ધર્મ એટલે? //આશા વીરેન્દ્ર//જનકલ્યાણ//જૂન,2017

 

ધર્મ એટલે? //આશા વીરેન્દ્ર

(જનકલ્યાણ //જૂન,2017/પાના: 42 થી 43)

રોજ સવારે મારે ચાલવા જવાના સમયે સોસાયટી વાળવાવાળો રઘુ અચૂક મને મળે જ અને એ બોલ્યા વિના ન રહે, ‘ જે શી કૃષ્ણ સાહેબ, કેમ છો ?’ ‘બસ, મજામાં, તું  કેમ છો?’ ‘બસ, મજામાં, તું કેમ છે ?’ આટલું બોલીને એનો જવાબ સાંભળ્યા વિના જ હું આગળ વધી જાઉં. એક દિવસ સવારે એણે મને ઊભો રાખીને કહ્યું,

‘સાહેબ, આખી રાત ઊંઘ નથી આવી. માથું ફાટફાટ થાય છે. તમારી પાસે કંઈ દવા હોય તો આપોને !’

બે દિવસ પહેલાં મને પણ બહુ માથાનો દુ:ખાવો થયેલો. એટલે મેં ક્રોસીનના પત્તામાંથી બે ગોળી વાપરેલી ને પછી વધેલું પત્તું  શર્ટના ખીસામાં મૂકેલું . યોગાનુયોગ તે દિવસે મેં એ જ શર્ટ પહેરેલું એટલે તરત એમાંથી બે ગોળી આપીને કહ્યું, ‘ આમાંથી એક ગોળી અત્યારે અને બીજી રાત્રે પાણી કે ચા સાથે લેજે.’ આટલા દુ:ખાવા છતાં એણે અંગુઠાથી પીવાનો ઈશારો કરીને કહ્યું, ‘ડોકટર સાહેબ, આની સાથે લઉં તો ન ચાલે ?’ હું હસી પડ્યો ને કહ્યું, ‘તારે એ જ પીવું હોય તો પછી ગોળીની કંઈ જરૂર નથી.’

એણે ડોકટર સાહેબના કરેલા સંબોધન પર ધ્યાન આપ્યા વિના હું ચાલવા માંડ્યો. બીજે દિવસે મારા ચાલવાના સમયે તો એ મને ન મળ્યો પણ પછી 9-9.30 વાગે આવીને એ બારણાની બહાર ઊભો રહીને બૂમો પાડવા લાગ્યો, ‘ડોકટર સાહેબ, ઓ ડોકટર સાહેબ, ઘરમાં છો કે ?’

હું ડોકટર નહીં એટલે પહેલાં તો કોને માટે બૂમ પડાઈ રહી છે એ મને સમજાયું નહીં પણ પછી મારી પત્ની સરયૂએ બારીમાંથી નજર કરીને કહ્યું, ‘પેલો રઘુ તમને જ બોલાવતો લાગે છે.’ મેં બહાર નીકળીને કહ્યું, ‘મારું કામ છે, રઘુ ? આવ, અંદર આવ.’ ઘરમાં દાખલ થઈને એ પગલૂછણિયા પર જ   ઉભડક બેસી  ગયો ને કહે,

મહેરબાની ડોક્ટર સાહેબ, તમે એટલી સારી દવા આપી કે, મારું માથું સાવ મટી ગયું.’ એ આવી  રીતે ઉંબરામાં બેસી રહે એ મને ગમ્યું નહીં, મેં કહ્યું, ‘ત્યાં શા માટે બેઠો છે ? આવ, અંદર આવીને ખુરશી પર બેસ.’

મેં જોયું કે, મારા આમ કહેવાથી સરયૂના ચહેરા પર અણગમાની રેખા ઊપસી આવી. સરયૂ ચુસ્તતાથી વૈષ્ણવ ધર્મ પાળે. એના મનમાં છૂત—અછૂત અને ઊંચ—નીચના ભેદભાવ ઊંડે સુધી ઊતરેલા, એટલે એને મારી વાત ન રુચે એ હું સમજી શક્યો.

જોકે, રઘુ ત્યાં જ બેસી રહ્યો. એણે કહ્યું ‘ આટલા મોટા ડોકટર થઈને તમે મારા જેવા ગરીબ માણસ માટે આટલી દયા બતાવી, આટલી કાળજી લીધી એટલે હું તમારો આભાર માનવા જ આવ્યો છું.’ મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી કે, ભાઈ, હું ડોકટર નથી. એ તો મારા ખીસામાં દવા હતી તો મેં તને આપી.પણ એ મારી વાત માનવા તૈયાર જ નહોતો. પછી મેં પણ એને સમજાવવાની માથાકૂટ છોડી દીધી. એના ગયા પછી સરયૂએ કહ્યું,

‘આવી હલકી વરણના લોકોને ઘરમાં શા માટે ઘાલો છો ?એ જે ખુરશી પર બેસે એની પર જ પછી મારે બેસવાનું ?ફરીથી આવું કરતા નહીં.’

ત્યાર પછી ઘરમાં મારી પત્ની, દીકરા-દીકરી બધા મજાકમાં મને ડૉ.સાહેબ કહીને બોલાવવા લાગ્યાં. પછી તો જ્યારે પણ મળે ત્યારે રઘુ બહુ આદરપૂર્વક મને નમન કરતો અને કહેતો, ‘સાહેબ, મારે લાયક કંઈ પણ કામ હોય તો કહેજો.’

આ ઘટનાના બે-ત્રણ મહિના પછી મને સખત તાવ આવ્યો. વાયરલ હતો. આખું શરીર તૂટે અને ખૂબ અશક્તિ. સરયૂ અને મારો દીકરો ટેકો આપીને મને ડોકટર પાસે લઈ જવા બહાર ઊભેલી ગાડીમાં બેસાડતાં હતાં ત્યારે જ રઘુ આવ્યો. સાથે એની પત્ની અને એનો નાનકડો દીકરો હતાં. મારી પરિસ્થિતિ સમજ્યા વગર સાવ મારી પાસે આવી, દીકરાને એકદમ મારી નજીક લાવીને કહે, ‘ડોક્ટર સાહેબ, ગમે તેમ કરો પણ આને સાજો કરો. એને ઝાડા-ઊલટી થઈ ગયા છે. મારો એકનો એક દીકરો છે, મહેરબાની કરો સાહેબ.’

એક તો મારી હાલત એટલી ખરાબ ને એમાં એની આવી ઢંગધડા વગરની વાત. મને બહુ ગુસ્સો આવ્યો. તિરસ્કારભર્યા સ્વરે મેં કહ્યું, ‘હજાર વાર તને કહ્યું, હું ડોકટર નથી તોયે માથું ખાય છે ? ચાલ, આઘો ખસ ને છોકરાને મારાથે દૂર રાખ. મારું ઇન્ફેક્શન  એને લાગી જશે તો હેરાન થઈ જશે.’

લગભગ દોઢેક મહિના પછી મારી તબિયતની ગાડી પાટે ચડી. એક સવારે સોસાયટીના કમ્પાઉન્ડમાંજ ધીમ ધીમે ટહેલતો હતો ત્યાં રઘુ મળી ગયો. બે હાથ જોડીને ભાવપૂર્વક એણે મારી તબિયત વિશે પૂછ્યું. મેં પણ એના દીકરાના સમાચાર પૂછ્યા.

‘હવે એકદમ ટનાટન થઈ ગયો છે સાહેબ, પણ તે દિવસે જો બેન મારે ઘેર ડોકટરને લઈને ન આવ્યાં હોત તો અમારે દીકરો ખોવાનો વારો આવતે. બેનની મહેરબાનીથી જ આજે એ જીવતો છે. ડોકટર સાહેબ, બેન આવ્યાં એટલું જ નહીં, એમણે મારી બૈરીને ગળે વળગાડીને હિંમત પણ આપી કે, તારા દીકરાને કંઈ નહીં થાય.’

‘બેન એટલે ? સરયૂ તારા ઘરે આવી હતી ?’ ‘હા સાહેબ, તે દિવસે તમને ડોકટરને બતાવીને ઘરે લઈ આવ્યા પછી તરત જ બેન મારા ઘરે આવ્યાં હતાં. પછીય જ્યાં સુધી છોકરો સારો ન થયો ત્યાં સુધી બેન ફળ ને બિસ્કિટ ને કેટલું બધું આપી જતાં હતાં.’ ઘરે પહોંચીને હું સરયૂ સામે એવી નજરે જોઈ રહ્યો જાણે કોઈ બીજી જ સ્ત્રીને જોતો હોઉં..

મેં કહ્યું.

‘સરયૂ, હું એ જાણીને બહુ રાજી થયો કે, રઘુના માંદા દીકરા માટે એને ઘરે જવામાં તને તારા સંસ્કારો કે ધર્મ આડા ન આવ્યા.’ હું તો એટલું જાણુંકે, માણસે માણસના કામમાં આવવું એને જ ધર્મ કહેવાય. જો તે દિવસે રઘુના છોકરાને કંઈ થઈ ગયું હોત તો હું આખી જિંદગી મારી જાતને અપરાધી માનત.’

મને થયું, આ સ્ત્રી કેટલી સહજતાથી પોતાની માન્યતાની જંજીરોમાંથી મુક્ત થઈ શકે છે !

*******************************************

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ધર્મ એટલે? //આશા વીરેન્દ્ર//જનકલ્યાણ//જૂન,2017
  1. akbarhabib42yahoocom કહે છે:

    કેટલો સરસ વીચાર ! મનન કરવા જેવો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,186 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
માર્ચ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: