રાધેય/સૂતપુત્ર કર્ણ
(મહાભારતના પાત્રો//નાનાભાઈ ભટ્ટ/પાના:323 થી327)
અધિરથ ધૃતરાષ્ટ્રનો રથ હાંકનારો. તેની સ્ત્રીનું નામ રાધા.
એ જમાનામાં રથ હાંકવાનો ધંધો કરનારાઓ સૂત જાતિના લોકો હતા.પણ રણસંગ્રામ પર યોદ્ધાનો રથ હાંકવો એ એટલું મોટું જવાબદારીનું કામ ગણાતું કે કોઈ કોઈ વાર તો મોટા સમર્થ પુરુષો પણ્ આ કામને ગૌરવભર્યું ગણીને સ્વીકારતા. શ્રીકૃષ્ણ પોતે અર્જુનના સારથિ થયા અને મદ્ર દેશના રાજા શલ્યે સૂતપુત્ર કર્ણનો રથ હાંક્યો એ એના પ્રસિદ્ધ દાખલાઓ છે.
રાધાને પેટે કશું સંતાન નહિ. આખી જિંદગી કેટલાંયે વ્રતો કર્યાં, કેટલાંયે તીર્થો કર્યાં, કેટલીયે બાધાઆખડીઓ કરી, કેટલાય ઉપચારો કર્યા, પણ પ્રભુએ રાધાને સારો દિવસ ન દેખાડ્યો. સંતાન વિના રાધાનું જીવન લૂખું બની ગયું. કોઈનું બાળક દત્તક લઈનેય રાધા મન વાળે, પણ કઈ જનેતાને બાળક એવું વધારે હોય તે આપે ?
એક વાર સાંજે અધિરથ બહારથી ઘેર આવ્યો. રાધા અંદર રસોડામાં રાંધતી હતી.
‘રાધા, રાધા ! તારે માટે એક રમકડું લાવ્યો છું.’અધિરથ બોલ્યો.
‘રમકડાંનો રમનાર નથી ત્યાં રમકડાને મારે શું કરવાં છે ?’ જવાબ આપતાં રાધાએ ભૂલભૂલમાં આંગળી પર ચપ્પુ ચલાવ્યું.
‘પણ જો તો ખરી ! રમકડું બહુ સુંદર છે.’
‘એથીયે સુંદર રમકડાં તમે ઘણાંયે લાવ્યાં છો; પણ એ રમકડાં તો ઊલટાં મન બાળે છે.તમને પુરુષોને એ ખબર ન પડે. અંતરનાં ધાવણ ધવરાવવાનું એક પણ બાળક ન હોય તો સ્ત્રીઓનાં હૈયાં કેવાં સુકાઈ જાય છે તે અનુભવ લેવો હોય તો આવતે જન્મે સ્ત્રીનો અવતાર લેજો.’
‘પણ બહેન !’ રાધાની બહેન બોલી. ‘આ તો સાચે જ તને ગમે તેવું રમકડું છે.’
‘એવાં જીવ વિનાનાં માટીનાં પૂતળાંને જીવતાં માની કામ ચલાવે એવું બાળક –હ્રદય મારામાં નથી. અધિરથ ! મારી મશ્કરી ન કરો. હું સાચું કહું છું કે એવા જીવ વિનાનાં પૂતળાં મારે માટે ન લાવો.’
‘પણ બહેન ! આ પૂતળાને તો જીવ છે.’
‘ હેં, એને જીવ છે? તમે સાચું બોલો છો ?’ રાધા રસોડામાંથી દોડીને અધિરથની પાસે આવી અને અધિરથના હાથમાં બાળક જોઈને આભી બની ગઈ. ‘અધિરથ, અધિરથ ! હું આ શું દેખું છું?’
‘તું જે દેખે છે તે તું જ કહે.’
’તમે આ કોને તેડ્યું છે ?’
’તું જ કહે.’
’તમારા હાથમાં બાળક છે ? પ્રભુએ મારે માટે આ રમકડું મોકલ્યું છે ? અધિરથ ! આ સ્વપ્નું તો નથી ના? મને મારી આંખો ઠગતી તો નથી ના ? જોજો હો, મને છેતરતા નહિ.’
‘ના ના; મારા હાથમાં આ બાળક છે તે હું તારા માટે લાવ્યોછું.’
રાધા ગાંડી થઈ ગઈ. તેને ઉતાવળે ઉતાવળે બાળકને પોતાના હાથમાં લીધો, છાતી સરસો ચાંપ્યો. તેનું માથું સૂંઘ્યું, તેની આંખ પર નાનીશી ચૂમી લીધી, તેના આખા શરીર પર પોતાનો કોમળ હાથ ફેરવ્યો અને પછી પોતાના ખોળામાં સુવાડ્યો.’
‘બેટા ! તેં મારા ઘર ઉજાળ્યાં;મારા અંધારા ઓરડામાં દીવા કર્યા. બહેન ! શેરીમાં બધે સાકર વહેંચ.’
‘પણ અધિરથ ! આ બાળક જેવી રીતે સાંપડ્યો એ તો કહો !’ રાધાની બહેન બોલી.
‘હા, હા, બેટા !તું ક્યાંથી આવ્યો ?’રાધા બોલી.
અધિરથે જણાવ્યું : ‘હું સાંજના નદીને કાંઠે ફરતો હતો ત્યાં પ્રવાહ પર મેં કંઈક તરતું જોયું.’
‘હેં ! શું કહ્યું ? કોઈએ તરતો મૂકેલો ?’
‘ના, ના, પહેલાં તો મને થયું કે કોઈ મડદું તરતું હશે કે કોઈ લાકડું બાકડું તણાતું આવતું હશે; પણ વધારે પાસે ગયો ત્યાં એક પેટી દીઠી.’
‘હં; પછી ?’
નદીના પ્રવાહ સાથે પેટી તો ધીમેધીમે સરતી હતી. મને થયું કે ચાલ પેલી પેટી લઉં; એમાં કાંઈક હશે; પણ પેટી દૂર હતી અને પાણી ઘણું ઊંડું હતું.’
‘પછી તમે અંદર કૂદી પડ્યા ?’
‘ના, ના; હું તો દોરી કે લાંબો વાંસ શોધવા લાગ્યો, પણ કશુંય ન મળે.’
‘ત્યારે એટલામાં પેટી ક્યાંઈ નીકળી ગઈ હશે.’
’હું તો નિરાશ થઈને સૂર્ય સામું જોવા લાગ્યો, એટલામાં પેટી તણાઈને કાંઠે આવી અને મારા પગ સાથે અથડાઈ !’
‘હાશ ! સૂર્ય ભગવાને એને મારા માટે જ મોકલ્યો એમ કહો; નહિ તો તમે તો કાંઈ લાવી શકત નહિ.’
‘પેટીમાં તો પાણી ભરાયું હશે ?’ રાધાને બહેન બોલી.
’ના રે ના; પેટીની ફાટોમાં તો મીણ ભર્યું હતું એટલે પાણી મુદ્દલ અંદરજઈ શક્યું નહિ.’
‘એ મૂકનારી જનેતાને પણ હૈયું તો હશે ના ?’
‘પેટીની ઉપર કંકુના થાપા દીધેલા હતા; અને ચારે બાજુ મજબૂત બાંધી હતી.’
‘એમ જ. પેટીને ખોલીને જોઉં તો અંદર એક બાળક અંગૂઠો ચૂસતું પડેલું !’
‘ આ મારો વીરો જ કે ?’
’હા; એ જ.’
’બેટા ! તારા આ સોનેરી વાળ ઉપર તો હું વારી જાઉં છું.’
’રાધા વધારે આશ્ચર્યકારક તો એ છે કે આ એના શરીર ઉપર જે કવચ છેતે જન્મથી જ તેની ચામડી સાથે જડાયેલું છે.’
‘અરે, હા. હું તો એના મોઢા સિવાય બીજું કશું જોતી જ નથી.’ બાળકના શરીર ઉપર હાથ ફેરવતી રાધા બોલી. ‘અને એના કાન પણ કેવા રૂપાળા છે ! કાનમાં આ કુંડળ કોણે પહેરાવ્યાં હશે ?’
‘એ કુંડળ પણ જન્મથી જ. કવચ અને કુંડળ સાથે લઈને અવતરે એવું માનવીમાં તમે જોયું છે ?’
‘માનવસૃષ્ટિમાં તો એવું બને જ નહિ. એટલા માટે જ મને કોઈ દેવપુત્ર લાગે છે. આપણા સદ્ ભાગ્ય કે એ આપણને સાંપડ્યો.’
‘બેટા ! દેવોનાં ભવન છોડીને તું મારે માટે અહીં આવ્યો ?દેવો ! તમારા આ બાળકનું રક્ષણ કરજો.’
‘બહેન ! ચાલ ત્યારે આપણે તેનું નામ પાડીએ,’
‘લે, તું જ એબી ફઈ; પાડ નામ.’
‘બોલો, અધિરથ ! શું નામ પાડું ?’
‘તમને ગમે તે.’
‘મને તો એનાં આ સુવર્નનાં કુંડળ ખૂબ ગમે છે; માટે એનું નામ વસુષેણ પાડું?’
‘ભલે એ વસુષેણ કહેવાય.’
‘આવ, મારા વસુષેણ ! મને બધા આજ લગી એકલી રાધા કહેતા તે હવે વસુષેણની મા તો કહેશે ! બેટા ! તેં મને મા બનાવી,’ બોલતાં બોલતાં રાધાની આંખમાંથી નાનું શું આંસુ ટપક્યું.
આ રાધેય એ જ આપણી કથાનો કર્ણ. મોટી ઉંમરે રાધેયે ઈન્દ્રને પોતાનાં કવચકુંડળ ઊતરડી આપ્યાં; એટલે માટે એ કર્ણ કહેવાયો. ઇતિહાસ એને કર્ણના નામથી જ વધારે ઓળખે છે.
*******************************************
સરસ ! કર્ણ કેવી રીતે રાધા માતા ના ખોળા માં પહોંચ્યો એનું સરસ
વર્ણન !