કૃષ્ણગાન/ડૉ.રાજ્યગુરુ(51 થી 75)

કૃષ્ણગાન/ડૉ.રાજ્યગુરુ(51 થી 75)

 

(51) જોશી રે મારા જોશ તો જુઓને…

જોશી રે મારા જોશ તો જુઓને,

કે દાડે મળશે ઘેલો કાન?

આ કાંઠે ગંગા વ્હાલા, ઓલે કાંઠે જમુના ને

વચમાં છે ગોકુળ ગામ…જોશીડા મારા…

જોશ તો જુઓને…

સુખડાં અમારાં તલ-મગ જેવડાં,

દુ:ખડાં છે મેરુ સમાન… જોશીડા મારા…

જોશ તો જુઓને…

મીરાંબાઈ ગાવે પ્રભુ ગિરધરના ગુણ,

તમને ભજીને હું ન્યાલ…જોશીડા મારા…

જોશ તો જુઓને…

—મીરાંબાઈ—

*********************

(52) ઓધા મંદિર આવજો…

મારી બાળપણાંની પ્રીતું રે,

કાંઈ નાનપણનો નેડો રે,

મારે પ્રભુ ભજ્યાનો હેડો રે,

ઓધા મંદિરિયે આવજો રે

ઓધા…

જોઈ—જોઈને વોરીએ જાત્યું,

બીબાં વિનાની ન પડે ભાત્યું,

બાર ઝીલે ભીંત્યું રે,

ઓધા…

દાસી ઉપર નવ કરીએ દાવો,

માવા મ્હારે મ્હોલેઆવો,

આવડો અધાવો રે,

કાંઈ આવડો અભાવો રે,

ઓધા…

આવોને વા’લમ કરીએ વાતું,

તમ વિના હવે નથી રહેવાતું,

સૂની છે એકાંતું રે,

વ્હાલા સૂની છે એકાંતું રે…

ઓધા…

જીવણદાસની ભાંગિયું ભાંતું,

ચરણદાસની પૂરિયું શાખું,

વરણવું શું વાતું રે.

ઓધા…

—જીવણદાસ

****************

(53) શામળિયે કરી છે ચકચૂર

શામળિયે કરી ચી ચકચૂર

એ બાયું મુંને…

વ્હાલીડે કરી છે ચકચૂર…

શામળિયે…

કોક તો વિલ્યાતીડે મુંને કેફ કરાયો રે,

ફરું છું હું તો રે ઘેલીતૂર,

એ બેની મુંને…

શામળિયે …

અંતર પઢીને એણે અમ પર મેલ્યાં ને,

ઘડીયે રેવાતું નથી દૂર,

એ બાયું મુંને…

શામળિયે…

સામું રે જોતાં રે મારી સુધબુધ ભૂલી રે,

રાખી છે મુંને તો ઉરાઉર,

એ બાયું મુંને…

દાસી જીવણ સત ભીમ કેરાં શરણાં રે,

ઘણી આગે ખડી છું હજૂર…

એ બાયું મુંને…

શામળિયે…

—-દાસી જીવણ—-

******************

(54) જો તુમ તોડો પિયા

 

જો તુમ તોડો પિયા, મૈં નાહીં તોડું;

તોસોં પ્રીત તોડ, કૃષ્ણ ! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા;

તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા;

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા ;

તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી, પ્રભુ, હમ ભયે ધાગા,

તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે, પ્રભુ ! વૃજકે વાસી !

તતુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

—મીરાંબાઈ—

***********************

(55) અખિયાં હરિ—દરશન કી પ્યાસી

અખિયાં હરિ—દરશનકી પ્યાસી,

દેખ્યો ચાહત કમલનયનકો

નિશદિન રહત ઉદાસી

અખિયાં…

આયે ઊધો ફિરિ ગયે આંગન…

ડારિ ગયે ગર ફાંસી

અખિયાં…

કેસરી તિલક, મોતીન કી માલા,

વૃંદાવનકો વાસી

અખિયાં …

કાહૂ કે મનકી કોઉ ન જાનત,

લોગન કે મન હાંસી…

સૂરદાસ પ્રભુ ! તુમ રે દરસ બિન,

લેહી કરવત કાસી

અખિયાં…

—-સૂરદાસ—

(56) દર્શન દો ઘનશ્યામ

દર્શન દો ઘનશ્યામ નાથ

મોરી અખિયાં પ્યાસી રે…(2)

મનમંદિરકી જ્યોતિ જગા દો,

ઘટઘટ વાસી રે…

મંદિર—મંદિર મૂરત તોરી,

ફિરભી ન દેખી સૂરત તોરી,

જૂગ બીતે નહિ આયી

મિલનકી પુરનમાસી રે…

દર્શન…

દ્વાર દયાકા જબ તૂં ખોલે,

પંચમ સૂરમે6 ગૂંગા બોલે,

અંધા દેખ, લંગડા ચલ કર,

પહુંચે કાશી રે…

દર્શન…

પાની પી કર પ્યસ બુઝાઉ

નૈનન કો કૈસે સમજાઉં?

આંખમિંચોની છોડો, અબ તો

મન કે બાસી રે…

દર્શન…

—સૂરદાસ—

******************

(57) વ્હાલા તણો રે વિજોગ

ફાગણ આવ્યો, હે સખી, કેસું ફૂલ્યા રસાળ;

હ્રદે ન ફૂલી રાધિકા, ભ્રમર કનૈયાલાલ.

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ;

અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

વસંત વધા’વાને હું જતી, કુમકુમ ભરીને કચોળ ;

કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

અબીલ –ગુલાલ ઊડે ઘણાં, વાગે તાલ—મૃદંગ,

કોકિલ—શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

તરુવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસૂડાં વન;

અમો અબળાએ ઘટ્યું, મરવું મૂંઝાઈ મન.

વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તનો રે વિજોગ;

રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.

 

—રત્નો—

***********************

(58) ગિરધર ! ગોકુલ આવો

ગિરધર ! ગોકુલ આવો.

ગિરધર ! ગોકુલ આવો.

વૃંદાવન બંસીબટ સૂનાં, સૂનો જમુના—આરો,

ગોકુલની ગલીગલી પુકારે, ક્યાં છે નંદદુલારો?

ગિરિધર…

પંખી તણા કલકંઠ ભરાયા, હરિણ તજે મુખ તરણાં,

ગોધણ વૃજનાં ભમે બ્હાવરાં, શોક સુકાયાં ઝરણાં.

ગિરિધર…

દિવસ રહે તમ કાજ તલખતો, રાત રહે મીટ માંડી,

પ્હોર—પ્હોર પ્રભુ નામ પુકારે, ગિરિધર ! ભર્યો ઉદાસી.

ગિરિધર…

ને તમ રાધા, રસિયાજી ! આ બનઠનકર અલબેલી,

‘ક્હાન ક્હાન’ !કરી કુંજનિકુંજે, અરે !કથા શી એની?

ગિરિધર…

આવો પ્રભુ ! ગોપીજનવલ્લભ ! એકવાર અહીં આવો,

સ્નેહ બન્યો વેરી કેવો અમ તે જોવા તો આવો,

ગિરિધર…

 

—-મનસુખલાલ ઝવેરી—-

**********************

(59) માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિંદીના જળ પર ઝૂકી

પૂછે કદંબડાળી;

યાદ તને બેસી અહીં વેણુ

વાતા’તા વનમાળી?

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે  સ્પંદનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ

કોઈની આણ ન વાટે ફરતી,

હવે કોઈ લજ્જાથી હસતાં,

રાવ કદી ક્યાં કરતી?

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસ—મટુકી,

મારી વાત ન કેમે ખૂટી,

અબ લગ કંકર એક ન લાગ્યો,

ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

—હરીન્દ્ર દવે—

******************

(60) રાધાની ઝંખના

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી !

આંસુ કેરા હાર ગૂંથતી વાટ જુએ વૃજકુમારી !

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી !

જી ગોકુળ આવો ગિરધારી !

વનમાળા વરજીને હરજી, કનકહાર આ કેમ ધાર્યો?

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી !

કનકમુગટ આ ક્યાંથી ધાર્યો, મોરમુગટ ક્યાં વિસાર્યો?

હો ગોકુળ આવો ગિરધારી !

‘હ્રદિપદ્મમાં રાધામાં રાધા મારા’ કહી હરિ મુજને ઠગતા,

હ્રદિપદ્મ એ શૂન્ય કરી કાં મોહન મથુરા વસતા?

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી !

હો ગોકુળ આવો ગિરધારી !

લાખ—લાખ રાધા શી રમણી, મોહન માટે તલપે,

રાધાને તો એક કનૈયો, વિરહે હૈડું સળગે;

પળપળ ઝંખે રાધા પ્યારી, ગોકુળ આવો ગિરધારી !

 

જી ગોકુળ આવો ગિરધારી !

—–જેઠાલાલ ત્રિવેદી—-

**************************************

(61) વહાલપના વેરી ના થઈએ

આવાં તે દુખડાં ના દઈએ, હો નંદલાલ !

વહાલપના વેરી ના થઈએ

બિહારીલાલ,

લહાણી આપે તો લઈ લઈએ

ગોકુલના ચોકમાં…

મથુરાના લોકમાં…

સંગે વૃંદાવનમાં રહીએ.

હો નંદલાલ, જઈ જઈને અમે ક્યાં જઈએ ?

જશોદાલાલ, આવાં તે દુખડાં ના દઈએ.

હો શ્યામ, તને આંખો મીંચીને મેં જોયો !

અભાગણીએ આંખો મીંચીને મેં જોયો !

કે જીવ મારો રાજીરાજી ને પછી રોયો !

હો શ્યામ, તને શું રે જોયો ને શું ખોયો?

હો નંદલાલ, આવાં તે દુખડાં ના દઈએ.

જશોદાલાલ, વહાલપના વેરી ના થઈએ.

(ચલણ)

અમે હરખપદૂડાં,

તોય રુદિયાનાં રૂડાં,

તારાં વેણ ગરજૂડાં,

તારાં નેણ પટકૂડાં—નંદલાલ !

—વેણીભાઈ પુરોહિત—-

***********************************

(62) ક્યાંય ખોવાયો કાન

રાધાની લટની લ્હેરાતી કાળાશે

ક્યાંક ખોવાયો કાન, કેમ શોધું?

આખું આકાશ એક રંગે છવરાયું

એમાં વ્હાલમનો વાન કેમ શોધું?

એક તો વૃંદાવનની કેડી, ને

કેડી પર ઊગ્યાં કદંબ કેરાં ઝાડ.

હળવેથી અડકે આ લહરી, ત્યાં

સૌરભનાં અણધાર્યા ઊઘડે કમાડ.

સમજુ સૈયર, તમે ઘર ભેગી થાઓ,

ક્યાંક ભૂલીએ હું ભાન, કેમ શોધું?

ઊડતા વિહંગ કેરા  ટ્હૌકા વણાયા હશે

વહેતી હવાની કઈ લ્હેરમાં ?

ગોકુળનો મારગ તો ધૂંકડો લાગે છે

જરા સમજાવો કેમ જવુ6 ફેરમાં?

યમુનાના વહેણમાં તરંગાતું ગાન;

એમાં મનગમતી તાન કેમ શોધું?

—હરીન્દ્ર દવે—

******************

(63) દરશ  દિયો

દરશ દિયો અવ શ્યામ !

અજંપા—ભીનાં નયન ઝૂરતાં જુગજુગથી અવિરામ !

પલપલ આંખો શોધે પગલી

કુંજકુંજની ગલી—ગલી

નીરખી વ્યાકુળ વેશ  બ્હાવરા

લોક કહે રે પગલી !

અધર ઉપર ઊભરાતું નિશદિન શ્યામ તણું મધુ નામ !

દરશ દિયો અવ શ્યામ !

મોરપિચ્છ ભાળીને અટકું,

ગોધણ પાસે ભટકું;

રોમરોમ તરસે, તરસે ઘેલું ગોકુલગામ !

દરશ દિયો અવ શ્યામ !

—-ચન્દ્રકાન્ત દત્તાણી—

*****************************

(64)

તમે વસ્યા મથુરામાં, મોહન…

તમે વસ્યા મથુરામાં, મોહન,

ઝંખું હું જમુનાને ઘાટ !

તમને શું પરશે જલસંગે

ઘૂમરાતા ઉરના તલસાટ?

તમે વસ્યા…

સપન તમે મન ભાવન ને હું

પ્રીત પૂરવની તરસી,

તમે બંધ મદભર લોચન, હું

સમીપ ઊભી રૂપસી…તમે…

તમે પનોતાં પગલાં ને હું એકલ વનરાવનની વાટ !

તમે વસ્યા મથુરામાં, મોહન, ઝંખું હું જમુનાને ઘાટ !

અરધ અંગ રહ્યું વૃજમાં જાણે

અરધી છું તમ તરસી,

એક આંખ નીરખે મુખ સુંદર,

અવર રહી નિત બરસી,

તમે વ્યથા ક્ષણ એક વદન પર, અન્ય ક્ષણે મલકાટ !

તમે વસ્યા મથુરામાં, મોહન, ઝંખું હું જમુનાને ઘાટ !

—હેમંત દેસાઈ—

*********************************

(65) રાધા ચાલે પગલાં જોતી

રાધા ચાલી, પગલાં જોતી,

રે શ્યામ…રાધા ચાલી…

કોઈ પૂછે તો કહેતી ખોયું,

કંઠ હારનું મોતી,

ચંપકવર્ણી ચતુરા ચાલી,

દીવડે લઈને જ્યોતિ

અંગે અંગ ઉમંગ ન માયે,

ઘડી ઊભે શરમાતી,

ક્યાં એ વેણુ, ક્યાં એ કાનુડો,

ભીની આંખડી લ્હોતી.

રાધા ચાલી…

જ્યાં—જ્યાં હરિનાં પગલાં જોયાં,

ફૂલડાં મેલ્યાં ગોતી,

પાલવડે પદરેણુ બાંધી,

હરખાતી મદમતી…

રાધા ચાલી…

—-સુરેશ દલાલ—

************************

(66) આ નભ ઝૂક્યું તે કાનજી

આ નભ ઝૂક્યું તે કાનજી,

ને ચાંદની  તે રાધા રે .

આ સરવર—જલ તે કાનજી

ને પોયણી તે રાધા રે

આ બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાધા રે

આ પરવત શિખર તે કાનજી

ને કેડી ચડે તે રાધા રે

આ ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાધા રે

આ કેશ ગૂંથ્યા તે કાનજી

ને સેંથી પૂરી તે રાધા રે

આ દીપ જલે તે કાનજી

ને આરતી તે રાધા રે

આ લોચન મારાં ઈ કાનજી

ને નજરું જુએ તે રાધા રે

—પ્રિયકાન્ત મણિયાર—-

************************

(67) હો સાંવર થોરી અંખિયનમેં

 

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,

નાગર સાંવરિયો…

તું નંદલાલરો છકેલ છોરો

મૈ હું આહીર બેટી રી;

ફૂલનહાર ગલે મેં, દૂજી

હાર રહેગી છેટી રી;

હાં સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ;

નાગર સાંવરિયો…

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

હો બાજે ઢોલક, ડફ બા6સુરિયા,

વસંતરો રત ગાવૈ

હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ,

અપની ધૂન મચાવૈ રી,

હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂમ ખેલત ભયે નિહાલ,

નાગર સાંવરિયો…

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,

નાગર સાંવરિયો…

—રાજેન્દ્ર શાહ—-

***************************************

(68) હું મારા હરિવરની

હું મારા હરિવરની

નહિ નહિ કોઈ અવરની,

હું તો  ક્હાન—કુંવરની.

હરિવર મારો હૈયે બેઠો,

ખેલે ગલી ગગનકી,

ચાંદો—સૂરજ નયને દેખે,

લીલા આ ઘટઘટની.

હું મારા…

લીલા આ ઘટઘટની

હરિવર કેરી સૂરત સાંવરી,

પ્રણય—લીલા ભંવરની,

તૃણ થકી એ આભ ટેકવે,

બલિહારી ગિરધરની.

હું મારા…

હરિવર મારો પતંગ પાંખે,

મોજ કરે સાગરની,

રાસલીલા કણકણમાં ખેલે,

લીલા નટ નાગરની.

હું મારા…

હું હરિવરની, હરિવર મારો,

હું તો રાધા રમણની,

કોડ કથીર કોડીના કેવા?

લ્હે લાગી કુંદનની.

હું મારા…

**************************

(69) રમતાં રમતાં આજ અમારાં…

રમતાં– રમતાં આજ અમારાં કાળજડાં કોરાયાં રે,

હસતાં—હસતાં રાજ, અમે તો મનડામાં મૂંઝાયા રે !

ઓ રે, કોને કહીએ વાત?

શરમથી વેણ નહીં બોલાયાં રે !

રમતાં—રમતાં …

જમનાજીને તીર અમે તો ગ્યાં’તાં લઈને મટકી રે,

મેં તો ઠલવ્યાં ઊલટાં નીર, તમારી નજરું એહું અટકી રે !

આ તો પલમાં થઈ ગ્યાં મા’ત

ઢળેલાં નેણાં નવ ઊંચકાયાં રે !

પેલી વનમાં ઝૂમે વેલ છકેલી ફૂલડીએ છલકાતી રે,

જાણે ઊભી ઢળકતી ઢેલ મોરની પડખે કો મદમાતી રે !

મેં તો સંકોરી નિજ જાત,

અમે તો જોબનિયે રઘવાયાં રે !

રમતાં—રમતાં…

રમતાં—રમતાં આજ અમે તો દિલડાંને દઈ દીધાં રે,

હસતાં—હસતાં રાજ, અમોને વેચાતાં લઈ લીધાં રે !

ઓ રે ! વીતે તે કેમ રાત?

અમે તો દાંડે યે ખોવાયાં રે !

રમતાં—રમતાં…

—રમેશ જાની—

***************************************

(70) સાઠ ઘડી હું …

સાઠ ઘડી હું ગૌપાલકની

એક ઘડી હું તારી રે…

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી,

સાંવરિયા, મૈં ભટકી દિનભર,

વૃજમાં ગોરસ વેચ્યું ઘરઘર,

રાત થતાં ઈહ—લોક થકી પર,

શ્યામમુરારિ…

લીન તુંમાં બનનારી રે,

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી રે !

સાંવરિયા, તેં જમના—તટ પર,

વૃજની ગાય ચરાવી ગૌચર,

રાત થતાં તેં મુરલી મનહર,

ઓ વિશ્વંભર

છેડી મુંને સંભારી રે,

શ્યામમુરારિ…

સંવરિયા, અવ કિરપા તું કર,

ઘડી રમાડે રાસ મધુરતર,

આખા વૃજમાં તું એકલનર,

શ્યામલ સુન્દર

ને હું તારી નારી રે,

શ્યામમુરારિ…

એક ઘડી હું તારી રે !

—પુનશી શાહ ‘રંજનમ્’ —-

**************************

(71) સખી, વારવાર

સખી ! વારંવાર માધવની સ્હામું જોયું

તોય એક વાર મુખ એનું મલક્યું રે નહીં,

સખી ! આપણા વિયોગે જે ઝૂર્યા કરે,

એનું રૂંવાડું એક પણ ફરક્યું નહીં…

–સખી ! વારવાર…

હોંશે—હોંશે એની મોરલીમાં આપણે

બાંધ્યો તો મીઠપનો માળો,

વૃજના આ મોરલાની કલગી થઈ આપણે

કીધો’તો છેલરે છોગાળો,

એને ચકવી થઈ ચિત્ત મહીં ચાહ્યા કરી,

તોય મેઘરવું મન એનું વરસ્યું રે નહીં,

લાખેણ લટકા એના લોચનિયે આપણે,

–સખી ! વારવાર…

આંજ્યા’તા જમુનાને ઘાટે,

ભાવથી વિભોર એના અંતરિયે આપણે,

ખેલ્યા’તા રાત—દિ’ચોપાટે,

એને વારવાર ખેલવા હું વીનવ્યા કરી,

તોય હેમાળું મૌન એનું હલક્યું રે નહીં

–સખી !વારવાર…

—ભાસ્કર વોરા—

*****************************************

(72) જમુનાને ઘાટ હું તો…

જમુનાને ઘાટ હું તો પાણીડાં ગૈંતી ત્યાં

વાગી ગૈં એક મુને ઠેશ !

ગોધણ લઈ આવતા મોહનની બંસીનો

સૂર મુને આંહીં પરખાણો,

ઈમાં તે બૈ ! હું તો ભાન ભૂલી ગૈ,

મારા પગમાં અટવાણો એક પાણો;

નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારા

ભીંજવાયાં રુદિયું ને વેશ !

ઈ ચિત્તડાનો ચોર મારી પડખેથી સરક્યો

ને બોલ્યો ના એક્કે તે વેણ

મૂંગા મલકાટમાં પૂર્યા તાં ઈણે તો

કૈં—કૈંયે લાખેણાં કેણ;

દલડાનો તંઈ મારો ચન્દર ઊગ્યો ને,

ઓલી સન્ધ્યાયે ઢળતી’તી મેશ !

જમુનાને ઘાત હું તો પાણીડાં ગૈ’તી ત્યાં

વાગી ગૈ એક મુને ઠેશ !

–મનોહર ત્રિવેદી

***********************************

(73)યમુનાનાં જળ શ્યામ,

યમુનાનાં જળ શ્યામ, શ્યામમાં શ્યામ ભર્યો સાંવરિયો,

છલક છલક ગાગરમાં સખીયર મેં તો નટખટ ભરિયો,

મથુરાના મારગ પર આવી છેલછબીલો છલક્યો,

ભીની ચૂંદરિયા રગદોળી સામે ઊભી મલક્યો.

કેમ કરીને ભેગો કરવો બુંદબુંદ થઈ ઝરિયો,

મારગની માટી નવ આપે પાછો હરિવર હરિયો.

ખાલી ગાગર સખીયર લઈને કેમ જવું રે ઘર પર,

હેલ અધુકડી મૂકી મે6 તો સાંવરિયાના સર પર

મનેન્દ્ર’  ‘સમીર’

(74) ગોકુળમાં કોક વાર આવો તો…

ગોકુળમાં કોક વાર આવો તો, કાન,

હવે રાધાને મુખ ના બતાવશો;

ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,

જમનાને કાંઠે ન આવશો.

તાંદુલની પોટલીએ પૂનમની રાત

ભલે બાંધીને આવો ગોકુળમાં,

અડવાણે નૈં દોડે કોઈ હવે,

વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં,

સમરાંગણ તમને તો શોભે, હો શ્યામ,

વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાપણની ભાષામાં,

લખી—લખી આંખ હવે ભરીએ;

જમનામાં જળ, તમે દેજો હાથોહાથ,

માધવને દ્વારકાના દરિયે ;

લખિતંગ રાધાના ઝાઝા જુહાર…

શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો !

—માધવ રામાનુજ

********************************

(75) ક્ હાન હવે…

ક્ હાન હવે ગોકુળ ના આવો તો ચાલશે.

જમનાનાં નીર નથી થંભ્યાં

ને કુંજમાં વણથંભી વાંસળીઓ વાગે ;

પૂનમની ચાંદનીમાં  પ્હેલાંની,

જેમ હજી મધરાતે ગોપીયું જાગે.

ખીલતાં’તા એમ ખીલે ફૂલડાં, વધારામાં

વિરહાની વેલ એક ફાલશે—ક્ હાન.

સાસુ—નણંદ હવે સૂએ નિરાંત

ને ઘરના ધણીની ટળી ચિંતા ;

શમણામાં એમનાં ન આવે શામળિયો,

બેઠા થઈ જાય ના ઓચિંતા !

નિંદર નિરાંતનીમાં સળવળતાં કોઈ વાર

પડખામાં ઝીણું –ઝીણું સાલશે–ક્ હાન.

–જયંત પાઠક

***************************

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: