પરદુ:ખભંજક ડૉ.વિક્રમ//ડૉ.શરદ ઠાકર

 

પરદુ:ખભંજક ડૉ.વિક્રમ//ડૉ.શરદ ઠાકર

(જલારામ જ્યોત,સપ્ટેમ્બર 2014/પાનું:31)

મુનિ આશ્રમના મુખ્ય ઝાંપા પાસે આવીને એક ટ્રક ઊભો રહ્યો. અંદરથી આખું વાહન ભરીને બાળકો ઠલવાયાં. એમના શોરબકોરથી આશ્રમ ગાજી ઊઠ્યો. ટ્રકની આગલી કેબિનનો દરવાજો ખોલીને એક કલીનર નીચે ઊતર્યો. એણે એક એક નંગ કરીને આ જીવંત લગેજ ગણી લીધો.

એમાંથી બે નિર્દોષ, રમતિયાળ, નાનકડી છોકરીઓ કૂદીને એના એક—એક ખભા પર ચડી બેઠી.કલીનર હસ્યો; એક બાપ હસે એવું ! આખું ટોળું ગુંજતું ગુંજતું અમે બેઠા હતા એ તરફ આવ્યું.

વડોદરા પાસે ગોરજ ગામની સીમમાં દેવ નદીને કાંઠે આવેલા મુનિ આશ્રમના સ્થાપક અને સંચાલિકા અનુબેન ઠક્કરની સાથે અમે સૌ આશ્રમમાં વૃક્ષોની છાંય હેઠળ બેઠા હતા. અનુબેને થોડા વરસોમાં જ અહીં વગડામાં નંદનવન ઊભું કરી દીધું હતું.

નાનકડી ઝૂંપડીથી શરૂ થયેલું અનુબેનનું એ સાહસિક કદમ પછી તો દાંડીકૂચ જેવું બની ગયું હતું. અસહાય વૃદ્ધો માટેના આવાસ અહીં થયા, અનાથ બહેનો માટેનો આશરો બન્યો, તજી દેવાયેલાં ભૂલકાંઓ માટે ઘર પણ બન્યાં હતાં, મંદબુદ્ધિની બહેનો માટે એમના ઘરે ન થાય એવી સગવડ ઊભી કરાઈ હતી. આશ્રમમાં બેંક હતી, શાળા હતી. એક અદ્યતન હોસ્પિટલ હતી અને હજુ ક્ષિતિજો વિસ્તરતી જતી હતી.

મારે અનુબેનને મળવા ઉપરાંત એક બીજી વ્યક્તિને પણ મળવું હતું. અનેબેનને તો હું એમના વિશેની લેખમાળાથી સમગ્રપણે ઓળખતો થઈ ગયો હતો પણ મારું મન કાવતરાંખોર છે. કોઈ મને ગાંધીજીની મુલાકાતે લઈજાય તો મારું ધ્યાન એમના કરતા વધુ તો પાસે બેઠેલા મહાદેવભાઈતરફ દોડ્યા કરે ! અહીં પણ એવું જ હતું. અનુબેનના જમણા હાથ જેવા એમના સહકાર્યકર ડૉ.વિક્રમ પટેલને મળવાની મને તીવ્ર ઉત્કંઠા હતી. ક્યારેક મહાદેવભાઈને મળવાથી મહાત્માને વધુ સારી રીતે ઓળખી શકાય છે.

સાંભળ્યું હતું કે બહુ નાની ઉંમરે આ એમ.બી.બી.એસ. થયેલો ડૉકટર સેવાની એકમાત્ર ઈચ્છાથી છેલ્લા પંદર વરસથી અહીં ધૂણી ધખાવીને બેઠો છે. માત્ર એક ઓરડાથી શરૂ થયેલી આ ગામઠી ઓ.પી.ડી. આજે કોઈપણ શહેરની સર્વોત્તમ હૉસ્પિટલની મિની આવૃત્તિ જેવી બની ગઈ છે.

પણ આજે તો રવિવાર ! ડૉ.વિક્રમ પટેલ કદાચ એમના કોટેજમાં ઊંઘતા હશે. એમના હાથ નીચેના અન્ય ચાર-પાંચ ડોકટરોજોડે પરિચય થયો. બધાં અશ્વિનીકુમારો જેવા સોહામણા હતા. એમનો વડો તો કોણ જાણે કેવોય હશે ? હવે તો સાંજ પડે ને એ ઊઠે ત્યાં સુધી વાટ જોવી જ રહી.

બાળકો પણ બધાં પિકનિક પર હતાં. અહીં તો ખેતરમાં શ્રમકાર્ય કરવાનું, વનભોજન કરવાનું, માટી સાથે રમવાનું, ધૂળનો સાબુ ડીલે ચોળીને પરસેવાથી સ્નાન કરવાનું અને સૂરજ ઢળે એટલે પંખીની જેમ પોતાના માળે વળવાનું ! બસ, એ બધાં આવે ત્યાં સુધી અમારે રાહ જોવાની હતી.

આખો ફલેશબેક મારા મનમાં એક ક્ષણમાં ભજવાઈ ગયો, એટલીવારમાં પેલો ક્લીનર છેક અમારી નજીક આવી પહોંચ્યો. બંને છોકરીઓને કાચના સામાનની જેમ હળવેકથી નીચે ઉતારીને અનુબેનને હવાલે કરી. બંને જણીઓ અનુબેનને વળગી પડી.

‘મમ્મી-મમ્મી’ અને ‘બેટા-બેટા’ ના અવાજોથી વાતાવરણ ભરાઈ ગયું. કોણ કુંભ ઠાલવતું રહ્યું અને કોણ પામતું હતું એ કહેવું મુશ્કેલ હતું. પેલો કલીનર મારી બાજુમાં ગોઠવાયો. ઘસાઈ ગયેલું જીન્સનું પેન્ટ, ચોકડાવાળું ભૂરું શર્ટ, જામી ગયેલી દાઢી, અસ્તવ્યસ્ત માથાનાં વાળ, શરીરમાંથી પરસેવાની ઈન્ટીમેટ ખુશ્બૂ !

મને વિચાર આવ્યો, ખરા ખડતલ માણસો હોય છે ! ભગવાન એમને અભણ રાખે છે, પણ બદલામાં કેટલી શારીરિક ક્ષમતા આપી દે છે ! આના એક ટકા જેટલું પણ કામ મારાથી ન થાય. પણ અમારે એવી જરૂર પણ ન પડે ! આરામથી ટાઢે છાંયે ખુરશીમાં બેઠાં બેઠાં કામ કર્યા કરીએ અને દરદીઓ નાણાંની કોથળી ઠાલવ્યે જાય ! જ્યારે આ બિચારા ભણ્યા નહીં એમાં કેટલો ટાઢ–તડકો વેઠ વો પડે છે ?

વિચારો પર અનુબેનના અવાજે બ્રેક મારી, ‘શરદભાઈ, તમને પરિચય કરાવું. આ છે ડૉ. વિક્રમ પટેલ; અમારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડટ !’ મેં આજુબાજુ જોયું. અનુબેનની આંગળી પેલા ક્લીનર તરફ ચીંધાયેલી હતી. ક્લીનર મંદ—મંદ હસતો હતો. એનો પરસેવાવાળો હાથ મારા તરફ લંબાયેલો હતો. મને આઘાતની કળ વળી ત્યારે આંખમાં ભીનાશ પણ વળગી.

આ એ જ માણસ છે જેને મળવા માટે હું છેક અમદાવાદથી અહીં સુધી લાંબો થયો હતો? આજે મેડિકલ લાઈનમાં પ્રવેશ મળતાવેંત જ જ્યારે છોકરા-છોકરીઓ ધરતીથી બે વેંત ઊંચે ઊડવા માંડે છે, ત્યારે આ માણસ આટલી નાની વયે માટીમાં રગદોળાવા માટે અહીં આવીને બેઠો છે ?

રજનીકુમારે પાછળથી મને પૂછ્યું હતું કે, ‘ તમારી આંખો એમને મળતાં ભીની કેમ થઈ ગઈ હતી ?’ મેં વાળેલો જવાબ આજે પણ મારા માટે ખરો છે. મારી આંખોની એ કમજોરી ગણી શકો તમે. પરંતુ જ્યારે પણ કોઈ સામર્થ્યવાન વ્યક્તિને બીજા પીડિતો માટે કષ્ટ ઉઠાવતાં જોઉં છું ત્યારે મારી અશ્રુગ્રંથિઓ અનાયાસે જ કામે લાગી જાય છે. ‘ગાંધી’ ફિલ્મમાં દક્ષિણ આફ્રિકાની ગોરી પોલીસના હાથે જ્યારે પોરબંદરના દીવાનના છોકરાના હાથ પર દંડા પડતાં જોયાં હતાં, ત્યારે પણ આમ જ થયું હતું.

આજે એક સુખી, પટેલ કુટુંબના, ડોકટરી પાસ કરેલા યુવાન પુત્રને ખાનગી ટંકશાળ ખોલીને રૂપિયાની નોટો છાપવાને બદલે આમ ગરીબ અભણ પ્રજા માટે ધૂળથી ખરડાયેલો જોઉં છું, ત્યારે એની સ્વેચ્છાએ વહોરી લીધેલી ફનાગીરી નિહાળીને પણ એમ જ થાય છે. બહુ દિલ દ્રવી જાય ત્યારે બીજું કરી પણ શું શકીએ ?

અનુબેન ઠક્કરે ગોરજ ગામની સીમમાં મુનિ આશ્રમ તો સ્થાપી દીધો. પણ પછીજોયું  ત્યારે ખબર પડી કે આ બાજુનાં ગામડાં અજ્ઞાનતા અને ગઈબાઈથી ખદબદી રહ્યાં છે. આ બંનેની પાછળ માંદગી અનુચરની જેમ ચાલી જ આવે છે. સેવાનું ક્ષેત્ર મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર જેવું છે. એના સંચાલક પાસે માગો એ વસ્તુ મળવી જોઈએ. આરોગ્યનું ક્ષેત્ર પણ એમાંથી બાકાત ન હોય ! અહીં તો આસપાસના વિસ્તારમાં આ બાબતે ભયંકર દુકાળ હતો.

શરૂઆત એમણે નાનકડી હાટડીથી કરી. એક નાની ઓરડી, થોડી દવાઓની બાટલીઓ અને એક સેવાભાવી ડોકટર નામે મહેબૂબ કાડીયા! દર રવિવારે વડોદરાથી આવે. ગામડામાંથી કીડિયારું ઊભરાય, બધાને દવાઓ આપે ત્યાં બપોરના ત્રણ વાગી જાય, ખિસ્સામાં એ બધાનાં આશીર્વાદ, સંતોષ અને નવી સ્ફૂર્તિ ભરીને વિદાય થાય પણ એને અમેરિકા જવાનું થયું. એમણે પોતાના જુનિયર મિત્રોમાં ટહેલ નાખી, પણ લગભગ બધાં ભોગી નીકળ્યા, જોગી એકપણ ન મળ્યો.

અનુબેને સમજાવ્યું કે જોગીની જમાત જુદી નથી હોતી,’ એને તો ભોગીઓના ટોળામાંથી જ તારવવો પડે છે. એક રવિવારે વડોદરાથી 25-30 ડોકટરોને આશ્રમમાં બોલાવીને પોંક પાર્ટી ગોઠવી. પેટમાં પોંક ગોઠવાયો પછી અનુબેન પ્રગટ થયાં. એમણે બહુ સરળ ભાષામાં પરિસ્થિતિનો ચિતાર આપ્યો. તમારામાંથી કોઈ એક ભાઈ પણ નહીં જાગે ? અહીં આવીને તમારી તો કદાચ એકાદ જિંદગી બરબાદ થશે, પણ જો નહીં આવો તો અહીંની કેટલી જિંદગી બરબાદ થશે એનો વિચાર તો કરો !

આપણામંથી કો’ક તો જાગે ! એક જાગું જાગું થયા કરતો હતો, એ સફાળો જાગી ગયો. માત્ર દર રવિવારે જ નહીં, હંમેશને માટે બહારની દુનિયાના તમામ પ્રલોભનો તજીને આશ્રમમાં રહેવા પહોંચી ગયો. મનમાં વિચારોનું યુદ્ધ ચાલતું હતું, એકની પાછળ બીજો નિર્ણય પણ લેવાતો જ રહ્યો.

એમાં લગ્ન કરવાનો વિચાર સૌથી પહેલાં જ વધેરાઈ ગયો. લગ્ન કરો એટલે બાવાની લંગોટી જેવો ઘાટ થાય. બીજાના માટે આવો આકરો નિર્ણય લેનારના નામ પાછાં જુદા નથી હોતા. ઈતિહાસમાં પરદુ:ખભંજનો બધા વિક્રમ નામધારીઓ જ હોય છે. આ જાગેલો જુવાનિયો પણ ડૉ.વિક્રમ પટેલ જ ! અસલાલી ગામના સુખી પટેલ પરિવારનાં ત્રણ દીકરામાં એ સૌથી નાનો ! ઘરમાં સૌથી વધુ હોંશિયાર. આખા કુટુંબની આશાઓનું એ કેન્દ્રબિંદુ. એ ડોકટર બનીને બહાર આવ્યો ત્યારે એના ગળામાં ઝૂલતા સ્ટેથોસ્કોપની સંગાથે કુટુંબના સભ્યોના સપનાં પણ  ઝૂલતાં હતાં.

ભણેલો-ગણેલો દીકરો પરણવાની ના પાડે એટલે ઘરમાં વંટોળ જાગે, ખાસ કરીને એની જનેતા ખળભળી ઊઠે ! પણ અહીં ઊલટું બન્યું. મા કરતાં પિતા વિક્રમના લગ્ન માટે વધારે આગ્રહ કરવા માંડ્યા. દીકરાને ઘોડે ચડતો જોવાની બાપની જિદ્દ જ્યારે હદ વટાવતી હોય એમ લાગ્યું, ત્યારે વિક્રમના બાએ એક પટેલ માતા જ બોલી શકે એવાં કટાક્ષમય વેણ ઉચ્ચાર્યાં. તમારે જો બીજી વાર ઘોડે ચડવું હોય તો તમને છૂટ છે, હું ના નહીં પાડું; પણ મારા દીકરા પર વધુ દબાણ ન કરશો. જે નિર્ણય લેશે એ સાચો જ હશે. વિક્રમના બાપુ સમજ્યા, પોતાની હઠ છોડી અને ડો.વિક્રમ પટેલની સેવાની સ્પેશ્યલ ટ્રેઈન સુપરફાસ્ટ ગતિએ ઊપડી !

આજે એ ક્ષણને તેર-તેર વરસ વીતી ગયાં છે. પણ એ ક્ષણની ઉપર બીજી ક્ષણ ચડી નથી. આશ્રમમાં નાનકડી હાટડીથી શરૂ થયેલ તબીબી પ્રવૃત્તિએ મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરનું રૂપ ધારણ કરી લીધું છે. ચાર ફૂલટાઈમ તબીબો, ત્રીસ જણાંનો બીજો સ્ટાફ, બે ઓપરેશન થીએટર્સ, સાતથી આઠ જેટલાં અન્ય વિભાગો; શહેરની કોઈપણ આધુનિક હોસ્પિટલ બની રહી છે. એના સુપ્રિન્ટેન્ડન્ટ વિક્રમ પટેલે પોતાની જાતને એટલા બધાં કામમાં ડુબાડી દીધી છે કે મન ઉપર કામદેવને સવાર થવાનો સમય જ મળતો નથી. જ્યારે નવરા પડ ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાચન ચાલતું હોય.

ડો. વિક્રમે લગ્ન ભલે ન કર્યાં, પણ પિતૃત્વની ભાવનાને દાબી ન શક્યા. આશ્રમમાં જ બે અનાથ છોકરીઓ આવી હતી. જે સમજણી થતી ગઈ એમ એમ અનુબેનને મમ્મી અને વિક્રમભાઈને પપ્પા કહેવા માંડી. એક નાનકડો, પરિવાર બની ગયો, જેમાં બે દીકરીઓ હતી, એક પપ્પા હતા, એક મમ્મી હતી અને પપ્પા-મમ્મી   વળી એકબીજાના ભાઈ-બહેન હતા. પૃથ્વીના પટ પર આપણે તો આવો એક જ પરિવાર જોયો.

ડો.વિક્રમે માત્ર માસિક રૂપિયા સાતસોના મહેનતાણાથી શરૂઆત કરી હતી, પણ આજે પોતાને મળવાપાત્ર પૂરો પગાર સ્વીકારે છે. આ વાત જાણીને મને થોડી શાંતિ થઈ. કોઈના ભગવાં કપડાં જોઈને મનમાં મારી જાત વિષે લઘુતાગ્રંથિ જાગે ! ડો. વિક્રમ પૂરો પગાર લે  એટલે એ એક જ ક્ષણમાં દેવ મટીને માણસ થઈ જાય, બરોબર આપણા જેવો જ ! પણ પછી જ્યારે ખબર પડે કે એની તમામ બચતો એની બે દીકરીઓના નામે છે, ત્યારે મારા પેટમાં ચૂંથારા જેવું થવા માંડે છે. દેવની ઉપર મૂકી શકાય એવી કોઈ ખુરશી હશે ખરી !

છેલ્લે જ્યારે મુનિ આશ્રમની મુલાકાતે ગયો હતો, ત્યારે અનુબેને બહુ પ્રેમથી મને કહ્યું હતું, ‘શરદભાઈ, તમે પણ હવે કાયમ માટે અહીં આશ્રમમાં આવી જાવ. તમારા જેવાની અહીં વધારે જરૂર છે.’ એમના ભીના સ્વરની અપીલ જબરદસ્ત હતી. તેર વરસ પહેલાં ડો.વિક્રમ પટેલ શા માટે આશ્રમમાં રહેવા તૈયાર થઈ ગયા એનું રહસ્ય આ અવાજ સાંભળો તો જ સમજાય ! ગરીબો માટે કોઈ મધર ટેરેસા પોકારતી હોય એવું લાગે ! પણમેં તો કાનની બેય બારીઓ વાસી દીધી. મગજના બારણાંય ભડોભડ ભીડી દીધાં. અનુબેનને ‘આવજો’ કહીને અમદાવાદ તરફ ગાડી મારી મૂકી.

ઘરે આવીને ટી.વી. ચાલુ કર્યું. ચેનલ પર મહાભારતનો એપિસોડ ચાલી રહ્યો હતો. દેવવ્રત બંને હાથ પહોળા કરીને બાપના સુખ માટે આજીવન કુંવારા રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. દેવો તેના પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. દેવવ્રતમાંથી ભીષ્મમાં રૂપાંતર થવાની  એ રોમાંચક ક્ષણ હતી. મારાથી મનોમન બોલાઈ ગયું. માફ કરજો પિતામહ ! ભીષ્મ પ્રતિજ્ઞા લેવી અને પાળવી એ તમે ધારો છો એટલું મુશ્કેલ મને તો નથી લાગતું, અમારો ડો. વિક્રમ પણ એ કરી શકે છે. જો વિશ્વાસ ન પડતો હોય તો જાવ અને જોઈ આવો દેવ નદીને કાંઠે બેસીને પ્રતિજ્ઞા-પાલન કરી રહેલા દેવવ્રતને !

*************************************

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “પરદુ:ખભંજક ડૉ.વિક્રમ//ડૉ.શરદ ઠાકર
  1. […] વિક્રમ પટેલ (તેમની ઓળખ આપતો અદભૂત લેખ – ડો. શરદ ઠાક…) […]

  2. સુરેશ કહે છે:

    અદભૂત વ્યક્તિ . અહીં આ લેખની લિન્ક આપી
    https://sureshbjani.wordpress.com/2013/10/06/goraj-ashram/

    ડો. શરદ ઠાકરનો પરિચય બનાવવો છે. વિગત મેળવી આપશો તો આભારી થઈશ.

  3. […] સુરેશ પર પરદુ:ખભંજક ડૉ.વિક્રમ//ડૉ.શરદ ઠ… […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 362,174 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: