ગાંધીબાપુ16

ગાંધીબાપુ16

(ફુદસિયા જૈદીના ગાંધીબાબાનો અનુવાદ/નવજીવન)

   “બાપુના જેલમાંથી બહાર નીકળતાંની સાથે હિંદુસ્તાનીઓના અંધારા ભરેલાં અને ઉદાસ દિલોમાં નવી આશાનુ6 અજવાળું થયું. તેમને થયું કે અમારો તારણહાર આવી પહોંચ્યો છે. ગાંધીજી પોતાના નબળા શરીરમાં ફરી તાકાત આવે તે સારુ થોડા દિવસ સુધી પૂના અને જૂહુમાં રહ્યા. શરીર વળતાં જ સ્વાતંત્ર્યયુદ્ધના સેનાપતિ કમર કસીને તૈયાર થઈ ગયા. તેમણે લોકોને તેમની એકએક ભૂલ સમજાવી અને સરકારની ભૂલો તરફ સરકારનું ધ્યાન પણ દોર્યું. અંગ્રેજો હિંદુસ્તાનીઓને તેમનું રાજ્ય સોંપી દે તે માટે તેમણે ફરી એક પ્રયત્ન કરી જોયો. પણ તે સફળ ન થયો. અંગ્રેજો હિંદનું રાજ્ય છોડવા માટે તૈયાર નહોતા. તેઓ દર વખતે એકની એક વાત આગળ કરતા અને કહેતા  કે હિંદુઓ અને મુસલમાનો એક થઈ હિંદનું રાજ્ય ચલાવવા તૈયાર થાય તો અમે તેમને સ્વતંત્રતા આપીએ. ગાંધીજી કહેતા કે હિંદુ અને મુસલમાન બંને એક જ દેશના વતની છે અને તેથી અમારી વચ્ચેના મતભેદો એ અમારા ઘરનો સવાલ છે. અંગ્રેજ સરકારે એ સવાલમાં માથું ન મારવું જોઈએ. સ્વતંત્રતા મળતાં આ દેશમાં કોણે કેવી રીતે રહેવું તેની અમે સમજૂતી કરી લઈશું. પણ તે વખતે આપણા દેશમાં વાંદરાના ન્યાયની વાર્તાનું નાટક ભજવાતું હતું. એક વખત બે બિલાડીઓ વચ્ચે રોટલો વહેંચવા જતાં તકરાર પડી. તેમણે એક વાંદરાને ન્યાય કરવા બોલાવ્યો અને તેને રોટલો સરખે ભાગે વહેંચી આપવા જણાવ્યું. વાંદરો  ખૂબ ચાલાક હતો. તે રોટલાના બે ભાગ કરી ત્રાજવાં લઈ જોખવા બેઠો. જે પલ્લું નમ્યું તેમાંથી એક મોટું બટકું તે ખાઈ ગયો. આમ કરવાથી તે પલ્લું હલકું થઈ ગયું અને બીજું પલ્લું નમી ગયું. બે પલ્લાં સરખાં કરવા માટે ફરીથી તે નમેલા પલ્લામાંથી એક બટકું ખાઈ ગયો. હવે પહેલું પલ્લું ફરી નમી ગયું, એટલે તેણે ફરીથી તેમાંથી એક બટકું હડપ કર્યું, અને એ રીતે બે પલ્લાં સરખાં કરવા જતાં એ બિરાદર આખો રોટલો સફાચટ કરી ગયા અને બંને બિલાડીઓ એકબીજાનું નોં તાકતી રહી ગઈ !

    “આ રીતે હિંદુ અને મુસલમાન બંને અંદર અંદર લડીને એકબીજાનો નાશ કરતા હતા ત્યારે અંગ્રેજ સરકારના સત્તાધીશોએ કહ્યું કે, આવો, અમે તમારા દેશના હિંદુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગ પાડી આપીએ.’ જે હોય તે પણ સ્વરાજ્ય તો મળે છે એમ માની આપણા આગેવાનોએ ભાગલા સ્વીકારી લીધા. તેમને ક્યાં ખબર હતી કે વહેંચણીથી વેરઝેર અને ફાટફૂટનાં બીજ રોપાશે ?

    “દેશના દરેક ભાગમાંથી દિલ કંપાવી મૂકે તેવા સમાચાર આવવા લાગ્યા. પંજાબમાં કંઈક બખેડો શરૂ થયો હતો તેવામાં કલકત્તાથી સમાચાર આવ્યા કે ત્યાં હિંદુઓ અને મુઅસલમાનો વચ્ચે તોફાન ફાટી નીકળ્યું છે. ભાઈ ભાઈનો શત્રુ બની બેઠો છે. આ સમાચાર સાંભળી ગાંધીજી બેચેન થઈ ગયા. અને કલકત્તા ગયા. તેમણે જે સાંભળ્યું હતું તે ખરેખર સાચું હતું. સેંકડો વર્ષોથી એક જગ્યાએ સંપીને રહેતા એ હિંદુમુસલમાન બંને એકબીજાના કટ્ટા દુશ્મન બન્યા હતા. બાપુએ ત્યાં પહોંચતાં જ કલકત્તાના મેદાનમાં એક જાહેર સભા બોલાવી. જે  હિંદુ અને મુસલમાન એકબીજાનું મોં જોવા પણ રાજી નહોતા તે સૌ બાપુની વાત સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભેગા મળ્યા. ગાંધીજીએ તેમને સૌને પ્રેમનો સંદેશ સંભળાવ્યો. થોડા જ વખતમાં તેમના દિલનો મેલ અને વેરઝેર ધોવાઈ ગયાં. બાપુએ એવી ઇચ્છા બતાવી કે હિંદુ અને મુસલમાન લોકોએ જે હથિયારો ભેગાં કરી રાખ્યાં છે તે તેઓ પોતાને સોંપી દે. લોકોએ તેવું ન કર્યું એટલે ગાંધીજી સમજી ગયા કે હજુ થોડી કસર રહી ગઈ છે. લોકોનાં મન હજુ તદ્દન સાફ નથી થયાં. તેથી તેઓ ઉપવાસ પર ઊતર્યા. બંગાળના લોકોને તેમના ઉપવાસની ખબર પડતાં જ સેંકડો યુવાનોએ હજારોની સંખ્યામાં હથિયાર લાવીને બાપુને સુપરત કર્યાં, કદી અંદર અંદર ન લડવાની પ્રતિજ્ઞા લીધી, અને તે ખરેખર પાળી બતાવી.

    “વેરઝેરની ઝાળ હજુ પૂરી ઠંડી પડી નહોતી. બાપુ દેશના એક ભાગમાં શાંતિ સ્થાપતા ત્યાં બીજા ભાગમાં એ જ્વાળાઓ ભડકી ઊઠતી. તે જ દિવસોમાં પૂર્વબંગાળમાં આવેલા નોઆખાલીમાંથી એવા સમાચાર આવ્યા કે, ત્યાં મુસલમાનો હિંદુઓનાં ઘર લૂંટે છે અને હિંદુઓની કતલ કરે છે. આ વાત સાંભળતાં જ સુકલકડી કાયાવાળો એ ડોસો જીવને જોખમે નોઆખાલીના એક ગામમાં પ્રેમનો પેગામ લઈને પહોંચી ગયો. તેઓ મોટે ભાગે પગપાળા પ્રવાસ કરતા. કેટલાક સ્થળે તો તેઓ ઉઘાડે પગે ચાલ્યા જતા. નોઆખાલીમાં તેઓ ગ્રામવાસીઓ સાથે રહેતા, ત્યાંજ જમતા અને આરામ પણ  ત્યાં જ કરતા. તેઓ લોકોને બોલાવી તેમને સમજાવતા અને તેમણે છીનવી લીધેલી વસ્તુઓ મૂળ માલિકને પાછી અપાવી દેતા. લોકોને નવેસરથી પોતાના ઘરમાં રહી શકે તેવી વ્યવસ્થા કરી આપતા અને જેઓ એકબીજાથી છૂટા પડી ગયા હતા તેવાઓનો મેળ કરાવી આપતા.

    “નોઆખાલી પછી બિહારનો વારો આવ્યો.ત્યાંથી સમાચાર મળ્યા કે હિંદુઓએ મુસલમાનોનાં ગામનાં ગામ ઉજ્જડ કરી નાખ્યાં છે. બિહારની આપત્તિ સાંભળી બાપુનું મન ફફડી ઊથ્યું અને તેઓ બિહાર પહોંચ્યા. તેમણે ત્યાં પણ પ્રેમનો પેગામ લોકોને સંભળાવ્યો અને કહ્યું કે કોઈ પણ માણસનો જીવ લેવો એ મોટું પાપ છે. હિંદુ અને મુસલમાન સૌ ભાઈઓ છે, એક દેશના વતની છે અને સૈકાઓથી સાથે રહેતા આવ્યા છે.તેમણે નાહક ઝગડા કરી પાપના ખાડામાં શા માટે ઊંડા ઊતરવું જોઈએ ?

    “શરૂશરૂમાં તો લોકોએ બાપુની વાત ધ્યાનમાં ન લીધી પણ ધીમે ધીમે સત્યના અવાજે તેમના પર અસર કરી. તેઓ પોતાના પશુ જેવા ભયાનક વર્તનથી ચોંકી ઊઠ્યા અને તેમને મનુષ્યત્વની સાચી સ્થિતિનું ભાન થયું. લોકો તેમની કરણી પર પસ્તાયા અને તેમણે શાંતિપૂર્વક સાથે રહેવાના શપથ લીધા.

    “આ અશાંતિના દિવસોમાં બાપુને આરામ કરવાનો વિચાર સરખો આવતો નહોતો. તેમને ખાવાપીવાનું પણ યાદ નહોતું રહેતું. અને કારમી ઠંડી કે લૂના સપાટાની તેમને જરાયે ફિકર નહોતી. ક્યારેક તેઓ નોઆખાલીના ગામડામાં ઉઘાડે પગે ફરતા નજરે પડતા તો ક્યારેક બિહારીઓના ઘાયલ હ્રદય પર મલમપટ્ટા કરતા માલૂમ પડતા, તેમની હિંમત એવી અડગ હતી જે હાર સ્વીકારતી નહોતી. તેમનો વિશ્વાસ અટલ હતો અને કસોટી કરે તેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ તે વધુ ને વધુ ઉજ્જવળ થતો જતો હતો.

    “આખરે  ભારતનો સ્વાતંત્ર્યદિન આવી પહોંચ્યો અને ચારે દિશામાં આનંદનું મોજું ફરી વળ્યું. પણ સ્વતંત્રતાની રોશનીની સાથે જ વેરઝેર અને ફાટફૂટનાં  કાળાં વાદળાં પણ ચારે દિશાએ ઘેરાયાં. દિલ્હીમાં લોકો આનંદભેર માઉન્ટબૅટનની જય પોકારતા હતા ત્યારે બંગાળમાં કેટલાક લોકો આપણા ગાંધીબાપુ પર પથ્થર વરસાવી રહ્યા હતા. મૂર્ખાઈ અને વાડાબંધીના ઘોર અંધકારમાં આપણે રસ્તો ચૂકી ગયા. બધાં પ્રેમબંધનો તૂટી ગયાં અને ભાઈ ભાઈનો દુશ્મન બન્યો. મનુષ્યે વરુનું રૂપ લીધું હોય એમ લાગવા માંડ્યું. હિંદુને મુસલમાનના લોહીની ભૂખ લાગી હતી અને મુસલમાનને હિંદુના જાન જોઈતા હતા ! આ ભયાનક સમયમાં ફક્ત બે-ચાર કિરણો એવાં હતાં જે તેમની પૂરી શક્તિથી પાપના અંધકારમાં પ્રકાશ ફેલાવવાની કોશિશ કર્યા કરતાં હતાં.”

    હરિ—“મા, એ કિરણો ક્યાં?

    મા—“ એ કિરણો તે આપણા બાપુ અને તેમના સાથીઓ . પણ આપણે સૌએ તેમના તરફથી નજર ફેરવી લીધી હતી અને દરેક બાજુથી ‘મારો મારો’ ના અવાજો જ આવતા હતા. ”

    હરિ—“મા, એ અવાજો કોના હતા ?”

    મા—“ બેટા, એ અવાજો તોફાની હિંદુ, મુસલમાન અને શીખોના હતા. તેઓ એકબીજાને ખાવા ધાતા હતા. આવા વખતની રાહ જોયા કરતા ગુંડાઓએ આ વખતે એવાં તોફાનો કર્યાં, મારફાડ કરી, નિર્દોષો પર અત્યાચારો ગુજાર્યા કે દુનિયા આપનું ગાંડપણ જોઈ આભી બની ગઈ.” હરિને આ સાંભળીને ખૂબ દુ:ખ થયું. તે વિચારમાં પડી ગયો અને બોલ્યો : “મા, હિંદુ, મુસલમાન અને શીખોને આવું ખરાબ વર્તન કરતા જોઈ બાપુને ખૂબ દુ:ખ થયું હશે ખરું ને ?”

    મા—“હા બેટા. આ બધું જોઈ તેઓ ખૂબ અકળાતા. તેઓ દુ:ખી થઈ જઈ અનેક વાર બૂમ પાડી ઊઠતા કે, હે પ્રભુ ! આ અત્યાચાર અને મારફાડ મારાથી જોયાં જતાં નથી. હવે તું મને આ સંસારમાંથી ઉઠાવી લે.

    “નોઆખાલી અને બિહારના ઝગડાઓ પતાવી તેઓ પંજાબ જતા હતા ત્યાં દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યાં. એ બધું તો તેં જોયું છે. એ દિવસો કેવા ભયંકર હતા ? બાપુ દિલ્હી ગયા. ત્યાંના તોફાનો જોઈ ત્યાં શાંતિ સ્થાપ્યા સિવાય આગળ જવા તેમનું મન ન માન્યું અને તેઓ ત્યાં જ રોકાઈ ગયા. દિલ્હીમાં તેમણે જોયું કે પંજાબમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા લોકો દિલ્હીમાં લાખોની સંખ્યામાં ખડકાઈ ગયા હતા. એવું કહેવાય છે કે દિલ્હીની ખુનામરકી આ દિલથી ઘવાયેલા લોકોને કારણે થઈ હતી. આ દુ:ખી લોકો તરફ બાપુની સંપૂર્ણ સહાનુભૂતિ હતી. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે જો દિલ્હી સરકાર મામલો કાબૂમાં નહીં લઈ શકે તો દિલ્હીનાં તોફાનોની આગ આખા દેશને ભસ્મ કરી નાખશે.”

    હરિ—“મા, પછી બાપુએ શું કર્યું?

    મા—“બાપુએ શું કરવું જોઈએ તેનો ખૂબ શાંત ચિત્તે વિચાર કર્યો. તેમણે દિલ્હીના મોટા મોટા અમલદારોને બોલાવીને સમજાવ્યું કે તેઓ હિંદુ અને મુસલમાન બંનેને સરખા ગણે તેમ જ સાવધાની અને હોશિયારીથી કામ કરે. બીજી તરફ નિરાશ્રિતો પાસે જઈ તેમને આશ્વાસન આપ્યું અને તેમને સમજાવ્યું કે દિલ્હીના મુસલમાનોને તમારું કંઈ બગાડ્યું નથી. જે મુસલમાનોએ તમને તમારાં ઘરોમાંથી હાંકી કાઢ્યા છે અને તમને દુ:ખ પહોંચાડ્યું છે તે મુસલમાનોને અને આ મુસલમાનોને કંઈ સંબંધ નથી. તેમણે મુસલમાનોને પણ સમજાવ્યા કે તેઓ નિરાશ્રિત બનેલા પંજાબી અને સિંધી ભાઈઓને દરેક રીતની મદદ કરે. જો એકબીજાનું વેર લેવાની વૃત્તિ વધશે તો મામલો કાબૂમાં નહીં લઈ શકાય એ બાપુ સારી રીતે જાણતા હતા. તેઓ લોકોને કહેતા કે ઈશ્વરને ખાતર સૌ સમજદારી અને સબૂરીથી કામ લો તેમ જ પોતાની જાત ઉપર અને એકબીજા ઉપર રહેમ રાખો.

    “જ્યારે ગાંધીજીએ જોયું કે ખરેખર લોકોની મતિ ઊલટી થઈ ગઈ છે અને ક્રોધને લીધે તેઓ કશું સાંભળવા કે સમજવા માગતા નથી ત્યારે તેઓ ઉપવાસ પર ઊતર્યા. તેમણે કહ્યું કે મારા જીવના ભોગે પણ હું હિંદુ, મુસલમાન અને શીખોને એક કરીને જંપીશ. એ વખતે દિલ્હીમાં ખૂબ ધમાલ ચલ્યા કરતી હતી. શું કરવું અને શું ન કરવું તેની કોઈને સૂઝ પડતી નહોતી.આખરે બધા ધર્મના નેતાઓ ભેગા થઈને બાપુ પાસે ગયા અને તેમબ્ણે પ્રતિજ્ઞા લીધી કે અમારા જાનને જોખમે પણ અમે દિલ્હીમાં તોફાનો નહીં થવા દઈએ. આ લોકો કહે છે તેવું કરી બતાવશે એવી ખાતરી થતાં બાપુએ ઉપવાસ છોડ્યા અને તે જ દિવસથી દિલ્હીની સ્થિતિ સુધરવા લાગી.”

    હરિ—“ મા, બાપુએ ઉપવાસ છોડ્યા તે દિવસે લોકો કેવા ખુશીમાં આવી ગયા હતા ! આખા દિલ્હીમાં બધાંને ત્યાં જાણે લગ્ન હોય એવું લાગતું હતું.”

    મા—“બેટા, તારી વાત સાચી છે. ભલા લોકો પર બાપુના ઉપવાસની ખૂબ સારી અસર થઈ હતી. તેમના આનંદનો પાર નહોતો. પન બાપુનું હિંદુમુસ્લિમ એક કરવાનું પગલું જેમને બિલકુલ ગમતું નહોતું તેવા લોકો પણ હતા. તેઓ એમ માનતા હતા કે ગાંધીજીનાં આ પગલાંથી આપણે નિર્બળ થઈ જઈશું. તેઓ એવું પણ માનતા હતા કે લાઠીનો જવાબ લાઠીથી અને ગોળીનો જવાબ ગોળીથી વાળે તે જ વીર ગણાય. બુરાઈનો બદલો ભલાઈથી વાળવો એ નિર્બળતા અને બેવકૂફી છે. આવું માનનારા એ પણ જાણતા હતા કે બાપુ જ્યાં સુધી જીવે છે, અને જીવશે, ત્યાં સુધી તેઓ હિંદુ, મુસલમાન તેમ જ શીખોની એકતા માટે મરી ફીટશે. બાપુના જીવતાં આવા લોકોની વાત કોઈ સાંભળે તેમ પણ નહોતું. તેથી આવા લોકો પાસે બાપુને મારી નાખી પોતાના રસ્તામાંનો કાંટો દૂર કરવાનો એક જ રસ્તો ઉઘાડો હતો.

    “?બાપુ રાતનું ભોજનદિવસે કરી લઈ બરાબર પાંચ વાગ્યે પ્રાર્થના-સભામાં પહોંચી જતા. લોકો આગળથી પ્રાર્થના માટે ભેગા મળી તેમના આવવાની રાહ જોયા કરતા. બાપુ તેમની વચ્ચેથી પસાર થતા ત્યારે કોઈ તેમને ઝૂકીને પ્રણામ કરતું, કોઈ નમસ્કાર કરતું તો કોઈ તેમને પગે પડતું. બાપુ પ્રાર્થનાસ્થાને એક નીચી પાટ ઉપર બેસી જતા. કુરાન અને ગીતાનો પાઠ કરનારા તેમની સાથે જ બેસતા. ભજન ગાનારા પણ ત્યાં જ બેસતા. પ્રાર્થનાની શરૂઆતમાં કુરાનમાંથી કેટલીક આયાતો વાંચવામાં આવતી, પછી ગીતાનો પાઠ થતો અને ત્યારબાદ ભજન ગાવામાં આવતાં.  પ્રાર્થના પછી બાપુ લોકોને કંઈક ઉપદેશ આપતા. ઉપદેશમાં તેઓ તે દિવસની પરિસ્થિતિનો ખ્યાલ આપતા  તેમ જ ઊંચનીચનો ભેદભાવ ટાળવાનું કહેતા. પ્રાર્થનાસભામાં બાપુની પ્યારી ધૂન:

    ‘ઈશ્વર અલ્લા તેરે નામ,

    સબકો સન્મતિ દે ભગવાન.’

રોજ ગવાતી. આવાં બીજાં કેટલાંયે ભજનો પ્રાર્થનાસભામાં અવારનવાર ગવાતાં.

    “ દૂર દૂરથી લોકો ગાંધીજીની પ્રાર્થનાસભામાં આવતા. હિંદુ અને મુસલમાન તેમ જ હરિજન અને બ્રાહ્મણ સૌ સાથે બેસીને પ્રભુની પ્રાર્થના કરતા.”

    હરિ—“મા, પ્રાર્થનાસભામાં તો હું પણ ગયો છું એટલે ત્યાં શું શું થતું તે હું જાણું છું, પણ બાપુ ગીતાની સાથે સાથે કુરાન અને બાઈબલ શા માટે વંચાવતા તે મને સમજાતું નથી.”

    મા—“બેટા, બાપુ એમ કહેતા હતા કે બધા જ ધર્મો સાચા છે તેમ જ બધા ધર્મનાં ધર્મપુસ્તકો ઈશ્વરે આપેલાં છે.આ પુસ્તકો સચ્ચાઈનો રસ્તો બતાવે છે. તેઓ એમ પણ કહેતા કે હું હિંદુ પણ છું અને મુસલમાન પણ છું તેમ જ શીખ પણ છું અને ખ્રિસ્તી પણ છું. એ બધા ધર્મો મારા ધર્મ છે કારણ કે ધર્મનું મૂળ સત્ય અને નેકીમાં રહેલું છે.

    “વારુ… હું તને આજની વાત કહેતી હતી. આજે તેમને થોડું મોડું થયું હોવાથી તેઓ ઉતાવળે પગલે પ્રાર્થનાસભામાં પહોંચ્યા. તેઓ ટોળામાંથી પસાર થતા હતા તેવામાં એક નિર્દય માણસ તેમને પ્રણામ કરવાને બહાને તેમની પાસે આવ્યો અને તેણે બાપુ પર ગોળીઓ ચલાવી બાપુને મારી નાખ્યા. બાપુ પર ગોળી ચલાવનારનું હ્રદય કેટલું બધું કઠોર હશે !

    “અરે ! હરિ, તું રડે છે ! રડ નહીં; ધીરજ રાખ. બાપુ સત્યને ખાતર મર્યા છે. એવા માણસો મરતા નથી, અમર રહે છે. તું જોઈશ કે આખરે તેમની જીત થશે. બાપુની જીત એ સત્યની જીત છે. અને સત્યની જીત એ ભારતની જીત છે. એ જીત મેળવવા માટે વૃદ્ધ કે બાળક, સ્ત્રી કે પુરુષ સૌએ અથાક મહેનત કરવી પડશે. બાપુએ ચીંધેલા રસ્તે આપણે એકલા નથી જવાનું પણ આપણા સાથીઓને પણ લઈ જવાના છે. ત્રીસ વર્ષથી ગાંધીજી આપણને એ માર્ગબતાવતા આવ્યા છે. એ સાચો રસ્તો ભૂલી જઈ જે લોકો અસત્ય, વેરઝેર અને હિંસાને અવળે માર્ગે ચડી ગયા છે તેમને આપણે પકડી પકડીને સાચા રસ્તા પર લાવવાના છે.

    “આપણે કેવળ હિંદુ, મુસલમાન, શીખ કે ખ્રિસ્તી છીએ એવું ક્યારેય ન વિચારતાં આપણે સૌ હિંદુસ્તાની છીએ એ વાત આપણે હમેશાં યાદ રાખવી જોઈએ. અને સાચા હિંદુસ્તાનીતરીકે આપણે સૌએ હિંદુમુસ્લિમ એકતા માટે કામ કરવું જોઈએ. હિંદુસ્તાન અને પાકિસ્તાન બંનેને બધી જાતિઓ એક છે એવો ઉપદેશ આપવો જોઈએ. હિંદુ, મુસલમાન કે શીખ સૌ ઈશ્વરનાં બાળકો છે. બધાએ હળીમળીને પ્રેમથી રહેવું જોઈએ.”

    હરિ—“ મા ! સાચા હિંદુસ્તાની બનવા માટે મારે શું કરવું જોઈએ ?”

    મા—“બેટા, તે માટે આપણે બાપુએ બતાવેલે રસ્તે ચાલવું જોઈએ. જ્યાં નિર્ધનતા અને દુ:ખ ન હોય, નિર્બળ પર બળિયાનો ભાર ન હોય, તવંગર અને ગરીબ તેમ જ હિંદુ અને મુસલમાન એવા ભેદભાવ ન હોય, સૌ સમાન હોય, કોઈ કોઈને દબાવી ન શકે, અને જેમાં બધાં જ ભણીગણીને આનંદથી રહે એવા હિંદનું આપણે નિર્માણ કરવાનું છે. તે માટે સત્ય, બલિદાન, ત્યાગ અને પુરુષાર્થ કેળવવાં જરૂરી છે. આપણે બધાં એ કામમાં મંડી પડીશું તો બાપુના આત્માને અપૂર્વ શાંતિ મળશે. વળી, દર વખતે આપણા કામનું ફળ મળહે જ એવું પણ નથી, પણ તેથી નિરાશ ન થતાં આપણે  આપણો પુરુષાર્થ ચાલુ રાખવો એ જ બાપુના અનુયાયીઓનું કર્તવ્ય છે. બાપુના સાચા અનુયાયીઓ તો પરિણામની આશા રાખ્યા વગર રાતદિવસ સાચાં કામો કર્યે જ જાય છે, અને એ જ સાચી સેવા છે.”

    હરિની મા હરિને ગાંધીબાપુની વાત કહી સંભળાવતાં હતાં તેવામાં દાદાજી રેડિયો પર પંડિત જવાહરલાલ અને સરદાર પટેલનું ભાષણ સાંભળીને કહેવા લાગ્યા :

    “બિચારા પંડિતજી પર તો જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. રેડિયો પર તેમણે ખૂબ ભારે અવાજે કહ્યું, ‘દોસ્તો અને સાથીઓ, દીવો બુઝાઈ ગયો છે અને આપણી જિંદગી પર અંધકાર છવાઈ ગયો છે. હું તમને શું કહું… કેવી રીતે કહું કે આપણા નેતા, આપણા પિતાનું અવસાન થયું છે. દેશમાં વેરઝેર ફેલાયેલાંછે. એ વેરઝેરે લોકોનાં મનને પણ ઝેરીલાં કરી મૂક્યાં છે. આપણે શાંતિ અને હિંમતપૂર્વક એ વિષવૃક્ષને ઉખેડી નાખવું જોઈએ. આપણે મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તે પણ બાપુએ શીખવ્યું છે તે જ રીતે કરીશું. કાલનો દિવસ સૌ ઉપવાસ અને પ્રાર્થના કરે. કાલે ચાર વાગ્યે બાપુની ચિતા સળગાવવામાં આવશે. આપણે સૌ બાપુની જેમ દેશને માટે આપનું જીવન આપી દઈએ….’

    “ત્યાર પછી સરદાર પટેલ બોલ્યા. તેમના પર પણ ગાંધીજીના અવસાનની ખૂબ અસર થઈ હતી. તેમણે કહ્યું, ‘તમને શું કહું કે શું બન્યું છે? પણ જે બન્યું છે તે ખરેખર દુ:ખની અને શરમની વાત છે. છેલ્લા કેટલાક દિવસથી ગાંધીજીને દેશની હાલતથી અસંતોષ હતો. તેથી તેમણે ઉપવાસ કર્યા હતા. જે કંઈ બની ગયું તેનું દુ:ખ તો અવશ્ય છે, પણ તેનો   ક્રોધ ન હોવો જોઈએ. ક્રોધ કરવામાં આપણે તેમનો ઉપદેશ ભૂલી જઈએ એવો ડર રહે છે. બાપુના જીવતાં જે આપણે ન કરી શક્યા તે આપણે હવે કરી બતાવવાનું છે; નહીં તો આપણે બાપુની શિખામણ પ્રમાણે ન ચાલી શક્યા એવો ડાઘ આપણા નામને લાગશે. આજે બનેલી દુ:ખદ ઘટના આપણા નવયુવાનોને જાગ્રત કરી તેમને તેમનો સાચો ધર્મ  શીખવે એવી પ્રાર્થના કરું છું. હિંમત હારવાની જરૂર નથી. આપણે સૌએ ભેગા મળીને  ગાંધીજીએ શરૂ કરેલા કામને પૂરું કરવાનું છે.’ “

    દાદાજીની વાત સાંભળી હરિની માની આંખમાં આંસુ આવી ગયાં હતાં. તે જોઈ દાદાજી બોલ્યા, “અરે, તમે રડો છો ! રડવાથી કંઈ વળતું નથી. રડીને માથે હાથ દઈ બેસી રહેવાનો આ સમય નથી. આ જ પળે ગાંધીજીના શત્રુઓ સામે આપણે કમર કસવી જોઈએ અને કહેવું જોઈએ કે, ‘અમે બાપુના વારસદાર છીએ, બાપુના સૈનિક છીએ અને બાપુના શત્રુઓ સામે મેદાને પડ્યા છીએ. સત્યનો ઝંડો, અહિંસાની ઢાલ અને આત્મવિશ્વાસની તલવારથી લોહીનું ટીપું પાડ્યા વિના અમે લડીશું; અને જીતીશું. અમારી જીતને કોઈ ટાળી શકે એમ નથી.’

    “ચાલો ! સૌ હિંદુસ્તાનીઓ ભેગા મળી જાગ્રત થઈએ. આપણાં આંસુ લૂછી નાખી નવી આશાઓ સાથે આગેકૂચ કરીએ. બાપુનાં તેજ અને શક્તિથી આપણે જગતને સત્યનો જ વિજય થાય છે એમ સાબિત કરી બતાવીએ. બાપુ કોણ હતા અને શું ઇચ્છતા હતા તેનું જગતને દર્શન કરાવીએ.”

*************************************************

  

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: