શ્રી કૃષ્ણગાન​ – Ebook

શ્રી કૃષ્ણગાન​

 

ગુજરાતી સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને અર્વાચીન સાહિત્યમાંથી

શ્રીકૃષ્ણ વિષયક ર+++++++++++નાઓનો સંચય​.

 

પ્રકાશકીય​

 

 

 

 

ભૂમિકા

ગુજરાતી સંત પરંપરા અને શ્રીકૃષ્ણચરિત્ર, જન્માષ્ટમી ઉત્સ​વ દ્વારિકાના જગતમંદિરમાંથી આંખે દેખ્યો અહેવાલ​- દૂરદર્શન લાઇવ કોમેન્ટ્રી.

ડૉ. નિરંજન રાજ્યગુરુ

 

 

 

 

 

અનુક્રમણિકા
રળિયામણી ઘડી નરસિંહ મહેતા  
લાલનકી આરતી કૃષ્ણદાસ  
શિવ જોગી જશ ગાયો… સુરદાસ  
કનૈયાને માટી ખાઈ સુરદાસ  
મૈં નહીં માખન ખાયો! સુરદાસ  
જાગને જાદવા નરસિંહ મહેતા  
નહીં જાઉં રે માત લોકગીત  
વા’લો નંદ ઘેર ધેનુ ચરાવે રે ભોજા ભગત  
ભોળી રે ભરવાડણ નરસિંહ મહેતા  
૧૦ હાં રે કોઈ માધવ લ્યો મીરાંબાઈ  
૧૧ કનૈયાને વારજો લોકગીત  
૧૨ મહીડાં વલોવે કાન લોકગીત  
૧૩ રાધાકહાનનું વલોણું લોકગીત  
૧૪ કાનુડો માગ્યો દે ને મીરાંબાઈ  
૧૫ માતા રે જશોદા તમારો બેટડો કલ્યાણ ભગત  
૧૬ વા વાયા ને વાદળ ઊમટ્યાં લોકગીત  
૧૭ કાળજાનો કોર લોકગીત  
૧૮ ખમ્મા મારા નંદજીના લાલ લોકગીત  
૧૯ વનરાવન મોરલી મીરાંબાઈ  
૨૦ રૂડી ને રંગીલી રે… લોકગીત  
૨૧ હરિ વેણ વાય છે મૂળદાસ  
૨૨ ઓધવજી રે મારા ઘર પછવાડે લોકગીત  
૨૩ મોહન મોરલીવાળો દાસી જીવણ  
૨૪ મોહન મોરલી વાગી રે નરસિંહ મહેતા  
૨૫ મોરલી વેરણ થઈ રે, કાનુડા તારી દાસ સતાર  
૨૬ મેં કાનુડા તોરી ગોવાલણ નરસિંહ મહેતા  
૨૭ રૂમઝૂમ રૂમઝૂમ ગોવિંદ આવે લોકગીત  
૨૮ ગોકુળ ગામને ગોંદરે લોકગીત  
૨૯ મેહુલો ગાજે નરસિંહ મહેતા  
૩૦ માધવને મુખડે મોરલી ઉમાશંકર જોશી  
૩૧ મોરલીવાળો મકરંદ દવે  
૩૨ રંગ મોરલીએ પિનાકીન ઠાકોર  
૩૩ બંસરી ભાનુપ્રસાદ પંડ્યા  
૩૪ રાધાનું નામ સુરેશ દલાલ  
૩૫ નહીં રે આવું હેમંત દેસાઈ  
૩૬ આજ… યોસેફ મેકવાન  
૩૭ ઘેલી કરી ઘનશ્યામ ચન્દ્રા જાડેજા  
૩૮ કાનો દાણ માગે નરસિંહ મહેતા  
૩૯ નહીં આપું રે નરસિંહ મહેતા  
૪૦ ખેધે પડ્યો છે લોકગીત  
૪૧ મારગડો ૧-૨ લોકગીત  
૪૨ કાનને ઘેર્યો વનરાવન ગોપીએ લોકગીત  
૪૩ ચૂંદડીનો ચોર લોકગીત  
૪૪ નથણી ખોવાણી નરસિંહ મહેતા  
૪૫ નાગર નંદજીના લાલ! મીરાંબાઈ  
૪૬ રાધા રિસાણાં ને કાનો મનાવે લોકગીત  
૪૭ મોતીડું આવ્યું હાથ લોકગીત  
૪૮ ગોકુળ ગામનો ગારુડી મીરાંબાઈ  
૪૯ ગોપીનો સંદેશ લોકગીત  
૫૦ મારા વ્હાલાને વઢીને કે’જો રે મીઠો/ભગો ચારણ  
૫૧ જોશી રે મારા જોશ તો જુઓને… મીરાંબાઈ  
૫૨ ઓધા મંદિર આવજો… દાસી જીવણ  
૫૩ શામળિયે કરી છે ચકચૂર દાસી જીવણ  
૫૪ જો તુમ તોડો પિયા મીરાંબાઈ  
૫૫ અખિયાં હરિ દરશન કી પ્યાસી! સુરદાસ  
૫૬ દર્શન દો ઘનશ્યામ સુરદાસ  
૫૭ વ્હાલા તણો રે વિજોગ રત્નો  
૫૮ ગિરિધર! ગોકુલ આવો મનસુખલાલ ઝવેરી  
૫૯ માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવે  
૬૦ રાધાની ઝંખના જેઠાલાલ ત્રિવેદી  
૬૧ વહાલપના વેરી ના થઈએ વેણીભાઈ પુરોહિત  
૬૨ ક્યાંય ખોવાયો કાન હરીન્દ્ર દવે  
૬૩ દરશ દિયો ચન્દ્રકાન્ત દત્તાણી  
૬૪ તમે વસ્યા મથુરામાં મોહન હેમંત દેસાઈ  
૬૫ રાધા ચાલી પગલાં જોતી સુરેશ દલાલ  
૬૬ આ નભ ઝૂક્યું તે કાનજી પ્રિયકાન્ત મણિયાર  
૬૭ હો સાંવર થોરી અખિયનમેં રાજેન્દ્ર શાહ  
૬૮ હું મારા હરિવરની    
૬૯ રમતાં રમતાં આજ અમારાં… રમેશ જાની  
૭૦ સાઠ ઘડી હું… પુનશી શાહ ‘રંજનમ્’  
૭૧ સખી, વારંવાર ભાસ્કર વોરા  
૭૨ જમુનાને ઘાટ હું તો… મનોહર ત્રિવેદી  
૭૩ યમુનાનાં જળ શ્યામ મહેન્દ્ર ‘સમીર’  
૭૪ ગોકુળમાં કોક વાર આવો તો… માધવ રામાનુજ  
૭૫ કાન હવે… જયંત પાઠક  
૭૬ ગોકુળમાં કોણ હતી રાધા? ઈસુદાન ગઢવી  
૭૭ મારી ગાગર ઉતારો તો… સુરેશ દલાલ  
૭૮ મળે રાધા જો મણિલાલ દેસાઈ  
૭૯ રાધાનું ગીત રમેશ પારેખ  
૮૦ ગોપિકા ખબરદાર  
૮૧ કાના! તારી રે સુરતામાં મારે સ્હેલવાં સુધાંશુ  
૮૨ મૂરતિ માધવની મધુમતી મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’  
૮૩ એમ તો વાલમ બળવંત મહેતા  
૮૪ ઊતરી પાંપણને મોરપીંછે તે… યશવંત ત્રિવેદી  
૮૫ રસીલી લીલાથી મનસુખલાલ ઝવેરી  
૮૬ બાંધ ગઠરિયાં મૈં તો ચલી સુન્દરમ્  
૮૭ સુમિરનમેં સુખ પાયો જયંત પાઠક  
૮૮ રાણાજી, મૈં તો ઉશનસ્  
૮૯ શ્યામ રંગ… દયારામ  
૯૦ હું શું જાણું કે દયારામ  
૯૧ માઈ રી મૈં તો    
૯૨ મને ચાકર રાખો જી… મીરાંબાઈ  
૯૩      
૯૪ મુખડાની માયા લાગી રે મીરાંબાઈ  
૯૫      
૯૬ હું ને મીરાં ઇંદુલાલ ગાંધી  
૯૭ રે શિર સાટે બ્રહ્માનંદ  
૯૮ અમે જાણીએ લોકગીત  
૯૯ અબ મૈં નાચ્યો… સુરદાસ  
૧૦૦ સબસે ઊંચી પ્રેમસગાઈ સુરદાસ  
૧૦૧ ડેલીએથી પાછા મ વળજો હો, શ્યામ અનિલજોશી, રમેશ પારેખ  
૧૦૨ નિસિદિન બરસત નૈન હમારે સુરદાસ  
૧૦૩ ઊંચી મેડી નરસિંહ મહેતા  
૧૦૪ રાધા બની વિરહ વ્યાકુળ જયંત પલાણ  
૧૦૫ નિશદિન બરસત નૈન હમારે સુરદાસ  
૧૦૬ જાગો બંસીવાલે મીરાંબાઈ  
૧૦૭ વિજોગણ    
૧૦૮ ઐસી લાગી લગન મીરાંબાઈ  
૧૦૯ કાહે ન મંગલ ગાવે    
૧૧૦ દીન જનો પર…    
૧૧૧ નહીં રે વિસારું હરિ… મીરાંબાઈ  
૧૧૨ આરતી કુંજબિહારી કી…    
૧૧૩ એક શ્લોકી ભાગવત    
૧૧૪ શ્રી ચતુ:શ્લોકી ભાગવત    
૧૧૫ ભાગવતરૂપી આંબો    
૧૧૬      
૧૧૭      
૧૧૮      
૧૧૯      
૧૨૦      
૧૨૧      
૧૨૨      
૧૨૩      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(૧) રળિયામણી ઘડી

 

ધન્ય, આજની ઘડી તે રળિયામણી,

હાં રે મારો વહાલોજી પધાર્યાની વધામણી હો જી રે,

ધન્ય, આજની ઘડી તે રળિયામણી.

 

હાં રે હું તો કદલીના થંભ રોપાવતી,

હાં રે મારા વા’લાજીના મંડપ રચાવતી હો જી રે,

ધન્ય, આજની ઘડી તે રળિયામણી.

 

હાં રે પૂરે પૂરે સોહાગણ સાથિયો,

હાં રે જેમ મલપંતો આવે હરિ હાથિયો હો જી રે,

ધન્ય, આજની ઘડી તે રળિયામણી.

 

હાં રે હું તો મોતીડાંના ચોક પુરાવતી,

હાં રે મારા વા’લાજીની આરતી ઉતારતી હો જી રે,

ધન્ય, આજની ઘડી તે રળિયામણી.

 

હાં રે હું તો જાઉં શ્રી વલ્લભકુળ વારણે,

હાં રે મે’તા નરસિંહનો સ્વામી ઊભો બારણે હો જી રે,

ધન્ય, આજની ઘડી તે રળિયામણી.

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૨) લાલનકી આરતી

 

સબ આરતી ઉતારો મેરે લાલનકી,

મેરે લાલનકી મેરે બાલનકી.

સબ…

માતા યશોમતી કરત આરતી,

ગિરિધર લાલ ગોપાલનકી.

સબ…

કંસ નિકંદન જય જગવંદન,

કૃષ્ણ કૃપાળુ દયાલનકી.

સબ…

બ્રજજન મીલી સબ મંગલ ગાવત,

છબી નીરખત નંદલાલનકી.

સબ…

મોર મુગુટ પીતાંબર કુંડલ,

મુખ પર લાલી ગુલાબનકી.

સબ…

મૌતીન માલકી ઔર છટા અરૂ,

ઉપર તુલસી માલનકી.

સબ…

કૃષ્ણદાસ બલિહારી છબીપેં,

કૃષ્ણ કનૈયા લાલનકી.

સબ…

 

 

۞ કૃષ્ણદાસ ۞

(૩) શિવ જોગી જશ ગાયો…

 

શિવ જોગી જશ ગાયો રે બાવા,

મૈં જોગી જશ ગાયો રે,

 

બ્રહ્મા ગાયો, વિષ્ણુ ગાયો, ખોજત પાર ન પાયો રે…

પર બ્રહ્મ કો મુખ દેખનકું, સકળ સૃષ્ટિ ફિર આયો…

શિવ જોગી…

 

દેવકી જાયો ગોકુળ આયો, જશોમતી સુખ પાયો રે,

કૈલાસ સે એક આયો હૈ દિગંબર, આકે અલખ જગાયો.

શિવ જોગી…

 

ભિક્ષા લેકર આઈ નંદરાણી, શંકર શીશ ધુણાયો,

નગન દેખકર ગઈ ભુવનમેં, આય કે અંબર ઓઢાયો રે…

શિવ જોગી…

 

ક્યા કહું મૈયા તેરા પાટ પીતાંબર, ક્યા કરું કંચન માયા,

ચાર ખુટકો સોનો રૂપો ભર્યો, હે મેરી ઝોલી મેં દર્શન કું આયા…

શિવ જોગી…

 

હાથ જોડકે ખડી નંદરાણી, સુનો જોગી રાયો રે,

બાલકકો તન દિખાઉં દિગંબર, બાલક જાત ડરાયો રે…

શિવ જોગી…

 

 

જાકી દ્રષ્ટિ સકળ સૃષ્ટિ પર, સો ક્યું તુંને છુપાયો રે,

મેરો ઠાકોર અલખ નિરંજન, વો નહીં જાત ડરાયો રે…

શિવ જોગી…

 

બાલકૃષ્ણ લે આઈ નંદરાણી, શંકર શીશ નમાયો રે,

સેવા કરી ચરણામૃત લીનો, શ્રુંગી નાદ બજાયો રે…

શિવ જોગી….

 

સફળ ફળો માઈ બાલક તેરો, દેખ શંકર સુખ પાયો રે,

સુર કહે બડો ભાગ્ય જશોદા, પૂરણ પુન્યસે પાયો…

શિવ જોગી…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ સુરદાસ ۞

(૪) કનૈયાને માટી ખાઈ

 

મૈયા મોરી મારન આઈ!

કનૈયાને માટી ખાઈ,

મોહનાને માટી ખાઈ!

ઈતના સુનકર ચલી જશોદા

આંગન બહાર આઈ,

લે લકડી જબ મારન લાગી,

ક્યોં રે કનૈયા, તુને અંગ ભર આઈ?

કનૈયા…

હે મૈયા, તુમ બની બાવરી, મૈંને માટી ખાઈ,

બિન દેખે મોહે મારન લાગી,

કે કોઈ ગોપીને હે લગાઈ.

કનૈયા…

મુખ ખોલકર બતાવો કૃષ્ણજી,

અબ હમ માનત નાહીં,

તબ કૃષ્ણને વો મુખ ખોલા,

ચૌદા ભુવન મુખમેં માઈકો દિખાઈ!

કનૈયા…

અડસઠ તીર્થ, ગંગા—જમના

ચંદ્ર—સૂરજ મુખમાંહી,

‘સુરદાસ’ ભજ પ્રભુકી લીલા,

દેખકર જશોદા અપને મન પસ્તાઈ

કનૈયા…

 

۞ સુરદાસ ۞

(૫) મૈં નહીં માખન ખાયો!

 

ઓ મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો!

ભોર ભયે ગૈયન કે સંગમેં, મધુબન મોહે પઠાયો;

ચાર પ્રહર બંસીબટ ભટક્યો, સાંઝ પર્યે ઘર આયો,

ઓ, મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો…

 

મૈં બાલક બહિયનકો છોટો, છીકો કિસ બિધ પાયો?

ગ્વાલ બાલ સબ બૈર પરે હૈં, બરબસ મુખ લપટાયો,

ઓ મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો…

 

દેખ, તુહી શીકે માખન, ઊંચે ધરી લટકાયો;

તુહી નીરખ નન્હેં કર અપને, મૈં કેસે કરી પાયો?

ઓ મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો…

 

તૂ જનની મનકી અતિ ભોરી, ઈનકે કહે પતિયાયો,

જિય તેરે કછુ ભેદ ઉપજી હૈ, જાની પરાયો જાયો,

ઓ મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો…

 

યે લે અપની લકુટી કંબલિયાં, બહુત હી નાચ નચાયો;

સુરદાસ તબ બિહંસી જશોદા, લે ઉર કંઠ લગાયો.

“ઓ કન્હૈયા, તે નહીં માખન ખાયો.”

 

 

 

۞ સુરદાસ ۞

(૬) જાગને જાદવા

 

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,

તુજ વિના ધેનમાં કોણ જાશે?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા,

વડો રે ગોવાળિયો કોણ થાશે?

જાગને…

 

દહીં તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,

કઢિયલ દૂધ તે કોણ પીશે?

હરિ તાર્યો હાથિયો, કાળીનાગ નાથિયો,

ભૂમિનો ભાર તે કોણ લેશે?

જાગને…

 

જમુનાને તીરે, ગૌધણ ચરાવતાં,

મધુરી શી મોરલી કોણ વા’શે?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝવે,

બૂડતાં બાંવડી કોણ સહાશે?

જાગને…

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૭) નહીં જાઉં રે માત

 

નહીં જાઉં રે માત, ગાવલડી ચારવાને, જશોદા માવડી.

મને સવારમાં વે’લો ઉઠાડે, મને દહીં ને રોટલી ખવરાવે;

ગાવલડી ચારવાને, જશોદા માવડી.

 

હું વનમાં જાઉં તો વન ગાજે, મને વાઘવરુની બીક લાગે,

મને વાઘવરુની બીક લાગે, નહીં જાઉં રે માત;

ગાવલડી ચારવાને, જશોદા માવડી.

 

હું તો નીરમાં જોઉં તો નીર ગાજે, મને મગરમચ્છની બીક લાગે,

મને મગરમચ્છની બીક લાગે, નહીં જાઉં રે માત;

ગાવલડી ચારવાને, જશોદા માવડી.

 

મને વનમાં ગોવાળિયા મારે, મને ગોપીયુંની બહુ બીક લાગે,

મને ગોપીયુંની બહુ બીક લાગે, નહીં જાઉં રે માત;

ગાવલડી ચારવાને, જશોદા માવડી.

 

મને આંબલીપીપળી રમાડે, મને ભુલભુલામણીમાં ભુલાવે,

મને ભુલભુલામણીમાં ભુલાવે, નહીં જાઉં રે માત,

ગાવલડી ચારવાને, જશોદા માવડી.

 

 

 

 

۞ લોકગીત ۞

(૮) વા’લો નંદ ઘેર ધેનુ ચરાવે રે

(કીર્તન)

 

ભૂધર ભક્તિ સદા મન ભાવે રે

વા’લો રે નંદ ઘેર ધેનુ ચરાવે રે… ….ટેક

 

અકળ સ્વરૂપ અખંડ અવિનાશી તે,

ગૌધન કે સંગ આવે રે… ૧

 

કોટિ કોટિ બ્રહ્માંડ કેરો કર્તા,

તાકું જશોમતી ગોદ ખેલાવે રે… ૨

 

શુક શારદ નારદ જશ ગાવે તે,

હરિ વિનતાને હાથ વેચાવે રે… ૩

 

શિવ વિરંચી જાકો પાર ન પાવે,

તે ઉચિછષ્ટ આહીરડાનું ખાવે રે… ૪

 

શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર,

જાકુ નિગમ ‘નેતિ નેતિ’ ગાવે રે… ૫

 

ભોજો ભગત કહે ભાગ્ય જોજો,

વ્રજવાસીને લાડ લડાવે રે….

 

 

۞ ભોજા ભગત ۞

(૯) ભોળી રે ભરવાડણ

 

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી.

ભોળી રે….

 

અનાથના નાથને વેચે આહીરની નારી;

શેરીએ શેરીએ સાદ એ પાડે: લ્યો કોઈ મોરારિ.

ભોળી રે….

 

મટુકી ઉતારી, માંહે મોરલી વાગી;

વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી.

ભોળી રે….

 

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતુક એ પેખે;

ચૌદ લોકના નાથને કાંઈ, મટુકીમાં દેખે.

ભોળી રે….

 

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;

દાસલડાંને લાડ લડાવે નરસૈંયાનો સ્વામી.

ભોળી રે….

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૧૦) હાં રે કોઈ માધવ લ્યો

 

હાં રે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો;

કોઈ વેચંતી વ્રજનારી રે, હાં રે કોઈ માધવ લ્યો.

 

માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે ચાલી;

સરખે સરખી મળી સંગાથે, ગઈ વૃંદાવન વાટે.

હાં રે કોઈ માધવ લ્યો…

 

શેરીએ શેરીએ સાદ પાડે છે, “કોઈને લેવા મુરારિ?”

ગોપી ઘેલું શું બોલતી જાય, માધવ મટુકીમાં ન માય,

હાં રે કોઈ માધવ લ્યો…

 

નવ માનો તો જુઓ ઉતારી, મટુકીમાં ‘કુંજવિહારી’,

‘મીરાં’ કહે, પ્રભુ ગિરિવરધારી, ચરણ કમલ બલિહારી…

હાં રે કોઈ માધવ લ્યો….

 

 

 

 

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૧૧) કનૈયાને વારજો

 

જશોદાજી, હવે કનૈયાને વારજો,

 

માડી, હું તો જળ રે જમનાનાં પાણી ગઈ’તી,

માડી, મારાં રેઢાં તે બાર ઉઘાડિયાં,

જશોદાજી, હવે કનૈયાને વારજો…

 

માડી, મારાં સૂતાં તે બાળ જગાડિયાં,

માડી, મારાં રમતાંને રોવરાવ્યાં,

જશોદાજી, હવે કનૈયાને વારજો…

 

માડી, મારાં શીકેથી ગોરસ ઉતારિયાં,

માડી, મારાં ખાધાં ને એટલાં ઢોળ્યાં,

જશોદાજી, હવે કનૈયાને વારજો…

 

માડી, મારા ચૂલેથી દૂધ ઉતારિયાં,

માડી, મારાં પીધાં ન એટલાં ઢોળ્યાં,

જશોદાજી, હવે કનૈયાને વારજો…

 

માડી, મારા ખીલેથી વાછરું છોડિયાં,

માડી, મારા અણદોયાં અઢાવ્યાં,

જશોદાજી, હવે કનૈયાને વારજો…

 

 

۞ લોકગીત ۞

(૧૨) મહીડાં વલોવે કાન

 

માતા જશોદા, તમારા કાનને,

મહીડાં વલોવવા મેલો રે લોલ.

અમારો કાન તો નાનેરું બાળ શો,

મહીડાંની વાત શું જાણે રે લોલ.

 

માથે મુગટ ને મુખ પર મોરલી,

લટકે નેતરાં તાણે રે લોલ.

ખંભે ખંભાતી એને ખેસિયાં ને

કેડે કંદોરો હીરના રે લોલ.

 

માતા જશોદા, તમારા કાનને,

મહીડાં વલોવવા મેલો રે લોલ.

અમારો કાન તો નાનેરું બાળ શો,

મહીડાંની વાત શું જાણે રે લોલ.

 

ભાતીગળ ચૂંદડી ને ભાતીગળ ઘાઘરો,

રાધા નેતરાં તાણે રે લોલ.

કાંબિયું, કડલાં ને અણવટ વીંછિયા,

લટકે નેતરાં તાણે રે લોલ.

 

છાશપાણી તો સોકરાં ખાઈ જિયાં,

માખણ ખાશે કાન નાનો રે લોલ.

માતા જશોદા, તમારા કાનને,

મહીડાં વલોવવા મેલો રે લોલ.

 

۞ લોકગીત ۞

(૧૩) રાધાકહાનનું વલોણું

 

બાર બેડાંની મેં તો ગોળી ઉતારી,

સમદર મહીડાં પૂર્યાં રે લોલ.

 

વાસુકી નાગનાં નેતરાં કીધાં,

મેરુનો કીધો રવૈયો રે લોલ.

 

એક પાસ કાનજી કાળા વલોવે,

એક પાસ રાધિકા ગોરાં રે લોલ.

 

હળવે વલોવો કાન, ગોળી નંદાશે,

મહીડાંની રીત નો’ય આવી રે લોલ.

 

ગોળી નંદાશે, મારી ચોળી છંટાશે,

મોતીયુંની માળા તૂટશે રે લોલ.

 

એટલું કીધું ને કાન રીસાઈને ચાલ્યા,

જઈ વનરાવન વસિયા રે લોલ.

 

આવો આવોને કાન, કેડે બેસારું,

માખણ ને રોટલો આલું રે લોલ.

 

લાડવાયો હો તો કાન, લાડુ જમાડું,

ઝેણી એક ચૂંટણી ભરું રે લોલ.

 

બોરું આલીને મેં તો, ઢોરાં ચરાવ્યાં,

એવાં અમે રાધિકા ગોરાં રે લોલ.

 

۞ લોકગીત ۞

(૧૪) કાનુડો માગ્યો દે ને

 

કાનુડો માગ્યો દેને જશોદામૈયા,

કાનુડો માગ્યો દેને.

 

આજની રાત અમે રંગભર રમશું,

પ્રભાતે પાછો લે ને જશોદામૈયા…

કાનુડો માગ્યો…

 

રતિભરેય અમે ઓછું નવ કરીએ,

ત્રાજવડે તોળી તોળી લે ને જશોદામૈયા…

કાનુડો માગ્યો…

 

કડલાં, કાંબી ને અણવટ વીંછિયા,

હાર હૈડાનો લે ને જશોદામૈયા…

કાનુડો માગ્યો…

 

હસ્તી, ઘોડા ને માલ ખજાના,

મેલ્યું સજીને તમે લ્યો ને જશોદામૈયા…

કાનુડો માગ્યો…

 

બાઈ મીરાં કહે પ્રભુ, ગિરિધરના ગુણ,

ચરણકમળ ચિત્ત લે ને જશોદામૈયા…

કાનુડો માગ્યો…

 

۞ મીરાંબાઈ ۞

(૧૫) માતા રે જશોદા તમારો બેટડો

 

એજી એવાં માતા રે જશોદા તમારો બેટડો,

નટખટ નંદજીનો લાલો,

 

દુ:ખડાં દઈને દેયુંને દૂભવે,

(અમને) તોય લાગે હૈયામાં વા’લો…

એ જી એવાં…

 

એ જી માડી ગરજ રે પડે તારા ગોવિંદને,

થઈને આવે ઈ કાલો કાલો…

એ જી એવાં…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ કલ્યાણ ભગત ۞

(૧૬) વા વાયા ને વાદળ ઊમટ્યાં

 

વા વાયા ને વાદળ ઊમટ્યાં,

ગોકુળમાં ટહુક્યા મોર,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે મળવા તે ના’વો શા માટે?

તમે ના’વો તો નંદજીની આણ,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે ખંભે તે ગેડીઓ રાખંતા,

તમે ચારો છો ગામનાં ઢોર,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે કાળી તે કામળી ઓઢંતા,

તમે ભરવાડના ભાણેજ,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે ગોકુળમાં ગૌધેન ચારંતા,

તમે દેવકી–જશોદાના લાલ,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

 

તમે વનમાં તે વાંસળી વાજંતા,

તમે ગોપીઓનાં ચિતડાંના ચોર,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે વાડીનાં વાંદરા વાળંતા,

તમે તોડી ખાતા વનફૂલ,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

તમે જમનાનો આરો રોકંતા,

તમે ખોબલે ઉડાડતા નીર,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,

અમને તેડી રમાડ્યા રાસ,

મળવા આવો સુંદરવર શામળિયા…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૧૭) કાળજાનો કોર

 

કાનુડો કાળજાની કોર છે રે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

લીલી ટોપી ને માથે મોર છે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

નટખટ નાનડો, નંદજીનો લાલો,

ગોપી સંગાથે સીધોદોર છે રે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

શીર પર પાઘ અને કેસરિયા વાઘા,

માથે કળાયેલ મોર છે રે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

વનરાવનમાં વા’લો વાંસળી વગાડે,

વેણુ એની ચિત્તડાની ચોર છે રે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

માધવ મનડાનો મોર શામળિયો,

ગોપીયુંમાં રમવાના તોર છે રે,

બેની, મારો કાનુડો કાળજાની કોર છે.

 

 

۞ લોકગીત ۞

(૧૮) ખમ્મા મારા નંદજીના લાલ

 

ખમ્મા મારા નંદજીના લાલ!

મોરલી ક્યાં રે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,

સાંભળ્યો મેં મોરલીનો સાદ,

મોરલી ક્યાં રે વગાડી?…

ખમ્મા…

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,

ભૂલી ગઈ હું તો સાન ભાન,

મોરલી ક્યાં રે વગાડી?…

ખમ્મા…

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,

દીઠા મેં નંદજીના લાલ,

મોરલી ક્યાં રે વગાડી?…

ખમ્મા…

દોણું લઈને ગૌ દોહવાને બેઠી,

નેતરાં લીધાં હાથ,

મોરલી ક્યાં રે વગાડી?…

ખમ્મા…

વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,

નેતરાં લઈને હાથ,

મોરલી ક્યાં રે વગાડી?…

ખમ્મા…

 

۞ લોકગીત ۞

(૧૯) વનરાવન મોરલી

 

વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે,

એનો સૂર ગગનમાં ગાજે છે, વનરાવન મોરલી…

આણી તીરે ગંગા, વ્હાલા, ઓલે તીરે જમુના,

વચમાં ગોકુળિયું ગાજે છે…

વનરાવન મોરલી…

પીળાં પીતાંબર ને જરકસી જામો…(૨)

વા’લાને પીળો તે પટકો રાજે છે…

વનરાવન મોરલી…

કાને છે કુંડળ ને માથે છે મોડિયા…

હાં રે મુખ પર મોરલી વિરાજે છે…

વનરાવન મોરલી…

વનરાવનને મારગે રે જાતાં…(૨)

વા’લો દાણ દધિનાં માગે છે…

વનરાવન મોરલી…

શરદપૂનમનો રાસ રચ્યો છે…(૨)

તિયાં ગોપીને કાન બેય નાચે છે…

વનરાવન મોરલી…

વૃંદાવનની કુંજ ગલીમાં…(૨)

રાધા ને કૃષ્ણ બિરાજે છે…

વનરાવન મોરલી…

બાઈ ‘મીરાં’ કહે પ્રભુ ગિરધરના ગુણ…

તારાં દરશનથી દુ:ખડાં ભાગે છે…

વનરાવન મોરલી…

 

۞ મીરાંબાઈ ۞

(૨૦) રૂડી ને રંગીલી રે…

 

રૂડી ને રંગીલી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ.

 

મીઠી ને મધુરી રે, વ્હાલા, તારી મોરલી રે લોલ.

ઈ તો મારે મંદિરિયે સંભળાય જો,

કાનવર કોડીલા રે, બાયું, મારે હૈડે વસ્યા રે લોલ,

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો…

રૂડી ને રંગીલી રે…

 

સાહેલી સંગાથે રે જળ જમુનાનાં નીસર્યાં રે લોલ…

બેડાં મેલ્યાં માનસરોવર પાળ જો,

ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળમાં રે લોલ…

ઊભી નીરખું હું નંદલાલ જો…

રૂડી ને રંગીલી રે…

 

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૨૧) હરિ વેણ વાય છે

 

હરિ વેણ વાય છે રે હો વનમાં,

એનો વ્રેહ વાધ્યો મારા તનમાં…

હરિ…

 

ચટપટી ચિત્તમાં રે હો લાગી,

જીવણ જોવાને હું જાગી…

હરિ…

 

રસિયાજીને રે હો રાગે,

વ્યાકુળ કીધાં છે રે વૈરાગે…

હરિ…

 

ગત ગમ ભૂલી રે હો ગૃહની

વનમાં વાંસળી વાગી વ્રેહની…

હરિ…

 

સેંથે કાજળ રે હો સાર્યાં,

વ્રેહમાં બાળકને વિસાર્યાં…

હરિ…

 

 

ધીરજ ધરીએ રે હો ધ્યાને,

કંકણ–નૂપુર પહેર્યાં કાને…

હરિ…

પ્રીતે પરવશ રે હો કીધાં,

લજ્જા લોપી મન હરી લીધાં…

હરિ…

 

કંઈ કંઈ વાર્યા રે હો કંથે,

પિયુજીને મળવા ચાલ્યાં પંથે…

હરિ…

 

ત્રિભુવન નીરખ્યા રે હો તમને,

અંગે આનંદ વાધ્યો અમને…

હરિ…

 

વાલમ બોલ્યા રે હો વનમાં,

મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં…

હરિ…

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મૂળદાસ ۞

(૨૨) ઓધવજી રે મારા ઘર પછવાડે

 

ઓધવજી રે મારા ઘર પછવાડે

મોહન મોરલી વગાડે જો,

મોહન મોરલી વગાડે મારો વા’લો

કાનુડો બંસરી વગાડે જો…

ઓધવજી…

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,

વાંસલડી સંભળાણી જો,

તે રે દાડાની મુંને ઝપટું રે લાગી,

નેણાંની નીંદરા હરાણી જો…

ઓધવજી…

રોઈ રોઈને મારી આંખલડી રાતી,

પાંપણ ભરાણાં પાણી જો,

રો રો કરતાં મારો જીવલડો જાતો,

દુ:ખડાં દિયે છે દાડી દાડી જો…

ઓધવજી…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૨૩) મોહન મોરલીવાળો

 

કાનુડો કામણગારો રે અટારો, જમુનાજીને તીર…

મોહન મોરલીવાળો રે ધુતારો

ધુતારો…જમુનાજીને તીર…

 

જીવણ કહે જમુનાજી ઘણાં દૂર વસે, એકલડાં ન જવાય,

કોઈ બતાવો મુંને કૃષ્ણને, હે વા’લા, લળી લળી લાગું પાય રે,

ધુતારો…જમુનાજીને તીર…

 

રાધાજી પાણીડાં ચાલિયાં, એણે પહેરેલાં આછેરાં ચીર,

જમુનાજી ઘણાં રળિયામણાં, ઓલે કાને ઉડાડ્યાં નીર રે,

ધુતારો…જમુનાજીને તીર…

 

તન ચોખા, મન લાપશી, નેણાં કહું ઘીની ધાર,

જુગતે જમજો જાદવા, તમે જમજો કૃષ્ણ મોરાર,

ધુતારો…જમુનાજીને તીર…

 

જીવણ કહે, સ્વર્ગભુવનથી ઊતરજો, દલડામાં છે આશ,

દાસી જીવણ સત ભીમનાં ચરણાં, એ વ્હાલા રહી જાવ આજની રાત રે,

ધુતારો…જમુનાજીને તીર…

 

 

 

 

۞ દાસી જીવણ ۞

(૨૪) મોહન મોરલી વાગી રે

 

મોહન મોરલી વાગી રે(૨)

મોહનવરની મોહક મોરલી વાગી…ટેક

સૂતી’તી શાંત બનીને, નિદ્રામાં નાદ સુણીને,

રજનીએ ઝબકી જાગી જાગી રે…

મોહનવરની…

 

સૂનાં ઘરબાર છોડી, મોરલી સાંભળવા દોડી,

લગની વહાલાની લાગી લાગી રે…

મોહનવરની…

 

આધારે ચાલી સ્વરને, ભેટી હું ભૂધરવરને,

આ ભવની ભાવટ ભાંગી ભાંગી રે…

મોહનવરની…

 

નરસૈંયાનો સ્વામી મળિયો, મનનો મનોરથ ફળિયો,

થઈ છું હવે હું સદભાગી રે…

મોહનવરની…

 

 

 

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૨૫) મોરલી વેરણ થઈ રે, કાનુડા તારી

 

મોરલી વેરણ થઈ રે, કાનુડા તારી!

ઓ રે છબીલા તારી! મોરલી વેરણ…

 

વનરાવનની કુંજગલીમાં, નીકળી વેંચવાને મહી,

નંદનો લાલ મુંને સામો મળિયો, જોતાં હું શરમાઈ ગઈ રે,

કાનુડા તારી! મોરલી વેરણ…

 

વાલો વગાડે મીઠી મીઠી મોરલી, સાંભળતાં સૂધ ગઈ,

ઈ રે છોગાળે કામણ કીધાં, હું રે ઠગાઈ હવે ગઈ રે,

કાનુડા તારી! મોરલી વેરણ…

 

સાંવરી સૂરત, મોહની મૂરત ઉપર મોહિત થઈ,

‘દાસ સતાર’ના સ્વામી કેરી, દાસી બનીને હું તો રઈ રે…

કાનુડા તારી! મોરલી વેરણ…

 

 

 

 

 

 

 

 

 

۞ દાસ સતાર ۞

(૨૬) મેં કાનુડા તોરી ગોવાલણ

(પ્રભાતી)

 

મેં કાનુડા તોરી ગોવાલણ

મોરલીએ લલચાણી રે…

મેં કાનુડા…

 

હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે,

ગાગર ભરોસે મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે,

મેં કાનુડા…

 

ગાય ભરોસે મેં તો ગોધાને બાંધ્યો, દોહ્યાંની હું અજાણી રે,

વાછરું ભરોસે મેં છોકરાંને બાંધ્યાં, બાંધ્યાં છે બહુ તાણી રે…

મેં કાનુડા…

 

રવાઈ ભરોસે મેં ધોસરું લીધું, વલોવ્યાની હું અજાણી રે,

નેતરાં ભરોસે સાડી લીધી, દૂધમાં રેડયાં પાણી રે…

મેં કાનુડા…

 

ઘેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી હું રંગમાં રે’લી રે,

ભલે મળ્યા મે’તા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાણી રે…

મેં કાનુડા…

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૨૭) રૂમઝૂમ રૂમઝૂમ ગોવિંદ આવે

 

રૂમઝૂમ રૂમઝૂમ ગોવિંદ આવે,

હાથમાં ગેડી ને વા’લો બંસરી બજાવે,

 

ડેલીએ નો રમે વા’લો, શેરીએ નો રમે,

આંગણિયાનો રમનાર બડો રે ખેપાની…

રૂમઝૂમ…

 

પાન નો ચાવે વા’લો, એલચી નો ચાવે,

મુખવાસિયાનો કરનાર બડો રે ખેપાની…

રૂમઝૂમ…

 

પલંગ નો પોઢે વા’લો, ઘોડિયે નો પોઢે,

પારણિયાનો પોઢનાર બડો રે ખેપાની…

રૂમઝૂમ…

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૨૮) ગોકુળ ગામને ગોંદરે

 

સાહેલી મોરી રે… ગોકુળ તે ગામને ગોંદરે

મારો વા’લો વગાડે વેણ અલબેલો

છેલછબીલો કાનુડો…

સાહેલી મોરી રે…ઉતારા દેશું ઓરડા…(૨)

અમે દેશું મેડીના મોલ અલબેલો…

છેલ…

 

સાહેલી મોરી રે… નાવણ દેશું કુંડિયાં…(૨)

અમે દેશું જમુનાનાં નીર અલબેલો…

છેલ…

 

સાહેલી મોરી રે… ભોજન દેશું લાપશી…(૨)

અમે દેશું કઢિયેલાં દૂધ અલબેલો…

છેલ…

 

સાહેલી મોરી રે… પોઢણ દેશું ઢોલિયા…(૨)

અમે દેશું હિંડોળાખાટ અલબેલો…

છેલ…

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૨૯) મેહુલો ગાજે

 

મેહુલો ગાજે ને માધવ નાચે,

રૂમઝૂમ વાગે પાય ઘૂઘરડી રે;

તાલ પખાજ વગાડે રે ગોપી,

કૃષ્ણ વગાડે વેણુ વાંસલડી રે…

મેહુલો…

 

પહેરણ ચરણા ને ચીર ચૂંદલડી,

ઓઢણ આછી લોબરડી રે;

દાદુર, મોર, બપૈયા બોલે,

મધુરી શી બોલે પેલી કોયલડી રે…

મેહુલો…

 

ધન્ય બંસીવટ, ધન્ય જમુનાતટ,

ધન્ય વૃંદાવનમાં અવતાર રે;

ધન્ય નરસૈંયાની જીભલડીને,

જેણે ગાયો રાગ મલ્હાર રે…

મેહુલો…

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૩૦) માધવને મુખડે મોરલી

 

માધવને મુખડે મોરલી,

 

મહીં હૈયું રાધાનું રેલાય,

 

માધવની નીચે ઓગળી,

 

વીંધ રાધાના હૈયાનાં ત્યાંય.

 

માધવની ફૂંક જરી ફરી વળી,

 

પ્રાણ રાધાનો ત્યાં ઊભરાય.

 

ઓચિંતી અટકી મોરલી,

 

જીવ રાધાનો ત્યાં તો ટૂંપાય.

 

 

 

 

 

 

 

 

۞ ઉમાશંકર જોશી ۞

(૩૧) મોરલીવાળો

 

મને આજ સાંભરે વ્હાલો

મારો મીત મોરલીવાળો.

 

શામળી કાઠી, શીતળા છાંટી

ઘૂઘરિયાળા કેશ;

નમણા દેહમાં દીપતા રૂડા

ઘેર ઘૂમરિયા વેશ…

મને આજ…

 

ગામને ગોંદરે ગંગાજળિયો,

ઝાડવે ઢબૂરેલ;

મોરલી તાને જાય મલપતી

પનિયારીની હેલ…

મને આજ…

 

ડુંગર ઢાળું ધણ આઢે ને

પાછલી રાતનો ચંદ;

સેજમાં શીળી ભાત પડે ત્યાં

રમતા આવે છંદ…

મને આજ…

 

 

 

 

સાંજ સવારે, ગામ કે સીમે,

મનના મણિધર;

સૂરને સગડે જાય દોડ્યો, ભાઈ!

ભાન ભૂલ્યો ભીતર…

મને આજ…

 

શે’રના સેંથક રાગ સુણું ત્યાં

તોડતું બધા બંધ;

મન મારું લઈ ખડિયો ખભે,

પહાડનો લેતું પંથ…

 

મને આજ સાંભરે વ્હાલો

મારો મીત મોરલીવાળો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મકરંદ દવે ۞

(૩૨) રંગ મોરલીએ

 

રંગ મોરલીએ રે રંગ મોરલીએ.

મોરલીએ ઘેલાં કીધાં ઘનશ્યામ,

અમને ઘેલાં કીધાં, ઘનશ્યામ.

વનરા તે વનની વાટે કાનુડા,

તારી વ્રેહભરી વાંસળી વાગે;

કાંઠે કદંબની ડાળીઓ ડાળીઓ,

ઝૂરતી ઝૂરતી જાગે,

હો ઝબકી જાગ્યું ગોકુળિયું ગામ.

અમને…

જમુનાનાં નીર તે જંપે ઘડીક ના,

ઊછળી ઊછળી આવે;

ધેનુનાં ધણ તે ઊચાં થંભીને,

કોણ વેણુ તે વાઈને બોલાવે,

હો વાયરામાં વહેતું આવે તારું નામ.

અમને…

ઘેલા ગોવાળિયા ગોતી રહ્યા છે,

કાનો વેણુ વગાડે કઈ કુંજે;

વનવનમાં જનજનના હૈયે છુપાઈ છાનો,

બંસીના બોલ એવા ગુંજે,

કે ભૂલવ્યાં દેવોને દુર્લભ ધામ.

અમને ઘેલાં કીધાં ઘનશ્યામ.

 

 

۞ પિનાકીન ઠાકોર ۞

(૩૩) બંસરી

 

બંસરી કાનાનો હોઠ બની ફરકે,

કે બંસરી રાધાનું ઉર થઈ થરકે!

 

બંસરી મ્હોરી કદંબની એ ડાળે,

કે બંસરી ધેનુના કાનને પખાળે,

 

બંસરી ગ્વાલોના શ્વાસમાં સમાણી,

કે બંસરી યમુનાનું શ્યામ શ્યામ પાણી!

 

બંસરી ભણકારા મટકીને કાને,

કે બંસરી વાટલડી રાફડાને ધ્યાને,

 

બંસરી દેવકીનાં નયણાંમાં તબકી,

કે બંસરી યશોદાની નાડ થઈ ધબકી!

 

બંસરી ગોકુલની ગલીઓમાં ભટકી,

કે બંસરી મથુરાની આંખમાં ખટકી,

 

બંસરી ઝૂકી તાંદુલના દાણે,

કે બંસરીને પૃથાનો છૈયો પિછાણે!

 

બંસરી મેવાડી રાણીની વાણી,

કે બંસરી મંજીરામાંય પરખાણી!

 

۞ ભાનુપ્રસાદ પંડ્યા ۞

(૩૪) રાધાનું નામ

 

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ન મેલો ઘનશ્યામ!

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું, ઘેલું રે ગોકુળિયું ગામ!

 

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી

કે ખાલી બેડાંની કરે વાત,

લોકો કરે છે શાને દિવસ ને રાતડી

મારા મોહનની પંચાત,

 

વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે; કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ન મેલો, ઘનશ્યામ!

 

કોણે મૂક્યું રે તારે અંબોડલે ફૂલ?

એની પૂછી પૂછીને લિએ ગંધ,

વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,

જોકે હોઠોની પાંખડીઓ બંધ,

 

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી, માધવનું મધમીઠું નામ,

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ન મેલો ઘનશ્યામ!

 

 

 

 

 

۞ સુરેશ દલાલ ۞

(૩૫) નહીં રે આવું

 

સુણી મોરલીના મઘમઘતા બોલ,

હો બિહારીલાલ,

જમુનાને તીરે હવે નહીં રે આવું!

 

રાસે રમાડી, તારા નખરાળા નેહમાં,

પરવશને પલમાં ભરમાવી;

સરખી સાહેલીઓના દેખતાં ઠગારા મને

મનમાની કહીને શરમાવી;

લૂંટ્યા ઉરના ઉમંગ અણમોલ,

હો બિહારીલાલ!

જમુનાને…

વાતો સલૂણી તારી શમણાંમાં સાંભળીને,

હૈયાની હેલ છલકાતી;

જાગીને જાઉં નહીં તોય એ કદંબની,

છાયામાં સ્હેજ મલકાતી;

નથી હીંચવું એ હેતને હિંડોળે,

હો બિહારીલાલ!

જમુનાને…

સુણી મોરલીના મઘમઘતા બોલ,

હો બિહારીલાલ,

જમુનાને તીરે હવે નહીં રે આવું!

 

 

۞ હેમંત દેસાઈ ۞

(૩૬) આજ…

 

બંસીના સૂર કહાન પોતે ઘવાય!

સઘળે કદંબનાં બોલે રે પાન

કહાન

રાધા ન દેખાતી ક્યાંય…

 

આજ બંસીને સૂર કહાન પોતે ઘવાય…

 

ઊંડા અતીતમાં ડૂબકી લગાવે, એ સ્મૃતિમાંય આવે ન લેશ,

કાળની ફણા પરે બેસીને ન્યાળતો શું ગોકુળનો પલટાયો વેશ?

વૃંદાવન આખુંયે આંખમાં છવાય, તોય કીધી લીલા ન પમાય!

આજ બંસીના સૂર કહાન પોતે ઘવાય!

 

જમુનાનાં વ્હેતાં આ જળમાંથી નીસરીને, રાધાનાં રૂપ દેતાં દેખા,

કહાન સ્હેજ ઢૂંકે ને એ તો અલોપ થાય, કોણ આજ લેતું એનાં લેખાં?

પ્રીતનાં કૈં પારખાં લીધાં રાધાનાં, આજ નિજનાં શાં પારખાં લેવાય?

સઘળે કદંબનાં બોલે રે પાન, કહાન, ન રાધા દેખાતી ક્યાંય…

 

આજ બંસીના સૂર કહાન પોતે ઘવાય!

 

 

 

 

 

۞ યોસેફ મેકવાન ۞

(૩૭) ઘેલી કરી ઘનશ્યામ

 

ઘેલી કરી ઘનશ્યામ,

તેં તો મને ઘેલી કરી ઘનશ્યામ!

મોરલીનો સૂર જ્યાં અથડાતો ઉરમાં,

ગમતું નથી કાંઈ કામ,

મને ઘેલી કરી ઘનશ્યામ!

 

અરધી નીંદરમાં મને આવી જગાડતો,

તારાં જ સપનાંને તું જ તે બગાડતો,

તેં તો મને વગોવી દીધી ગામોગામ,

મને ઘેલી કરી, ઘનશ્યામ!

 

અંગે અંગે દેખાતું ગોપીનું સ્વરૂપ તને,

આંખમાં દેખાય પેલી રાધિકાનું રૂપ તને,

 

તેં તો મને ઘેલી કરી, ઘનશ્યામ!

 

 

 

 

 

 

 

 

۞ ચન્દ્રા જાડેજા ۞

(૩૮) કાનો દાણ માગે

 

કાનો દાણ માગે, ધુતારો દાણ માગે,

હાંરે એની મોરલીમાં વેણુરસ વાગે,

હાં રે એની મોરલીનાં મોહબાણ વાગે,

કાનુડો દાણ માગે…

 

હાં રે કાન, કિયા મલકનો સૂબો,

હાં રે મારા મારગ વચાળે ઊભો…

કાનુડો દાણ માગે…

 

હાં રે કાન, કિયા મલકનો તું દાણી,

હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી…

કાનુડો દાણ માગે…

 

હાં રે કાન, કિયા મલકનો રસિયો,

હાં રે મારા મારગ વચાળે વસિયો…

કાનુડો દાણ માગે…

 

હાં રે કાન, કિયા મલકનો મહેતો,

હાં રે મારા મારગ વચાળે રહેતો…

કાનુડો દાણ માગે…

 

 

 

 

 

હાં રે કાન, જળ જમનાને આરે

હાં રે એમાં કોણ જીતે ને કોણ હારે…

કાનુડો દાણ માગે…

 

હાં રે કાન, નથી સાકર નથી મેવા,

હાં રે ખાટી છશમાં શું આવ્યો લેવા….

કાનુડો દાણ માગે…

 

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ,

હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી…

કાનુડો દાણ માગે…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૩૯) નહીં આપું રે

 

નહીં આપું રે નંદજીના લાલ રે, મહીડાં મારાં રે;

હાં રે તમે વળગો ના વિઠલરાય, અમે નહીં તારાં રે…

નહીં…

 

વહાલો મારો ઊભો છે જમના તીરે રે, નેણબાણ માર્યા રે;

આવી વાગ્યાં છે રુદિયા મોઝાર, તે મને સાલ્યાં રે…

નહીં…

 

કાના કાંકરડી ના માર રે, માટ મારી ફૂટશે રે;

ફૂટે ફૂટે હો નંદજીના લાલ, મહીં મારું ઢળશે રે…

નહીં…

 

વહાલે મારે મારી છે અવળી દોટ રે, ઉતારીને લીધાં રે;

લીધાં મહી તે નંદજીના લાલ, ઉતારીને પીધાં રે…

નહીં…

 

એમ જીત્યા જાદવરાય રે, ગોપિકા હારી રે;

ભલે મળ્યો નરસૈંયાનો સાથ બાલો બ્રહ્મચારી રે…

નહીં…

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૪૦) ખેધે પડ્યો છે

 

ચંદન તલાવડી રોકી કાનુડે, ને જળ ભરવા ન દિયે;

કાનુડો મારી ખેધે પડ્યો છે…

વનમાં કા’નો દાતણ મગાવે, વનમાં દાતણ ક્યાંથી?

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

વનમાં કા’નો નાવણ મંગાવે, વનમાં નાવણ ક્યાંથી?

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

વનમાં કા’નો ભોજન મગાવે, વનમાં ભોજન ક્યાંથી?

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

વનમાં કા’નો મુખવાસ મગાવે, વનમાં મુખવાસ ક્યાંથી?

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

વનમાં કા’નો પોઢણ મગાવે, વનમાં પોઢણ ક્યાંથી?

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

ચંદન તલાવડી રોકી કાનુડે, ને જળ ભરવા ન દિયે;

કાનુડો મારી ખેધે પડ્યો છે…

ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.

 

 

 

۞ લોકગીત ۞

(૪૧) મારગડો—૧

 

અમે મૈયારાં કંસ રાજાનાં, કોઈને ન દઈએ દાણ રે

મારગડો મારો મેલી દિયોને કુંવર કાન

એ…કિયા રાજાના તમે બેટડાને,

શું છે તમારાં નામ રે…મારગડો મારો મેલી દિયોને કુંવર કાન…

એ નંદરાજાના અમે બેટડા ને, કાનો છે મારું નામ,

કાન કુંવરજી મારું નામ રે… મારગડો મારો મેલી દિયોને કુંવર કાન…

એ …દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે…

એ… દૂધ તમારાં ઢોળાઈ જાશે, તૂટશે મોતીડાંની પાળ રે…

મારગડો મારો મેલી દિયોને કુંવર કાન…

 

મારગડો–૨

 

મેલી દિયો ગિરધારી, મારગડો મારો મેલી દિયોને ગિરધારી.

ખારા સમદરમાં મીઠી એક વીરડી,

ત્યાં પાણી ભરે છે પાણિયારી,

મારગડો મારો મેલી દિયોને ગિરધારી

સાસુ ને સસરા ઘરમાં છે ભૂંડાં,

એ …મારી નણંદી છે નઠારી,

મારગડો મારો મેલી દિયોને ગિરધારી

નાનો દિયરિયો ઘરમાં છે લાડકો,

એ…મારી હાડ કાઢે છે તાણી તાણી,

મારગડો મારો મેલી દિયોને ગિરધારી

મેલી દિયોને ગિરધારી, મારગડો મારો મેલી દિયોને ગિરધારી.

 

۞ લોકગીત ۞

(૪૨) કાનને ઘેર્યો વનરાવન ગોપીએ

 

કાનને માથે મુગટ ને માથે મોળિયા;

કાનને ખંભે ખંતીલો ખેસ, કાનને ઘેર્યો વનરાવન ગોપીએ.

 

કાનને ઘેર્યો વનરાવન ગોપીએ…

કાનને બાંયે બાજુબંધ બેરખાં,

કાનને દસે આંગળિયે વેઢ, કાનને ઘેર્યો વનરાવન ગોપીએ.

 

કાનને ઘેર્યો વનરાવન ગોપીએ…

કાનને રોઝી ઘોડી ને પીળો ચાબખો,

કાનુડો તે પાતળિયો અસવાર, કાનને ઘેર્યો રે વનરાવન ગોપીએ.

 

કાનને ઘેર્યો વનરાવન ગોપીએ…

કાનને પગે રાઠોડી મોજડી,

કાનુડો ચાલે ચટકતી ચાલ, કાનને ઘેર્યો વનરાવન ગોપીએ.

 

કાનને ઘેર્યો વનરાવન ગોપીએ…

કાનને માથે મુગટ ને માથે મોળિયું,

કાનને ખભે ખંતીલો ખેસ, કાનને ઘેર્યો વનરાવન ગોપીએ.

 

કાનને ઘેર્યો વનરાવન ગોપીએ…

 

 

 

۞ લોકગીત ۞

(૪૩) ચૂંદડીનો ચોર

 

ચૂંદડીનો ચોર, મારી પાંભડીનો ચોર,

એવો નંદનો કાનુડો મારી ચૂંદડીનો ચોર.

ચૂંદડી ચોરીને કાનો, કદંબ ચડી બેઠો;

સૈયરુંમાં રમતાં અમે દૂર થકી દીઠો…

 

ચૂંદડીનો ચોર, મારી પાંભડીનો ચોર,

એવો નંદનો કાનુડો મારી ચૂંદડીનો ચોર.

કાનુડા કાળા, ન કર ચાળા, મોરલીવાળા;

અડધી રાતે મથુરામાંથી ભર્યા’તા ઉચાળા…

 

ચૂંદડીનો ચોર, મારી પાંભડીનો ચોર,

એવો નંદનો કાનુડો મારી ચૂંદડીનો ચોર.

લાખ ટકાની ચૂંદડી મારી, રૂડા કસુંબલ રંગ;

છેટો રે ને છેલછબીલા, કાનુડા કાળાં અંગ…

 

ચૂંદડીનો ચોર, મારી પાંભડીનો ચોર,

એવો નંદનો કાનુડો મારી ચૂંદડીનો ચોર.

ચૂંદડી આપો તો વા’લા, લાગું તમને પાય;

મારે જાવું મહી વેંચવા ને, સૈયરું ચાલી જાય…

 

ચૂંદડીનો ચોર, મારી પાંભડીનો ચોર,

એવો નંદનો કાનુડો મારી ચૂંદડીનો ચોર.

 

۞ લોકગીત ۞

(૪૪) નથણી ખોવાણી

 

નાગર નંદજીના લાલ! નાગર નંદજીના લાલ!

રાસ રમંતાં મારી નથણી ખોવાણી.

કાના! જડી હોય તો આલ(૨)

રાસ રમંતાં મારી નથણી ખોવાણી…

એક એક મોતી વચ્ચે, સોના કેરો તાર,

સોળ હજાર ગોપીમાં, વ્હાલા! રાખો મારો ભાર…ભાર…. ભાર…

નાગર નંદજીના લાલ!

 

નથણી કારણ હું તો ઢૂંઢી આખું વનરાવન,

નથણી આપોને મારા પ્રાણજીવન…વન…વન…

નાગર નંદજીના લાલ!

 

વનરાવનને મારગ જાતાં, બોલે મધુરા મોર,

રાધાજીની નથણીનો શામળિયો છે ચોર…ચોર…ચોર…

નાગર નંદજીના લાલ!

 

નથણી આપો આપો વ્હાલા, લાગું તમારે પાય,

નરસૈંયાના સ્વામી તમ પર જાઉં બલિહાર…હાર…હાર….

નાગર નંદજીના લાલ!

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૪૫) નાગર નંદજીના લાલ!

 

નાગર નંદજીના લાલ!

રાસ રમંતાં મારી નથણી ખોવાણી,

 

કાના! જડી હોય તો આલ(૨)

રાસ રમંતાં મારી નથણી ખોવાણી…

 

પીળી પીળી નથણી ને ધોળાં ધોળાં મોતી,

તે નથણીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી

જોતી… જોતી… જોતી… નાગર…

 

નાની નાની નથણી ને માહીં જડેલા હીરા,

જડી રે હોય તો દેજો મારી સગી નણદલના વીરા…

વીરા… વીરા… નાગર…

 

એક એક મોતી માંહી સોના કેરો તાર,

સોળસેં ગોપીમાં પ્રભુ! રાખ્યો મારો ભાર

ભાર… ભાર… નાગર…

 

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,

મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય…

ખાય… ખાય… નાગર…

 

 

 

આંબા પર કોયલડી બોલે, વનમાં બોલે મોર,

રાધાજીની નથણીનો શામળિયો છે ચોર…

ચોર… ચોર… નાગર…

 

તું છે બેટી ભ્રખુબાણની, ગોકુળ ગામમાં રે’તી,

ત્રણ ટકાની નથણી માટે મુજને ચોર કહેતી…

કહેતી… કહેતી… નાગર…

 

તું છે લાલો નંદરાયનો, હું આહીરની છોડી,

બાઈ મીરાં કહે ગિરિધરનાગર, મારી મતિ છે થોડી…

થોડી… થોડી… નાગર…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૪૬) રાધા રિસાણાં ને કાનો મનાવે

 

રાધા રિસાણાં ને કાનો મનાવે, રાધા ન રીઝે લગાર;

રાધાજીને કાનો રીઝવે રે…

 

કહો તો રાધાજી, ઝૂમણું ઘડાવું, કુંડળ અપાવું બે જોડ;

રાધાજીને કાનો રીઝવે રે…

 

કહો તો રાધાજી, ઝાંઝર ઘડાવું, કડલાં અપાવું બે જોડ;

રાધાજીને કાનો રીઝવે રે…

 

કહો તો રાધાજી, ગુજરી ઘડાવું, બંગડી અપાવું બે જોડ;

રાધાજીને કાનો રીઝવે રે…

 

કહો તો રાધાજી, અંબર અપાવું, ચૂંદડી અપાવું બે જોડ;

રાધાજીને કાનો રીઝવે રે…

 

કહો તો રાધાજી, મહેલ ચણાવું, હીંચકા બંધાવું બે જોડ:

રાધાજીને કાનો રીઝવે રે…

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૪૭) મોતીડું આવ્યું હાથ

 

જળ રે જમુનાનાં જળ ઝીલતાં, શ્રી શામળિયા,

એક મોતીડું આવ્યું હાથ, નંદના નાનડિયા.

 

એક મોતીમાં શું વેચવું! શ્રી શામળિયા,

મોતી વાવો ઘણેરાં થાય, નંદના નાનડિયા.

 

જમનાને કાંઠે ક્યારો ખોદિયો, શ્રી શામળિયા,

ત્યાં રોપ્યો મોતીડાંનો રોપ, નંદના નાનડિયા.

 

તુલસી ક્યારે મોતી વાવિયું, સુણો શામળિયા.

એનો ઝીણો ઝીણો ઊગ્યો રોપ, નંદજીના નાનડિયા.

 

દહીં ને દૂધ ક્યારે સીંચિયાં, શ્રી શામળિયા,

ત્યાં ઊગ્યો મોતીડાંનો રોપ, નંદના નાનડિયા.

 

ઘણાં ડાળાં ને ઘણાં પાંખડાં, શ્રી શામળિયા,

મોતીડે જામી ઘણી લૂમ, નંદના નાનડિયા.

 

કોઈ ડાળે ને કોઈ પાંદડે, સુણો શામળિયા,

એની ત્રીજલી ડાળ્યે લૂમ, નંદના નાનડિયા.

 

 

ખોળો વાળીને મોતી વીણિયાં, શ્રી શામળિયા,

મોતી આપ્યાં જશોદાજીને હાથ, નંદના નાનડિયા.

 

થાળ ભરીને મોતી વીણિયાં, સુણો શામળિયા,

એને કોઈને ન દેજો હાથ, નંદના નાનડિયા.

 

જશોદાજીએ કાનુડાને ચરણે ધર્યાં, શ્રી શામળિયા,

ગોવાલણ દોડતી ઝમઝમ જાય, નંદના નાનડિયા.

 

મોટાં મોતીનો મુગટ ગૂંથ્યો, સુણો શામળિયા,

ઝીણાં મોતીનો ગૂંથ્યો હાર, નંદના નાનડિયા.

 

મુગટ પ્રભુજીને માથે શોભે, સુણો શામળિયા,

હાર રાધાજીની ડોકે, રે નંદના નાનડિયા.

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

 

 

 

 

 

 

 

(૪૮) ગોકુળ ગામનો ગારુડી

 

ભાળેલ રે બાયું!

દેખેલ રે બેની!

ગોકુળ ગામડાનો ગારુડી…

કાનુડો બનાવે એને, નવે નિધ આપું રે બેની;

આપું મારા હૈયા કેરી હારડી રે…

કાનુડાને કોયે…

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

ટચલી આંગળિયે વ્હાલે ગોરધન તોળ્યો વા’લા,

ગૌધેન ગાવડી ઉગારડી રે…

કાનુડાને કોયે…

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

કાળીનાગનાં કરડ્યાં બેની! કોઈ નવ ઊગરે વા’લા,

ઝીણી ઝીણી આવે મુંને લેરડી રે…

કાનુડાને કોયે…

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

પાતાળે પેસીને વા’લે કાળીનાગ નાથ્યો વા’લા,

ઉપર કીધી છે અસવારડી રે…

કાનુડાને કોયે…

ભાળેલ રે બાયું! દેખેલ રે બેની!

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા,

તમને ભજીને થૈ છું ન્યાલડી રે…

કાનુડાને કોયે…

ભાળેલ રે બાયું!…દેખેલ રે બેની!

 

۞ મીરાંબાઈ ۞

(૪૯) ગોપીનો સંદેશ

 

મોહનજી! તમે ગયા મથુરા, વનરાવનને ભૂલ્યા રે,

વલવલતી ગોપીઓને વિહરી, કુબજામાં શું ડૂલ્યા રે?

મોહનજી…

 

ખંભે કામળી, હાથે લાકડી, નતનત ધણમાં જાતા રે,

ગાય ગોપીને કામણ કરતી, મધુર મોરલીવાળા રે…

મોહનજી…

 

જમના કાંઠે રાસ રમેલાં, તમે ગયાં શું ભૂલી રે?

મારગને રોકી મહી પીતા, તે પણ ગયાં શું ભૂલી રે?

મોહનજી…

 

બેલડીએ વળગી મોહનજી, કુંજ કુંજમાં ભમતાં રે!

સંતાકૂકડી રમતાં તમને, રાધા કાન પકડતાં રે!

મોહનજી…

 

વજોગ દુ:ખના વહમા દા’ડા, નથી જતા ઓ કાના રે,

પ્રીત કરીને પટક્યાં અમને, શાને કામણગારા રે?

મોહનજી…

 

 

કાળો હતો ને કાળી નાથ્યો, ઈનુંય વખ તેં પીધું રે,

કયા જનમનું, કહી દે કરસન, અમારું વેર લીધું રે!

મોહનજી…

 

કાળાનો બાઈ, કો સંગ ના કરશો, કાળે કામણ કીધાં રે,

કપટ કરીને વજોગ દુ:ખમાં, અડધે છોડી દીધાં રે!

મોહનજી…

 

કાળો કનૈયો ને કુબડી કુબજા, જોડી ભલેરી થાશે રે,

જોયતાને બઈ સોયતું મળતાં, હરખે ફુલાઈ જાશે રે!

મોહનજી…

 

ઓધવજી, અલબેલાને કે’જો, એક વાર ગોકુલ આવે રે,

ગોકુળ આવીને કામણગારો એક વાર મોરલી બજાવે રે!

મોહનજી…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૫૦) મારા વ્હાલાને વઢીને કે’જો રે

 

માને તો મનાવી લેજો રે,

હે ઓધાજી, આજ મારા વ્હાલાને વઢીને કે’જો રે,

 

મથુરાના રાજા થ્યા છો,

ગોવાળોને ભૂલી ગ્યા છો,

માનીતીના મ્હોલે રહ્યા છો રે

હે ઓધાજી…

 

એક વાર ગોકુળ આવો,

માતાજીના મોઢે થાઓ,

ગાયુંને સંભાળી જાઓ રે,

હે ઓધાજી…

 

જમનાને કાંઠે જાતાં

લૂંટી તમે માખણ ખાતાં,

ભૂલી ગયા જૂના નાતા રે,

હે ઓધાજી…

 

કુબ્જા રંગે કાળી,

કાળા તમે વનમાળી,

આવી જોડી ક્યાંય ના ભાળી રે,

હે ઓધાજી…

 

 

વ્હાલાની મરજીમાં રહેશું,

જે જોઈએ તે લાવી દેશું,

કુબ્જાને પટરાણી કહેશું રે,

હે ઓધાજી…

 

તમો છો ભક્તોના તારણ,

એવી અમને હૈયાધારણ,

ગુણ ગાય ભગો ચારણ રે,

હે ઓધાજી…

 

દાસ રે મીઠાના સ્વામી,

આવો તમે અંતર્યામી,

પડી શું મારામાં ખામી રે,

હે ઓધાજી…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મીઠો/ભગો ચારણ ۞

(૫૧) જોશી રે મારા જોશ તો જુઓને…

 

જોશી રે મારા જોશ તો જુઓને,

કે દાડે મળશે ઘેલો કાન?

 

આ કાંઠે ગંગા વ્હાલા, ઓલે કાંઠે જમુના ને

વચમાં છે ગોકુળ ગામ…જોશીડા મારા…

જોશ તો જુઓને…

 

સુખડાં અમારાં તલમગ જેવડાં,

દુ:ખડાં છે મેરુ સમાન… જોશીડા મારા…

જોશ તો જુઓને…

 

મીરાંબાઈ ગાવે પ્રભુ ગિરધરના ગુણ,

તમને ભજીને હું ન્યાલ…જોશીડા મારા…

જોશ તો જુઓને…

 

 

 

 

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૫૨) ઓધા મંદિર આવજો…

 

મારી બાળપણાંની પ્રીતું રે,

કાંઈ નાનપણનો નેડો રે,

મારે પ્રભુ ભજ્યાનો હેડો રે,

ઓધા મંદિરિયે આવજો રે

ઓધા…

જોઈ જોઈને વોરીએ જાત્યું,

બીબાં વિનાની ન પડે ભાત્યું,

ભાર ઝીલે ભીંત્યું રે,

ઓધા…

દાસી ઉપર નવ કરીએ દાવો,

માવા મ્હારે મ્હોલે આવો,

આવડો અભાવો રે,

કાંઈ આવડો અભાવો રે,

ઓધા…

આવોને વા’લમ કરીએ વાતું,

તમ વિના હવે નથી રહેવાતું,

સૂની છે એકાંત્યું રે,

વ્હાલા સૂની છે એકાંત્યું રે…

ઓધા…

જીવણદાસની ભાંગિયું ભાંતું,

ચરણદાસની પૂરિયું શાખું,

વરણવું શું વાતું રે.

ઓધા…

۞ દાસી જીવણ ۞

(૫૩) શામળિયે કરી છે ચકચૂર

 

શામળિયે કરી છે ચકચૂર

એ બાયું મુંને…

વ્હાલીડે કરી છે ચકચૂર…

શામળિયે…

કો’ક તો વિલ્યાતીડે મુંને કેફ કરાયો રે,

ફરું છું હું તો રે ઘેલીતૂર,

એ બેની મુંને…

શામળિયે…

અંતર પઢીને એણે અમ પર મેલ્યાં ને,

ઘડીયે રે’વાતું નથી દૂર,

એ બાયું મુંને…

શામળિયે…

સામું રે જોતાં રે મારી સુધબુધ ભૂલી રે,

રાખી છે મુંને તો ઉરાઉર,

એ બાયું મુંને…

શામળિયે…

દાસી જીવણ સત ભીમ કેરાં શરણાં રે,

ઘણી આગે ખડી છું હજૂર…

એ બાયું મુંને…

શામળિયે…

 

 

 

۞ દાસી જીવણ ۞

(૫૪) જો તુમ તોડો પિયા

 

જો તુમ તોડો પિયા, મૈં નાહીં તોડું,

તોસોં પ્રીત તોડ, કૃષ્ણ! કૌન સંગ જોડું…

 

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,

તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા,

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ છાયા,

તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા…

 

તુમ ભયે મોતી પ્રભુ, હમ ભયે ધાગા,

તુમ ભયે સોના, હમ ભયે સુહાગા,

‘મીરાં’ કહે, પ્રભુ! વ્રજકે વાસી,

તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી…

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૫૫) અખિયાં હરિ દરશન કી પ્યાસી!

 

અખિયાં હરિ દરશનકી પ્યાસી!

દેખ્યો ચાહત કમલ નયનકો

નિશદિન રહત ઉદાસી.

અખિયાં…

 

આયે ઊધો ફિરિ ગયે આંગન,

ડારિ ગયે ગલ ફાંસી.

અખિયાં…

 

કેસરી તિલક, મોતીન કી માલા,

વૃંદાવનકો વાસી.

અખિયાં…

 

કાહુ કે મનકી કોઉ ન જાનત,

લોગન કે મન હાંસી.

અખિયાં…

 

સુરદાસ પ્રભુ! તુમ રે દરસ બિન,

લેહી કરવત કાસી

અખિયાં…

 

 

 

۞ સુરદાસ ۞

(૫૬) દર્શન દો ઘનશ્યામ

 

દર્શન દો ઘનશ્યામ નાથ,

મોરી અખિયાં પ્યાસી રે…(૨)

મનમંદિરકી જ્યોતિ જગા દો,

ઘટઘટ વાસી રે…

 

મંદિર મંદિર મૂરત તોરી,

ફિરભી ન દેખી સૂરત તોરી;

જુગ બીતે ન આયી મિલનકી,

પૂરનમાસી રે…

દર્શન…

દ્વાર દયાકા જબ તૂ ખોલે,

પંચમ સૂરમેં ગૂંગા બોલે;

અંધા દેખે, લંગડા ચલકર,

પહુંચે કાશી રે…

દર્શન…

પાની પીકર પ્યાસ બુઝાઉં.

નૈનન કો કૈસે સમજાઉં;

આંખ મીંચોલી છોડો, અબ તો

મન કે બાસી રે…

દર્શન…

 

 

 

۞ સુરદાસ ۞

(૫૭) વ્હાલા તણો રે વિજોગ

 

ફાગણ આવ્યો, હે સખી, કેસૂં ફૂલ્યાં રસાળ;

હ્રદે ન ફૂલી રાધિકા, ભ્રમર કનૈયાલાલ.

 

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ;

અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

 

વસંત વધા’વાને હું જતી, કુમકુમ ભરીને કચોળ;

કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

 

અબીલ ગુલાલ ઊડે ઘણાં, વાગે તાલ મૃદંગ,

કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

 

તરુવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસૂડાં વન;

અમો અબળાને એ ઘટ્યું, મરવું મૂંઝાઈ મન.

 

વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ;

રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.

 

 

 

 

 

 

۞ રત્નો ۞

(૫૮) ગિરિધર! ગોકુલ આવો

 

ગિરિધર! ગોકુલ આવો.

ગિરિધર! ગોકુલ આવો.

 

વૃંદાવન બંસીબટ સૂનાં, સૂનો જમુના આરો,

ગોકુલની ગલીગલી પુકારે, ક્યાં છે નંદદુલારો?

ગિરિધર…

પંખી તણા કલકંઠ ભરાયા, હરિણ તજે મુખ તરણાં,

ગોધણ વ્રજનાં ભમે બ્હાવરાં, શોક સુકાયાં ઝરણાં.

ગિરિધર…

દિવસ રહે તમ કાજ તલખતો, રાત રહે મીટ માંડી,

પ્હોર પ્હોર પ્રભુ નામ પુકારે, ગિરિધર! ભર્યો ઉદાસી.

ગિરિધર…

ને તમ રાધા, રસિયાજી! આ બનઠનકર અલબેલી,

‘ક્હાન ક્હાન’ કરી કુંજનિકુંજે, અરે! કથા શી એની.

ગિરિધર…

આવો પ્રભુ! ગોપીજનવલ્લભ! એકવાર અહીં આવો,

સ્નેહ બન્યો વેરી કેવો અમ, તે જોવા તો આવો,

ગિરિધર…

 

 

 

 

 

۞ મનસુખલાલ ઝવેરી ۞

(૫૯) માધવ ક્યાંય નથી મધુવનમાં

 

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

 

કાલિંદીના જળ પર ઝૂકી,

પૂછે કદંબડાળી;

યાદ તને બેસી અહીં વેણુ,

વાતા’તા વનમાળી,

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ,

કોઈની આણ ન વાટે ફરતી;

હવે કોઈ લજ્જાથી હસતાં,

રાવ કદી ક્યાં કરતી,

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસ મટુકી,

મારી વાત ન કેમે ખૂટી;

અબ લગ કંકર એક ન લાગ્યો,

ગયાં ભાગ્ય મુજ ફૂટી,

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

 

 

۞ હરીન્દ્ર દવે ۞

(૬૦) રાધાની ઝંખના

 

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી!

આંસુ કેરા હાર ગૂંથતી વાટ જુએ વ્રજકુમારી!

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી!

જી ગોકુળ આવો ગિરધારી!

 

વનમાળા વરજીને હરજી, કનકહાર આ કેમ ધાર્યો?

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી!

કનકમુગટ આ ક્યાંથી ધાર્યો, મોરમુગટ ક્યાં વિસાર્યો?

હો ગોકુળ આવો ગિરધારી!

 

‘હ્રદિપદ્મમાં રાધામાં રાધા મારા’ કહી હરિ મુજને ઠગતા,

હ્રદિપદ્મ એ શૂન્ય કરી કાં મોહન મથુરા વસતા?

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી!

હો ગોકુળ આવો ગિરધારી!

 

લાખ લાખ રાધા શી રમણી, મોહન માટે તલપે,

રાધાને તો એક કનૈયો, વિરહે હૈડું સળગે;

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી!

જી ગોકુળ આવો ગિરધારી!

 

 

 

 

۞ જેઠાલાલ ત્રિવેદી ۞

(૬૧) વહાલપના વેરી ના થઈએ

 

આવાં તે દુખડાં ના દઈએ, હો નંદલાલ!

વહાલપના વેરી ના થઈએ.

બિહારીલાલ, લહાણી આપે તો લઈ લઈએ,

ગોકુલના ચોકમાં…

મથુરાના લોકમાં…

સંગે વૃંદાવનમાં રહીએ.

 

હો નંદલાલ, જઈ જઈને અમે ક્યાં જઈએ?

જશોદાલાલ, આવાં તે દુખડાં ના દઈએ.

 

હો શ્યામ, તને આંખો મીંચીને મેં જોયો!

અભાગણીએ આંખો મીંચીને મેં જોયો!

 

કે જીવ મારો રાજી રાજી ને પછી રોયો!

હો શ્યામ, તને શું રે જોયો ને શું ખોયો?

 

હો નંદલાલ, આવાં તે દુખડાં ના દઈએ.

જશોદાલાલ, વહાલપના વેરી ના થઈએ.

(ચલણ)

અમે હરખપદૂડાં,

તોય રુદિયાનાં રૂડાં,

તારાં વેણ ગરજુડાં,

તારાં નેણ પટકુડાં નંદલાલ!

 

۞ વેણીભાઈ પુરોહિત ۞

(૬૨) ક્યાંય ખોવાયો કાન

 

રાધાની લટની લહેરાતી કાળાશે

ક્યાંક ખોવાયો કાન, કેમ શોધું?

 

આખું આકાશ એક રંગે છવાયું

એમાં વ્હાલમનો વાન કેમ શોધું?

 

એક તો વૃંદાવનની કેડી, ને

કેડી પર ઊગ્યાં કદંબ કેરાં ઝાડ;

 

હળવો હડસેલો લાગે લહેરીને

સૌરભનાં અણધાર્યાં ઊઘડે કમાડ.

 

સમજુ સૈયર, તમે ઘરભેગી થાઓ,

હવે ભૂલી હું ભાન, કેમ શોધું?

 

ઊડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે,

વહેતી હવાની કોઈ લહેરમાં?

 

ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે,

જરા સમજાવો કેમ જવું ફેરમાં?

 

યમુનાના વહેણમાં તરંગાતું ગાન;

એમાં મનગમતી તાન કેમ શોધું?

 

۞ હરીન્દ્ર દવે ۞

(૬૩) દરશ દિયો

 

દરશ દિયો અવ શ્યામ!

અજંપા ભીનાં નયન ઝૂરતાં, જુગજુગથી અવિરામ!

 

પલપલ આંખો શોધે પગલી,

કુંજકુંજની ગલી ગલી;

 

નીરખી વ્યાકુળ વેશ બહાવરા,

લોક કહે રે પગલી!

અધર ઉપર ઊભરાતું નિશદિન, શ્યામ તણું મધુ નામ!

દરશ દિયો અવ શ્યામ!

 

મોરપિચ્છ ભાળીને અટકું,

ગોધણ પાસે ભટકું;

રોમરોમ તરસે, તરસે ઘેલું ગોકુલ ગામ!

દરશ દિયો અવ શ્યામ!

 

 

 

 

 

 

 

 

۞ ચન્દ્રકાન્ત દત્તાણી ۞

(૬૪) તમે વસ્યા મથુરામાં મોહન

 

તમે વસ્યા મથુરામાં મોહન,

ઝંખું હું જમુનાને ઘાટ!

તમને શું પરશે જલ સંગે

ઘૂમરાતા ઉરના તલસાટ?

તમે વસ્યા…

સપન તમે મનભાવન ને હું

પ્રીત પૂરવની તરસી,

તમે બંધ મદભર લોચન, હું

સમીપ ઊભી રૂપસી…

તમે વસ્યા…

તમે પનોતાં પગલાં ને હું એકલ વનરાવનની વાટ!

તમે વસ્યા મથુરામાં, મોહન, ઝંખું હું જમુનાને ઘાટ!

 

અરધ અંગ રહ્યું વ્રજમાં જાણે,

અરધી છું તમ તરસી,

એક આંખ નીરખે મુખ સુંદર,

અવર રહી નિત બરસી,

તમે વ્યથા ક્ષણ એક વદન પર, અન્ય ક્ષણે અધરે મલકાટ!

તમે વસ્યા મથુરામાં મોહન, ઝંખું હું જમુનાને ઘાટ!

 

 

 

 

۞ હેમંત દેસાઈ ۞

(૬૫) રાધા ચાલી પગલાં જોતી

 

રાધા ચાલી પગલાં જોતી,

રે શ્યામ…રાધા ચાલી…

કોઈ પૂછે તો કહેતી ખોયું,

કંઠહારનું મોતી;

ચંપકવર્ણી ચતુરા ચાલી,

દીવડે લઈને જ્યોતિ.

 

અંગે અંગ ઉમંગ ન માયે,

ઘડી ઊભી શરમાતી;

ક્યાં એ વેણુ? ક્યાં એ કાનુડો?

ભીની આંખડી લ્હોતી.

રાધા ચાલી…

 

જ્યાં જ્યાં હરિનાં પગલાં જોયાં,

ફૂલડાં મેલ્યાં ગોતી;

પાલવડે પદરેણુ બાંધી,

હરખાતી મદમાતી…

રાધા ચાલી…

 

 

 

 

 

۞ સુરેશ દલાલ ۞

(૬૬) આ નભ ઝૂક્યું તે કાનજી

 

આ નભ ઝૂક્યું તે કાનજી,

ને ચાંદની તે રાધા રે;

આ સરવરજલ તે કાનજી,

ને પોયણી તે રાધા રે.

 

આ બાગ ખીલ્યો તે કાનજી,

ને લ્હેરી જતી તે રાધા રે;

આ પરવત શિખર તે કાનજી,

ને કેડી ચડે તે રાધા રે.

 

આ ચાલ્યાં ચરણ તે કાનજી,

ને પગલી પડે તે રાધા રે;

આ કેશ ગૂંથ્યા તે કાનજી,

ને સેંથી પૂરી તે રાધા રે.

 

આ દીપ જલે તે કાનજી,

ને આરતી તે રાધા રે;

આ લોચન મારાં કાનજી,

ને નજરું જુએ તે રાધા રે.

 

 

 

 

۞ પ્રિયકાન્ત મણિયાર ۞

(૬૭) હો સાંવર થોરી અખિયનમેં

 

હો સાંવર થોરી અખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,

નાગર સાંવરિયો…

તું નંદલાલરો છકેલ છોરો,

મૈ હું આહીર બેટી રી;

ફૂલનહાર ગલે મેં, દૂજી

હાર રહેગી છેટી રી;

હાં સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ;

નાગર સાંવરિયો…

હો સાંવર થોરી અખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

હો બાજૈ ઢોલક, ડફ બાંસુરિયાં,

વસંતરો રત ગાવૈ રી,

હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ,

અપની ધૂન મચાવૈ રી,

હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂમ ખેલત ભયે નિહાલ,

નાગર સાંવરિયો…

હો સાંવર થોરી અખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

 

 

 

۞ રાજેન્દ્ર શાહ ۞

(૬૮) હું મારા હરિવરની

 

હું મારા હરિવરની

નહિ નહિ કોઈ અવરની,

હું તો કાનકુંવરની.

 

હરિવર મારો હૈયે બેઠો,

ખેલે ગલી ગગનકી,

ચાંદો સૂરજ નયને દેખે,

લીલા આ ઘટઘટની.

હું મારા…

હરિવર કેરી સૂરત સાંવરી,

પ્રણયલીલા ભંવરની,

તૃણ થકી એ આભ ટેકવે,

બલિહારી ગિરધરની.

હું મારા…

હરિવર મારો પતંગ પાંખે,

મોજ કરે સાગરની,

રાસલીલા કણકણમાં ખેલે,

લીલા નટનાગરની.

હું મારા…

હું હરિવરની, હરિવર મારો,

હું તો રાધારમણની,

કોડ કથીર કોડીના કેવા?

લ્હે લાગી કુંદનની.

હું મારા…

(૬૯) રમતાં રમતાં આજ અમારાં…

 

રમતાં રમતાં આજ અમારાં, કાળજડાં કોરાયાં રે,

હસતાં હસતાં રાજ, અમે તો મનડામાં મૂંઝાયાં રે!

ઓ રે, કોને કહીએ વાત? શરમથી વેણ નહીં બોલાયાં રે!

રમતાં રમતાં…

 

જમનાજીને તીર અમે તો, ગ્યાં’તાં લઈને મટકી રે,

મેં તો ઠલવ્યાં ઊલટાં નીર, તમારી નજરું એહું અટકી રે!

આ તો પલમાં થઈ ગ્યાં મા’ત, ઢળેલાં નેણાં નવ ઊંચકાયાં રે!

રમતાં રમતાં…

 

પેલી વનમાં ઝૂમે વેલ છકેલી, ફૂલડીએ છલકાતી રે,

જાણે ઊભી ઢળકતી ઢેલ, મોરની પડખે કો મદમાતી રે!

મેં તો સંકોરી નિજ જાત, અમે તો જોબનિયે રઘવાયાં રે!

રમતાં રમતાં…

 

રમતાં રમતાં આજ અમે તો દિલડાંને દઈ દીધાં રે,

હસતાં હસતાં રાજ, અમોને વેચાતાં લઈ લીધાં રે!

ઓ રે! વીતે તે કેમ રાત? અમે તો દાડેયે ખોવાયાં રે!

રમતાં રમતાં…

 

 

 

 

۞ રમેશ જાની ۞

(૭૦) સાઠ ઘડી હું…

 

સાઠ ઘડી હું ગૌપાલકની

એક ઘડી હું તારી રે…

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી.

સાંવરિયા, મૈં ભટકી દિનભર,

વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,

રાત થતાં ઈહ લોક થકી પર,

શ્યામમુરારિ…

લીન તુંમાં બનનારી રે,

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી રે!

સાંવરિયા, તેં જમનાતટ પર,

વ્રજની ગાય ચરાવી ગૌચર,

રાત થતાં તેં મુરલી મનહર,

ઓ વિશ્વંભર

છેડી મુંને સંભારી રે,

શ્યામમુરારિ…

સાંવરિયા, અવ કિરપા તું કર,

ઘડી રમાડે રાસ મધુરતર,

આખા વ્રજમાં તું એકલનર,

શ્યામલ સુંદર

ને હું તારી નારી રે,

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી રે!

۞ પુનશી શાહ ‘રંજનમ્’ ۞

(૭૧) સખી, વારંવાર

 

સખી! વારંવાર માધવની સામું જોયું,

તોય એક વાર મુખ એનું મલક્યું રે નહીં,

સખી! આપણા વિયોગે જે ઝૂર્યા કરે,

એનું રૂંવાડું એક પણ ફરક્યું નહીં…

સખી! વારંવાર…

 

હોંશે હોંશે એની મોરલીમાં આપણે

બાંધ્યો તો મીઠપનો માળો,

વ્રજના આ મોરલાની કલગી થઈ આપણે

કીધો’તો છેલ રે છોગાળો,

એને ચકવી થઈ ચિત્ત મહીં ચાહ્યા કરી,

તોય મેઘરવું મન એનું વરસ્યું રે નહીં,

લાખેણ લટકા એના લોચનિયે આપણે,

સખી! વારંવાર…

 

આંજ્યા’તા જમુનાને ઘાટે,

ભાવથી વિભોર એના અંતરિયે આપણે,

ખેલ્યાં’તાં રાતદિ’ ચોપાટે,

એને વારંવાર ખેલવા હું વીનવ્યા કરી,

તોય હેમાળું મૌન એનું હલક્યું રે નહીં.

સખી! વારંવાર…

 

 

۞ ભાસ્કર વોરા ۞

(૭૨) જમુનાને ઘાટ હું તો…

 

જમુનાને ઘાટ હું તો પાણીડાં ગઈ’તી ત્યાં

વાગી ગઈ એક મુને ઠેશ!

 

ગોધણ લઈ આવતા મોહનની બંસીનો

સૂર મુને આંહીં પરખાણો,

ઈમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગઈ,

મારા પગમાં અટવાણો એક પાણો;

 

નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારા

ભીંજવાયાં રુદિયું ને વેશ!

ઈ ચિત્તડાનો ચોર મારી પડખેથી સરક્યો

ને બોલ્યો ના એકે તે વેણ.

 

મૂંગા મલકાટમાં પૂ ર્યાં’તાં ઈણે તો

કૈં કૈંયે લાખેણાં કેણ;

દલડાનો તંઈ મારો ચંદર ઊગ્યો ને,

ઓલી સંધ્યાયે ઢળતી’તી મેશ!

 

જમુનાને ઘાટ હું તો પાણીડાં ગઈ’તી ત્યાં

વાગી ગઈ એક મુને ઠેશ!

 

 

 

۞ મનોહર ત્રિવેદી ۞

(૭૩) યમુનાનાં જળ શ્યામ

 

યમુનાનાં જળ શ્યામ, શ્યામમાં શ્યામ ભર્યો સાંવરિયો,

છલક છલક ગાગરમાં સહિયર, મેં તો નટખટ ભરિયો.

 

મથુરાના મારગ પર આવી, છેલછબીલો છલક્યો;

ભીની ચૂંદરિયા રગદોળી, સામે ઊભી મલક્યો.

 

કેમ કરીને ભેગો કરવો, બુંદબુંદ થઈ ઝરિયો;

મારગની માટી નવ આપે, પાછો હરિવર હરિયો.

 

ખાલી ગાગર સહિયર લઈને, કેમ જવું રે ઘર પર;

હેલ અધુકડી મૂકી મેં તો, સાંવરિયાના સર પર.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ મહેન્દ્ર ‘સમીર’ ۞

(૭૪) ગોકુળમાં કોક વાર આવો તો…

 

ગોકુળમાં કોક વાર આવો તો કાન,

હવે રાધાને મુખ ના બતાવશો;

ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,

જમનાને કાંઠે ન આવશો.

 

તાંદુલની પોટલીએ પૂનમની રાત

ભલે બાંધીને આવો ગોકુળમાં,

અડવાણે નૈં દોડે કોઈ હવે,

વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં,

સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,

વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો!

 

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,

લખી લખી આંખ હવે ભરીએ;

જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ,

માધવને દ્વારકાના દરિયે;

લખિતંગ રાધાના ઝાઝા જુહાર…

શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો!

 

 

 

 

 

۞ માધવ રામાનુજ ۞

(૭૫) કાન હવે…

 

કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે.

 

જમનાનાં નીર નથી થંભ્યાં,

ને કુંજમાં વણથંભી વાંસળીઓ વાગે;

પૂનમની ચાંદનીમાં પહેલાંની,

જેમ હજી મધરાતે ગોપીયું જાગે.

ખીલતાં’તાં એમ ખીલે ફૂલડાં વધારામાં,

વિરહાની વેલ એક ફાલશે.

કાન…

 

સાસુ-નણંદ હવે સૂએ નિરાંતે,

ને ઘરના ધણીની ટળી ચિંતા;

શમણાંમાં એમનાં ન આવે શામળિયો,

બેઠાં થઈ જાય ના ઓચિંતા!

નિંદર નિરાંતનીમાં સળવળતાં કોઈ વાર

પડખામાં ઝીણું ઝીણું સાલશે.

કાન…

 

 

 

 

 

 

۞ જયંત પાઠક ۞

(૭૬) ગોકુળમાં કોણ હતી રાધા?

 

દ્વારકામાં કોઈ તને પૂછશે કે, કાન!

ગોકુળમાં કોણ હતી રાધા?

 

તારું તે નામ તને યાદે નો’તું,

તે દિ’ રાધાનું નામ હતું હોઠે;

ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,

તોય રાધા રમતી’તી સાત કોઠે,

રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે,

આવા તે સોગંદ શીદ ખાધા?

તો શું જવાબ દૈશ, માધા?

 

રાધાનાં પગલાંમાં વાયું વનરાવન,

તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?

રાધાના એક એક શ્વાસ તણે ટોડલે

તું અષાઢી મોર બની ફૂલ્યો,

ઈ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં,

આવા તે શું પડ્યા વાંધા?

તો શું જવાબ દૈશ, માધા?

 

 

 

 

 

 

ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું,

ઘડીકમાં મથુરાના મ્હેલ,

ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું,

ઘડીકમાં કુબજાના ખેલ!

હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ, કાન!

સ્નેહમાં તે હોય આવા સાંધા?

તો શું જવાબ દૈશ માધા?

 

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા,

ઈ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા;

રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ,

નહીંતર રાખું એને આઘા,

 

સઘળો સંસાર મારો સોળે શણગાર,

મારા અંતરનો આતમ છે રાધા…

 

કોઈ મને પૂછશો મા, કોણ હતી રાધા!

કોઈ મને પૂછશો મા, કોણ હતી રાધા!

 

 

 

 

 

 

 

 

۞ ઈસુદાન ગઢવી ۞

(૭૭) મારી ગાગર ઉતારો તો…

 

મારી ગાગર ઉતારો તો જાણું,

કે રાજ, તમે ઊંચક્યો’તો પહાડને;

હું તો ઘરે ઘરે જઈને વખાણું,

કે રાજ, તમે ઊંચક્યો’તો પહાડને.

 

આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્હાન!

એમાં શા હોય ઝાઝા વેતા?

કાંટાળી કેડી પર ગાગર લઈને અમે,

આવતાંજતાં ને સ્મિત દેતાં.

હું તો વહેતી જમુનાને અહીં આણું;

મારી ગાગર ઉતારો તો જાણું

કે રાજ, તમે ઊંચક્યો’તો પહાડને!

 

ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી,

ને છાંય મહીં ખાઈ લેવો પોરો;

ચપટીમાં આવું તો કામ કરી નાખે,

અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું;

મારી ગાગર ઉતારો તો જાણું,

કે રાજ તમે ઊંચક્યો’તો પહાડને!

 

 

 

۞ સુરેશ દલાલ ۞

(૭૮) મળે રાધા જો

 

મળે રાધા જો કોઈને તો કહેજો,

કે નીર મને યમુનાના વ્હાલાં છે એટલાં જ.

મળે માધવ જો કોઈને તો કહેજો,

કે તીર મને સૂરમાં વ્હાલાં છે હજુ એટલાં જ.

 

ઉનાળે યમુનાનું કંતાયું વ્હેણ,

તોય તાણી જતું રે મને સ્હેલથી;

ભારી આ ગાગરનું માથે ન ઘેન,

હવે રમતું નથી રે કોઈ ગેલથી.

 

મળે માધવ જો કોઈને તો કહેજો,

કે રાધાને યાદ હજુ ચેનચાળા એટલા જ.

મળે માધવ જો કોઈને તો કહેજો,

કે તીર મને સૂરમાં વ્હાલાં છે હજુ એટલાં જ.

 

કેટલીયે વાર મારા મનમાં કદંબઝુંડ

લેતું રે લ્હેરથી હિલોળા!

કેટલીયે વાર મને આંખોનાં નીરમાં

દેખાતા રાધાના ઓળા!

 

મળે રાધા જો કોઈને તો કહેજો,

કે માધવના મનમાં ગોકુળ વસ્યાં કેટલાં!

મળે રાધા જો કોઈને તો કહેજો,

કે નીર મને યમુનાનાં વ્હાલાં છે એટલાં.

 

۞ મણિલાલ દેસાઈ ۞

(૭૯) રાધાનું ગીત

 

વનરા તે વનની વાટે હો,

શ્યામ હવે ફૂંકાતી ઝાંઝવાંની લીલા,

પાન પછી પણ લઈ સૂકી વિદાય

પડે વૃક્ષોની ડાળીઓથી છુટ્ટાં,

ઊતરડી જાય કોઈ અણદેખ્યા હાથ

મારી નીંદરું મહીંથી વેલબુટ્ટા.

ભણકે હબ્બેસ ક્યાંક બે કાંઠ વાવ

ક્યાંક દરિયાના ધોધમાર ચીલા…

વનરા તે વનની વાટે હો,

શ્યામ હવે ફૂંકાતી ઝાંઝવાંની લીલા.

સાચાં પડેલ કોઈ શમણાં સમી રે

સાંજ વેળાથી શેરીઓ છવાતી

ફળિયે અણોસરી હું બેસીને જોઉં

મારી એકલતા આમતેમ વાતી.

વાગે ઓસાણ ઘોર જંગલનાં એમ

જેમ છાતીની આરપાર ખીલા…

વનરા તે વનની વાટ હો,

શ્યામ હવે ફૂંકાતી ઝાંઝવાંની લીલા.

 

 

 

 

 

۞ રમેશ પારેખ ۞

(૮૦) ગોપિકા

 

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

તારી વાંસલડી સુણી આજ, હૈડાં ઢળકે રે!

મારી ગાવડિયોનાં શુદ્ધ ગોરસ મીઠડાં રે,

તારી બંસરીએ લૂંટી બુદ્ધ, પડતાં દીઠડાં રે!

ડાળે ડાળે મંજરી મંજરી હાલે ઝૂલી પૂર,

બોલે બોલે બંસરી સુણતાં ડોલે મારું ઉર,

હૈડાં ઢળકે રે!

 

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

આછી આછી ઉષાની રેલ જગમાં ધસતી રે,

મોંઘા મધુવનમાં કરે ખેલ, હસતી લસતી રે,

એવી વેળ ભર્યા મુજ એહ ગોરસ મીઠડાં રે,

તારી વાંસલડી સુણી તેહ પડતાં દીઠડાં રે!

કિલકિલ કરતી, કોકિલા પળપળ દે પ્રતિસૂર;

જળથળ ઝૂમે કોડીલાં, સુણતાં ઘૂમે મારું ઉર,

હૈડાં ઢળકે રે!

 

 

 

 

 

 

 

 

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

ધીમે ધીમે પડે ધણ સંગ, રવિનાં પગલાં રે;

ફૂલે ફૂલે ફૂટે નવરંગ, ભરતાં ડગલાં રે;

ચાલી લઈને હું તો ઘર બહાર ગોરસ મીઠડાં રે,

તારી બંસરીને સ્વરધાર પડતાં દીઠડાં રે!

ચારો ચરતી ગાવડી થોભે ઘડીભર દૂર,

અનહર લોલે આવડી, સુણતાં ડોલે મારું ઉર;

હૈડાં ઢળકે રે!

 

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

ઊભો રહી શું વગાડે એમ, બંસરી ઝરતી રે!

હાવાં ધગધગતી ઝટ તેમ બળશે ધરતી રે;

હો રે ઝીલ! ઢોળાઈ જાય ગોરસ મીઠડાં રે!

મારો પાલવડો ભીંજાય, પડતાં દીઠડાં રે!

હું ગુણહીણી ગોપિકા, તું ગુણસાગર શૂર;

મહીડાં મારાં ઝીલી લે, પછી આ ખીલે મારું ઉર;

હૈડાં ઢળકે રે!

 

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

 

 

 

 

 

 

 

۞ ખબરદાર ۞

(૮૧) કાના! તારી રે સુરતામાં મારે સ્હેલવાં

 

અમે રે મોરાં રે એવાં જમનાનીર બેઠાં;

ગીતોએ ગળકુંએ સુંદરશ્યામને;

 

પાંખો રે છે તોયે ઊડવાના ઓરતા,

આંખોથી આઘર્યા આતમરામ રે.

 

અજબ ઝરૂખે કાના! રમણાની રતિઓ ઝૂકી,

કાળની કુંજે રે કોકિલ કેલતા;

 

અમે તો કાના! રે કેકાનાદના ખમકારે,

તારાં ગોપીયું મિલનોને હો સંકોરતાં;

 

આજ આઘો રે ઊભો તું એના ઓરતા,

લખ રે ચોરાસી કેરો મોરલો મરૂકે કાન!

 

ઝંખતો આગુની ઝંખી ઝીલવા;

કાના! તારી રે સુરતામાં મારે સ્હેલવાં.

 

 

 

 

 

 

۞ સુધાંશુ ۞

(૮૨) મૂરતિ માધવની મધુમતી

 

અધ—છાની અધ—છતી

મૂરતિ માધવની મધુમતી.

 

કોઈ દિવસ પીતાંબર લહેરે

સ્વર્ણ આભના આરે;

કોઈ દિવસ કુંડળ લળકે છે

સ્વર્ણિમ સિંધુ કિનારે;

કોઈ દિવસ હું અંતરનીરે

પરખું ગહરી ગતિ.

મુરતિ માધવની મધુમતી…

મોરપિચ્છ ફરફરે કોઈ દિન

રમ્ય મેઘધનુ રંગે;

કોઈ દિવસ મુસકાન હું મીઠી,

નીરખું જલધિતરંગે;

કોઈ દિવસ અંતર આવાસે

પરખું પ્રિયતમ પતિ.

મુરતિ માધવની મધુમતી…

તન કેરા તરભાણે એને

અંસુવનથી નવરાવું;

વ્હાલભરી વૃત્તિઓ કેરું

નિત નિવેદ ધરાવું;

આરતદીપ જલાવી લઉં હું

અંખિયનની આરતી

મુરતિ માધવની મધુમતી…

 

 

۞ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ۞

(૮૩) એમ તો વાલમ

 

એમ તો વાલમ! આજ લગી મુને ગમતું ગોપીજ્ઞાન.

 

રોજ ઊઠીને ઠાવકી થાતી, હસતું ગોકુળ ગામ;

તોય રૂંવાડે ચડતું મારું, ચિત્ત ના રે’તું ઠામ,

સાબદા રાખી કાનને પછી ધરતી કેવું ધ્યાન…

એમ તો…

 

શ્યામની મીઠી વાતના વાલમ, ચાલિયા ધીમાં વેણ;

વેણને રેલે જાય રેલાઈ, ઘેઘૂર મારાં નેણ,

કેદુની છઉં ગોતણ્યે, મુને હાથ લાગે જો ગામ…

એમ તો…

 

નરસૈયાના ક્હાન તમે નૈં, સૂરના રે નૈં શ્યામ,

બાઈ મીરાંના ગિરધરનું ના, ક્યાંય તમોમાં નામ;

ગોપન ગોપન ગીત તમારું ઢંઢોળી જાય આમ…

એમ તો…

 

 

 

 

 

 

 

۞ બળવંત મહેતા ۞

(૮૪) ઊતરી પાંપણને મોરપીંછે તે…

 

મારે નળિયાને ચાંદરણે તે પગલાં કેણે પાડ્યાં રે લોલ?

ઊતરી પાંપણને મોરપીંછે તે પગલાં કેણે પાડ્યાં રે લોલ?

 

ચાંદરણાંય ધોળા ધોળા મોર,

કે પગલાંમાં ચાંદનો લીલો તોર,

 

મારે નેણને નેજવે ઢોળે ને, રંગ થઈ કોણ ઢળ્યાં રે લોલ?

મારે નળિયાને ચાંદરણે તે પગલાં કેણે પાડ્યાં રે લોલ?

 

કુવેલડીનો લીલો લીલો બોલ,

કે પગલાંમાં સાગરિયાનો લોલ,.

 

પોપચાંને અતલસ નીંદર્યા બોલ કે, બોલમાં કોણ પોઢ્યાં રે લોલ?

મારે નળિયાને ચાંદરણે કે પગલાં કેણે પાડ્યાં રે લોલ?

 

પગલાંમાં પારિ તે જાતનો છોડ,

કે પગલાંને જમુનાની રમજોડ,

 

પગલે પગલે રાધા—શ્યામ કે, પગલાં એણે પાડ્યાં રે લોલ!

ઊતરી પાંપણને મોરપીંછે તે પગલાં કેણે પાડ્યાં રે લોલ?

 

 

 

۞ યશવંત ત્રિવેદી ۞

(૮૫) રસીલી લીલાથી

 

રસીલી લીલાથી પુનિત વ્રજ કુંજે વિલસતી,

અને ગોપીઓના શત શત ઉરે એક રમતી;

 

હજીયે કાલિન્દી વદનવિધુ જેનો સ્મરી સ્મરી,

ભરી શોકે હૈયું વિરહવિધુરી શી બની જતી;

 

વસે મીઠી તારી મુરલીધર, એ મૂર્તિ મનમાં,

અને બંસીનાદે હ્રદય તલખે તન્મય થવા;

 

પરંતુ આજે તો નટવર! ચહું મૂર્તિ તુજ જે,

કૂડા કારાગારે જનમી યુગસંક્રાન્તિ સરજે;

 

અને યુદ્ધક્ષેત્રે પ્રબળ નિજ શંખસ્વન વડે,

પ્રબોધે ને પ્રેરે ધરમપથમાં પાર્થ ઉરને.

 

 

 

 

 

 

 

 

 

۞ મનસુખલાલ ઝવેરી ۞

(૮૬) બાંધ ગઠરિયાં મૈં તો ચલી

 

બાંધ ગઠરિયાં મૈં તો ચલી,

રૂમઝૂમ બાજત ઝાંઝ પખાવજ,

છુમ છુમ નર્તન હોવત રી,

પીવકે ગીત બુલાવત મોહે,

બાંધ ગઠરિયાં મૈં તો ચલી.

 

સુના ન લિયા, રૂપા ન લિયા,

ન લિયા સંગ જવાહર રી,

ખાખ ભભૂતકી જનજંગલ સે,

બાંધ ગઠરિયાં મૈં તો ચલી.

 

છોટે જનકે પ્યાર તનિકી,

ગઠરી પટકી મેં ઠહરી,

સુન્દર પટકી અમર પ્રેમકી,

બાંધ ગઠરિયાં મૈં તો ચલી…

 

 

 

 

 

 

 

 

۞ સુન્દરમ્ ۞

(૮૭) સુમિરનમેં સુખ પાયો

 

સુમિરનમેં સુખ પાયો,

મૈં તો સુમિરનમેં સુખ પાયો,

 

મોર મુકુટ શિર, બંસી અધર પર,

નટવર ધ્યાન લગાયો,

જૈસે દધિ મટકીમેં વૈસે,

મટકી ભીતર છુપાયો,

મૈં તો સુમિરન…

 

ગહન કુંજમેં લે ચલ મુજકો,

અધર સુધારસ પાયો,

સાંવરિયાકી મધુર સૂરત કો,

સુમિરન જગ બિસરાયો.

મૈં તો સુમિરન…

 

 

 

 

 

 

 

 

 

۞ જયંત પાઠક ۞

(૮૮) રાણાજી, મૈં તો

 

રાણાજી, મૈં તો કીસન કિયો શણગાર,

ઓ રાણાજી, મોરો સાંવરિયો સિંગાર,

ભર તે બપ્પોરે રાણા, લૂંટાલૂંટ ઝૂંટાઝૂંટ

ચાલી એવી ભર રે બજાર,

કોઈએ લૂંટયું રે સોનું,

કોઈએ લૂંટ્યું રે રૂપું.

આયા રે હીરાના કો એ હાર, રાણાજી…

અંબોડે અંગે કોએ મંડન ઘરેણાં ખોસ્યાં,

ઉડુગણ ઝાકઝમાળ,

ખૂણામાં ઊભેલી મેં તો ચૂપચાપ ઓઢી લીધો,

અંગઅંગ કંવલ અંધાર, રાણાજી…

કટાક્ષથી આંખડિયે આંજ્યો,

ભેટી પહેર્યો અંગેઅંગ,

ચુંબનથી રંગ્યો અધરલાલ,

વરમાળા શી જોઈ મુને, રોમરોમ ફૂલી પ્રીતે,

પ્હેરી લીધી ગિરધરલાલ.

 

 

 

 

 

 

 

۞ ઉશનસ્ ۞

(૮૯) શ્યામ રંગ…

 

શ્યામ રંગ સમીપે ન જાવું,

રે મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું,

 

જેમાં કાળાશ તે તે સૌ એકસરખું,

સર્વમાં કપટ હશે આવું;

કસ્તૂરીની બિંદી તો કરું નહીં,

કાજળ ન આંખમાં અંજાવું,

રે મારે…

 

કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને,

કાગવાણી શુકનમાં ન લાવું,

નીલાંબર કાળી કંચુકી ન પહેરું;

જમનાનાં નીરમાં ન નહાવું,

રે મારે…

 

મરકટમણિ ને મેઘ દ્રષ્ટે ન જોવા,

જાંબુ વંત્યાક ન ખાવું,

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,

પણ મન કહે પલક ન નિભાવું.

રે મારે…

 

 

 

۞ દયારામ ۞

(૯૦) હું શું જાણું કે

 

હું શું જાણું કે વહાલે મુજમાં શું દીઠું,

વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું.

હું શું…

હું જાઉં જળ ભરવા, ત્યાં પૂંઠે પૂંઠે આવે,

વગર બોલાવ્યો વા’લો બેડલું ચડાવે.

હું શું…

વઢું ને તરછોડું, તોય રીસ જરી ન લાવે,

કોઈ કોઈ મિષે મારે ઘેર આવી બોલાવે.

હું શું…

દૂરથી દેખીને મને, દોડ્યો આવે દોટે,

પોતાની માળા કાઢી પે’રાવે મને કોટે.

હું શું…

એકલડી દેખે ત્યાં મારે પાલવ રે લાગે,

રંક થઈને કાંઈ કાંઈ મારી પાસે માગે.

હું શું…

(મુને) જ્યાં જ્યાં જાતી જાણે, ત્યાં ત્યાં આડે આવી ઢૂંકે,

બેની, દયાનો પ્રીતમ મારો કેડો નવ મૂકે.

હું શું…

 

 

 

 

 

۞ દયારામ ۞

(૯૧) માઈ રી મૈં તો

 

માઈ રી મૈં તો ગોવિંદ લીનો મોલ.

કોઈ કહે ચુપકે કોઈ કહે છુપકે,

મૈં તો લિયો બજાતાં ઢોલ…

માઈ રી…

કોઈ કહે હલકા, કોઈ કહે ભારે,

લિયો તરાજુ તોલ.

માઈ રી…

કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા,

કોઈ કહે કા’ન અનમોલ.

માઈ રી…

કોઈ કહે કાળો, કોઈ કહે ગોરો,

મૈં તો લિયોરી અંખિયા ખોલ.

માઈ રી…

કોઈ કહે ઘરમેં, કોઈ કહે બનમેં,

રાધા કે સંગ કિલોલ.

માઈ રી…

પૂર્વ જનમકો દિયો બોલ.

માઈ રી…

 

 

 

 

 

 

(૯૨) મને ચાકર રાખો જી…

 

મને ચાકર રાખો જી,

ગિરિધારી લાલા! ચાકર રાખો જી…

મને…

ચાકર રહસું, બાગ લગાસું, નિત ઊઠ દરસન પાસું,

વૃન્દાવનકી કુંજ ગલીનમેં, ગોવિંદ લીલા ગાસું…

મને…

ચાકરીમેં દરસન પાઉં, સુમિરન પાઉં ખરચી,

ભાવ—ભગતિ જાગીરી પાઉં, તીનોં બાતોં સરસી…

મને…

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે વૈજયંતિમાલા,

વૃન્દાવનમેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાલા…

મને…

ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી,

સાંવરિયાકે દરશન પાઉં, પહિરું કસુંબી સારી….

મને…

જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી,

હરિ ભજનકો સાધુ આયે, પહિરું કસુંબી સારી…

મને…

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હ્રદય રહો જી ધીરા,

આધી રાત પ્રભુ દરશન દીન્હોં, કાલિંદીકે તીરા…

મને…

 

 

۞ મીરાંબાઈ ۞

(૯૪) મુખડાની માયા લાગી રે

 

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;

મુખડાની માયા લાગી રે.

 

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;

મન મારું રહ્યું ન્યારું રે,

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે;

 

સંસારીનું સુખ એવું, ઝાંઝવાંના જલ જેવું;

તેને તુચ્છ ગણી રહીએ રે,

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે;

 

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;

તેવા ઘેર શીદ જઈએ રે,

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે;

 

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;

રાંડવાનો ભય ટળ્યો રે,

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે;

 

વ્હાલા મારા વ્રજવાસી, દર્શન દેજો અવિનાશી,

પ્યાસી છું હું દીનદાસી રે,

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

 

મીરાંબાઈ બલિહારી, આશા એક મને તારી;

હવે હું તો બડભાગી રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

۞ મીરાંબાઈ ۞

(૯૬) હું ને મીરાં

 

એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં,

ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તા:

એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.

 

હાથમાં લાકડીઓ હતી,

પગમાં ચાખડીઓ હતી;

મંદિરની ઓસરીમાં રાત અમે ર્યાં’તાં,

એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં,

 

કાળા કાળા કૃષ્ણ હતા,

ગોરી ગોરી ગોપીઓ,

બોરિયાળી બંડી ને

માથે કાનટોપીઓ;

રાસની રંગતમાં અમે કાન—ગોપી થ્યાં’તાં,

એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.

 

ભજનોની ધૂન હતી,

હું મોહ્યો’તો ગીતમાં,

મીરાં તો જોતી હતી,

માધવને ભીંતમાં;

પથરા પણ મીરાંને સાદ પાડી ર્યા’તા,

એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.

 

۞ ઇંદુલાલ ગાંધી ۞

(૯૭) રે શિર સાટે

(ગરબી—ઢાળ: સગપણ હરિનું સાચું)

 

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછું તે પગલું નવ ભરીએ…

રે અંતરદ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું, રે શિર સાટે નટવરને વરીએ.

 

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખ પાણી રાખી મરીએ, રે શિર સાટે નટવરને વરીએ.

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

 

તે શું જીવે ભૂંડું મુખ લઈને, રે શિર સાટે નટવરને વરીએ.

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;

રે જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ.

 

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગ્યે પાછા નવ હઠીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ.

 

 

 

 

 

 

 

 

۞ બ્રહ્માનંદ ۞

(૯૮) અમે જાણીએ

 

ઓધા, જાણે તેને તો અમે જાણીએ રે;

વર રાધાજીનો વખાણીએ રે;

ઓધા, જાણે તેને તો અમે જાણીએ રે.

 

કૈંક જાણ્યું જૂનાગઢ નાગરે રે,

કુંવર વેધ્યો સંગાવતી રાણીએ રે;

ઓધા, જાણે તેને તો અમે જાણીએ રે.

 

પથ્થર ભીંજે ને ઊને પાણીએ રે,

ગુણ ગાયેં ને હરિરસ માણીએ રે;

ઓધા, જાણે તેને તો અમે જાણીએ રે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ લોકગીત ۞

(૯૯) અબ મૈં નાચ્યો…

 

અબ મૈં નાચ્યો બહુત ગોપાલ,

 

કામક્રોધકી પહરિ ચોલના, કંઠ વિષયકી માલ,

ભરમ ભર્યો, મન ભયો, પખવાજ, ચલત કુસંગિત ચાલ,

અબ મૈં નાચ્યો, બહુત ગોપાલ…

 

મહા મોહકે નૂપુર બાજત, નિંદા શબદ રસાલ;

ભરમ ભર્યો, મન ભયો, પખવાજ, ચલત કુસંગિત ચાલ,

અબ મૈં નાચ્યો, બહુત ગોપાલ…

 

તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાનાવિધ દૈ તાલ;

માયાકો કટિ ફેંટા બાંધ્યો, લોભ તિલક હૈ ભાલ.

અબ મૈં નાચ્યો, બહુત ગોપાલ…

 

કોટિક કલા કાંછી દીખરાઈ, જલ થલ સુધિ નહિ કાલ;

સુરદાસકી સબૈ અવિદ્યા, દૂર કરૌ નંદલાલ!

અબ મૈં નાચ્યો, બહુત ગોપાલ…

 

 

 

 

 

 

۞ સુરદાસ ۞

(૧૦૦) સબસે ઊંચી પ્રેમસગાઈ

 

સબસે ઊંચી પ્રેમસગાઈ!

દુર્યોધનકો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ.

 

જૂઠે ફલ શબરી કે ખાયે, બહિવિધિ પ્રેમ લગાઈ,

પ્રેમ કે બસ નૃપ સેવા કીન્હીં, આપ બને હરિ નાઈ… ૧

 

રાજસૂ યજ્ઞ યુધિષ્ઠિર કીનો, તામેં જૂઠ ઉઠાઈ,

પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ… ૨

 

ઐસી પ્રીતિ બઢી વૃન્દાવન ગોપીન નાચ નચાઈ,

સુર ક્રૂર ઈસ લાયક નાહીં, કહં લગી કરૌ બડાઈ… ૩

 

 

 

 

 

 

 

 

 

 

 

 

۞ સુરદાસ ۞

(૧૦૧) ડેલીએથી પાછા મ વળજો હો, શ્યામ

 

ડેલીએથી પાછા મ વળજો હો, શ્યામ,

મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં.

પાછલી તે રેણની નીંદરની કામળી

આઘી હડસેલતીક જાગું.

 

દયણે બેસું ને ઓલી જમનાના વ્હેણની

ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને

ટેકે ઊભી રે મારી ધારણા.

 

કૂકડાની બાંગ મોંસૂઝણાંની કેડીએ

સૂરજની હેલ્ય ભરી આવે

કોડના તે કોડિયે ઠરતા દીવાને

ફરી કાગડાના બોલ બે જગાવે.

 

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મને

બાંધી લ્યે થઈને સંભારણાં,

ડેલીએથી પાછા મ વળજો હો, શ્યામ,

મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં.

 

 

 

 

۞ અનિલજોશી, રમેશ પારેખ ۞

(૧૦૨) નિસિદિન બરસત નૈન હમારે

 

નિસિદિન બરસત નૈન હમારે…

સદા રહત બરષા રિતુ હમ પર

જબ તૈં શ્યામ સિધારે.

 

દૃગ અંજન ન રહત નિસિ બાસર

કર કપોલ ભયે કારે.

 

કંચુકી પટ સુખત નાહિ કબહુ

ઉર બિચ બહત પનારે.

 

આંસુ સલિલ સબૈ મઈ કાયા

પલ ન જાત રિસ ટારે.

 

સુરદાસ—પ્રભુ યહૈ પરેખો

ગોકુલ કાહે બિસારે.

 

 

 

 

 

 

 

 

۞ સુરદાસ ۞

(૧૦૩) ઊંચી મેડી

 

ઊંચી મેડી તે મારા સંતની રે,

મેં તો મ્હાલી ન જાણી રામ…

હો રામ…ઊંચી…

 

અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા મૂલની મારી ચૂંદડી, મેં તો મ્હાલી ન જાણી રામ…

હો રામ…ઊંચી…

 

અડધાં પહેર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ,

ચારે છેડેથી ચારે જણા, તોયે ડગમગ થાયે રામ…

હો રામ…ઊંચી…

 

નથી તરાપો નથી તૂંબડાં, નથી ઉતાર્યાનો આરો રામ,

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ,

હો રામ, ઊંચી…

 

 

 

 

 

 

 

 

۞ નરસિંહ મહેતા ۞

(૧૦૪) રાધા બની વિરહ વ્યાકુળ

 

રાધા બની વિરહ વ્યાકુળ!

શ્યામ! શ્યામ! કહી ઢુંઢે ગોરી,

ગલી ગલી ગોકુલ,

રાધા બની વિરહ વ્યાકુળ…

ચંચલ લહેરો જમુનાની ઓ,

વનરાવનનો વાયુ,

સાંવરિયાને જઈ કહેજો કે,

અંતર લાગી લાયું;

બાંધી તુજથી પ્રીત, શું કાના!

એ જ હતી એક ભૂલ?

રાધા બની વિરહ વ્યાકુળ…

મોહન, તારી મુરલી વિણ એક

બની બાંવરી ગોપી,

ભાન ભૂલીને ભમતી ઘર ઘર

લોકલાજ છે લોપી;

કંઈ છલકે ઉરનાં ગોરસ એનાં

કોણ ચૂકવશે મૂલ?

રાધા બની વિરહ વ્યાકુળ…

 

 

 

 

 

۞ જયંત પલાણ ۞

(૧૦૫) નિશદિન બરસત નૈન હમારે

 

સદા રહત પાવસ ઋતુ હમ પર

જબ સે શ્યામ સિધારે…

નિશિદિન…

 

અંજન થીર ના રહે અખિયન મેં

કર—કપોટ ભયે કારે—કારે

કંચુકી—પટ સુખત નહિ કબહું

ઉર બિચ બહત પનારે…

નિશિદિન…

 

આંસુ સલિલ ભયે પગ થાકે,

બહે જાત સીત તારે,

સુરદાસ અબ ડૂબત હૈ વૃજ

કાહે ન લેત ઉબારે…

નિશિદિન…

 

 

 

 

 

 

 

 

۞ સુરદાસ ۞

(૧૦૬) જાગો બંસીવાલે

 

જાગો બંસીવાલે લલના

જાગો મેરે પ્યારે…

 

રજની બિતી ભોર ભયો હૈ,

ઘર ઘર ખૂલે કિંવારે,

ગોપી દધિ મથત સુનિયત હૈ

કંગના કી ઝનકારે.

જાગો…

ઊઠો લાલજી ભોર ભયો હૈ

સુરનર ઢાઢે દ્વારે,

ગ્વાલબાલ સબ કરત કુલાહલ,

જય જય શબ્દ ઉચ્ચારે,

જાગો…

માખન રોટી હાથમેં લીની

ગઉવન કે રખવારે,

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર

શરણ આયા કુ તારે,

જાગો…

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૧૦૭) વિજોગણ

 

કોઈ મિલાવે મ્હારો શ્યામ? સખી, મ્હારો શ્યામ મિલાવે?

તાર લાગ્યો તૂંહી તૂંહી નામ સખી, કોઈ શ્યામ મિલાવે?

હું દુલ્હન ગોકુલની પ્યારી કરી ત્હેં કહાન,

ના—ના—ના લવતી રહી—તોયે લાગી ગયાં નૈનબાણ.

જુદી કરી ત્હેં ત્યારથી નથી શરીરનું ભાન,

હૈયા—સૂની હું આથડું, લાગ્યું—લાગ્યું, કહાના, ત્હારું તાન.

સાથે સૌ ગૌઆ ચારતાં, મળતી અધઘડી કો’ક,

ભેટી કહે તો નહિ તજું, તોયે લખિયા નસીબે વિજોગ.

જટાધારી જોગન બનું, પ્હેરું ભગવો વેષ,

જઈને પ્રીતમને મળું, મ્હારી રગરગમાં ગોકુલેશ.

હા! વિરહાગ્નિ વેઠવલ, સાગરનું શું જોર?

પિયુ પિયુ જપતી કરી ગયો, હૈયું હરી ગયો નંદકિશોર…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(૧૦૮) ઐસી લાગી લગન

 

ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન,

વો તો ગલી ગલી હરિ ગુન ગાને લગી.

 

મહલોં મેં પલી, બનકે જોગન ચલી,

મીરાં રાની દીવાની કહાને લગી.

 

કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં,

મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી.

 

બૈઠી સંતોકે સંગ, રંગી મોહન કે રંગ,

મીરાં પ્રેમી પ્રીતમકો મનાને લગી.

 

જહર રાણા દિયા, માન અમૃત પિયા,

મીરાં સાગરમેં સરિતા સમાને લગી.

 

દુ:ખ લાખો સહેં, મુખસે ગોવિંદ કહે,

મરના—જીના સમાન બિતાને લગી.

 

 

 

 

 

 

۞ મીરાંબાઈ ۞

(૧૦૯) કાહે ન મંગલ ગાવે

 

કાહે ન મંગલ ગાવે, યશોદા મૈયા કાહે ન મંગલ ગાવે?

પૂરણ બ્રહ્મ અકલ અવિનાશી તેરી ધેનુ ચરાવે…

 

કોટિ કોટિ બ્રહ્માંડ કે કર્તા જપ તપ ધ્યાન ન આવે,

ન જાનું કે યહ કૌન પુણ્ય સે તાકો ગોદ ખિલાવે…

યશોદામૈયા…

 

શિવ સનકાદિક અરુ બ્રહ્માદિક નિગમ નેતિ કરી ગાવે,

શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર, તાકો પાર ન આવે…

યશોદામૈયા…

 

સુંદર વદન કમલદલ લોચન, ગૌધન કે સંગ આવે,

માત યશોદા કરત આરતી કબીરા દરશન પાવે…

યશોદામૈયા…

 

 

 

 

 

 

 

 

 

 

(૧૧૦) દીન જનો પર…

 

દીન જનો પર કરુણા કરશો, કેશવકુંજ વિહારી,

માધવ, મનમોહન, મધુસૂદન, મોહન મુરલીધારી.

જય જય દેવ હરે…

 

કાલીયમર્દન, શ્રીવૃજનંદન, કાતર—ભવ—ભંજન હે,

ત્રિભંગી, મોર—મુકુટ—વર, નટવર, શ્રી રાધામનરંજન!

જય જય દેવ હરે…

 

ગોવર્ધનધર ગુંજા—ભૂષણ, દામોદર રાસબિહારી,

કંસ—નિકંદન સુરમુનિ—રંજન, યમુના—પુલિન બિહારી.

જય જય દેવ હરે…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(૧૧૧) નહીં રે વિસારું હરિ…

 

નહીં રે વિસારું હરિ,

અંતરમાંથી નહીં રે વિસારું હરિ…

 

જલ જમનાનાં પાણી રે જાતાં

શિર પર મટકી ધરી…

નહીં રે વિસારું…

 

આવતાં ને જાતાં મારગ વચ્ચે,

અમૂલખ વસ્તુ જડી…

નહીં રે વિસારું…

 

પીળા પીતાંબર જરકશી જામા,

કેસર આડ કરી…

નહીં રે વિસારું…

 

મોર મુગટ ને કાને રે કુંડલ,

મુખ પર મોરલી ધરી…

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,

વિઠ્ઠલવરને વરી…

નહીં રે વિસારું…

 

 

 

۞ મીરાંબાઈ ۞

 

(૧૧૨) આરતી કુંજબિહારી કી…

 

આરતી કુંજબિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી,
ગલે મે બૈજંતીમાલા બજાવૈ મુરલિ મધુર બાલા.
શ્રવણમે કુંડલ ઝલકાતા નંદ કે આનંદ નંદલાલા કી,

આરતી…

ગગન સમ અંગકાંતિ કાલી રાધિકા ચમક રહી આલી,
લતન મે ટાઢે બનમાલી ભ્રમર-સી અલક કસ્તૂરી તિલક.
ચન્દ્ર-સી ઝલક લલિત છબિ શ્યામા પ્યારી કી,

આરતી…

કનકશ્યામ મોર મુકુટ બિલસૈ દેવતા દર્શન કો તરસૈ,
ગગન સે સુમન રાશિ બરસૈ બજૈ મુરચંગ મધુર મૃદંગ.
ગ્વાલિની સંગ- અતુલ રતિ ગોપકુમારી કી,

આરતી…

જહાં સે પ્રગટ ભઈ ગંગા કલુષ કલિહારિણી ગંગા,
સ્મરણ સે હોત મોહભંગા બસી શિવ શીશ જટા કે બીચ
હરૈ અધ-કીચ ચરણ છવી શ્રી બનવારી કી,

આરતી…

ચમકતી ઉજ્જલ તટ રેનૂ બજ રહી બૃંદાવન બેનું,
ચહુ દિશિ ગોપી ગ્વાલધેનું હંસત મૃદુમંદ ચાંદની ચંદ
કટત ભવફંદ ટેર સુનુ દીન ભિખારી કી,

આરતી…

 

 

 

(૧૧૩) એક શ્લોકી ભાગવત

 

આદૌ દેવકી દેવ ગર્ભજનનં, ગોપી ગૃહે વદ્રધનમ!

માયા પુજા નિકાસુ તાપ હરણં ગૌવદ્રધનૌધરણમ્!

કંસચ્છેદનં કૌરવાદિહનનં, કુંતીસુપાજાલનમ્!

એતદ્દ શ્રીમદ્ભાગવત પુરાણ કથિતં શ્રીકૃષ્ણ લીલામૃતમ!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(૧૧૪) શ્રી ચતુ:શ્લોકી ભાગવત

 

अहमेवासमेवाग्रे नान्यद् यत् सदसत् परम्
पश्चादहं यदेतच्च  योऽवशिष्येत सोऽस्म्यहम्

સૃષ્ટિની પહેલાં હું જ હતો. તે વખતે સત્,અસત્ અને તેનું કારણ, પ્રકૃતિ વગેરે કોઈ નહોતું. સૃષ્ટિ ઉત્પત્તિ પછી હું જ છું, અને સૃષ્ટિનો અંત થતાં જે કાંઈ બાકી રહે તે પણ હું જ છું.

 

ऋतेऽर्थं यत् प्रतीयेत  प्रतीयेत चात्मनि
तद्विद्यादात्मनो मायां  यथाऽभासो यथा तमः

જે વસ્તુરૂપે ન હોય છતાં દેખાય તેને માયા કહે છે. અથવા પ્રપંચ વાસ્તવિક ન હોય છતાં દેખાય છે, તે માયા આત્મામાં દેખાતી નથી. તેને જ માયા કહે છે. જેમ સૂર્ય ન હોય તો અંધારું થાય છે અને સૂર્યમાં અંધારું દેખાતું નથી.

 

यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु
प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु  तेष्वहम्

જેમ નાનામોટા ભૌતિક પદાર્થમાં પંચભૂત તેમના કારણરૂપથી પ્રવિષ્ટ થયા હોય તેવું દેખાય છે, છતાં વાસ્તવમાં તેમનો પ્રવેશ બનતો નથી, તે જ પ્રમાણે હું(ભગવાન) સર્વ પ્રાણીઓમાં તેમના આત્મસ્વરૂપે રહેલો લાગવા છતાં વાસ્તવમાં તેમનાથી અલગ છું.

 

एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनाऽऽत्मनः
अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा

અન્વય અને વ્યતિરેક એ બન્ને હેતુથી એમ સિદ્ધ થાય છે કે માત્ર એક જ તત્ત્વ—સર્વાતીત એવું સર્વસ્વરૂપ ભગવાન જ સદા સર્વત્ર છે, એ જ વાત આત્મતત્ત્વના જિજ્ઞાસુઓએ જાણવા જેવી છે.

(૧૧૫) ભાગવતરૂપી આંબો

 

આંબો અખંડ ભુવનથી ઊતર્યો,

વ્રજભૂમિમાં આંબાનો વાસ,

સખી રે આંબો રોપિયો…

 

વસુદેવજીએ બીજ વાવ્યું, હુવો દેવકીજી ક્ષેત્રપ્રકાશ,

સખી રે આંબો રોપિયો…

 

આંબે જશોદાજીએ જળ સીંચ્યાં, નંદગોપ આંબાના રખેવાળ,

સખી રે આંબો રોપિયો…

 

બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા, મુનિ નારદે કિધાં છે જાણે,

સખી રે આંબો રોપિયો…

 

વ્યાસમુનિએ તે ચાર પત્ર કર્યા, તેના નવ ખંડમાં નામ,

સખી રે આંબો રોપિયો…

 

આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો, તેનાં સેવનારાં વ્રજનાર,

સખી રે આંબો રોપિયો…

 

દ્વાદશસ્કંદ આંબાનાં થડ થયાં, ત્રણસો પાંત્રીસ અધ્યાય છે શાખ,

સખી રે આંબો રોપિયો…

 

અઢાર હજાર શ્લોકની આંબે ડાળીઓ, પાંચસે છોંતેર લક્ષ, અક્ષર આંબે પાને,

સખી રે આંબો રોપિયો…

કલ્પવૃક્ષ થઈ આંબો દુઝિયો, એની ચૌદ ભુવન છે છાંય,

સખી રે આંબો રોપિયો…

 

તે ફળ શ્રી શુકદેવજી વેડી લઈ ગયા, પરીક્ષિત બેઠા ગંગાતીર,

સખી રે આંબો રોપિયો…

 

તે રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં, ખરો અનુગ્રહનો આધાર,

સખી રે આંબો રોપિયો…

 

સાત દિવસમાં શ્રી કૃષ્ણપદ મળ્યું, જય શ્રી પુરુષોત્તમ અભિરામ,

સખી રે આંબો રોપિયો…

 

કળિયુગમાં પુષ્ટિમાર્ગમાં પરવર્યો, ધન્ય ધન્ય તૈલંગકુળ અવતાર,

સખી રે આંબો રોપિયો…

 

આંબો ગાય –શીખે—સુણે—સાંભળે, તેનો થાય ચરણમાં વાસ,

સખી રે આંબો રોપિયો…

 

જાઉં શ્રી વલ્લભકુળને વારણે, બલિહારી જાઉં માધવદાસ,

સખી રે આંબો રોપિયો…

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,343 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
જુલાઇ 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: