જેડ બ્લુની જબરદસ્ત કહાની:

Zed blue

(સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 92થી 95)

જેડ બ્લુની જબરદસ્ત કહાની:

ચૌહાણ બંધુઓ ખાઈમાંથી શિખર પર આવ્યા છે.

 

    આ તો હજી થોડાં વર્ષો પહેલાંની જ વાત છે.નાનકડા બે છોકરાઓ અમદાવાદની રતનપોળના શો-રૂમની બહાર ગ્રાહકોને આકર્ષવા બૂમો પાડતા હતા. રતનપોળ એટલે સાડીઓ સહિત લગ્નસરાનાં કપડાં માટેની બજાર—ગુજરાત આખાનું મનગમતું સ્થળ.લગ્ન નક્કી થાય એટલે લોકો અહીં કપડાંની ખરીદી કરવા આવી જાય. બિપિન અને જિતેન્દ્ર નામના બે છોકરાઓ અહીં નોકરી કરતા. ‘બહેન, સાડી જોવા આવો…’ ‘બહેન નવી ડિઝાઈન છે…’ આવી બૂમો પાડતા. આ છોકરાઓ આગળ જતાં ‘જેડ બ્લુ’ નામની એક વૈશ્વિક બ્રાન્ડના સ્થાપક બન્યા. એટલું જ નહીં, ભારતના વડાપ્રધાન બનનાર નરેન્દ્ર મોદીના પરિધાન વ્યક્તિત્વના વિકાસનો સૌથી મોટો હિસ્સો પણ બન્યા. એક હકીકત એવી પણ છે કે ગુજરાતના વિકાસમાં

વિવિધ ક્ષેત્રની જે જે વ્યક્તિવિશેષનું પ્રદાન છે એમાંથી મોટા ભાગનાઓના વ્યક્તિત્વ-પરિધાનના વિકાસ માં ‘જેડ બ્લુ’ નું પ્રદાન છે.

    ગુજરાતમાં પુરુષો માટેના પરિધાનમાં સૌંદર્યક્રાંતિ લાવવાનો યશ ‘જેડ બ્લુ’ને જાય છે.તેના પાયામાં છે બે ચૌહાણ બંધુઓનો દિવસ-રાતનો ભારે પરિશ્રમ, સર્જનાત્મક દૃષ્ટિકોણ અને આધુનિક મેનેજમેન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અભિગમ. ગરીબ કુટુંબના આ બન્ને ભાઈઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે ગાજ-બટન પણ કરતા હતા. આમેય દરજીકામમાં સૌથી પહેલાં ગાજ-બટન કરવાનું શીખવાનું હોય છે. બિપિનભાઈ અને જિતેન્દ્રભાઈ નાનપણથી જ મહેનતુ હતા. ભણતાં ભણતાં નોકરી પણ કરતા અને પછી તો દરજીકામ પણ શીખ્યા.

    શરૂઆતના વર્ષોમાં તેમણે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તાર પર સુપ્રીમો ટેલર્સ નામની કપડાં સીવવાની દુકાન કરી હતી. એ નાનકડી દુકાનમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ગ્રાહકો આવત. જોતજોતામાં ચૌહાણ બંધુઓ ફિટિંગ માટે જાણીતા બની ગયા,અહીં જે કપડાં સિવાતાં તે કપડાં વ્યક્તિના શરીર પર બરાબર આવી જતાં અને કપડાં પહેરનારને મજા આવતી.

    1981માં તેમણે 250 ચો.ફૂટની જગ્યા સાથે તેમણે ‘સુપ્રીમો ક્લોથિંગ એન્ડ મેન્સવેર’નો પ્રારંભ કર્યો હતો.એ પછી તેઓ ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા અને 1995માં અમદાવાદના વૈભવી ગણાતા સી.જી. રોડ પર તેમણે ‘જેડ બ્લુ’ નો પ્રારંભ કર્યો.

    ગુજરાતમાં મહિલાઓના વિવિધ વસ્ત્રોના અનેક શો-રૂમ હતા. બજારમાં મહિલાઓનાં પરિધાનની અનેક બ્રાન્ડ પ્રચલિત હતી. પહેલી વખત પુરુષોના પરિધાનની કોઈ સ્વતંત્રબ્રાન્ડ બજારમાં આવી. જોતજોતામાં જેડ બ્લુનું નામ પ્રતિષ્ઠિત થયું. મોટી કોર્પોરેટ કંપનીઓના વડાઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સનદી અધિકારીઓ, ન્યાયમૂર્તિઓ, એડવોકેટ, બિલ્ડર, કળાકારો, સાહિત્યકારો અને રાજકારણીઓ ‘જેડ બ્લુ’નાં કપડાં પહેરીને પોરસાવા લાગ્યા. એક એવો સમય પણ આવ્યો કે લગ્ન નક્કી થાય એટલે વરરાજાઓ તરત જ જેડ બ્લુમાં પહોંચી જાય. ‘જેડ બ્લુ’ એ પુરુષોને સૌંદર્યની નવી પરિભાષા શીખવાડી. ગુજરાતના પુરુષોમાં પરિધાન ક્ષેત્રે સૌંદર્યક્રાન્તિ આવી.

    ગુજરાતના મુખ્યમંત્રીપદે બિરાજ્યા પછી નરેન્દ્ર મોદી પણ પોતાના પરિધાન માટે વધારે સર્જનાત્મક બન્યા. તેમણે જેડ બ્લુનો સાથ લીધો. નરેન્દ્ર મોદીનું દેખાવડું નવું વ્યક્તિત્વ જન્મ્યું તેમાં આ બે બંધુઓનું મોટું પ્રદાન. નરેન્દ્રભાઈ વડા પ્રધાન થયા એ ઘટનાને અનેક પરિબળોએ મદદ કરી છે, તેમાં જેડ બ્લુનું પણ પ્રદાન છે. આ વાત આ બંધુઓને અમદાવાદમાં એન આર આઈ સેતુરત્ન એવોર્ડ આપતી વખતે ગુજરાત રાજ્યના પૂર્વ સચિવ પી.કે.લહેરીએ કરી હતી. નરેન્દ્ર મોદી અડધી બાંયના ઝભ્ભા પહેરે છે તેને મોદી કુર્તા તરીકે ઓળખ મળી છે. આ મોદી કુર્તાની ઓફિશિયલ બ્રાન્ડ જેડ બ્લુ પાસે છે. આજે પણ પોતાનાં પરિધાન તૈયાર કરવા માટે નરેન્દ્ર મોદી ચૌહાણબંધુઓને પસંદ કરે છે.

    ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું પછી મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા સતત થયા કરતી હતી. એ વખતે ઘણા લોકો કહેતા હતા કે જેડ બ્લુ શો-રૂમ પર નજર રાખો. જે વ્યક્તિનું નામ મુખ્યમંત્રી તરેકે ફાઈનલ થશે તે વ્યક્તિ શપથવિધિ વખતે પહેરવા માટેનાં પોતાનાં કપડાં સીવડાવવા અહીં અચૂક આવશે.

    સફળતા રાતોરાત મળતી નથી. તેના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. એક સાધારણ આવક ધરાવતા ગરીબ દરહી કુટુંબમાંથે આવેલા બે ભાઈઓ વૈશ્વિક બ્રાન્ડ કરી શક્યા તેના પાયામાં બન્ને ભાઈનો આકરો પરિશ્રમ પડેલો છે. જેડ બ્લુ ઘણી મોટી બ્રાન્ડ ગણાય છે. આજ તો ભારતનાં 33 શહેરોમાં તેમના 60 મેન્સવેર સ્ટોર આવેલા છે. હવે તેઓ ગ્રીન ફાયબર સહિત અનેક પર્યાવરણ ફ્રેન્ડલી નવી બ્રાન્ડ પણ લાવે છે.

    બન્ને ભાઈઓ ખૂબ જ સર્જનાત્મક છે. પોઝિટિવ થિંકિંગ ધરાવે છે. ભારતમાં સર્વિસ સેક્તર રેઢિયાળ હતું ત્યારે તેમણે સર્વિસ સેક્ટરને પ્રોફેશનલ ટચ આપ્યો છે.મેન્સવેરને ફોકસ કરીને તેમણે આ સેગમેન્ટમાં અનેક નવા પ્રયોગો કર્યા છે. પોતાની બ્રાન્ડને આગળ વધારવા માટે તેમણે પર્સનલાઈઝ્ડ કસ્ટમર સર્વિસ પર ધ્યાન આપ્યું. બન્ને ભાઈઓ વર્કહોલિક છે અને ટીમને સતત મોતિવેટ કરીને આગળ વધે છે.

    જિતેન્દ્રભાઈ સાહિત્ય અને વિવિધ કલાના રસિક છે. સતત નવું વાંચતા રહે છે. અને પોતાના સ્ટાફને પણ સુંદર અને પ્રેરક પુસ્તકો વંચાવતા રહે છે. જેડ બ્લુની પર્યાવરણ પ્રીતિ મજબૂત છે અને દર વર્ષે નોખી-અનોખી રીતે વ્યકત થતી રહે છે. ખાસ તો તેઓ લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ આવે તે માટે જે ક્રિએટિવિટી સર્જે છે તે જોવા જેવી હોય છે. 2004થી તેમણે પર્યાવરણ જાગૃતિ માટે  હોર્ડિંગ્સ મૂકવાનો પ્રારંભ કર્યો. ઊડીને આંખે વળગે તેવો સંદેશ અને અનોખી સર્જનાત્મકતા તેમાં હોય. જેમ કે એક તસવીરમાં વૃક્ષને શર્ટ પહેરાવીને લખાયું કે તમે પોતેજ વૃક્ષ છો, તેને કાપશો નહીં. એક વર્ષે રંગ કરવાની પીંછી દ્વારા કહેવાયું છે કે પર્યાવરણના રંગે આપની જિંદગીને રંગી નાખો.

    વિશ્વ પર્યાવરણ દિવસે ‘જેડ બ્લુ’ના 22 શોરૂમમાં ગ્રાહકોને કાગળની બેગમાં કપડાં સાથે છોડ પણ અપાય. એ છોડ પણ ખાસ પર્યાવરણીય કાગળમાંથી તૈયાર કરાયેલી થેલીમાં હોય !

    કોઈ કોર્પોરેટ કંપની આ રીતે, પોતાની બ્રાન્ડના પ્રમોશન માટે જેટલી ગંભીરતા સાથે પર્યાવરણની જાગૃતિ કરે તે સલામ મારવાનું મન થાય તેવી વાત છે.

    ‘જેડ બ્લુ’ના સંચાલકો રક્તદાન સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા રહે છે. પોતે જે કમાય છે તેમાં સમાજનો પણ ભાગ છે તેવું તેઓ માનતા હશે એટલે આવી પ્રવૃતિઓ નિરંતર કરતા રહે છે.

    કલ્યાણજી-આણંદજી, ગૌતમ અધિકારી અને માર્કંડ અધિકારી, પૂરણચંદ વડાલી અને પ્યારેલાલ વડાલી—વડાલી બ્રધર્સ, યુસુફ અને ઈરફાન પઠાણ, મહેશ-નરેશ (કનોડિયા), મહેશભાઈ પઢિયાર અને મુકેશભાઈ પઢિયાર( ફૂડ સોલ્યુશન) એમ બે ભાઈઓએ સાથે મળીને સફળતા મેળવી હોય તેવાં ઘણાં ઉદાહરણો છે. તેમાં  બિપિનભાઈ અને જિતેન્દ્રભાઈ ચૌહાણે ઉમેરો કર્યો છે.

                 ***************

સંપર્ક: જેડ બ્લુ

પરિસીમા કૉમ્પ્લેક્સ, સીજી રોડ, અમદાવાદ,ગુજરાત 380006

ફોન નંબર: 079 26468181

********************************************************     

  

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: