એબ્રહામ લિંકન(3)

એબ્રહામ લિંકન(3)

ખીસાપોથી

 

મણિભાઈ દેસાઈ

સંપાદક: મહેન્દ્ર મેઘાણી

લોકમિલાપ પ્રકાશન

    યુનાઈટેડ સ્ટેઈટ્સમાં હવે એવી કટોકટી પેદા થવા પામી હતી, જ્યારે ગુલામીના વિરોધી એવા ઝનૂની એબોલિશનિસ્ટો કોઈ પણ ભોગે સંઘરાજયને તોડીફોડીને, આંતરવિગ્રહ સળગાવીને પણ, ગુલામી નાબૂદ કરવા માગતા હતા. તેમના જેટલા જ ઝનૂની દક્ષિણના ગુલામ-માલિકો  કોઈ પણ ભોગે, આંતરવિગ્રહનો દાવાનળ સળગાવીને પણ, ગુલામી ટકાવી રાખવા માગતા હતા. બીજા કેટલાક ગુલામીના વિરોધીઓ ગુલામી નાબૂદ કરવા માગતા હતા ખરા, પરંતુ કોઈ પણ ભોગે નહીં. એમ કરવા જતાં સંઘરાજ્યના નાશનું, આંતરવિગ્રહનું, જોખમ પેદા થતું હોય તો એ જોખમ ખેડવા કરતાં ગુલામીની બાબતમાં નમતું આપવાને તેઓ બહેતર લેખતા હતા.

    આમ, રાષ્ટ્રની એ ભીષણ કટોકટીને પ્રસંગે યુનાઈટેડ સ્ટેઈટ્સના લોકો ત્રણ વિભાગમાં વહેંચાઈ ગયા હતા. એ વખતે એકમાત્ર લિંકન જ એવા હતા કે જે, બંધારણે ગુલામીની પ્રથા માન્ય રાખી હતીતેથી તેની મોજૂદ સીમાની અંદર તેને મર્યાદિત રાખવા તથા, તે ટકે કે નાબૂદ થાય એની પરવા કર્યા વિના,કોઈ પણ ઉપાયે  સંઘરાજ્યને ટકાવી રાખવા કૃતનિશ્ચયી હતા. એ માટે આંતરવિગ્રહનું જોખમ ખેડવું જ પડે  તો, નિરુપાયે ને નાછૂટકે એ જોખમ ઉઠાવવાને પણ તે તૈયાર હતા.

    દેશમાં માનવીની સ્વતંત્રતા સામે ખડા થયેલા જોખમની બાબતમાં પોતાના દેશવાસીઓને જાગ્રત કરવાના કાર્યમાં હવે લિંકન પોતાનો બધો સમય ખરચે છે. તે કહે છે:

    “આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરનારો ગઢ ક્યો છે? તોપોથી સુસજ્જ આપણાં લડાયક જહાજો અથવા આપણું લશ્કર એ ગઢ નથી. આપણા દેશમાં જુલમનું રાજ્ય ન સ્થપાય એ માટે આપણે તેમના પર આધાર ન રાખી શકીએ. એ બધાંને, આપણી સ્વતંત્રતાની સામે પણ વાળી શકાય છે.

    “આપણો આધાર તો, આપણા દિલમાં ઈશ્વરે મૂકેલા સ્વાતંત્ર્ય-પ્રેમ પર છે. સ્વતંત્રતાને સઘળા દેશમાં, સર્વત્ર, માણસમાત્રના અમૂલ્ય વારસા તરીકે લેખનાર ભાવના જાળવી રાખવી, એમાં આપનું રક્ષણ રહેલું છે.એ ભાવનાનો નાશ કરો અને જાણજો કે, તમારા પોતાના આંગણાની આસપાસ જુલમી શાસનનાં બીજ તમે વાવી રહ્યાં છો. ગુલામીની જંજીર સાથે મહોબત કરો, અને જાણજો કે એ પહેરવાને તમારા હાથપગને તમે તૈયાર કરી રહ્યા છો.

    “તમારી આસપાસના માણસોના હકને ચગદી નાખવાને ટેવાયેલા એવા તમે, સ્વતંત્રતાની તમારી પોતાની પ્રકૃતિ ખોઈ બેઠા છો અને, એ રીતે, તમારામાં જે કોઈ પહેલો ચતુર જુલમગાર પેદા થાય તેની તાબેદાર રૈયત તમે બનશો.”

                 *********

    1860ના નવેમ્બરમાં લિંકન પ્રમુખ ચૂંટાયાની સાથે જ સંઘરાજ્યમાંથી નીકળી જવાની માગણી કરતી સભાઓ દક્ષિણમાં ઠેર ઠેર ભરાઈ. દક્ષિણનાં કેટલાંક રાજ્યોની વિધાનસભાઓએ સૈનિકોની ભરતી કરવાના તથા તેમને યુદ્ધની તાલીમ આપવાના ઠરાવો કર્યા તેમ જ શસ્ત્રસરંજામ ખરીદવા માટે મોટી મોટી રકમો મંજૂર કરી. સાઉથ કેરોલીના રાજ્યે સંઘરાજ્યમાંથી નીકળી જવાની પહેલ કરી. એ પછી દક્ષિણનાં બીજાં છ ગુલામીવાળાં રાજ્યો પણ નીકળી ગયાં. સંઘરાજ્ય સામે બળવો પોકારનારાં એ રાજ્યોએ તેમના પ્રદેશમાં આવેલી ટંકશાળો, પોસ્ટઓફિસો તથા કસ્ટમ ઓફિસોનો કબજો લીધો. સંઘરાજ્યના કિલ્લાઓનો તેમ જ શસ્ત્રાગારોનો પણ કબજો લેવામાં આવ્યો. પોસ્ટ માસ્તરો, ન્યાયાધીશો, અમલદારો વગેરી સેંકડોની સંખ્યામાં પોતાનાં રાજીનામાં વોશિંગ્ટન મોકલી આપ્યાં. ટૂંક સમયમાં નિવૃત થનાર સંઘરાજયના તત્કાલીન પ્રમુખ તથા કેટલાક મંત્રીઓ એ બધી રાજદ્રોહી પ્રવૃત્તિઓ તરફ આંખ આડા કાન કરી રહ્યા હતા ત્યારે, ચૂંટાયેલા નવા પ્રમુખ એબ્રહામ લિંકન એ વિકટ સ્થિતિમાં શું કરવું એ પોતાના અંતરાત્માને પૂછી રહ્યા હતા.  નવેમ્બરમાં તે ચૂંટાયા હતા અને માર્ચમાં પ્રમુખનો હોદ્દો ધારણ કરનાર હતા.

    દરમ્યાન, છૂટાં પડી ગયેલાં દક્ષિણનાં રાજ્યોના પ્રતિનિધિઓ મળ્યા અને તેમણે પોતાના અલગ નવા સંઘરાજ્યની સ્થાપના કરી. ‘કોન્ફેડરેટ સ્ટેઈટ્સ ઓફ અમેરિકા’ એવું નામ તેને આપવામાં આવ્યું. જેફરસન ડેવીસને તેના પ્રમુખ ચૂંટવામાં આવ્યા.

આખરે હોદ્દાગ્રહણનો દિવસ આવ્યો. પ્રમુખના હોદ્દાના  સોગંદ લીધા બાદ, કાળજીપૂર્વક તૈયાર કરેલું પોતાનું વ્યાખ્યાન લિંકને મક્કમ સ્વરે વાંચવા માંડ્યું. સંઘરાજયને તોડીફોડી નાખીને પોતાનું અલગ રાજ્ય સ્થાપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરીને લિંકને સાફ જણાવ્યું કે, “ હું માનું છું કે રાજ્યોનો આ સંઘ શાશ્વત છે. કોઈ પણ રાજ્ય કાયદેસર રીતે સંઘરાજ્યમાંથી નીકળી જઈ શકે નહીં. કોઈ પણ રાજ્યની અંદર યુનાઈટેડ સ્ટેઈટ્સની સત્તા સામેનાં હિંસાનાં કૃત્યો રાજદ્રોહ છે. બંધારણ સાફ સાફ શબ્દોમાં મને આદેશ આપે છે  તે પ્રમાણે, બધાંજ રાજ્યોમાં સંઘરાજ્યના કાયદાઓનો વફાદારીપૂર્વક અમલ કરવામાં આવે એ જોવાને હું મારી સઘળી શક્તિ કામે લગાડીશ. સંઘરાજ્ય પોતાની હસ્તી ટકાવી રાખશે અને પોતાનું રક્ષણ કરશે. હું વિશ્વાસ રાખું છું કે આ વસ્તુને ધમકી તરીકે નહીં પણ કેવળ તેના જગજાહેર હેતુ તરીકે લેખવામાં આવશે.”

      લોકશાહીમાં મતભેદો સદા રહેવાના જ, અને એ મુદ્દા પર પ્રજા બહુમતી તથા લઘુમતી એવાં બે જૂથોમાં વહેંચાઈ જવાની. પરંતુ બંધારણ અનુસાર સત્તા પર આવેલી બહુમતીનો શાસન કરવાનો કાયદેસરનો અધિકાર પડકારી લઘુમતી પોતાનું અલગ રાજ્ય રચવા તૈયાર થાય, એમાં રહેલા ગંભીર જોખમ વિશે દક્ષિણના લોકોને ચેતવણી આપતાં જણાવ્યું :

    “જો કોઈ લઘુમતી આવા સંજોગોમાં છૂટા પડી જવાનું ઇચ્છે તો તેઓ એવો દાખલો બેસાડશે, જે પછીથી તેમને પણ વિભકત કરશે અને તેમનો નાશ કરશે. કારણકે, તેમની પોતાની લઘુમતી જ્યારે પણ બહુમતીના નિયમન નીચે રહેવાનો ઈન્કાર કરશે  ત્યારે એ તેમનાથી પણ છૂટી થઈ જશે.”

*******

જેને ટાળવા લિંકન મથી રહ્યા હતા તે જાદવાસ્થળી 1861ની 14મી એપ્રિલે શરૂ થઈ. હવે જુદા પડેલા કોન્ફેડરેટ સંઘરાજ્યમાં કુલ અગિયાર રાજ્યો ભળ્યાં. બાકીનાં બાવીસ યુનાઈટેડ સ્ટેઈટ્સના સંઘરાજ્યમાં ચાલુ રહ્યાં. આંતરવિગ્રહ શરૂ થયો પછી લિંકનની નિરાશાઓ, અગ્નિપરીક્ષાઓ તથા નાસીપાસીઓને તેની કરુણાપૂર્ણ આંખોમાં ઊભરાતી ગમગીની, શબ્દોના કરતાં પણ વધુ અસરકારક રીતે, વ્યક્ત કરતી હતી. હવે તેના કપાળ પરની તથા આંખોની આસપાસ કરચલીઓ વધારે ઘેરી બની હતી, ગાલના ખાડા વધારે ઊંડા ઊતર્યા હતા. પરંતુ ચહેરા પરથી નીતરતાં અપાર કરુણા, હમદર્દી તથા ખામોશી તેના કંઈક બેડોળ મુખને અવર્ણીય પ્રતિભા અર્પતાં હતાં. આકરી તાવણીઓ લિંકનનું હીર વધુ ને વધુ પ્રગટ કરતી ગઈ.

    આંતરવિગ્રહનો આરંભ દક્ષિણના બળવાખોરો સામેના યુદ્ધથી થયો હતો. પણ બળવાખોરોને સહેલાઈથી હરાવી શકાશે, એવી ધારણા ખોટી પડી. યુદ્ધ લંબાયું. લિંકન હવે એવા નિર્ણય પર આવ્યા કે ગુલામી નાબૂદ કરવી એ યુદ્ધ જીતવા માટેની અનિવાર્ય આવશ્યકતા છે. યુદ્ધમાં વિજય મેળવવા માટે તેના મૂળભૂત કારણને નિર્મૂળ કરવું જ જોઈએ. એ વસ્તુ લક્ષમાં રાખીને લિંકને ગુલામોને મુક્ત કરવા માટેનો ઢંઢેરો 1862ના જુલાઈમાં ઘડી કાઢ્યો. તેમાં જાહેર કરવામાં આવ્યું કે 1863ના જાન્યુઆરીની પહેલી તારીખે “જ્યાં આગળ યુનાઈટેડ સ્ટેઈટ્સની બંધારણીય સત્તા વહેવારમાં માન્ય રાખવામાં આવતી યુદ્ધ હોય એવાં રાજ્યોની અંદર ગુલામો તરીકે રાખવામાં આવતા સઘળા મનુષ્યો સદાને માટે મુક્ત થશે.”

         ગુલામોને મુક્ત કરવાની ઉપર્યુક્ત જોગવાઈ કેવળ સંઘરાજ્ય સામે બળવો કરનારાં રાજ્યોને જ લાગુ પડતી હતી. એ રાજ્યોમાંના ગુલામ-માલિકો પોતાના ગુલામો ગુમાવતા હતા; પરંતુ સંઘરાજ્યને  વફાદાર રહેલાં રાજ્યોમાંના માલિકોને ગુલામોને પોતાની મિલકત રાખવાની છૂટ રહેતી હતી.

    1863ના નવા વરસને દિવસે લિંકને મુક્તિના ઢંઢેરા પર સહી કરી. પોતાની કલમના એક લસરકામાત્રથી,સેંકડો વરસથી પારાવાર યાતનાઓ વેઠતા આવેલા લાખો લોકોની ગુલામીની બેડીઓ તૂટશે તથા દુનિયામાં માનવીની સમાનતાનો યુગ આરંભાશે, એ લિંકન સારી પેઠે જાણતા હતા.

    અને વિધિની વિચિત્રતા તો જુઓ ! ગુલામ-માલિકો તથા ગુલામીના વિરોધીઓ, એમ બે દળમાં વિભકત થયેલી પ્રજા એકબીજા સાથે ઝગડો કરવામાં પોતાની શક્તિ બરબાદ કરી રહી હતી. આખરે એ ઝગડો આંતરવિગ્રહમાં પરિણમ્યો, અને કાળા હબસીઓને ખાતર દેશના ગોરા પ્રજાજનો લાખોની સંખ્યામાં  એકબીજાને રહેંસી નાખવામાં હરીફાઈ કરવા લાગ્યા. અને જ્યારે લિંકને ગુલામોને મુક્ત કર્યા, ત્યારે લાભ કોને થયો? જે વિભાગના લોકો પોતાને ગુલામોના હિતેશ્રી કહેવડાવતા હતા તેમના ગુલામોને નહીં, પણ જેમના પર ઉત્તરના લોકોનો કાબૂ નહોતો તે દક્ષિણના, ગુલામીને બચાવવા યુદ્ધે ચડેલા, ગોરાઓના ગુલામોને !

                 *******

    સેનાપતિ રોબર્ટ લીની સમર્થ દોરવણી નીચે દક્ષિણનાં કોન્ફેડરેટ રાજ્યોનું સૈન્ય સંઘરાજ્યના સૈન્ય પર એક પછી એક વિજય મેળવતું આવ્યું હતું. સાત મહિનાના ગાળા દરમ્યાન સેનાપતિ લીએ, સંઘરાજ્યના કરતાં લગભગ અડધા જ સૈન્ય તથા ઘણી ઓછી શસ્ત્રસામગ્રીથી, સંઘરાજ્યનાં સૈન્યોનો બે વાર કચ્ચરઘાણ કાઢીને તેને સખત હાર આપી હતી. સેનાપતિ લી પોતાના સૈન્યને ઉત્તરમાં દોરી ગયા. પેન્સીલવેનીઆના ઉદ્યોગપ્રધાન અને સમૃદ્ધ રાજયમાં તે દાખલ થયા. ઉત્તરનાં મહત્ત્વનાં ઔદ્યોગિક તથા ધીકતાં શહેરો સર કરવાનો તેનો ઈરાદો હતો. લીની ચડાઈથી આખા ઉત્તરમાં ગભરાટ ફેલાઈ ગયો. ગેટીસબર્ગ નામના નાનકડા કસબા નજીક બંને લશ્કરો ટકરાઈ પડ્યાં.

    એ યુદ્ધના પરિણામ પર ઉત્તર તેમ જ દક્ષિણ, ઊભયનું ભાવિ તોળાયેલું હતું. ત્રણ દિવસ ખૂનખાર યુદ્ધ ચાલ્યું. સંઘરાજ્યના સૈન્યે કોન્ફેડરેટ રજયોના સૈન્યને મારી હઠાવ્યું, આંતરવિગ્રહમાં ત્યાર સુધી લડાયેલાં યુદ્ધોમાં ગેટીસબર્ગનું સૌથી વધારે ખૂનખાર હતું. એમાં કોન્ફેડરેટ રાજ્યોના 28,000 તથા સંઘરાજ્યના 23,000 સૈનિકોની ખુવારી થવા પામી. દક્ષિણને ખમવો પડેલો એ સૌથી મોટો પરાજય હતો. યુદ્ધ જો કે પછી બે વરસ ચાલુ રહ્યું, પણ ઉત્તરના અંતિમ વિજય વિશે હવે હવે શંકા રહી નહીં.

    ગેટીસબર્ગની એ લડાઈમાં પોતાના જાન કુરબાન  કરનાર સૈનિકો જ્યાં ચિરનિદ્રામાં પોઢ્યા હતા, એ સ્થળની રાષ્ટ્રીય સ્મારક તરીકે પ્રતિષ્ઠા કરવાનું ઠરાવવામાં આવ્યું. એ ઐતિહાસિક પ્રસંગને ઘટે એવું ભાષણ લિંકન તૈયાર કરવા ઇચ્છતા હતા. પણ એ માટે તે બિલકુલ વખત કાઢી શક્યા નહીં. આખરે ગેટીસબર્ગ જવા તે નીકળ્યા એ સ્પેશિયલ રેલગાડીમાં જ પોતાનું નાનકડું ભાષણ તેણે ઉતાવળે ચીતરી કાઢ્યું. દેશના સૌથી મહાન વક્તા એવરેટે, મુખ્ય વક્તા તરીકે, એ પ્રસંગની મહત્તા તથા યશસ્વિતા વર્ણવતું વ્યાખ્યાન બે કલાક સુધી આપ્યું. એ પછી લિંકન ઊભા થયા, કોટના ગજવામાંથી તેણે પોતાનું લખેલું ભાષણ કાઢ્યું, તેના પર નજર કરી લીધી અને કાગળ પાછો કોટના ગજવામાં મૂકી દીધો. પછી તે બોલ્યા:

 “ચારવીસુંને સાત વર્ષો પૂર્વે આપણા રાષ્ટ્રવિધાયકોએ આ ખંડ પર એક નવું રાષ્ટ્ર નિર્માણ કર્યું, જેનું ધ્યેય હતું સ્વતંત્રતા, અને ઈશ્વરે માણસમાત્રને સમાન સરજ્યા છે એ સિદ્ધાંતને જે વરેલું હતું.

    “એ રાષ્ટ્ર, અથવા એવા ધ્યેય તેમ જ સિદ્ધાંતને વરેલું હોય એવું બીજું કોઈ રાષ્ટ્ર, લાંબા કાળ સુધી ટકી શકે કે કેમ તેની કસોટી કરે એવા એક મહાન આંતરવિગ્રહમાં આપણે હાલ રોકાયા છીએ.

    “એ વિગ્રહના એક મહાન રણક્ષેત્ર પર આપણે એકઠા થયા છીએ. એ રાષ્ટ્ર જીવતું રહે એટલા માટે જેમણે પોતાના જીવનની આહુતિ આપી, તેમના અંતિમ વિશ્રામસ્થાન તરીકે તેના થોડા ભાગની પ્રતિષ્ઠા કરવાને આપણે એકઠા થયા છીએ.

    “આપણે એ કરીએ, તે સર્વથા ઉચિત અને યથાર્થ છે. પરંતુ, વ્યાપક અર્થમાં, આ ભૂમિને આપણે પ્રતિષ્ઠિત કરી શકતા નથી. જીવતા રહેલા તથા વિદેહ થયેલા જે વીરો આ સ્થળે ઝૂઝ્યા હતા, તેમણે જ તેને પુનિત કરેલી છે. તેમાં વધારો કે ઘટાડો કરવા આપણી પામર શક્તિ અસમર્થ છે.

    “આપણે આજે અહીં જે બોલીએ તેની જગત ભાગ્યે જ નોંધ લેશે અથવા ઝાઝો સમય તેને યાદ રાખશે; પરંતુ તેમણે અહીં જે કર્યું એ તે કદી ભૂલી શકનાર નથી.

    “ખરેખર તો, જેને ઉમદા રીતે આટલે સુધી આગળ ધપાવ્યું, તે અધૂરા રહેલા કાર્યને પૂરું કરવા આપણે આપણી જાતને સમર્પણ કરીએ, એ આપણી જીવતા રહેલાઓની ફરજ છે. આ કાર્યમાં છેવટ સુધી પોતાની અશેષ નિષ્ઠા જેમણે અર્પણ કરી, તે યશસ્વી શહીદો પાસેથી અધિકતર નિષ્ઠાની આપણે દીક્ષા લઈએ. આપણે એવો અડગ નિર્ધાર કરીએ કે, જેમણે અહીં પ્રાણ પાથર્યા છે તેમનાં બલિદાનો વ્યર્થ નથી ગયાં, અને ઈશ્વરની છત્રછાયા નીચે રાષ્ટ્રમાં સ્વતંત્રતા નવો જન્મ પામે, જેથી કરીને પ્રજાની, પ્રજા દ્વારા ચાલતી અનેપ્રજાને કાજે ચાલતી સરકાર પૃથ્વી પરથી નાશ ન પામે.”

    આ રીતે, લિંકનનું ભાષણ બે જ મિનિટમાં, જાણે શરૂ થયું તે પહેલાં તો, પૂરું પણ થઈ ગયું ! તેની સામે કેમેરા ગોઠવીને ઊભેલા ફોટોગ્રાફરોને તેનો ફોટો પાડવા જેટલો સમય પણ ન મળ્યો !

    ગેટીસબર્ગ ખાતે લિંકને ઉચ્ચારેલા એ શબ્દોની પછી જગતે નોંધ લીધી એટલું જ નહીં, હજી પણ એ તેને યાદ કરે છે—અને લોકશાહી જીવતી રહેશે ત્યાં સુધી યાદ કરતું રહેશે. સાર-અસારની સાચી મૂલવણી કરનાર કાળે તેને અમરત્વ અર્પ્યું છે. પોતાન આ ટૂંકા ને કવિત્વમય વકતવ્યમાં લિંકને લોકશાહીનું હાર્દ પ્રગટ કર્યું છે. લોકશાહીની એમાં લિંકને આપી છે એથી વધારે વિશદ અને અર્થઘન તેમ જ યથાતથ વ્યાખ્યા રાજનીતિજ્ઞો કે રાજ્યશાસ્ત્રના પંડિતો હજી સુધી આપી શક્યા નથી.

                 ******

    આંતરવિગ્રહ શરૂ થયો તે અગાઉ જેટલા ગુલામો હતા, તેમાંના ત્રીજા ભાગના તો લિંકનના ઢંઢેરા દ્વારા મુક્ત થઈ ચૂક્યા હતા, પણ બાકીનાઓ બંધારણ અનુસાર હજી તેમના માલિકોની મિલકત જ હતા. લિંકન હવે સઘળા ગુલામોને મુક્ત કરવાને ઈંતેજાર હતા. સમગ્ર યુનાઈટેડ સ્ટેઈટ્સમાં ગુલામીની પ્રથા નાબૂદ કરવા માટેનો 13મો બંધારણીય સુધારો સંસદના ઉપલા ગૃહ સેનેટમાં પસાર થઈ ગયો હતો. નીચલા ગૃહ પ્રતિનિધિસભામાં પછી તેને જરૂરી બે-તૃતીયાંશ બહુમતી સાંપડી અને તે પસાર થઈ ગયો 1865ની 31મી જાન્યુઆરીએ…..

    અને લાગણીનો જુવાળ ઊમટ્યો. સંસદના સભ્યો અને પ્રેક્ષકો હર્ષાશ્રુથી ઊભરાતી આંખો સથે એકબીજાને ભાવથી ભેટ્યા.બહાર ટોળે વળેલા વિશાળ જનસમુદાયે જયઘોષના ગગનભેદી પોકારો કરી વાતાવરણ ગજાવી મૂક્યું. પરંતુ એ સુધારો સંપૂર્ણપણે બંધારણના અંગરૂપ બને તે માટે હજી એક વિધિ બાકી હતો. એ માટે ત્રણ –ચતુર્થાંશ રાજ્યોની સંમતિ જરૂરી હતી. એ સંમતિ મળતાં વખત લાગ્યો, અને તેથી લિંકનના અવસાન પછી જ તે અમલી બની શક્યો.

    દક્ષિણના શાસક વર્ગના લોકોને હવે તેમની પડતી દશાનું સ્પષ્ટ દર્શન થવા લાગ્યું. પરિસ્થિતિ અતિશય વિકટ અને નિરાશાજનક હતી, તેમ છતાં કોન્ફેડરેટ રાજ્યોના પ્રમુખે છેલ્લા માનવી સુધી લડી લેવાનો નિશ્ચય કર્યો.

    દરમ્યાન, પ્રમુખ લિંકને પોતાના મંત્રીમંડળ આગળ એક અસાધારણ દરખાસ્ત રજૂ કરી. તેમાં એવી જોગવાઈ હતી કે દક્ષિણના બળવાખોર રાજ્યો પહેલી એપ્રિલ સુધીમાં હથિયાર હેઠાં મૂકે તો, ગુલામીની તેમની મિલકત ગુમાવવા બદલ વળતર તરીકે 40 કરોડ ડોલર સંઘરાજ્યની સરકાર તેમને આપશે. લિંકનની આ ઉદારતા જોઈને મંત્રીઓ આભા બની ગયા—જે યુદ્ધ લગભગ જિતાઈ ગયું હતું. તે બંધ કરવા માટે દુશ્મનોને આટલી મોટી રકમ આપવી ! મૂંઝવણભરી શંતિ વ્યાપી ગઈ. એક પણ મંત્રીએ દરખાસ્તની તરફેણ કરી નહીં.એક પછી એક મંત્રીએ તેની વિરુદ્ધ મત આપ્યો.

    મંત્રીમંડળ તેની દરખાસ્ત મંજૂર કરે તો લિંકન તેને સંદેશાના રૂપમાં સંસદને મોકલવા માગતા હતા. બધા જ મંત્રીઓએ પોતાની એ દરખાસ્તનો એકી અવાજે વિરોધ કર્યો, એથી પ્રમુખને જરા નવાઈ લાગી. તેણે સવાલ કર્યો: “યુદ્ધ ક્યાં સુધી ચાલશે ?” કોઈએ કશો જવબ આપ્યો નહીં, એટલે પ્રમુખે પોતે કહ્યું: “ સો દિવસ યુદ્ધ ચલાવવાને આજે આપણે દરરોજ જેટલા લાખ ડોલર ખરચીએ છીએ તે રીતે ગણતાં એટલી રકમ (40 કરોડ ડોલર) તો ખરચાશે, અને માણસોના જાન બચશે એ નફામાં.” પછી ઊંડો નિશ્વાસ નાખીને તેણે કહ્યું: “પણ તમે બધા મારી વિરુદ્ધ છો, એટલે  હું સંસદને સંદેશો મોકલીશ નહિ.”

    પછી સંસદને મોકલવા ધારેલા સંદેશાના મુસદ્દા પાછળ લિંકને આ પ્રમાણે નોંધ કરી : “ 5 ફેબ્રુઆરી, 1865. આજે આ દસ્તાવેજો ઘડવામાં આવ્યા હતા અને મંત્રીમંડળ  આગળ મૂકવામાં આવ્યા હતા. તેણે એકમતે તે નામંજૂર કર્યા છે.—અ.લિંકન.” અને તેણે એ દસ્તાવેજ ફાઈલમાં મૂકી દીધો. લિંકનના અવસાન બાદ તે પ્રસિદ્ધ થયો હતો.

                 ********

    બીજીવાર પ્રમુખપદે ચૂંટાયા બાદ 1865ના માર્ચમાં હોદ્દો ધારણ કરતી વખતે પોતાનું મંગળ પ્રવચન વાંચવાને લિંકન વ્યાસપીઠ પર ખડા થયા. ગુલામીના ગુના માટે લિંકન એકલા દક્ષિણને જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રને ગુનેગાર લેખતા હતા અને એ ગુના બદલ આંતરવિગ્રહના રૂપમાં સમગ્ર રાષ્ટ્રને શિક્ષા ખમવી પડી હતી એમ માનતા હતા. એટલે તે કહે છે :

    “યુદ્ધના દૈવી કોપરૂપ આ જબરદસ્ત શાપનો જલદી અંત આવે, એવી આપણે ઉમળકાભેર આશા રાખીએ અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીએ. છતાં અઢીસો વરસની ગુલામીની મજૂરીથી એકઠી કરવામાં આવેલી કશાં દામ આપ્યા વિનાની સઘળી સંપત્તિ હોમાઈ જાય ત્યાં સુધી, તેમ જ ચાબૂકથી વહેવડાવવામાં આવેલા લોહીનો બદલો તલવારથી વહેવડાવવામાં આવેલા રુધિરના છેલ્લા બિંદુથી લેવામાં આવે ત્યાં સુધી એ (યુદ્ધ) ચાલુ રહે એવી ઈશ્વરની ઇચ્છા હોય તો, ત્રણ હજાર વરસ પૂર્વે કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે હજી પણ કહેવું જોઈએ કે ઈશ્વરના ચુકાદાઓ સર્વથા સાચા અને ન્યાયપૂર્ણ હોય છે.”

    પોતાના આ પ્રવચનના સંબંધમાં લિંકને એક મિત્રને લખ્યું: “મારું મંગળ પ્રવચન અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું કે લખ્યું તેના કરતાં વધારે સારું છે.”

                 ********

    બળવાનો અંત બહુ નજીક દેખાતો હતો. કોન્ફેડરેટ રાજ્યોના એક લાખ જેટલા સૈનિકો સૈન્ય છોડીને ભાગી ગયા હતા. તેમના મુલકમાં ભરતી કરી શકાય એવો છેલ્લો ગોરો પુરુષ લશ્કરમાં જોડાઈ ચૂક્યો હતો. હવે વધુ ગોરા સૈનિકો મેળવવાનું અશક્ય હતું. એ સ્થિતિમાં કોન્ફેડરેટ સંસદે છેલ્લા ઉપાય તરીકે ગુલામોને લશ્કરમાં ભરતી કરવાનું ઠરાવ્યું. આમ, ગુલામીની પ્રથા ટકાવી રાખવાને મરણિયા બનેલા ગુલામ-માલિકોને માટે લડવાને ગુલામોને લશ્કરમાં ભરતી કરવામાં આવ્યા. અને બદલામાં તેમને ગુલામીમાંથે મુક્તિને ભેટ આપવાનું ઠરાવવામાં આવ્યું !

    અને વિધિની વિચિત્રતા તો જુઓ— ગુલામી ટકાવી રાખવા માટે જે ગુલામ યુદ્ધને મોરચે જઈ પોતાના પ્રાણની આહુતિ આપે, તે ગુલામ મટ્યો; પણ ગુલામી ટકાવવા માટે લડવા ન માગનાર ગુલામ જ રહ્યો !

                 *********

    ઘેરાઈ ગયેલા કોન્ફેડરેટ સૈન્ય પર છેવટનો હુમલો કરવાની સંઘરાજ્યના સેનાપતિ ગ્રાંટ હવે તૈયારી કરી રહ્યા હતા. પરંતુ એ પહેલાં  બળવખોર સૈન્યની શરણાગતિ અંગે તે પ્રમુખ સાથે મસલત કરી લેવા ઈચ્છતા હતા. એટલે પ્રમુખને તેણે પોતાના વડા મથકે આવવાનું આમંત્રણ આપ્યું. લિંકન ખૂબ જ થાક્યાપાક્યા હતા. રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસમાં આવ્યા પછી એક પણ  દિવસ તેણે રજા ભોગવી નહોતી. એટલે કંઈક આરામ લેવાને અર્થે ગ્રાંટનું આમંત્રણ તેણે સ્વીકારી લીધું. આગબોટમાં બેસીને સિટી પોઈન્ટ નામના સ્થળે જવા તે નીકળ્યા. શરણાગતિની બની શકે એટલી હળવી શરતો આપવાની સૂચના ઉપરાંત, હવે વધુ યુદ્ધ ટાળી શકાય તો ટાળવાની સલાહ પણ લિંકને સેનાપતિને આપી.

    પ્રમુખ સાથેની મંત્રણા બાદ ગ્રાંટ મોરચા પર જવા રવાના થયા. લિંકન આગબોટમાં રહ્યા.

    1865ના એપ્રિલની બીજી તારીખે રાત્રે અગિયાર વાગ્યે કોન્ફેડરેટ પ્રમુખ ડેવીસ, તેના મંત્રીઓ અને અમલદારો પોતાનું પાટનગર  રીચમંડ છોડી ગયા. બીજે દિવસે સવારે જનરલ વિટ્ઝેલે રીચમંડની શરણાગતિ સ્વીકારી, અને શરણાગતિની વિધિ માટે લિંકન આગબોટમાં રીચમંડ જવા નીકળ્યા. માર્ગમાં આગબોટ નદીમાં ખૂંપી ગઈ. હલેસાંથી ચાલતી હોડી પ્રમુખને રીચમંડ લઈ આવી. આમ પ્રમુખે વિજયસૂચક ધજાપતાકા યા તોપોની સલામી વિના જ દુશ્મનોના પરાજિત પાટનગરમાં પગપાળા પ્રવેશ કર્યો. રીચમંડ ખાલીખમ અને સુનકાર હતું. પ્રમુખના આગમનની કોઈને જાણ કરવામાં આવી નહોતી, એતલે તેનું સ્વાગત કરનાર પણ ત્યાં કોઈ જ નહોતું. માત્ર થોડાક હબસી ગુલામો ત્યાં એકઠા થઈ ગયા. તેઓ નજીકમાં જ દ્રાક્ષની વાડીમાં કામ કરતા હતા. લિંકન આવ્યાની જાણ થતાં, પોતાનું કામ છોડીને વાડીમાંથી તેઓ બહાર નીકળી આવ્યા. એક વૃદ્ધ ગુલામ બોલી ઊઠ્યો :”ઈશ્વરનો આભાર. પેલો રહ્યો મહાન પેગંબર, મહાન મુક્તિદાતા ! જોતાંની સાથે જ મેં તેને ઓળખી કાઢ્યો. કેટલાંય વરસથી તે મારા હ્રદયમાં વિરાજમાન છે, અને આખરે તે આવ્યો –તેનાં સંતાનોને બંધનમાંથી મુક્ત કરવાને !” આમ બોલીને તે લિંકનને પગે પડ્યો અને તેણે મુક્તિદાતાના ચરણ ચૂમ્યા.

    બાર-પંદર ગુલામો આ રીતે લિંકનને પગે પડ્યા. થોડી જ મિનિટ અગાઉ, હંમેશ મુજબ તેઓ કામ કરી રહ્યા હતા. તેમના ભાવિમાં આટલો જલદી અને આટલો મોટો પલટો આવવાનો છે.તેની એ બિચારા ભોળા લોકોને લેશમાત્ર પણ ખબર નહોતી. એટલે આશ્ચર્યચકિત થઈને તેઓ એક લાંબા, સૂકલકડી અને કરુણાપૂર્ણ આંખોવાળા પુરુષને ઊંડા ભક્તિભાવથી નમન કરતા ઊભા રહ્યા. તેમના આ  વર્તનથી લિંકન જરા મૂંઝાઈ ગયા. પછી તે બોલ્યા : “ભલા, મને પગે ન પડો. તમારે કેવળ ઈશ્વરને જ પગે પડવું જોઈએ. અને હવે જે સ્વતંત્રતા તમે ભોગવવાના છો એ માટે તેનો પાડ માનવો જોઈએ. હું તો ઈશ્વરના હાથમાં કેવળ એક સાધન છું.”

    કશી બડાઈ નહીં, કશી વાક્છટા નહીં,વિજયનો કશો ગર્વ નહીં—કેવળ સમભાવયુક્ત અંતરના ઉદ્ ગારો !

    પછી હબસીઓએ એકબીજાના હાથ પકડીને લિંકન તથા તેની મંડળીની ફરતે કૂંડાળું કર્યું અને હર્ષાવેશથી ભાવપૂર્વક તેઓ ભજન ગાવા લાગ્યા. ચોપાસથી એકાએક બીજા હબસીઓ આવીને ટોળે વળ્યા. જાણે પૃથ્વીના પેટાળમાંથી એકાએક તેઓ ફૂટી નીકળ્યા ! લિંકન આગળ વધવા લાગ્યા. રસ્તામાં રડ્યોખડ્યો એક ઘોડેસવાર નજરે ચડ્યો. કોઈકે તેને તાબડતોબ જનરલ વિટ્ ઝેલના વડા મથકે મોકલ્યો, અને કોણ આવે છે તેના સમાચાર કહેવડાવ્યા.

    આ રીતે ગોરો પ્રમુખ અને હજારો કાળા હબસીઓ શહેરમાં સાથે દાખલ થયા. તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝરૂખાઓમાંથી રીચમંડવાસીઓએ પ્રમુખને જોયા. પ્રત્યેક બારી માણસોનાં ડોકાંઓથી ખીચોકીચ હતી, પણ એ મૂક સમુદાય હતો. સત્કાર કે તિરસ્કારના કશા પણ અવાજ વિનાના એ હજારો લોકોને કંઈક અકથ્ય વસ્તુ પીડી રહી હતી.

    એપ્રિલ માસના એ દિવસના તાપમાં પ્રમુખની મંડળીએ ધૂળિયા મહોલ્લાઓમાં થઈને લગભગ બે માઈલ પગપાળા કાપ્યા. માર્ગમાં તેમને એક પણ સૈનિક, નાગરિક યા ઘોડાગાડીનો ભેટો થયો નહીં. એટલામાં, પ્રમુખના આગમનના સમાચાર આપવાને મોકલવામાં આવેલો ઘોડેસવાર પાછો આવી પહોંચ્યો. તે તેમને કોન્ફેડરેટ પ્રમુખના, હવે ખાલી કરવામાં આવેલા નિવાસસ્થાને દોરી ગયો.

                      ******

 ઈશ્વર પોતાના ફિરસ્તાઓને પૃથ્વી પરનું તેમનું જીવનકાર્ય પૂરું થતાં પોતાની પાસે પાછા બોલાવી લેતો હોય એમ જણાય છે. લિંકન જીવનભર જેને માટે ઝંખ્યા હતા અને ઝૂઝ્યા હતા તે યુનાઈટેડ સ્ટેઈટ્સના સંઘરાજ્યની અખંડિતતા તથા ગુલામોની મુક્તિ હવે વિધાતાના લેખ સમાન બન્યાં હતાં .

    ખોટા ખ્યાલ, ખોટી માન્યતા, ખોટી કલ્પના તેમ જ ખોટેવે સમજથી દોરવાઈને માનવીએ દુનિતાભરમાં પોતાના ઉદ્ધારકોને, તારકોને, હિતૈશીઓને શૂળીએ ચડાવ્યાના, તેમની કરપીણ હત્યા કર્યાના દાખલાઓથી ઇતિહાસનાં પાનાં કલંકિત થયેલાં છે. સોક્રેટીસનું શું થયું? ઈશુ ખ્રિસ્તનું શું થયું? અને હમણાં જાણે ગઈ કાલે જ ગાંધીજીનું શું થયું? જેમને તેઓ ઉદ્ધારવા , તારવા ચાહતા હતા, જેમના કલ્યાણ માટે તેઓ અહર્નિશ તરસતા હતા, તેમણે જ તેમની હત્યા કરી !…..લિંકનની બાબતમાં પણ એમ જ થયું.

    લિંકન પ્રમુખપદે ચૂંટાયા ત્યારથી જ ખૂનનો ભય તેના પર સતત ઝઝૂમતો રહ્યો હતો. પણ તે કંઈક પ્રારબ્ધવાદી હતા અને તેથી પોતાની સલામતી માટે દરકાર રાખતા નહીં. તે કહે: “લાંબા સમયથી મેં મનમાં નક્કી કરી નાખ્યું છે કે કોઈ માણસ મને મારી નાખવા માગે તો અવશ્ય તે એમ કરશે. હું અંદરથી પોલાદનું  બખ્તર પહેરું અને અંગરક્ષક રાખું એથી કશો ફેર નહીં પડે . કોઈ માણસને મારવો જ હોય તો એના હજાર રસ્તા છે.” 

    જોન વિલ્કીસ બૂથ નામનો રંગભૂમિનો જણીતો નટ લિંકનનું ખૂન કરવાને કેટલાયે સમયથી રોકવામાં આવેલા હત્યારાઓની ટોળીનો નાયક હતો. તે લિંકનને પોતાના દેશનો શત્રુ લેખતો આવ્યો હતો. યુદ્ધ સળગાવવા માટે તથા હવે દક્ષિણના સંપૂર્ણ વિનાશ સુધી એ ચાલુ રાખવા માટે લિંકનને તે જવાબદાર લેખતો હતો. રીચમંડના પતનની સાથે જ બૂથે લિંકનનું ખૂન કરવાનું કાવતરું યોજ્યું.

    14મી એપ્રિલનું વહાણું વાયું. એ રાત્રે પ્રમુખ-પત્ની મેરીએ નાટક જોવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. લિંકનની બિલકુલ ઇચ્છા નહોતી, પણ મેરીનું મન રાખવાને તે નાટક જોવા જવાને કબૂલ થયા હતા. એ દિવસે ગુડ ફ્રાયડેનો પવિત્ર તહેવાર હતો. લિંકનના મુખ પર અપાર પ્રસન્નતા, ભલાઈ અને સ્વસ્થતા તરવરતાં હતાં.

    પ્રમુખ નાટક જોવા થિયેટરમાં જનાર છે એની જાણ બૂથને થઈ હતી, એટલે અગાઉથી તે બધી તૈયારી કરી રહ્યો હતો. થિયેટરમાં જઈને, પ્રમુખ માટે અનામત રાખવામાં આવેલી ખાસ બેઠકની પાછળના બારણામાં એક કાણું તે પાડી આવ્યો.

    પ્રમુખને નાટ્યગૃહમાં આવેલા જોઈને પ્રેક્ષકોએ ઊભા થઈને હર્ષનાદોથી તેને વધાવી લીધા. લિંકને સૌને વંદન કર્યાં. નાટક શરૂ થઈ ચૂક્યું હતું. પ્રમુખની બેઠકના પ્રવેશદ્વાર આગળ એક સશસ્ત્ર પહેરેગીર મૂકવામાં આવ્યો હતો. તે કંઈક આઘોપાછો થયો હશે. પેલા કાણામાંથી બૂથ આ બધું જોઈ રહ્યો હતો. હવે તે ચૂપકીદીથી અંદર પેઠો ને પ્રમુખના માથાના પાછલા ભાગ પર બરાબર તાકીને પિસ્તોલનો ઘોડો તેણે દબાવ્યો. ભડાકો થયો અને ગોળી લિંકનના મગજમાં પેસી ગઈ. એ બેભાન થઈને લોહી નીગળતા ખુરસી પર ઢળી પડ્યા. જંગલી પશુની જેમ છલાંગ મારીને બૂથ નાસી છૂટ્યો અને બહાર ઊભા રાખેલા ઘોડા પર સવાર થઈને પળવારમાં અલોપ બની ગયો.

    ભડાકો થતાંની સાથે પ્રેક્ષકો અવાક અને બેબાકળા થઈ ગયા. શું બન્યું છે તેની પ્રથમ તો તેમને સમજ ન પડી, પણ “પ્રમુખ પર ગોળી છોડી છે.” એવી ચીસ મેરી પાડી ઊઠી એ સાંભળીને પ્રેક્ષકોમાં કારમી અરેરાટી ફેલાઈ ગઈ. નાટક નાટકને ઠેકાણે રહ્યું. સૈનિકો આવી પહોંચ્યા. બેશુદ્ધ લિંકનને ઊંચકીને નજીકના એક સામાન્ય મકાનમાં લઈ જવામાં આવ્યા.

    આખી રાત લોકોનું વિશાળ ટોળું ત્યાં ખડે પગે ઊભું રહ્યું. સૌના મુખ પર અકથ્ય વેદના અને ગ્લાનિ ફરી વળી હતી. દાકતરી ઉપાયો કારગત આવે એમ હતું જ નહીં. સવારે સૂર્યોદયને સમયે પ્રાણ તેનું ખોળિયું છોડી ગયો. શનિવાર, એપ્રિલ 15, 1865.

    આકાશ વાદળાંથી ઘેરયેલું હતું. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. માનવજાતના અનન્ય ચાહકની વિદાયને કારણે આકાશ જાણે કે આંસુ સારી રહ્યું હતું.

**********************************************    

      

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: