POSITIVE STORIES—66

(સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 66 થી 69)

મનોદિવ્યાંગોને ‘નવજીવન’ આપતી સંસ્થા:

    અહીં સંવેદના 24  કલાક ઓનલાઈન છે.

 

    અમદાવાદના એક યુવા દંપતીને કુદરતે સંતાનના સુખથી વંચિત રાખ્યું હતું.જે ડૉક્ટરની દવા ચાલતી હતી એ ડૉક્ટરના ક્લિનિક પર એક દિવસ કોઈ નવજાત બાળકીને મૂકીને જતું રહ્યું. ડૉક્ટરે આ દંપતીને બોલાવીને કહ્યું કે તમારી ઈચ્છા હોય તો તમે આ લક્ષ્મી(દીકરી)ને દત્તક લઈ લો. દંપતીએ આ બાળાને દત્તક લીધી. નવ મહિના થયા ત્યાં ખર પડી કે બાળા નોર્મલ નથી. તે માનસિક રીતે દિવ્યાંગ છે.તેનાં માતાપિતાને આ વાતની કદાચ ખબર હશે એટલે જ તેમણે તેને આ રીતે તરછોડી હશે.

હવે શું કરવું?

પતિ-પત્ની ડૉક્ટર પાસે ગયાં. ધર્મસંકટ હતું. દત્તક લીધેલી બાળાને હવે જીવનભર સાચવવાની હતી. આવી જવાબદારી નાની નથી હોતી. તમારે તમારા જીવનની એકેએક ક્ષણને નિચોવી નાખવી પડે. વિચાર-વિમર્શ પછી એ યુવા દંપતીએ નક્કી કર્યું કે અમે બાળાને સાચવીશું. બસ, એ પછી શરૂ થયો જીવનયજ્ઞ. જવાબદાર પતિ-પત્ની આદર્શ માતા-પિતા બની ગયાં. એ બાળકી માટે માતાએ નોકરી પણ છોડી દીધી.

    મનોદિવ્યાંગોના પુનર્વસનનું કાર્ય કરતી અમદાવાદની નવજીવન ચેરિટેબલ સંસ્થાના તેઓ સંપર્કમાં આવ્યાં. બાળા અહીં જોડાઈ અને તેમને રાહત મળી.

            *******

     બીજો કિસ્સો.

    જો કોઈ માતાને દિવ્યાંગ બાળક જન્મે તો મોટેભાગે એવી સ્ત્રીઓને તેમના પતિ તરછોડી દેતા હોય છે.’તારા કારણે આવું થયું…’ તેવા આક્ષેપ સાથે તેઓ નવું લગ્ન પણ કરતા હોય છે.

એક કેસમાં ઊલટું થયું. પોતાની કૂખમાં દિવ્યાંગ બાળક આવ્યું  એટલે માતાએ એ બાળક અને તેના પિતાને છોડી દીધા. નવું લગ્ન કરી લીધું.

કળિયુગનીઅસર બધે જ થાય ને !

    પિતાએ થોડો સમય દિવ્યાંગ બાળકને સાચવ્યું, પણ પછી તેમણે પણ બીજાં લગ્ન કરી લીધાં.

    એ બાળકને વર્ષોથી તેનાં દાદી અને ‘નવજીવન’ સંસ્થા સાચવી રહ્યાં છે.

             *******

    બધા જ પ્રકારના દિવ્યાંગોને સાચવવા અઘરા છે.પણ સંવેદના અને માનવતા હજી જીવે છે અને તેઓ સચવાઈ જાય છે. ઘણી  વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગોના જીવનની પ્રત્યેક ક્ષણને લીલીછમ રાખે છે.

અમદાવાદની મેમનગર વિસ્તારમાં આવેલી નવજીવન ચેરિટેબલ સંસ્થા આવી જ એક નમૂનેદાર સંસ્થા છે. ત્રણ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં, ત્રણ માળમાં, પથરાયેલી આ સંસ્થા મનોદિવ્યાંગ બાળકોને તાલીમ અને શિક્ષણ આપીને તેનું પુનર્વસન કરે છે. સંસ્થામાં ચાલતા ડે-કેર સેન્ટરમાં 80 બાળકો છે. મંદબુદ્ધિ. અતિચંચળ (ઓટિઝમ), સેરેબ્રલ પાલ્સી કે મલ્ટી ડિસેબલ બાળકો અહીં સવારે આવે અને સાંજે ઘરે જાય. પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકને, પછી એ છોકરો હોય કે છોકરી, દરેકને અહીં પ્રવેશ અપાય છે. કુલ દસ કર્મચારીનો સ્ટાફ છે. તેમાં પાંચ શિક્ષકો છે. સંસ્થાને સરકાર અને સમાજ બંનેનો સાથ મળે છે.

         ********

    સંસ્થાની સ્થાપના નીલેશભાઈ પંચાલે 1993માં કરી હતી.(ગુજરાતમાં સેવાક્ષેત્રે પંચાલબંધુઓનું મોટું પ્રદાન છે એ નોંધવું જોઈએ.)

મનોદિવ્યાંગ બાળકોને  પ્રવાસ કરાવવાનું ખૂબ જ અઘરું  અને ક્યારેક તો જોખમી હોય છે. પણ નીલેશભાઈ નોખી માટીના છે. તેઓ બાળકોને દેશમાં જ નહીં , વિદેશમાં પણ પ્રવાસ કરાવે છે. અત્યાર સુધી તેઓ બાળકોને વિદેશમાં મલેશિયા અને દુબઈ પ્રવાસે લઈ ગયા છે. થોડા સમય પહેલાં તેમણે આ બાળકોને દુબઈનો પાંચ દિવસનો પ્રવાસ કરાવ્યો.બાળકોને દુબઈ લઈ જવાનાં હતાં તો થોડા મહિનાઓ પહેલાં નીલેશભાઈ પોતે દુબઈ જઈ આવ્યા. વિવિધ એજન્સીઓને મળ્યા. ગુજરાતી સમાજના હોદ્દેદારો અને આગેવાનોને પણ મળ્યા. પહેલાં  આગોતરી તપાસ કરી પછી જ તેઓ બાળકોને દુબઈ-અબુધાબી વગેરે સ્થળોએ લઈ ગયા. એ પ્રવાસનાં સ્મરણો વાગોળતાં નીલેશભાઈ કહે છે કે અમે પ્રથમ દિવસે વિમાન દ્વારા દુબઈ પહોંચ્યાં. બીજા દિવસે વિશ્વની સૌથે ઊંચી ઈમારત બુર્જ ખલીફાના 125મા લેવલે બાળકો પહોંચ્યાં ત્યારે ખૂબ ખુશ થયાં. બાળકોએ દુબઈ મોલ, ડાન્સિંગ  ફાઉન્ટેન, અંડરવોટર ઝૂ, અંડર વોટર એક્વેરિયમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં મનોદિવ્યાંગ બાળકોએ ક્રુઝમાં  ડિનરસહ ડાન્સની મઝા માણી. દુબઈ સિટી ઉપરાંત અબુધાબી સિટી પણ જોયું . તેમણે ડેઝર્ટ સફારીનો આનંદ પણ  લીધો.

ડાન્સ, સુંદર ઊંચી ઈમારતો, ઘાવ ક્રુઝ, ડેઝર્ટ સફારી, બુર્જ ખલીફા, મરીના બીચ, મસ્ક મસ્જિદ, અંડર વોટર ઝૂ, ટનલ, એક્વેરિયમ, ગોલ્ડ સુખ અને મીના બાજાર એ આ પ્રવાસની યાદગાર ક્ષણો કહી શકાય કે જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.

નીલેશભાઈ પંચાલ વિવિધ પ્રવૃત્તિઓથી સંસ્થાને સતત ધબકતી રાખે છે.

સંસ્થાના બાળકોને વિમાનમાં બેસાડીને મુંબઈનો પ્રવાસ કરાવે તો ટ્રેનમાં ગોવા પણ લઈ જાય અને મજા કરાવે. આ તમામ મનોદિવ્યાંગોને સજ્જ કળાકારો પણ બનાવ્યા છે. તેમની વિવિધ  કૃતિઓ મલેશિયા, હોંગકોંગ, સિંગાપોર વગેરે દેશોમાં રજૂ કરાઈ છે.

આ સંસ્થાના બાળકોએ તૈયાર કરેલી નૃત્યનાટિકા, હનુમાનચાલીસા તીર્થધામ વૈષ્ણોદેવીમાં પણ રજૂ થઈ છે. ઈનામ પણ પામી. બાળકો શિવતાંડવ અને આર્મી  ડાન્સ પન સરસ કરે છે. વિવિધ સ્થળોએ બાળકો પરફોર્મ કરી આવ્યાં છે.

સંસ્થાએ મનોદિવ્યાંગ બાળકો અને કિન્નરોની સહિયારી નૃત્ય ઉજવણી યોજી હતી.

 સંસ્થાના પરિસરમાં વિશ્વની સૌથી ઊંચી કાખઘોડી રાખવામાં આવે છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં તેની નોંધ લેવાઈ છે. તે વિશ્વની સૌથી ઊંચી કાખઘોડી છે.

બાળક મનોદિવ્યાંગ (માનસિક રીતે, દિવ્યાંગ) કેમ જન્મે તેનાં ઘણાં કારણો હોય છે. માતાને સખત વ્યસન હોય, માતા સતત તનાવમાં રહેતી હોય, માતા વધુ પ્રમાણમાં દવા લેતી હોય, પ્રસૂતિ પહેલાં કે પછી જરૂરી કાળજી ના રખાઈ હોય તો પણ બાળક નોર્મલ ના જન્મે. ગર્ભાશયમાં તેનો વિકાસ પૂરો ના થયો હોય, ડૉક્ટરથી ગંભીર ભૂલ થઈ જાય, તે ચીપિયાથી બાળકનું માથું પકડે ત્યારે જો વધારે ભીંસ અપાઈ જાય તો બાળકના મગજની કેટલીક નસો દબાઈ જાય તો પણ તે મનોદિવ્યાંગ બને !

    ડૉક્ટર પ્રસૂતિ કરાવવામાં ઉતાવળ કરે. માતાને લેબરપેઈન લાંબું ચાલે, જન્મ્યા પછી બાળક તરત રડે નહીં. બાળક જન્મે ત્યારે વધારે પડતું જાંબલીહોય…આવાં તો અનેક કારણોથી બાળક મનોદિવ્યાંગ જન્મતું કે બનતું  હોય છે.

નીલેશભાઈ એક અજબ-ગજબ કિસ્સો વર્ણવે છે.

    અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક નવજાત શિશુને પેટીમાં રખાયું હતું પેટી થોડી ખુલ્લી રહી ગઈ હશે. એક ઉંદર આવીને બાળકના માથાના પાછળના ભાગને કોતરી ગયો. દોક્ટરોએ માતાપિતાને ખબરના પડે  તેમ સર્જરી કરીને વાતને છુપાવી રાખી.

    બાળક મોટું થયું ત્યારે તેને માનસિક પ્રશ્નો થયા. તપાસ કરતાં હકીકત જાણવા મળી, ત્યારે પાંચ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં.

    એ બાળક નવજીવનમાં નવજીવન પામ્યું.

                 *******

    નીલેશભાઈ કહે છે, સમાજમાં ક્યારેય સંવેદના અને કરુણાનો ઝરો સુકાવો ના જોઈએ. આ દિવ્યાંગોને પણ આપણી જેમ જ જિંદગી જીવવાનો પૂરો હક્ક છે. આપણે તેમને તેમની મનગમતી જિંદગી જીવવામાં મદદ કરવી  જોઈએ.

    દિવસ-રાત મનોદિવ્યાંગો માટે કાર્યરત રહેતા, નવુંનવું વિચારતા, નવાં નવાં આયોજન કરતા નીલેશભાઈ અને તેમની પૂરી કાર્યદક્ષ ટીમને 11 દરિયા ભરીને અભિનંદન.

*************************************************

 સંપર્ક: નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ,

5, ઠાકોરવાસ, જોગણી મંદિરની ગલીમાં,

સર્જન ટાવર પાસે, મેમનગર ગામ, અમદાવાદ 380052

ઈ-મીએલ: nileshnavjeevan@gmail.com  

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: