‘હસે  તેનું ઘર વસે’; પણ, હસાવે એનું શું થાય? //રતિલાલ બોરીસાગર

 

 

‘હસે  તેનું ઘર વસે’; પણ, હસાવે એનું શું થાય? //રતિલાલ બોરીસાગર

(અખંડ આનંદ –ઓક્ટોબર-નવેમ્બર, 2018)

‘હસે તેનું ઘર વસે’ એવી ગુજરાતી કહેવત ઘણી જાણીતી છે. ‘જે હસે છે’ એટલે કે આનંદમાં રહે છે તેનું ઘર વસે છે એટલે કે એના ઘરમાં –કુટુંબમાં આનંદ વ્યાપી રહે છે અને એ રીતે એ કુટુંબ નાનું હોય કે મોટું, સુખી કુટુંબ કહેવાય.આવી વ્યક્તિ જો સેલ્સમેન હોય તો હાસ્યના બળે ધ્રુવપ્રદેશમાં પણ રેફ્રિજરેટર વેચી શકે છે,

આવા લોકો સારા બિઝનેસમેન, સારા મૅનેજર નીવડે છે અને એ રીતે હસનારાંઓ પૈસેટકે પણ સમૃદ્ધ થાય છે. પણ કેટલાક મનુષ્યો હસાવે છે—આવા મનુષ્યોનું શું થાય છે એ જાણવાનું કુતૂહલ ઘણા લોકોને થાય છે.

મારી વાત કરું તો ‘હસે એનું ઘર વસે’

એનાથી તદ્દન ઊલટું, ‘હસાવે એનું ઘર ભાંગે’ તેવી નવી કહેવત સ્થાપવાનો યશ મને મળે તેવી સ્થિતિનું નિર્માણ મારા માટે એકથી વધુ વાર થયેલું. મારું પહેલું પુસ્તક ‘મરક મરક’ ઈ.સ.1977માં પ્રગટ થયું હતું. આ પુસ્તક એકંદરે સૌને પસંદ પડ્યું હતું. પરંતુ એમાં મારો જ્વલંત પત્નીપ્રેમ પ્રગટ કર્યો  અને એ કારણે મારો સંસાર સળગે એવી સ્થિતિ સર્જાઈ.પોતાની પત્નીને ખાનગીમાં પણ કશું કહી ન શકનારા મારા નિર્બળ પુરુષમિત્રોએ મારી વીરતા પર વારી જવાને બદલે મારી પત્નીને રીતસર ઉશ્કેરવાનું કામ કર્યું.’અમારા ભાઈ તમારી વિશે આવું એલફેલ લખે એ સારું ન કહેવાય !’ બસ પરિણામ જે આવવું જોઈએ—(ખરેખર તો ન આવવું જોઈએ) તે આવ્યું. આર્યસન્નારી આર્યપુત્રને તજી દેવા તૈયાર થઈ ગઈ. હસાવનારનું ઘર વસવાને બદલે ભાંગવાની અણી પર આવી ગયું. હસાવવાની સાથે હું ક્યારેક હસતો પણ હતો. પણ આ દુર્ઘટના પછી મારું હસવાનું સમૂળગું બંધ થઈ ગયું. મેં પત્નીને સમજાવવા પ્રયત્ન કર્યો કે ‘હે પ્રિયે ! હાસ્યરસની મારીકૃતિઓમાં જે ‘હું’ આવે છે તે ખરેખર ‘હું’ નથી, અને આ કૃતિઓમાં આવતી ‘હું’ ની પત્ની તે ‘તું’ નથી.’ પણ હાસ્યરસનું શાસ્ત્ર ભલભલા પંડિતોને પણ સમજાયું નથી, તો પત્નીને તો શે સમજાય? મારે લખવું જ નહિ એવો એણે આદેશ આપ્યો—હું નહિ લખું તો ગુજરાતી સાહિત્યમાં કશી ઊણપ નહિ રહી જાય એવા કડક વિવેચન સાથે આદેશ આપ્યો. છેવટે ‘લખું તો પણ પત્ની વિશે તો કશું જ નહિ લખું’ એવી શરતે સમાધાન થયું. ‘જે ‘હિતકર’(સ-હિત) છે તે ‘સાહિત્ય’ એવી સાહિત્યની વ્યાખ્યા કરવામાં આવી છે. પણ મારું સાહિત્ય તો મારા માટે ઘણું ‘અહિતકર’ નીવડ્યું.’

‘હસે એનું ઘર વસે’ એટલે કે હસે એ પૈસેટકે સમૃદ્ધ થાય એ માન્યતા  પણ મારા તો તદ્દન ખોટી નીવડી છે. હું દરિદ્રમાંથી સુપર દરિદ્ર થયો છું. હાસ્યરસનાં મારાં પુસ્તકો પ્રકાશક દ્વારા વેચાયાં  છે એના કરતાં વધારે મારા દ્વારા વહેંચાયાં છે. આ કારણે મારાં પુસ્તકો સતત ખરીદવાનાં થાય છે. મને ઘણી નવા પુસ્તકની રૉયલ્ટી મળે છે એના કરતાં જૂના દેવામાં ઘણો મોટો વધારો થાય છે. મને ઘણીવાર એવું થાય છે કે હું ઓચિંતો જતો રહીશ તો મારા પ્રકાશકનું શું થશે? શું થશે એટલે મારા પ્રકાશક એક ઉત્તમ હાસ્યલેખક ગુમાવશે એમ નહિ –એ એમનો મોટો દેણદાર ગુમાવશે. મારા પ્રકાશક મનુભાઈ શાહ ઘણા ભલા છે.એટલે મારાં જ પુસ્તકો ખરીદી મેં કરેલું દેણું મારા વારસદાર પાસેથી વસૂલ કરવાને બદલે એ માંડવાળ પણ કરે(આ સૂચન નથી.)હસાવવાને કારણે હું પૈસેટકે સતત ઘસાતો રહ્યો છું. પણ હસાવવાનાં પુસ્તકો પ્રકાશિત કરવાને કારણે મારા પ્રકાશકને પણ ક્દાચ ક્યારેક  પૈસેટકે ઘસાવાનો વારો આવે એ તદ્દન સંભવિત છે

હું ગંભીરતાથી કંઈક કહું છું તો સૌ હસવામાં કાઢી નાખે છે. પરંતુ હસવા માટે જે કહું છું તે ગંભીરતાથી લે છે ! મેં સંસાર માંડ્યો ત્યારથી ચીજવસ્તુઓ ઉધાર લેવી અને ઉધાર લીધી હોય એવી ચીજવસ્તુઓના પૈસા  અમુક મિત્રો પાસેથી ઉછીનાં લઈને ચૂકવવા, અને પછી તમુક મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને પેલા અમુક મિત્રોને એમનાં નાણાં પરત કરવાં—આ રીતે મારું અર્થતંત્ર  સુપેરે ચાલતું રહ્યું, ઘણાં વરસ (દેશના અર્થતંત્રની  જેમ—દેશનું અર્થતંત્ર તો કદાચ હજુય એમ જ ચાલે છે !) પણ, મારા બીજા પુસ્તક ‘આનંદલોક’  માં મારા બે લેખો છપાયા: ‘ઋણ’ અને ‘મારી નાણાકીય કારકિર્દી’ . આ લેખોએ મારા અર્થતંત્ર માટે કટોકટી ઊભી કરી.આ લેખો વાંચી મિત્રો-સ્નેહીઓ ચોંકી ગયા. કાચી પડેલી અથવા પડવાની શક્યતાવાળી કૉ-ઑપરેટિવ બૅન્કો પાસેથી પોતાની થાપણ પાછી મેળવવા ગ્રાહકો ઊંચાનીચા થાય તેમ જે મિત્રો –સ્નેહીઓ મારી પાસે પૈસા માગતા હતા તેઓ ઊંચાનીચા થયા. એ લોકો ઊંચાનીચા થાય ત્યાં સુધી મને કશો વાંધો નહોતો, પણ એ લોકોએ મને પણ

યથાશક્ય ઊંચોનીચો કર્યો. આ કારણે મારું ખાધવાળું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું. પછીની કથા ઘણી કરુણ છે. એ લખીને હું મારા (અને મિત્રોનાં પણ) હ્રદય પર પડેલાં જખમો તાજાં કરવા નથી માંગતો.

જે હસતા હશે એમના ઘર વસતાં હશે, પણ જે લોકો  હસાવે છે એમનાં ઘર પાયામાંથી થોડાં થોડાં ખસતાં હશે—અને ઘર ખસવાને કારણે, આમ પણ પહેલેથી  થોડાં ખસેલાં.એમનાં મગજ વધુ ખસતાં હશે એમ સ્વાનુભાવે કહી શકું એમ છું.

એફ/67. રતિલાલ પાર્ક,એસ.આર.રોડ,

દર્પણ છ રસ્તા, દેવકીનંદન જૈન ટેમ્પલ સામે,

નારણપુરા, અમદાવાદ—380014

મો0 9925111301

————————————————

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,193 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: