એબ્રહામ લિંકન—ભાગ બીજો

એબ્રહામ લિંકન—ભાગ બીજો

 

એબ્રહામ લિંકન

ખીસાપોથી

 

મણિભાઈ દેસાઈ

સંપાદક: મહેન્દ્ર મેઘાણી

લોકમિલાપ પ્રકાશન

 

(20)લડત તેમની શ્રદ્ધા તેમ જ ધીરજની કસોટી કરનારી હોય છે. એ સંજોગોમાં, ઢીલાપોચા સુધારકો હતાશ થઈને લડત છોડી દે છે. અને ઝનૂની સુધારકો અકળાઈને મરણિયા બને છે તથા સમજાવટનો, કાયદાનો, વાજબી પણ લાંબો માર્ગ તજીને, ટૂંકો દેખાતો, અત્યાચારનો ગેરવાજબી માર્ગ અપનાવે છે.

    અમેરિકાના વીર પુરુષ જોન બ્રાઉનની બાબતમાં કંઈક આવું જ બનવા પામ્યું હતું. તેની સમગ્ર કારકિર્દી અતિશય રોમાંચક છે, અને એથીયે વિશેષ કરુણ છે. રોમાંચક એટલા માટે કે, જેને તે અન્યાય લેખતા હતા તેના નિવારણ અર્થે તેણે ભેખ લીધો, અતિશય ગરીબાઈ તથા પારાવાર હાડમારીનું કઠોર જીવન સ્વેચ્છાએ અપનાવ્યું, પોતાના વહાલા પુત્રો સહિત સર્વસ્વનું બલિદાન આપ્યું અને છેવટે પોતાના ઉમદા જીવનની આહુતિ પણ આપી. કરુણ એટલા માટે કે, એનાં સઘળાં બલિદાનો એળે ગયાં એમ તો ન કહેવાય, પણ જે અન્યાય દૂર કરવાને તેણે ભેખ લીધો હતો, કેસરિયાં કર્યાં હતાં , તે એને પરિણામે દૂર તો ન જ થયો; ઊલટું તેનાથી જુદે માર્ગે, તેનું નિવારણ કરવાને જેઓ મથતા હતા તેમનું કાર્ય મુશ્કેલ બની ગયું, અને આખરે દેશને આંતરવિગ્રહના દાવાનળમાંથી પસાર થવું પડ્યું.

    પોતાના શાશ્વત સંગ્રહને અર્થે વહાલું વતન તજીને ‘મેક્ ફલાવર’ વહાણમાં અમેરિકાને આશરે આવેલા ગોરા યાત્રી વડવાઓના જોન બ્રાઉન એક વંશજ હતા. તેના બે દાદાઓ અમેરિકાનાં સંસ્થાનોના ઇંગ્લેન્ડ સામેનાસ્વાતંત્ર્ય –યુદ્ધમાં લડ્યા હતા. નાનપણથી જ તે અતિશય ધર્મપરાયણ હતા, અને ‘બાઈબલ’ નો પાઠ કરવાનો તેનો નિત્યક્રમ હતો. સામાન્ય કાળમાં તેણે એક અતિશય ધર્મપરાયણ, ઉદાર, (21) પરગજુ, પરસુખભંજક અને નિરુપદ્રવી પુરુષ તરીકે , શાંતિથી પોતાનું જીવન વિતાવ્યું  હોત.પરંતુ  જોન બ્રાઉન  અસામાન્ય સમયમાં જન્મ્યા હતા. ઈશ્વર અને સ્વતંત્રતા એ બે તેના આરાધ્યદેવો હતા,અને એ બંનેને માટે ચાહે તે કરવાને તથા સહેવાને તે તત્પર હતા. હબસીઓની ગુલામી એને કઠતી હતી, અસહ્ય લાગતી હતી. માનવતા પરના એ ઘોર અન્યાય સામેનો તેનો રોષ અને વિરોધ વધતો જ ગયો. પરિણામે આરામ, સુખસગવડ, શાંતિ તેને માટે હરામ થઈ પડ્યાં. છેવટે, પોતાનું જીવતર સુદ્ધાં તેને અકારું થઈ પડ્યું. એટલે પોતાનો ધંધો-રોજગાર તજીને એ અન્યાયના નિવારણ અર્થે તેણે ભેખ લીધો. હવે તેણે હબસી ગુલામોની મુક્તિને અર્થે કઠોર ગરીબાઈ, હાડમારી અને પારાવાર જોખમનું જીવન અપનાવ્યું. પતિ-પરાયણ તેની પત્નીએ અને પિતૃભક્ત તેનાં અઢાર સંતાનોએ પણ સહર્ષ અપનાવ્યું .

    જોન બ્રાઉને પ્રથમ તો ગુલામોને તેમના અમેરિકન માલિકોના ક્રૂર પંજામાંથી ભગાડીને કેનેડાની મુક્ત ભૂમિ સુધી પહોંચાડવાનું જોખમભર્યું કાર્ય ઉપાડ્યું. એ રીતે ભગાડવામાં આવેલા ગુલામોને આશરો તથા મદદ આપવાને, દક્ષિણનાં ગુલામીયુક્ત રાજ્યોથી માંડીને ઠેઠ કેનેડાની સરહદ સુધી ઠેકઠેકાણે ગુપ્ત થાણાંઓ હતાં. ભાગી છૂટેલા ગુલામોને એ થાણાંમાં દિવસ દરમ્યાન આશરો મળતો, અને રાત્રે ત્યાંથી તેમને આગળના એવા બીજા સ્થળે પહોંચાડવામાં આવતા. લગભગ અઢી હજાર માઈલ જેટલા લાંબા અંતર સુધી આવી સળંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંકેતિક ભાષામાં તેને “ભૂગર્ભ રેલવે” એવું નામ આપવામાં આવ્યું હતું.(22)

    પરંતુ કાયદાનો ભંગ કરીને આ રીતે ગણ્યાગાંઠ્યા ગુલામોને કેનેડા પહોંચાડી તેમને મુક્ત કરવા માત્રથી બ્રાઉનના આત્માને સંતોષ થયો નહીં. તે તો આ ઈશ્વરદ્રોહી તેમ જ મનુષ્યદ્રોહી એવી ગુલામીની પ્રથાને એક ઝાટકે નિર્મૂળ કરવા ચાહતા હતા. એવામાં “લોહી નિંગળતા” કેન્સાસ રાજ્યનો આર્તનાદ તેના કાને અથડાયો. કેન્સાસમાં, પાડોશના ગુલામીવાળા મસૂરી રાજ્યમાંથી ગુલામી-તરફી હુમલાખોરોનાં ધાડાં આવીને ત્યાંના ગુલામી-વિરોધી રહેવાસીઓ પર કારમા અત્યાચારો ગુજારતાં હતાં, તેમનાં ઘરબાર લૂંટતાં તથા બાળતાં હતાં અને તેમનાં સ્ત્રીબાળકોની કરપીણ હત્યા કરતાં હતાં. એ બધું જાણી બ્રાઉનનો પરદુખભંજક આત્મા કકળી ઊઠ્યો. જુલમનો ભોગ બનતા કેન્સાસના ગુલામી-વિરોધી રહેવાસીઓને મદદ કરવાને તેણે પોતાના પાંચ પુત્રો સાથે પડાવ નાખ્યો, અને કેન્સાસવાસીઓ પર અત્યાચાર ગુજારનારાઓ પર સામેથી તેણે પણ એવા જ અત્યાચારો ગુજારવા માંડ્યા ને તેમને તોબા તોબા પોકરાવ્યા.

    પોતે જે કાંઈ કરતા હતા એ બધું ‘બાઈબલ’ના આદેશ પ્રમાણે જ અને ધર્મબુદ્ધિથી કરતા હતા, એમ જોન બ્રાઉન ખાતરીપૂર્વક માનતા હતા. ઈશ્વરના હાથમાં પોતે એક સાધનરૂપ જ છે, અને તેની ઈચ્છા પ્રમાણે જ કાર્ય કરે રહ્યા છે, એ વિશે તેના મનમાં લવલેશ શંકા નહોતી. બ્રાઉન, તેના પુત્રો અને જૂજ સાથીઓ તેમના કરતાં ઘણી મોટી સંખ્યા ધરાવનારા હુમલાખોરોને એવા તો મારી હઠાવતા(23) કે, ફરીથી તેમની સામે આવવાની હિંમત જ તેઓ કરી શકતા નહીં. સરકારનું સૈન્ય પણ તેમની સમીપ જવાની હિંમત કરી શકતું નહોતું. આથી, બ્રાઉનને બહારવટિયો જાહેર કરી તેના માથા માટે ઈનામ જાહેર કરવાની સરકારને ફરજ પડી. પણ એ ખુદાના બંદાતો ભય શું છે એ જાણતા જ નહોતા. તે હંમેશા કહેતા કે, ઈશ્વરથી હું એટલો બધો ડરું છું કે પછી બીજો કોઈ પણ ભય મને ડરાવી શકતો જ નથી.

    સામસામી ઝપાઝપીમાં કોઈ માણસ પકડાય અથવા શરણે આવે, એટલે તે બ્રાઉનનો દુશ્મન મટી જતો અને સેવ્ય બનતો. પછી તેને માટે બ્રાઉનના દિલમાં અખૂટ દયા અને સમભાવ જ ઊભરાતાં.તેને તે માનભેર રખતા, પ્રેમથી તેની ખાતર-બરદાસ કરતા અને તે ઘાયલ થયો હોય તો લાગણીપૂર્વક તેની સેવાચાકરી કરતા.

                 ********

 પણ બ્રાઉનના આત્માને એટલામાત્રથી સંતોષ નહોતો. દીનહીન ગુલામોની પરાધીનતા અને દુર્દશા તેને વધારે જલદ પગલું ભરવાને પ્રેરી રહી હતી. ગુલામો પાસે બળવો કરાવી, તેમનું લશ્કર બનાવી, દક્ષિણ પર ચડાઈ કરી, સઘળા ગુલામોને બંધનમુક્ત કરવાનો તેણે હવે નિશ્ચય કર્યો. એ માટે શસ્ત્રો અને દારૂગોળો જોઈએ. એ મેળવવાને, જ્યાં સરકારી શસ્ત્રાગાર અને શસ્ત્રોનું કારખાનું હતું એ હેપર્સ ફેરી નામના કસબાનો કબજો લેવાનો તેણે નિર્ણય કર્યો. પોતાની એ યોજના તેને વિશ્વાસુ સાથીઓને(24) જણાવી. શેખચલ્લીના જેવી તરંગી એ યોજનાનો તેમણે સખત વિરોધ કર્યો અને એવું અવિચારી જોખમ ન ખેડવાને તેને સમજાવ્યા. પણ બ્રાઉનને મન કશું જ અશક્ય નહોતું, અને જોખમ સાથે તો તેને મહોબત હતી. એક માનવી અને ઈશ્વર મળીને, ધારે તો, આખા વિશ્વને અચૂક ઉથલાવી નાખી શકે એમ તે શ્રદ્ધાપૂર્વક માનતા હતા. એવા માણસને ભય શું? જોખમ શું? એટલે હેપર્સ ફેરીમાં આવેલા શસ્ત્રાગાર પર હુમલો કરીને યુનાઈટેડ સ્ટેઈટ્સની સરકાર સામે યુદ્ધે ચડવાનો અફર સંકલ્પ તેને કયો.તેને એવી શ્રદ્ધા હતી કે, એ હુમલાની વાત જાણીને ગુલામો સમજશે કે તેમનો મિત્ર તેમની વ્હારે આવ્યો છે, અને સર્વત્ર તેઓ બળવો કરશે.

    એ કાર્ય માટે બ્રાઉને, તેના બે પુત્રો સહિત, ગુલામી નાબૂદ કરવાને ફના થઈ જવા તત્પર એવા માણસો તૈયાર કર્યા. અને અઢાર જેટલા એ મરણિયા સાથીઓને, લઈને, 1859ના ઓક્ટોબરની 16મી તારીખે રાત્રે તે હેપર્સ ફેરીમાં દાખલ થયા, એ કસબાનો તેને કબજો લીધો, તારવહેવાર કાપી નાખ્યો તથા તેના મોટા રેલવે જંકશન પર આવતી-જતી ગાડીઓ અટકાવી.

    પાટનગર વોશિંગ્ટનથી માત્ર ત્રેપન માઈલને અંતરે આવેલા એ આખા કસબાનો ફક્ત અઢાર માણસ વડે કબજો લીધા પછી બ્રાઉને ત્યાંના કેટલાક ગુલામ-માલિકોને કેદ કર્યા. બ્રાઉનના એ ઓચિંતા અને હિંમતભર્યા હુમલાથી હેપર્સ ફેરીના લોકો હેબતાઈ ગયા. તેમણે માન્યું કે મોતું લશ્કર લઈને આવેલા કોઈક માણસનું એ કામ છે. (25)

    આ ભીષણ બનાવની ખબરથી આખા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ. અગાઉના વખતમાં નાટ ટર્નર નામના ગુલામે બળાવો પોકારેલો ત્યારે ગોરાઓનાં ઘરો લૂંટવા-બાળવામાં આવેલાં તથા સ્ત્રી-બાળકોને સુદ્ધાં નિર્દય રીતે રહેંસી નાખવામાં આવ્યાં હતાં, તેનું પુનરાવર્તન થશે કે શું, એમ વિચારીને દેશ હબકી ઊઠ્યો. બીજે દિવસે રોબર્ટ લી નામના લશ્કરી અમલદરે સૈનિકો સાથે તાબડતોબ હેપર્સ ફેરી પહોંચી જઈને શસ્ત્રાગારનો કબજો લેનારાઓને જેર કર્યા, ત્યારે જે લોકોનો જીવ હેઠો બેઠો.

    શસ્ત્રાગારનો કબજો લેનારા અઢાર માણસો, તેમના પૈકી બે સિવાયના બધા જ મરાયા કે ઘાયલથઈને ઢળી પડ્યા  ત્યાંસુધી, કર્નલ લીની ટુકડી સાથે લડ્યા. પોતાના પુત્રનું શબ તેના પગ આગળ ઢળી પડ્યું તોયે બ્રાઉને મચક ન આપી. મરણતોલ ઘાયલ કર્યા પછી જ તેને પકડી શકાયા.

    ખૂન, રાજદ્રોહ તથા બળવો કરવાને ગુલામોને ઉશ્કેરવાના આરોપો માટે બ્રાઉન પર અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. તેનો બચાવ કરવાને ઉત્તરના મિત્રોએ નામાંકિત વકીલોને મોકલ્યા. પણ બ્રાઉનને તેનો બચાવ કરવા કોઈ વકીલની જરૂર નહોતી. પોતાનો બચાવ કરવાને તે એકલા જ સમર્થ હતા. ગુનેગાર પોતે નથી, પણ ગુલામી જેવા અમાનુષી અન્યાયને સાંખી લેનારસમગ્ર રાષ્ટ્ર છે, એની તેને ગળા સુધી ખાતરી હતી. એટલે તે નિશ્ચિંત હતા, અને પોતાના જીવનનો હિસાબ આપવાને પોતાના સરજનહાર સમક્ષ ખડા થવા કોઈ પણ પળે તૈયાર હતા.

    એથી કરીને તેને ગુનેગારના પાંજરામાં ખડા કરવામાં આવ્યા હતા છતાં, પોતાની અડગ (26) ધ્યેયનિષ્ઠાથી, સચ્ચાઈથી અને એક વીરને છાજે તેવા ગૌરવયુક્ત તેના વર્તાવથી આખી અદાલતને, તેના પર કામ ચલાવનારાઓને તથા સમગ્ર રાષ્ટ્રને જ તેણે અપરાધીના પાંજરામાં મૂકી દીધાં. તેના તેજ આગળ એ સૌ ઝંખવાણાં પડી ગયાં. પણ અદાલતે તો તેને ગુનેગાર ઠરાવ્યા અને ફાંસીની સજા ફરમાવી. પૂરી સ્વસ્થતથી તેણે એ વધાવી લીધી અને અદાલતને ઉદ્દેશીને કહ્યું :

    “ હું જોઉં છું કે, અહીં સોગંદવિધિ વખતે એક પુસ્તકને ચૂમવામાં આવે છે. એ ‘બાઈબલ’ છે. એ પુસ્તકના ઉપદેશ પ્રમાણે આચરણ કરવાનો મેં પ્રયત્ન કર્યો. હું ગરીબોને માટે લડ્યો એ વાજબી હતું, કારણકે ઈશ્વર આગળ સૌ સમાન છે. હવે, ન્યાયના હેતુને અર્થે મારે મારો પ્રાણ ગુમાવવો જોઈએ અને મારાં સંતાનોના રુધિર સાથે, તથા ક્રૂર અને અન્યાયી કાયદાઓ દ્વારા આ ગુલામોના દેશમાં જેમના હકોની અવગણના કરવામાં આવે છે એવા લાખો લોકોના રુધિર સાથે, મારું રુધિર મેળવવું એ જરૂરી લેખવામાં આવતું હોય તો…… હું કહું છું કે ભલે તેમ થાઓ.”

    ફાંસીની સજા પામેલા જોન બ્રાઉનને સખત ચોકીપહેર નીચે જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યાંથી તેને ઉપાડી જવાની તેના મિત્રોએ યોજના ઘડી. પણ બ્રાઉને તેમને સંદેશો મોકલ્યો કે, મર્યા પછી જ સ્વતંત્રતાને માટે હું વધારે ઉપયોગી થઈ પડીશ. ભાગી છૂટવા કરતાં સ્વતંત્રતાની વેદી પર પોતાનું બલિદાન આપવાનું જ તેણે પસંદ કર્યું. દેશના જુવાનોમાં તે એક યાદગીરીરૂપ બનવા ચાહતા હતા, તેની (27)  ઉંમર ઓગણસાઠ વરસની હતી, પણ તેની પડખે રહીને લડતાં લડતાં ધ્યેયને અર્થે ખપી જનારાઓની સરેરાશ ઉંમર માત્ર પચીસ વરસની હતી.

    એક મહિના બાદ તેને ફાંસીએ લટકાવવામાં આવ્યા. આ ધરતી પરના છેલ્લા દિવસો તેણે ફાંસેખોલીમાં અભૂતપૂર્વ શાંતિ તથા કર્તવ્ય બજાવ્યાના સમાધાનપૂર્વક વિતાવ્યા. તે એક પ્રકારની કૃતકૃત્યતા, સાર્થકતા અનુભવી રહ્યા હતા. મોતની કોટડીમાંથી તેણે એક પાદરીને પત્રમાં લખ્યું: “તેઓ ભલે મને ફાંસીએ લટકાવે. હું તેમને માફ કરું છુંઅને ઈશ્વર પણ તેમને માફ કરો કારણ કે, પોતે શું કરી રહ્યા છે એ તેઓ જાણતા નથી.”

    તા.2 ડિસેમ્બરે સવારે બ્રાઉનને તેની ખોલીમાંથી લઈ જવામાં આવ્યા. તેને કશું પણ બોલવા દેવામાં નહીં આવે એમ જેલરે કહ્યું, ત્યારે બ્રાઉને કાગળની એક કાપલી તેના હાથમાં મૂકી—એ તેનો આખરી સંદેશો હતો : “ હું જોન બ્રાઉન, ખાતરીપૂર્વક માનું છું કે આ અપરાધી મુલકનાં પાપ લોહી રેડ્યા વિના કદી પણ ધોવાવાનાં નથી. ઝાઝી ખુનામરકી વિના એ થઈ શકશે એવી મારી ધારણા વ્યર્થ હતી, એમ હવે મને લાગે છે.”

    ફરતા ત્રણ હજાર બંદૂકધારી સૈનિકો ખડા હતા, અને ફાંસીના માંચડાનાં પગથિયાં તે મક્કમ પગલે ચડ્યા. મરણની સન્મુખે બ્રાઉનની સ્વસ્થતા, અડગતા, નિર્ભયતા તથા બેફિકરાઈ જોઈને તેના વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થયા. જરા સરખા પણ થડકાટ વિના, શાંતિથી તે મરણને ભેટ્યા. એમરસન, થોરો, લોંગફેલો તથા વિકટર હ્યુગો જેવા જગમશહૂર વિચારકો ને સાહિત્યકારોએ આગળ જતાં તેની તુલના ઈશુ ખ્રિસ્ત, સોક્રેટીસ તથા દુનિયાના બીજા અમીર શહીદો સાથે કરી.

    જોન બ્રાઉનનો દેહ સૌની જેમ માટીમાં મળી ગયો. પરંતુ  જેને માટે તેણે પોતાનું તેમ જ પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું તે અન્યાય દૂર કરીને જ પછી યુનાઈટેડ સ્ટેઈટ્સની પ્રજા જંપી.

************************************************

  

        

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: