હરીન્દ્ર દવેના કેટલાંક કાવ્યો

હરીન્દ્ર દવેના કેટલાંક કાવ્યો

હોઠ હસે તો

હોઠ હસે  તો ફાગુન

ગોરી ! આંખ ઝરે તો સાવન,

મોસમ મારી તું જ,

કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,

અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે

મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,

એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ

હ્રદય પર મલયલહર મનભાવન.

કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,

બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલપલ પામી રહી

પરમ કો મુદા મહીં અવગાહન.

*******************************

(2) ચાલો, ઠીક થયું

ચાલો, ઠીક થયું તમે મળી ગયાં,

નહીં તો અજાણ્યા જનપદે અહીં

કેમ કરી વિતાવી શકત

આટઆટલી ક્ષણો !

અજાણ, નિસ્પૃહ સહુ ચહેરા,

નીરસ નયન નિરુદ્દેશે ટકરાતાં,

શોધી રહ્યો આકુલ બનીને

નયન જે આપી શકે શાતા.

 

દૃષ્ટિનાં એ દૂર ને સુદૂર જતાં વ્હેણ

વળી પાછાં

તમે એકાએક સંગમનું રચી દીધું તીર્થ,

કર્ણનાં આયુધ સરી જાતાં ન્યાળી

અનુકંપા સહ રામ

શાપને સમેટી લિયે જેમ,

થોડા ફફડાટ પછી બિડાઈ ગયેલ બેઉ હોઠ,

એક ચમકાર પછી મૂંઝાઈ ગયેલાં નેત્ર,

ઉતાવળે ઊપડ્યા પછીથી

ભોંય ખોડાઈ ગયેલા બે ચરણ.

કામદહનથી સ્તબ્ધ ઉમા જેવાં

તમે સહસા અચેત;

દૃષ્ટિદોરે ચેતનાસંચાર

ભર્યાભર્યા જનપદે એકલા જનાર કેરો

જાણ થતાં પહેલાં તમે ઝાલી લીધો હાથ.

ચાલો, ઠીક થયું તમે મળી ગયાં.

અજાણ્યાં, અસંખ્ય  બધાં વદનોનો મર્મ

હવે પામું હું ચરમ.

મારું અધૂરું એકાંત

હવે પૂર્ણ.

******************************************

(3)નેણ ના ઉલાળો  

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર

અહીં આવે ને જાય લાખ લોક,

મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી

ટીકી ટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે

ફેરવી લિયો છો આડી આંખ,

આવરો ને જાવરો જ્યાં આખા મલકનો

ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ !

લાજને ન મેલો આમ નેવે કે રાજ

અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઊલાળામાં એવું કો ઘેન

હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,

પગલાં માંડું છું હું તો આગળ, ને વળી વળી

પાછળ વંકાઈ રહે ડોક,

આવી ફજેતી ના હોય છડેચોક

અહીં આવે ને જાય લાખ લોક.

******************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: