ભીષ્મપ્રતિજ્ઞા/મહાભારતનાં પાત્રો/નાનાલાલ ભટ્ટ

ભીષ્મપ્રતિજ્ઞા

(મહાભારતનાં પાત્રો/નાનાલાલ ભટ્ટ/ પાના:160 થી 163)

‘કુમાર ! ફરમાવો શો હુકમ છે?’ મચ્છીમારે હાથ જોડીને પૂછ્યું.

કુમાર દેવવ્રત બોલ્યા: ‘ ભલા ભાઈ ! હુકમ તો લેવા આવ્યો છું.આપવા નથી આવ્યો. મારા આવવાનું કારણ તો તમે કળી ગયા હશો. મારા પિતાને માટે તમારી પુત્રીનું માગું કરવા આવ્યો છું.’

મચ્છીમાર જરા ટટ્ટાર થઈને બોલ્યો:  ‘કુમાર  ! અમારી દીકરીઓને તે વળી રાજમહેલ કેવા ! અમારે તો ભલાં ઘાસનાં ઝૂંપડાં , ભલાં ફાટેલ તૂટેલ કપડાં  અને ભલી આ હોડી. ઘણી ખમ્મા ગંગામૈયાને કે રાતદિવસ અમારું જતન કરે છે. અમારાં છોકરાંઓએ નદીની ખુલ્લી હવા લીધેલી એટલે રાજમહેલોમાં તો એ ગૂંગળાઈ જાય .’

‘ભલા માણસ !’ મંત્રીથી ન રહેવાયું, ‘તું તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે ત્યારે મોં ધોવા જાય છે ! હસ્તિનાપુરનો પાટવી  કુમાર માગું કરવા આવ્યો છે તેનું ભાન રાખ, અને વિચાર કરીને જવાબ આપ. તારી દીકરી હસ્તિનાપુરની રાણી થશે એ સમજાય છે?’

મચ્છીમારે શાંતિથી જવાબ આપ્યો : ‘ મંત્રીજી ! મને માફ કરો. અમારા આ મહેનતુ જીવનમાં જે આનંદ છે તે રાજવી જીવનમાં શોધ્યોય જડવાનો નથી તેની મને ખાતરી છે. આજે તો હું મારી બૈરી અને આ દીકરી વારાફરતી નાવડી હાંકીએ; કમાઈએ ને ખાઈએ. પાસેની દીવાદાંડીમાં દીવો પ્રગટાવવાનું રાખ્યું છે તે હુંય પ્રગટું અને આ દીકરીયે પ્રગટે. કોઈ વાર ગંગામૈયા ક્રોધે ભરાય અને વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે અમારી નાવડી આકાશપાતાળ દેખે અને અમે કાંઠે ઊભાં ઊભાં ઝૂરીએ; તેમાંય ન કરે નારાયણ  અને અમને કોઈને ગંગામા સમાવી દે તો સમસમીને બેસી રહીએ. પણ આ સુખદુ:ખમાં અમે બધા સાથે કામ કરીએ,સાથે રહીએ, સાથે રોટલો ખાઈએ અને સાથે દુ:ખી થઈએ. પરસેવાનો રોટલો ખાનારાઓને આવો આનંદ જ્યાં મળે એવો કોઈ રાજમહેલ છે? કુમાર ! મને માફ કરજો, અમને કાંઠા પર વસતા લોકોને સરખું બોલતાં ન આવડે; પણ મારી આ દીકરી રાજાને પરણશે એટલે તેના હાથેપગે મેંદી મૂકાશે.અમારી નાવડીને હલેસાં મારવાથી જે રતાશ આજે મારી દીકરીના હાથમાં તે શું મેંદીથી આવવાની છે? હું સમજું છું કે મારી દીકરી રાજમહેલમાં હિંડોળા પર હીંચકા ખાશે. પણ મંત્રીજી ! આ ગંગામૈયાનાં પાણી હિલોળે ચડે અને અમારી આ બદામડીને પોતાની પર નચાવે તે મજા ક્યાંયે આવવાની છે? મંત્રીજી! આ ઘાસના ઝૂંપડામાં બેસીને અમે ત્રણે આજે જે આનંદથી લૂખોસૂકો  રોટલો ખાઈએ છીએ, તે આનંદ રાજમહેલનાં ભાતભાતનાં ભોજનમાંયે તેને નથી જ મળવાનો. માટે તો મંત્રીજી ! મારી દીકરીને હું એ દુ:ખમાં ન નાખું એમ મને થયા કરે છે.હાડકાં હરામ  કરવામાં જેઓ મોટાઈ માનતા હોય એવા કોઈ કુટુંબની કન્યા મહારાજને માટે શોધી કાઢો; મારી આ દીકરી રાજમહેલમાં કરમાઈ જશે.’

‘કુમાર ! આ તો વળી “ઈદં તૃતીયં” નીકળ્યું ! આપે જેમતેમ કરી ગળે ઘૂંટડો  ઉતાર્યો ત્યારે આ મચ્છીમાર દોઢડાહ્યો થવા લાગ્યો છે!’ મંત્રીએ જણાવ્યું અને પછી મચ્છીમાર તરફ ફરી તેને કહેવા લાગ્યા :’ભાઈ! નહિ જોયું હોય તારું જીવન ! રાતદિવસ હલેસાં મારીમારીને જીવ નીકળી જાય છે તે નથી કહેતો, અને મજા અને આનંદની વાતો કરે છે? દીકરી નહોતી જ દેવી તો “મારો ભાણેજ ગાદીએ બેસે તો આપું.” એમ શા માટે કહ્યુંહતું ? આજે વળી ડાહ્યલો થઈને બહુ મોટી મોટી વાતો કરે છે !’

મચ્છીમાર બોલ્યો: ‘મારું ચાલે તો હું કોઈ પણ શરત મહારાજને કન્યા ન આપું. જગતમાં જ્યાં જ્યાં ગરીબ લોકોએ શ્રીમંત જમાઈઓ શોધ્યા છે ત્યાં ત્યાંતેમના હાથ દાઝ્યા છે. પણ મંત્રીજી ! શું કરું ? મારી દીકરીને પણ મહારાજને પરણવાનો મોહ છે. મેં તેને ઘણી ઘણી સમજાવી પણ તેને ગળે ઊતરતું નથી, એટલે હું લાચાર છું.’

‘ તો પછી કુમારની માગણી સ્વીકાર અને કન્યાને મહારાજ સાથે પરણાવ.’મંત્રીએ કહ્યું.

‘પણ’ મચ્છીમારે  જણાવ્યું.’મંત્રીજી ! મેંય થોડીક દુનિયા જોઈ છે. જીવન નિચોવીને ઉછરેલી પુત્રીઓને રાજમહેલમાં ધકેલી દીધા પછી તેમની શી વલે થાય છે તે મેં સાંભળ્યું છે. રાજાની આંખોને ગમે ત્યાં સુધી એ રાણી, અને પછી મહેલમાં એક ખૂણે પડી સડી જતી એક કંગાળ અબળા! માટે જ મારો આગ્રહ છે કે મહારાજને દીકરી પરણાવું તો એક શરતે અને તે એ કે મારો ભાણેજ થાય તે ગાદી પર બેસે.’

‘એથી શો લાભ? તારો ભાણેજ ગાદીએ નહિ બેસે  તો છેવટે હોડી હાંકશે અને વધારે સુખી થશે, એમ નહિ ?’ મંત્રી કહ્યું .

‘મારા માનવા પ્રમાણે એમ જ;પણ મારી દીકરીના માનવા પ્રમાણેનહિ. દીકરો પાટવી કુંવર હોય તો રાણીનો કોઈ દિવસ પણ ભાવ પુછાય એવો સંભવ. લગ્નજીવનમાં જે ઊણપ રહી ગઈ હોય તે પાછળથી રાજમાતા તરીકે થોડી ઘણી ભોગવી લે એટલે એને સંતોષ થાય. મારી દીકરી આજ “મહારાજ, મહારાજ!”કરે છે તે આંખોનું આકર્ષણ માત્ર. મારે એના બાપ તરીકેભવિષ્યનો પણ વિચાર કરવો રહ્યો.’

મંત્રીએ પૂછ્યું :’ તો આ કુમાર દેવવ્રતને બદલે તારો ભાણેજ ગાદીનો વારસ ગણાય એ તારી માગણી છે ના ? એમ કરવાથી તું આ કુમારને અન્યાય કરે છે એમ નથી લાગતું?’

‘એ તો દેખીતું જ છે.’ મચ્છીમાર બોલ્યો, ‘ને મારું ચાલે તો હું એ અન્યાય થતો જોવા માગતો જ નથી, તમે બધા મહારાજના સલાહકાર છે એટલે આ અન્યાયને અટકાવો. મને તો લાગે છે કે મહારાજની બુદ્ધિ ફરી છે અને મારી દીકરીનીયે ફરી છે.’

દેવવ્રતે વચ્ચે અટકાવીને કહ્યું:’મંત્રીજી ! આડી અવળીવાત જવા દો. મહારાજ આ મચ્છીમારની કન્યાને પરણે એવો મારો આગ્રહ છે ભાઈ ! જે શરત તું કહે છેતે તારે દૃષ્ટિથી તદ્દન વ્યાજબી છે. મહારાજ આજે પીડાય છે તેમાંથી તેમને મુક્ત કરવાનો મને માત્ર એક જ ઉપાય દેખાય છે, અને તે એ કે મારે હસ્તિનાપુરની ગાદી પરથી હાથ ઉઠાવી લેવો. કાં, એમ જ ના?’

મચ્છીમાર બોલી ઊઠ્યો :’કુમાર ! એમ હું નથી કહેતો.આપ સુખેથી ગાદી ભોગવો.’

દેવવ્રતથી ન રહેવાયું :’ભાઈ ! એ તું નથી કહેતો પણ હું કહું છું, મંત્રીજી ! સાંભળો .આર્યાવર્તની આ પતિતપાવની ગંગામૈયાને કાંઠે ઊભો રહીને હું દેવવ્રત પ્રતિજ્ઞા કરું છું કે હવે હું પોતે હસ્તિનાપુરની ગાદી પરથી મારો હક્ક ઉઠાવી લઉં છું. બસ  ભાઈ? હવે તારી પુત્રી મહારાજને પરણાવ અને મને ચિંતામુક્ત કર.’

મચ્છીમારે હસતાં હસતાં કહ્યું :’કુમાર ! તમારી પ્રતિજ્ઞા તો બરાબર છે, પણ એ પ્રતિજ્ઞાથી મને સંતોષ નથી થયો.’

‘તું તો કોઈ ગમાર જણાય છે !’ મંત્રી ક્રોધયુક્ત અવાજે બોલ્યા.

મચ્છીમાર વળી હસ્યો અને બોલ્યો : ‘ રાજપુરુષને તો મારા જેવા લોકો ગમાર જ લાગે. ગમાર લોકો ધોળી દીવાલો અને ધોળાં કપડાંની પાછળ છુપાઈ રહે છે કે આવાં વાંસનાં ઝૂંપડાં અને લંગોટીઓ પાછળ છુપાઈ રહે છે તે જગતથી અજાણ્યું નથી.’

‘મંત્રીજી ! એમ ન બોલો.’ દેવવ્રત વચ્ચે પડ્યો. ‘ભાઈ ! તને હજી અસંતોષ રહ્યો છે?’

‘જીહા.’ મચ્છીમારે જવાબ વાળ્યો. ‘આપ તો આપની પ્રતિજ્ઞા બરાબર પાળશો અને ગાદીની સામે નજર પણ નહિ નાખો એમાં મને શંકા નથી. પરંતુ આપના પુત્રોનું શું? એમણે ઓછી જ પ્રતિજ્ઞા લીધી છે ? એ લોકો તો ગાદીને માટે લડે પણ ખરા ! અને તે દિવસે મારો ભાણેજ ઓથ વિનાનો થઈ પડે.એ ગમે તેવો તોય મચ્છીમારનો ભાણેજ.આખીયે ક્ષત્રિય કોમ તમારા પુત્રોની પડખે ઊભી રહેશે, અને તમે પ્રતિજ્ઞા પાળશો તોયે મારી દીકરી ને ભાણેજ બન્ને દુ:ખી થશે.’

મંત્રી ચકિત થઈ ગયા : ‘અરે ! આ તો કોઈ ભારે મુત્સદ્દી લાગે છે ! તને તો મહારાજે પરદેશખાતાનો મંત્રી નીમવો જોઈએ. કુમાર ! આ મચ્છીમાર હવે હદ છોડીને બોલે છે.’

દરમિયાન કુમાર આંખો મીંચી ઊંડો ઊતરી ગયો. જીવનના અનેક નાનામોટા પ્રશ્નો તેની પાસે ખડા થયા ને રજા લઈ ચાલતા થયા, હસ્તિનાપુરની ગાદી, ભવિષ્યનો ગ્ર્હસ્થાશ્રમ, સંતતિ, કામતૃપ્તિ બધાય એક પછી એક મનમાં ઊભરાયાં અને પલાયન થયાં. પિતાને બચાવવાના એક જ મહાવિચારે આ બધાય વિચારોને હઠાવી દીધા, અને કુમાર એ બધાય વિચારોમાં ડૂબકી મારીને બહાર નીકળતો હોય તેમ માથું હલાવતો બોલ્યો:’ભલા મચ્છીમાર ! મેં વિચાર કરી લીધો છે. ગાદી પરનો મારો હક્ક મેં ક્યારનો જતો કર્યો છે, પણ તને મારા પુત્રોની બીક રહે છે. મંત્રીજી, માતા ગંગા, આર્યાવર્તના દેવો; કુરુકુળના પૂર્વજો ! સાંભળો : “હું દેવવ્રત પ્રતિજ્ઞા કરું છું કે હું પોતે પ્રજા ઉત્પન્ન કરીશ જ નહિ અને તેટલા માટે લગ્નજીવનમાં પણ પડીશ નહિ.” બોલ

ભાઈ ! હવે બસ?  હવે તારી બીક રહેશે?’

મંત્રી અને મચ્છીમાર બન્ને કુમારનું વચન સાંભળી ચકિત થઈ ગયા. મચ્છીમારની કન્યા પણ હેરત પામી ગઈ. વાતાવરણ આખું ગંભીર થઈ ગયું, અને દૂર દૂર ગંગામૈયાનાં મોજાં ઊછળતાં હતાં તેમાંથી કેમ જાણે અવાજ આવ્યો : ‘આવી પ્રતિજ્ઞા તો ભીષ્મ ! આવી પ્રતિજ્ઞા લેનાર પણ ભીષ્મ !

આજથી દેવવ્રત ભીષ્મ કહેવાયા.

************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દો

હું સમજું છું કે મારી

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: