ એવું તે ક્યાં સુધી ચાલે ?…

“ સાંભળો, નાથ ! હું તમને હાથ જોડીને વીનવું છુ.”

ભગવાનના બાલમિત્ર અને પરમભક્ત સુદામાને એમની પત્ની વીનવી રહી હતી. “ બબ્બે  દિવસથી આપણાં બાળકો ભૂખે ટળવળે છે. કંદમૂળ કે ફળ કશુયે મળ્યું નથી. મારી સામે એ આશાથી જુએ છે—પણ હું એમને શું આપું ?… હું શું કરું ? “

આંખમાં આંસુ સાથે અને રૂંધાયેલા કંઠે એ બોલતી હતી. એણે પતિને કહેવા માંડ્યું : “ તમે કેમ કંઈ બોલતા નથી ?   જરા  આપણા ઘરની સામે તો જુઓ ! અંદર ઠેરઠેર બાકોરાં પડી ગયાં છે. એમાંથી આખો દિવસ કૂતરાં-બિલાડાં આવ-જા કર્યા કરે છે !

થોડીક વાર એ પતિ સામું જોઈ રહી. સુદામા નીચું જોઈને પત્નીની ફરિયાદ  સાંભળી રહ્યા હતા.જરાક ધીરી પડીને  એ બોલી : “ આવું કહું છું એટલે હું કદાચ તમને અળખામણી લાગતી હઈશ. પણ શું કરું ? આપણે સંસાર માંડ્યો છે ! … અન્ન વિનાં આપણાં બાળકો ટળવળે છે, નાથ ! એમને પહેરવાનું નથી, ઓઢવાનું નથી. ટાઢે થરથરે છે. બહુ ટાઢ વાય છે ત્યારે બધાં ચૂલાની રાખ ચોળીને સૂઈ જાય છે.”ઋષિપત્નીનો આત્મા કકળી રહ્યો હતો.

“ અને… અને, ” એણે પતિને વધુમાં કહેવા માંડ્યું,  “ તમારી પણ કેવી દશા છે ! પહેરવાને પૂરાં વસ્ત્રો તમારી પાસે નથી. બે કે ત્રણ દિવસે  તમને અડધુંપડધું  જમવાનું મળે છે. તમારી આવી સ્થિતિ જોઈને મને તો  અંગે અંગે અંગારા ચંપાય છે !”

પોતાનાં બાળકોને ભૂખ્યાં જોઈને સુદામાની પત્નીનું હૈયું હાથ નહોતું રહ્યું. આજે એને ભક્તિઘેલા પતિને બધું જ કહી દેવું હતું. “ અને મારી દશાની તો હું શી વાત કરું ? હું તો ગરીબીના સમુદ્ર્માં જ જાણે ડૂબી ગઈ છું. બીજું તો કંઈ નહિ, પણ મારા કપાળમાં સૌભાગ્યનો ચાંદલો કરવા જેટલું કંકુ પણ મને મળતું નથી ! હું તમને પગે લાગીને પૂછું છું કે આવું કારમું દુ:ખ આપણે સહન કર્યા કરશું ? ”

પછી, પોતાને જડી આવેલો એક ઉપાય એણે પતિને કહેવા માંડ્યો : “ હે નાથ ! તમે વારંવાર  કહો છો કે શ્રીકૃષ્ણ  તમારા મિત્ર છે. આવો ત્રણે ભુવનનો નાથ જેનો મિત્ર હોય, જેને શામળિયા જોડે સ્નેહ હોય, તેનું કુટુંબ અનાથ કેમ રહી શકે ? સ્વામી, મારી ગરીબની વાત સાંભળો ! તમે શ્રીકૃષ્ણને ત્યાં જાઓ—એ આપણને જરૂર મદદ કરશે. આપણું દુ:ખ જાણીને ભગવાન જેવા ભગવાન સહાય નહિ કરે ? આપણી આખી જિંદગીનું દુ:ખ ટળી જશે ! ”

“ પણ એ કેમ બને ?” અજાચક વ્રત પાળતાં સુદામાએ મૂંઝાઈને પત્નીને પ્રશ્ન કર્યો. “શ્રીકૃષ્ણ તો મારા મિત્ર છે. એમની આગળ ભીખ માંગતાં તો મારો જીવ જાય ! અમે બંને એકસાથે સાંદીપનિ ઋષિને ત્યાં ભણેલા. સાથે ગુરુની સેવા કરેલી, સાથે રમેલા, એની આગળ બે હાથ જોડીને હું ભીખ માંગું ?…ના, ના ! એના કરતાં તો મરવું વધારે સારું !”

“ પણ, નાથ ! ” ઋષિપત્નીએ કરગરતાં કહેવા માંડ્યું,  “ શ્રીકૃષ્ણ તો અંતર્યામી છે—એને કંઈ કહેવું નહિ પડે, એ તો આપોઆપ આપણી ભીડ જાણી જશે ! ”

સુદામાનું મન હજીયે માનતું ન હતું. એમને થયું, હું આવો દુર્બળ દેહનો, દીનહીન દીદારનો, ત્યાં યાદવોની હાજરીમાં શ્રીકૃષ્ણ સમક્ષ જઈને ઊભો રહું, તો તો એ પોતે લાજી મરે ! ના, ના, મારાથી એવી રીતે ન જવાય. એમણે પત્નીને સમજાવવા માંડી :

“ જો સાંભળ ! આપણે આપણા ગયા જન્મનાં ફળ ભોગવવં જ જોઈએ, ત્યારે આપણે પુણ્ય નહિ કર્યાં હોય , એટલે આ જન્મે આવાં દુ:ખ ભોગવીએ છીએ. માટે જે આવી પડે એને સહન કરીને ભગવાનનું સ્મરણ કર્યા કરવું, એ જ સાચું કામ છે, તું નકામી દુ:ખી થાય છે. ”

પતિનાં આવાં વચન સાંભળીને પત્નીની આંખ વળી પાછી છલકાઈ ઊઠી. ફરી ફરીને પતિને વીનવતાં એણે કહ્યું : “ હું તમારે પાયે પડું છું. હું જડ છું, અજ્ઞાન છું, પણ

હે ઋષિ, મને તમારું આ જ્ઞાન ગમતું નથી. મારાં બાળકો  ભૂખે રડે, એ મારાથી જોવાતું નથી. એમને માટે અન્ન લઈ આવો ! અન્નથી જ આખું જગત જીવે છે. દેવોને પણ એના વગર ચાલતું નથી. હે ઋષિરાય, અન્ન વિના દેહ ન ટકે, તો પછી ધરમ કેમ કરીને ટકે ?જાઓ, શ્રીહરિ પાસે જાઓ. તમે આટલો ઉદ્યમ કરો.એ નિષ્ફળ નહિ જાય. હું તમને પગે પડું છું, નાથ ! મારાં ભૂખ્યાં બાળુડાંનું દુ:ખ હવે મારાથી જોવાતું નથી.”

આખરે સુદામા શ્રીકૃષ્ણ પાસે જવા તૈયાર થયા. પણ પ્રભુ પાએ ખાલી હાથે કેમ જવાય ?… ઋષિપત્ની તો હરખે માતી નહોતી. વહેલી વહેલી સવારે એ પાડોશીને ત્યાંથી પ્રભુને ભેટ ધરી શકાય એવી કોઈ વસ્તુ લેવા ગઈ. પડોશણે એને સૂપડું ભરીને તાંદુલ-ચોખા કાઢી આપ્યા.

ખૂબ જતનથી એ તાંદુલને સાફસૂફ કરીને એણે પતિને આપ્યા. પાસે આખું વસ્ત્ર તો મળે નહિ—નાનો કટકોયે એમની કને ક્યાં હતો ? એટલે દસવીસ ચીંથરાંમાં એટલા તાંદુલને એણે વીંટી આપ્યા….

હવે સુદામાએ દ્વારિકાની વાટ લીધી. એમને કપાળે તિલક હતું . કંઠે માળા હતી અને હોઠ પર ભગવાનનું નામ હતું. મુખ પર દાઢીમૂછનું તો જાણે જાળું જ વધી ગયું હતું. શરીર પર ધૂળ ચોંટી હતી. એમનાં પગરખં ફાટી ગયેલાં હતાં, ચાલવાથી એ ‘ફટક ફટક’ અવાજ કરતાં હતાં અને આખે રસ્તે ધૂળના ગોટા ઉડાડતાં હતાં. ખરબચડાં દેહ ઉપર જીર્ણ વસ્ત્રની એક લંગોટી એમણે પહેરી હતી. ઉપર એક ફાટ્યુંતૂટ્યું વલ્કલ ધારણ કર્યું હતું.

પ્રભુની પાસે એમનો બાળપણનો  મિત્ર આવા દીનહીન વેશે દ્વારિકા જઈ રહ્યો હતો.

દેવોએ બાંધી હોય એવી દ્વારિકા નગરીને સુદામાએ દીઠી.એનો સોનાનો કોટ પ્રભાતના સૂર્યમાં ઝળકી રહ્યો હતો. એને કાંગરે કાંગરે માણેક અને રત્નો જતઆડ્યાં હતાં. એના દુર્ગો પર અનેક ધજાઓન ફરકી રહી હતી. એની ઉપર દુંદુભિ અને ઢોલ ગડગડી રહ્યાં હતાં. એક બાજુ ગંભીર સાદે સાગર ઘૂઘવી રહ્યો હતો. ત્યાં એની સાથે પવિત્ર ગોમતી નદીનો સંગમ થતો હતો. ચારે વર્ણના લોકો એ સ્થળે સ્નાન કરીને પોતાનાં પાપનો નાશ કરી રહ્યા હતા. સુદામા પણ ગોમતીમાં સ્નાન કરી, પવિત્ર થઈને નગરમાં પેઠા.

એમનો વિચિત્ર વેશ અને દેખાવ જોઈને સ્ત્રી-પુરુષો મશ્કરી કરવા લાગ્યાં. કેટલાંક છોકરાં એમની પાછળ પાછળ ફરીને એમને કાંકરાં પણ મારતાં હતાં. પણ સુદામા તો એમનાં આવાં તોફાનો જોઈને ઊલટા હસતા હતા અને પ્રભુનું નામ જપતા જપતા શ્રીકૃષ્ણનો મહેલ ખોળતા હતા. એક વૃદ્ધ યાદવે એમને રાજમહેલ બતાવ્યો.

ભગવાનના મહેલની ભવ્યતા  સુદામા તો જોઈ જ રહ્યા. એના વૈભવનો પાર નહોતો. સોના-રૂપા અને હીરા-માણેક તથા રત્નોથી એ ઝાકઝમાળ થઈ રહ્યો હતો. બાર બાર સૂર્ય જાણે સામટા પ્રકાશી રહ્યા હોય એવું તેજ ત્યાં પ્રકટી રહ્યું હતું. એના વિશાળ ખંડો :”માં આરસપહાણના થાંભલા શોભતા હતા.સુવર્ણના અછોડાવાળા અશ્વો ચોકમાં આમતેમ ફરતા હતા. એક બાજુ આંગણામાં મદઝરતા હાથીઓ ડોલી રહ્યા હતા. એમના પગે સુવર્ણની સાંકળો બાંધેલી હતી. ઉત્તમ યોદ્ધાઓ મહાલયના દ્વારની રક્ષા

કરતા હતા.

થોડી વાર તો સુદામાએ મહેલ આગળ આંટા માર્યા કર્યા.આ જોઈને એક દ્વારપાળે વિવેકપૂર્વક પૂછપરછ કરવા માંડી:  “ કોણ છો આપ ? અહીં શા માટે પધારવું થયું ? ”

“ હું તો  ભાઈ,”સુદામાએ સરળતાથી જવાબ આપતાં

કહ્યું, શ્રીકૃષ્ણનો જૂનો મિત્ર છું. પ્રભુને નણજઈને કહો કે સુદામા નામના  વિપ્રે આપને પ્રણામ કહાવ્યા છે.”દ્વારપાળે  એક દાસી મારફતે આ સંદેશો અંદર કહાવ્યો.

દાસી જ્યારે સમાચાર આપવા અંદર ગઈ ત્યારે ત્યાં શ્રીકૃષ્ણની પટરાણીઓ એમની સેવા કરી રહી હતી. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ગાંધર્વો ગીત ગાતા હતા. મધુરસંગીત વાગી રહ્યું હતું.

“ હે સ્વામી !” દાસીએ ભગવાનને પ્રણામ કરીને કહેવા માંડ્યું, “ બહાર સુદામા નામે એક  ગરીબ બ્રાહ્મણ આપને મળવા આવ્યો  છે.”

એનું વાક્ય પૂરું સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તો શ્રીકૃષ્ણ એક્દમ પલંગ પરથી ઊભા થઈ ગયા. પગે મોજડી પણ પહેર્યા વિના એ સુદામાને મળવા ઉતાવળા ઉતાવળા  દોડવા મંડ્યા. મિત્રને પોતાને બારણે આવેલો સાંભળીને એમના હર્ષનો અને અધીરાઈનો પાર ન હતો. રાણીઓ તો પ્રભુની આ ઉતાવળ જોઈ જ રહી !

“ અને જુઓ ! ”  શ્રીકૃષ્ણે દોડતાં દોડતાં એક પળ થંભીને રાણીઓને કહ્યું, “ સુદામા માટે પૂજનો થાળ તૈયાર રાખજો.”

હેં બહેન ! ભગવાનના મિત્ર કેવા હશે ? ભગવાનનો એમની ઉપર કેટલો બધો પ્રેમ છે !..એવા મિત્રનાં દર્શન માત્રથી આજે આપણે પાવન થઈ જવાનાં ! ” સુદામાના

સત્કાર માટે પૂજાપો તૈયાર કરતાં કરતાં રાણીઓ એક્બીજાને  આ પ્રમાણે કહેતી હતી.

એ દરમિયાન ભગવાન  તો દોડતા દોડતા મહેલના દરવાજે પહોંચી ગયા હતા. શામળિયાને આમ દોડતે પગે આવતા જોઈને સુદામાની આંખો છલકાઈ ગઈ. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. શ્રીકૃષ્ણની આંખોમાંથી પણ હર્ષનાં આંસુ વહેતાં હતાં.

પછી ભગવાને સુદામાની તૂંબડી પોતાના હાથમાં લઈ લીધી અને બીજે હાથે એમને દોરીને મહેલમાં લઈ આવ્યા.

શ્રીકૃષ્ણની રાણીઓ તો સુદામાને જોઈ જ રહી. ક્યાં ભગવાન  અને ક્યાં આ ગરીબ બ્રાહ્મણ ! … કેટલીક રાણીઓ તો ભગવાન ન જાણે તેમ, સુદામાની મશ્કરી પણ કરવા લાગી. ફક્ત એક રુક્મણિએ ભગવાનના આ સાચા ભક્તને ઓળખ્યા હતા.

સુદામાની આગતાસ્વાગતા કર્યા પછી ભગવાને એમને ભાતભાતનાં પકવાનોનું ભોજન કરાવ્યું. ભોજન પછી બંને મિત્રો વાતોએ ચડ્યા. ભગવાને સુદામાના સમાચાર પૂછવા માંડ્યા : “ કહો તો ખરા મિત્ર, કે તમે કેમ આવા દૂબળા પડી ગયા છો? તમને શું દુ:ખ છે ? ” પછી જરા હસીને બોલ્યા, “ અમારાં ભાભીનો સ્વભાવ   તો વઢકણો

નથીને ?…છૈયાંછોકરાં તો સાજાંસમાં છે ને, ભાઈ ?… વાત તો કહો, સુદામા, શું દુ:ખ છે તમને ?”

“ તમારાથી શું અજાણ્યું છે, ભગવાન ? ” સુદામાએ નીચું જોઈને જવાબ આપ્યો.પણ પછી એમણે તરત જ ઉમેર્યું. “ હા, એક દુ:ખ છે –અને તે તમારા વિયોગનું !

આજે  તમને મળ્યો એટલે મારાં બધાં દુ:ખ ટળી ગયાં.

શ્રીકૃષ્ણ પોતાના બાળપણના મિત્રને પ્રેમથી નીરખી રહ્યા. એમને પોતાના ભણતરના દિવસો યાદ આવ્યા.પોતે, પોતાના મોટા ભાઈ બલરામ અને સુદામો—એ ત્રણે જણા સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભણવા રહ્યા હતા. કેવા મજાના એ દિવસો હતા !

“ સુદામા, આપણે સાથે ભણતા હતા એ તમને સાંભરે છે કે ? ” શામળિયાએ પૂછ્યું.

“ હા હા ! નાનપણનો એ પ્રેમ તો કેમ કરીને ભુલાય ?” સુદામાએ જવાબ આપ્યો.

“ આપણે સાંદીપનિ ઋષિને ત્યાં રહેતા હતા, અન્નની ભિક્ષા માગી લાવીને આપણે ત્રણેય સાથે  બેસીને ભોજન કરતા હતા ! એક સાથરે સૂતા હતા !..યાદ આવે છે ને, સુદામા ? ” પ્રભુએ લાગણીભરેલા અવાજે પૂછ્યું.

“ હા, અને ત્યારે આપણે આખા દિવસનાં સુખદુ:ખની વાતો કરતા !” સુદામાનો અવાજ પણ લાગણીથી ઘેરો બન્યો. “ પ્રભુ, એ કંઈ થોડું જ વીસરી જવાય છે ? ”

“ અને પાછલી રાત્રે જાગીને આપણે વેદનો પાઠ કરતા હતા !…અને… સુદામા, પેલી વાત યાદ આવે છે કે ? ”

“ કઈ વાત, પ્રભુ ? ”

“ એક વાર આપણા ગુરુ બહારગામ ગયા હતા ત્યારે ગોરાણીએ આપણને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા હતા.” શ્રીકૃષ્ણે કહ્યું.

“ અને આપણે ખાંધે કુહાડા લઈને બહુ દૂર નીકળી ગયા હતા.” સુદામાને પણ એ આખો પ્રસંગ યાદ આવી ગયો.

જંગલમાં દૂર દૂર નીકળી ગયા પછી એમણે એક મોટા થડને ફાડવા માંડ્યું. બલરામે અને શ્રીકૃષ્ણે  એકબીજા સાથે હોડ બકી કે કોણ વધારે લાકડાં ફાડે છે. એવામાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં ચડી આવ્યાં. ચારે બાજુ ઘોર અંધારું થઈ ગયું. આંખે પડી વસ્તુ દેખાતી નથી ! વીજળીના ભયંકર ચમકારા  થવા લાગ્યા. જોતજોતામાં મુસળધાર વરસાદ તૂટીપડ્યો. ત્રણેય જણ પાણીથી તરબોળ થઈ ગયા.

એ ત્રણ જ્યારે જંગલમાં ટાઢે ધ્રૂજતા હતા ત્યારેગુરુ એમને ખોળતા  ખોળતા ત્યાં આવી ચડ્યા. જેવા એ બહારગામથી આવ્યા ને એમને ખબર પડી કે તરત જ સુદામા, બલરામ  અને શ્રીકૃષ્ણની તપાસ કરવા એ નીકળી પડ્યા. ઘેર જઈને ગોરાણીને ઠપકો આપ્યો. આવી આવી તો કેટલીયે વાતો શ્રીકૃષ્ણ અને સુદામા સંભારવા લાગ્યા.

“ ગુરુજીનો આશ્રમ છોડીને આપણે છૂટા પડ્યા તે પડ્યા—તે પાછા આજે મળ્યા ! ” સુદામાને ખભે હાથ મૂકતાં શ્રીકૃષ્ણ બોલ્યા.

“ હા, પ્રભુ ! ” સુદામએ જવાબ વાળ્યો.

હજી પણ શ્રીકૃષ્ણને બાલપણના એ દિવસો યાદ આવ્યા કરતા હતા.એ બોલ્યા, “ સુદામા, યાદ આવે છે? તમે તો અમને ભણાવતા પણ  હતા ! ”

“ એ તો એમ કહીને તમે મને અમસ્તો મોટો બનાવો છો, ભગવાન ! ”

પછી શામળિયાજી બોલિયા, તને સાંભરે રે ?

હા જી, નાનપણાનો નેહ, મને કેમ વીસરે રે,

આપણ બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?

હા જી, સાંદીપની ઋષિને ઘેર, મને કેમ વીસરે રે !

આપણ અન્નભિક્ષા કરી લાવતા,તને સાંભરે રે ?

મળી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે !

આપણ સૂતા એક સાથરે, તને સાંભરે રે ?

સુખદુખની કરતા વાત, મને કેમ વીસરે રે !

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?

હા જી, કરતા વેદની ધૂન, મને કેમ વીસરે રે !

આપણ તે દહાડાના જૂજવા, તને સાંભરે રે ?

હા જી, ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે !

હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?

મને મોટો કીધો, મહારાજ, મને કેમ વીસરે રે !

આમ, બધી રાણીઓની સમક્ષ શ્રીકૃષ્ણ અને સુદામા પોતાના વિદ્યાર્થીજીવનની વાતો યાદ કરતા હતા. ત્યાં સુદામાએ પોતાના પગ નીચે સંતાડેલી પોટલી ભગવાનની નજરે ચડી અને એ બોલ્યા : “ સુદામા,મિત્ર, તમે પગ નીચે સંતાડો  છો તે શું છે? કહો તો ખરા કે મારાં ભાભીએ એ પોટલીમાં મારે માટે શી ભેટ મોકલી છે ? ”

સુદામા હવે ખરેખરા મૂંઝાયા !  હવે  શું થશે ? ભગવાન તો હઠ લઈને બેઠા છે, અને આ રાણીઓના દેખતાં મારી તો આબરૂ જવાની ! અરેરે, હું ક્યાં  અહીં આવ્યો?

“ નાથ ! એમાંથી અમને પણ થોડું  થોડું આપજો ! ”

રાણીઓએ વિનંતી કરતાં કહ્યું.

એ સાંભળીને તો સુદામાના  ખૂબ ગભરાયા, ભગવાન એમની મૂંઝવણ સમજી ગયા. એમણે હસતાં હસતાં સુદામાના પગ તળેની પેલી પોટલી ખેંચી લીધી.

સુદામા હવે શું કરે ? શરમિંદા બનીને બેસી રહ્યા.બધી રાણીઓ પણ ભગવાનની પાસે આવીને જોવા લાગી. જેને માટે શ્રીકૃષ્ણ આટલી બધી આતુરતા બતાવે છે, એ તે કેવી વસ્તુ હશે !

શ્રીકૃષ્ણે પોટલી છોડવા માંડી. એક ચીંથરું છોડે, ત્યાં અંદરથી બીજું બાંધેલું નીકળે, બીજું છોડે ત્યાં ત્રીજું ચીંથરું હોય. આમ ભગવાન એક પછી એક ચીંથરાં છોડતાંજાયછે. અને રાણીઓનો અચંબો પણ વધતો જાય છે—કોણ જાણે કેવું મોંઘું રત્ન હશે એની અંદર !

આખરે બધાં ચીંથરાં છૂટ્યાં.અને ભગવાને સોનાના થાળમાં સુદામાના તાંદુલની ઢગલી કરી. સૌ જોઈ જ રહ્યાં ! શ્રીકૃષ્ણે તો ખૂબ પ્રેમથી એ તાંદુલને પોતાની છાતી સાથે ચાંપ્યા ! અને પછી તેમાંથી એક મૂઠી પોતાના મોઢામાં મૂકતાં બોલ્યા, “ કેવા મીઠા છે આ તાંદૂલ !”

વખાણ કરતા જાય ને ભગવાન મૂઠી ભરી ભરીને તાંદૂલ આરોગતા જાય છે. અહીં ભગવાન તાંદૂલની મૂઠી ભરતા જાય છે. અને ત્યાં સુદામાના દુ:ખ કપાતાં જાય છે !…

પહેલી મૂઠી ભરતાંની સાથે જ ત્યાં સુદામાની તૂટીફૂટી ઝૂંપડી  કોણ જાણે ક્યાંય ઊડી ગઈ ! એને બદલે શ્રીકૃષ્ણના મહેલ સરખો એક મહેલ ત્યાં રચાઈ ગયો. બીજી મૂઠી ભરી અને સુદામને ત્યાં ધનની રેલમછેલ થઈ રહી ! સુદામાની પત્ની અને એમનાં બાળકોનાં રૂપ બદલાઈ ગયાં. સુદામાની પત્ની તો જાણે રાણી રુક્મિણી જ જોઈ લો ! અને બાળકો જાણે દેવોનાં સંતાનો ન હોય !સુદામાના આંગણામાં હાથીઓ ડોલવા લાગ્યા. ઘોડાઓ હણહણવા માંડ્યા. ઢોલ—નગારાં  અને જાતજાતનાં  વાંજિત્રો વાગવા માંડ્યાં. ઘરની અંદર સોનાની સાંકળે બાંધેલા હિંડોળા પર બેઠાં સુદામાનાં પત્ની હીલોળે છે.

પણ સુદામાને તો એની થોડી જ  ખબર હતી ? એ તો શરમાતા શરમાતા શ્રીકૃષ્ણની સામે દ્વારિકામાં બેઠા હતા. તાંદૂલ આરોગતા ભગવાનનો પ્રેમ જોઈને એમની આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં હતાં.

આટલું આટલું આપ્યા છતાં ભગવાનને હજી સંતોષ થતો ન હતો. એમને મનમાં  તો એમ થાય કે હજુંય હું મારાં ભક્તને વધારે ને વધારે આપું—બધું જ આપી દઉં ! સોનાના થાળમાંથી વધુ એક મૂઠી ભરતાં શ્રીકૃષ્ણને થયું, “ બસ, હવે તો સુદામાને હું આ દ્વારિકા પણ આપી દઉં !…અને આ પટરાણીઓ પણ મારા ભક્તની સેવા કરે  એટલે એમને પણ…!”

અને ભગવાન જેવા એ મૂઠી મોઢામાં મૂકવા જાય છે કે દેવી રુકમણીએ શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો. જેમ ભગવાન  બધાના મનના વિચારો જાણતા, તેમ પટરાણી રુક્મણી પણ ભગવાનના મનની વાત તરત જાણી લેતાં હતાં. એટલે એમણે શ્રીકૃષ્ણનો હાથ ઝાલી લઈને પ્રણામ કરતાં કહ્યું, “ પ્રભુ ! નાથ ! –અમારો શો અપરાધ  થયો છે તે આપ અમારો પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા ?”

દેવીની વાણી સાંભળીને શ્રીકૃષ્ણ અટકી ગયા. પછી એમણે બાકીના તાંદૂલ બધી રાણીઓને વહેંચી આપ્યા.તાંદૂલના એક એક દાણામાં ભગવાને અમૃત જેવો સ્વાદ મૂક્યો. એટલે  દરેક રાણીને પણ તે ખૂબ મીઠા લાગ્યા.   પછી તો હસીહસીને વાતો કરતાં આખી રાત વીતી ગઈ. સવાર થયું .સુદામાએ ભગવાન પાસે પોતાને ઘેર પાછા જવાની રજા માગી. શ્રીકૃષ્ણે કહ્યું, “ ભલે. પણ વળી પાછા કોઈ કોઈ વાર આવતા રહેજો ! ”

સુદામાને વળાવવા માટે ભગવાન પોળના નાકા સુધી રાણીઓ સાથે ગયા. પણ એમણે સુદામાના હાથમાં એક કોડીયે ન મૂકી. રાણી સત્યભામાને થયું , આમ કેમ ? ભગવાન કેમ પોતાના આ ગરીબ ભક્તને કશુંય આપતા નથી ? એક રુક્મિણી દેવી બધું જાણતાં  હતાં. એમણે સત્ય્ભામાને કહ્યું, “ તમને શી ખબર કે ભગવાને એ ભક્તને કેટકેટલું આપ્યું છે ?”

અને એ વાતેય સાચી જ છે ને ? ભગવાનની દયા તો ભગવાનને જે સૌથી વધારે વહાલું હોય તે જ જાણી શકે ને ? પોળ આવી એટલે સૌ રાણીઓ પાછી વળી ગઈ. પણ ભગવાન તો સુદામાને વળાવવા હજી આગળ ચાલ્યા. સુદામાને થયું કે, હવે પોતે બે જણ એકલા પડ્યા છીએ ત્યારે મિત્ર મને કાંઈક આપશે.પણ શ્રીકૃષ્ણ તો એ વિશે કશું બોલતા જ નથી !

છેવટે છૂટા પડ્યા ત્યારે ઋષિને નમસ્કાર કરી, ભેટીને ભગવાન એમ ને એમ જ પાછા વળ્યા. સુદામા તો ઘણા નિરાશ થઈ ગયા. પોતાની જાત ઉપર એમને ક્રોધ ચડ્યો.: “ હું જ કેવો કે મિત્ર પાસે માગવા આવ્યો ? એના કરતાંતો મારું મોત આવ્યું હોત તો સારું થાત ! ”

ચાલતા જાય  ને સુદામા આમ વિચાર કરતા જાય. એમને ભગવાન ઉપર પણ બહુ માઠું લાગ્યું : “ કેટલા પ્રેમથી શ્રીકૃષ્ણ મને પોતાના ઘરમાં લઈ ગયા ! દેવોને પણ અદેખાઈ આવે એટલું બધું એમણે મને આપ્યું. જાતજાતનાં પકવાન જમાડ્યાં. નાનપણની કેટકેટલી વાતો કરી…પણ છેવટે તો મને ખાલી હાથે જ પાછો કાઢ્યો ! બાકી, ભગવાનને ત્યાં શાની ખોટ હતી ? એમની આખી દ્વારિકા નગરી સોનાની છે. એમના મહેલમાં હીરા, માણેક, મોતી અને કીમતી રત્નો જડેલાં છે. એમાંથી થોડુંક પણ મને આપ્યું હોય તો એમને ત્યાં શું ઘટી જવાનું હતું ?  અને મારી તો આખા ભવની ભાવઠ ભાંગી જાત—બધાંય દુખ્ખ ટળી જાત ! પણ શામળિયાને મારી જરાય દયા આવી ? ઊલટા,કોઈને ત્યાંથી ઉછીના આણેલા તાંદૂલ પણ એ તો ખાઈ ગયા !”

પણ પ્રભુની નિંદા કરવા માટે ભક્ત સુદામાને તરત જ ઘણો પસ્તાવો થયો. એમણે હવે પોતાનો જ વાંક કાઢવા માંડ્યો :

“ અરેરે ! મેં ઊઠીને હરિની નિંદા કરી ! મારા જેવો પાપી બીજો કોણ ? ધિક્કાર હજો મને !…

મારો જ કોઈ વાંક હોવો જોઈએ. બાકી ભગવાન કાંઈ આવું કરે ? એમણે તો ભાવપૂર્વક કર્યું હોય તેનાથી અનેક ગણું હંમેશાં ભક્તને આપેલું છે. મેં જ એવાં કર્મ કર્યાં હશે કે મને કાંઈ ન મળ્યું !”

સુદામના મનને થોડી શાંતિ થઈ પછી તો એમણે ભગવાનનો  ઉપકાર માનવા માંડ્યો : “ હે કૃષ્ણ, તેં સારું જ કર્યું ! હો તેં મને ધન આપ્યું હોત તો એના અભિમાનમાં ને અભિમાનમાં હું તને  ભૂલી ગયો હોત ! માણસને બહુ સુખ મળે છે ત્યારે એનામાં અનેક અવગુણો આવતા હોય છે. હરિની ભક્તિ પણ એને યાદ આવતી નથી ! સારું જ થયું ભગવાન, કે તેં મને સુખી ન બનાવ્યો. દુખ્ખમાં જ પ્રભુ યાદ આવતા હોય છે. હે કૃષ્ણ, તારી દયા અપાર છે !”

આમ વિચારમાં ને વિચારમાં ચાલતાં ઘણો માર્ગ કપાઈ ગયો, સુદામા પોતાને ગામ આવી પહોંચ્યા. પોતાની ઝૂંપડી જ્યાં હતી ત્યાં આવીને એ ઊભા રહ્યા.

પણ આ શું ?…પેલી ભાંગીતૂટી ઝૂંપડી ક્યાં ગઈ ?  એને બદલે અહીં આવડો મોટો મહેલ ક્યાંથી આવી ગયો ? સુદામાએ આસપાસ નજર નાખી. ના ! જગ્યા તો આ જ છે. અહીં જ પોતાની કંગાલ ઝૂંપડી હતી. એમણે આમતેમ આંટમાર્યા. પણ ઝૂંપડીનો કે એમના કુટુંબનો ક્યાંય અણસારોય વરતાતો નહોતો.

ઋષિ ગભરાઈને મહેલની સામે જોઈ રહ્યા.કેવડો મોટો આ મહેલ  છે ! કેવી સુંદર વાડી ખીલી રહી છે. આંગણામાં મોટા હાથીઓ ડોલી રહ્યા છે. ઘોડારમાં જાતવંત ઘોડાઓ હણહણી રહ્યા છે. એક મંડપ નીચેથી મીઠું સંગીત સંભળાઈ રહ્યું છે.

સુદામાની આંખે પાણી ભરાઈ આવ્યાં.નિસાસો નાખીને એ મનમાં બોલ્યા : “ જરૂર આ તો કોઈ રાજા-મહારાજાનો મહેલ મારી ઝૂંપડીની જગ્યાએ બંધાયો છે. ….પણ મારાં બાળકો ક્યાં ગયાં ? મારી સ્ત્રી ક્યાં ગઈ ? એ બિચારાંનું શું થયું હશે ?  ઝૂંપડી ગઈ તો કંઈ નહિ—પણ એ બધાં ક્યાં ગયાં ? અરેરે, આ તે કેવી આફત આવી પડી !”

પણ એટલામાં તો દૂરથી એમની પત્નીએ સુદામાને આમ શોક્માં ડૂબેલા જોયા. એટલે તરતજ દાસીઓને લઈને એમનું પૂજન કરવા અને માનપૂર્વક એમને ઘરમાં લઈ જવા એ દોડતી દોડતી આવી. ઘણા પ્રેમથી એણે સુદામાનો હાથ પક્ડ્યો. પણ સુદામા તો પત્નીને ક્યાંથી  ઓળખી શકે ? એનાં રૂપરંગ, ઉંમર, એ સૌ શ્રીકૃષ્ણના પ્રતાપથી બદલાઈ ગયાં હતાં !

આ વળી કઈ બીજી આફત આવી પડી ? સુદામા તો ત્યાંથી નાસવા લાગ્યા. પરંતુ પત્નીએ એમને પકડીને ઊભા રાખ્યા. પછી એ પ્રણામ કરીને એ બોલી : “ જોજો, કંઈ મને શાપ ન આપી બેસતા ! ભગવાન શ્રીકૃષ્ણના પ્રતાપનું આ બધું પરિણામ છે.”

પછી એ સુદામાને મહેલમાં લઈ ગઈ. જેવાં સુદામા અંદર દાખલ થયા કે એમનું રૂપ પણ બદલાઈ ગયું ! એ ઘરડા હતા તે યુવાન થઈ ગયા. શ્રીકૃષ્ણના જેવા સુંદર થઈ ગયા.

આમ ભગવાને સુદામાને ઘણું ઘણું સુખ આપ્યું. એમનાં ઘરમાં દેવોના દેવ ઈંદ્રના જેવો વૈભવ થયો. પરંતુ તે છતાંય સુદામાએ હરિની ભક્તિ કર્યાં જ કરી. એ માનતા હતા કે પ્રભુની ભક્તિ એ જ સાચું ધન છે, એ જ સાચું સુખ છે.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “સુદામા ચરિત્ર– પ્રેમાનંદ
  1. akbarhabib42yahoocom કહે છે:

    અતી સુંદર્ય,

  2. Gopal Parekh કહે છે:

    આભાર ! ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
એપ્રિલ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: