વિવાહ-સંસ્કાર

વિવાહ સંસ્કાર

નોંધ:–   ઘરની દીકરીના લગ્ન પ્રસંગે આ પુસ્તિકા રચવામાં આવી છે, તેથી દિકરાના લગ્ન-પ્રસંગ વખતે જરૂરી ફેરફાર કરવા વિનંતી છે. 

 

 

 

વર અને કન્યાના નામ

__________________________________


શ્રીગોવર્ધનનાથ વિજયતે

વિવાહ સંસ્કાર

વર અને કન્યાના નામ

લગ્ન સ્થળનું સરનામું

મંગલકામના સહ

બંને વેવાઇ પરિવારના નામ

II મંગલાચરણ II

 

નમસ્કાર, સુસ્વાગતમ . સર્વ સંસ્કૃતિની જનેતા એવી ભારતીય સંસ્કૃતિએ માનવજીવનને સોળ સંસ્કારમય ગણ્યું છે. આ સોળ સંસ્કાર જીવનની જુદી જુદી અવસ્થાને મંગલમય બનાવે છે. આ સંસ્કારોમાં વિવાહ સંસ્કારને શ્રેષ્ઠ સ્થાને મૂકીને આપણા ઋષિમુનિઓ અને સંસ્કૃતિના જ્યોતિર્ધરોએ ધન્યો ગૃહસ્થાશ્રમ: ’  કહી  એનાં યશોગાન ગાયાં છે, આ વિવાહ સંસ્કાર દ્વારા પરમાત્માનાં બે ઉત્તમ સર્જન પુરુષ અને સ્ત્રી જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર પુરુષાર્થોની પ્રાપ્તિમાં એકબીજાનાં પૂરક, પ્રેરક અને સહાયક બની રહેવા પ્રતિજ્ઞાબદ્ધ છે.  

શ્રીગોવર્ધનનાથની અનંતકૃપાથી સૌ. કાં. ……….. અને ચિ. ………… ના લગ્ન સંસ્કારની મનભાવન મંગળ વેળા અવતરી છે. પ્રારંભે શ્રી ગણેશ ભગવંત અને સર્વ દેવતાઓને નતમસ્તકે વંદન કરીએ છીએ. આજે વિ.સં. 20…… ના    ………. (હિંદુ મહિનાનું નામ) સુદ/વદ ને ….. વાર તા. …………… ના મંગલ દિવસે, …… અને …… ના સુપૌત્રી/સુપૌત્ર તથા અ.સૌ. …….બહેન અને શ્રી ……. …ની સુપુત્રી સૌ.કાં……(કન્યા) અને અ.સૌ. …..  અને શ્રી……. ના સુપૌત્ર  અને અ.સૌ. ……. અને શ્રી…………. ના સુપુત્ર ચિ………(વર).. ના મંગલ પરિણયની વિધિનાં મંગલાચરણ કરીએ.

હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે  કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ગૃહસૂત્રપણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. સ્ત્રી-પુરુષ એ સમગ્ર વૈશ્વિક રચનાના કેન્દ્રમાં છે. વિવાહ એ યજ્ઞ છે જેમાં સ્ત્રી અને પુરુષ પોતાનું સ્વતંત્ર સાચવીને સમગ્ર વિશ્વની રચનામાં ભાગ લેનાર બને છે.  

આ વિધિ આધ્યાત્મિક મહત્ત્વ અને પ્રતીકાત્મક અર્થથી ભરેલી છે. લગ્ન દ્વારા વર-કન્યા કાયા, મન અને હ્રદયથી એક બને છે.

 

 

II ગણેશ વંદના II  

સ્વજનો,  

વિધિના પ્રારંભે વિઘ્નહર્તા, શુભકર્તા, શ્રી ગણેશનું ભાવપૂર્વક સ્મરણ કરીએ. 

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય  

લંબોદરાય સકલાય જગત્પિતાય I

નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય

ગૌરીસુતાય ગણનાથ ! નમો નમસ્તે  II

(ભાવાર્થ :વિઘ્નહર્તા, વરદાન દેનારા, દેવોના પ્રિય, મોટા ઉદરવાળા, સકલ જગતનું કલ્યાણ કરનારા, હાથીનામુખવાળા, વેદ અને યજ્ઞોના ભૂષણગૌરીપુત્ર અને ગણનાથને નમસ્કાર.)

 

 II  શ્રીકૃષ્ણવંદના  II  

 

હવે ગોપીવલ્લભ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીએ.

સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે   I

તાપત્ર્ય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:   II

(ભાવાર્થ: વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ આદિના હેતુરૂપ, સચ્ચિદાનંદરૂપશ્રીકૃષ્ણને અમે ત્રણ પ્રકારના તાપના નાશ માટે નમન કરીએ છીએ. )

 

 

 

 

 II  વર સ્વાગત  II  

 

હવે લગ્નમંડપમાં આવેલા વરરાજાને કન્યાના પિતા ……………….પૂછે છે,

સાધુ ભવાનાસ્તામ્ . અર્ચયિષ્યામો ભવંતામ્ ?

 

(ભાવાર્થ:તમે સજ્જન છો ? તમારી પૂજા કરું ?)

વર્રાજા કહે છે,

અહં સાધુ ભવામિ I .મામ્ અર્ચય I 

(ભાવાર્થ : હું સદૈવ સજ્જન રહીશ, મારી પૂજા કરો )

હવે કન્યાના પિતા વરરાજાને આસન આપતાં કહે છે,

વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર:પ્રતિગૃહ્યતામ્  I

(ભાવાર્થ :આપ આ આસન સ્વીકારો.) 

વરરાજા કહે છે,

પ્રતિગૃહ્ ણામિ  I

(ભાવાર્થ: હું આસન સ્વીકારું છું.)

 

હ્રીં શ્રેષ્ઠોસ્મિ વૈ સમાનાનામુદ્યતામિવ ભાસ્કર:   I

તિષ્ઠામિત્વાં અધ: કૃત્વા ય ઇદં મે ભિદીયતે   II

(ભાવાર્થ: જેમ પ્રકાશિત પદાર્થોમાં સૂર્ય શ્રેષ્ઠ છે તેવી રીતે હું પણ મારા સંબંધીઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવીશ. મારા દ્વેષીઓનો પરાભવ કરીશ.)

હવે વરરાજા વિષ્ટરને આસન નીચે મૂકી પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. કન્યાના પિતા દૂધ અને પાણીથી, પહેલાં વરરાજાનો ડાબો અને પછી જમણો પગ ધોતાં કહે છે,

પાદાર્થ ઉદકમ્ ,પાદાર્થ ઉદકમ્, પાદાર્થ ઉદકમ્ ,પ્રતિગૃહ્યતામ  I  

(ભાવાર્થ: આ, પગ ધોવાનું પાણી સ્વીકારો.) 

વરરાજા કહે છે  

પ્રતિગૃહણામિ  I 

(ભાવાર્થ :હું સ્વીકારું છું.)

હવે બીજો વિષ્ટર અપાય છે.

વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર: પ્રતિગૃહ્યતામ્  I 

 

હવે કન્યાનાં માતાપિતા, વરરાજાના પગ લૂછી, ત્યાં કુમકુમ લગાવી, કપાળે તિલક કરે છે. ત્યાર પછી કન્યાના પિતા હાથમાં અર્ઘ્યપાત્ર લઇ કહે છે,

અર્ઘો અર્ઘો અર્ઘ: પ્રતિગૃહ્યતામ્  I

(ભાવાર્થ: આ અર્ઘ્યનો સ્વીકાર કરો.)

વરરાજા પ્રતિગૃહ્ ણામિ . બોલી અર્ઘ્યપાત્રને પકડી, માથા સુધી ઊંચે લઇ જઇ, પાણીને તરભાણામાં રેડી અર્ઘ્ય આપે છે.

હવે મધુપર્ક આપવાની વિધિ શરૂ થાય છે.

 

 

 

  

મધુપર્ક

 

કાંસાના પાત્રમાં ઘી, દહીં અને મધનું મિશ્રણ કરી કન્યાના પિતા એ પાત્રને બીજા પાત્રથી ઢાંકી વરરાજાને મધુપર્કઆપે. આ મધુપર્ક એ પૃથ્વી પરનું અમૃત છે. મધ એ મધુરતાનું, ઘી પોષણનું અને દહીં એકતાનું પ્રતીક છે. આમ મધુરતા, પુષ્ટિ અને એકતાના ભાવ દ્વારા વરરાજાનું સન્માન થાય છે. હવે કન્યાના પિતા મધુપર્કઆપતા કહે,

મધુપર્કો, મધુપર્કો, મધુપર્ક: પ્રતિગુહ્યતામ્ I

(ભાવાર્થ:મધુપર્કનો સ્વીકાર કરો.) 

પ્રતિગૃહ્ ણામિકહી વરરાજા મધુપર્ક ખોલી તેમાં જોઇ કહે

સ્મીક્ષામિ યથા સર્વાણ્યહં ભૂતાનિ ચક્ષુષા  I  

તથાઢં મધુપર્ક ચ પ્રતીક્ષામિ ખલુ પ્રભો  II

(ભાવાર્થ : હે પ્રભુ ! જેમ હું મારી આંખોથી સર્વ જીવોને જોઉં છું તેમ જ હું મધુપર્કનું સારી રીતે દર્શન કરું છું)

હ્વે વરરાજા મધુપર્કને ડાબા હાથમાં પકડી જમણા હાથની છેલ્લેથી બીજી આંગળીથી મિશ્રણને હલાવી, જમીન પાર થોડુંક રેડશે. આ વખતે પુરોહિતશ્રી મંત્રો બોલશે.

આ વિધિ પછી  વરરાજા હાથ ધોઇ, આચમન કરી, ફરી હાથ ધુએ છે.  

 

 

 

 

 

 

ન્યાસ  

 

હવે ન્યાસ વિધિ શરૂ થાય છે, પુરોહિત બોલાવે તે મંત્ર બોલતાં શરીરના જુદા જુદા ભાગ ઉપર પાણી અડાડવાની ક્રિયા ન્યાસકહેવાય. આ ન્યાસ શક્તિ માટે છે.

વરરાજા બોલે :

 હીં વાડંગ મ આસ્યEસ્તુ  I

(મુખ)

હીં  નસોમેં પ્રાણોસ્તુ  I

(નાક) 

હીં અક્ષ્ણોર્મે ચક્ષુરસ્તુ  I

(આંખ) 

હીં કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ  I

(કાન)

 

હીં બાહોર્મે બલમસ્તુ   I

(ખભા)

હીં ઉર્વોમે ઓજોસ્તુ  I 

(સાથળ)

હીં અરિષ્ટાનિ મે અંગાનિ તનુસ્તંવા મે સહ સંતુ   I

(આખું શરીર)

આ વિધિ પછી વરરાજા હાથ ધોઇ, આચમન કરી ફરી હાથ ધુએ છે. હવે વરપૂજન ની વિધિ થશે.  

 

 

 

 

 

 

વરપૂજન  

 

કન્યાનાં માતાપિતા …………..ભાઇ અને …………. બહેનને  વિનંતી કે તેઓ જમાઇરાજાને કપાળે ચંદનતિલક કરી કુમકુમ-અક્ષતથી તેમનું પૂજન કરે. આ પૂજન દ્વારા વ્યક્તિના ભાલપ્રદેશનું એટલે કે બુદ્ધિનું પૂજન થાય છે. તિલક સ્વીકારતી વખતે વરરાજા પણ મનોમન કહી રહ્યા છે કે આજીવન સદ્ બુદ્ધિવાળી વ્યક્તિ બની રહેશે.  

હીં શ્રીખંડ ચંદનં દિવ્યંગંધાઢ્યં સુમનોહરમ્  I

અર્પયામિ નમસ્તુભ્યં કમલાપતિરુપ ધૃક્  II  

(ભાવાર્થ : હું લક્ષ્મીરૂપ,દિવ્ય, સુગંધસભર અને સુમનોહર ચંદન આપને નમસ્કારપૂર્વક અર્પણ કરું છું. આપ કમલાપતિ વિષ્ણુનું રૂપ ધારણ કરો.)

 

 

 

 

 

 

કન્યા આગમન  

 

સ્વજનો,  

હવે કન્યાનો મંડપ પ્રવેશ થઇ રહ્યો છે. કન્યાનાં મામા-મામી …….. ભાઇ તથા…..બહેન, ……ભાઇ ……….બહેન ને વિનંતી કે તેઓ ….ને વિવાહમંડપમાં લઇ આવવાનો લહાવો લે. આ વખતે વરકન્યા વચ્ચે અંતરપટ ધરવામાં આવે છે. આ અંતરપટ દ્વારા એ સૂચવાય છે કે બન્ને શુભ ઘડીએ એકબીજાનું દર્શન કરે કે જેથી બન્નેનાં જીવન સુખ, શાંતિ અને પ્રેમમય બને.  

 

 

 

મંગલાષ્ટક .  

 

હવે મંગલાષ્ટકગવાશે. અહીં ઉપસ્થિત બ્રાહ્મણદેવતાઓ તથા સહુ સ્વજનોના અંતરની શુભેચ્છાઓ અને આશીર્વાદ વ્યક્ત કરતાં આ મંગલાષ્ટક આપને સહુ પૂર્ણ ભાવ અને શાંતિથી સાંભળીએ. દરેક મંગલાષ્ટકને અંતે પુરોહિત શુભ મુહૂર્ત સાવધાન’, ‘કંન્યાદાતા સાવધાનએવું કહી વરકન્યાને કુમકુમ અક્ષતથી આશીર્વાદ આપશે.

 

વંદી ભાવથી સર્વ દેવગણને, શ્રદ્ધા થકી પૂજીએ.

વિઘ્નોને હરીલે સદા શુભ કરે, તેને સહુ વંદીએ.

રિદ્ધિસિદ્ધિ દઇ સુભક્તજનને, કાર્યો બધાં સાધતા,

ગૌરીપુત્ર ગણેશ દંપતિતણું , કુર્યાત સદા મંગલમ્ .   1

ઓવારેથી અનંતના વહી રહી, આશિષધારા અહો !

દાદાજી ………… હ્રદયની ભાવોર્મિઓ સુખદા,

…..દાદી વહાલી દિકરી તણું, કલ્યાણ ચાહે સદા,

………….. આ રૂડા યુગલનું, સાધો સદા મંગલમ્ .   2

લૈ જે રૂપ વિભુવરે ધરણી પે, પાયાં પ્રીતિઅમૃતો.

માતા આ ……….  તણી પ્રીત ઘણી, આનંદ તારો બની.

શિરે હસ્ત રહે સદા જીવનમાં, ………પિતા તણો.

મોંઘા વાત્સલ્યભાવ દંપતીતણું, કુર્યાત સદા મંગલમ્ .   3

મોટા બાપુજી દિલથી ……. …સંગ ભાભુ ……

વ્હેતાં શાં ઝરણાં અહોનિશ ભલાં દુલારી …..તણાં.

નાનાનાનીજી ……. સહ અહીં ………ભાઇ અહા !

બોલે, ‘વિભુવરો ભલા યુગલનું, સાધો સદા મંગલમ્ .    4

ફૂવા-ફોઇ તેની તું લાડલી ઘણી, સૌભાગ્ય તારું ખરું !

માસામાસી સદૈવ તારી કરતાં, સુ-કામના સુખની.

મામામામી દિલે ઘણી ઉછળતી,ઊર્મિ ભલા ભાવ ની.

એવાં મંગલ હેત આ યુગલનું, કુર્યાત્ સદા મંગલમ્ .   5

ખેલો ખેલ સુ-શૈશવે જીવનમાં. સંગે સદા હર્ષથી

નાનો ભાઇ ….. આજ દીદીને હેતે વળાવે અહીં.

બ્હેની …… , ……. ય દિલથી, ગાયે મીઠાં ગીતથી !

એવાં બંધુભગિનીહેત દ્વયનું, કુર્યાત્ સદા મંગલમ્ .   6

દાદાદાદી …………..ભાઇ-…….બેન  મળો સુખદા

કાકાકાકી અહા ! ……-…….ની પ્રીતિ તને લાધજો.

લો ! આ …. .., ….., ……. સહુ, કેવી વધાવે તને !

……–…… નું સહુ વિભુવરો, કુર્યાત્ સદા મંગલમ્.       7

……કાજ રૂડા સ્વસ્તિક રચીને, ને તોરણો બારણે ! .

…..માત. …..તાત વદતા, ‘તારું અહીં સ્વાગતમ્ !

હૈયે હેત ધરી ઉજાલ કુળને, સૌની બનીને સદા.

….. …….. ભાવ દ્વયનું, સાધો સદા મંગલમ્ .    8

હવે કન્યાના પિતા વરરાજાને વધૂ ઇક્ષસ્વ કહે ત્યારે અંતરપટ  દૂર થાય છે.

 

 

 

પુષ્પમાળા અર્પણ

 

હવે કન્યા અને વર એકબીજાને હાર પહેરાવશે. આ માળા એમની સંમતિનું પ્રતીક છે. જીવનભરનો સાથ પરસ્પરની સંમતિથી હોય તો જીવનયાત્રા આનંદમય બનેએ ભાવ સાથે આ હાર પહેરાવવામાં આવે છે. આ વખતે આશીર્વાદનો મંત્ર બોલાશે.

 તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ  I

વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તેંધિયુગં સ્મરામિ II

(ભાવાર્થ : લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનના ચરણયુગલનું જે ક્ષણે સ્મરણ કરું છું તે ક્ષણ જ ઉત્તમ છે, તે જ સુદિવસ છે, તે જ તારાબલ, ચંદ્રબલ, વિદ્યાબલ અને દેવબલ આપનાર છે.)

 

કન્યાપૂજન

 

કન્યાનાં માતાપિતા ……..બહેન અને ……ભાઇને વિનંતી કે તેઓ કન્યાપૂજન કરે. કન્યા ….. ના પગ દૂધથી અને પાણીથી ધોઇ, તેના કપાળે કુમકુમ તિલક કરી, ગળામાં માળા પહેરાવશે.

પૃથિવ્યં યાનિ તીર્થાનિ, યાનિ તીર્થાનિ સાગરે  I

સાગરે સર્વ તીર્થાનિ, કન્યાયા: દક્ષિણે પદે   II

(ભાવાર્થ : પૃથ્વી અને સાગરમાં જેટલાં તીર્થ છે એ સર્વતીર્થ કન્યાના જમણા પગમાં છે.)

 

 

 

કન્યા અર્પણ સંકલ્પ

 

સ્વજનો,

હવે આ લગ્નસંસ્કારની પાયાની વિધિ શરૂ થાય છે. પુરોહિત કન્યાનાં માતા-પિતાને કન્યાદાનનો સંકલ્પ કરાવશે .આપણી સંસ્કૃતિએ કન્યાદાનને મહાદાન કહ્યું છે. ઘરની લક્ષ્મી જેવી કન્યા અન્ય ઘરની મહાલક્ષ્મી બને છે. આ સંકલ્પ વખતે કન્યાના પિતા વતીથી નીચેના શ્લોક ગવાશે.

ઇમાં કનકસંપન્નાં કન્યામાભરણૈર્યુતામ્ I

દાસ્યામિ બ્રહ્મણે તુભ્યં બ્રહ્મલોકજીગીષયા  II 1  II

(ભાવાર્થ : સુવર્ણ સમાન આ સુવર્ણના અલંકારો થી શણગારાયેલી કન્યા હું આપને વિષ્ણુ જાણીને બ્રહ્મલોક મેળવવાની ઇચ્છાથી આપું છું .  1

વિશ્વંભરં સર્વભૂતા: સાક્ષિણ્ય :સર્વદેવતા  I

ઇમાં કન્યાં પ્રદાસ્યામિ પિતૃણાં તારણાય ચ  II 2  II

(ભાવાર્થ : આખા વિશ્વનું ભરણપોષણ  કરનાર ભગવાન તથા પ્રાણીમાત્ર અને સર્વદેવોની સાક્ષીમાં હું આપને આ કન્યાનું દાન કરું છું. આ દાન હું મારા સઘળા પિતૃઓના કલ્યાણ માટે કરું છું. II 2 II

 

 

 

 

કન્યાદાન

 

કન્યાનાં માતાપિતા કન્યાની જવાબદારી વરને સોંપે છે ત્યારે પિતા વરને કહે છે :

ધર્મે ચ અર્થે ચ કામે ચ ત્વયા ઇયં ન અતિચરિત્વ્યા  I

(ભાવાર્થ : ધર્મ, અર્થ કે કામની પૂર્તિ માટે ક્યારેય આ કન્યાનું  ઉલ્લંઘન કરશો નહિ.)

વરરાજા કહે છે

નાતિચરિષ્યામિ  I

(ભાવાર્થ : હું ઉલ્લંઘન નહિ કરું .)

કન્યાની માતા પણ પોતાની સંમતિ આપતાં કહે છે.

મયાડપિ દત્તા  I

(ભાવાર્થ: મેં પણ તમને આપી.)

કન્યાનો આનંદપૂર્વક  સ્વીકાર કરતા વરરાજા કહે છે.

પ્રતિગૃહ્ ણામિ I સ્વસ્તિ  I

(ભાવાર્થ: હું તમારી કન્યાની જવાબદારીનો સ્વીકાર કરું છું. સૌનું કલ્યાણ થાઓ.)

 

સ્વજનો,

આપની સંસ્કૃતિએ કન્યાદાનનો મહિમા ખૂબ ગાયો છે. કોઇપણ વ્યક્તિ કન્યાદાન કરી પુણ્યાર્જન કરી શકે છે.

આ કન્યાદાનમાં વાહન, ભૂમિ, ઘર, જરૂરી સાધન-સામગ્રી તથા અન્ય ચીજો આપી શકાય છે.

 

હસ્તમેળાપ

 

હવે હસ્તમેળાપની વિધિ શરૂ થાય છે. પુરોહિતશ્રી વર અને કન્યા બન્નેના હાથમાં જળ, પુષ્પ, અક્ષત, ચંદન, પાન, સોપારી અને દક્ષિણા મૂકી વરના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ મૂકશે. આ વિધિ લગ્નસંસ્કારના હાર્દ સમી વિધિ છે. જેનો હાથ પકડ્યો એનો સાથ જીવનભર નીભાવવાનો હોય, હ્સ્તમેળાઅપ હ્રદયમેળાપમાં પરિણમે તો જ લગ્નજીવન સફળ થાય. હવે હસ્તમેળાપનો શ્લોક બોલાશે..

  યદૈષિ મનસા દૂરં દિશોડ નુપવમાનો વા  I

હિરણ્યપર્ણો વૈ કર્ણ: સ ત્વા મન્મનસા કરોતુ અસૌ  II

(ભાવાર્થ : દિવ્ય વાતાવરણમાં પરસ્પર મિત્રતાના ભાવ સાથે અમે એકબીજાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરીએ છીએ.)વરક્ન્યાના મળેલા હાથ ઉપાર પુરોહિતશ્રી વસ્ત્ર ઢાંકશે. કન્યાનાં માતા-પિતા આ હાથ ઉપર જળની ધારા કરી પોતાનો આનંદ વ્યક્ત કરશે.

 

 

 

 

ગ્રંથિબંધન

 

કન્યાદાનના સંકલ્પ પછી વરની બહેન ….. ને વિનંતી કે તે વરના ખેસના એ છેડાને કે જેમાં સોપારી, રૂપાનાણું અને અક્ષત બાંધેલાં હોય, તેની સાથે ક્ન્યાના પાનેતરના છેડાને બાંધે. આ છેડાબંધનમાં શુભનો સૂચક સ્વસ્તિક હોય છે. આ છેડાબંધનદ્વારા બહેન , પોતાનાં ભાઇ ભાભીની ભાવસગાઈ જોડનારી બને છે. એ કહી રહી છે,’ભાભી ! આ ભાવસગાઈ સદાય મજબૂત રાખજો.

હવે ગ્રંથિબંધનનો શ્લોક ગવાશે.

                 ગણાધિપં નમસ્કૃત્ય  , ઉમાં ,લક્ષ્મી,સરસ્વતીમ્  I

                     દમ્પત્યો : રક્ષણાર્થાય પટગ્રંથં કરોમ્યહમ્   II

(ભાવાર્થ : ૐ શ્રી ગણેશ, પાર્વતીમાતા, લક્ષ્મીમાતા અને સરસ્વતી માતાને આ દંપતીના રક્ષણ માટે પ્રાર્થના કરીને  આ ગ્રંથિબંધન કરું છું)

હવે કન્યાનાં માતા-પિતા ગૌદાન કરે છે.

 

 

 

 

 

 

ગૌદાન

 

વિવાહસંસ્કારમાં ગૌમાતાના દાનનો ખુબ જ મહિમા છે. ગૌમાતા અને કન્યાને કદી વેચાય નહીં. એમનું તો દાન જ કરાય. ગૌદાનથી બન્ને પક્ષનાં પાપ નાશ પામે છે. ગાયના મૂલ્યનું દ્રવ્ય આપીને પણ આ વિધિ થાય છે. કન્યાનાં માતા-પિતા વરરાજાને ગૌદાન કરે ત્યારે પુરોહિતશ્રી બોલે છે.

હીં                      વસુનાં દુહિતા , માતા રુદ્રાણાં, ભાસ્કર સ્વસા I

                        બ્રવીમિ ગાં મા વધિષ્ઠ જનાય ચેતના વૃતે  II

(ભાવાર્થ : હે ગૌમાતા ! તું રુદ્ર- દેવોની માતા, વસુદેવોની કન્યા, આદિત્ય દેવોની બહેન  અને અમૃતનું ઉત્પત્તિસ્થાન છે. હું જ્ઞાની જનોને કહું છું કે જે હત્યા કરવા યોગ્ય નથી અને નિષ્પાપ છે એવી ગાયનું સદાય રક્ષણ કરો.)

 

 

 

અગ્નિસ્થાપન અને હોમ

 

લગ્ન વખતે જે અગ્નિનું પૂજન અને આવાહન કરવામાં આવે છે તે અગ્નિને યોજકકહે છે. યોજક એટલે જોડનાર. અગ્નિ પ્રત્યક્ષ દેવતા હોવાથી તેમની સાક્ષીએ બે આત્માનું બે હ્રદયનું મિલન થાય છે. શાશ્વત અગ્નિ ,તેજ અને ઉર્ધ્વગમનનું પ્રતીક છે. બન્નેનું જીવન આવું તેજોમય અને ઉન્નત બની રહે એવા ભાવ છે.

અહીં કન્યા  અને વર  સજોડે હોમ કરી અગ્નિ પાસે શક્તિ , તેજ ,આનંદ અને રક્ષણની પ્રાર્થના કરશે. આ વખતે પુરોહિતશ્રી અગ્નિદેવના મંત્રો બોલશે.

 

 

 

મંગલ ફેરા(લાજા હોમ)

 

લગ્નમાં લાજાહવન કરતી વખતે અગ્નિની ફરતે  ચાર ફેરા ફરવામાં આવે તે મંગલફેરા કહેવાય. કન્યાના ભાઈ …. ને  વિનંતી કે દરેક ફેરા વખતે વરકન્યાના હાથમાં લાજા એટલે કે ડાંગર આપે. વરકન્યા ફેરા પહેલાં સ્વાહાકહી લાજાને અગ્નિમાં હોમી માંગલ્યની મગણી કરે છે.

મંગલ ફેરા’  માં ત્રણ ફેરા વખતે વર આગળ અને કન્યા પાછળ રહે છે, જ્યારે ચોથા ફેરે ક્ન્યા આગળ અને વર પાછળ રહે છે. ચોથા ફેરા પહેલાં વરકન્યા ક્ષેત્રપાલ એટલે કે પથ્થર (અશ્મ) ને પોતાના જમણા પગના અગૂંઠાથી સ્પર્શ કરશે. આ શીલા અડગતા અને તટસ્થાનું પ્રતીક છે.

ચાર ફેરા જીવનના ચાર પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામમાં પુરુષ આગળ રહે તો જ સ્ત્રી મોક્ષ દેનાર બને છે.

ભારતીય સંસ્કૃતિએ આમ સ્ત્રીને ઉચ્ચ સ્થાન આપ્યું છે. આ વિધિમાં દરેક ફેરા પહેલાં હોમ કરતી વખતે નીચેનો શ્લોક બોલાશે.

સ્વાહા    અર્યમણં  દેવં કન્યા અગ્નિં અયક્ષત   I

સ નો અર્યમા દેવ: પ્રેતો મુંચતું મા પતે :  II 1  II

(ભાવાર્થ : હે અગ્નિદેવ ! મને પિતાના કુળથી અલગ કરો, પતિના કુલAથી નહિ.  II 1  II

સ્વાહા ૐ ઇયૅં નારી ઉપબ્રૂ તે લાજાન આવપંતિકા  I

આયુષ્માન અસ્તુ મે પતિ: એધંતાં જ્ઞાતયો મમ:  II 2  II

(ભાવાર્થ : હું લાજા હોમ કરતાં પ્રાર્થના કરું છું કે મારાં પતિ દીર્ઘાયુ થાય અને અમારા પરિવારની વૃદ્ધિ થાય. II 2  II

સ્વાહા ૐ

ઇમાં લાજાન આવપામિ અગ્નૌ સમૃદ્ધિં કરણં તવ  I

મમ તુભ્યં ચ સંવનનં તત્ અગ્નિ: અનુમન્યતાં ઇયમ્   II 3  II

(ભાવાર્થ: જે રીતે લાજાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ મારો અને મારા પતિનો અનુરાગ વૃદ્ધિ પામે, સ્થિર બને.   3)

સ્વાહા ૐ

આરોહં ઇમં અશ્માનં અશ્મા ઇવ સ્થિરા ભવ  I

અભિતિષ્ઠ પૃતન્યત અપબાધસ્વ પ્રતનાયત્ II 4  II

(ભાવાર્થ : હે પત્ની ! આ પથ્થર ઉપર ચડ. પથ્થરની જેમ સ્થિર રહેજે, ચલિત વૃત્તિની ન બન. આપણો ગૃહસ્થાશ્રમ સ્થિર બને. દુષ્ટોને દૂર કરનારી થા. II 4  II

 

 

 

 

 

 

 

 

 

 

કંસારભક્ષણ

 

પોતાની દીકરીને યોગ્ય પાત્ર મળ્યાનો સૌથી વિશેષ આનંદ માતાને હોય છે. દીકરીના હસ્તમેળાપ પછી શુભ કાર્યના આનંદરૂપે કંસાર જમાડવામાં આવે છે. માથે મોડ મૂકીને કન્યાની માતા કંસાર પીરસે પછી પ્રથમ વરરાજા, કન્યાને ચાર કોળિયા કંસાર જમાડે અને પછી કન્યા વરરાજાને ચાર કોળિયા જમાડે. કંસારજમણ પાછળ એકતાની ભાવના રહેલી છે. આ કંસાર જમાડતી વખતે વરરાજા કહે છે.

ૐ પ્રાણ : તે પ્રાણામ્ સંદધામિ  I

ૐ અસ્થિભિ: અસ્થિનિ સંદધામિ  I

ૐ માંસૈ: માંસં સંદધામિ  I

ૐ ત્વચા ત્વચં સંદધામિ  I

(ભાવાર્થ : મારા પ્રાણ સાથે તારા પ્રાણ,અસ્થિ સાથે અસ્થિ, માંસ સાથે માંસ અને ત્વચા સાથે ત્વચા જોડું છું.)

 

 

 

 

સપ્તપદી

 

સ્વજનો,

હવે સપ્તપદીનો વિધિ શરૂ થાય છે. વિવહસંસ્કારની આ સૌથી મહત્ત્વની વિધિ છે. આ વિધિમાં વરરાજા કન્યાને સાત પગલાં ચલાવી કે ચોખાની સાત ધગલી કે સાત સોપારી પાર કન્યાના જમણા પગનો અંગૂઠો અડાડી તેને બીજા છેડા સુધી લઇ જાત છે. અજાણી વ્યક્તિ સાથે પણ સાત ડગલાં સાથે ચાલવાથી મૈત્રીનો સંબંધ બંધાય છે. સપ્તપદીમાં આ પ્રકારની અત્માની મૈત્રીનો ભાવ રહેલો છે.

આપ્રતિજ્ઞાઓ કન્યાએ કરવાની હોય છે. કન્યા દરેક પ્રતિજ્ઞાનું પાલન યોગ્ય રીતે કરી શકે તે માટે કન્યાને શક્તિ અર્પવા માટે વર, પાલનકર્તા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરશે. આપને સહુ આ પ્રતિજ્ઞાઓને શાંતિથી સાંભળીએ.

વરવચન

ૐ એકમિષે વિષ્ણુસ્ત્વા નયતુ   II

(ભાવાર્થ : આ પ્રથમ પાદ આક્રમણ કરવા માટે વિષ્ણુ ભગવાન તને અન્ન આપો.)

કન્યાવચન

સુખદુ:ખાનિ સર્વાણિ ત્વયા સહ વિભજ્યતે  I

યત્ર ત્વં તદહં તત્ર પર્થમે સા બ્રવીદિદમ્  II

(ભાવાર્થ: હે પતિદેવ ! તમારા સુખદુ:ખમાં હું ભાગીદાર બનીશ. તમે જ્યાં અને જેવી રીતે રહેશો ત્યાં હું પણ રહીશ.)

વરવચન

ૐ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વા નયતુ   II

(ભાવાર્થ :બીજા પદને ઓળંગવા માટે ભગવાન વિષ્ણુ તને શક્તિ આપો.

કુટુંબં રક્ષયિષ્યામિ આબાલવૃદ્ધિકાદિકમ્  I

અસ્તિ નાસ્તિ ચ સંતુષ્ટા દ્વિતીયે સા બ્રવીદિદમ્  II

(ભાવાર્થ :હે નાથ ! બાળકો, વૃદ્ધો વગેરે ઘરમાં બધાંને હું સાચવીશ અને ઘરમાં જે પણ વસ્તુ હોય તેનાથી સંતોષ પામીશ. )

વરવચન

ૐત્રીણિ રાયસ્પોષાય વિષ્ણુસ્ત્વા નયતુ  II  

(ભાવાર્થ: ત્રીજા પદને ઓળંગવા માટે ભગવાન વિષ્ણુ તને સંપત્તિ વધારનારી બનાવો.)

કન્યાવચન

ભર્તુભક્તિરતા નિત્યં, સદૈવ પ્રિયભાષિણી  I

ભવિષ્યામિ પદે ચૈવ તૃતીયે અહં બ્રવીદિદમ્ II

(ભાવાર્થ : હે સ્વામી ! તમને જ દેવ માનીને તમારી ભક્તિમાં હું સદાય પ્રિયવાણી બોલનારી બનીશ.)

વરવચન

ૐ ચત્વારિમાયો ભવાય વિષ્ણુસ્તવા નયતુ  II

(ભાવાર્થ :ચોથા પદના આક્રમણ માટે અને આપણા ઘરને ઉલ્લાસમય બનાવવા માટે વિષ્ણુ ભગવાન તને સુખની પ્રાપ્તિ કરાવે.)

કન્યાવચન

આર્તે આર્તાભવિષ્યામિ સુખદુ:ખાવિભાગિની  I

તવાજ્ઞાં પાલયિષ્યામિ ચતુર્થેડહં બ્રવીમિ ત્વામ્  II

ભાવાર્થ : હે નાથ ! તમારા દુ:ખમાં હું ય દુ:ખી થઇશ અને સુખદુ:ખમાં ભાગીદાર થઇશ. તમારી આજ્ઞાનું પાલન કરીશ.)

વરવચન

ૐ પદ્ય પશુભ્યો વિષ્ણુસ્તવા નયતુ  II

(ભાવાર્થ: આ પાંચમા પગલા માટે ભગવાન વિષ્ણુ તને પશુવૃદ્ધિનું સુખ આપો.)

કન્યાવચન

ઋતકાલે શુચિ સ્નાતા ક્રીડિષ્યામિ ત્વયા સહ  I

નહં પરતરં યાયાં પદ્યમેડહં બ્રવીમિ ત્વામ્  II

(ભાવાર્થ: રજોદર્શન થયા પછી સ્નાનથી પવિત્ર થઇને હું આપની સાથે સુખવિલાસ ભોગવીશ, અન્ય કોઇ પુરુષનો વિચાર નહીં કરું.)

વરવચન

ૐ ષડ ઋતુભ્યો વિષ્ણુ: ત્વા નયતુ   II 

(ભાવાર્થ: આ છઠ્ઠા પદના આક્રમણ માટે ભગવાન વિષ્ણુ તને બધીયે છ ઋતુઓમાં પ્રસન્ન રાખે. )

કન્યાવચન

ઇહાય સાક્ષિકો વિષ્ણુર્ન ચ ત્વાં વંચિતાસ્મ્યહમ્  I

ઉભયો :પ્રીતિરત્યંતા ષસ્ઠેડહં ચ બ્રવીમિ ત્વામ્  II

(ભાવાર્થ: હે દેવ ! હું વિષ્ણુ ભગવાનની સાક્ષીમાં કહું છું કે હું તમને કદી છેતરીશ નહિ. આપણી એકબીજા પ્રત્યે પ્રીતિ વધે તેમ વર્તીશ.)

વરવચન

ૐ સખે સપ્તપદા ભવ, સા માં અનુવ્રતા ભવ, વિષ્ણુ ત્વા નયતુ  II

 

(ભાવાર્થ: આ સાતમા પગલાને ઓળંગવા માટે તું મારી સખી, સમર્થક, સંરક્ષક અને સંવર્ધક બન.)

કન્યાવચન

હોમયજ્ઞાદિ કાર્યેષુ ભવામિ ત્વ સહાયિની  I

ધર્માર્થકામકાર્યેષુ સપ્તમેડહં બ્રવીમે ત્વામ્   II

(ભાવાર્થ : હોમ, યજ્ઞ આદિ કાર્યોમાં હું તમારી સહાય કરનારી બનીશ. ધર્મ, અર્થ અને કામ આદિ કાર્યોની સિદ્ધિમાં તમારી સહાયિકા બનીશ.)

 

 

અખંડ સૌભાગ્યવચન

 

હવે બન્ને પક્ષ તરફથી અખંડ સૌભાગ્યવતી બે-બે સ્ત્રીઓ આવી વરકન્યાને કુમકુમ, અક્ષતથી વધાવી કન્યાના કાનમાં બ્રહ્માસવિત્રીનું સૌભાગ્ય’, ‘ઇન્દ્રઇન્દ્રાણીનું સૌભાગ્ય’,  ‘શિવપાર્વતીનું સૌભાગ્ય’, ‘કૃષ્ણરુક્ષ્મિણીનું સૌભાગ્ય’, વગેરે વચન ભાવ અને આશીર્વાદપૂર્વક કહે છે.

બ્રહ્માસાવિત્રી, ઇન્દ્રઇન્દ્રાણી વગેરે અખંદ સૌભાગ્ય અને પ્રસન્ન દામ્પત્યનાં પ્રતીક છે. એમના સૌભાગ્ય જેવા સૌભાગ્યની યાચનામાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

 

 

 

સિંદૂરપૂર્તિ

 

હવે વરરાજા કન્યાની સેંથીમાં સિંદૂર પૂરી તેને અખંડ સૌભાગ્ય આપશે. આ વખતે કન્યા પોતાના પતિના ડાબા હાથ તરફ આસન ગ્રહણ કરશે. હવે તે વામાંગીકહેવાય છે. આ સિંદૂર અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. આ સમયે વર ખૂબ આનંદપૂર્વક  કન્યાને સૌભાગ્યના પ્રતીક સમું મંગલસૂત્ર પણ પહેરાવશે. આ સમયે, જીવનસાથી બનેલાં વર-કન્યા માટે મંગલ કામનાઓ વ્યક્ત કરતો શ્લોક બોલાશે.

હીં

સિંદૂરે સર્વસૌભાગ્યં સિંદૂરે સુખસંપદા:

દદામિ તવ સીમંતે સિંદૂરે સુખવર્ધનમ્ .

(ભાવાર્થ : સિંદૂરમાં સર્વ સૌભાગ્ય રહેલાં છે. સિંદૂરમાં જ સુખસંપત્તિ છે. હું તને સુખની વૃદ્ધિ કરનારું સિંદૂર આપું છું.)

 

 

 

 

ધ્રુવદર્શન

 

હવે વરરાજા કન્યાને ધ્રુવનો તારો બતાવે છે. આ ધ્રુવદર્શન અચળતા અને તેજસ્વીતાનું પ્રતીક છે, વરરાજા આ તારો બતાવતાં કન્યાને જાણે કહી રહ્યા છે કે ધ્રુવની જેમ સ્થિરતા હોય તો જ પ્રેમ અખંડ રહે. આ વખતે નીચેનો શ્લોક ગવાશે.

ૐ ધ્રુવં અસિ ધ્રુવં ત્વા પશ્યામિ ધ્રુવં એધિ પોષ્યે મયિ I

મહ્યં ત્વા અદાત્ બૃહસ્પતિ: મયા પત્યા  પ્રજાવતી સંજીવ શરદ: શતમ્  II

(ભાવાર્થ : તું ધ્રુવના તારાની જેમ સ્થિર બન. હું તને સ્થિર મનવાળી જોઉં છું. તું મારામાં સ્થિર થઇને પોષણ પામ. ભગવાને આપનને સ્થિર બનાવ્યાં છે. બૃહસ્પતિએ તને મને આપી છે.મારાથી પ્રજાવાળી બની તું શતાયુ બન. આપણો પ્રેમ અખંડ રહો.)

સ્નેહી સ્વજન,

અહીં લગ્નવિધિ સંપન્ન થાય છે. આપના ઉલાસસભર સહભાગે આ વિધિને અવ્ધુ મંગલમય બનાવી છે. આ અવસરે બન્ને ……. –……પરિવાર વતીથી આપ સૌનો આભાર માનીએ છીએ. આપણે પ્રભુને પ્રાર્થીએ કે એની કૃપા ……(વર) …..(કન્યા) ને જીવનનું પ્રત્યેક સુખ અર્પે અને બન્ને એકબીજાના આત્માનાં સાચાં સાથી બની રહે.

આ વિધિ અમે શક્ય ચોકસાઇ તથા ભાવપૂર્વક કરી છે, છતાંય કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો પ્રભુ પાસે નતમસ્તક ક્ષમા યાચીએ છીએ.

આવાહનં ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્ I

પૂજાવિધિં ન જાનામિ, પ્રસીદ પાર્મેશ્વર II

(ભાવાર્થ :હે પરમેશ્વર ! હું આવાહનની વિધિ જાણતો નથી કે નથી જાનતો વિસર્જન. હું પૂજાવિધિ પણ જાણતો નથી, તો (પણ) મારા પર પ્રસન્ન થાઓ.)

મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરા:   II

  યત્પુજિતં મયા દેવા: ! પરિપૂર્ણં તદસ્તુ મે  II

(ભાવાર્થ: હે સુરેશ્વરા ! મેં મંત્રહીન, ક્રિયાહીન કે ભક્તિહીન જે કંઇ પણ પૂજન કર્યું હોય તેને પરિપૂર્ણ માનજો.)

લગ્નમંડપમાં બેઠેલા તથા આ વિધિમાં ઉપસ્થિત સૌ સ્વજનને સાથે મળી ભક્તિપૂર્વક કૃષ્ણવંદન કરી, શાંતિમંત્રનું પઠન કરવા વિનંતી.

યદુવંશકુમારો મે સ્વામિની વૃષભાનુજા  I

કૃતાર્થોડહં  કૃતાર્થોડહં કૃતાર્થોડહં ન સંશય:  II

(ભાવાર્થ : યદુવંશકુમાર શ્રીકૃષ્ણ અને વૃષભાનુની દીકરી રાધાજી મારાં સ્વામી છે. હું ધન્ય થયો છું. એમાં કોઇ સંશય નથી.)

લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથમ્  I

કારુણ્યરુપં કરૂણાધરં તં શ્રીરામચંદ્દ્રં શરણં પ્રપદ્યે  II

(ભાવાર્થ : સંપૂર્ણ જગતમાં સુંદર,રણક્રીડામાં ધીર, કમલનયન, રઘુવંશનાયક, કરુણામૂર્તિ અને કરુણાના ભંડાર એવા શ્રીરામચંદ્રજીને શરણે હું જાઉં છું .)

સર્વેડપિ સુખિન:સંતુ, સર્વે સંતુ નિરામયા:  I

સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ્ દુ:ખભાક્ ભવેત્  II

ભાવાર્થ : સૌ સુખી થાઓ, સૌ નિરોગી રહો ,

સૌ કલ્યાણકારી બાબતો જુઓ, કોઇપણ કોઇ દુ:ખને પામો નહીં .)

શ્રીનાથજીબાવાની જય

 

પ્રસીદંતુ પંચ ભૂતાનિ, આત્મોન્નતિ: ભવતુ તે  I

સાધયન્ શ્રેય: સર્વાણાં, સુખિન: સંતુ નિત્યમ્  II

સૃષ્ટિનાં પંચ તત્ત્વ તમારા પર પ્રસન્ન થાઓ , તમારા આત્માની ઉન્નતિ થાઓ.

સૌનું સુખ સાધતાં તમે સદાય સુખી રહો.

જયશ્રીકૃષ્ણ

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,343 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
નવેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: