(પરમ સમીપે/સંપાદન: કુન્દનિકા કાપડિયા)માંથી

 

 

પ્રાર્થનાઓ

(પરમ સમીપે/સંપાદન: કુન્દનિકા કાપડિયા)માંથી

અંતરની વાણી

આમ તો, પ્રાર્થના એ અંતરતમનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે. એટલા માટે જ ઋષિઓ,સંતો, મહાન ભક્તો અને સામાન્ય જનો –સૌને કંઠેથી પરમાત્માને સીધી સંબોધતી વાણી ફૂટી છે. ઈશ્વર સાથે અંગત સંબંશ પર રચાયેલી આ પ્રાર્થનાઓમાં ભગવાન માટેનો પ્રેમ છે, એ પ્રેમનો આનંદ છે, હ્રદયનું સમર્પણ છે, તો કપરી પળોમાં સહાયની માગણી અને અંધકારમાંથી પ્રકાશમાં જવાની અભીપ્સા પણ છે.

અમેરિકાનાં લેખિકા હેલન સ્ટીનર રાઇસનાં આવાં પ્રભુપ્રેમનાં કાવ્યોનું પુસ્તક એક વાર હાથમાં આવતાં, એના સહજ સરળ ઉદ્ ગારોમાં રહેલા ઊંડા ભાવથી હ્રદય ભીંજાયું, ત્યારે થયું, કે આપણે ત્યાં પ્રાર્થનાનો ભાવ વ્યક્ત કરતા શ્લોકો, સ્તોત્રો, સ્તુતિઓ, કાવ્ય-રચનાઓ છે, પણ રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યો બાદ કરતાં, ભગવાન સાથે સીધી વાત કરતી, આત્મ-નિવેદનાત્મક રચનાઓ ઓછી જોવા મળે છે. એ પ્રકારનો સંગ્રહ ગુજરાતીમાં તો કદાચ એક પણ નથી.

આ વિચાર પરથી આવું એક સંકલન તૈયાર કરવાની ઇચ્છા થઈ. પરિણામ:પરમ સમીપે.

આ સંકલનની પ્રાર્થનાઓ પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગ (1-10) માં વૈદિક-પૌરાણિક પ્રાર્થનાઓ છે; બીજા વિભાગ(11-35)માં સ6ત જ્ઞાનેશ્વરથી ગુરુદયાળ મલ્લિક સુધીના પ્રસિદ્ધ સંતો-ભક્તોના ઉદ્ ગારો છે; ત્રીજા વિભાગ(48-82)માં તથા પાંચમા વિભાગ (83-99)માં જે રચનાઓ છે તેમાં કેટલીક મેં સ્વતંત્રપણે રચેલી અને કેટલીક પ્રાર્થનાને લગતાં અનેક અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં  તેની છાયા હેઠળ રચાયેલી છે.પાંચમા વિભાગની રચનાઓ વિશેષ પરિસ્થિતિ, પ્રસંગ કે વ્યક્તિને અનુલક્ષીને છે.આ માટે જે પુસ્તકોની મને મદદ મળી તેમાં ધ પ્રેયર્સ આઈ લવ(સં: ડેવીડ રેડિંગ); પ્રેયરફુલી(હેલન સ્ટીનર રાઇસ); ધ પ્લેઇન બુક ઑફ પ્રેયર્સ(વિલિયમ બાર્કલે), અ વુમન્સબૂક ઑફ પ્રેયર્સ(રીટા સ્નોડેન), પ્રેય્અર્સ ઑફ લાઇફ(મિચેલ ક્વોઇસ્ટ વગેરે પુસ્તકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. આ ઉપરાંત યુનિવર્સલ પ્રેયર્સ(સ્વામી યતીશ્વરાનંદ), રુદ્રાષ્ટાધ્યાયી, ભાગવત, ભારતકે સંત મહાત્મા(રામલાલ), કલ્યાણ-વિશેષાંક, પ્રાર્થનાપ્રસાદ(પ્ર. શારદાગ્રામ), ગીતાંજલિ-નૈવેદ્ય(રવીન્દ્રનાથ ટાગોર), આશ્રમ-ભજનાવલિ તથા ‘નવનીત’ (ગુજરાતી ડાયજેસ્ટ)ના અઢાર વર્ષના અંકોમાંથી પણ રચનાઓની પસંદગી કરી છે; તે માટે તે-તે પુસ્તકોના સંપાદકો-પ્રકાશકોની આભારી છું. શ્રી અરવિંદ આશ્રમ (પોન્ડિચેરી)એ માતાજીના ‘પ્રેયર્સ ઍન્ડ મેડિટેશન’ પુસ્તકની ત્રણ પ્રાર્થનાઓનો ‘દક્ષિણા’ માંથી પ્રગટ થયેલો અનુવાદ લેવા માટે આપેલી મંજૂરી બદલ તેમનો પણ આભાર માનું છું. ઉપર ઉલ્લેખેલાં કેટલાંક પુસ્તકો સુલભ કરી આપવા માટે સુહ્રદ શ્રી હમીર વિસનજી તથા અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી જગુભાઈ શેઠની પણ હું આભારી છું .

પ્રાર્થના જીવનનું બળ છે. વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા, ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના, તેની સ્થિતિમાંથી ઉપર ઊંચકી લઈ એલ મહત્ ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. મને માત્ર શ્રદ્ધા જ નહિ, પ્રતીતિ છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને પોતાની રીતે તેનો જવાબ પણ વાળે છે. આ પુસ્તક વાંચતાં પ્રભુ પ્રત્યેની એવી અભિમુખતા જાગશે એવી આશા રાખું છું.

–કુન્દનિકા કાપડીઆ

નંદિગ્રામ

ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ.વલસાડ)396007

*******

(દસમી આવૃત્તિ)

1982.માં ‘પરમ સમીપે’ ની પહેલી અવૃત્તિ પ્રગટ થઈ હતી. આજે 1995માં એની દસમી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે સહજપણે જ આનંદની વાત છે. વાચકોએ એને ખૂબ આવકર આપ્યો છે. તેની પ્રતીતિ કેવળ એની નકલોની સંખ્યા પરથી જ નહિ, નજીકથી ને દૂરથી, જાણ્યા-અજાણ્યા-અણધાર્યા ખૂણેથી આવેલા સંખ્યાબંધ પત્રો પરથી મળી છે. મૂંઝવણમાં મુકાયેલા અનેક લોકોને એના વાચનથીએ મનની શાન્તિ મળી છે, અનેક ઘવાયેલા હ્રદય પર શીતળતાનો લેપ કર્યો છે, અનેક હતાશ, દુ:ખી , વિષાદથી છેરાયેલા લોકોના જીવનમાં પરમતત્ત્વ પ્રત્યે શ્રદ્ધાનો દીવો પેટાવ્યો છે.રોજિંદા માનવજીવનના વિવિધ સુખદુખના પ્રસંગો સાથે વણાયેલી આ પ્રાર્થનાઓના શબ્દો ક્યારેય જૂના થતા નથી, કારણ કે એની પાછળ સનાતન ભાવ રહેલો છે. આ શબ્દો જીવનમાં સદાય અજવાળું પાથરતા રહે, એ પરમ સમીપે પ્રાર્થના.

–કુન્દનિકા કાપડીઆ.

નંદિગ્રામ, વલસાડ 396007

અપ્ટેમ્બર 1995

******************************

પ્રાર્થના કરવી એટલે ફરી ફરી

શબ્દો ઉચ્ચારવા—એમ નહિ;

પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી,

પરમાત્માનું ચિંતન અને અનુભવ

–સ્વામી રામતીર્થ

*****

પ્રાર્થના માગણી નથી

આત્માની ઝંખના છે.

પ્રાર્થના, ડોશીમાનું

નવરાશની પળોનું મનોરંજન નથી:

પ્રાર્થના અંતરનું જોડાણ છે.

*****

પાનું:1

(1)

અસતો મા સદ્ ગમય

તમસો મા જ્યોતિર્ગમય

મૃત્યોર્મા અમૃતં ગમય

અસતમાંથી મને સતમાં લઈ જા,

અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા

મૃત્યુમાંથી મને પ્રકાશમાં લઈ જા.

(શતપથ બ્રાહ્મણ 14:4:1: 30)

*****

પાનું:2

(2)

તેજોડસિ તેજો મયિ ધેહિ

વીર્યમસિ વીર્યં મયિ ધેહિ.

બલમસિ બલં મયિ ધેહિ

ઓજોડસિ ઓજો મયિ ધેહિ.

 

મન્યુરસિ મન્યું મયિ ધેહિ

સહોડસિ સહો મયિ ધેહિ.

 

તું તેજરૂપ છો, મને તેજ આપ

તું વીર્યરૂપ છો, મને વીર્યવાન બનાવ

તું બળરૂપ છો, મને બળવાન બનાવ

તું ઓજસ છો, મને ઓજસ્વી બનાવ

તું પુણ્યપ્રકોપ છો, મને પુણ્યપ્રકોપ આપ

તું સહિષ્ણુ છો, મને સહિષ્ણુતા આપ.

(યજુર્વેદ:19:9)

******

પાનું:3

(3)

યદેમિ પ્રસ્ફુરન્નિવ  દૃતિર્નધ્માતો અદ્રિવ:

મૃડા સુક્ષત્ર મૃડય

ક્રત્વ સમહ દીનતા પ્રતીપં જગમા શુચે

મૃડા સુક્ષત્ર મૃડય

અપાં મધ્યે તસ્થિવાસં તૃષ્ણાવિદ્ય્જ્જરિતારમ્

મૃડા સુક્ષત્ર મૃડય

 

હવાથી ભરેલી ધમણની જેમ હું ફૂલ્યો ફૂલ્યો ફરું છું. મને ક્ષમા કરો. હે મહાન પ્રભુ ! મને ક્ષમા કરો, કૃપા કરો.

મારી દીનતાથી હું અવળા માર્ગે ચલતો રહ્યો. હે પવિત્ર અને શક્તિશાળી પ્રભુ, મને ક્ષમા કરો, કૃપા કરો.

પાણીની વચ્ચે રહેવા છતાં પણ તે તરસ્યો છે. હે મહાન પ્રભુ, ક્ષમા કરો, કૃપા કરો.

(ઋ.7:89:2-4)

*********

પાનું:4

(4)

દૃતે દૃહ મા

મિત્રસ્ય મ ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષન્તામ

મિત્રસ્યાહં ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષે

મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે

 

હે પરમાત્મા

મને શુભ કર્મમાં દૃઢતા પ્રદાન કરો.

સર્વ પ્રાણીઓ મને મિત્રની દૃષ્ટિથી જુએ

હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દૃષ્ટિથી જોઉં.

અમે બધાં એકબીજાને મિત્રની દૃષ્ટિથી જોઈએ.

 

*********

હ્રદે ત્વા, મનસે ત્વા

હે દેવ, હ્રદયની સ્વસ્થતા માટે, મનની સ્વચ્છતા માટે,

અમે તરી ઉપાસના કરીએ છીએ.

*********

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીયં

મારા મનના સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ.

મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ.

*********

અપ ધ્વાન્તમૂર્ણુહિ પૂર્દ્ધિ ચક્ષુ:

અંધકારને દૂર કરો, પ્રકાશનો પ્રસાર કરો.

(યજુર્વેદ 36-18, 39-4,37-19, સામવેદ 3:9:7)

********************************

પાનું:5

(5)

 

યત્રાનન્દાશ્ચ મોદાશ્ચ મુદ: પ્રમુદ આસતે

કામસ્ય યત્રાપ્તા કામા, યત્ર મામમૃતં કૃધિ

ઈન્દ્રાયેન્દો પરિસ્ત્રવ

જ્યાં આત્મિક અને ભૌતિક આનંદ, મોદ અને પ્રમોદ ઉત્તમતા પર પહોંચેલા છે અને જ્યાં કામનાઓની પણ

કામના પૂર્ણ થાય છે, એ અમૃત-લોકમાં મને અમર બનાવો. હે આનંદમય, મુજ સત્ત્વશીલ મનુજ માટે આનંદ-પ્રવાહ બનીને વહો.

(ઋગવેદ:9:113:11)

*********

ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતુમ્

હે દેવ, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો

અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો

અને અમારી બુદ્ધિને શુભ વિચાર કરતી બનાવો.

(ઋગવેદ:10:25:1)

*********

આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:

અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતાં રહો.

(ઋગ્વેદ:1:89:1)

***************************************

પાનું:6

(6)

 

નમ: શમ્ભવાય ચ મયોભવાય ચ

નમ: શંકરાય ચ મયસ્કરાય ચ

નમ: શિવાય ચ શિવતરાય ચ

સુખકરને નમસ્કાર, કલ્યાણકરને પણ નમસ્કાર,

સુખના આકરને નમસ્કાર, કલ્યાણના આકરને પણ નમસ્કાર,

મંગલ-સ્વરૂપને નમસ્કાર, ચરમંગલ-સ્વરૂપને પણ નમસ્કાર.

નમ: પાર્યાય ચાવાર્યાય ચ

નમ: પ્રતરણાય ચોત્તરણાય

નમસ્તીર્થ્યાય ચ કૂલ્યાય ચ

નમ:  શષ્યાય ચ ફેન્યાય ચ

પેલે પાર રહેલાને નમસ્કાર, આ પાર રહેલાને પણ નમસ્કાર,

જળમાં તારનારને નમસ્કાર, સામે પાર ઉતારનારને નમસ્કાર,

જે તીર્થમાં અને નદીતટ પર રહેલા છે તેમને નમસ્કાર,

જે નરમ ઘાસમાં અને મોજાનાં ફીણમાં છે તેને નમસ્કાર.

******************************************

પાનું:7

 

નમ: સિક્ ત્ત્યાય ચ પ્રવાહ્યાય ચ

નમ: કિંશિલાય ચ ક્ષયણાય ચ

નમ: કપર્દિને  ચ પુલસ્તયે ચ

નમ: ઇરિણ્યાય ચ પ્રપથ્યાય ચ

 

રેતીમાં વિદ્યમાનને નમસ્કાર, પ્રવાહમાં વહેનારને નમસ્કાર,

કંકરમાં રમનારને નમસ્કાર, સ્થિર જળમાં વસેલાને નમસ્કાર,

જે જટાજૂટવાળા છે, સર્વાન્તર્યામી છે, તેમને નમસ્કાર,

જે મરુભૂમિમાં રહે છે અને રાજમાર્ગ પર વિચરે છે તેમને નમસ્કાર.

 

નમ: શુષ્કાય ચ હરિત્યાય ચ

નમ: પાંસવ્યાય ચ રજસ્યાય ચ

નમ: લોપ્પાય ચ ઉલપ્યાય ચ

નમ: ઊર્વ્યાય ચ સૂર્વ્યાય ચ.

 

સૂકાં લાકડાંમાં અને લીલાં વૃક્ષોમાં રહેનારને નમસ્કાર,

ધૂળમાં જે ખેલે છે અને પુષ્પના પરાગમાં મહેકે છે તેમને નમસ્કાર,

અગમ્ય પ્રદેશમાં જે અદૃશ્ય રહે છે તેમને નમસ્કાર,

ઘાસના બીડમાં વિહરનારને નમસ્કાર,

પૃથ્વીરૂપે સર્વને ધારણ કરનારને નમસ્કાર, અને

પ્રલયકાળે વિશ્વનો અંત આણનારને પણ નમસ્કાર.

(રુદ્રાષ્ટાધ્યાયી : 41-42-43-45)

**************************************

પાનું:8

(7)

યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં ય ઈદં સ્વયમ્

યોડસ્માત્પરસ્માચ્ચ પરસ્તં પ્રપદ્યે સ્વયમ્ભુવમ્

જેમને વિશે આ જગત રહેલું છે, જેનાથી આ જન્મે છે, જે જગતને રચે છે , પોતે આ જગત-સ્વરૂપ છે અને કાર્ય તથા કારણથી પર છે, તે સ્વયંસિદ્ધ ભગવાનને શરણે જાઉં છું.

કાલેન પંચર્વમિતેષુ કૃત્સ્નશો

લોકેષુ પલેષુ ચ સર્વહેતુષુ

તમસ્તદાસીદ્ ગહનં ગભીરં

યસ્તસ્ય પારેડભિરાજતે વિભુ:

સમગ્ર લોક, તેમના પાલકો તથા તેમનાં સર્વ કારણો કાળક્રમે જ્યારે નાશ પામ્યાં હતાં ત્યારે બધે ઘોર ગંભીર અંધકાર જ હતો. તે અંધકારની પેલે પાર વિરાજતા પ્રભુ (મારી રક્ષા કરો).

પાનું:9

તસ્મૈ નમ: પરેશાય બ્રહ્મણેડનન્તશક્ ત્યે

અરૂપાયોરુરૂપાય નમ: આશ્ચર્ય કર્મણે

અનંત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને નમસ્કાર કરું છું . રૂપરહિત છતાં અનેક સ્વરૂપો ધારણ કરનાર અને આશ્ચર્યકારક કર્મ કરનાર તે પ્રભુને મારા નમસ્કાર છે.

 

નમ:આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને

નમો ગિરાં વિદૂરાય મનસશ્ચેતસામપિ.

જે સ્વયં—પ્રકાશી છે, સર્વના સાક્ષી છે, વાણી, મન અને ચિત્તથી જે દૂર છે, તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.

 

નમો નમસ્તેડખિલકારણાય, નિષ્કારણાયાદ્ ભુતકારણાય

સર્વાંગમામ્નાયમહાર્ણવાય નમોડપવર્ગાય પરાયણાય

તમે સમસ્તના મૂળ કારણ છો, તમારું કોઈ કારણ નથી, છતાં તમે અદ્ ભુત કારણરૂપ છો. તમે સર્વ શાસ્ત્રોના મહાન સમુદ્ર છો, મોક્ષ-સ્વરૂપ અને સંતજનોના આશ્રય છો. તમને હું નમસ્કાર કરું છું.

(ભાગવત )

***********************************

પાનું:10

(8)

નમસ્તે સતે જગત્કારણાય

નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય,

નમોડદ્વૈતત્ત્ત્વાય મુક્તિપ્રદાય

નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય.

જગતના કારણરૂપ, સત્ –સ્વરૂપ, સર્વ લોકોના આશ્રયરૂપ ચેતનસ્વરૂપને નમસ્કાર. મુક્તિ આપનાર અદ્વૈતતત્ત્વને, સર્વવ્યાપી શાશ્વત બ્રહ્મને નમસ્કાર.

ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં

ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશમ્,

ત્વમેકં જગ્તકતૃપાતૃપ્રહર્તૃ

 

 

ત્વમેકં પરં નિશ્ચલં  નિર્વિકલ્પમ્ .

 

તમે જ એક શરણ લેવા યોગ્ય છો, તમે જ એક વરણ કરવા યોગ્ય છો. તમે જ એક જગતના પાલક છો અને

પોતાના પ્રકાશથી પ્રકાશમાન છો. તમે જ આ જગતના કર્તા છો, પોશક છો, સંહારક છો, તમે જ એક પરમ નિશ્ચલ અને નિર્વિકલ્પ છો.

(મહાનિર્વાણતંત્ર)

 

 

 

પાનું:11

(9)

વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો

વયં ત્વાં જગત્સાક્ષિરૂપં નમામ:,

સદેકં નિધાનં નિરાલંબમીશમ્

ભવામ્ભોધિપાતં શરણ્યં વ્રજામ:.

 

અમે તારું સ્મરણ કરીએ છીએ અને તને ભજીએ છીએ; જગતના સાક્ષીરૂપ તને અમે નમસ્કાર કરીએ છીએ. સત્ સ્વરૂપ એક માત્ર આધાર, આલંબન-રહિત અને આ ભવસાગર માટે નૌકારૂપ તું ઈશ્વરનું અમે શરણ લઈએ છીએ.

*****

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ–

ત્વમેવ બન્ધુશ્ચ  સખા ત્વમેવ,

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ

ત્વમેવ સર્વં મમ દેવદેવ.

 

તમે જ માતા છો અને પિતા પણ તમે જ છો.

તમે જ બંધુ છો અને સખા પણ તમે જ છો

તમે જ વિદ્યા છો અને તમે જ ધન છો

હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ છો.

(પાંડવગીતા)

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: