હરિરસ – Ebook

 

 

 

હરિરસ – Ebook

(હેતે હરિરસ પીજીએ)

 

પ્રકાશક:

વિનોદિની શાંતિલાલ શાહ

ગિરિરાજ – 1, અશોકનગર સોસાયટી,

મેઘાણી માર્ગ, સુરેન્દ્રનગર

 

 

 

 

 

 

 

અર્પણ

 

અમને બાળપણથી જ હરિરસનું હેતે

આચમન કરાવનાર

અમારા પિતાશ્રી

શાંતિલાલ ગિરધરલાલ શાહ

તથા

અમારા માતુશ્રી

શાંતાબેન શાંતિલાલ શાહને

સાદર વંદન સહ

પંચાળ ભૂમિના ઊંડાણના ગામડાંમાં,

માનવસેવાની સાધનામાં સ્વયં ઓગળી જઈ,

ઉજ્જવળ જીવન જીવી,

અમને પણ ઉજાળતી ગઈ તે

વહાલી પુત્રી સ્વ. સોનલનું

અમે સ્મરણ કરીએ છીએ.

વિનોદિની, ઇંદિરા—પ્રફુલ્લ, નીલા—હસમુખ

તરૂલતા—રમણીકલાલ, સુધા—દિલીપ

 

 

 

 

પરથમ પરણામ મારા

 

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે

માન્યું જેણે માટીને રતનજી;

ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા,

એવાં કાયના કીધલાં જતનજી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે

ઘરથી બતાવી જેણે શેરીજી;

બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યાં ચૌટે,

ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે,

જડ્યાં કે ન જડિયા, તોયે સાચાજી;

એકને ય કહેજો એવા સૌને ય કહેજો, જે જે

અગમ નિગમની બોલ્યા વાચાજી.

******

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો, જેણે

લીધા વિના આલિયું સરવસ્સજી;

આલ્યું ને આલશે ને પાળ્યા ને પાળશે, જ્યારે

ફરી અહીં ઊતરશે અમારો હંસજી.

રા.વિ. પાઠક ‘શેષ ’

 

 

અનુક્રમણિકા

 

ક્રમાંક ભજનનું શીર્ષક પાના નં.
1 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ 14
2 નીરખને ગગનમાં 16
3 વૈષ્ણવ જન તો 18
4 સુખ દુ:ખ મનમાં 19
5 જે ગમે જગત ગુરુ દેવ જગદીશને 21
6 મેરે તો ગિરધર ગોપાલ 23
7 સુની મૈં હરિ આવન કી આવાજ 24
8 મુખડાની માયા 25
9 જૂનું તો થયું રે 26
10 ગોવિંદો પ્રાણ અમારો 27
11 પાયોજી મૈંને રામ—રતન ધન પાયો 29
12 ઝેર તો પીધાં છે જાણી જાણી 30
13 તૂ દયાલુ, દીન હૌં 32
14 રઘુવર! તુમકો મેરી લાજ 33
15 શ્રી રામચંદ્ર કૃપાલુ 34
16 મારુત નંદન 35
17 પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ના ધરો 36
18 અખિયાં હરિ દરશન કી પ્યાસી 37
19 વૃક્ષન સે મત લે 38
20 સબસે ઊંચી પ્રેમસગાઈ 39
21 મૈયા મોરી 40
22 ભેદ ન જાણે કોઈ 42
23 મત કર મોહ તૂ 43
24 જતન સે ઓઢી ચદરિયા 44
25 મૈલી ચાદર ઓઢકે 45
26 પ્રભુજી! તુમ ચંદન 46
27 સાધો! મનકા માન ત્યાગો 47
28 કાહે રે! બન ખોજન જાઈ 48
29 નિશ્ચયના મહેલમાં… 49
30 હાટડિયે કેમ રે’વાશે? 50
31 હેતે હરિરસ પીજીએ 51
32 મૂળ રે વિનાનું 52
33 મેરુ તો ડગે પણ… 53
34 વીજળીના ચમકારે 55
35 ભક્તિ કરવી હોય જેણે 56
36 આંબો અમર છે 57
37 અજરા કાંઈ જરીયા ન જાય 58
38 હરિનો મારગ 59
39 રે શિર સાટે 60
40 ત્યાગ ન ટકે 62
41 પ્રભુ એવી દયા કર તું 64
42 જો દેખા સો રામ સરીખા 65
43 મારી નાડ તમારે હાથે 66
44 આટલો સંદેશો 67
45 પ્રભુનું નામ રસાયણ 68
46 હરિને ભજતાં 69
47 પ્રેમળ જ્યોતિ તારો દાખવી 70
48 મંગલ મંદિર ખોલો 72
49 પ્રભો! અંતરયામી 73
50 મારાં નયણાંની આળસ રે 75
51 ગુજારે જે શિરે તારે 77
52 એક જ દે ચિનગારી 80
53 અપૂર્વ અવસર 81
54 અમૂલ્ય તત્ત્વવિચાર 85
55 ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો! 87
56 જીવન અંજલિ થાજો 88
57 અંતર મમ વિકસિત કરો 89
58 સર્વ ધર્મ પ્રાર્થના 90
59 જાગો મારા આતમરામ 91
60 મમતા મરે નહીં 92
61 વનરાનું ફૂલડું 94
62 રામના રખોપાં 96
63 પગ મને ધોવા દ્યો 97
64 અમે—તમે 98
65 રાખ સદા તવ ચરણે 99
66 મૈત્રીભાવનું પવિત્ર ઝરણું 100
67 ચેત ચેત નર ચેત 102
68 જાવું છે ઋષિકેશ ધામ 104
69 રાધા-રમણ કહો 106
70 રામ ના બિસાર 107
71 ઊઠ જાગ મુસાફિર 108
72 શિખરું ઊંચા 109
73 ભજન કરે તે જીતે 110
74 આવો હો જીવણ આમના 112
75 હરિ તારા ઘટના મંદિરિયામાં 113
76 હરિ કીર્તનની હેલી 115
77 ઓ કરુણાના કરનારા 116
78 ટૂકું ને ટચ એવું નામ 117
79 ન જાણ્યું જાનકીનાથે 118

 

 

 

પ્રાસ્તાવિક

 

       અમારાં પૂજ્ય બા—બાપુજીની સ્મૃતિમાં આ ‘હરિરસ’ પ્રકાશિત કરતાં અમે તેમનું પાવન સ્મરણ કરીએ છીએ.

       બાપુજીએ ૧૯૭૩માં ૭૦ વર્ષની વયે ચિરવિદાય લીધી અને બાએ ૧૯૯૦ માં. અમે બધાં ભાઈ-બહેનો સાથે મળી બા—બાપુજીને સંભારતાં સંભારતાં અમારાં બાળપણને યાદ કરતાં હતાં. બાપુજી સવારમાં સ્નાન કરી, કિશોરલાલ મશરૂવાળાના ગીતા-ધ્વનિના ધ્યાનના શ્લોક, ગીતા માહાત્મ્ય, રુદ્રાષ્ટક, મહાકાળીની સ્તુતિ, જગદંબાની આરતી ઇત્યાદિનો મુખપાઠ કરતા. (જે પાછળ નિત્યપાઠમાં આપેલ છે.)

       આ નિત્યપાઠ અમને પાંચેય ભાઈ-બહેનોને રોજ સાંભળીને જ કંઠસ્થ થઈ ગયેલ છે.

       અમારી આંખ વહેલી ઊઘડી જાય, તો બા અમને સામાયિક કરતાં દેખાય. આ બધું યાદ કરતાં અમને વિચાર સ્ફૂર્યો કે બાપુજીની ૨૧મી પુણ્યતિથિએ એક પ્રાર્થનાસંગ્રહ પ્રસિદ્ધ કરીએ.

       બાપુજી પ્રથમ દેશી રજવાડામાં દીવાન અને ત્યાર પછી સૌરાષ્ટ્ર સરકારમાં અમલદાર. તેમનામાં પારદર્શક પ્રામાણિકતા, સચ્ચાઈ અને ભારોભાર કરુણા ભર્યાં હતાં. કોઈનું કંઈપણ ભલું કરવાની ભાવના સહજભાવે તેમના અંતરમાં રહેતી. તેમના હાથ નીચે કામ કરતાં માણસો પ્રત્યે તેઓ સદાય પ્રેમ અને સદભાવ જાળવતા. તેમના જીવનની એવી કેટલીક ઘટનાઓ છે કે જેને કારણે તેમનામાં રહેલી નીડરતા, હિંમત, અપ્રતિમ ધૈર્ય, કરુણા ઇત્યાદિ દ્રષ્ટિગોચર થાય. પરંતુ તે બધી અંગત બાબતોનો ઉલ્લેખ અહીં અસ્થાને છે.

       બાપુજી સામાન્ય જીવનવ્યવહારમાં પણ નીતિ અને સદાચારના આગ્રહી રહેતા. છેક ૧​૯૨૯ના સપ્ટેમ્બરમાં તેમણે પોતાની નોંધપોથીમાં નોંધ્યું છે:

યોગ્ય બનો, પછી કરો.’

ભલે તમે સંધ્યા કરો, સંયમ સાધો, ધોળા પહેરો કે વ્રત લ્યો. મંદિરમાં નિયમિત દર્શન કરવા જાઓ કે જાત્રા કરવા જાઓ, સંત સેવા, સત્સમાગમ કે ભક્તિ આદરો. પણ જ્યાં સુધી જીવન ઉચ્ચ અને નીતિમય નથી બનાવ્યું, અસત્યનો ત્યાગ કરી સત્યનું પાલન કરવાનું વ્રત લીધું નથી, ત્યાં સુધી ઈશ્વર દૂર જ છે.’’

       બાપુજીએ ૨૫ વર્ષની ઉંમરે તેમની નોંધપોથીમાં જે લખ્યું છે, તે જ સમગ્ર જીવનમાં તેમણે આચર્યું છે.

       અમારાં બા બે-ત્રણ ચોપડી ભણેલાં, પણ આપમેળે લખવા-વાંચવાનો મહાવરો કેળવ્યો. ઘણું વાંચે. વર્તમાનપત્રો પણ નિયમિત વાંચે. તેમના જીવનનું લક્ષ્ય પણ બીજાનું ભલું કરવું તે રહ્યું હતું. બા માં સેવા—શુશ્રૂષા કરવાની ભાવના પ્રબળ હતી. તે માટે તેઓ હંમેશાં તત્પર રહેતાં. આજુબાજુના જરૂરતમંદ લોકોને દવા આપે, પાટાપિંડી પણ કરી આપે.

       બા વિદાય થતાં પહેલાં તેમના ગરબડિયા અક્ષરોવાળી નોંધમાં સગાંવહાલાંને શું આપવું તે લખી જાય છે. જેમાં સ્નેહીઓની વહુઓને પણ યાદ કરી નાનકડી રકમ દેવાનું લખ્યું છે. નોકર-ચાકર, પટાવાળાને પણ ભૂલ્યાં નથી. તે સાથે ‘કલકત્તામાં મધર ટેરેસાને રૂ. ૧૦૦૦/- મારી રકમમાંથી મોકલજો.’ તેવું પણ લખે છે. મધર ટેરેસાનો સીધો પરિચય તેમને ક્યારેય થયો નથી, પણ સાંભળીને અને છાપાં વાંચીને મેળવ્યો છે. આમાં તેમનાં કરુણાભીના હ્રદયના દર્શન થાય છે.

અમારાં બાપુજી તથા તેમના ભાઈ-ભાંડુઓ પર અમારાં દાદા –દાદીનાં સાત્ત્વિક અને ભક્તિમય જીવનની ઘણી મોટી અસર હતી. અમારાં દાદા સંસારના સર્વ વ્યવહારથી પર, પ્રભુભક્તિમાં જ લીન. તેમનું નામ-સ્મરણ અહોનિશ ચાલતું રહેતું. અમારાં દાદીમા ભક્તિની સાથે સંસારના વ્યવહારો જાળવવામાં નિપુણ. અમારાં કાકાઓ તથા ફઈબાઓ પણ ધર્મપરાયણ.

       આ છે અમારો વારસો અને તે વહેંચવાનો મનોરથ એટલે ‘હરિરસ.’

       અમારી દીકરી સોનલ દીન-દલિતની સેવામાં જીવન ઓળઘોળ કરવાની ભાવના સાથે જોડાઈ અને અકસ્માતે નાની વયમાં જ વિદાય થઈ. તેને અમે કેમ ભૂલીએ?

       આ ‘હરિરસ’ વાંચનાર સૌના અંતરને ઉન્નત બનાવે તે ભાવના સાથે.

       સંવત ૨૦૫૦, જેઠ સુદ ૮ વિનોદિની શાહ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિશ્વ—પ્રાર્થના

 

 

ઓ સ્નેહ અને કરુણામૂર્તિ પૂજ્ય પ્રભુ!

તને નમસ્કાર હો! નમસ્કાર હો!

તું સચ્ચિદાનંદઘન છે.

તું સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે.

તું સર્વાન્તર્યામી છે.

અમને ઉદારતા, સમદર્શિતા અને સમતા આપ.

શ્રદ્ધા, ભક્તિ અને ડહાપણ આપ.

અમને આધ્યાત્મિક અંત:શક્તિ આપ, કે જેથી

અમે વાસનાઓનું દમન કરી મનોવિજેતા બનીએ.

અમને અહંકાર, કામ, લોભ અને દ્વેષથી મુક્ત કર.

અમારું હ્રદય દિવ્ય ગુણોથી ભરી દે.

બધાં જ નામ-રૂપોમાં તારું જ દર્શન કરીએ.

બધાં જ નામ-રૂપોમાં તારી જ સેવા કરીએ.

હંમેશાં તારું જ રટણ કરીએ, તારું જ સ્મરણ રહે,

તારો જ મહિમા ગાઈએ.

કેવલ તારું જ પાપનાશક નામ અમારા હોઠ પર રહે.

અમે ‘તું’ માં જ સ્થિર થઈએ.

હરિ ૐ તત્સત્

 

(1) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

 

 

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

                                                અખિલ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ ચાખ​વા,

શિવ થકી જીવ થયો એ જ આશે.

                                                અખિલ

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

                                                અખિલ

 

 

 

 

ગ્રંથે ગડબડ કરી, વાત ન ખરી કહી,

જેહને જે ગમે તેને તે પૂજે;

મન​વચનકર્મથી આપ માની લહે,

સત્ય છે એ જ મન એમ સૂઝે.

                                                અખિલ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

                                                અખિલ

 

 

 

નરસિંહ મહેતા

 

 

 

 

 

 

 

(2) નીરખને ગગનમાં

 

 

 

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?

તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે;

શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ,

અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.

                                                નીરખને

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી,

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;

જડ ને ચૈતન્ય રસ કરી જાણવો,

પકડી પ્રેમે સજીવન મૂળી.

                                                નીરખને

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં,

હેમની કોર જ્યાં નીસરે તોલે;

સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે,

સોનાનાં પારણા માંહી ઝૂલે.

                                                નીરખને

 

 

 

 

 

બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી,

અચળ ઝળકે સદા અનળ દીવો;

નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,

વણજિહ્વાએ રસ સરસ પીવો.

                                                નીરખને

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,

અરધ—ઉરધની માંહે મહાલે;

નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,

પ્રેમના તંતમાં સંત ઝાલે.

                                                નીરખને

 

 

નરસિંહ મહેતા

 

 

 

 

 

 

(3) વૈષ્ણવ જન તો તેને કહીએ

 

 

 

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;

પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

વૈષ્ણવ

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે.

વૈષ્ણવ

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

                                                વૈષ્ણવ

મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

                                                વૈષ્ણવ

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;

ભણે નરસૈંયો તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે.

                                                વૈષ્ણવ

 

નરસિંહ મહેતા

 

 

(4) સુખ દુ:ખ મનમાં ન આણીએ

 

 

 

સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.

                                                સુખ…

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી.

                                                સુખ

પાંચ પાંડવ સરખા બંધવા, જેની દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી.

                                                સુખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુ:ખ પામી.

                                                સુખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી,

દ​​શ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી.

સુખ…

 

 

 

 

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી,

તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી.

સુખ

શિવજી સરખા સતા નહીં, જેની પાર​વતી રાણી;

ભોળ​વાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી.

સુખ​

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે.

સુખ

સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;

ભાવ ટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી.

                                                સુખ

 

 

નરસિંહ મહેતા

 

 

 

 

 

(5) જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

 

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે,

ઊગરે એક ઉદ્વેગ ધરવો….

જે ગમે જગત ગુરુ…

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટ​નો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે…

જે ગમે જગત ગુરુ…

નીપજે નરથી તો કોઈ ન રહે દુ:ખી,

શત્રુ મારીને સૌ મિત્ર રાખે;

રાય ને રંક કોઈ દ્ર​ષ્ટે આવે નહીં,

ભવન પર ભવન પર છત્ર દાખે….

જે ગમે જગત ગુરુ…

 

 

 

 

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,

તેહને તે સમે તે જ પહોંચે….

જે ગમે જગત ગુરુ…

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેને પૂજે;

મન કર્મ વચનથી આપ માની લહે,

સત્ય છે એ જ મન એમ સૂઝે….

જે ગમે જગત ગુરુ…

સુખ સંસારી મિથ્યા કરી માનજો,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી નરસૈંયો એમ કહે,

જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું….

જે ગમે જગત ગુરુ…

નરસિંહ મહેતા

 

 

 

 

 

 

(6) મેરે તો ગિરધર ગોપાલ

 

 

મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ,

દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ.

મેરે…

ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ;

સાધુ સંગ બૈઠ બૈઠ, લોક-લાજ ખોઈ.

મેરે

ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ;

અંસુવન જલ સીંચ સીંચ, પ્રેમ-બેલી બોઈ.

મેરે

દધિ મથ ઘૃત કાઢી લિયો, ડાર દઈ છોઈ;

રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઈ.

મેરે

અબ તો બાત ફેલ પડી, જાણે સબ કોઈ;

‘મીરાં’ એમ લગન લાગી, હોની હોય સો હોઈ.

મેરે

 

 

 

 

 

(7) સુની મૈં હરિ આવન કી આવાજ

 

 

 

 

 

સુની મૈં હરિ આવન કી આવાજ

મહલ ચઢી જોઉં મોરી સજની

કબ આવે મહારાજ

સુની

દાદુર મોર બપૈયા બોલે, કોયલ મધુરે સાજ;

ઊગ્યો ચંદ્ર ચહુ દિશિ ચમકે, દામિની છોડે લાજ.

સુની…

ધરતી રૂપ નવાં નવાં ધરીયાં, ઈન્દ્ર મિલન કે કાજ;

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, બેગિ મિલો મહારાજ.

સુની

 

 

 

 

 

 

 

 

 

(8) મુખડાની માયા

 

 

મુખડાની માયા લાગી રે,મોહન પ્યારા!

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;

મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા!

મુખડાની…

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;

તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન પ્યારા!

મુખડાની…

 

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;

તેવા ઘેર શીદ જઈએ રે, મોહન પ્યારા!

મુખડાની

 

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;

રાંડ​વાનો નાવે વારો રે, મોહન પ્યારા!

મુખડાની

મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી,

હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા!

મુખડાની

 

 

 

 

(9) જૂનું તો થયું રે દેવળ

 

 

 

 

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;

મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;

પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું. મારો હંસલો

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;

ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. મારો હંસલો

બાઈ ‘મીરાં ’ કહે પ્રભુ ગિરિધરના ગુણ;

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો હંસલો

 

 

 

 

 

 

 

 

 

 

(10) ગોવિંદો પ્રાણ અમારો

 

 

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે.

 

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;

કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

ગોવિંદો…

રાણાજી કાગળ મોકલે રે, દેજો રાણી મીરાંને હાથ;

સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ.

ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;

રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ.

ગોવિંદો…

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;

અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ.

ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોસ;

રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ.

ગોવિંદો…

 

 

 

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;

સર્વ છોડીને મીરાં નીસર્યાં રે, જેનું માયામાં મનડું ન કાંય.

ગોવિંદો…

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ સંતોષ;

જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ.

ગોવિંદો…

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;

ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય.

ગોવિંદો…

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત હજૂર;

સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર.

ગોવિંદો…

 

 

મીરાંબાઈ

 

 

 

 

 

(11) પાયોજી મૈંને રામ—રતન ધન પાયો

 

 

પાયોજી મૈંને રામ—રતન ધન પાયો. ટેક

વસ્તુ અમોલીક દી મેરે સતગુરુ,

કિરપા કર અપનાયો.

પાયોજી મૈંને…

જનમ જનમકી પૂંજી પાઈ,

જગમેં સભી ખોવાયો,

પાયોજી મૈંને…

ખરચૈ ન ખૂટે, વાકો ચોર ન લૂટે,

દિન દિન બઢત સવાયો.

પાયોજી મૈંને…

સતકી નાવ, ખેવટિયા સતગુરુ,

ભવસાગર તર આયો.

પાયોજી મૈંને…

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

હરખ હરખ જસ ગાયો.

પાયોજી મૈંને…

 

 

મીરાંબાઈ

(12) ઝેર તો પીધાં છે જાણી જાણી

 

 

 

 

ઝેર તો પીધાં છે જાણી જાણી રે,

મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી!

નથી રે પીધાં અણજાણી રે;

મેવાડના રાણા…

કોયલ ને કાગ રાણા, એક જ રંગી રે;

કડવી છે કાગડાની વાણી રે,

મેવાડના રાણા

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;

તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,

મેવાડના રાણા

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે;

સંતોની સંગે હું લોભાણી રે,

મેવાડના રાણા…

 

 

 

 

સાધુડાના સંગ મીરાં છોડી દો;

તમને બનાવું રાજરાણી રે,

મેવાડના રાણા

સાધુડાનો સંગ રાણા નહીં છૂટે અમથી રે;

જનમોજનમની બંધાણી રે,

મેવાડના રાણા

બાઈમીરાં ’ કહે પ્રભુ ગિરિધર નાગર,

તમને ભજીને હું વેચાણી રે,

મેવાડના રાણા…

 

 

મીરાંબાઈ

 

 

 

 

 

 

 

 

 

 

 

(13) તૂ દયાલુ, દીન હૌં

 

 

તૂ દયાલુ, દીન હૌં, તૂ દાની, હૌં ભિખારી,

હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજ હારી…

તૂ દયાલુ

નાથ તૂ અનાથકો, અનાથ કૌન મોસો?

મો સમાન આરત નહીં, આરત હર તોસો…

તૂ દયાલુ

બ્રહ્મ તૂ, હૌં જીવ, તૂ ઠાકુર, હૌં ચેરો,

તાત, માત, ગુરુ, સખા તૂ, સબ વિધિ હિતુ મેરો…

તૂ દયાલુ

તોહિં મોહિં નાતે અનેક, માનીયે જો ભાવૈ,

જ્યોં ત્યોં તુલસી કૃપાલુ, ચરન શ​રન પાવૈ.

તૂ દયાલુ

 

તુલસીદાસ

 

 

 

 

 

 

(14) રઘુવર! તુમકો મેરી લાજ!

 

 

 

 

 

રઘુવર! તુમકો મેરી લાજ!

સદા સદા મૈં શરન તિહારી, તુમ બડે ગરીબ નિવાજ.

રઘુવર…

પતિત ઉધારન બિરુદ તિહારો, શ્ર​વનન​ સુની આવાજ;

હૌં તો પતિત પુરાતન કહિયે, પાર ઉતારો જહાજ.

રઘુવર…

અધ-ખંડન દુ:ખ-ભંજન જનકે, યહી તિહારો કાજ;

તુલસીદાસ પર કિરપા કરિયે ભક્તિદાન દેહુ આજ.

રઘુવર…

 

તુલસીદાસ

 

 

 

 

 

 

 

(15) શ્રી રામચંદ્ર કૃપાલુ

 

 

 

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારૂણમ્;

નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્.

શ્રી રામચંદ્ર…

કંદર્પ અગણિત અમિત છબી નવ, નીલ નીરજ સુંદરમ્;

પટ પીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ્.

શ્રી રામચંદ્ર…

ભજ દીનબંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્;

રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્.

શ્રી રામચંદ્ર…

શિર મુકુટ કુંડલ તિલક ચારૂ, ઉદાર અંગ વિભૂષણમ્ ;

આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ જિત ખર દૂષણમ્.

શ્રી રામચંદ્ર…

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમન રંજનમ્;

મમ હ્રદય કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્.

શ્રી રામચંદ્ર…

તુલસીદાસ

 

 

 

(16) મારુત નંદન

 

 

મંગલ મૂરતિ મારુત નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન…

મંગલ

પવનતનય સંતન હિતકારી,

હ્રદય બિરાજત અવધ બિહારી…

મંગલ

માતપિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભુ શુક નારદ…

મંગલ

ચરનકમલ બંદઉ સબ કાહુ,

દેહુ રામ પદ નેહુ નિબાહુ…

મંગલ

જય જય જય હનુમાન ગુસાંઈ,

કૃપા કરો ગુરુદેવકી નાઈ…

મંગલ

બંદઉ રામ લખન બૈદેહી,

યહ તુલસી કે પરમ સનેહી…

મંગલ

તુલસીદાસ

(17) પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ના ધરો

 

 

 

પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ના ધરો…

સમદર્શી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો.

પ્રભુ

એક નદિયા એક નાલ કહાવત, મૈલો હી નીર ભર્યો;

સબ મીલકે એક વરણ ભયો હૈ, સુરસરી નામ પર્યો.

પ્રભુ

એક લોહા હૈ પ્રભુપૂજામેં, એક ઘર બધિક પર્યો;

પારસ ગુણ અવગુણ નહીં દેખત, કંચન કરત ખરો.

પ્રભુ

કોઈ નહીં દૂજો ઔર આશરો, ‘સૂરદાસ’ સ​ગરો;

અબકી બેર મોહે પાર ઉતારો, નહીં પ્રન જાત ટરો.

પ્રભુ

 

 

સૂરદાસ

 

 

 

 

(18) અખિયાં હરિ દરશન કી પ્યાસી

 

 

 

 

દેખ્યો ચાહત કમલ નૈન કો, નિશદિન રહત ઉદાસી

અખિયાં

આયે ઊધો ફિર ગયે આંગન, ડારિ ગયે ગલ ફાંસી

અખિયાં

કેસરીતિલક મોતીન કી માલા, વૃંદાવનકો વાસી

અખિયાં

કાહૂકે મનકી કૌ ન જાનત, લોગન કે મન હાંસી

અખિયાં

સૂરદાસ પ્રભુ! તુમરે દરશ બિન, લૈ હો કરવત કાશી

અખિયાં

 

સૂરદાસ

 

 

 

 

 

 

 

(19) વૃક્ષન સે મત લે

 

 

વૃક્ષન સે મત લે,

મન તૂ વૃક્ષન સે મત લે.

કાટે વાકો ક્રોધ ન કરહીં,

સિંચત ન કરહી નેહ

મન તૂ વૃક્ષન સે

ધૂપ સહત અપને સિર ઉપર,

ઔર કો છાંહ કરત​;

જો વાહી કો પથ્થર ચલાવે,

તાહી કો ફલ દેત​

મન તૂ વૃક્ષન સે

ધન્ય ધન્ય રે પર ઉપકારી,

વૃથા મનુજ કી દેહ;

સૂરદાસ પ્રભુ કહાં લગિ બરનૌ,

હરિજન કી મત લે…

મન તૂ વૃક્ષન સે

સૂરદાસ

 

 

 

 

(20) સબસે ઊંચી પ્રેમસગાઈ

 

સબસે ઊંચી પ્રેમસગાઈ

દુર્યોધનકો મેવા ત્યાગો,

સાગ વિદુર ઘર પાઈ…

સબસે ઊંચી…

જૂઠે ફલ શબરી કે ખાયે,

બહુવિધિ પ્રેમ લગાઈ;

પ્રેમકે બસ નૃપ-સેવા કીન્હીં,

આપ બને હરિ નાઈ…

સબસે ઊંચી…

રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીનો,

તામેં જૂઠ ઉઠાઈ;

પ્રેમકે બસ અર્જુન-રથ હાંક્યો,

ભૂલ ગયે ઠકુરાઈ….

સબસે ઊંચી…

ઐસી પ્રીતિ બઢી વૃંદાવન,

ગોપિન નાચ નચાઈ;

સૂર ક્રૂર ઈસ લાયક નાહીં,

કહાં લગિ કરૌં બડાઈ.

સબસે ઊંચી…

સૂરદાસ

(21) મૈયા મોરી

 

 

 

 

 

મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો…

ભોર ભયે ગૈયન કે પાછે,

મધુબન મોહિં પઠાયો,

ચાર પ્રહર બંસીબટ ભટક્યો,(2)

સાંઝ પરે ઘર આયો….

મૈયા…

મૈં બાલક બહિયન કો છોટો,

છીકો કિસ​ બિધિ પાયો,

ગ્વાલ બાલ સબ બૈર પરે હૈં,

બરબસ મુખ લપટાયો…

મૈયા…

 

 

 

 

 

 

 

 

 

તું જનની મનકી અતિ ભોરી,

ઈનકે કહે પતિયાયો,

યહ લૈ અપની લકુટી કંબલિયા,

બહુત હી નાચ નચાયો…

મૈયા…

જિય તેરે કછુ ભેદ ઉપજી હૈ,

જાની પરાયો જાયો,

સૂરદાસ તબ બિહંસી જશોદા,

લૈ ઉર કંઠ લગાયો,

નૈન નીર ભરી આયો.

મૈયા

 

 

સૂરદાસ

 

 

 

 

 

(22) ભેદ ન જાણે કોઈ

 

 

ભેદ ન જાણે કોઈ

સાહેબ તેરો, ભેદ ન જાણે કોઈ!

સાબુ લે લે, પાની લે લે,

મલ મલ કાયા ધોઈ;

અંતર ઘટકો દાગ ન છૂટયો,

કૈસે નિર્મલ હોઈ?…

સાહેબ તેરો

યા ઘટ ભીતર અગન જલત હૈ,

ધૂંવા ન પરગટ હોઈ;

કે દિલ જાને અપનો,

કૈસે પ્રીતિ હોઈ?

સાહેબ તેરો

જલ બિન વેલ, વેલ બિન તુંબા,

બિન ફૂલે ફલ હોઈ,

કહત ‘કબીર ’ સુનો બાઈ સાધો,

ગુરુ બિન જ્ઞાન ન હોઈ…

સાહેબ તેરો…

 

કબીર

(23) મત કર મોહ તૂ

 

 

 

 

 

 

 

મત કર મોહ તૂ, હરિ ભજન કો માન તે,

નયન દીયે દરશન કરને કો, શ્રવણ દીયે સુન જ્ઞાન રે.

વદન દીયા હરિગુણ ગાને કો, હાથ દીયે કર દાન રે.

કહત કબીર સુનો ભાઈ સાધો, કંચન નિપજત ખાન રે.

 

 

કબીર

 

 

 

 

 

 

 

 

 

 

 

(24) જતન સે ઓઢી ચદરિયા

 

 

ઝીની ઝીની ઝીની ઝીની

બીની ચદરિયા. ધ્રુવ

કાહે કે તાના, કાહે કે ભરની,

કૌન તાર સે બીની ચદરિયા,

ઈંગલા પિંગલા તાના ભરની,

સુષમન તાર સે બીની ચદરિયા.

અષ્ટ કમલદલ ચરખા ડોલૈ,

પાંચ તત્ત્વ, ગુણ તીની ચદરિયા.

સાંઈ કો સીયત માસ દશ​ લાગે,

ઠોક ઠાક કે બીની ચદરિયા.

સો ચાદર સુર નર મુનિ ઓઢી,

ઓઢી કે મૈલી કીની ચદરિયા,

દાસ કબીર જતન સે ઓઢી,

જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા.

 

 

કબીર

 

 

(25) મૈલી ચાદર ઓઢકે

 

 

 

મૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આઉં,

હે પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાઉં.

મૈલી

તુને મુજકો જગમેં ભેજા નિર્મલ દેકર કાયા,

આકર કે સંસાર મેં મૈંને ઈસકો દાગ લગાયા,

જનમ જનમ કી મૈલી ચાદર, કૈસે દાગ છુડાઉં

મૈલી

નિર્મલ વાણી પાકર તુજસે, નામ ન તેરા ગાયા,

નયન મુંદકર હે પરમેશ્વર, કભી ન તુજકો ધ્યાયા,

મન વીણાકી તારે તૂટી, અબ ક્યા ગીત સુનાઉં…

મૈલી

ઈન પૈરો સે ચલકર તેરે મંદિર કભી ન આયા,

જહાં જહાં હો પૂજા તેરી, કભી ન શીશ ઝુકાયા,

હે હરિહર મૈં હારકે આયા, અબ ક્યા હાર ચઢાઉં

મૈલી

 

 

 

 

(26) પ્રભુજી! તુમ ચંદન

 

 

 

પ્રભુજી! તુમ ચંદન હમ પાની,

જાકી અંગ અંગ બાસ સમાની...

પ્રભુજી

પ્રભુજી, તુમ ઘનબન હમ મોરા,

જૈસે ચિતવત ચંદ્ર ચકોરા

પ્રભુજી

પ્રભુજી તુમ દીપક હમ બાતી,

જાકી જોતિ બરૈ દિન રાતી

પ્રભુજી

પ્રભુજી, તુમ મોતી હમ ધાગા,

જૈસે સોનહીં મિલત સુહાગા

પ્રભુજી

પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,

ઐસી ભક્તિ કરે રૈ દાસા…

પ્રભુજી

 

 

 

 

(27) સાધો! મનકા માન ત્યાગો

 

 

સાધો! મનકા માન ત્યાગો.

કામ-ક્રોધ, સંગત દુરજનકી તાતે, અહનિસ ભાગો.

સાધો! મનકા માન ત્યાગો…

સુખ-દુ:ખ દોનોં સમ કરી જાનૈ, ઔર માન-અપમાના;

હર્ષ-શોક તે રહે અતીતા, તીન જગતત્ત્વ પિછાના.

સાધો! મનકા માન ત્યાગો…

અસ્તુતિ-નિંદા દૌ ત્યાગે, ખોજે પદ નિરવાના;

જન નાનક કહે ખેલ કઠિન હૈ, જૌ ગુરુ—મુક જાના.

સાધો! મનકા માન ત્યાગો…

 

 

ગુરૂ નાનક

 

 

 

 

 

 

 

 

(28) કાહે રે! બન ખોજન જાઈ

 

 

 

 

 

કાહે રે! બન ખોજન જાઈ.

સર્વનિવાસી સદા અલેપાતોહી સંગ સમાઈ,

કાહે રે!…

પુષ્પ મધ્ય જ્યોં બાસ બસત હૈમુકુર માહિં જસ છાઈ

તૈસે હી હરિ બસૈં નિરંતરઘટ હી ખોજો ભાઈ,

કાહે રે!…

બાહર ભીતર એકૈ જાનૌયહ ગુરુ જ્ઞાન બતાઈ,

જન નાનક બિન આપા ચીન્હેમિટૈ ન ભ્રમકી કાઈ.

કાહે રે!…

 

 

 

 

 

 

 

 

 

 

(29) નિશ્ચયના મહેલમાં…

 

નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો,

વસે વ્રજ લાડિલો.

જેરે જાયે તે ઝાંખી પામે જી રે!

ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે,

હરિ ના મળે એકે ઠામે જી રે!

નિશ્ચયના મહેલમાં…

સત્સંગ દેશમાં ભક્તિ નગર છે રે,

પ્રેમની પોળ પૂછી જાજો રે!

વિરહતાપ પોળિયાને મળી મ્હેલે પેસજો રે,

સેવા સીડી ચઢી ભેળા થાજો રે!

નિશ્ચયના મહેલમાં…

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને,

ભેટ ભગવંતજીને કરજો રે,

હું ભાવ—પુંભાવ નોછાવર કરી રે,

શ્રી ગિરિધરવર તનો વરજો રે.

નિશ્ચયના મહેલમાં…

એરે મંડાણનું મૂળ હરિ ઇચ્છા રે,

કૃપા વિના સિદ્ધ ન થાયે રે,

શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે,

દૈવી જનો પ્રતિ દયો ગાયે રે.

નિશ્ચયના મહેલમાં…

દયારામ

 

(30) હાટડીયે કેમ રે’વાશે?

 

 

 હાટડીયે કેમ રે’વાશે ભઈ,

મારા રામની રજા નઈ.

બેસવા સારુ હાટડી કીધી, હાટડી ખડી થઈ,

તેડાં આવ્યાં શ્રીરામના, ત્યારે હાટડી પડે રઈ.

હાટડીયે

જમ જરાયલ ઢોલિયે બાંધ્યા, જરા મરણ નઈ,

દશ મસ્તક ને વીશ ભુજાળો, રાવણ ન શક્યો રઈ.

હાટડીયે…

ઊંચી મેડી ને અજબ ઝરુખા, સુખમાં રહ્યો સૂઈ,

જમ રે આવી ઝાલીયો પછેં, લા’વ ન શક્યો લઈ.

હાટડીયે

ધરમના કામમાં ઢીલ ન કરવી, વેળા જાશે વઈ,

દાસી જીવણ સત ભીમ પ્રતાપે, નામની નોબત થઈ.

હાટડીયે

 

જીવણદાસ

 

 

 

 

(31) હેતે હરિરસ પીજીએ

 

હેતે હરિરસ પીજીએ…

કઠણ ચોટ છે કાળની રેમરણ મોટેરો માર;

કંઈક રાજા ને કંઈક રાજિયાહાંરે મેલી ચાલ્યા સંસાર.

હેતે હરિરસ પીજીએ

સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઈ;

રંગ પતંગનો ઊડી જાશે રેહાં રે જેમ આકડાનું નૂર​.

હેતે હરિરસ પીજીએ

કેનાં છોરું ને કેનાં વાછરું રેકેના માય ને બાપ?

અંતકાળે જાવું એકલુંહાં રે સાથે પુણ્ય ને પાપ.

હેતે હરિરસ પીજીએ

માળી વીણે રૂડાં ફૂલડાં રે, કળીઓ કરે છે વિચાર​;

આજનો દિવસ રળિયામણો હાં રે, કાલ આપણ શિરઘાત.

હેતે હરિરસ પીજીએ

જાયા તે તો સર્વે જાશે રેકોઈ કેડે કોઈ મોર;

મરનારાંને તમે શું રે રુવોહાંરેરોનારાં ક્યાં રેનાર.

હેતે હરિરસ પીજીએ

દાસ ‘ધીરો’ રમે રંગમાં રેરમે દિવસ ને રાત;

હું ને મારું મિથ્યા કરો, હાં રે રમો હેતે પ્રભુ સંગાથ.

હેતે હરિરસ પીજીએ

ધીરો ભગત

(32) મૂળ રે વિનાનું

 

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી,

એને પડતાં ન લાગે વાર…

મૂળ રે

એને પુણ્યરૂપી રે ખાતર પૂરજો રે જી,

એ જી એનાં મૂળિયાં પોંચે પાતાળ​

મૂળ રે

એ જી એને સત્ય કેરાં જળ સીંચજો રે જી,

એ જી એની નૂરત સૂરત પાણી ધાર

મૂળ રે

એ જી એને શીલ ને સંતોષ કેરાં ફળ લાગશે રે જી,

એ જી એ તો અમર ફળ રસદાર​

મૂળ રે

એમ કહે ‘રવિરામ ગુરુ ભાણ પરતાપે

એ જી પ્રભુને ભજીને ઊતરો તમે ભવપાર…

મૂળ રે

 

રવિરામ

 

 

 

(33) મેરુ તો ડગે પણ…

 

 

 

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે પાનબાઈ,

મરને ભાંગી પડે રે બ્રહ્માંડ જી;

વિપત્તિ પડે તોયે, વણસે નહીં;

સોઈ હરિજનનાં પરમાણજી…

મેરુ

ચિત્તની તો વૃત્તિ જેની સદાય નિર્મળ,

ને કોઈની કરે નહીં આશ જી;

દાન દેવે પણ રહેવે અજાચી,

ને રાખે વચનમાં વિશ્વાસ જી…

મેરુ

હરખ ને શોકની જેને નવ આવે હેડકી,

ને આઠે પહોર રહે આનંદ જી;

નિત્ય રેવું રે સત્સંગમાં,

ને તોડે મોહમાયા કેરા ફંદ જી…

મેરુ…

 

 

 

 

 

તન મન ધન જેણે ગુરુજીને અરપ્યાં,

તે નામ નિજારી નર ને નારજી;

એકાંતે બેસીને અલખ આરાધે તો,

તો અલખ પધારે એને દ્વાર જી…

મેરુ

સંગત કરો તો તમે એવાની કરજો,

જે ભજનમાં રહે ભરપૂર જી;

ગંગાસતી એમ બોલિયાં,

જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂર જી…

મેરુ0

 

 

ગંગાસતી

 

 

 

 

 

 

 

 

 

(34) વીજળીના ચમકારે

 

વીજળીના ચમકારે મોતી પરોવો પાનબાઈ,

 અચાનક અંધારા થાશે રે,

જોત જોતામાં દિવસો વહી ગયા પાનબાઈ,

એકવીસ હજાર છસો કાળ ખાશે રે

વીજળી

જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનબાઈ,

અધૂરિયાને નો કહેવાય રે,

આ ગુપત રસનો ખેલ છે અટપટો,

આંટી મેલો તો સમજાય રે

વીજળી

નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ,

જાણી લીયો જીવ કેરી જાત રે,

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,

બીંબે પાડી દઉં બીજી ભાત રે

વીજળી

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ,

તેનો રે દેખાડું તમને દેશ રે,

ગંગા સતી એમ બોલિયાં રે સંતો,

ત્યાં નહિ માયા લવલેશ રે…

વીજળી

 

ગંગાસતી

(35) ભક્તિ રે કરવી એણે

 

ભક્તિ રે કરવી એણે, રાંક થઈને રહેવું પાનબાઈ,

મેલવું અંતરનું અભિમાન રે,

સતગુરુ ચરણમાં શીશ નમાવીને,

કર જોડી લાગ​વું પાય​ રે.

ભક્તિ

જાતિપણું મેલીને, અજાતિ થાવું ને,

કાઢ​વો વર્ણ વિકાર રે,

જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં,

એવી રીતે રહેવું નિર્માન રે.

ભક્તિ

પારકા અવગુણ કોઈના જુએ નહીં,

એને કહીએ હરિ કેરા દાસ રે,

આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે,

એનો દ્રઢ રે કર​વો વિશ્વાસ રે.

ભક્તિ

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ,

રાખજો વચનમાં વિશ્વાસ રે,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,

હરિજન હરિ કેરા દાસ રે.

ભક્તિ

ગંગાસતી

(36) આંબો અમર છે

 

આંબો અમર છે રે, સાધુ કો’ક ભૂમિને ભાવે

આંબો

ધરા તપાસી ધરતી ખેડાવો, કાલના ગુડા કઢાવો,

સત ધરમનું બીજ લઈને, વિગત કરી વવરાવો.

આંબો

અકળ કળાથી ઘડા મંગાવો, હેતની હેલો ભરાવો,

નૂરત સૂરત દો ખડી પનિહારી, પ્રેમ કરીને પીવરાવો.

આંબો

કાચા મહોર તો કામ નહીં આવે, ફાલફૂલ ખરી જાશે,

સદગુરુ નામના ટોયા બેસારો, પરિપૂરણ પકવાવો.

આંબો

કાચા ભડદા કામ નહીં આવે, જીરવીઆ કેમ જાવે?

અલખના નૂરીજન બેઠા હજુરમાં, ખરી નીતિ શિખાવે.

આંબો

ધ્યાન ધરીને ધરા તપાસી, ભાણસાહેબ છે ભેળા,

રજ મોરારને રવિ ગુરુ મળીયા, જેણે વરતી વેળા.

આંબો

 

મોરાર સાહેબ

 

(37) અજરા કાંઈ જરીયા ન જાય

 

અજરા કંઈ જરીયા ન જાય

હો સંતો વા’લા, અજરા કાંઈ જરીયા ન જાય.

ધીરે ધીરે સાધ પીઓ હોજી

કળજુગ કાંઈ કાંટા કેરી વાડ્ય,

હે જી સંતો વા’લા, કળજુગ કાંઈ કાંટા કેરી વાડ્ય.

જોઈ જોઈ પાંવ ધરો હો જી.

તન ઘોડો મન રે અસવાર

હે જી વીરા મારા, તન ઘોડો મન રે અસવાર.

ધારણાનાં જીન ધરો હોજી

શીલ બરછી સત રે હથિયાર

સંતો વા’લા, શીલ બરછી સત રે હથિયાર.

માયલા સે યુદ્ધ કરો હો જી.

ચડવા કાંઈ મેરુ ને આસમાન

હે જી સંતો વા’લા, ચડવા કાંઈ મેરુ આસમાન.

આડા અવળા વાંક ઘણા હો જી.

બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ,

અજંપાના જાપ જપો હોજી.

 

લોકભજન

 

(38) હરિનો મારગ

 

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

 

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

 

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

 

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

 

રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા, રજનીદિન નીરખે જોને.

 

પ્રીતમદાસ

 

(39) રે શિર સાટે

 

 

 

 

રે શિર સાટે નટવરને વરીએ,

રે પાછાં તે પગલાં નવ ભરીએ.

રે શિર…

રે અંતરદ્રષ્ટિ કરી ખોળ્યું,

રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું.

રે શિર…

રે સમજ્યા વિના નવ નીસરીએ,

રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખી મરીએ.

રે શિર…

રે પ્રથમ ચડે શૂરો થઈને,

રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભૂંડું મુખ લઈને,

રે શિર…

 

 

 

 

 

 

રે પહેલું જ મનમાં ત્રેવડીએ,

રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ,

રે શિર…

રે રંગ સહિત હરિને રટીએ,

રે હાક વાગે પાછા નવ હઠીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ,

રે શિર…

 

 

 

બ્રહ્માનંદસ્વામી

 

 

 

 

 

 

 

(40) ત્યાગ ન ટકે

 

 

 

ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી;

અંતર ઊંડી ઇચ્છા રહે, કેમ કરીને તજાય જી.

ત્યાગ…

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;

ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી.

ત્યાગ…

કામ, ક્રોધ, લોભ, મોહનું, જ્યાં લગી મૂળ ન જાય જી;

સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી.

ત્યાગ…

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહારજી;

ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિય વિષય આકાર જી.

ત્યાગ

ચુંબક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગ જી;

અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી.

ત્યાગ

 

 

 

 

 

 

 

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;

વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થ જી.

ત્યાગ

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી;

ગયું ધૃત​-મહિમાખણ થકી, આપે થયું રે અશુદ્ધ જી.

ત્યાગ…

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગ જી;

નિષ્કુળાનંદ ’ એ નર તણો, વણસમજ્યો વૈરાગ જી.

ત્યાગ…

 

નિષ્કુળાનંદ

 

 

 

 

 

(41) પ્રભુ એવી દયા કર તું

 

 

પ્રભુ એવી દયા કર તું, વિષય ને વાસના છૂટે;

ત્રિધા—તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે.

પ્રભુ એવી દયા કર

પરાયા દોષ જોવાની, ન થાઓ, વૃત્તિ કે ઇચ્છા;

સૂતાં કે જાગતાં મનમાં, મલિન વિચાર ના ઊઠે.

પ્રભુ એવી દયા કર…

રહે નહીં વસ્તુની મમતા, બધામાં હો સદા સમતા;

રહે નહીં દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા તૂટે.

પ્રભુ એવી દયા કર…

વૃત્તિ ને ઇન્દ્રિયો મારી, રહે તલ્લીન તારામાં;

પ્રભુ ‘વલ્લભ’ રહી શરણે, અલૌકિક ભક્તિ-રસ લૂંટે.

પ્રભુ એવી દયા કર

સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારું;

રહુંએકતાર’ તારામાં, નહીં બીજું સ્ફૂરણ ફૂટે.

પ્રભુ એવી દયા કર

 

કવિ વલ્લભ

 

 

(42) જો દેખા સો રામ સરીખા

 

 

 

ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ

રામ બિના કછુ જાનત નાહીં.

ગુરુ

અંતર રામ, બાહિર રામ;

જહં દેખૌં તહં, રામ હી રામ.

ગુરુ

જાગત રામ, સોવત રામ;

સપને મેં દેખૌં, રાજા રામ.

ગુરુ…

એકા જનાર્દની, ભાવ હી નીકા;

જો દેખૌં સો, રામ સરીખા.

ગુરુ

 

 

ભક્ત એકા

 

 

 

 

(43) મારી નાડ તમારે હાથે

 

મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે!

મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે!

મારી નાડ…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,

મને હશે શું થાતું, નાથ નિહાળજો રે!

મારી નાડ

અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે!

મારી નાડ

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો?

મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે!

મારી નાડ

કેશવ હરિ મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે!

મારી નાડ

કેશવદાસ

 

 

 

(44) આટલો સંદેશો

 

આટલો સંદેશો, મારા ગુરુજીને કે’જો રે.

એ… સેવકના હ્રદય​માં રે’ જો હો, જી.

આટલો

સેવાને સ્મરણ અમે કોના રે કરીએ,

તેનો આદેશ અમને દેજો રે…. હો, જી.

આટલો

કાયાનું દેવળ અમને લાગે છે કાચું રે,

એ… તેની રે ભલામણ​ અમને દેજો…. હો જી.

આટલો

કાયા પડશે ને હંસ ક્યાં જઈ સમાશે રે;

એ… તે ઘર બતલાવી અમને દેજો…. હો, જી.

આટલો

અમને ને તમને વા’લા, તમને ને અમને રે,

એ…જનમો—જનમ પ્રીતિ રે’ જોહો, જી.

આટલો

બ્રહ્મસ્વરૂપ મારી નજરુંમાં આવે રે,

એ… દર્શન​દીદાર અમને દેજોહો,

આટલો

બે કર જોડીને અંબારામબોલ્યા રે,

એ… મુક્તિનો મારગ અમને કે’જો હો, જી.

આટલો

અંબારામ

(45) પ્રભુનું નામ રસાયણ

 

પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં,

તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદી જાય નહીં.

પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહીં;

નિજ વખાણ કરવાં નહીં સુણવાં, વ્યસન કશુંય કરાય નહીં.

જીવ સકલ આતમસુખ જાણી, દિલ કોઈનું દુભવાય નહીં;

પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહીં.

દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહીં;

પરનારી માતા સમ લેખી, કદી કુદ્રષ્ટિ કરાય નહીં.

હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં;

જે પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં.

કર્યું, કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહીં;

હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહીં.

જન સેવા તે પ્રભુની સેવા, એહ સમજ વીસરાય નહીં;

ઊંચ-નીચનો ભેદ પ્રભુના, મારગડામાં થાય નહીં.

નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહીં;

એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહીં.

પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહીં;

તો ‘હરિદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહીં.

હરિદાસજી

 

(46) હરિને ભજતાં

 

 

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે. ટેક

વા’લે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણ​ને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.

હરિને

વા’લે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે.

હરિને…

વા’લે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે;

પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે.

હરિને…

આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે;

કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુ:ખ હરશે રે.

હરિને

 

 

પ્રેમળદાસ

 

(47) પ્રેમળ જ્યોતિ તારો દાખવી

 

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,

મુજ જીવનપંથ ઉજાળ.

પ્રેમળ જ્યોતિ…

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાંનિજ શિશુને સંભાળ,

મારો જીવનપંથ ઉજાળ…

પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજદૂર નજર છો ન જાય;

દૂર માર્ગ જોવા લોભ લગીર નએક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય…

પ્રેમળ જ્યોતિ…

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર;

આપબળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ,

હવે માગું તુજ આધાર…

પ્રેમળ જ્યોતિ…

ભભકભર્યા તેજથી હું લોભાયોને ભય છતાં ધર્યો ગર્વ;

વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,

મારે આજ થકી નવું પર્વ…

પ્રેમળ જ્યોતિ…

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ! આજ લગી પ્રેમભેર;

નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,

દાખવી પ્રેમળ જ્યોતિની સેર…

પ્રેમળ જ્યોતિ…

કર્દમભૂમિ કળણ ભરેલીને ગિરિવર કેરી કરાડ;

ધસમસતાં જળ કેરા પ્રવાહોસર્વ વટાવી કૃપાળ,

મને પહોંચાડશે નિજ દ્વાર…

પ્રેમળ જ્યોતિ…

રજની જશે ને પ્રભાત ઊજળશેને સ્મિત કરશે પ્રેમાળ;

દિવ્યગણોનાં વદન મનોહર મારે હ્રદય વસ્યાં ચિરકાળ,

જે મેં ખોયા હતાં ક્ષણવાર…

પ્રેમળ જ્યોતિ

 

 

કાર્ડિનલ ન્યૂમેન

અનુ. નરસિંહ દિવેટિયા

 

 

 

 

 

 

(48) મંગલ મંદિર ખોલો

 

મંગલ મંદિર ખોલો દયામય!

મંગલ મંદિર ખોલો.

જીવન વન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો;

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લો, લો.

દયામય!

મંગલ મંદિર ખોલો.

નામ મધુર તમ રટ્યો નિરંતર,

શિશુ સહ પ્રેમે બોલો;

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ અમીરસ ઢોળો.

દયામય!

મંગલ મંદિર ખોલો.

 

 

નરસિંહરાવ દિવેટિયા

 

 

 

(49) પ્રભો! અંતરયામી

 

પ્રભો! અંતર્યામી, જીવન જીવના દીનશરણા,

પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;

પ્રભા, કીર્તિ, કાંતિ, ઘન વિભવ, સર્વસ્વ જનના,

નમું છું, વંદું છું, વિમલ-મુખ સ્વામી જગતના.

 

સહુ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,

મહા જ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું;

દિશાની ગુફાઓ, પૃથિવી ઊંડું આકાશ ભરતો,

પ્રભો! તે સહુથીયે પર પરમ તું દૂર ઊડતો.

 

પ્રભો! તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું જ છે,

તું સૃષ્ટિ ધારે છે સૃજન પ્રલયે નાથ તું જ છે,

અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,

અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

 

પિતા છે એકાકી, જડ સકલ ને ચેતન તણો,

ગુરુ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ઘણો,

ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,

વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

 

વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિશે વાસ વસતો,

તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો,

નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો,

નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો.

 

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા;

મહા મૃત્યુમાંથી અમૃતસમીપે નાથ! લઈ જા,

તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

 

પિતા! પેલો આઘે જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી, સકલ નદીનાં તે ગમ વહે.

વહો એવી નિત્યે, અમ જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી.

 

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું,

કૃતિ ઇંન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું,

સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું.

ક્ષમાદ્રષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી ધરું.

 

નાનાલાલ

 

(50) મારાં નયણાંની આળસ રે

 

 

 

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;

એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

 

શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં;

નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં.

 

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યાં;

નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.

 

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;

નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

 

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ સદા;

બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.

 

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની;

જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની.

 

 

સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી;

જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ’વિરાટ’ વદી.

 

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્યારે ઊઘડશે?

આવાં ઘોર અંધારાં રે, પ્રભુ ક્યારે ઊતરશે?

 

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;

નેનાં નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

 

આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;

એક મટકું તો માંડો રે, હ્રદય ભરી નીરખો હરિ.

 

 

નાનાલાલ

 

 

 

 

 

 

 

 

(51) ગુજારે જે શિરે તારે

 

 

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

 

દુનિયાની જૂઠી વાણી, વિશે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

 

કચેરી માંહી કાજીનો, નથી હિસાબ કોડીનો,

જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

 

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે,

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

 

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે,

દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહીં કહેજે!

 

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને તજી દેજે.

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

 

 

 

રહે ઉન્મત સ્વાનંદે, ખરું એ સુખ માની લે,

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

 

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે,

પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

 

અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,

ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે!

 

અહો શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તું!

અરે! તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે!

 

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે! એ કીમિયાની જે મજા છે, તે પછી કહેજે!

 

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતાવા ત્યાં નહીં કોઈ પળે જાજે!

 

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે,

જગત બાજીગરીના તું બધાં છલબલ જ​વા દેજે!

 

 

 

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે!

 

કવિ રાજા થયો, શી છે પછી પીડા તને કાંઈ?

નિજાનંદે હંમેશાં ‘બાલ’ મસ્તીમાં મજા લેજે!

 

 

બાલાશંકર કંથારિયા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(52) એક જ દે ચિનગારી

 

એક જ દે ચિનગારી, મહાનલ!

એક જ દે ચિનગારી.

મહાનલ….

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

ખરચી જિંદગી સારી,

જામગરીમાં તણખો ન પડ્યો,

ન ફળી મહેનત મારી.

મહાનલ….

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,

સળગી આભઅટારી,

ના સળગી એક સગડી મારી,

વાત વિપતની ભારી.

મહાનલ…

ઠંડીમાં મુજ કાયા થથરે,

ખૂટી ધીરજ મારી,

વિશ્વાનલ! હું અધિક ન માગું,

માગું એક ચિનગારી.

મહાનલ…

 

હરિશંકર ભટ્ટ

(53) અપૂર્વ અવસર

 

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,

ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો?

સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,

વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો?

અપૂર્વ

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,

માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;

અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,

દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો.

અપૂર્વ…

દર્શન​મોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જો,

દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;

તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,

વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

અપૂર્વ

આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,

મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;

ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,

આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

અપૂર્વ

સંયમના હેતુથી યોગ​પ્ર​વર્તના,

સ્વરૂપલક્ષે જિન​આજ્ઞા આધીન જો;

તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં

અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

અપૂર્વ

પંચ વિષયમાં રાગ​દ્વેષ વિરહિતતા,

પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;

દ્ર​વ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ​,

વણ વિચર​વું ઉદયાધીન પણ વીતલોભ જો.

અપૂર્વ

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ—સ્વભાવતા,

માન પ્રત્યે તો દીનપણાનું માન જો;

માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,

લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

અપૂર્વ

બહુ ઉપસર્ગ—કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,

વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;

દેહ જાય પણ માયા થાય ન રોમમાં,

લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

અપૂર્વ

 

 

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,

માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;

જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,

ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

અપૂર્વ

મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી,

સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ​ગુણસ્થાન જો;

અંત સમય ત્યાં સ્વરૂપ વીતરાગ થ​ઈ,

પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

અપૂર્વ

વેદનીયાદી ચાર કર્મ વર્તે જહાં,

વળી સીંદરીવત આકૃતિ માત્ર જો;

તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,

આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

અપૂર્વ

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,

પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;

શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય,

અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો.

અપૂર્વ

 

 

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,

ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;

સાદિ અનંત અનંત સમાધિ મુખમાં,

અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

અપૂર્વ

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં પણ તે શ્રી ભગ​વાન જો;

તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે,

અનુભ​વ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

અપૂર્વ…

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,

ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;

તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,

પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

અપૂર્વ

 

 

શ્રીમદ રાજચંદ્ર​

 

 

 

 

(54) અમૂલ્ય તત્ત્વવિચાર

 

 

 

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માન​વનો મળ્યો,

તોયે અરે ભવચક્રનો, આંટો નહીં એકે ટળ્યો;

સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,

ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો?

બહુ

લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધ્યું તે તો કહો,

શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નવ ગ્રહો;

વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,

એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!

બહુ

નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,

એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;

પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી,

એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત દુ:ખ તે સુખ નહીં

બહુ

 

 

 

 

 

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?

કોના સબંધે વળગણાં છે? રાખું કે એ પરિહરું?

એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,

તો સર્વ આત્મિક જ્ઞાનના, સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા…

બહુ

તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું?

નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું;

રે! ‘આત્મા તારો! આત્મા તારો!’ શીઘ્ર એને ઓળખો,

સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, મમ વચનને હ્રદયે ધરો.

બહુ

 

 

શ્રીમદ રાજચંદ્ર

 

 

 

 

 

 

(55) ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો!

 

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો;

લાવ્યો કાંઈ તાકીદના પયગામ:

ઉપાડો ડેરો રે તંબુ આત્મા,

વસુધાના વધાવો મુકામ!

ઓચિંતો

ભલે રે આવ્યો રે હરિના ખેપિયા,

ભલે લાવ્યો તાકીદના પયગામ;

આવું જો ઊભાઊભ તારી સાથમાં:

વસુધાનો વધાવું મુકામ!

ઓચિંતો

નથી કંઈ કહેવુંનથી કંઈ કારવવું,

નથી કોઈને સોંપવી સંભાળ:

ઉઘાડા જિંદગીના મારા ચોપડા;

નથી એમાં ઉકેલતાં આળ!…

ઓચિંતો

નથી કંઈ છાનુંનથી કંઈ છપનું,

બધુંયે છે જુગતે જાહેર:

આટોપું આ પળે મારી જાતરા;

હાલું તારી હારે હરિને ઘેર!

ભલે રે આવ્યો રેહરિનો ખેપિયો

 

કરસનદાસ માણેક

 

(56) જીવન અંજલિ થાજો

 

જીવન અંજલિ થાજો!

મારું જીવન અંજલિ થાજો!

ભૂખ્યાં કાજે ભોજન બનજોતરસ્યાનું જળ થાજો;

દીનદુખિયાંનાં આંસુ લોતાંઅંતર કદી ના ધરાજો!

મારું જીવન અંજલિ થાજો!

સતની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવીઅમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો!

વણથાક્યા ચરણો મારા નિત, તારી સમીપે ધાજો;

હૈયાના પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો!

મારું જીવન અંજલિ થાજો!

વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક ડોલક થાજો;

શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીયે ઓલવાજો!

મારું જીવન અંજલિ થાજો!

 

કરસનદાસ માણેક

 

 

 

 

(57) અંતર મમ વિકસિત કરો

 

 

અંતર મમ વિકસિત કરો અંતરતર હે,

નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે

અંતર

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે.

અંતર

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,

સંચાર કરો સકલ કર્મે, શાંત તોમાર છંદ.

અંતર

ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

અંતર

 

 

કવિવર ટાગોર

 

 

 

 

(58) સર્વ ધર્મ પ્રાર્થના

 

ૐ તત્સત્, શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક, સવિતા પાવક તું.

 

બ્રહ્મ મજદ તું,યહ્વ શક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું;

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.

 

વાસુદેવ ગો વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું;

અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તું.

 

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક, સવિતાપાવક તું.

 

 

વિનોબાજી

 

 

 

 

 

(59) જાગો મારા આતમરામ

 

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર,

વાયુ સૂસવે ગાંડોતૂર,

સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન!

હજીયે

સઢ સંધા ફડફડે,

દોર ધીંગા કડકડે,

હાજર સૌ ટંડેલ, એક મારાં સૂનાં છે સુકાન!

હજીયે

વહાણ રાખું નાંગરેલું,

વેપાર શી રીતે ખેડું?

સવાયાં થાશે કે જાશે મૂળગાં યે દામ!

હજીયે

હવે તો થાયે છે મોડું,

 વીનવું હું પાયે પડું,

સફળ થાશે કે ફેરો જાશે રે નકામ!

જાગો રે જાગોજી મારા આતમરામ!

 

રામનારાયણ વિ. પાઠક

(60) મમતા મરે નહીં

 

હેજી મારી મમતા મરે નહીં

એનું મારે શું રે કરવું

વાલીડો છે દીનનો દયાળ,

 મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે,

થિર નહીં થાણે રે લગાર.

મમતા

જોગીનાં સ્વરૂપ ધરીને મેં જોયું,

 પેર્યો મેં તો ભગ​વો રે ભેખ​,

એટલા જોગે રે મારું મન થિર નૈં,

 જોવો મારે જોગેસરનો દેશ.

મમતા

એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું,

 સંતો! મારે ધનનો નહીં પાર રે,

એટલા ધને રે મારું મન થિર નો થિયું,

લૂંટી ખાધો સઘળો સંસાર રે

મમતા

 

 

 

 

ગુરુ! મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું,

 સંતો! હું તો ભણ્યો વેદ ને પુરાણ રે,

એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું,

 કીધા મેં પેટને માટે પાપ રે

મમતા

એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું,

કીધો મેં તો મધદરિયે વાસ રે,

એટલા જળે રે મારું મન થિર નો થિયું,

 લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે

મમતા

કાજી રે ભૂલ્યા રે કુરાન વાંચતા,

બ્રહ્માજી ભૂલી ગયા વેદ,

કાજી રે મામદશાની વિનતિ,

સુણી લેજો ગરીબનિવાજ

મમતા

 

 

મામદશા

 

 

 

 

(61) વનરાનું ફૂલડું

 

 

 

વનરાનું હું તો સંતો ફૂલડું,

સંતો મને સાથે લઈ જાવ.    (2)

વેલ્યેથી ઉતારી હૈડે ધરો,

વાંચો મારો ભીતર કેરો ભાવ. (2)

વનરા

હે… વનરાનું હું તો સૂકું ઇંધણું,

સાધુ તમે ધૂણિયું ધખાવો.      (2)

કાયાને પ્રજાળી ઢગલો કરું,

ભભૂતિ અંગડે લગાવો.         (2)

વનરા

હે…… વનરાની હું તો કડવી તુંબડી,

સાધુ મને વાદીડો લઈ જાશે.   (2)

મારું માથડું કોરીને કરમાં ધરો,

મીઠડાં પાણીડાં જાત પાશે રે.  (2)

વનરા

 

 

 

 

 

 

હે…. કોરા રે કાગળની ચબરખી,

દેયું મોરી વાસીદે વહી જાશે રે.(2)

મારા ઉરમાં પાડી દો બે આંકડા,

તો તો એ જગમાં વંચાશે.      (2)

વનરા

હે…સુતારે ઘડેલી હું તો ચાખડી,

સાધુ તમે પગડામાં પે’રો.      (2)

ઝીલું કાંટા ને ઝીલું કાંકરા,

ફળે કાગ કેરો ફેરો.             (2)

 

દુલા કાગ

 

 

 

 

 

 

 

 

 

(62) રામના રખોપાં

 

એનાં ખેતરડાં કોઈએ નો ખવાણાં રે,

રખોપાં જેને રામનાં જી.

એના ખાંભા કોઈએથી નો ખેસવાણા,

ખોડેલા સીતારામના જી.

રખોપાં…

નાગ નીર વિખ થિયા જળે નો સંઘરીયા,

એને અંગડે આગ્યું નો અડાણું રે.

રખોપાં

બાણને ટકોરે ઊડ્યા હાથી આસમાનમાં,

ઈંડાની એક રજે નો ઓળપાણી રે.

રખોપાં

દ્રુપદસુતાના તે દી જોટ્યા રે પાલવડા,

એની લાજું તો કોઈએથી નો લોપાણી.

રખોપાં

વીખડાં પચ્યાંને રાણે તાણી તલવારું,

તાણી પણ માથે નો તોળાણી રે.

રખોપાં

દેયું અરપેલી જેણે કાગ કિરતારને,

વાલા એને લાખું વિઘન નવ લોપે.

રખોપાં

દુલા કાગ

(63) પગ મને ધોવા દ્યો

 

પગ મને ધોવા દ્યો રઘુરાય જી,

ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય.

પગ…

રામ લક્ષ્મણ જાનકી એ, તીર ગંગાને જાય જી,

નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યા ગમ ખાઈ.

પગ

રજ તમારી કામણગારી, મારી નાવ નારી બની જાય જી,

તો તો અમારા રંક જનની, આજીવિકા ટળી જાય.

પગ

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી,

અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય.

પગ

આ જગતમાં દીનદયાળુ, ગરજ કેવી ગણાય જી,

ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.

પગ

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી,

પાર ઊતરી પૂછિયું, તમે શું લેશો ઉતરાઈ?

પગ…

નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધાભાઈ જી,

કાગ’ ન માગે ખારવો કદી ખારવાની ઉતરાઈ.

પગ

દુલા કાગ

(64) અમે—તમે

 

અમે આવડા ને તમે કેવડાં

આવી કેવી કીધી જોડ

આવું અચરજ કોઈ દિ ના દીઠું.

એ… અમે રે વગડાની વાટે ધૂળ શા

નર્યાં કાંટા ને ગાર

તમે રે મહેંકતા ડોલર મોગરા(2)

નંદનવનની મોઝાર…

આવું રે

એ… અમે રે પાણીના તરસ્યા પોપટ

પળપળ અમારા પોકાર

તમે રે મીઠા જળના મેહુલા(2)

છલછલ તમારા ભંડાર…

આવું રે

એ…અમે રે વિજોગી આદિ કાળના

ભૂતળ ભમતા ભેંકાર

તમે રે સુહાગી સુંદર શામળા(2)

નયને અમૃતની ધાર…

આવું રે

 

સુંદરમ્

(65) રાખ સદા તવ ચરણે

 

રાખ સદા તવ ચરણે અમને,

રાખ સદા તવ ચરણે

મધુમય કમલ સમા તવ ચરણે…

રાખ સદા…

અમ તિમિરે તવ તેજ જગવજે,

અમ રુધિરે તવ રવ પેટવજે,

અમ અંતરમાં તવ પદ ધરજે…

રાખ સદા…

અગાધ એ આકાશ સમા તવ,

અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,

અમને આપ સકળ તવ વૈભવ…

રાખ સદા…

મધુમય કમલ સમા તવ ચરણે,

રાખ સદા તવ ચરણે.

 

સુંદરમ્

 

 

 

 

(66) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

 

 

 

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે…

મૈત્રી

ગુણથી ભરેલા ગુણીજન દેખી,

હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણકમળમાં,

મુજ જીવનનું અર્ઘ્ય રહે…

મૈત્રી

દીન ક્રૂર ને ધર્મવિહોણાં

દેખી દિલમાં દર્દ વહે,

કરુણાભીની આંખોમાંથી,

અશ્રુનો શુભ સ્ત્રોત વહે…

મૈત્રી

 

 

 

 

 

 

માર્ગ ભૂલેલા જીવનપથિકને,

માર્ગ ચીંધવા ઊભો રહું,

કરે ઉપેક્ષા એ મારગની,

તોયે સમતા ચિત્ત ધરું…

મૈત્રી

ચિત્રભાનુની ધર્મભાવના,

હૈયે સહુ માનવ લાવે,

વેર—ઝેરનાં પાપ ત્યજીને,

મંગલ ગીતો એ ગાયે…

મૈત્રી

 

 

ચિત્રભાનુ

 

 

 

 

 

 

 

(67) ચેત ચેત નર ચેત

 

 

પરલોકે સુખ પામવા, કર સારો સંકેત;

હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત!

 

જોર કરીને જીતવું, ખરે ખરું રણ ખેત;

દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત!

 

ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત;

હવે જરૂર હોશિયાર થઈ, ચેત ચેત નર ચેત!

 

તન ધન તે તારાં નથી, નથી પિયા પરણેત;

પાછળ સૌ રહેશે પડ્યાં, ચેત ચેત નર ચેત!

 

પ્રાણ જશે જ્યાં પીંડથી, પીડ ગણાશે પ્રેત;

માટીમાં માટી જશે, ચેત ચેત નર ચેત!

 

રહ્યા ન રાણા રાજિયા, સુર નર મુનિ સમેત;

તું તો તરણા તુલ્ય છે, ચેત ચેત નર ચેત!

 

 

રજકણ તારાં રખડશે, જેમ રખડતી રેત;

પછી નર તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત!

 

કાળા કેશ મટી ગયા, સર્વે બનીયા શ્વેત;

જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત!

 

માટે મનમાં સમજીને, વિચારીને કર વેત;

ક્યાંથી આવ્યો ક્યાં જવું, ચેત ચેત નર ચેત!

 

શુભ શિખામણ સમજીને, પ્રભુ સાથે કર હેત;

અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત!

 

 

 

 

 

 

 

 

 

 

 

(68) જાવું છે ઋષિકેશ ધામ

 

 

જાવું છે ઋષિકેશ ધામ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે ગંગાજીને તીર, વેલ તારી વેગે હંકારજે.

વેગે હંકારજે વીરા, વેગે દોડાવજે,

જાવું છે શિવજીને ધામ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે ગુરુજીને ધામ, વેલ તારી વેગે હંકારજે.

યમ નિયમના ઘોડા તું જોડજે, (2)

પ્રત્યાહાર કેરી લગામ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

આસનની તું બેઠક બનાવજે, (2)

પ્રાણાયામ કેરી પીઠ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

શ્રદ્ધા ને ભક્તિ તણાં પૈડાં બનાવજે, (2)

વિવેકને સોંપજે લગામ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

ધારણાને ધ્યાન તણી ગાદી બિછાવજે, (2)

દ્રઢતાથી લેજે આસન, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

 

 

કામ અને ક્રોધ તણા ડુંગરા ઓળંગજે, (2)

લેજે વૈરાગ કેરો સાથ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

લોભ અને મોહ તણાં જંગલો વટાવજે, (2)

લઈને સંતોષની સહાય, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

દંભ અને દર્પ તણી રાત્રી વિતાવજે, (2)

લઈને જ્ઞાન કેરો દીપ, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

હિંમત ના હારજે, વીરા હિંમત ના છોડજે, (2)

શિવનું દર્શન ‘ભાનુ’ ધ્યેય, વેલ તારી વેગે હંકારજે.

જાવું છે

 

 

શિવાનંદ અધ્વર્યુ

 

 

 

 

 

 

 

(69) રાધા રમણ કહો

 

જિસ હાલ મેં, જિસ દેશ મેં, જિસ વેશ મેં રહો,

રાધા રમણ, રાધા રમણ, રાધા રમણ કહો.

જિસ કામ મેં, જિસ ધામ મેં, જિસ નામ મેં રહો,

રાધા રમણ…

સંસાર મેં, પરિવાર મેં, ઘરબાર મેં રહો,

રાધા રમણ​

જિસ સંગ મેં, જિસ રંગ મેં, જિસ ઢંગ મેં રહો,

રાધા રમણ…

જિસ દેહ મેં, જિસ ગેહ મેં, જિસ સ્નેહ મેં રહો,

રાધા રમણ​

જિસ રાગ મેં, અનુરાગ મેં, વૈરાગ મેં રહો,

 રાધા રમણ​

જિસ માં મેં, સન્માન મેં, અપમાન મેં રહો,

રાધા રમણ​

જિસ યોગમેં, જિસ ભોગમેં, જિસ રોગ મેં રહો,

રાધા રમણ…

જિસ લોક મેં, પરલોક મેં, ગૌ લોક મેં,

રાધા રમણ​

જિસ હાલ મેં, જિસ દેશ મેં, જિસ વેશ મેં રહો,

રાધા રમણ…

(70) રામ ના બિસાર

 

રામ ના બિસાર બંદે, રામ ના બિસાર રે.

 

ખાલી આના, ખાલી જાના, ધનયૌવન કા ના કોઈ ઠિકાના,

ઈનમેં ન હૈ કછુ સાર બંદે, રામ ના બિસાર રે.

 

યહ દુનિયા દો દિનકા મેલા, ના કોઈ અકેલા, ના કોઈ દુકેલા,

જીવન હૈ દિન ચાર બંદે, રામ ના બિસાર રે.

 

જગ મેં ફૂલ ખીલે હૈ રંગીલે, સુંદર પ્યારે ઔર રસીલે,

મત કરના કોઈ પ્યાર બંદે, રામ ના બિસાર રે.

 

ભૂલે રાહી સુનતે જાના, જૂઠે જગ મેં ના ભરમાના,

તેરી હૈ મંઝીલ પાસ બંદે, રામ ના બિસાર રે.

 

 

 

 

 

(71) ઊઠ જાગ મુસાફિર

 

ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ,

અબ રૈન કહાં જો સોવત હૈ;

ઊઠ

જો સોવત હૈ સો ખોવત હૈ,

જો જાગત હૈ સો પાવત હૈ.

ઊઠ

ટુક નીંદ સે અખિયાં ખોલ જરા,

ઓ ગાફીલ, રબસે ધ્યાન લગા;

યહ પ્રીત કરન કી રીત નહીં,

રબ જાગત હૈ, તૂ સોવત હૈ.

ઊઠ

અય જાન, ભુગત કરની અપની,

ઓ પાપી, પાપ મેં ચૈન કહાં?

જબ પાપ કી ગઠરી સીર ધરી,

ફિર સીસ પકડ ક્યોં રોવત હૈ?

ઊઠ

જો કાલ કરે સો આજ કર લે,

જો આજ કરે સો અબ કર લે;

જબ ચિડિયન ખેતી ચુગી ડાલી,

ફિર પછતાયે ક્યા હોવત હૈ ?

ઊઠ

(72) શિખરું ઊંચા

 

શિખરું ઊંચા ને મારગ આકરા,

નહીં કોઈ સાથ કે સંગાથ,

નહીં ત્યાં કેડી કે નહીં વાટ,

ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં,

શિખરું ઊંચા ને મારગ આકરા.

લીયે એ મારગ નર કોઈ બંકડા,

છોડી આળ ને પંપાળ,

રાખી રામૈયો રખવાળ;

કાચી રે છાતીના બેસે તાકતાં,

શિખરું ઊંચા ને મારગ આકરા.

ચડે એ ઊંચેજે માંહે ડૂબતાં,

જેને આતમનો સંગાથ,

એનો ઝાલે હરિવર હાથ,

પંડને ખુવે તે પ્રીતમ પામતાં,

શિખરું ઊંચા ને મારગ આકરા.

 

 

મનસુખલાલ ઝવેરી

 

 

(73) ભજન કરે તે જીતે

 

રામ ભજતાં યૌવન ગયું ને ધન ગયું દેતાં રે દાન;

પરમારથમાં જેના પ્રાણ ગયા એ ત્રણે ગયા ના જાણ.

ભજન કરે તે જીતે રે મનવા (2)

વજન કરે તે હારે રે મનવા,

ભજન કરે તે જીતે.

તુલસીદલથી તોલ કરો તો,

બને પર્વત પરપોટો

અને હિમાલય મૂકો હેમનો

તો મેરુથી મોટો,

એઈ, આ ભારે હળવા હરિવરને(2)

મૂલવવા શી રીતે રે મનવા.

ભજન…

એક ઘડી તને માંડ મળી છે

આ જીવતરને ઘાટે,

સાચ-ખોટનાં ખાતાં પાડી

એમાં તું નહીં ખાટે,

એઈ, સહેલીશ તું સાગરમોજે કે

પડ્યો રહીશ પછીતે રે મનવા.

ભજન…

 

આવ, હવે તારા ગજ મૂકી,

વજન મૂકીને વરવાં,

નવલખ તારા નીચે બેઠો

ક્યાં ત્રાજવડે તરવા?

એઈ, ચૌદ ભુવનનો સ્વામી આવે

ચપટી ધૂળની પ્રીતે રે મનવા.

ભજન….

 

 

ગીત: મકરંદ દવે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(74) આવો હો જીવણ આમના

 

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા, આરંપાર;

આવો, રે આવો હો જીવણ, આમના.

 

અમે રે, સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ—આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર;

આવો રે, આવો હો જીવણ, આમના.

 

અમે રે ઊધઈખાધું ઈંધણું,

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડેપડ પ્રજાળો વ્હાલા વેગથી,

આપો અમને અગનના શણગાર;

આવો, રે આવો હો જીવણ, આમના.

 

મકરંદ દવે

 

(75) હરિ તારા ઘટના મંદિરિયામાં

 

 

 

હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હો જી.

હરિ હુંય એ જ ઘરનું બાળ,

તારા ઓરડાની ભાળ,

આદુનાં વિજોગી તોય આપણે,

આપણ બેની અંતરિયાળ

પડદા પડ્યા છે કિનખાબના હો જી.

 

હરિ તારે ઓરડે અગરુની ઊડે ફોરમો હો જી.

હરિ એના ધૂપનો બહાર,

આવે અહીં વાર વાર,

આખાયે વરમાંડ મહીં વ્યાપ્તા,

મારા સુખનો નહિ પાર;

કાળજે અમલ ચડે કારમો હો જી.

 

 

 

 

 

 

 

હરિ મારે પ્રાણને એકતારે ગીત ઊપડ્યાં હો જી.

હરિ મારી ભાંગીતૂટી વાણ,

આઠે પહોર એનો જાણ,

શબ્દ ઘુંમટ મહીં ગુંજતો,

એના સૂરમાં અભાન,

આયખાને અમરત લાધીયાં હો જી.

 

હરિ તારા ઓરડાનાં હજી બંધ બારણાં હો જી,

હરિ એને પડદાની આડ,

નયને તિમિરની વાડ,

ક્યારે રે મંગળ વેળ આવશે,

ધરશે તેજનો ઉઘાડ?

કાળના અવધાને માંડી ધારણા હો જી.

 

 

રાજેન્દ્ર શાહ

 

 

 

 

 

(76) હરિ કીર્તનની હેલી

 

હરિ કીર્તનની હેલી રે મનવા !

હરિ કીર્તનની હેલી.

હરિ

ધ્યાન ભજનની અરસપરસમાં લાગી તાલાવેલી,

ધામધૂમ નર્તન અર્ચનની

સતત ધૂમ મચેલી રે મનવા…

હરિ…

મારા જીવનનાં ઉપવનમાં, વિવિધ પુષ્પિત વેલી;

મારે મન તો હરિ છે ચંપો,

ને હરિનું નામ ચમેલી રે મનવા…

હરિ

નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી,

કેવી અકળ અલૌકિક લીલા,

કોઈએ નથી ઉકેલી રે મનવા…

હરિ

 

વેણીભાઈ પુરોહિત

 

 

(77) ઓ કરુણાના કરનારા

 

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી,

ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

મેં પાપ કર્યાં છે એવાં, હું ભૂલ્યો તારી સેવા,

મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,

અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા,

મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

ભલે છોરું કછોરું થાયે, તું માવતર કહેવાયે,

મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,

મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

 

છે જીવન મારું ઉદાસી, તું શરણે લે અવિનાશી,

દીનોના દુ:ખ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

(78) ટૂકું ને ટચ એવું નામ

 

 

ટૂકું ને ટચ એવું નામ, રામ રામ રામ રામ બોલો,

રામ રામ બોલો, સીતારામ બોલો;

અંતરમાં આપશે ઉજાસ

રામ

મીઠું મધુર એવું નામ, રામ રામ રામ રામ બોલો,

રામ રામ બોલો, ઘનશ્યામ રામ બોલો;

દુ:ખડાં એ કાપશે તમામ.

રામ

ટૂંકુ ટચૂકડું એ નામ, રામ રામ રામ રામ બોલો;

દામ ન બેસે લગાર.

રામ

નાનું નાનકડું એ નામ, રામ રામ રામ રામ બોલો,

નામ છે નાનું ને મહિમા છે મોટો;

અંતરમાં આપશે આરામ.

રામ

 

 

 

 

(79) ન જાણ્યું જાનકીનાથે

 

થવાનું ના થવાનું કહેનજૂમી કોણ એવો છે?

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે!

 

હતો લંકેશ બહુ બળિયોથયો બેહાલ ના જાણ્યું,

જગત સૌ દાખલા આપેસવારે શું થવાનું છે!

 

જુઓ પાંડવ અને કૌરવબહુ બળિયા ગણાયા છે,

ન જાણ્યું ભીષ્મ જેવાએસવારે શું થવાનું છે!

 

થઈ રાજા રમ્યા જૂગટુંગુમાવ્યું પત્ની સૌ સાથે,

ન જાણ્યું ધર્મ જેવાએસવારે શું થવાનું છે!

 

અરે! થઈ નારી શલ્યા, તે કહો શું વાત છાની છે?

જણાયું તે ન ગૌતમથીસવારે શું થવાનું છે!

 

સ્વરૂપે મોહિની દેખીસહુ જન દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી થઈ ભોળાસવારે શું થવાનું છે!

 

હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગૂલ,

હજારો શોચમાં છે કેસવારે શું થવાનું છે!

 

થવાનું તે થવા દેજેભલે મન મસ્ત થઈ રહેજે,

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,193 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: