લાખા સરખી વારતા/કાવ્યયાત્રા

 

 

લાખા સરખી વારતા/કાવ્યયાત્રા

(જ.પ્રવાસી 10મી ફેબ્રુઆરી,2019ને વસંત પંચમી.વિ.સં2075)

‘લાખા સરખી વારતા’ (1972) રમેશ પારેખનું વિવિધ લયમાં રચાયેલું દીર્ઘ કાવ્ય છે. કવિ પોતાને ગામ અમરેલી બેઠા બોલી ઊઠે છે.

કોઈ કોઈ વાર

હજી કોઈ કોઈ વાર

ઓ રે લાખા વણઝારા…ભાળું તારી વણઝાર…

‘હજી’ શબ્દ સૂચવે છેકે ભૂતકાળમાં પણ કવિએ લાખાની વણઝાર ભાળી હતી. આ કદાચકવિના જન્મ-જન્માંતરોનું કાવ્ય છે. કવિ વસે છે તે જગા કેવી છે?

કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું  હોય, ‘આવ’…

–એવું રૂપલું તળાવ

અને વ્હાલથી  વશેકું જળ લળક લળક

કને જટાજૂટ ઝાડ

તળે ઘંટડીથી હીચો હીચ પોઠના પડાવ

(લે… અવાવરુ નગારે પડ્યા દાંડીઓના ઘાવ)

…અરે, હું ને મારા ભેરુ

આહા… શંકરનું દેરું

અને ધજા

અને આંબો

અને કુંજડીની હાર

અછાંદસ લાગતો આ પરિચ્છેદ ‘વનવેલી’ના મુક્ત  પદ્યમાં રચાયો છે. વર્ણસગાઈ, અંત્યાનુપ્રાસ અને નાદવાચક શબ્દોથી (જેમ કે લળક લળક ) તે કર્ણપ્રિય બન્યો છે. વર્ણવાયેલો પ્રાકૃતિક પરિવેશ આપણે જોઈ, સાંભળી અને સ્પર્શી શજીએ છીએ.કવિ આગળ કહે છે:

ને ગામ સીમ કેડા

બધી વાત બધા છેડા

જાદુમંતરથી ચૂ…લાખો વણઝારો બની ગયા.

કવિ કલ્પના કરે છે કે તેમના ગામની સીમમાં વણઝારાની પોઠના પડાવ લાગ્યા છે, બકરીઓ દોડી રહી છે, ઊંટ ગાંગરી રહ્યા છે :

મ્હોરે ખરીઓની ગંધ

મ્હોરે શિંગડીની ગંધ

મ્હોરે ઘંટડીની ગંધ

ઘંટડી સંભળાય, પણ કવિ કલ્પે છે કે ઘંટડી સુંઘાય. આ તરકીબને ઇન્દ્રિયવ્યત્યય (‘સિનેસ્થેશિયા’) કહે છે, જેન વડે એક નહિ પણ બે ઇન્દ્રિયબોધ થાય છે. હવે વણઝારની રાવટીઓનું સેન્સ્યુઅસ વર્ણન કરે છે:

…અલ્લલલ વાગે કોડી-શંખલાની માળા

વણઝારીઓનું ઝૂંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર

અરે, ખોબે ખોબે અબીલગુલાલ જેવી

સરરર ઓઢણીઓ ઊડે

વણઝારીઓનું વૃંદ હોય, ઝૂંડ તો રાની પ્રાણીઓનું હોય. કવિએ ‘ઝૂંડ’ શબ્દ પસંદ કરીને વણઝારીઓનાં જોબનની આક્રમકતા ઉજાગર કરી છે. કોડી—શંખલાના નાદને સંભળાવવા ‘અલ્લલલ’ શબ્દ ખપમાં લીધો છે. ‘ઘમ્મર ઘમ્મર’ વડે નર્તતી વણઝારીઓ દેખાય છે. ઓઢણીઓ હવામાં ઊડતા ગુલાલનું ગતિચિત્ર દોરતી જાય છે. પવનમાં ‘ઝાંઝરીનું ઝીણું તળાવ’ રચાય છે, જેને કાંઠે કવિ લપસે છે. લપસતાંવેંત  તેમનો કલ્પનાવિહાર શરૂ થાય છે અબરખમ્હેલને સાતમે ઝરૂખે કાગને ઉડાડતી ‘રૂપરૂપ બ્હાવરી પદમણીને’ કવિ જુએ છે. ( બ્હાવરા બનાવી મૂકે એવુ તેનું રૂપ છે, અથવા રૂપથી તે પોતે જ  બ્હાવરી બની ગઈ છે.) તેને જોઈને કવિની આંખે ‘લાલઘૂમ દોરો ફૂટે છે’ મરદાઈ ફૂટે છે. પુંસક આક્રમકતાથી કવિ બોલી ઊઠે છે:

આખ્ખા સૂરજનો તાપ મને એકલાને લાગે

તેવામાં એક સમળી ડાળીએ બેસે છે.પદમણી લલચાઈને બોલી પડે છે.

સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન

એની કાંચળી  પ્હેર્યાના મને ભાવ હો રે લોલ.

જેમ સોના ઉપરથી સોનેરી, તેમ મોતી પરથે મોતેરી.સીતાએ રામને સુવણમૃગ પાછળ ધકેલ્યા હતા, તેમ પદમણી કવિને (ખરેખર તો આ કાવ્યના નાયકને ) સમળી વિદારવાને ઉશ્કેરે છે. સમળી જીવનમાં પડતી આપદાનું પ્રતીક છે. હવે દ્વંદ્વ યુદ્ધ થાય છે.

‘સમળીની સાત લાખ પાંખ હો પદમણી

સમળી તો બાંધી ન બંધાય હો પદમણી’

‘ વીર, સમળી વિદારવાને જાવ, હો રે લોલ’

‘ હાથના ઉગામ્યે હાથ બટકે પદમણી’

‘તમે સમળી મારીને વીર થાવ હો  રે લોલ’

વીરરસ જગાવવા કવિ ચારણી છંદ પ્રયોજે છે:

હાકલ પડતાં

મૂછવળ ચડતાં

જુદ્ધઝપાટા ગડગડતા

ભૂંગળ ગાજી

સાવઝબાજી

તીરકંદાજી ખડખડતા

કાવ્ય પરાકાષ્ઠા તરફ આગળ વધે છે:

કરે કેસરિયાં વીર

ઊડી લૂગડાંની  લીર

ઊડી આંગળીની લીર

ઊડી બાવડાંની લીર…

લોહીબંબોળો બંબોળો

લોહીબંબોળો બંબોળો

આમ કાવ્ય વીરરસથી બિભ્ત્સરસ ભણી ગતિ કરતું મરશિયાને મુકામે આવે છે:

વીર કાચી રે કરચથી કપાણો, હાયહાય

વીર ઊભી રે બજારમાં મરાણો, હાયહાય

વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાયહાય

વીર હાથપગધડનો ત્રિભેટો, હાયહાય

એક વકતવ્યમાં રમેશ પારેખે કહ્યું હતું કે કશાકથી વિખૂટાં પડ્યાનો અભાવ મને પીડ્યા કરે છે. (એ પરમેશ્વર હશે? પદમણી હશે? ) અંતે ફરી સમ પર આવતાં કવિ કહે છે:

કોઈ કોઈ વાર

હજી કોઈ કોઈ વાર

ઓ રે લાખા વણઝરા …

*************************************1*****

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: